આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા.
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2016

કચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’

ભાંભરું તોયે ભીંજવે ભાવે,
વણબોલાવ્યું દોડતું આવે
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય એ તાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું.
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય ન નાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

– અમૃત ‘ઘાયલ’

કચ્છ એટલે મૂળે તો રણપ્રદેશ. પાણીની અછતનો પ્રદેશ. પણ જે ભૂમિમાં પાણી ઓછું છે ત્યાંના આદમી પાણીદાર છે. અજાણ્યાને પણ પોતીકો ગણતા કચ્છી માંડુની અસલી તાસીર કવિએ કલમના લસરકે દોરી આપી છે. આ ગીતની અડખે-પડખે આપને આ ગીત “કચ્છડો તો બારેમાસ” માણવું પણ ગમશે.

Comments (5)

હું – કરસનદાસ લુહાર

સતત સંકીર્ણતાઓની વચાળે વિસ્તર્યો છું હું !
અને મારી ચિતાની રાખમાંથી અવતર્યો છું હું !

છલોછલતાનું બીજું નામ જાણે કે, હું પોતે છું;
મને ખાલી કરી દેનાર, લે અભરે ભર્યો છું હું !

કુટિલ એ કારસાઓને મળ્યો અંજામ એવો કે-
ગયો દરિયો સ્વયં ડૂબી અને જુઓ, તર્યો છું હું !

મને મારા મહીંથી પણ જે ભૂંસી નાખવા માટે-
મથ્યા છે એની આંખોમાં હજુયે ચીતર્યો છું હું !

સદાયે જાળવી રાખી છે મેં મારી લીલાશોને;
ગઈ ડાળી સુકાઈ તે છતાંય ક્યાં ખર્યો છું હું ?!

ગગન ઘેરાઈને વરસે ફરીથી શુભ્ર થઈ જાયે;
ડહોળાઈ રડ્યો પાછો, ફરીથી આછર્યો છું હું !

– કરસનદાસ લુહાર

ઘણા વખતે આટલી સરસ રચના જડી !!! પ્રત્યેક શેર જુઓ !!!

Comments (2)

એ સમજની બ્હાર છે – અનિલ ચાવડા

તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે,
કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે.

ચાલ ચાલે એ પછી તું મ્હાત આપે ને ભલા!
તું રમતમાં છે જ નહિ, તું તો રમતની બ્હાર છે.

સેંકડો ખડકો નીચે ભૂતકાળ દાટી દો છતાં,
ફાટશે જ્વાળામુખી થઈ, એ શમનની બ્હાર છે.

ચાલવા કે દોડવાથી થોડું કંઈ પ્હોંચી શકાય?
છે ઘણા રસ્તા જ એવા જે ચરણની બ્હાર છે.

પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું,
કૈક એવું લાવ જે મારી તરસની બ્હાર છે.

– અનિલ ચાવડા

ત્રીજો શેર વાંચતા એક જાણીતી ઉક્તિ યાદ આવી – Old sins cast long shadows…… આખી ગઝલ મનનીય અને મજબૂત છે

Comments (3)

દુષ્કાળ – અબ્દુલકરીમ શેખ

શબ્દો છે બેશુમાર, ગઝલ એક પણ નથી,
વરસ્યો’તો ધોધમાર, ફસલ એક કણ નથી !

પેલું કબૂતરુંય હવે તો ન આવતું,
સાચે જ આ ચબૂતરે રોવાય ચણ નથી !

રણ તો હવે ગલી ગલી મહીં ઘૂસી ગયું,
ગોરજ ઊડે છતાંય અહીં કોઈ ધણ નથી !

લાશોને ચાલતી લહું શહેરો મહીં કદી,
કબરોમાં શમે એ જ ફક્ત કંઈ મરણ નથી !

આવીને કોઈ બેસતું વેરાનમાં એકલ,
હું જોઉં તેની સાથમાં વેરાન પણ નથી !

એવીય હશે વાત જે સમજાય ના કદી,
એવી અગમ્ય વાત છતાં એક પણ નથી.

