મહાસમુદ્રના પેટાળ મોટી વાત નથી,
છે આ તો આંસુનું ઊંડાણ, ઝંપલાવ નહીં.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2016

આણ છે – જગદીશ જોષી

કોઈના અણસારે તમે દૂર જઈ બેઠાં
હવે પાસે આવો તો મારી આણ છે :
તમને તો ઠીક, જાણે છબછબિયાં વહેણમાં,
પણ ઊંડા વમળાય તે આ પ્રાણ છે.

કોઈના હલેસાંથી વ્હેણ ના કપાય,નહીં
માપ્યાં મપાય વેણ પ્યારનાં :
દરિયાને નાથવાની લાયમાં ને લાયમાં,
કાંઠા તણાઈ ગયા ક્યારના
સઢના લીરા થી હવે બાંધી છો નાવ,એની
વાયરાને થોડી તો જાણ છે !

લીલીછમ વાડીમાં ગોફણનાં ઘાવ હવે
ઠાલા, હોંકારા હવે ઠાલા,
પંખી તો ટાઢકથી ચૂગે છે, આમ તેમ
ઊડે છે ચાડીયા નમાલા :
વેલાને તાણો તો સમજીને તાણજો, કે
આસપાસ થડનીયે તાણ છે !

– જગદીશ જોષી

તદ્દન મૌલિક કલ્પનો એક અલગ જ ભાત પડે છે. આખું કાવ્ય એકવાર વાંચતા ખુલતું નથી. વક્રોક્તિઓ ભારોભાર છે. સંબંધમાં ક્યાંક એક સૂક્ષ્મ ગાંઠ પડી છે અને અત્યંત સંવેદનશીલ પ્રેમી એનાથી અનભિજ્ઞ નથી. એ ફરિયાદ નથી કરતો, માત્ર જાણે કે એક હળવી, કોમળ ચેતવણી આપે છે, મૃદુ ઉપાલંભ આપે છે…. કાવ્યસર્જનને એક નવું શિખર સાંપડે છે.

Comments (4)

ગઝલ – વૈરાગ પરમાર

રસ્તાએ વિસ્તાર વધારી દીધો છે,
તારાં ઘરનો મારગ નહિતર સીધો છે.

પાને પાને કેમ પુરાવા નોંધાવ્યા ?
સાક્ષી રૂપે ઈશ્વરને તો લીધો છે.

વનવગડાને ખાલી કરવા તાબડતોબ,
કરવતના કસબીએ ઑર્ડર કીધો છે.

કોણે કીધું કેવળ ઝરણાં લીધાં છે ?
દરિયાએ પર્વતને ખોળે લીધો છે.

વૈદોએ તો નાડ તપાસી તરત કહ્યું,
આ માણસને સંજોગોએ પીધો છે.

– વૈરાગ પરમાર

એક-એક શેર સીધા સોંસરા ઊતરી જાય એવા ધારદાર… ઈશ્વર વિશેની આપણી શ્રદ્ધાની ઠેકડી ઊડાડતો શેર અખાના છપ્પાની યાદ અપાવે એવો બળવત્તર થયો છે. પહેલવહેલીવાર આ કવિની કોઈ રચના સાથે પનારો પડ્યો ને મને લવ-એટ-ફર્સ્ટ-સાઇટ થઈ ગયો (ગઝલ માટે!!).

Comments (5)

ગઝલ – મયંક ઓઝા

એક નિઃશ્વાસને સજાવી જો,
વાંસળી લે ને ફૂંક મારી જો.

મીણ જેવો હતો મુલાયમ જે,
કેમ પથ્થર બન્યો ! વિચારી જો.

શક્ય છે રંગ અવનવા ઊઘડે,
બારણું સ્હેજ તું ઉઘાડી જો.

રાત માટે જ સૂર્ય ડૂબે છે,
એમ માનીને મન મનાવી જો.

એક દીવો હજુય સળગે છે,
એક મહેફિલ હજુ જમાવી જો.

– મયંક ઓઝા

મજાની ગઝલ. ઘનમૂલક વિચારોવાળી રચનાઓ મળવી આમેય મુશ્કેલ.

