પ્રશ્નો ઘણા વિકટ છે,
રસ્તો છતાં નિકટ છે.

દેખાય તે બધુંયે-
ભાવિની ચોખવટ છે.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2019

જે થશે સારું થશે….- કિરીટ ગોસ્વામી

જે થયું સારું થયું ને જે થશે સારું થશે;
એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.

થાય છે માઠા દિવસ પણ આખરે મીઠા કદી,
આજ નહિ તો કાલ, સઘળું દૂર અંધારું થશે.

જોઈએ બસ જોઈએ ખુદનો ભરોસો સામટો;
એ વિના જીવન પળેપળ સાવ નોંધારું થશે.

દાદ એને આપશો તો દુઃખ વધુ દુઃખ આપશે,
સુખ વધુ સુખ આપશે જો નિત્ય સહિયારું થશે.

મન હવે ચાલ્યું છે ભીતરના પ્રવાસે બસ, ‘કિરીટ’;
બસ, હવે જે કંઈ થશે તે કામ કંઈ ન્યારું થશે.

– કિરીટ ગોસ્વામી

એક ચોક્કસ હેતુથી આ રરચના મૂકી છે – કવિ તો પોતાની સ્ફૂરણાને આધારે કાવ્ય કરે છે, કવિ સામાન્ય રીતે પોતાની વાતને logic ના ત્રાજવે જોખતો નથી હોતો, પણ મારુ સડેલું મગજ logic સિવાય કશું સમજતું નથી…..હું સ્વભાવે પ્રશ્નકર્તા છું – મને તરત સવાલ થાય કે નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં મૃત્યુના આરે ઊભેલા કેદીને આવી ફીલિંગ થતી હશે ખરી ? ન્યુઝીલેન્ડમાં બંદૂકધારી ગોળી વરસાવતો હોય ત્યારે તે મસ્જિદમાં હાજર વ્યક્તિને આ લાગણી થઇ શકે ??

Life is never fair……

Comments (3)

મારી કબર પર થોભશો કે, રડશો નહિ – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)

મારી કબર પર થોભશો કે, રડશો નહિ,
હું ત્યાં નથી. હા, હું હજી ઊંઘી નથી.
હું છું હજારો પવનો જે ફૂંકાય છે.
હીરાકણીઓ છું બરફ પર ચળકે જે.
હું પક્વ દાણા પર કિરણ છું સૂર્યનું.
વરસાદ હું તો પાનખરનો છું ઋજુ.
જ્યારે તમે નિદ્રા ત્યજી જાગો પ્રભાતી ચુપકીમાં
જે શાંત પક્ષી ઝુંડ ઊઠે આભમાં
એને ગતિ દેનાર અબાબીલ હું જ છું.
રાતે ચમકતા મૃદુ તારાઓ છું હું.
મારી કબર પર થોભશો, વિલપશો નહિ,
હું ત્યાં નથી. હા, હું મરણ પામી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે
(અનુ. વિવેક મનહર ટેલર)

કોઈ કવિને કવિ તરીકેની ઓળખ મળે એ માટે એણે કેટલી કવિતાઓ લખવી પડે એની કોઈ રુલ-બુક ખરી? આપણે ત્યાં એક જમાનો એવો હતો કે ‘કુમાર’માં કવિતા છપાય તો જ કવિને કવિનો દરજ્જો મળતો. એક જમાનો એવો હતો કે સૉનેટ ન લખ્યું હોય એના કવિ હોવા વિશે શંકા કરાતી. પણ શું એક જ કવિતા લખી હોય અને કવિ તરીકે આખી દુનિયાએ એનો સ્વીકાર કર્યો હોય એવું શક્ય ખરું? અને કવિ તરીકેના સ્વીકારને બાજુએ રાખીએ… એક જ કવિતા લખીને કોઈ અમર થઈ શકે ખરું? શું સૂંઠના ગાંગડે ગાંધી થવાય? એક જ કવિતાથી અમરત્વ પ્રાપ્ત કરનાર વિરલ કવયિત્રી અને એ કવિતાના સંદર્ભમાં જવલ્લે જ જોવા મળતી દિવ્ય ચમત્કાર સમી ઘટનાનો આપણે આજે સાક્ષાત્કાર કરીએ.

પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરો.

Do Not Stand At My Grave And Weep

Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

– Mary Elizabeth Frye

Comments (3)

છગન ટપાલી – કિશોર બારોટ

એને મન સહુ ડેલી સરખી, ના દવલી ના વહાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.

કોઈને આખો ફાગણ આપી મહેકાવી દે શ્વાસ,
કોઈને કાળું માતમ આપી, છીનવી લે અજવાસ,
કોઈની આંખે આંસુ મૂકે, કોઈની ગાલે લાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.

પીડા-સપનાં-હરખ-દિલાસા-ઉઘરાણી ને જાસા,
એના થેલે વિધવિધ રંગી ભરચક કૈં ચામાસાં,
ક્યાંક તમાચો થઈને વરસે ક્યાંક હુંફાળી તાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.

