વાંચીએ – ભગવતીકુમાર શર્મા
ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,
વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.
છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,
કાળજીથી ખોલીને સળ વાંચીએ.
પત્ર સૌ પીળા પડયા તો શું થયું?
તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.
કેમ તું રહી રહીને અટકી જાય છે?
મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.
પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,
આંખથી લુછી લઈ જળ, વાંચીએ.
લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,
શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.
માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,
કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.
– ભગવતીકુમાર શર્મા
Shah Pravinchandra Kasturchand said,
July 28, 2014 @ 6:45 AM
ભૂતકાળ ભૂત બની કંઈ ન દે ડરાવી;
ચાલો કાગળો કોથળીમાં મૂકી દઈએ.
Rajendra Karnik surat said,
July 28, 2014 @ 7:14 AM
આ એસએમએસ અને વ્હોટસઅપ કે ઇમેલના સમયમાં “ચીઠ્ઠી” જ પ્રેમની અનુકંપા અને ચીઠ્ઠી જ પ્રેમીકાને પરોક્ષ રીતે મળવાનો આધાર હતો, ત્યારે આજે મુર્ધન્ય સાહિત્યકાર શ્ર્રી ભગવતીભાઇને આવી પંક્તીઓમાં વાંચવા એ એક અલ્હાદક અનુભવ.
perpoto said,
July 28, 2014 @ 7:15 AM
સ્વજન વિરહ…ચરમ સીમા…થોડીઘણી બચેલી સુવાસ…હવે તેનાથી વધુ આગળ શું..
સલામ કવિને.
હાયકુ અર્પણ
ભુંસાતી ગઇ
શિયાળુ રાતો ટુંકી
સફર સ્વપ્ને
વિવેક said,
July 28, 2014 @ 9:19 AM
સુંદર મજાની ગઝલ…
દક્ષિણ ગુજરાતનો તળપદો ‘પીમળ’ શબ્દ ગઝલમાં વાંચીને આનંદ થઈ ગયો…
Harshad said,
July 29, 2014 @ 7:32 PM
બહુત ખૂબ !!! Very nice and remarkable!!
Devika Dhruva said,
August 1, 2014 @ 12:45 PM
પત્રો સિલકમાં રહી ગયાં…. વાહ્… મઝાની ગઝલ…
geeta .kothari said,
August 1, 2014 @ 1:36 PM
હ્ગ્વતિભૈનિ વસ્તવિક્તનો સ ચિતર અક્શર્સ ગમ્યો.
Pushpakant Talati said,
August 1, 2014 @ 11:33 PM
અરે માનનિય શ્રી વિવેકભાઈ;
દક્ષિણ ગુજરાતનો તળપદો ‘પીમળ’ શબ્દ ગઝલમાં વાંચીને આનંદ થઈ ગયો તેવું આપ લખો છો – પણ હું રહ્યો કાઠિયાવાળડનો જીવ મને “પીમળ” ન્પ અર્થ નથી ખબર. જરા સમજશો PLEASE
Thanks in anticipation. – Pushpakant Talati