Comments (1)

ગઝલ – ઉર્વીશ વસાવડા

ગેં ગેં ફેં ફેં કંઈ ના ચાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે,
આજે નહીં તો તારે કાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

યાદ રાખજે, તેં ખાધા છે સમ ગમતીલી મોસમના,
ખુશબૂઓના એક સવાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

તારાં ગીતો સાંભળવાને મહેફિલમાં સહુ બેઠાં છે,
લોકોની તાલીના તાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

વાત ભલેને હોય વ્યથાની, જીવતરના મેળામાં તો,
ઢોલ નગારાં અને ધમાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

એની રીતો સાવ અલગ છે, મોકલશે કોરો કાગળ,
તો પણ એની એક ટપાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

– ઉર્વીશ વસાવડા

સરસ મજાની ગઝલ. સરળ ભાષા અને ઊંડી અભિવ્યક્તિ.

Comments (10)

ડાંગરના ખેતરમાં તડકો – મણિલાલ દેસાઈ

ડાંગરના ખેતરમાં તડકો
રોજ સવારે ઝૂલે ડાંગર થઈને
રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર
પીળાં પીળાં રાઈ તણાં ફૂલ થઈને

દૂર ક્યારડો વાલોળે લીલો
ભમ્મર થઈને ચક્કર ચક્કર ઘૂમતો
ને પાસ થોરની ટોચ ટૂકડો આભ બનીને
ચટાક રાતો રંગ લહેરમાં ચૂમતો
બહાર ઊભેલો આંબો એનાં
પાન પાન આ ઊડી જાય રે પંખીટહૂકા થઈને

ડાંગરના ખેતરમાં તડકો
રોજ સવારે ઝૂલે ડાંગર થઈને

નીક મહીં ખળખળતા જળમાં
આભ પડી અમળાય
સૂરજનાં અસ્ત વ્યસ્ત ટુકડા તરતા રેલાય
કાંટાળા બાવળમાંથી સૂરજનાં કિરણો
જીર્ણશીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર ઠેલાય
રંગરંગનાં પડ્યાં ગાબડાં સીમ મહીં
ને સીમ તણા શેઢાઓ તો આ
ખીલે રે ફૂલે રે ઝૂલ સવાર થઈને

ડાંગરના ખેતરમાં તડકો
રોજ સવારે ઝૂલે ડાંગર થઈને

-મણિલાલ દેસાઈ

ક્લાસિક….

Comments (2)

વાસન્તી વહાલ – ભગવતીકુમાર શર્મા

લુમ્બઝુમ્બ વાસન્તી વહાલ ગમે,
સુગન્ધની સલૂણી ટપાલ ગમે.

આજકાલ ગુલાલ ગુલાલ ગમે,
સવિશેષ તમારો ખયાલ ગમે.

ફૂલનો વિપુલ બહુ ફાલ ગમે,
વગડે છંટાતો રંગ લાલ ગમે.

કેસૂડાએ ક સુંબલ ક્રાન્તિ કરી,
ખાખરાનો મિજાજ જહાલ ગમે.

પતંગિયાં,ટહુકાઓ, વનરાજિ ,
વસંતનો પૂરો મુદ્દામાલ ગમે!

ફૂલની સવારી પાલખીએ ચઢી,
કેસૂડાની કેસરી મશાલ ગમે.

‘કોઈ અહીં આવ્યું -ગયું વરણાગી ?
પવનને પૂછવો સવાલ ગમે.

પર્ણે પર્ણે ભ્રમરનો ગુંજારવ ,
ઝાંઝરની ઝીણી બોલચાલ ગમે.

– ભગવતીકુમાર શર્મા

અખિલમ મધુરમ…..

Comments (2)

મને ઓઢાડો અજવાળું – નેહા પુરોહિત

ભીતરનાં અંધાર વચાળે હું જ મને ના ભાળું,
મને ઓઢાડો અજવાળું.

માટીમાંથી કુંભ બને ને ધાતુમાંથી લોટી,
કાયા ઘડવા કિયો પદારથ લીધો હરિવર ગોતી ?
રણકારે પરખાય ઘડૂલો.. લોટી ..માણસ માળું,
મથીમથીને થાકી તો પણ હું જ મને ના ભાળું,
મને ઓઢાડો અજવાળું .

અંધારે આ દેહ ઘડ્યો, અજવાળે આપ્યા શ્વાસ,
પછી ય રોજેરોજ દીધાં છે અંધારું અજવાસ !
દોષ તમારો નથી જ, ઘરને મેં જ લગાવ્યું તાળું,
કહો પ્રભુજી શું કરવું , જ્યાં હું જ મને ના ભાળું,
મને ઓઢાડો અજવાળું .