પત્રોના રેશમ દોરા લઈ ગલીએ ગલીએ ફરતો,
સંવેદનના વેલબુટ્ટાઓ હૈયે હૈયે ભરતો,
પછી સોયની માફક વચ્ચેથીખસતો, થઈ ખાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.

– કિશોર બારોટ

હવે તો જો કે ટપાલ અને ટપાલી -બંનેનો એકડો લગભગ નીકળી જવા પર છે પણ અલી ડોસા અને મરિયમની વાર્તા લખવામાં ધૂમકેતુને જીવન સાર્થક થયું લાગ્યું હોય એવા સમય અને એવા કોઈક ગામડાના ટપાલીની આ વાત છે. ગીતની પહેલી જ પંક્તિમાં ટપાલીની તટસ્થતા કવિએ બખૂબી ઉપસાવી આપી છે. આખું ગીત સંઘેડાઉતાર છે અને કોઈ ટિપ્પણીનું મહોતાજ નથી. એને એમ જ માણીએ.. ગીત વાંચતાવેંત જ નિદા ફાઝલીનો આ અમર દોહો પણ તરત જ યાદ આવે:

सीधा-साधा डाकिया जादू करे महान
एक ही थैले में भरे आँसू और मुस्कान

Comments (13)

નાનાં બાળ અમે – પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

.          હજુ તો નાનાં બાળ અમે સૌ,
.          નાખે કેવો ભાર અરે! સૌ.

આ જુઓ, બોલાવે માટી, સાથે એની રમવા દો ને,
છીપલાં, મોતી, શંખ જણસ છે, ગજવે થોડાં ભરવા દો ને,
કાલે મોટાં થઈ જાશું તો આજે થોડું જીવવા દો ને,
.          સમજો થોડી વાત તમે સૌ
.          હજુ તો નાના બાળ અમે સૌ.

શૈશવની શેરીમાં મારે મનમોજી થઈ ફરવું છે,
આવડતું ના હોય ભલે ને, છબ્બાક દઈને તરવું છે,
જે કરવાની ના પાડો એ સૌથી પહેલાં કરવું છે,
.          છો ને કાઢો આંખ તમે સૌ
.          હજુ તો નાનાં બાળ અમે સૌ

ખુલ્લા આકાશે ઊડવાનું લાગે વહાલું વહાલું અમને,
મોજ પડે જો કોઈ કહે કે, જા બહારે જઈને રમ ને,
અમ સૌનું મન કળવા ઈશ્વર,થોડી સમજણ આપે તમને,
.          સંભાળો આ બાગ તમે સૌ
.          હજુ તો નાનાં બાળ અમે સૌ.

– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

લયસ્તરો પર બાળગીતો મૂકવાનું ઓછું જ થાય છે પણ આ ગીત તો વાંચતાવેંત મન પર કબજો કરી બેઠું. એકદમ બાળસહજ ભાષા અને અનવરત પ્રવાહી લયવાળું આ ગીત આપના ઘરમાં બાળકો હોય તો જરૂર ગાઈને સંભળાવજો…

 

Comments (1)

જલમાં ઝૂરે માછલી – સુરેશ દલાલ

જલમાં ઝૂરે માછલી ને વનમાં ઝૂરે ફૂલ :
ભરવસંતે છાનું ઝૂરે કોયલ ને બુલબુલ
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

દરિયામાં એક ઝૂરે હોડી અને હલેસાં ઝૂરે :
નાવિકને અહીં આવવાનું કેમ કહો નહીં સ્ફુરે ?
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

વૃંદાવનમાં ઝૂરે વાંસળી ; ઝૂરે મીરાંનું મન.
જે મુખડાની માયા લાગી ક્યાં છે એ મોહન ?
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

– સુરેશ દલાલ

Comments (2)

ખાલી ગજવામાં – મનોજ ખંડેરિયા

ઝીણી ઝાકળના ઝબકારા ભરું છું ખાલી ગજવામાં
અછડતા આછા અણસારા ભરું છું ખાલી ગજવામાં

પડ્યું છે એક એવું છિદ્ર જેમાંથી બધું સરકે
છતાં હું કૈંક જન્મારા ભરું છું ખાલી ગજવામાં

કરું છું એકઠી વરસોથી મૂડી હું પ્રતીક્ષાની
ખર્યા પાંપણથી પલકારા ભરું છું ખાલી ગજવામાં

ભરું છું એટલું કોઈ રહ્યું સેરવતું ચુપકીથી
છતાં ધીરજના ધબકારા ભરું છું ખાલી ગજવામાં

કશું ઝાલર સમું વાગી રહ્યું નિત સાંજે મારામાં
રગેરગમાંથી રણકારા ભરું છું ખાલી ગજવામાં

કદી આવીશ તો કેવો સમય ગાળ્યો બતા’વાને
સૂનાં દ્વારોના ભણકારા ભરું છું ખાલી ગજવામાં

નગરમાં એકલા ક્યારે પડી જઈએ, ખબર કોને !
હું એથી શબ્દ –સથવારા ભરું છું ખાલી ગજવામાં

