જીવવું પડ્યું – ભગવતીકુમાર શર્મા.
ઇચ્છાનું રૂંધી રૂંધી ગળું જીવવું પડ્યું;
તેથી જ એમ લાગ્યું: ઘણું જીવવું પડ્યું!
કોઈ જ ક્યાં બહાનું હતું? જીવવું પડ્યું;
વળગ્યું’તું શ્વાસ જેવું કશું; જીવવું પડ્યું!
સ્વપ્નો નિહાળવાની પ્રથા આથમી ગઈ,
આંખે ખટકતું રાખી કણું જીવવું પડ્યું.
એકાદ બે પળો જ મળી જીવવા સમી,
બાકી તો વ્યર્થ લાખ ગણું જીવવું પડ્યું.
પથ્થર ગણો કે ફૂલ, છતાં બોજ તો હતો,
કાંધે ઊપાડી ખુદનું મડું જીવવું પડ્યું.
અગ્નિ ચિતાનો એને વળી શું પ્રજાળશે?
આમે ય જીવવું’તું, બળ્યું! જીવવું પડ્યું!
– ભગવતીકુમાર શર્મા
આપણામાંથી મોટા ભાગના લોકો જીવન મળ્યું છે માટે જીવ્યે રાખે છે. શું કરવાનું છે, ક્યાં જવાનું છે એની ગતાગમ વિના જ લોકો શ્વાસની ગાડી હંકાર્યે રાખે છે. ઇચ્છાનું ગળું ટૂંપીને જ્યારે જીવવું પડે છે ત્યારે જીવન કેમે કરી પૂરું જ ન થતું અનુભવાય છે. સાર્થક પળો તો આંગળીના વેઢે ગણી શકાય એવી માંડ બે-ચાર જ હોય છે, બાકીની પળો તો પોતાની લાશ પોતાના ખભે વેંઢારવા જેવી કઠિન અને બોજલ જ હોય છે…
Mohamedjaffer Kassam said,
April 4, 2019 @ 6:24 AM
ABSOLUTELY TRUE
SARYU PARIKH said,
April 4, 2019 @ 9:39 AM
યાદ આવી ગયું… મારા શ્વસૂર કવિ કૃષ્ણકાંત પરીખનું,
“ગમતું નથી તોય કરવું પડે છે,
જમાના પ્રમાણે બદલવું પડે છે,” ૧૯૬૦ની આસપાસ.
સરયૂ પરીખ
જયેન્દ્ર ઠાકર said,
April 4, 2019 @ 10:38 AM
જિંદગી એક બોજ છે કે મોજ છે એની ખોજનું
નિવેદન છેલ્લી બે પંક્તિ સરસ કરે છે…
અગ્નિ ચિતાનો એને વળી શું પ્રજાળશે?
આમે ય જીવવું’તું, બળ્યું! જીવવું પડ્યું!