ક્ષણનો સાક્ષાત્કાર કરું તો ક્ષણમાં ઊતરે મ્‍હોરું,
આતમને રંગાવા આપો મેઘધનુષી ફોરું,
આજકાલ તો ઝીણી ચાદર અંગઅંગ વીંટાળું,
સ્પર્શ તમારો માણું, છો ને હું જ મને ના ભાળું .
મને ઓઢાડો અજવાળું .

– નેહા પુરોહિત

નકલી આધ્યાત્મિક કવિતાઓનો આપણે ત્યાં આજકાલ લીલો દુકાળ પડ્યો છે એવામાં નકરી ‘પોઝિટિવિટિ’ વાળી આવી મજાની સો ટચની રચના હાથ જડે તો દિવસ સુધરી જાય. સંસારની સહુથી મોટી સમસ્યા મનુષ્ય એક-બીજાને ઓળખી નથી શકતો એ નથી પણ કદાચ મનુષ્ય પોતાની જાતની અંદર ઊતરીને આત્મનિરીક્ષણ કરી શકતો નથી એ છે. ઘડો-લોટી વગરેને તો કદાચ રણકારથી પારખી શકાય પણ માળું આ માણસજાતને કેમ કરીને પારખવી? કોઈ અજવાળું ઓઢાડે તો કદાચ ભીતર જોઈ શકાય.

Comments (9)

ભાષાભવન – અદમ ટંકારવી

એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દોનાં ભીંતો ચણી
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી

ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે

થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ ‘તું’
ટોડલે નામોના દીવા ઝળહળ્યા
સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા

કે અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો

– અદમ ટંકારવી

ભાષાની ભવ્યતા અને પ્રેમ સામે એની નિરર્થકતા કવિએ આ સૉનેટમાં કેવી સરસ રીતે juxtapose કરી છે ! ગુજરાતી ભાષાના નાનાવિધ અંગ વાપરી કવિ પહેલા અષ્ટકમાં ભવ્ય ભાષાભવન ખડું કરે છે ત્યારે તો સમય પણ એની કાંગરી નહીં ખેરવી શકે એવું અડીખમ હોવાની પ્રતીતિ કરાવે છે પણ ષટકની શરૂઆતમાં જ ત્યાં પ્રિયપાત્રનો ‘તું’ ધજા થઈને ફરફરે છે અને પ્રેમની દિવ્ય અનુભૂતિ થાય છે અને એના સૂસવાટા માત્રથી આખેઆખું ભાષાભવન પત્તાંના મ્હેલની જેમ ઊડી જાય છે. પ્રેમની અનુભૂતિ ભાષાતીત હોય છે…

Comments (3)

મુખડાની માયા – મીરાંબાઈ

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા!

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું,
મન મારું રહ્યું ન્યારું.

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીએ રે.

પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો ભય ટાળ્યો.

મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી;
હવે હું તો બડભાગી રે.

– મીરાંબાઈ

Vintage wine !!

Comments (1)

લઇ ઊભા – મનોજ ખંડેરિયા

ન આવ્યા જે બા’રા બરછટ અવાજો, લઇ ઊભા
અમે આ છાતીમાં જખમ નિત તાજો લઇ ઊભા

પળો જે જે સામે મળતી રહી તે લૂંટતી રહી
અમે આ વેળાનો રસભર તકાજો લઇ ઊભા

હશે કોનો તેની જરી સરખી ના જાણ અમને
અમે તો સ્કંધે કૈં વરસથી જનાજો લઇ ઊભા

નથી તૂટ્યોફૂટ્યો તરડ પણ એકે નથી પડી
મળેલો મૂંઝારો અબતલક સાજો લઇ ઊભા

ગળે ડૂમો એવો હરદમ મળ્યો માપસરનો
નહીં ઓછોયે કે નહીં જરાય ઝાઝો, લઇ ઊભા

પ્રતીક્ષા છે ક્યારે જનમભરનાં લંગર છૂટે
બુઝાતા શ્વાસોના તટ પર જહાજો લઇ ઊભા

અમારાથી થૈ ના કદી પણ અનાવૃત કવિતા
અમે તો ભાષાનો લયમય મલાજો, લઇ ઊભા

– મનોજ ખંડેરિયા

Comments (2)

ત્યારથી – વિપિન પરીખ

પીંજરામાં ગાતાં ગાતાં પંખીએ
એક દિવસ
આકાશને જોયું
અને ત્યારથી
એના દુઃખની શરૂઆત થઈ.