-મનોજ ખંડેરિયા

Comments (1)

દ્વિભાષી ગઝલ – રાજેશ હિંગુ

ભીતર ગૂંજે નાદ शिवोहम्।
તેથી લાગે अखिलं मधुरम्।

એ કાયમ સાથે ના રહેશે,
सर्वम् दुःखं सर्वम् क्षणिकम्।

ગુર્જરી ગળથૂથીમાં પીધી,
દ્વિજ થયો पीत्वा संस्कृतम्।

મિત્રો, મહેફિલ, ચાની ચુસ્કી,
એ જ ખરું છે मम ऐश्वर्यम्।

હું ક્યાંથી કંઈ નવતર લાવું?
છે व्यासोच्छिष्ट जगत्सर्वम्।

– રાજેશ હિંગુ

કવિતા આત્માની માતૃભાષા છે. એટલે જ કવિતાનો આત્મા કોઈ એક ભાષાની કાયામાં પૂરાઈને રહેવામાં માનતો નથી. કવિ રાજેશ હિંગુ ગુજરાતી ગઝલમાં સંસ્કૃતને જે રીતે વણી લાવ્યા છે એ આ વાતની પ્રતીતિ કરાવે છે. જેની ભીતર હું જ શિવ છું નો નાદ ગૂંજે છે, એના માટે બધું જ મધુરુ છે. કવિએ નાદ ગૂંજવાની વાત કરી છે એ શબ્દપ્રયોગ ધ્યાન માંગી લે છે, કેમ કે નાદ હંમેશા ગુંબજ જેવી પોલી વસ્તુમાં જ ગૂંજી શકે છે. જ્યારે અહંકાર વગેરેથી ભીતર ખાલી થઈ જાય ત્યારે જ એમાં નાદગૂંજ જન્મી શકે છે. બીજા શેરમાં બુદ્ધની ચાર ભાવનાઓ सर्वं क्षणिकं क्षणिकम्, सर्वं दुःखं दुःखम्, सर्वं स्वलक्षणं स्वलक्षणम्, અને सर्वं शून्यं शून्यम् માંથી પહેલી બે નજરે ચડે છે. બધું જ ક્ષણભંગુર છે, પછી દુઃખનુંય દુઃખ શું? ગુજરાતમાં જન્મ્યા એટલે ગુજરાતી તો ગળથૂથીમાં જ મળી પણ સંસ્કૃતનું પાન કર્યું એટલે ખરું બ્રાહ્મણત્વ (દ્વિજ-બે વાર જન્મેલો, બ્રાહ્મણ) મળ્યું. કેવો ઉમદા શેર! મિત્રો, મહેફિલ અને ચાની ચુસ્કી જ પોતાનું ખરું ઐશ્વર્ય છે એમ કવિ કહે છે ત્યારે એમની મહેફિલમાં સામેલ થવાની ઇચ્છા અનાયાસ થઈ આવે છે. અને અંતે કવિ બહુ મોટી વાત કરે છે. વ્યાસ જે કહી ગયા એમાં બધું જ આવી ગયું એમ માહાભારતના સંદર્ભમાં આપણે કહીએ છીએ. એવું કશું છે જ નહીં, જે વ્યાસે કહેવાનું બાકી રાખ્યું હોય. તો કવિ નવું ક્યાંથી લાવે?

આવી મજબૂત ગઝલ ભાગ્યે જ મળતી હોય છે. કવિને સો સો સલામ..

Comments (13)

ગાલિબનું ગીત – હરીશ મીનાશ્રુ

દિલ્લી પુરાની, યે બલ્લીમારાન, એની ભીતર કાસિમ જાન શેરીએ
ખાટલીમાં ખાંસે છે અસદુલ્લાખાન, જીવ એનો ઝુલે હાફૂસ કેરીએ

મિર્જા, આદાબ અર્જ, સુનિયોજી સંદેસા:
આંબે આવ્યા છે રૂડા મ્હોર
ખાતે રહોગે જો કેરિયાં તો એક રોજ
હોગા અંદાજે બયાં ઓર

પેન્સન કે કાગજાત આયે ક્યા, ડાકિયાજી, આગે ક્યોં ચલ દિયે, ઠૈરિએ
જાને દો યાર: કહી માંડ્યો જુગાર ફરી ચાંદની તે ચોકના ઝવેરીએ

ખસની ટટ્ટીને કોઈ પાણી છાંટો કે
ગળું ક્યારનું સુકાય છે પિયાસથી
છેડી હૈ બૂઢે ફકીરને ગઝલ વહી
જિસકી કાપી ન મેરે પાસ થી

શબનમની જેમ હવે ઊડવા દો શેર મારા, અબ ક્યા બટોરિયે બિખેરિએ
મૈલી તો મૈલી, યે ઊતરી કમીજ હૈ ફરિશ્તોં કી, ઉમ્મરભર પહેરીએ

