મારી ન્યૂનતા ના નડી તને,
તારી પૂર્ણતા ગૈ અડી મને.
ઉમાશંકર જોશી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શબ્દોત્સવ

શબ્દોત્સવ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

શબ્દોત્સવ - ૧: ગઝલ: આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા - મુકુલ ચોકસી
શબ્દોત્સવ - ૧: ગઝલ: કલહાંતરિતા ગઝલ - જવાહર બક્ષી
શબ્દોત્સવ - ૧: ગઝલ: ચાલ મજાની આંબાવાડી! - 'ગની' દહીંવાળા
શબ્દોત્સવ - ૨: અછાંદસ: એક બપોરે - રાવજી પટેલ
શબ્દોત્સવ - ૨:અછાંદસ: ઘર - ઉદયન ઠકકર
શબ્દોત્સવ - ૨:અછાંદસ: ફરતી ટેકરીઓ ને....રમેશ પારેખ
શબ્દોત્સવ - ૩: સૉનેટ: છેલ્લી મંજિલ - સુંદરમ્
શબ્દોત્સવ - ૩: સૉનેટ: જૂનું ઘર ખાલી કરતાં - બાલમુકુન્દ દવે
શબ્દોત્સવ - ૩: સૉનેટ: સખી મેં કલ્પી'તી - ઉમાશંકર જોશી
શબ્દોત્સવ - ૪: ગીત: અનુભૂતિ - જગદીશ જોષી
શબ્દોત્સવ - ૪: ગીત: કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી
શબ્દોત્સવ - ૪: ગીત: ફુલ વીણ સખે! - કલાપી
શબ્દોત્સવ - ૫: હાઈકુ - પન્ના નાયક
શબ્દોત્સવ - ૫: હાઈકુ - સ્નેહરશ્મિ
શબ્દોત્સવ - ૫: હાઈકુ: રાજેન્દ્ર શાહ
શબ્દોત્સવ - ૬: ભજન: મંગલ મન્દિર ખોલો ! - નરસિંહરાવ દિવેટિયા
શબ્દોત્સવ - ૬: ભજન: સાધો, તંબૂર પણ તરફડશે - હરીશ મીનાશ્રુ
શબ્દોત્સવ - ૬: ભજન: સમય મારો સાધજે વ્હાલા !
શબ્દોત્સવ - ૭: મુક્તક - મરીઝ
શબ્દોત્સવ - ૭: મુક્તક - અમૃત ઘાયલ
શબ્દોત્સવ - ૭: મુક્તક : પેરિસમાં શું કરે છે ? - શેખાદમ આબુવાલા
શબ્દોત્સવ : લયસ્તરોની બીજી વર્ષગાંઠની ઊજવણીશબ્દોત્સવ – ૭: મુક્તક – મરીઝ

પાણીમાં   હરીફોની   હરીફાઈ   ગઈ,
શક્તિ ન હતી, અલ્પતા દેખાઈ ગઈ;
દરિયાનું માપ કાઢવા, નાદાન નદી,
ગજ એનો લઈ નીકળી, ખોવાઈ ગઈ.

*

જીવે તો અહીં સૌ છે ન કર એના વિચાર,
જોવું  છે  એ કે  છે  જનમ  કે  અવતાર;
મયખાનામાં  યે  સાચા  શરાબી  છે જૂજ,
મસ્જિદમાં  યે  છે  સાચાં નમાઝી બે-ચાર.

*

શ્રદ્ધાથી   બધો    ધર્મ વખોડું  છું હું,
હાથે  કરી  તકદીરને   તોડું  છું  હું;
માંગું છું દુઆ એ તો ફક્ત છે દેખાવ,
તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું.

-મરીઝ

Comments (4)

શબ્દોત્સવ – ૭: મુક્તક – અમૃત ઘાયલ

જર  જોઇએ,  મને  ન ઝવેરાત જોઇએ,
ના  જોઇએ મિરાત, ન મ્હોલાત જોઇએ;
તારા સિવાય જોઇએ ના અન્ય કંઇ મને,
મારે  તો દોસ્ત તારી મુલાકાત  જોઇએ.