– વિપિન પરીખ

એકસાથે કેટલા બધા અર્થ !! Desire is the root cause of all misery ! [ Bertrand Russel once quipped – ‘ I do not desire life without desire ‘ ! ]

Comments (5)

યાચના – ચન્દ્રકાન્ત ધલ

ખાવાનું આપતી વખતે
પાંજરાના પોપટે મને કહ્યું:
‘તમે મને ખાવા-પીવાનું આપો છો
એ બરાબર છે
પણ
મારી પાંખો કાપી આપોને
મને એનો
બહુ
ભાર લાગે છે.’

– ચન્દ્રકાન્ત ધલ

એક જ લીટીની કવિતા પણ જાણે કોઈ આપણી છાતીમાં તીક્ષ્ણ કટારી હુલાવી ન દેતું હોય એવી ટીસ કાયમ માટે મૂકી જાય એવી.

Comments (4)

ગઝલ – મેગી અસનાની

બે ઘડી ઝાકળ છે, રાહત આટલી
ફૂલ સ્વીકારે છે કિસ્મત આટલી.

સૂર્યને પડકારે બસ ચારેક પ્રહર
આ તિમિર રાતોની હિંમત આટલી.

આવે ના તો કંઈ નહિ પણ ‘આવશે’
આપશે ક્યારે એ ધરપત આટલી ?

ઊંઘમાં હો તો મળી લેવું કદી,
આંખથી સપનાને નિસ્બત આટલી.

પ્રેમ, પ્રતીક્ષા, મળવું ને જુદા થવું,
જિંદગી પાસે છે આફત આટલી.

– મેગી અસનાની

જાણીતા કલ્પન, જાણીતી સંવેદનાઓ પણ ગઝલની માવજત કેવી તાજગીસભર ! ઝાકળની ક્ષણભંગુરતા અને ફૂલનો વાસ્તવિક્તાનો સ્વીકાર કેવી અનૂઠી રીતે કવયિત્રી મત્લામાં લઈ આવ્યા છે ! પહેલા ત્રણે શેર માટે એક જ શબ્દ સૂઝે છે: લાજવાબ !!

Comments (9)

આ દર્પણનું સાચ – જીતેન્દ્ર જોશી

અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

રોજ રોજ તું ભૂલી પડતી આ ખોટા સરનામે,
બિંબ જોઈને ઝૂર્યા કરતી તું દર્પણની સામે.
કોઈ નથી એ બીજું મ્હોરું, ખાલી છે આ કાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

ડાળ ઉપરથી ચીંચીં કરતી, ઘૂમરાતી તું ઘેલી,
વ્યાકુળ થઈને ખખડાવે છે બંધ કરેલી ડેલી,
કોઈ નથી ખોવાયું તારું, ના કર અમથી જાંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

ફરફર ફરફર ફરક્યાં કરતી તારી કોમલ પાંખો,
કોઈ નર્તકી જેમ નાચતી તારી બન્ને આંખો,
કોઈ નથી જોનારું અંદર, તારો સુંદર નાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

ઝૂરી ઝૂરી થાકી ગ્યા છે, કૈંક અહીં છેવટમાં,
લોહી નીગળતી ચાંચ રહે છે, અંતે અહીં ફોગટમાં,
પથ્થર છે આ, નહીં આવે કંઈ, એને ઊની આંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

– જીતેન્દ્ર જોશી

મજાની ચકલી-ગીતા !!

Comments (4)

તારા સ્મરણ – રમેશ પારેખ

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

શા માટે બાંધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.

કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં

આ ખાલી ઘરમાં હોતું નથી કોઈ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં

છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાર્થના ,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?

જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.

-રમેશ પારેખ

Comments (3)