ટીપુંય આભથી હવે પડશે નહીં ‘કરીમ’,
શબ્દોના સૂર્યમાં હવે એકે કિરણ નથી !

– અબ્દુલકરીમ શેખ

‘દુષ્કાળ’ શીર્ષક વાંચતાવેંત આપણી નજર સામે વરસાદના લાં….બા અભાવે વેરાન વગડો થઈ ગયેલી જમીનો અને ભૂખે-તરસે ટળવળી ટળવળીને ઢગલો થઈ પથરાતી પશુ-પંખી-મનુષ્યોની લાશો આવી ઊભે. પણ આ કવિતા છે. કવિને અહીં અલગ પ્રકારના દુષ્કાળ જ અભિપ્રેત છે. કાવ્યસર્જનથી શરૂ કરીને, જીવતી લાશોથી ભરેલા આજના શહેર સુધી કવિ દુષ્કાળના જે નાનાવિધ ચિત્રો દોરી આપે છે એ ગુજરાતી ગઝલની એક અભૂતપૂર્વ સુખદ ઘટના છે.

Comments (7)

કીડીએ ખોંખારો ખાધો – અનિલ જોશી

ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,
તમને નથીને કાંઇ વાંધો?

માખીએ મધપૂડા છોડી દીધા ને હજી આંખ આડા કાન કરે સંત ?
લીમડા ઉપરથી ઊતરતી કીડીનો ગુંદરના ટીપાંમાં અંત?
ખરી જતાં પાંદડાંને ફરી પાછા ડાળીએ ગુંદરથી જાવ હવે સાંધો.
ક્રાઉં, ક્રાંઉં…

આંબાની ડાળીએ લીંબોળી ઝૂલતી ને લીમડાની ડાળીએ કેરી?
તરસી કીડીને માથે ગાગર ઢોળાય છતાં પંડિતની આંખ હજી બ્હેરી?
કીડીના પડછાયે જંગલ ઢંકાઈ ગયું જાવ હવે તડકાને બાંધો!

ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,
તમને નથીને કાંઇ વાંધો?

– અનિલ જોશી

*

અત્યારે દેશ આખો સહિષ્ણુતા-અસહિષ્ણુતાની ચર્ચાના ચકડોળે ચડ્યો છે અને ચારેકોર કાગડાઓએ ક્રાઉં ક્રાઉં મચાવ્યું છે એવામાં એકાદી કીડી ખોંખારો ખાવાની હિંમત કરે એની સમાંતરે સંત-પંડિતને juxtapose કરીને કવિતાને કવિએ અનોખી ધાર કાઢી આપી છે.

કવિતાનો મજાનો અંગ્રેજી અનુવાદ પણ અહીં પ્રસ્તુત છે:

*

An ant cleared its throat

An ant cleared its throat in a neem tree swarming with raucous crows
you do not, do you, object to this?

Abandoned have bees their hives – and the saint remains oblivious?
The ant descending from the neem tree – in a drop of gum drowns?
Now, go and stick with gum the falling leaves again to the branches.
An ant cleared its throat in a neem tree swarming with raucous crows –
you do not, do you, object to this?

Neem fruit hanging from mango branches and mangoes dangling from neem’s?
A pot of water thrown on a thirsty ant – and deaf the pundit’s eye still is?
The jungle’s shrouded in the ant’s shadow – go now, tie up the sun’s beams.
An ant cleared its throat in a neem tree swarming with raucous crows –
you do not, do you, object to this?

– English Translation by Pradip N Khandwalla
(અંગ્રેજી ભાષાંતર સૌજન્ય: પોએટ્રીઇન્ડિયા)

Comments (3)

મુઠ્ઠી ગુલાલ – પારૂલ ખખ્ખર

એક મુઠ્ઠી ગુલાલ આપું છું,
લે, ગુલાબી ધમાલ આપું છું.

મેં મને સાચવી ઘણાં વર્ષો,
પણ તને અબ્બીહાલ આપું છું.

આપજે એક રંગમાં ઉત્તર,
સપ્તરંગી સવાલ આપું છું.

તું મને લયની પાર લઇ જાજે,
હું તને સૂર તાલ આપું છું.

