શબ્દો બસ લાકડાની જેમ તણાઈ આવ્યા,
લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે.
રઈશ મનીઆર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for July, 2014
July 31, 2014 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર
નરસિંહ મહેતાની સમગ્ર કવિતાના આગોતરા ગ્રાહક બનવાની વાત થોડા દિવસો પહેલાં અમે લયસ્તરોના આંગણે લઈ આવ્યા હતા… એ વખતે કેટલાક વાચકમિત્રોએ કેટલાક સવાલ ઊઠાવ્યા હતા. આશા રાખીએ કે આ સાથેની માહિતી આપના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સહાયભૂત થશે…
સ્વાભાવિક રીતે જ આપણા આદિકવિની સમગ્ર કવિતાનો ખજાનો આપણા સહુના ઘરમાં હોવો જ જોઈએ… દરેક ગુજરાતી કાવ્યપ્રેમીને અમારી નમ્ર અપીલ છે કે આ અમૂલ્ય ખજાનો રાહત દરે મેળવવાની તકથી વંચિત ન રહે… મેં મારા માટે પાંચ પ્રત બુક કરાવી છે… આપ કેટલી નકલ મેળવશો?
*
Permalink
July 28, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,
વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.
છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,
કાળજીથી ખોલીને સળ વાંચીએ.
પત્ર સૌ પીળા પડયા તો શું થયું?
તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.
કેમ તું રહી રહીને અટકી જાય છે?
મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.
પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,
આંખથી લુછી લઈ જળ, વાંચીએ.
લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,
શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.
માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,
કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.
– ભગવતીકુમાર શર્મા
Permalink
July 27, 2014 at 2:42 AM by તીર્થેશ · Filed under ગીત, ભાગ્યેશ જહા
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?
ભીના અજવાળાને ઓરડામાં રાખીએ
તો વરસે તે સમણાના ઝાંપે,
ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે,
તો જાગેલા દીવાથી કાંપે, –
દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો-
હવે ખુદ તમે પ્રગટો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?
ધારો કે ફૂલ નામે ઊગે સરનામું
અને પીળી સુવાસ નામે શેરી,
ગામ એનું ધોધમાર વરસાદી ઝાપટું
ને સૂકવેલી લાગણીઓ કોરી,
ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીં,
હવે, તડકો થઈ આવો તો કેવું ?
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?
– ભાગ્યેશ જહા
Permalink
July 26, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
બોલવું તો બોલવું પણ શી રીતે? કોઈ સાક્ષાત્કાર જેવી વાત છે
રાજહંસો સાથ ઊડતા કાચબાના પ્રથમ ઉચ્ચાર જેવી વાત છે
દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઈ
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી? જે ગમે તે ધાર, જેવી વાત છે
એક દિવસ શેરડીના ખેતરે, કોઈ જાણીતા કવિ પેસી ગયા
‘ના, હું તો ગાઈશ,’ બોલ્યા, મેળવ્યો યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે
લીલીછમ વાડીએ જઈને મેં પૂછ્યું, ‘કુમળો એક… અંતરાત્મા રાખું કે?’
આજુબાજુ જોઈ પોતાને કહ્યું, ‘રાખને દસ-બાર…’ જેવી વાત છે
વાતેવાતે ગર્જના શાનો કરે? સિંહ જેવો થઈને છાયાથી ડરે?
કોણ છે તું? ઓળખી લે જાતને, નહિ તો કૂદકો માર, જેવી વાત છે
જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાના લે તો બીજું થાય શું? આપણી સરકાર જેવી વાત છે
– ઉદયન ઠક્કર
પંચતંત્રની છ વાર્તાઓ ગઝલના છ શેરમાં ગૂંથીને કવિ લઈ આવ્યા છે. એ બધી વાર્તાઓને આજના પરિપ્રેક્ષ્યમાં મૂકીને કવિ અખાની જેમ ચાબખાવેધ સાધી શક્યા છે…
Permalink
July 25, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમણીક સોમેશ્વર
સાવ એકલું ઝાડ નદીમાં ના’ય, નદીમાં ના’ય
શરમ-બહાવરી નદી ઘડીમાં દોડે, ઘડી છુપાય
એકલું ના’ય, એકલું ના’ય, નદીમાં ઝાડ એકલું ના’ય
ઝાડ નદીમાં ભૂસકો મારી કૂદ્યું ભફાંગ કૂદ્યું
વહેવું ભૂલી નદી વિમાસે, શું થ્યું, શું થ્યું,શું થ્યું ?