કંસારા બજાર – મનીષા જોષી

માંડવીની કંસારા બજારમાંથી પસાર થવાનું
મને ગમે છે.
‘ચિ. મનીષાના જન્મ પ્રસંગે’
આ શબ્દો મમ્મીએ
અહીંથી ખરીદેલા વાસણો પર કોતરાવ્યા હતા.
વર્ષો વીત્યાં.
મારા હાથ-પગની ચામડી બદલાતી રહી
અને એ વાસણો પણ, ઘરના સભ્યો જેવાં જ,
વપરાઈને ઘસાઈને
વધુ ને વધુ પોતાનાં બનતાં ગયાં
એ વાસણોની તિરાડને રેણ કરાવવા
હું અહીં કંસારા બજારમાં આવું છું ત્યારે
સાથે સાથે સંધાઈ જાય છે
મારાં છૂટાં છવાયાં વર્ષો પણ.
ગોબા પડેલા, ટીપાઈ રહેલાં વાસણોના અવાજ
કાનમાં ભરી લઈ, હું અહીંથી પાછી જઉં છું ત્યારે
ખૂબ સંતોષથી જઉં છું.
આ વાસણો જ્યાંથી લીધાં હતાં
એ દુકાન કઈ, એ દુકાનદાર કોણ
કાંઈ ખબર નથી, છતાં
આ બજારના ચિરકાલીન અવાજ વચ્ચેથી
હું ચૂપચાપ પસાર થતી હોઉં છું ત્યારે
સતત એમ લાગ્યા કરે છે કે
હું અને આ અવાજ ક્યારેય મરતા નથી.
નવાં નવાં દંપતી અહીં આવે છે.
મારા માટે નવું નામ પસંદ કરીને
વાસણો પર કોતરાવીને
મને તેમના ઘરે લઈ જાય છે.
હું જીવું છું વાસણોનું આયુષ્ય
અથવા તો, બેસી રહું છું.
માંડવીની કંસારા બજારમાં
જુદી જુદી વાસણોની દુકાનોનાં પગથિયાં પર.
ધરાઈ જઉં છું
બત્રીસ પકવાન ભરેલી થાળીથી,
મૂંઝાઈ જઉં છું
એક ખાલી વાટકીથી.
વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં,
તાકે છે મારી સામે
તત્ત્વવિદની જેમ ત્યાં જ, અચાનક
કોઈ વાસણ ઘરમાં માંડણી પરથી પડે છે
ને તેનો અવાજ આખા ઘરમાં રણકી ઊઠે છે.
હું એવી અસ્વસ્થ થઈ જાઉં છું
જાણે કોઈ જીવ લેવા આવ્યું હોય.
વાસણો અને જીવન વચ્ચે
હાથવ્હેંત જેટલું છેટું,
ને વ્હેંત, કંસારા બજારની લાંબી સાંકડી ગલી જેવી
ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય
એ સમજાય તે પહેલાં
વ્હેંતના વેઢા
વખતની વખારમાં
કંઈક ગણતા થઈ જાય,
કંસારા બજારનો અવાજ
ક્યારેય સમૂળગો શાંત નથી થતો.
બજાર બંધ હોય ત્યારે
તાળા મારેલી દુકાનોની અંદર
નવાંનકોર વાસણો ચળકતાં હોય છે.
ને એ ચળકાટમાં બોલતા હોય છે
નવાં નવાં જીવન
થાળી વાટકા અને ગ્લાસથી સભર થઈ ઊઠતાં
ને એંઠાં રહેતાં જીવન
હું જીવ્યા કરું છું
ગઈ કાલથી
પરમ દિવસથી
તે ‘દિ થી.

– મનીષા જોષી

વાસણ-જીવન-વહેતા સમય સાથે વહેતી જીવનધારા……..  અદભૂત રૂપક સાથે અનેરું ભાવવિશ્વ સર્જ્યું છે કવયિત્રીએ  ! કોઇપણ સમજૂતી લખવાને બદલે માત્ર આખું કાવ્ય બે-ત્રણવાર ધીરેથી વાંચવાની વિનંતિ કરું છું-આપોઆપ દિલની અંદર એક મસ્ત સ્પંદન પેદા કરી દેશે આ કાવ્ય…..

Comments (6)

ચાર-પાંચ – અલ્પેશ ‘પાગલ’

એકાદ-બે ડૂમા અને ડૂસકાં પડ્યાં છે ચાર-પાંચ,
તેં ના કહેલી વાતના પડઘા પડ્યા છે ચાર-પાંચ.

એ હસ્તરેખા જાણનારા ખાનગીમાં કહું તને,
ખિસ્સામાં મારા ભાગ્યના તારા પડ્યા છે ચાર-પાંચ.

એકાદ ભીની યાદ કૈં તડપાવવા ઓછી હતી,
પાછાં સ્મરણ વરસાદમાં ન્હાવા પડ્યાં છે ચાર-પાંચ.

તેં સાવ સાચું કહી દીધું કો’ની શરમ રાખી નહીં,
મારા ‘ઇગો’ પર જોઈ લે ગોબા પડ્યા છે ચાર-પાંચ.