હાથ ફેલાવ સામટું લઇ લે,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું.

– પારૂલ ખખ્ખર

એક મજાની રંગબિરંગી ગઝલ સાથે સહુ વાચકમિત્રોને ધૂળેટીની ગુલાબી ગુલાલી શુભકામનાઓ…

Comments (7)

લાલ પાલવ – ખલીલ ધનતેજવી

ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.

હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,
લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.

એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,
એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.

આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને,
એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો !

જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,
મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.

ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું,
હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો ?

પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો,
આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.

– ખલીલ ધનતેજવી

Comments (5)

લાવી છું – દેવિકા ધ્રુવ

સોનેરી એક સાંજની આ વાત લાવી છું.
તારા મઢેલી રાતનું આકાશ લાવી છું.

સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.

હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.

પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.

ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.

મન છે, નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું…

– દેવિકા ધ્રુવ

ભાષા અને ભાવની શક્તિનો ભરપૂર અનુભવ કરાવતી આ ગઝલમાં અર્થગાંભીર્યની ગેરહાજરી સહેજે કઠતી નથી. આ ગઝલનું કલેવર જ નોખું છે….મૃદુતા અને મીઠાશથી છલોછલ….

Comments (8)

ઢળાયું નહીં – હર્ષ બ્રહ્મભટ્ટ

સળગતા રહ્યા પણ બળાયું નહીં,
કદી જ્યોત સમ ઝળહળાયું નહીં.

રહ્યો માત્ર મનથી જ મતલબ સદા,
કદી દેહમાં ઓગળાયું નહીં.

મળ્યા’તા કદી કોઈ રસ્તે મગર,
પછી કોઈ રસ્તે મળાયું નહીં.

હતું રાહ જોતું ઊભું એક ઘર,
હતું મન છતાંયે વળાયું નહીં.

ન ઊગ્યો, ન મધ્યાહ્ન મારો તપ્યો,
છતાં સાંજ પડતાં ઢળાયું નહીં

– હર્ષ બ્રહ્મભટ્ટ

સાદ્યંત સુંદર રચના… સરળ, સહજ પણ સબળ !

Comments

સાંવરિયા – વેણીભાઇ પુરોહિત

સાંવરિયા, કાહે હોત નઠોર ?
ઠાકુર, મૈં ઠુમરી હું તેરી
કજરી હૂં ચિતચોર…
સાંવરિયા, કાહે હોત નઠોર ?

સાવન કી બેચૈન બદરિયાં
બરસત ભોલીભાલી :
ગોકુલ કી મૈં કોરી ગ્વાલિન
ભીતર આંખ ભિગા લી :
કરજવા મોર : કરજવા તોર-
સાંવરિયા, કાહે હોત નઠોર ?

નંદકુંવર, મૈં જમુના ભઈ ના
ભઈ ના મધુરી બંસી :
દહી-મક્ખન કી મિઠાસ લે કર
કહાં છિપે યદુવંશી ?
ઇત ઉત ઢૂંઢત નૈન-ચકોર:
સાંવરિયા, કાહે હોત નઠોર ?

આપ હી દાવ લગા કર બેઠી,
જિયરા ભયા જુઆરી :
લગન અગન મેં લેત હિચકિયાં
ગિરધારી…! ગિરધારી…!
બિલખતી રતિયા : ભટકત ભોર
સાંવરિયા, કાહે હોત નઠોર ?

– વેણીભાઈ પુરોહિત

ગુજરાતી કવિ વ્રજભાષામાં ગીત લખે અને એ પણ આવું મધમીઠું ?! એલચીવાળું મીઠું પાન જેમ ધીમે ધીમે મમળાવીએ એમ વધુ સ્વાદ આપે એમ જ આ ગીત હળવી હલકથી વારંવાર ગાવાથી વધુ ને વધુ સ્વર્ગાનંદ આપશે એની ગેરંટી…

Comments (1)

ગઝલ – શ્યામ ઠાકોર

સોગન કાયમ જળના ખાતો,
જળથી તારે શું છે નાતો ?

પાષાણો છે એ શું બોલે ?
જળને પૂછો જળની વાતો.