છાલક ઊડી આકાશે ને ઝાડ સ્વયં ભીંજાય
શરમ-બહાવરી નદી ઘડીમાં દોડે, ઘડી છુપાય
ઝાડ નદીમાં ડૂબકી મારી અંગ અંગ ઝબકોળે
અને નદીમાં વમળ કેટલાં વમળ વળ્યાં છે ટોળે !
વમળ વમળમાં ઝાડ, નદી પણ પાન પાન ડોકાય,
સાવ એકલું ઝાડ નદીમાં ના’ય, નદીમાં ના’ય.
– રમણીક સોમેશ્વર
કલમના બે-ચાર લસરકા માત્રથી કવિ કેવું મજાનું ચિત્ર ઉઘાડી આપે છે… કોઈ ષોડષી એકલી નદીમાં નાહવા પડી હોય અને નદી ભાન ભૂલી જાય, વમળ આ લીલા જોવા જાણે ટોળે વળે અને એક-એક વમળમાં ષોડષીના પ્રતિબિંબની હારમાળા ઝિલાય અને રોમ-રોમે નદી ટીપાં બનીને ઝળકી ઊઠે… નિતાંત પ્રકૃતિકાવ્ય તરીકે પણ કવિતા એવી મજા કરાવે એવી થઈ છે !
Permalink
July 24, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાકેશ બી. હાંસલિયા
*
તારા હોઠે જે અજબ મુસ્કાન છે,
મારા માટે એ જ તો ભયસ્થાન છે.
આંગણું ક્યાં એટલું વેરાન છે,
તારા પગલાંનાં હજુ નિશાન છે.
જેઓ તારા નામની રચના કરે.
એ બધા અક્ષર ખરા ધનવાન છે.
ઓરડો ભરચક છે તારી યાદથી,
એ જ મારો કિંમતી સામાન છે.
પ્રેમથી તું ના નિહાળે કોઈને,
એમાં તો તારું ફકત નુકસાન છે.
સાવ છેલ્લી પંક્તિમાં બેસું ભલે,
કેટલાંના દિલમાં મારું સ્થાન છે.
– રાકેશ હાંસલિયા
લયસ્તરો તરફથી કવિશ્રીને એમના પ્રથમ સ્વતંત્ર ગઝલ સંગ્રહ બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ….
Permalink
July 21, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઇન્દ્રજિત મોગલ, પદ્મા ગોળે
વૈશાખ મહિનામાં નવાં પાંદડાંનાં ઝુમખાં
આકાશ તરફ મીટ માંડીને બેઠાં હોય,
એમ મારું ભોળું હ્રદય
તારી એકસરખી વાટ જુએ છે.
ધરતી તપ્ત, પવન નિ:શબ્દ,
ઘેરાયેલાં વાદળ,
પગરવ સાંભળીને મારા મનમાં
આર્ત પેદા કરે છે.
વાદળ એમ જ ચાલ્યાં જાય છે ઉપેક્ષા કરીને,
પાન નમી પડે છે
એમ શું કામ કહું કે તેનું દુઃખ
વ્યાકુળ કરે છે મારા હ્રદયને.
– પદ્મા ગોળે – અનુ- ઇન્દ્રજિત મોગલ
અદભૂત ભાવવિશ્વ…… !! રામ બાણ વાગ્યા રે હોય તે જાણે…….ઉનકો ખુદા મિલે હૈ ખુદાકી જિન્હેં તલાશ, મુઝકો તો બસ ઇક ઝલક મેરે દિલદાર કી મિલે….
Permalink
July 20, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, સર્વેશ્વરદયાલ સક્સેના, સુરેશ દલાલ
પહેલી વાર
મેં જોયું પતંગિયું
કમલમાં રૂપાંતરિત થતું
પછી કમળ પરિવર્તન પામ્યું
ભૂરા જળમાં
ભૂરું જળ
અસંખ્ય પંખીઓમાં
અસંખ્ય પંખીઓ
રંગીન લાલ આકાશમાં
અને આકાશ રૂપાંતરિત થયું
તારી ગુલાબી હથેળીમાં….
