દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,
જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ.
– ‘શૂન્ય’ પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2014

તું માણસ છે કે હરિ ? – સૌમ્ય જોશી

આંખ બીડી હાથ બે ભેગા કરી;
એક ઈચ્છા આવવાને કરગરી.

બહાર નીકળીને પ્રવાહી થા હવે,
ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી.

ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવે
ઓ હકીકત કઈ રીતે તું સંચરી.

ચોતરફ રખડ્યો ને ક્યાંય ના મળી,
એક પણ છાંટા વગરની એક છરી.

આઠદસ મહોરાંઓ પહેર્યાં કેમ તેં ?
એ ભલા માણસ તું માણસ છે કે હરિ ?

– સૌમ્ય જોશી

Comments (7)

કેટલાંક હાઈકુ – રમેશ પારેખ

પાનખરે આ
પતંગિયું બેપગું….
વસંતો વેરે

અંધકારની
ત્રેવડ નહીં કે એ
દીવો બુઝાવે….

તડકો વંડી
વહેરે છે ને છાંયો
પડખે ઊંઘે….

‘વિરહી’ શ્વાસો
મૂકે ત્યાં થઈ જાતો
વાયુ ભડથું !

ખિસકોલીના
રુંવાં ઉપર રમે
સુંવાળો સૂર્ય….!

હું જ છબિમાં
હું જ છબિની બહાર
કયો હું સાચો ?

જીવતર છે
બાક્સ ખોખું, શ્વાસો
દિવાસળીઓ

મનીઓર્ડર
લૈને વૃદ્ધાએ લીધાં
રોકડાં આંસુ….

-રમેશ પારેખ

Comments (8)

ગઝલ – ભરત ત્રિવેદી

અરે હાલ મારા તો એવા થયા છે
પરાયા પૂછે છે કે છે કે ગયા છે?

હતી સાયબી કંઈ અમારી નવાબી
હવે યાદના થોડા સિક્કા બચ્યા છે

વમળમાં હતી જોકે કશ્તિ છતાંયે
ડૂબી કે તરી કંઈયે વાવડ મળ્યા છે?

સમય તુંયે કેવો રહ્યો ભાગેડુ કે,
અહીં કોઈને તારાં પગલાં જ્ડ્યાં છે?

ઈલાજો હશે ઝાંઝવાં પી જવાના
અમે શબ્દને એટલે તો પૂજ્યા છે

ધરા જેમ કાયમ જે અહીંયાં તપ્યા છે
ગગનને નીચે એ ઊતારી શક્યા છે

– ભરત ત્રિવેદી

એક મજાની ગઝલ…  બધા જ શેર મનનીય…

Comments (8)

ગઝલ – ભાવેશ ભટ્ટ

અચાનક વહેણમાં બદલાવ આવે;
નદીમાં જો અમારી નાવ આવે.

અમુક ચહેરા વિષે એવું બને છે,
અરીસાનો કોઈ પ્રસ્તાવ આવે.

કોઈ પણ પંખી જો માળો ન બાંધે,
તો ક્યાંથી વૃક્ષનો ઉઠાવ આવે !

નથી સાંભળતો વૃદ્ધોની કોઈ વાત,
નહીંતર બાંકડાને તાવ આવે.

ભર્યું આકાશ આંખોમાં ખીચોખીચ,
અને સપનામાં કાયમ વાવ આવે.

– ભાવેશ ભટ્ટ

Comments (12)

ગઝલ – મિલિન્દ ગઢવી

પડદો હટાવી દઉં તો નહીં ઓળખી શકો
નાટક બતાવી દઉં તો નહીં ઓળખી શકો

પરછાઈને લીધે જ પરિચય છે આપણો
સૂરજ છૂપાવી દઉં તો નહીં ઓળખી શકો

રહેવા દો કૈંક ભેદ હવે દરમિયાનમાં
ધુમ્મસ બૂઝાવી દઉં તો નહીં ઓળખી શકો

ચહેરા ઉપરના સર્વ ઉદાસીના ભાવને
ઘરમાં સજાવી દઉં તો નહીં ઓળખી શકો

ભટક્યા છો ઠેર-ઠેર તમે જેની શોધમાં
એ ચીજ લાવી દઉં તો નહીં ઓળખી શકો

– મિલિન્દ ગઢવી

Comments (13)

ઝાડ એના પાંદડાંને પૂછે – રમેશ પારેખ

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું

તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ !

– રમેશ પારેખ

નખશિખ ઉત્તમ કવિતા…… ક્લાસિક……

Comments (12)

લાગે – રઈશ મનીઆર

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

– રઈશ મનીઆર

સરળ અને સચોટ વાણી…….

Comments (13)

ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ’

એક બાળક માટે શું છે આ જગત
ટોર્ચ ચાલુ-બંધ કરવાની રમત !

શ્વાસ ખેંચીને કરો કોશિશ જરા,
સાફ વંચાશે હવા પરનું લખત

ફોટો જોતા યાદ આવી જાય છે,
કેમેરામાં કેદ એક જૂનો વખત !

ઢીલ કરવાની નહિ એમાં કદી,
શેર સ્ફુરે એટલે લખવો તરત !

હું કહું, ‘ઈશ’ છે  છતાં તું ના કહે ?
ચાલ એક-એક ચાની થઇ જાએ શરત

– મેહુલ પટેલ ‘ઈશ’

મત્લાથી શરૂ થઈ એક પછી એક બધા જ શેર પાણીદાર આંખ-કાન સામે આવતાં હોય એવી સુખદ ક્ષણે મક્તાનો શેર મારા જેવા જૂનવાણી માણસને વિચારતો કરી મૂકે દે છે.  ઈશ્વરના અસ્તિત્વના સનાતન પ્રશ્નને એક-એક ચાની શરતથી મૂલવવાની વાત એક કલ્પન તરીકે ગમે એટલી સમસામયિક (contemporary) કેમ ન હોય, શેરને સપાટીથી નીચે આવવા દેતી નથી.

 

Comments (12)

ગઝલ – હરીશ ઠક્કર

લાગણી છલકાય જેની વાતમાં,
એક-બે જણ હોય એવા, લાખમાં.

બંધ ઘરમાં ના જવું એ સૂચના,
જાવ તો આવે કશું ના હાથમાં.

છે વિરોધાભાસથી ભરપૂર, પણ
શબ્દકોશ આખો તમારી આંખમાં.

ચીસ પાડીને પછી કહેવી પડી,
વાત કરવાની હતી, જે કાનમાં.

હૈયું ખોલે ને શરત એવી કરે –
તું પ્રવેશી ના શકે આ દ્વારમાં.

– હરીશ ઠક્કર

આખેઆખી મનનીય ગઝલ… શબ્દકોશવાળું કલ્પન કેવું મજાનું ! અને ચીસ પાડીને વાત કરવી પડવાની વાત તો આપણા સહુના જીવનની કહાણી જ નથી?

Comments (9)

ઇનાયત હો – લલિત ત્રિવેદી

ધરું છું જ્યોંકી ત્યોં વેરાન પેશાની, ઇનાયત હો !
ઇનાયત હો… ન કોઈ નામ-નિશાની, ઇનાયત હો !

કરી છે તૃણ સમી ઝૂલવાની નાદાની, ઇનાયત હો !
કરી તો જો ખુદા એની નિગહબાની, ઇનાયત હો !

તો આપી દે જગા કાગળમાં ખૂણાની, ઇનાયત હો !
તને કહેવાની હું શોધું છું આસાની, ઇનાયત હો !

ખુદા ! ઝીણી નજર કરજે… એ બેઠો છે અલગ દર પર
કરી છે એણે રણઝણવાની મનમાની, ઇનાયત હો !

