ભીડમાં – ભગવતીકુમાર શર્મા
દરિયાની ભીડમાં અને મોજાંની ભીડમાં;
મોતી મને મળ્યાં નહીં છીપલાંની ભીડમાં.
ઝીણો ઉજાસ ક્યાં છે ઝગારાની ભીડમાં ?
તમને ભૂલી ગયો છું હું ઈચ્છાની ભીડમાં.
પકડીને મારી આંગળી હું નીકળ્યો હતો;
ખોવાઈ ખુદ ગયો છું તમાશાની ભીડમાં.
શોધી રહ્યો છું શબ્દ અનાઘ્રાત પુષ્પ શો;
લાધ્યો નથી મને એ કુહાડાની ભીડમાં.
વૈશાખની બપોરે ઉઘાડાં ચરણ લઈ;
જોયા ન છાંયડાઓ મેં રસ્તાની ભીડમાં.
પહોંચી શક્યો ન વાવના તળિયા સુધી કદી;
અટવાઈ હું ગયો છું પગથિયાંની ભીડમાં.
મારી પ્રતીક્ષા ધૂંધળી પડશે નહીં કદી;
કેડી નહીં કળાય ઝરૂખાની ભીડમાં.
-ભગવતીકુમાર શર્મા
પહેલો અને છઠ્ઠો શેર એકસમાન જ નથી લાગતા ??
આખી ગઝલ સશક્ત છે. તમામ શેરમાં એક મધ્યવર્તી વિચાર પ્રવર્તે છે. તમામ distractions ને જ્યાં સુધી તિલાંજલિ નહીં અપાય ત્યાં સુધી મોતી મળવાનું નથી.
narendrasinh said,
July 8, 2014 @ 3:29 AM
મારી પ્રતીક્ષા ધૂંધળી પડશે નહીં કદી;
કેડી નહીં કળાય ઝરૂખાની ભીડમાં. ખુબ સુન્દર ભાવ વિભોર ગઝલ્
lata j hirani said,
July 8, 2014 @ 5:27 AM
saras..
perpoto said,
July 8, 2014 @ 11:52 AM
દરિયાની ભીડમાં અને મોજાંની ભીડમાં;
મોતી મને મળ્યાં નહીં છીપલાંની ભીડમાં.
સરસ ઉઘાડ.
કોણ શોધે છે
આ ભીડમાં,અટુલી
ઝાંપે કબરો
ધવલ said,
July 8, 2014 @ 2:53 PM
ઝીણો ઉજાસ ક્યાં છે ઝગારાની ભીડમાં ?
તમને ભૂલી ગયો છું હું ઈચ્છાની ભીડમાં.
સરસ વાત !
Devika Dhruva said,
July 10, 2014 @ 2:04 PM
મનને માંજીને એકદમ ચકમકાવતી ગઝલ.
સાચી વાત છે…ખોવાઈ ગયાં છે માણસો એકલતાની ભીડમાં…
ઝીણો ઉજાસ ક્યાં છે ઝગારાની ભીડમાં ?
Yogesh Shukla said,
July 12, 2014 @ 3:59 PM
દર વખત ની જેમ સારી ગઝલ વાંચવા મળી ,,,,,