કહાંકી રૂબાઈ, કહાંકી ગઝલ:
ઇસ્લાહ માટે કોઈ નથી આવતું
કબકી ખૂલી હૈ દુકાનેં કબાબીઓંકી
તોય નથી કોઈ કશું લાવતું

અબ તો યે માસૂમ સે પંછી શાગિર્દ રહે, – દાણા કબૂતરાંને વેરીએ
બંધ હોય મસ્જિદે જામા તો તસ્બી કો મયખાને જા કે હી ફેરીએ

શીરીં જુબાન મેરી ખુસરોં કે લફ્ઝોં સે
કડવી આ કર્જાની ડાયરી
લેણદાર ખેલે છે હિકમત, હકીમ માનોં
કરતે હૈં માતમ કી શાયરી

કાસદ, પહોંચાડી દે આખરી કલામ હવે અલ્લા રસૂલની કચેરીએ
દિલવા દે ડૂબતે કો બોતલ શરાબકી તો બોલેગા વો કિ ચલો તૈરીએ

કોઈ તો ચૂકાયેગા ગાલિબને પી થી વો
રેખતાની પ્યાલીનું દેણું
અલ્લા ઉધાર દે તો ચૂકવું: મરીઝ કોને
મારે ગુજરાતીમાં મહેણું

હોતા નહીં હૈ ફર્ક જિને ઔ’ મરને કા મોહબતમાં રિન્દોની દેરીએ
કાફિયા રદીફની કરવતથી કાફરનું નામ લઈ જીવતરને વ્હેરીએ

– હરીશ મીનાશ્રુ

વિશિષ્ટ પ્રકારની ગીતરચના. કવિએ ગાલિબના સમયને કવિતામાં જીવતો કર્યો છે. ગુજરાતી, ઉર્દૂ, ખડી બોલી, દેસી –એમ ભાષાઓની ખીચડી એ રીતે બનાવી છે કે એકમાંથી બીજી બોલીમાં ક્યારે સરી જવાય એની ખબર પણ પડતી નથી. જૂની દિલ્હીમાં ચાંદની ચોકના બલ્લીમારાન વિસ્તારમાં આવેલી કાસિમ જાન શેરીમાં રહેતા મિર્ઝા અસદુલ્લાખાન ગાલિબને કવિ બખૂબી તત્કાલિન અને સાંપ્રત સંદર્ભોને તાનાવાણાની જેમ સાંકળી લઈ પેશ કરે છે. હાફૂસ કેરી માટેની દિવાનગી, પેન્શનની પ્રતીક્ષા, ચોપાટની રમત, દેવાના ડુંગરા, શરાબખોરી, કાફિરપણું – ગાલિબના સ્વભાવની લાક્ષણિકતા એક તરફ આપણને જોવા મળે છે તો બીજી તરફ ગાલિબના પ્રખ્યાત શેરોની ઝલક –અંદાજે બયાં ઓર, કાસદ, નહીં હૈ ફર્ક જિને ઔ’ મરને કા વગેરે રજૂ થઈ છે. ગાલિબનું ગીત ગુજરાતના ગાલિબ મરીઝના વિખ્યાત શેર ‘ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે’ સુધી આવીને ખતમ થાય છે. ક્યાંક ક્યાંક કૃતકતા નજરે ચડી આવે છે, એ બાદ કરતાં આ નવતર પ્રયોગ સર્વાંગ આસ્વાદ્ય થયો છે.

Comments (6)

આધુનિક યક્ષ પ્રશ્નોત્તર – જગદીપ ઉપાધ્યાય

આશ્ચર્ય વિશે યક્ષ યુધિષ્ઠિરને બદલે રહ્યો જગદીપને પ્રશ્નો કરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
જગદીપ આપે છે વળી ઉત્તર: સમય જેનો ગયો છે સર્વ આશ્ચર્યો હરી; આશ્ચર્ય ત્યારે થાય છે!

પૂછી રહ્યો મસ્તિષ્કના ખંજવાળતાં એ વાળ કે સંબંધ બારામાં થતું આશ્ચર્ય ક્યારે આપને?
ના વાળ ખરતાં એટલી સહેલાઈથી હે યક્ષ! સંબંધો જતા જ્યારે ખરી; આશ્ચર્ય ત્યારે થાય છે!

ભયથીય મોટા ભય વિષે એકાદ આપો દાખલો જગદીપા કે આશ્ચર્ય જ્યારે થાય છે એ ભય વિષે!
હે યક્ષ! સાંભળ, શત્રુને પડકારતો માણસ અહીંયા મિત્રથી જાતો ડરી; આશ્ચર્ય ત્યારે થાય છે!

છે પ્રશ્ન હે જગદીપ! કે માણસ તણું ઐશ્વર્ય શું છે? થાય છે આશ્ચર્ય ક્યારે માનુષી ઐશ્વર્યનું?
ઐશ્વર્ય માણસનું ખરું છે લાગણી; માણસ જીવે ને લાગણી જાતી મરી; આશ્ચર્ય ત્યારે થાય છે!