પગથિયાં ચડતાં ચડતાં એક જણ ગુમ થૈ ગયો, માલિક !
નથી કુરબાની, બસ ! હરકત છે ઇન્સાની, ઇનાયત હો !

– લલિત ત્રિવેદી

મહેરબાની ચાહવાની વાત છે… કોની મહેરબાની? પાંચમાંથી ત્રણ શેરમાં ખુદા અને માલિક શબ્દ વપરાયો છે એ સૂચવે છે કે ગઝલકાર સૃષ્ટિના સર્જનહાર પાસે કૃપા માંગી રહ્યો છે. પણ માંગવામાં અહીં આરતની સાથોસાથ ખુદ્દારી પણ છે. ઉજ્જડ તકદીર એના હાથમાં સોંપીને, કોઈ પણ નામ-શોહરતની ચાહના પડતી મૂકીને કવિ માત્ર એની કૃપા અને બસ, કૃપા જ ચહે છે…

ખુદાને પડકાર કોણ આપી શકે ? નાદાન જ સ્તો ! પવનમાં ઘાસ હળવે હળવે ડોલતું હોય એને અટકાવવાની રખેવાળી અલ્લાહ પણ ક્યાંથી કરી શકવાનો? આખો કાગળ ભરેલો હોય એમાં સનમ કવિને ક્યાં શોધવા બેસશે? એટલે જ કવિ ખૂકો માંગે છે જેથી આસાનીથી સનમની નજરમાં ચડી શકાય…

(પેશાની = કપાળ; ઇનાયત = કૃપા; નિગહબાની = રખેવાળી; દર = ઘર)

Comments (3)

ગઝલ – ગની દહીંવાલા

હ્રદય ! થાકી ગયું આ પંથની આબોહવાથી શું ?
સમયને આ દિશામાં ધૂળ ખાતો રાખવાથી શું ?

ભરીને આંખમાં પાણી સૂરજને દેખવાથી શું ?
કે એ છલનાનો સર્જક કમ હશે કંઈ ઝાંઝવાથી શું ?

પડ્યા તો છો પડ્યા, અહીં ધ્રૂજતી ધીરજના પડછાયા,
લથડતી ચાલ, ઠાલું પાત્ર, સંયમ રાખવાથી શું ?

ફલક પર જિંદગીના ભૂલથી ભટક્યા, ચલો મંજુર
ગ્રહો નબળા કહી, નભને ઉતારી પાડવાથી શું ?

‘ગની’ ગીતોની, ટહુકાની તરહ બદલાય ઉદ્યાને,
પુરાણી ડાળના પંખી બનીને બેસવાથી શું ?

-ગની દહીંવાલા

Comments

મૂકી – સંજુ વાળા

સોળવલ્લી ચૂપકીદીની અમસ્તી આણ મૂકી
હોઠ ઉપર આસમાની રંગની રસલ્હાણ મૂકી

અબઘડી એ નિસર્યા આવાગમનની જાણ મૂકી
ખૂશ્બૂઓ રમણે ચડી હો એવું કચ્ચરઘાણ મૂકી

છો હીરા-માણેકનું હો, કિન્તુ યે બાજાર હૈ ના ?
મૂલ્ય અંકાતા અહીં સૌ સામે પલ્લે પહાણ મૂકી

કૈં યુગોથી આ તુસાદી અશ્વ હણહણતા નથી, ને-
કૈં યુગોથી વિનવું છું નિત નવા જોગાણ મૂકી

તેં તગઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
તો તરન્નુમમાં અમે લોબાન જેવી ઘ્રાણ મૂકી

એવું તે શું વૃક્ષના આ છાંયડાઓ પાથરે છે ?
કેમ ખેંચે છે મને બેસી જવા પરિત્રાણ મૂકી ?