આમ ને આમ મેં અનેકવાર જોયાં આંસુઓ
સપનામાં રૂપાંતરિત થતાં……
– સર્વેશ્વરદયાલ સક્સેના [ હિન્દી ] – અનુ- સુરેશ દલાલ
સરળ વાચ્યાર્થ તો સુંદર છે જ…… થોડુક અલગ રીતે વિચારતાં– ‘આશા’ અને ‘નિરાશા’ શબ્દો પર મોટા મોટા થોથાંઓ લખી શકાય, પરંતુ અર્ધખૂંચેલા તીરની વેદનાથી પીડાતા જીવડાને એ શું કામ લાગે !? તો સામે છેડે આ કવિ છે !! થોડાક સરળ શબ્દોથી આખું મેઘધનુષ રચી કાઢ્યું છે……!! બૌદ્ધધર્મ અનુસાર આને ‘સમ્યક દ્રષ્ટિ’ કહી શકાય- બિંદુમાં સિંધુ અને સિંધુમાં બિંદુ જોવું તે………પરિપાટીને અવગણી હાર્દ જોવું એટલે સમ્યક દ્રષ્ટિ
Permalink
July 19, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મેઘજી ખટાઉ ડોડેયા 'મેઘબિન્દુ', મેઘબિન્દુ
એમનું ધાર્યું થશે તો શું થશે
જિંદગીના શ્વાસ પૂરા થઈ જશે
હા, નથી, સંબંધનો એ માનવી
જાણ છે બસ એટલી એના વિશે
છૂટવું મુશ્કેલ છે સંબંધથી
લાગણીનાં કેટલાં બંધન હશે
મૌન એનું જીરવી શકતો નથી
એ છતાં બોલે નહીં એ શું હશે
એ ક્ષણે તો શું કરી શકશે ભલા
નોંધ મારા મૃત્યુની તું વાંચશે
– મેઘબિંદુ
સરળ ભાષા અને સીધી વાત…
Permalink
July 18, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમંત ગોહિલ 'મર્મર'
વાત કેવળ ઝાડવું ઉજેરવાની છે,
હા, પછી તો ડાળ ટૌકા વેરવાની છે.
લાવ, ઇસ્ત્રી ફેરવી દઉં દેશભક્તિને,
ફક્ત પ્રસંગ પૂરતી એ પ્હેરવાની છે !
તાર તો ઔરંગઝેબી જીવ છે પાક્કો,
જે કલા છે એ તો કેવળ ટેરવાની છે.
સાબદા સૌ થાવ સપનાં વીણવા માટે,
રાત એની પાંખને ખંખેરવાની છે.
સ્હેજ અડક્યાનો થયો આરોપ, તેથી તો –
ફૂલની સુગંધ વાને ઘેરવાની છે.
પોતપોતાના ઘરોમાં બંધ રે’જો સૌ,
એક ઇચ્છા શ્વાસને ઉશ્કેરવાની છે.
– હેમંત ગોહિલ ‘મર્મર’
એક-એક શેર ટકોરાબંધ. कर्मण्येवाधिकारस्तेની વાત કવિએ કેવી સરસ રીતે મત્લાના શેરમાં ઝાડ અને ટહુકાના પરિપ્રેક્ષ્યમાં કહી છે ! બધા જ શેર સુંદર છે પણ મને ફૂલની સુગંધ હવાનો ઘેરાવ કરવાની છે એ વાત સવિશેષ ગમી ગઈ….
Permalink
July 17, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રા
પ્રેમના મારગમાં રાહ તારી જોઈને
. થાકી ગયું છે દિલ આ,
. તને કોણ કરે પ્રેમ હવે.. જા…
એકલામાં મારી તું હાજરીને ઝંખે
. ને હાજરીમાં પાળે એકાંત
લોકોથી જાણ્યું કે ઘણીવાર તું
. મારી યાદમાં કરે છે કલ્પાંત
મનથી તો ફૂલોની ઝંખના કરે ને
. તોય પકડે છે કાંટો તું કાં?