બાજુમાં ગુલ અને નજરમાં બહાર,
હાથમાં  જામ,  આંખડીમાં ખુમાર;
આવી પહોંચી સવારી ‘ઘાયલ’ની,
બાઅદબ, બામુલાહિજા, હોશિયાર. 

( એક મુશાયરામાં પ્રવેશ વખતે બહુ જ દાદ મેળવેલ મુક્તક )

*

ઉલ્લાસની   ઉમંગની  અથવા  વિષાદની,
ફરિયાદની   હો  વાત, કે હો વાત યાદની;
થાતી  નથી  મુરખને કોઇ વાતની  અસર,
કડછીને ‘જાણ’ હોતી નથી રસની, સ્વાદની.

અમૃત ઘાયલ

Comments

શબ્દોત્સવ – ૭: મુક્તક : પેરિસમાં શું કરે છે ? – શેખાદમ આબુવાલા

આદમને કોઈ પૂછે : પેરિસમાં શું કરે છે ?
લાંબી  સડકો પર એ  લાંબા કદમ  ભરે છે.
એ  કેવી રીતે ભૂલે પોતાની  પ્યારી માને !
પેરિસમાં છે છતાંયે ભારતનો દમ ભરે છે !

– શેખાદમ આબુવાલા

Comments

શબ્દોત્સવ – ૬: ભજન: મંગલ મન્દિર ખોલો ! – નરસિંહરાવ દિવેટિયા

મંગલ મન્દિર ખોલો
દયામય ! મંગલ મન્દિર ખોલો !

જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો,
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમે બોલો,
દિવ્ય-તૃષાભર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

– નરસિંહરાવ દિવેટિયા

નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (જન્મ: 03-09-1859, મૃત્ય: 14-01-1937) પંડિતયુગના ઉત્તમકોટિના સર્જક છે. જાણીતા સાક્ષર કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી. વડનગરા નાગર. મુંબઈમાં ગુજરાતીના પ્રાધ્યાપક. પાછળથી ખેડા જિલ્લાના આસિસ્ટન્ટ કલેક્ટર. જેવા કવિ એવા જ સંવેદનશીલ ગદ્યસર્જક. ક્યારેક કોઈ એક જ કૃતિ પણ કવિને અમર કરી દેતી હોય છે. યુવાનપુત્ર નલિનકાન્તના મૃત્યુપર્યંત રચેલા ‘સ્મરણસંહિતા’ દીર્ઘકાવ્યમાંનું આ  ભજનગીત એની સાબિતી છે. એમની એક બીજી અમર પંક્તિ છે: ‘છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખપ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી’.

કાવ્યસંગ્રહો: ‘કુસુમમાળા’, ‘હૃદયવીણા’, ‘નૂપુરઝંકાર’, ‘સ્મરણસંહિતા’.

Comments (1)

શબ્દોત્સવ – ૬: ભજન: સમય મારો સાધજે વ્હાલા !

સમય મારો સાધજે વ્હાલા ! કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે, ત્યારે નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન. – સમય મારો સાધજે વ્હાલા ….

જીભલડી મારી પરવશ થાશે, હારી બેસું હું હામ
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ. – સમય મારો સાધજે વ્હાલા….

કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે, તૂટશે જીવન દોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરી શોર. – સમય મારો સાધજે વ્હાલા ….

આંખલડી મારી પાવન કરજે ને દેજે એક જ લ્હાણ,
શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ‘પુનીત’ છોડે પ્રાણ . – સમય મારો સાધજે વ્હાલા …. 

–  સંત પુનીત

Comments

શબ્દોત્સવ – ૬: ભજન: સાધો, તંબૂર પણ તરફડશે – હરીશ મીનાશ્રુ

સાધો, તંબૂર પણ તરફડશે
ભજનના એક જ ઘૂંટડા સારુ હરિ ઘૂંટણિયે પડશે.

મદિરા ભેગું મુરશિદ તેં
એવું શું દીધું પાઈ,
સાકી ને સાખીમાં અમને
ભેદ દીસે ના કાંઈ;
ભગતિનો પરસેવો સૂંઘી લીલાપુરુષ લડખડશે.

ખર્યા પાંદ પર દિકપાલે
બેસાડ્યા ચોકીપ્હેરા,
કરે ઠેકડી એક જ હળવી
મલયપવનની લ્હેરા;
ફરી વળગશે દીંટે જો હડફેટે સંતન ચડશે.