જલપરીઓની કથા જેવાં હતાં જે ભાવવિશ્વો-
એમાં ઉમેરણ કર્યું લ્યો ! વ્યાપ ‘ને ઊંડાણ મૂકી

ચંદ્રનું સત ઓગળ્યું, જળ ચાંદી ચાંદી થઈ ઊઠ્યાં, તો-
મેં ય મરજીવાઓ પાછળ જંપલાવ્યું વહાણ મૂકી

[ જોગાણ – ઘોડા, બળદ વગેરેને ખાવા આપવાનું અનાજ; ચંદી. ]

-સંજુ વાળા

નાવીન્યપૂર્ણ ગઝલ……

Comments (6)

પાંદડું પરદેશી – રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી !

એ તો બેઠું મારા ચંપાની ડાળે કે પાંદડું પરદેશી !
એનાં ફૂલડાં ખરી પડ્યાં અકાળે ! કે પાંદડું પરદેશી !

મેં તો હારમહીં ગૂંથાવ્યું, કે પાંદડું પરદેશી !
એણે ફૂલ એક એક કરમાવ્યું કે પાંદડું પરદેશી !

એને નદીને નીર પધરાવ્યું કે પાંદડું પરદેશી !
એ તો દરિયેથી પાછું આવ્યું કે પાંદડું પરદેશી !

મેં તો ખોદી જમીનમાં દાટ્યું કે પાંદડું પરદેશી !
ત્યાં તો ફણગો થઈને ફાટ્યું ! કે પાંદડું પરદેશી !

મારી સખીએ બતાવ્યું સ્હેલું, કે પાંદડું પરદેશી !
એક ફૂંક ભેળું ઉડાડી મેલ્યું કે પાંદડું પરદેશી !

– રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

પહેલાં તો લાગ્યું કે કોઈ માવતરના જીવનો બળાપો છે કે કોઈ પરદેશી આવીવે એમની ચંપા જેવી છોકરીને મોહી ગયો ને છોકરીનું જીવતર બરબાદ કરી ગયો. માવતર દીકરીના સંસારને સહારો-સધિયારો આપવા જમાઈને જાત-જાતની મદદ કરે છે પણ પરદેશી પાંદડું જેનું નામ ! પણ તોય સખીનો કીમિયો ને ફૂંક મારી ઉડાડી મેલવાનો રામબાણ ઇલાજ ઝીગ-સૉ પઝલમાં ક્યાંય ઠેકાણે બેઠો નહીં…

પછી કવિએ પોતે આપેલ ટિપ્પણમાં વાંચ્યું કે મનુષ્યમાં રહેલી પાપવૃત્તિ એ પરદેશી પાંદડું છે ત્યારે અચાનક ગડ ખૂલી ગઈ… દુર્દમ્ય પાપવૃત્તિ જીવનનો ચોકોરથી વિનાશ જ કરશે… માંહ્યલાને દોસ્ત બનાવીને એને ઉડાડી મૂકીએ એ જ એનો કાયમી ઇલાજ છે..

લોકગીતની ચાલમાં ચાલતું આ મજાનું ગીત આપણને તો ગમી ગયું… આપને ?

Comments (6)

ગઝલ – હેમંત પુણેકર

દુઃખીને, ન્યાલને સમજી શકું છું,
સમયની ચાલને સમજી શકું છું.

અમારા પ્રશ્નના ઉત્તરમાં આંસુ ?
તમારી ઢાલને સમજી શકું છું.

અધર અડવા જતા સામા મળેલા,
ગુલાબી ગાલને સમજી શકું છું.

ફૂટી નીકળ્યો છે પાંપણમાં અનાયાસ,
નકામા ફાલને સમજી શકું છું.

બધે હોવા છતાં ક્યાંયે ન હોવું,
હવાના હાલને સમજી શકું છું.

-હેમંત પુણેકર

વાહ કવિ!!! વાહ, વાહ ને વાહ જ….

