આધુનિક યક્ષ પ્રશ્નોત્તર – જગદીપ ઉપાધ્યાય
આશ્ચર્ય વિશે યક્ષ યુધિષ્ઠિરને બદલે રહ્યો જગદીપને પ્રશ્નો કરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
જગદીપ આપે છે વળી ઉત્તર: સમય જેનો ગયો છે સર્વ આશ્ચર્યો હરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
પૂછી રહ્યો મસ્તિષ્કના ખંજવાળતાં એ વાળ કે સંબંધ બારામાં થતું આશ્ચર્ય ક્યારે આપને?
ના વાળ ખરતાં એટલી સહેલાઈથી હે યક્ષ! સંબંધો જતા જ્યારે ખરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
ભયથીય મોટા ભય વિષે એકાદ આપો દાખલો જગદીપા કે આશ્ચર્ય જ્યારે થાય છે એ ભય વિષે!
હે યક્ષ! સાંભળ, શત્રુને પડકારતો માણસ અહીંયા મિત્રથી જાતો ડરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
છે પ્રશ્ન હે જગદીપ! કે માણસ તણું ઐશ્વર્ય શું છે? થાય છે આશ્ચર્ય ક્યારે માનુષી ઐશ્વર્યનું?
ઐશ્વર્ય માણસનું ખરું છે લાગણી; માણસ જીવે ને લાગણી જાતી મરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
જગદીપ! સોફાસેટ, આ ભીની હવા, આ એરકન્ડિશન્ડ;આ સુખચેન પર આશ્ચર્ય ક્યારે થાય છે?
હે યક્ષ! આ આરામનાં સૌ સાધનો વચ્ચેય તે આરામ ના મળતો જરી: આશ્ચર્ય ત્યારે થાય છે!
– જગદીપ ઉપાધ્યાય
કવિતાને વિષયનો છોછ નથી. મહાભારતમાં ભાઈઓને મૃત્યુના અંકમાંથી બચાવવા માટે યુધિષ્ઠિર યક્ષના પ્રશ્નોના જવાબ આપે છે, એ સવાલો યક્ષપ્રશ્નો તરીકે મશહૂર છે. કવિ જગદીપ યક્ષ અને પોતાની વચ્ચે સંવાદ-સ્વરૂપે આ પ્રશ્નોને આધુનિક સ્પર્શ આપીને રજૂ કરે છે. લાંબી બહેરની આ ગઝલ સાદ્યંત આસ્વાદ્ય થઈ છે. ભાષાકર્મ વધુ પ્રવાહી થયું હોત તો સોનામાં સુગંધ ભળત.
Poonam said,
April 20, 2019 @ 2:42 AM
ઐશ્વર્ય માણસનું ખરું છે લાગણી; માણસ જીવે ને લાગણી જાતી મરી; આશ્ચર્ય ત્યારે થાય છે! Yes mast
Parbatkumar nayi said,
December 3, 2020 @ 4:18 AM
વાહ
એકદમ અલગ
મજા આવી
ખૂબ સરસ વિવેકભાઈ