. તને કોણ કરે પ્રેમ હવે… જા…
પહેલા તો ચોરીથી સામું જુએ
. ને પછી શરમુના ખોડી દે સ્તંભ
આંખોના ચમકારા પલકોથી ઢાંકીને
. ડાહ્યા થવાનો કરે દંભ
આંખે તો ઠીક રગે રગમાં ‘હ-કાર’,
. તોય પૂછું તો કહે;”ના રે ના”
. તને કોણ કરે પ્રેમ હવે… જા…
~ચંદ્રા
ફેસબુકના માધ્યમથી ઝડપભેર આગળ આવી રહેલું એક બીજું નામ- ચંદ્રા તળાવિયા… સુરતમાં દર મહિનાના પહેલા રવિવારે સાંજે નિયમિત યોજાતી ગુફ્તેગૂ-કાવ્યગોષ્ઠિમાં ચંદ્રાએ પોતાની રચના વાંચવી શરૂ કરી અને મુખડુ સાંભળતાવેંત જ મારું મન બોલી ઊઠ્યું – આ કલમને કોણ નહીં કરે પ્રેમ હવે…જા…
અંતરના ઉજાસને યોગ્ય રીતે સાચવીને શબ્દની સાધના ચાલુ રાખશે તો કવયિત્રીનું ભવિષ્ય નિઃશંકપણે ઉજ્જવળ છે…
Permalink
July 14, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઑક્તોવિયો પાઝ, નલિન રાવળ
મારા હાથ
નિરાવરણ કરે છે તારા દેહ ને
આચ્છાદે છે તને અધિક નગ્નતામાં
તારા દેહમાંના દેહોને ખોલે છે
મારા હાથ
શોધે છે તારા દેહ અર્થે અન્ય દેહ
– ઓક્તોવિયો પાઝ અનુ.- નલિન રાવળ
My hands
open the curtains of your being
clothe you in a further nudity
uncover the bodies of your body
My hands
Invent another body for your body
આ પ્રકારના ઘણા કાવ્યો પાઝે રચ્યા છે તેમાંનું આ સૌથી વિખ્યાત છે. પ્રેમીનો જાદુઈ સ્પર્શ પ્રિયતમાએ અદ્યપિ કદી ન અનુભવેલા પોતાની કાયાના જ અનભિજ્ઞ સ્પંદનો ઝંકૃત કરવા સમર્થ છે. શારીરિક સંપર્કની તદ્દન અલગ જ કક્ષાએ કવિ લઇ જાય છે…….
Permalink
July 13, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under પ્રકીર્ણ
ભજન,પૂજન,સાધના,આરાધના – આ બધું પડ્યું રહેવા દે.
તું શું કરવા બારણાં કરીને દેવાલયના ખૂણામાં પડી રહ્યો છે ?
અંધકારમાં છુપાઈને
તું એકલો એકલો કોને પૂજી રહ્યો છે ?
આંખ ખોલીને જો તો ખરો,
ઓરડામાં દેવ તો છે નહીં !
તે તો
ખેડૂતો જ્યાં માટી ભાંગીને ખેડ કરી રહ્યા છે,
મજૂરો જ્યાં પથ્થર ફોડીને રસ્તો બનાવી રહ્યા છે,
ત્યાં ગયા છે,
અને તડકામાં ને વરસાદમાં
બારેમાસ
તેમની સાથે મહેનત મજૂરી કરે છે,
તેમને બે હાથે ધૂળ લાગી છે.
તેમની પેઠે પવિત્ર વસ્ત્ર કાઢી નાખીને તું પણ ધરતીની ધૂળમાં ચાલ્યો આવ.
મુક્તિ ?
અરે મુક્તિ ક્યાં મળવાની હતી, મુક્તિ છે જ ક્યાં ?
પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે.
રહેવા દે તારું ધ્યાન અને પડી રહેવા દે તારી ફૂલની છાબને.
વસ્ત્ર ફાટે તો ભલે ફાટતાં,
ધૂળ-માટી લાગે તો ભલે લગતી.
તું તારે કર્મયોગમાં તેમની સાથે થઈ જા,
અને માથાનો પસીનો પગે ઊતરવા દે.
-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ. નગીનદાસ પારેખ
‘ મુક્તિ ? અરે મુક્તિ ક્યાં મળવાની હતી, મુક્તિ છે જ ક્યાં ? પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે. ‘ – આ પંક્તિઓ આખા કાવ્યનું હાર્દ છે….. તત્વમસિ…….