Comments (6)

ગઝલ – ચંદ્રેશ મકવાણા

અઘરું છે ખૂબ જીવવું અન્યોથી ડરતાં ડરતાં
સમજી શીખી રહ્યો છું અન્યોને માફ કરતાં

ફંફોસવા પડે છે અઢળક અજાણ ખૂણા
તકલીફ તો પડે ને પરપિંડમાં ઉતરતાં

ઊડવાની બાધા લૈને બેઠું પતંગિયું તો
જોવા છે એને વટથી ફૂલોને હરતાં ફરતાં

મારા વિના બિચારા આ સૂર્યનું થશે શું
બસ એટલું કહેલું તડકાએ મરતા મરતા

ફેંકી દીધું ને અંતે દરિયે દગો કરીને !
બોલ્યું રડીને મોજું પથ્થરને બાથ ભરતા

આ પાનખર ભલે ને તૂટીને થાય ત્રણ પણ
એનાથી મૂળસોતા વૃક્ષો નથી જ ખરતાં

– ચંદ્રેશ મકવાણા

મજાની ગઝલ… તૂટીને ત્રણ થવાની અભિવ્યક્તિ મને ન સમજાઈ… કોઈ મદદ કરશે ?

Comments (9)

સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે – આદિલ મન્સૂરી

સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે,
ઉઘાડી આંખમાં કોઇનો ઇંતેઝાર પડે.

ખીલું ખીલું થતું મનમાં અને ખીલી ન શકે,
કળીની પાંપણે ઝાકળનો એવો ભાર પડે.

સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે.

સળંગ ઝીણેરી ઝરમરતી આ કૃપા તારી,
બધું જે હોઇ શકે તેની આરપાર પડે.

ઘણીયે વાર થઇ જાઉં છું હું શૂન્યમનસ્ક,
ઘણીયે વાર અચાનક કોઇ વિચાર પડે.

કહી રહ્યું છે કોઇ કાનમાં પ્રવાસીને,
મુસીબતો તો પડે ને હજાર વાર પડે.

સિતારા થાક્યા છે જાગીને રાતભર આદિલ,
બધાય ઇચ્છે છે કોઇ રીતે સવાર પડે.

– આદિલ મન્સૂરી

Comments (4)

ખટકે છે – શૂન્ય’ પાલનપુરી

કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે

નથી એ ધર્મનાં ટીલાં કલંકો છે મનુષ્યોનાં
વિરાટોને લલાટે અલ્પતાની ભાત ખટકે છે

કદી ડંખે છે દિન અમને, કદી ખુદ રાત ખટકે છે
જુદાઈમાં અમોને કાળની પંચાત ખટકે છે

સમંદરને ગમે ક્યાંથી ભલા બુદબુદની પામરતા ?
અમોને પણ મારા દેહની ઓકાત ખટકે છે

વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં
ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે.

કરી વર્ચસ્વ સૃષ્ટિ પર ભલે રાચી રહ્યો માનવ
અમોને દમ વિનાને શૂન્ય એ સોગાત ખટકે છે

– શૂન્ય’ પાલનપુરી

ચોથા શેરની બીજી કડીમાં કંઈક છંદની ગડબડ લાગે છે…..જાણકારો પ્રકાશ પડે…..

Comments (6)

ગીત – બંકિમ રાવલ

જ્યારે જેની હોય અપેક્ષા એ જ ક્ષણે એ ખૂટતું લાગે,
શહેર ! મને તારું ઘર ક્ષણમાં બનતું ક્ષણમાં તૂટતું લાગે.

ભીંત ઉપર વાદળ ચીતરાવ્યાં,
નદીઓ ખૂબ વહાવી;
દૃશ્યોની દિવાળી પડદે
બારે માસ મનાવી
માછલીએ રહેવું વાસણમાં, એય અરેરે ! ફૂટતું લાગે !
શહેર! મને તારું…

પહેલી લીટી એક અજંપો,
બીજી લીટી ડૂમો;
તારું હોવું ‘ફ્રેન્ચ કવિતા’
કેમ કરું તરજૂમો !
સમણાં જેવું વસ્તર આ તો, આ પકડો – આ છૂટતું લાગે.
શહેર! મને તારું…