જગદીપ! સોફાસેટ, આ ભીની હવા, આ એરકન્ડિશન્ડ;આ સુખચેન પર આશ્ચર્ય ક્યારે થાય છે?
હે યક્ષ! આ આરામનાં સૌ સાધનો વચ્ચેય તે આરામ ના મળતો જરી: આશ્ચર્ય ત્યારે થાય છે!

– જગદીપ ઉપાધ્યાય

કવિતાને વિષયનો છોછ નથી. મહાભારતમાં ભાઈઓને મૃત્યુના અંકમાંથી બચાવવા માટે યુધિષ્ઠિર યક્ષના પ્રશ્નોના જવાબ આપે છે, એ સવાલો યક્ષપ્રશ્નો તરીકે મશહૂર છે. કવિ જગદીપ યક્ષ અને પોતાની વચ્ચે સંવાદ-સ્વરૂપે આ પ્રશ્નોને આધુનિક સ્પર્શ આપીને રજૂ કરે છે. લાંબી બહેરની આ ગઝલ સાદ્યંત  આસ્વાદ્ય થઈ છે. ભાષાકર્મ વધુ પ્રવાહી થયું હોત તો સોનામાં સુગંધ ભળત.

Comments (2)

હેડકી – સંજુ વાળા

અંતરથી ઉપડી રે હેડકી
તાલાવેલીનું કોઈ તાગે ના તળ
એવી માંહ્ય માંહ્ય ઉમટે ઉફૈડકી

અધખીલી કળી માથે ફૂદું મંડરાય
એમ આવે – જાય મળવાના મોકા
સાંભળું ને પારખું ત્યાં જાતા વિલાઈ
દૂર વગડામાં હીરકચા ટૌકા
અડધી મિચાય આંખ એજ ઘડી
પાંપણમાં ખૂંચે પગરખાંની ચૈડકી
અંતરથી ઉપડી રે હેડકી

ઝાડવાંને હોય એની ભોં પર ભરોસો
‘ને પાંદડાંને વ્હાલ હોય શાખ પર
એને જોઈ મારામાં ઊગે ને આથમે રે
કંઈ કંઈ વરતારાઓ રાતભર
કહીએ કહીએ રે તોય માને ના કોઈ
એવી કામનાઓ થઈ બેઠી તેડકી
અંતરથી ઉપડી રે હેડકી

-સંજુ વાળા

કલ્પનો તો મૌલિક છે જ, પરંતુ અમુક શબ્દો પણ તદ્દન નવા છે – જેમ કે ઉફૈડકી, પગરખાંની ચૈડકી……કવિસહજ છૂટછાટનો ચતુર ઉપયોગ કઠતો નથી,રસવૃદ્ધિ કરે છે….

Comments (5)

પ્રથમ વિજય-ગીત – એમર્જિન (અનુ: વિવેક મનહર ટેલર)

.           હું, પવન દરિયા પર,
.           હું, ઊછળતું મોજું,
.           હું, દરિયાનું ગર્જન,
.           હું, સાતેય પલટન,
.           હું, ઉર્ધ્વમુખી હરણું,
.           હું, પહાડી બાજ,
.           હું સૂર્યનો ઝબકારો,
.           હું, ભૂલભૂલૈયે કિરણ,
.           હું, ધસતું જંગલી સૂવર,
.           હું, નદીની સાલમન,
.           હું, તળાવ મેદાની,
.           હું, ગીતોની શક્તિ.
હું, ભાલો શત્રુજનને હણવા માટેનો,
હું, ઈશ્વર ભવિષ્યનો સ્રષ્ટા-સર્જક!
કઈ દિશામાં જઈશું, બોલો, ખીણ કે પર્વત?
કઈ દિશામાં,બોલો, શું સૂર્યાસ્તની પાછળ?
કઈ દિશામાં, બોલો, શોધીશું સુરક્ષા?
.           કોણ સુકાન સંભાળે ઓસરતા પાણીનું?
.           કોણ ભાખી શકે કળાઓ શ્વેત ચંદ્રની?
.           કોણ ઊંડા જળની મછલીઓ ખેંચી આણે?
.           કોણ બતાવી શકે આગ મસ્તકની ઉપર?
હું, કવિ, હું પયગંબર, હું પ્રાર્થું છું,
હાથ લીધા છે યોદ્ધાને હણનાર જે શસ્ત્રો:
એ જીતને ગાશે, વખાણ કરશે આવનારા
ભાવિ યશને ગગન ચૂમતી ગાથામાં!

– એમર્જિન
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)

*

દુનિયાનો સૌથી નાનો છતાં સૌથી વજનદાર શબ્દ કયો?

‘હું’ – ‘I’ – ‘मैं’ – બરાબર ને?