હું ગ્યા જનમમાં એક પંખી હઈશ લાગે છે મને,
મારા ગળામાં આજ પણ ટહુકા પડ્યા છે ચાર-પાંચ.

મારી દલીલો તો બધી ખૂટી પડી, હારી ગયો,
ને એમની પાસે હજી મુદ્દા પડ્યા છે ચાર-પાંચ.

એક જ હતી બસ ભૂલ ને એક જ સજા એની હતી,
‘પાગલ’ જગતને કારણો ધરવાં પડ્યા છે ચાર-પાંચ.

– અલ્પેશ ‘પાગલ’

Comments (6)

શું લઉં હું આ નદીમાંથી ? – ભાવિન ગોપાણી

હવે તો તું જ કહે કે શું લઉં હું આ નદીમાંથી ?
તરસને કોઈ પણ કાઢી શક્યું છે માછલીમાંથી ?

ગયા’તા જે, થયાં વર્ષો છતાં પાછા નથી આવ્યા,
ક્ષણો બે ચાર ઉછીની લાવવા આખી સદીમાંથી.

અમારી જિંદગીમાં આવશે વૈભવ ખરેખર, જો,
અમે પામી શકીશું કંઈ તમારી સાદગીમાંથી.

નથી મેં હાથ ઈશ્વરથી મિલાવ્યો આ જ કારણથી,
ઉતારી ના શક્યો એ પણ સુદર્શન, આંગળીમાંથી.

અમારા અંગનું આ સૈન્ય આજે શાંત શાને છે ?
થયો લાગે છે રાજા ગુમ અમારી છાવણીમાંથી.

– ભાવિન ગોપાણી

એક એક શેર શાંતિથી મમળાવવા જેવા…

Comments (5)

ગઝલ – અનંત રાઠોડ “પ્રણય”

મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે
ચર્ચાય સઘળુ મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે

છે ટેરવાં અજાણ અને સોય પણ બધિર
સંધાઈ જે ગયું છે એ ટાંકાથી ગુપ્ત છે

થડની અબોલ ચીસ કુહાડીએ સાંભળી
પણ ધાર જાણતી બધું હાથાથી ગુપ્ત છે

ઉંબર, દીવાલ, દ્વાર બધા મૌન થઇ ગયાં
ખાલીપણું મકાનનું વાડાથી ગુપ્ત છે

ગૂંજ્યા કરે મહેલમાં પગરવ હજુ “પ્રણય”
અંદર પ્રવેશ્યું કોણ એ ઝાંપાથી ગુપ્ત છે

– અનંત રાઠોડ “પ્રણય”

વાહ ! કેવી મજાની રચના !

Comments (9)

અદીઠો પહાડ – જગદીશ જોષી

યાતનાનાં બારણાંને કીધાં મેં બંધ
અને ઉઘાડી એક એક બારી
જાગીને જોઉં છું તો વહેલા પ્રભાતે
કેવી કિરણોની ઝારે ફૂલ-ઝારી !

આંગણાની બ્હાર એક ઊભું છે ઝાડ
એની ડાળ ઉપર પાંદડાંનાં પંખી
ઝાડના આ લીલા તળાવણા તળિયે તો
ભૂરું આકાશ ગયું જંપી !
વ્હૈ જાતી લ્હેરખીએ બાંધ્યો હિંડોળો
એને તારલાથી દીધો શણગારી.

ક્યાંકથી અદીઠો એક પ્રગટ્યો છે પહાડ
એની પછવાડે જોઉં એક દેરી
તુલસીના ક્યારાની જેમ મારા મનને હું
રાત-દિવસ રહું છું ઉછેરી :
રાધાનાં ઝાંઝરને વાંસરીના સૂર રોજ
જોયા કરે છે ધારી-ધારી.

– જગદીશ જોષી

જગદીશભાઈની આ typical શૈલી છે. તેઓ અર્થગંભીર વાતને પ્રકૃતિના સુંદર આલેખન સાથે વણી લે છે. ઘણીવાર આખા કાવ્યમાંથી એક સૂર ન નીકળતો હોય એવું લાગે પરંતુ એ જ તેઓની શૈલી છે. ઘણીવાર આખું કાવ્ય સ્વગતોક્તિ જેવું હોય !

પ્રસ્તુત કાવ્યમાં એક મીઠા ઝૂરાપાને પ્રકૃતિનો શણગાર રચીને મઢાયો છે.

Comments (2)