– બંકિમ રાવલ

આદિલ મન્સૂરીની ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ ગઝલની જોડાજોડ બેસી શકે એવું મજાનું શહેરનું આ ગીત… શહેરની સહુથી મોટી ખાસિયત (કે ખામી?) એ જ કે જ્યારે જેની અપેક્ષા હોય એ જ ન મળે, એ સિવાય આખું બ્રહ્માંડ હાજર હોય ! સિમેન્ટ-કોંક્રિટના જંગલથી રિસાઈ ગયેલી કુદરતને ઘરના ચિત્રોમાં કે એક્વેરિયમમાં હાથમાંથી સરકી જતાં પાણીની જેમ પકડવાનાં આપણાં વલખાં આખરે તો તૂટી-ફૂટી રહેલું અસ્તિત્વ જ છે. જિંદગીની કવિતા કેવી? તો કે એકે લીટી અજંપો ને બીજી લીટી ડૂમો… શહેરમાં સંબંધ પણ કેવાં? તો કે (આવડતી ન હોય એવી) પરભાષાની કવિતા જેવા જેનો અનુવાદ જ શક્ય નથી… એક સાંધો ને તેર તૂટે જેવાં બટકણાં-છટકણાં સમણાંઓની વસ્તી એટલે જ શહેર…

Comments (7)

ગઝલ – મનોજ ખંડેરિયા

ઇચ્છાનો સૂર્ય અસ્ત થવાની ઘડી છે આ,
અજવાશ અસ્તવ્યસ્ત થવાની ઘડી છે આ.

ધસમસતું ઘોડાપૂર નીરવતાનું આવતું,
કાંઠાઓથી વિરક્ત થવાની ઘડી છે આ.

આવી ગયો છે સામે શકુનિ સમો સમય,
આજે ફરી શિકસ્ત થવાની ઘડી છે આ.

થાકી ગયાં હલેસાં, હવે સઢ ચડાવી દો !
પાછા પવન-પરસ્ત થવાની ઘડી છે આ.

હર ચીજ પર કળાય અસર પક્ષઘાતની,
જડવત નગર સમસ્ત થવાની ઘડી છે આ.

લીલાશ જેમ પર્ણથી જુદી પડી જતી,
એમ જ હવે વિભક્ત થવાની ઘડી છે આ.

પ્રગટાવ પાણિયારે તું ઘીનો દીવો હવે !
ઘર અંધકાર-ગ્રસ્ત થવાની ઘડી છે આ.

– મનોજ ખંડેરિયા

નખશિખ આસ્વાદ્ય રચના…

Comments (12)

રાત – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

એક સપનાને ફરી વાવી તમે
રાતને સાચે જ અજમાવી તમે

ચાંદની ચીસો નીચે દાબી દઈ
રાતને સંદિગ્ધ નોંધાવી તમે

કઈ ઉદાસીનું પગેરું શોધવા
રાતને બેફામ ખોદાવી તમે

વાતને લંબાવવાની લાલચે
રાતને પણ સહેજ લંબાવી તમે

સૂર્યની જાહેરમાં નિંદા કરી
રાતને વિશ્વાસમાં લાવી તમે

છાની રાખી, હાથ ઝાલી ને પછી
રાતને ઘરમાંય બોલાવી તમે

આજ તો ભારે કરી નાખી ‘ગ.મિ.’
રાતને ગઝલોય સંભળાવી તમે

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

રાતના ભાતીગળ મણકાંઓ એક ધાગે પરોવી પેશ કરતી આ ગઝલને મુસલસલ ગણી શકાશે ?

આ ગઝલના એક-એક શેર હાથમાં લ્યો, સાહેબ… એક એકથી ચડિયાતાં અને તદ્દન “વર્જિન” કલ્પન ! રાત વિશે આવી ગઝલ કોઈએ આગળ લખી હોય તો હું જાત હારી જાઉં.

Comments (9)