આ ‘હું’કાર ન હોય તો બે જણ વચ્ચે કદી ટંટો થાય જ નહીં. લાખ ઝઘડાનું એક મૂળ તે આ અહમ્ – ‘હું’કાર! એ કદમાં હંમેશા મનુષ્યથી અનેકગણો મોટો જ હોવાનો. ઈશ્વર પણ ‘હું’કાર કરે છે, પણ માણસના ‘હું’ અને ઈશ્વરના ‘હું’ વચ્ચે પણ મોટો ફરક છે. માણસનો ‘હું’કાર અહંકાર છે જ્યારે ઈશ્વરનો ‘હું’કાર ‘ૐ’કાર છે. ત્રણ-સાડા ત્રણ હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલ મિલેસિઅન કવિ એમર્જિન ના મોઢે આ ‘ૐ’કાર સાંભળીએ…

આ કવિતામાં બ્રહ્માંડના સર્જન, દેવતાઓના સ્વભાવ અને ડહાપણના રસ્તાની વાત રજૂ થઈ છે. આયર્લેન્ડની ભૂમિ પર વિજયી પગ મૂકીને એમર્જીન આ ગીત લલકારે છે. હું-પુરાણમાં અહંકાર નજરે ચડતો નથી. પૂર્વની આપણી સંસ્કૃતિમાં આ હુંકાર ખૂબ નજરે ચડે છે.

કવિતાનો વિગતવાર આસ્વાદ માણવા અહીં પધારવા વિનંતી છે.

*

First Triumph-Song

.           I, the Wind at Sea,
.           I, the rolling Billow,
.           I, the roar of Ocean,
.           I, the seven Cohorts,
.           I, the Ox upholding,
.           I, the rock-borne Osprey,
.           I, the flash of Sunlight,
.           I, the Ray in Mazes,
.           I, the rushing Wild Boar,
.           I, the river-Salmon,
.           I, the Lake o’er plains,
.           I, the Strength of Song.
I, the Spear for smiting Foemen,
I, the God for forming Fortune !
Whither wend by glen or mountain ?
Whither tend beneath the Sunset ?
Whither wander seeking safety ?
.           Who can lead to falling waters ?
.           Who can tell the white Moon’s ages ?
.           Who can draw the deep sea fishes ?
.           Who can show the fire-top headlands ?
I, the poet, prophet, pray’rful,
Weapons wield for warriors’ slaying :
Tell of triumph, laud forthcoming
Future fame in soaring story !

– Amergin
(Eng Trans.: George Sigerson)

Comments (2)

(અવસર થતી) – મયંક ઓઝા

ક્ષણ મટીને એ જ ક્ષણ અવસર થતી
ખુદને ભૂંસીને નદી સમદર થતી

એક ખોવાયેલ ટહુકો સાંભળી
ચાર દીવાલો ફરીથી ઘર થતી

માત્ર શ્રદ્ધામાં જ છે તાકાત એ,
મૂર્તિ પથ્થર મટી ઈશ્વર થતી

હાથ લાગ્યો એક જાદુઈ ચિરાગ
હર સ્થિતિમાંથી ખુશી હાજર થતી

થાય ઘંટારવ અને પ્રગટે દીવા
સાંજ ટાણે આરતી ભરતી થતી

– મયંક ઓઝા

નખશિખ સો ટચનું સોનું. આવી ગઝલ આજકાલ જવલ્લે જ હાથ ચડે છે. એક-એક શેર અદભુત. એક-એક શેર વિશાળ ભાવવિશ્વ લઈને આવ્યો છે…

Comments (4)

ત્યાં આવું – ભરત વિંઝુડા

સાદ પાડી તને હું બોલાવું,
એટલી ક્યાંથી દૂરતા લાવું?

બેઉનું એક હોય સરનામું,
તું અહીં આવ કે હું ત્યાં આવું!

આ હથેળી ઉપરથી વાંચી દે,
કઈ દિશામાં હું હાથ લંબાવું?

એક વ્યક્તિ હવે નદી થઈ ગઈ,
માર્ગમાં એને કેમ અટકાવું?

તારી સમજણની હદમાં ઊભો છું,
હું તને શું નવીન સમજાવું?

– ભરત વિંઝુડા

ભરત વિંઝુડા ગઝલકારોની સહજ ભીડથી અલગ રહીને ગઝલ લખતા અને ગઝલપાઠ કરતા કવિ છે. એમની રચનાઓ બહુધા સરળ છેતરામણી હોય છે. એમની ગઝલો સ્કુબા ડાઇવિંગ કરતાં વધુ સ્નોરકેલિંગનો અનુભવ કરાવતી અનુભવાય પણ આ એવું સ્નોરકેલિંગ છે જેમાં મોતી હાથ લાગવાની સંભાવના સ્કુબા કરતાં વધુ રહેલી છે. સુરતના કવિમિત્ર ડૉ. હરીશ ઠક્કર કવિ શ્રી ભરત વિંઝુડાની અત્યાર સુધીના ગઝલોમાંથી વીણી વીણીને પસંદગીની ગઝલોનો રસથાળ –એક સુખ નીકળ્યું કવિતાનું– માં લઈને આવ્યા છે…. લયસ્તરોના આંગણે આ સંપાદનનું સહજ સ્વાગત છે.