Permalink
July 12, 2014 at 12:30 AM by વિવેક · Filed under કુલદીપ કારિયા 'સારસ', ગઝલ
ઝાડવું ને સ્ટ્રીટલાઇટ પાસપાસે છે
જોઈએ કે કોને કોનો ચેપ લાગે છે
વાદળા આકાશમાં વ્યાપેલ ખેતર છે
કોઈ એને ખેડીને પાણી ઉગાડે છે
બારી પાસે જો નથી કાતર તો શેનાથી
એ સ્વયંના કદ મુજબ આકાશ કાપે છે
વ્હેતા પડછાયામાં નાહી લો ધરાઈને
સારું છે તમને નદીનું સપનું આવે છે
બારણા પાસે બધા દૃશ્યો થયાં ભેગાં
જલ્દી અંદર ઘૂસવા સૌ ધક્કા મારે છે
એફબી પર જઈ અને સૂંઘી શકે છે સૌ
ફૂલ જે ઘરથી હજારો ગાઉ આઘે છે
હૂંફમાં પણ મેળવણ જેવી અસર છે કે?
ભાન ખોવાતું જતું ને ઊંઘ જામે છે
– કુલદીપ કારિયા
આજની ગઝલનો એક અલાયદો અવાજ… કુલદીપ કારિયા… સાવ નવા નક્કોર કલ્પન અને અનૂઠા શબ્દચિત્રો… ફેસબુક તો ગુજરાતી ગઝલમાં ઘણીવાર જોવા મળે છે પણ એફબી શબ્દ તો કદાચ પ્રથમવાર જ પ્રયોજાયો હશે… બધા શેર મજાના પણ છેલ્લો શેર… દૂધમાં મેળવન નાંખીએ ને દહી જામતું જાય્વાળી વાત હૂંફ અને ઊંઘમા પરિપ્રેક્ષ્યમાં કમાલ કરીને કવિ દિલ જીતી લે છે…
Permalink
July 11, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી, બ્લોગજગત, સાહિત્ય સમાચાર
“ગુજરાતી બ્લૉગજગતનાં કાવ્યપુષ્પો” એ ‘વેબગુર્જરી’ તરફથી પ્રકાશિત થયેલ ત્રીજું ઇ-પુસ્તક છે જેમાં ગુજરાતી બ્લૉગજગતમાં કાર્યરત્ કુલ ૨૮ કવિઓની ૨૮ રચનાઓ હેમંત પુણેકરે સંપાદિત કરી છે અને અશોક મોઢવાડિયાએ આ ઇ-પુસ્તકને ચિત્રો વડે શણગાર્યું છે. આ મજાનું પુસ્તક આપ સહુની પ્રતીક્ષામાં છે…
૧) હિમાંશુ ભટ્ટ – લહરના લહરના પ્રવાહો અલગ છે
૨) પંચમ શુક્લ – વિલાયતી આટીકડું નૈડું, થઈ ઉપાધી
૩) સ્નેહા પટેલ “અક્ષિતારક” – લાંબી મઝલ એ રીતથી કાપી શકાય છે
૪) સાક્ષર ઠક્કર – આપી આપીને તમે પીંછું આપો સજન !
૫) વિવેક ટેલર – ધગધગતી ધરતીના રોમ-રોમ ઠારી દે એવો વરસાદ થઈ આવ
૬) પ્રવિણ શાહ – એટલો મનને દિલાસો છે
૭) કવિ રાવલ – આજ મનમાં કોણ જાણે શો ઉચાટ છે ?
૮) દક્ષેશ કોન્ટ્રાક્ટર “ચાતક” – અધીરી આંખને મળવાં હવે સપનાં નહીં આવે
૯) સુનીલ શાહ – કાંટા વચ્ચે રહો છો, જીવા
૧૦) મોના નાયક “ઊર્મિ” – આજનો અંધાર જો, રળિયાત છે !
૧૧) ગુંજન ગાંધી – શ્વાસ ઉંડા ના ભરો, ગૂગલ કરો.