જળને આ શું થઈ ગ્યું પાછું ?
કાં છે જળનો ચ્હેરો રાતો ?

જળને ડ્હોળી નાંખ્યું કોણે ?
કોણે મારી જળને લાતો ?

જળ તો ભોળું, જળ શું જાણે;
જળને માથે જળની ઘાતો.

– શ્યામ ઠાકોર

મજાની મુસલસલ ગઝલ. કલમ લઈને દોરેલું પાણીનું પાણીદાર ચિત્ર.

Comments (4)

તું કોણ છે? – રાજેન્દ્ર શુકલ

નિત તરંગિત થાઉં ને તું માં શમું તું કોણ છે?
સર્વ ક્ષણને જન્મ હું તુજને ગમું, તું કોણ છે?

પૂર્ણ રૂપે હું પ્રગટ થાઉં, પ્રકાશું પૂર્ણ થઇ,
તવ ક્ષિતિજ પર પૂર્ણ રૂપે આથમું, તું કોણ છે?

કોક વેળા અન્ય રૂપે અન્ય ગ્રહમાં તું શ્વસે,
હું મને તારા સ્મરણમાં નિર્ગમું, તું કોણ છે?

અનવરત આનંદિની ઓ તટ રહિત મંદાકિની,
રમ્યલીલા તું રમે તે હું રમું, તું કોણ છે?

કોણ છે તું વિશ્વરૂપા, તું અકળપથ ચારિણી,
તારી ઇચ્છાથી સતત ભમતો ભમું, તું કોણ છે?

– રાજેન્દ્ર શુકલ

आश्चर्यवत्पश्यति कश्चिदेन-
माश्चर्यवद्वदति तथैव चान्यः ।
आश्चर्यवच्चैनमन्यः श्रृणोति
श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्‌ ॥

કોઈ સિદ્ધ પુરુષ જ આ આત્માને આશ્ચર્યની નજરે જુએ છે અને તે જ પ્રકારે અન્ય કોઈ સિદ્ધ જ આત્મતત્વનું આશ્ચર્યની દ્રષ્ટિએ વર્ણન કરે છે, તેમજ કોઈ અધિકારી પુરુષ જ તેને આશ્ચર્ય તરીકે સાંભળે છે અને કોઈ કોઈ તો સાંભળીને પણ આત્મતત્વને નથી જાણી શકતા.

Comments (2)

સહિયર – હિતેન આનંદપરા

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર?
કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું
એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર !

મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ !
જોને શબ્દો નીકળે છે શરમાતા,
બધાં ઝાડ મને ચીડવે છે કેમ રે અલી
આમ લીલી થઈ ગઈ લાલ થાતાં?
વર્તનમાં, નર્તનમાં, ચાલમાં કે આંખમાં
કંઈ જુદું વર્તાય તને સહિયર?

પારેવાં વિસ્મયથી ચણતાં પૂછે
ચણમાં આટલી મીઠાશ ક્યાંથી આવી?
કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
લથબથ ભીનાશ ક્યાંથી આવી?
કહીએ તો ઘેલાં ના કહીએ તો મીંઢાં
ક્યાં લગ જિવાય કહે સહિયર?

-હિતેન આનંદપરા

મધમીઠું ઊર્મિકાવ્ય….

Comments (3)

સૂરજ – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

સૂરજ રમતો ભમતો ઊગ્યો.
ઊગ્યો એવો દરિયો થઈને તેજલ રંગે છલક્યો.
ને વનકન્યાના કેશકલાપે
આવળિયાનું ફૂલ થઈને મલક્યો.
ફૂલ ઉપરથી પવન બનીને છૂટ્યો
તે નવજાતક પંખીની ચાંચે
સૂર બનીને ફૂટ્યો.
વૃક્ષ તણી ડાળીએ બેસી
નીડ બનીને ઝૂલ્યો;
ઘુવડની આંખો શોધીને
અંધકારમાં પોતાનેય ભૂલ્યો !
કોણે એને ઊંચકી ત્યાંથી
કોક કવિની નિશ્ચલ આંખે મૂક્યો
કે નવપરિણીતના શયનાગારે
ચાંદરણું થઈ ઝૂક્યો !

– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

પહેલી નજરમાં અછાંદસ લાગતું આ છંદોબદ્ધ કાવ્ય કટાવ છંદના “ગાગાગાગા”ના આવર્તનોના કારણે પોતીકો લય અને રવાની ધરાવે છે. સૂરજનું પ્રતિક લઈને કવિ દિવસ અને રાત વચ્ચે, કુદરત અને પ્રણયકેલિ વચ્ચે એક મનોરમ્ય ચિત્ર દોરી આપે છે.

Comments (2)

ગઝલ – ઉદયન ઠક્કર

ઢોલ નગારે લોકો ત્રૂઠા
જલતરંગના ભાયગ રૂઠાં

સંતુલન આબાદ સાચવ્યું
કાચાં કાવ્યો, પાકાં પૂઠાં!

આંગળીઓ, એનું એ લખશો ?
પકડાવું તમને અંગૂઠા ?

વનપ્રવેશ કરવો શી રીતે ?
પાંચ બાણ ને પાંચે બૂઠાં

મંદિરો ? કે બાળમંદિરો ?
ગજવે ઘંટ, ભણાવે ઉઠાં!

(ત્રૂઠા= સંતોષ પામ્યા)

-ઉદયન ઠક્કર

કવિ ભલે એમ કહેતા હોય કે પાંચ બાણ ને પાંચે બૂઠાં પણ અહીં પાંચ શેરમાંથી એક પણ શેર બૂઠો થયો નથી. કવિને જો કે વનપ્રવેશના સંદર્ભ સાથે પંચેન્દ્રિય અભિભૂત છે એ સમજી શકાય છે. ઘોંઘાટપ્રેમી જનતા જલતરંગ જેવા સંવેદનશીલ વાદ્યનો આનંદ ઊઠાવી શક્તી નથી એના સંદર્ભે પણ કવિ આપણી બુઠ્ઠી થતી જતી સંવેદના તરફ જ અંગૂલિનિર્દેશ કરી રહ્યા છે. વાહ કવિ !

Comments (3)

ચિંતાનો વિષય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

harsh brahmabhatt

જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે,
આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે.

“જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ ?
સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.

દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત,
ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.

તારાથી છલોછલ છું હું ઢોળાઈ ન જાઉં,
છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે.

જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે,
જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

પહેલાં ગુજરાત સરકારમાં અગત્યના હોદ્દા પર વરસો સેવા આપનાર અને હાલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વ્યસ્ત કવિ હર્ષ બ્રહ્મભટ્ટ અત્યાર સુધીમાં આઠ ગુજરાતી અને પાંચ હિંદી-ઉર્દૂ કાવ્યસંગ્રહો આપી ચૂક્યા છે. ‘આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો’તો” સંગ્રહમાંથી આ એક ગઝલ આજે આપ સહુ માટે… પાંચ શેરની આ ગઝલ જાણે પાંચ આંગળીઓ વડે રચાતો એક પંજો છે… એકેય આંગળી કાઢી ન શકાય !!!

 

Comments (4)

કોણ માનશે? – ‘શૂન્ય’ પાલનપુરી

દુ:ખમાં જીવનની લા’ણ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?

શૈયા મળે છે શૂલની ફૂલોના પ્યારમાં!
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે?

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ મનશે?

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા જ રામબાણ હતી, કોણ માનશે?

આપી ગઈ જે ધાર જમાનાની જીભને,
નિજ કર્મની સરાણ હતી, કોણ માનશે?

જ્યાં જ્યાં ફરુકતી હતી સૌન્દર્યની ધજા,
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે?

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ,
ડાહ્યાની બુમરાણ હતી, કોણ માનશે?

– ‘શૂન્ય’ પાલનપુરી

Comments (2)

નહીં શકે – મરીઝ

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.

– મરીઝ

બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો શેર……..અદભૂત !! સવિશેષ તો ચોથો…..real master !!!!