 

Comments (3)

મસ્તી વધી રહી છે…..- હિરેન ગઢવી

તુજથી મળેલ ખૂણે મસ્તી વધી રહી છે,
જાણે બધે’જ ખૂણે મસ્તી વધી રહી છે !

વરસાવતી’તી આંસુ તારા ગયા પછી જે,
મોસમના તે જ ખૂણે મસ્તી વધી રહી છે.

દેખાતું કંઈ નથી પણ મહેસૂસ થઈ રહ્યું છે,
અણકથ, અભેદ ખૂણે મસ્તી વધી રહી છે.

ફેલાય ચોતરફ તો એ પૂર્ણ રૂપ પામે,
અંતરના એક ખૂણે મસ્તી વધી રહી છે.

ઊગ્યા હતા ભરમ જ્યાં, દાટી હતી જ્યાં દ્રષ્ટિ,
સમજણના એ જ ખૂણે મસ્તી વધી રહી છે !

સઘળા અચેત ખૂણા છે દંગ આ નિહાળી,
ચિત્તના સચેત ખૂણે મસ્તી વધી રહી છે !

ધિક્કાર વેઠી જગના ભેટી પડ્યો સ્વયંને,
છેવટ દરેક ખૂણે મસ્તી વધી રહી છે.

– હિરેન ગઢવી

કાવ્યનો આસ્વાદ મિલિન્દ ગઢવીના શબ્દોમાં –

મને ઘણી વખત પૂછવામાં આવે છે કે તમારા મતે સારી કવિતા કઈ? અને હું કહું કે જેને વાંચીને એમ થાય કે – આ મેં લખી હોત તો – એ કવિતા સારી. અને ક્યારેક એવું પણ બને કે કવિતા વાંચતી કે સાંભળતી વખતે એનામાં ઓગળીએ, એકાદ પંક્તિ સાથે રીતસર પ્રેમમાં પડી જઈએ. ત્યારે પછી મૂલ્યાંકનમાં ય પડવા જેવી ઈચ્છા ન રહે. એના કલાસંદર્ભ કે કાવ્યકૌશલને પણ બાજુએ મૂકીને, એની સાથે જોડાયેલા આપણા મનન કે ચિંતન ને પણ કોરાણે મૂકીને એને મમળાવતા રહેવાની ઈચ્છા થયા કરે. એ કવિતા ઉત્તમ.

ફેલાય ચોતરફ તો એ પૂર્ણ રૂપ પામે,
અંતરના એક ખૂણે મસ્તી વધી રહી છે.

આ શેર વાંચું છું, ફરીફરીને વાંચું છું અને અંતરના ખૂણે મસ્તીને વધતી જોઉં છું. પછી આના સંદર્ભે ‘મારો એક શેર યાદ આવી ગયો’ એમ કરીને પોતાપણું ઠાલવીએ કે પછી એકાદ શબ્દ પકડીને મેળ વગરના context ઊભા કરીએ ને કહીએ કે ‘જવાહર બક્ષી યાદ આવી ગયા’ ત્યારે આ મસ્તી ચૂકી જવાય. અને કવિતા ચૂકી જવા માટે નહીં, ચોંકી જવા માટે હોય છે.

-મિલિન્દ ગઢવી

[ મને મત્લો બરાબર ન સમજાયો જો કે…. ]

Comments (3)

(નભી ગઈ બહાર પણ) – ‘નઝીર’ ભાતરી

હદમાં રહી હું જાઉં છું હદની બહાર પણ,
છું હું નશામાં ચૂર અને બેકરાર પણ.

હું કાંઈ પણ ન હોઉં તો કંઈએ નહીં રહું,
તું કાંઈ પણ નથી અને પરવરદિગાર પણ !

છે ઈન્તઝાર એમાં દિવસ શું ને રાત શું ?
છે રાત પણ દિવસ પણ અને ઈન્તઝાર પણ !

સુખના સમયમાં આંખથી આંસુ ખરી પડ્યાં ?
પોષાઈ પાનખર ને નભી ગઈ બહાર પણ !

તારા હરીફ ક્યાંથી ભલા કોઈ હોઈ શકે ?
તું યાદ આવનાર ને ભૂલી જનાર પણ.

જ્યાં ત્યાં પ્રકાશ એનો નહિતર ન વેડફે,
સૂરજના માર્ગમાં શું હશે અંધકાર પણ ?

જીવનમાં સુખ સિવાય બીજું કાંઈ ના મળે,
દુઃખ દઈ ગયો મને તો ‘નઝીર’! એ વિચાર પણ.

– ‘નઝીર’ ભાતરી

પરંપરાના શાયરની કલમે અદભુત રચના… પાનખરને પોષવાની અને વસંતને નિભાવી લેવાની વાત કરતો શેર તો ઉત્તમોત્તમ…

Comments (2)

(મારામાં) – નેહા પુરોહિત

હું નહીં, કોઈ અલગ મારામાં,
કોરી માટીનો કસબ મારામાં!