– હરીશ મીનાશ્રુ

ગુજરાતી ભક્તિપદોમાં આ અલગ ભાત પાડે એવું આ ભજન છે. એમાં એક તરફ કબીરના પદોની છાયા છે. તો બીજી બાજુ ઉર્દુ ગઝલમાં વપરાતા (મૂરશિદ અને સાકી) અને પ્રાકૃત(મલયપવન) રૂપકોની પણ હાજરી છે.અહીં બહુ passionate ભક્તિની વાત છે. પોતાની જાત માટે તંબૂર શબ્દ વાપર્યો છે.  જ્યારે જાતમાં  તરફડાટ જાગશે ત્યારે એ એક ભજનને ખાતર હરિના ચરણમાં જઈ પડશે. ગુરુ(મુરશિદ)એ ભક્તિની મદિરા સાથે એવુ શુ પીવડાવી દીધું છે કે હવે સાકી અને સાખી(ઈશ્વરની સાક્ષી)નો ભેદ ભૂંસાતો જાય છે.  ભક્તિમાં એટલી જબરજસ્ત મહેનત હશે કે એના પરસેવાની સુંગધથી જ ઈશ્વર પીગળી જશે !  જીવનનું ખરેલું પાંદડું જે પવનમાં ધ્યેયહીન રખડી રહ્યું છે એ જો સંતની હડફેટમાં ચડશે તો ફરી પાછું ડાળ પર પહોંચશે. અહીં શબ્દોની પસંદગી જુઓ – સંતના સમાગમમાં આવવાની વાત ને માટે ‘હડફેટે ચડશે’ એવો મઝાનો અને તળપદો પ્રયોગ કર્યો છે. ફરી ફરી વાંચતા, આ લીસ્સા પથ્થર જેવું ગીત, મનને એક અલગ જ જાતની શાતા આપતું જાય છે.

Comments

શબ્દોત્સવ – ૫: હાઈકુ: રાજેન્દ્ર શાહ

ક્ષિતિજે સૂર્ય,
અહીં ઓસનાં અંગે
રંગ અપૂર્વ.

*

અર્ધ સોણલું
અર્ધ જાગૃતિ મળ્યાં
બાહુ બાહુમાં.

*

વરસે મેહ,
ભીનાં નળિયા નીચે
તરસ્યો નેહ.

*

વિદાય લેતું
અંધારું, તૃણ પર
આંસુને મેલી.

-રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ કવિતા ભણી આકર્ષાયા. અનુગાંધીયુગના પ્રભાવશાળી કવિ. એમની કવિતાઓમાં અધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીનો હૃદયંગમ નવોન્મેષ થતો પ્રતીત થાય છે. એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલો પણ લખી.

કાવ્યસંગ્રહ: ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘ઉદ્ ગીતિ’, ‘શ્રુતિ’, ‘મધ્યમા’, ‘શાંત કોલાહલ’, ‘ચિત્રણા’ ‘વિષાદને સાદ’, ‘પત્રલેખા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘દક્ષિણા’, ‘પ્રસંગ સપ્તક’, ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’.

Comments (4)

શબ્દોત્સવ – ૫: હાઈકુ – સ્નેહરશ્મિ

બકતી હોડ
કલગી કૂકડાની
ઉષાની સામે

*

વાટ ભૂલ્યાની
ચમકી આંખ – દૂર
ભાંભરી ગાય.

*

આંગણે ભૂખી
અનાથ બાળા : દાણા
ચકલી ચણે

*

પોયણી વચ્ચે
તરે હંસલો : ચન્દ્ર
ચઢ્યો હિલ્લોળે.

***

ઊડી ગયું કો
પંખી કૂજતું : રવ
હજીયે નભે

–  સ્નેહરશ્મિ

Comments (1)

શબ્દોત્સવ – ૫: હાઈકુ – પન્ના નાયક

અડકું તને
પાંપણની કોરથી
ભરમેળામાં

– પન્ના નાયક

Comments (2)

શબ્દોત્સવ – ૪: ગીત: કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. – રાજo

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. – રાજo

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજo

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજo
વધુ આગળ વાંચો…

Comments (10)

Page 1 of 3123