૧૨) યશવંત ઠક્કર – રાતનો વિસ્તાર બારેમાસ છે
૧૩) દિલીપ ગજ્જર – હૃદયમાં સાચવી જેને સદા તેં સ્થાન આપ્યું છે
૧૪) દેવીકા ધ્રૂવ – એ કહે છે કંઇ, ને કરે છે કંઇ.
૧૫) સપના વિજાપુરા – આજ મધુકરને સુમન, તારા જ સ્મરણો લાવશે.
૧૬) મહેશ રાવલ – ભૂલને સ્વીકારવામાં આપણે ટૂંકા પડ્યા
૧૭) હેમંત પુણેકર – જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
૧૮) મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’ – ભીડના દરબારમાં કોને મળું ?
૧૯) હિમાંશુ પટેલ – અનુવાદ – કોણ કરે છે આ ફેરફાર?
૨૦) જુગલકિશોર વ્યાસ – કહે
૨૧) ધૈવત શુક્લ – અવકાશમાં દીપી રહેલા વૃત્તને હું જોઉ છું !
૨૨) જગદીપ નાણાવટી – ન રમેશ હું, ન મનોજ હું
૨૩) ચેતન ફ્રેમવાલા – શબ્દોનાં સથવારે ચાલ્યો.
૨૪) અમિત ત્રીવેદી – તારું હોવાપણું ક્યાંય અડક્યું મને ?
૨૫) હિમલ પંડ્યા “પાર્થ” – ભીતરે અંકાય એવું લખ હવે
૨૬) રમેશ પટેલ “આકાશદીપ” – સંગ્રામે મુક્તતાના, અમર યશ ધરી, ભેટ દીધી સુભાગી
૨૭) વલીભાઈ મુસા – ચંચુ મહીં તૃણ ગ્રહી
૨૮) વિજય જોશી- જન્મ આપી પ્રભાતને
જોડણીની ભૂલો નિવારી શકાય હોત તો પુસ્તક વધુ મૂલ્યવાન બન્યું હોત…
Permalink
July 10, 2014 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર
સાક્ષાત્ નરસિંહ મહેતા તમારા ઘરના દરવાજે આવી ઊભા છે. ટકોરા દે છે. શું આપ દરવાજા નહીં ખોલો ?
ગુજરાતી ભાષાના આદિકવિ શ્રી નરસિંહ મહેતાના સમગ્ર પદ "શબ્દવેદ" નામે એક જ ગ્રંથમાં સંકલિત કરીને એમના જ ગામના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડા મીડિયા પબ્લિકેશન્સના સહયોગથી આપના માટે લઈ આવ્યા છે. આગોતરો ઑર્ડર આપશો તો મસમોટું ડિસ્કાઉન્ટ પણ મળશે. જે લોકો પોતાને ગુજરાતી માનતા હોય એ તમામના ઘરમાં આ સંગ્રહ હોવો ઘટે… લયસ્તરોના તમામ વાચકોને આ ગ્રંથનું આગોતરું બુકિંગ કરાવવા માટે નમ્ર અપીલ છે…
Permalink
July 8, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
દરિયાની ભીડમાં અને મોજાંની ભીડમાં;
મોતી મને મળ્યાં નહીં છીપલાંની ભીડમાં.
ઝીણો ઉજાસ ક્યાં છે ઝગારાની ભીડમાં ?
તમને ભૂલી ગયો છું હું ઈચ્છાની ભીડમાં.
પકડીને મારી આંગળી હું નીકળ્યો હતો;
ખોવાઈ ખુદ ગયો છું તમાશાની ભીડમાં.
શોધી રહ્યો છું શબ્દ અનાઘ્રાત પુષ્પ શો;
લાધ્યો નથી મને એ કુહાડાની ભીડમાં.
વૈશાખની બપોરે ઉઘાડાં ચરણ લઈ;
જોયા ન છાંયડાઓ મેં રસ્તાની ભીડમાં.
પહોંચી શક્યો ન વાવના તળિયા સુધી કદી;
અટવાઈ હું ગયો છું પગથિયાંની ભીડમાં.
મારી પ્રતીક્ષા ધૂંધળી પડશે નહીં કદી;
કેડી નહીં કળાય ઝરૂખાની ભીડમાં.
-ભગવતીકુમાર શર્મા
પહેલો અને છઠ્ઠો શેર એકસમાન જ નથી લાગતા ??