ફેફસામાં ધૂણી ધખતી કાયમ,
કાળજે કોઈ કસક મારામાં..

જોગ સાધ્યો મેં વિજોગણ બનવા,
હું પરમ ને હું પ્રગટ મારામાં..

ચીર દાતણની કરી નાખે સહુ,
પણ કબીરાની ખટક મારામાં..

ના, અગોચરની કથા આ તો નહિ,
ગેબની કોઈ ઝલક મારામાં!

– નેહા પુરોહિત

ખૂબ હળવેથી હાથમાં લેવાની રચના… ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા પ્રયોજાતા છંદમાં મજાનું કામ…

Comments (7)

જીવવું પડ્યું – ભગવતીકુમાર શર્મા.

ઇચ્છાનું રૂંધી રૂંધી ગળું જીવવું પડ્યું;
તેથી જ એમ લાગ્યું: ઘણું જીવવું પડ્યું!

કોઈ જ ક્યાં બહાનું હતું? જીવવું પડ્યું;
વળગ્યું’તું શ્વાસ જેવું કશું; જીવવું પડ્યું!

સ્વપ્નો નિહાળવાની પ્રથા આથમી ગઈ,
આંખે ખટકતું રાખી કણું જીવવું પડ્યું.

એકાદ બે પળો જ મળી જીવવા સમી,
બાકી તો વ્યર્થ લાખ ગણું જીવવું પડ્યું.

પથ્થર ગણો કે ફૂલ, છતાં બોજ તો હતો,
કાંધે ઊપાડી ખુદનું મડું જીવવું પડ્યું.

અગ્નિ ચિતાનો એને વળી શું પ્રજાળશે?
આમે ય જીવવું’તું, બળ્યું! જીવવું પડ્યું!

– ભગવતીકુમાર શર્મા

 

આપણામાંથી મોટા ભાગના લોકો જીવન મળ્યું છે માટે જીવ્યે રાખે છે. શું કરવાનું છે, ક્યાં જવાનું છે એની ગતાગમ વિના જ લોકો શ્વાસની ગાડી હંકાર્યે રાખે છે. ઇચ્છાનું ગળું ટૂંપીને જ્યારે જીવવું પડે છે ત્યારે જીવન કેમે કરી પૂરું જ ન થતું અનુભવાય છે. સાર્થક પળો તો આંગળીના વેઢે ગણી શકાય એવી માંડ બે-ચાર જ હોય છે, બાકીની પળો તો પોતાની લાશ પોતાના ખભે વેંઢારવા જેવી કઠિન અને બોજલ જ હોય છે…

Comments (3)

જઈશ…..– ભગવતીકુમાર શર્મા

તમે પ્રસારી લીધો હાથ તો અપાઈ જઈશ,
વચન બનીશ તો નાછૂટકે પળાઈ જઈશ.

હરેક છત્રીમાં વાદળ શો અંધરાઈ જઈશ,
હરેક ચશ્માંને વીંધીને ઝરમરાઈ જઈશ.

આ છાંયડાના કસુંબાઓ ઘટઘટાવી લ્યો !
નગરનું વૃક્ષ છું, કોઈ પણ ક્ષણે વઢાઈ જઈશ.

નથી હું સૂર કે રૂંધી શકો તમે મુજને,
હું બૂમ છું ને કોઈ કંઠથી પડાઈ જઈશ.

હવે તો વેલને ફૂલોનો બોજ લાગે છે,
હું મારા શ્વાસની દીવાલથી દબાઈ જઈશ.

કોઈ તો સ્પર્શો ટકોરાના આગિયાથી મને,
કે જિર્ણ દ્વારની સાંકળ છું હું, કટાઈ જઈશ.

પછી ભૂંસાઈ જશે મારી સર્વ અંગતતા,
ગઝલરૂપે હું રચાયો છું તો ગવાઈ જઈશ.

– ભગવતીકુમાર શર્મા

Comments

મારું મનડુ રમે છે આજ ફાગે – તુષાર શુક્લ

મારું મનડું રમે છે આજ ફાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?

મારી આંખો લજાય એના રાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?

પંચમના સૂરે આજ ટહુકે કોકિલ
મારા મનના માન્યાનો ભણકારો,
વાસંતી વાયરાની વ્હાલ ભરી લ્હેરખીમાં
એના આવ્યાનો અણસારો,
મારે આંગણીએ પ્રીત પાવો વાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?

મારી છાતીમાં મેઘધનુ જાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?

વહેવારુ વાત બધી વીસરી વ્હાલમિયાએ
તહેવારુ ગીત આજ ગાયું
જોતા જોતામાં તો આખું આકાશ
એની વ્હાલપના રંગે રંગાયું
કો’ક શમણે વરસ્યાનું મને લાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?

કોઇ વાયરે ચડીને વ્હાલ માગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?

– તુષાર શુક્લ

રંગીન કલ્પનોમઢ્યું રમતિયાળ ગીત…..

Comments