Comments (2)

ગઝલ – પાર્થ પ્રજાપતિ

દર્દનો તેથી વધેલો ભાર છે,
આંસુઓ ડૂસકાંના વારસદાર છે.

બ્હાર ભૂખ્યાને જમાડો પ્રેમથી,
મંદિરોનો એ જ જીર્ણોદ્ધાર છે.

કાચ તૂટેલો મને જોઈ કહે,
એકસરખો આપણો આકાર છે !

વૃક્ષ શ્વાસોનું થયું છે વૃદ્ધ ને,
સૌ કુહાડી મારવા તૈયાર છે !

ડૂસકાઓને હવા આપે છે એ,
શ્વાસનો પણ કેવો અત્યાચાર છે !

નહિ તો ઈશ્વરનેય નીચે મોકલે,
સારું છે કે સૌ અહીં લાચાર છે !

ટોચ પર જાવાનું સપનું રહી જશે,
‘પાર્થ’ ક્યાં થોડોક પણ વગદાર છે ?

– પાર્થ પ્રજાપતિ

આખી ગઝલ સંઘેડા ઉતાર પણ ત્રીજો અને ચોથો શેર તો અદભુત !!!

Comments (6)

ગઝલ – ટેરેન્સ જાની ‘સાહેબ’

નહોતી ઇચ્છી એ જ થઈને રહી ગઈ,
જીંદગી ખંઙેર થઈને રહી ગઈ.

સુખની ક્ષણને જો મળી કેવી સજા,
કેમેરામાં કેદ થઈને રહી ગઈ.

હું દિવાનો થઈ ગયો તો થઈ ગયો,
તુ ય કયાં Perfect થઈને રહી ગઈ !

‘મા’ કે જેના કારણે ઘર સ્વર્ગ થયું
એ જ ઘરમાં ફ્રેમ થઈને રહી ગઈ.

ફકત આકર્ષણ રહે છે બહારથી
જીંદગી એક SALE થઈને રહી ગઈ.

લાગણી જેને કહે છે તે હવે
Whisky નો peg થઈને રહી ગઈ.

જો મહોબ્બતની થઈ કેવી દશા,
કોક અભણની સ્લેટ થઈને રહી ગઈ.

છો જીવનમાં ન મળી જગ્યા મગર
આંખમાં તુ ભેજ થઈને રહી ગઈ.

જેટલી ગઝલો હતી ‘સાહેબ’ની,
એક દસ્તાવેજ થઈને રહી ગઈ.

– ટેરેન્સ જાની ‘સાહેબ’

કાચી ઉંમરે અણધારી Exit કરનાર ‘સાહેબ’ની જેટલી ગઝલો આજે બચી છે એ બધી સાચે જ આજે દસ્તાવેજ બની ગઈ છે. એકાદ-બે શેરની કચાશ બાદ કરીએ તો આખી ગઝલ છાતી કાઢીને ટટ્ટાર ઊભી રહી શકે એવી થઈ છે.

Comments (5)

આંસુ – જગદીપ ઉપાધ્યાય

શસ્ત્ર સમી બળકટતા આંસુ
લાવા રૂપ પ્રબળતા આંસુ.

સુખોથી ઉબાતા મનની
દૂર કરે નીરસતા આંસુ.

માણસ માતર જાણે પર્વત
ઝરણાની ચંચળતા આંસુ.

પાષાણી ચહેરા ભીતરની
ખૂલેલી પોકળતા આંસુ.

સરનામું ના એનું પૂછો !
ઊંડી એક અકળતા આંસુ.

ફૂલો કોમળતા ડાળીની
માણસની કોમળતા આંસુ.

આંસુ ઊર્મિનો તરજૂમો
અંતરની નિકટતા આંસુ.

– જગદીપ ઉપાધ્યાય

આમ તો આખી ગઝલ સરસ થઈ છે પણ કોમળતાવાળો શેર સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય એવો થયો છે.

Comments (4)

જતી વેળા – જવાહર બક્ષી

બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે

જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે
તો આવ હોઠ સુધી … શબ્દ થઈ ઊડી જાજે

હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે

જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે

-જવાહર બક્ષી

Comments (3)