આખી ગઝલ સશક્ત છે. તમામ શેરમાં એક મધ્યવર્તી વિચાર પ્રવર્તે છે. તમામ distractions ને જ્યાં સુધી તિલાંજલિ નહીં અપાય ત્યાં સુધી મોતી મળવાનું નથી.
Permalink
July 7, 2014 at 2:01 AM by તીર્થેશ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
આજ તો તમારી યાદ નથી કોઇની ફરિયાદ નથી
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી
ભુલાઇ ગઇ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણો
એ રૂપને દેખી જાગેલો ઉરસાગરમાં ઉન્માદ નથી
કોઇની કહાની સાંભળતા કોઇના નયન ચાલ્યાં નીતરી
ને કોઇને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી’
દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી
ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર
એને શી તમા એ મૃગજળની જેને મંજિલનો નાદ નથી ?
-હરીન્દ્ર દવે
તદ્દન નોખી ભાતની ગઝલ…… જાણે કવિ સ્વગત બોલતા હોય તેવું લાગે છે. વેદના ઘેરી છે….છેલ્લા બે શેરમાં સૂર બદલાય છે. બે ઘડી વિચારમાં પાડી દે છે છેલ્લા બંને શેર…..
Permalink
July 5, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઉશનસ્, ગઝલ
(શિખરણી-ગઝલ)
સદા રાત્રે જ્યાં હું બીડું છું ઘરનાં દ્વાર, થતું કે
રહી જાઉં થોડો ખુદ હું ઘરની બ્હાર અચૂકે;
કરી નક્કી જ્યાં હું પથ અમુક કે એક ગ્રહું છું;
અરે, ના લીધો તે પથ પછી ન કેડો મુજ મૂકે;
કર્યાં કોણે આવાં મુજ અખિલનાં બે અડધિયાં ?
અને એ બે વચ્ચે કુણ થઈ વળી આડશ ઝૂકે ?
છૂટાં તત્ત્વો ભેગાં કરી જ બનું છું એકમ, છતાં
વિભાજ્યા અંશે શી અણુ અણુ અખિલાઈ ઝબૂકે !
તૂટ્યો, કિન્તુ છૂટ્ટા કણ કણ મહી દર્દ દૂઝતું
અખિલાઈનું, તે ઉશનસ્, કરી રુઝાય ખરું કે ?
– ઉશનસ્
ગઈકાલે ઉશનસ્ ની ગઝલકવિ તરીકેની મર્યાદાઓ વિશે વાત કરી. પણ ઊંચા ગજાનો કવિ તો કોઈપણ સ્વરૂપે ઊંચા ગજાનો જ રહેવાનો… કવિના પ્રિય છંદ શિખરિણીમાં કવિની આ ગઝલ આજે માણીએ. ગઝલનું પ્રાણતત્ત્વ વિરોધાભાસ છે. કવિ શીર્ષકમાં જ અખિલાઈ અને વિભાજનને juxtapose કરીને ચમકારો બતાવે છે. ગઝલના અર્થઘટનમાં ન પડતાં હું તો બહિર્રંગની જ વાત કરીશ. સંસ્કૃત વૃત્તોના સ્વામી અહીં હમરદીફ-હમકાફિયા ગઝલ લઈને આવ્યા છે અને પડ્યું પત્તું નખશિખ નિભાવી પણ બતાવે છે. મૂકે, ઝૂકે, ઝબૂકે જેવા કાફિયા તો કોઈપણ ગઝલકાર વાપરી શકે પણ હમરદીફ-હમકાફિયા ગઝલમાં અચૂક પરથી અચૂકે અને ખરું કે કાફિયા વાપરીને કવિ પોતાનું કવિત્વ સિદ્ધ કરે છે.
Permalink
July 4, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઉશનસ્, ગઝલ
તારું બધું સરસ, તો સરસને જ પી ગયો,
સુધા-સુરા, પૂછ્યું ન, કળશને જ પી ગયો;
રણની તરસને માપવા સહરા સુધી ગયો,
પણ ઝાંઝવાં મળ્યાં, તો તરસને જ પી ગયો;
મારે નસીબ જામ તો મયનો હતો જ ક્યાં ?
તેં આપિયો જે સ્પર્શ, પરસને જ પી ગયો.
તું, દર્દ ને તેની દવા, બધુંય એકમેક,
પણ ચડસ તારો, તો ચડસને જ પી ગયો;
તેં વળી ક્યારે પૂરો તવ દાખવ્યો ચ્હેરો ?
એક વીજ ઝબકી તો દરસને જ પી ગયો;
તું અને આ જામ મારે નામ ક્યાં જુદાં ?
અંજામ એ કે, જામ ઉશનસ્ ને જ પી ગયો !
– ઉશનસ્
ગઝલ ગુજરાતી સાહિત્યમાં પ્રવેશી અને ઝડપભેર લોકપ્રિય થવા માંડી ત્યારે ભલભલા સાહિત્યસ્વામીઓએ નાક ચડાવીને ખુલ્લેઆમ ગઝલને ઊતારી પાડવામાં કશું બાકી રાખ્યું નહોતું. પણ ગઝલનો જાદુ જ એવો હતો કે સિદ્ધહસ્ત કવિઓ પર પણ ગઝલની લોકપ્રિયતાની ભૂરકી કંઈ એવી ઊડી કે ઉશનસ્ જેવા સૉનેટ-સ્વામીએ “ગઝલની ગલીમાં” નામનો આખો સંગ્રહ આપ્યો. તકલીફ એ કે ગઝલશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ન હોવાના કારણે અને ગઝલ અને સૉનેટનો મૂળભૂત તફાવત સમજી શકવામાં નિષ્ફળ જવાના કારણે આખા સંગ્રહમાંથી ગઝલ કહી શકાય એવી કોઈ રચના શોધવી હોય તો પારાવાર મુશ્કેલી પડે છે. ઘણી બધી ગઝલો એમણે એમના પ્રિય શિખરિણી છંદમાં અને અન્ય સંસ્કૃત વૃત્તોમાં લખી છે અને દરેક રચના સાથે એમણે છંદ નિર્દેશ્યો છે. પણ બાકીની તમામ રચનાઓના મથાળે એમણે રચનાના શીર્ષકની નીચેની લીટીમાં છંદના નામની જગ્યાએ “ગઝલ” લખ્યું છે… કવિ શું ગઝલને છંદનું નામ ગણતા હશે? આખું પુસ્તક જ ગઝલસંગ્રહ નથી?
ગઝલનો છંદ નખશિખ જળવાયો હોય એવી રચનાઓ અપવાદરૂપ પણ અહીં જડતી નથી. મતલબ સંસ્કૃત વૃત્તોને પચાવી ગયેલા કવિને ફારસી છંદ પચ્યા નથી. કાફિયા-રદીફ પણ મોટાભાગની રચનામાં જળવાયા નથી.
આ ગઝલમાં પણ પ્રથમ ત્રણ શેર સુધી છંદ બરોબર જળવાયા પછીના શેરોમાં છંદ કડાકાભેર તૂટી પડે છે. ગયો રદીફ કવિ બીજા શેરમાં પણ ઉલા મિસરામાં કાફિયા વગર પ્રયોજે છે જે કઠે છે. એક જ મિસરામાં સ્પર્શ અને એનું જ અપભ્રંશ સ્વરૂપ ‘પરસ’ અડખે-પડખે માત્ર છંદ સાચવવા કવિ પ્રયોજે છે જે પ્રશ્નો ઊભા કરે છે. જો કે આ રચનામાં ગઝલના શેર શેરિયતની જમીન પર મજબૂતીથી ઊભા રહી શક્યા છે એ પ્રસન્નતા !
Permalink
July 3, 2014 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિપાશા મહેતા
દસ આંગળીઓ
એક આડીઅવળી ડાળી
પોતામાં પકડીને આગળ ચાલતી હતી.
જરા આગળ જઈને
ફેંકી દીધી
એ આડીઅવળી ડાળી ને ઉપાડી લીધી
એક પ્લાસ્ટિક કેનને.
કદાચ એ આડીઅવળી એક ડાળીમાં ભરાઈ ગયેલા
તડકાઓ
ના સહેવાયા એ દસ આંગળીઓથી.
– વિપાશા
વીંધીને આરપાર ઉતરી જાય એવું કાવ્ય. આડીઅવળી અને તડકાઓ શબ્દનો સૂચિતાર્થ ચૂકી ન જવાય એ જો જો…
Permalink