જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !
બેફામ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for December, 2013

હજો – મકરંદ દવે

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!

આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

– મકરંદ દવે

વર્ષના અંતે આ મનોરમ અછાંદસ…….

Comments (6)

નાનપણમાં – રમેશ પારેખ

નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
-આ ભાગ ટીંકુનો.
-આ ભાગ દીપુનો.
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
‘આ ભાગ ભગવાનનો !’

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું ;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?

રબીશ ! ભગવાનનો ભાગ ?
ભગવાન તે વળી કઇ ચીજ છે ?

સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું…

અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ !- કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો
’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં…
હવે લાવ મારો ભાગ !’
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…

– રમેશ પારેખ

શું આલેખન છે !!!! અદભૂત !!

Comments (11)

જેનીએ મને ચુંબન કર્યું

જેનીએ મને ચુંબન કર્યું જ્યારે અમે મળ્યા-
જે ખુરશીમાં એ બેઠી હતી એમાંથી ઊછળીને;
કાળ ! ચોર ! તને આદત છે બધી મીઠી વસ્તુઓ
તારી યાદીમાં સમાવી લેવાની, આ પણ નોંધ !
કહેજે કે હું થાકી ગયો છું, કહેજે કે હું દુઃખી છું,
કહેજે કે આરોગ્ય અને સંપત્તિ -બંને મને ચૂકી ગયાં છે,
કહેજે કે હું ઘરડો થઈ રહ્યો છું, પણ ઉમેરજે,
કે જેનીએ મને ચુંબન કર્યું.

– જેમ્સ લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ ! વિદેશમાં મુલાકાત થાય ત્યારે ચુંબન કરવાની પ્રણાલિ તો સામાન્ય છે પણ અહીં ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવે છે એ ‘ઉછળવા’ની ક્રિયા આખી વાતને અસામાન્ય બનાવી દે છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય આ ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે.

રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં જવલ્લે વપરાતા ટ્રોકેઇક મીટર (સ્વરભારવાળો શબ્દાંશ પછી સ્વરભારહીન શબ્દાંશ)નો અહીં પ્રયોગ થયો છે. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટી રીતે થાય છે. અબઅબ-કડકડની પ્રાસરચના પણ પરંપરાથી જરા ઉફરી ચાલે છે.

એવી વાયકા છે કે ફ્લુની લાંબી બિમારીમાંથી ઊઠીને હન્ટ જ્યારે થોમસ કાર્લાઇલને મળવા જાય છે ત્યારે એની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ખુરશીમાંથી ઉછળીને એને ચૂમે છે. બે દિવસ પછી હન્ટનો નોકર આ કવિતા જેનને આપી જાય છે.

આ કવિતા વિશે વધુ જાણવું હોય તો : Jenny kiss’d me

આ કવિતાની કેવી-કેવી પ્રતિકવિતાઓ બની છે વાત પોતે આ કવિતાની લોકપ્રિયતાની દ્યોતક છે: પ્રતિકવિતાઓ

*

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry – Leigh Hunt

Comments (4)

સન્નાટો – રશીદ મીર

ભાંગતી રાતનો આ સન્નાટો,
ભીંતને કોઈ તો બારી આપો.

આટલી સ્તબ્ધતા હતી ક્યારે,
ઓસનો સાંભળું છું ધ્રુબાકો.

તે પછી ઊંઘવા નથી દેતો,
થોડી રાતોનો તારો સથવારો.

એય ઉપકાર બની જાયે છે,
કોઈ વેળાનો હળવો જાકારો.

કૈં દયા એની ઊતરી એવી,
મેં ત્યજી દીધા સૌ અધિકારો.

ભરબપોરે શહેરની વચ્ચે,
હુંય શોધું છું મારો પડછાયો.

એના અંગેની ધારણાઓ ‘મીર’,
કેવો આપે છે મનને સધિયારો !

– રશીદ મીર

સાદ્યંત સંતર્પક રચના…

Comments (6)

ગઝલ – મકરંદ મુસળે

ધરતી, ગગન ને દરિયો, શું શું ઉકેલવાનુ?
ઈશ્વરની ચોપડી છે કોરું છે પાનેપાનું.

મોટું ભલે ગગન હો, સામે પડ્યો પવન હો,
આકાશ બાથમાં લઈ; પંખી તો ઊડવાનું.

મંદિરમાં ભીડ ભરચક, મસ્જિદમાં ટોળેટોળાં,
ગજ્જબનું ધમધમે છે ઈશ્વરનું કારખાનું.

બીજો ઉપાય ક્યાં છે થાશે જે છે થવાનું,
સારાને યાદ રાખી, બાકી ભૂલી જવાનું.

ભડભડ કશું બળે તો મકરંદ માની લેજે,
તણખો નિમિત્ત સાચું; પણ કામ છે હવાનું.

-મકરંદ મુસળે

ગુજરાતી ભાષાનું સદભાગ્ય છે કે એને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી સદા “સવાયા ગુજરાતી” સાંપડતા રહ્યા છે. કાકાસાહેબ કાલેલકરથી શરૂ થઈ સવાયા ગુજરાતીની આ પ્રણાલી મકરંદ મુસળે સુધી વિસ્તરે છે. મિત્ર મકરંદનો પ્રથમ સંગ્રહ “માણસ તોયે મળવા જેવો” વાંચીએ એટલે એના ગુજરાતીપણાની ખાતરી થયા વિના નહીં રહે…

નથી થતી ખાતરી ? લ્યો, વાંચો આ ગઝલ.. એક-એક શેર પાણીદાર… એક-એક શેર એક-એક કવિતા…

Comments (11)

ઢીંચણ પર માખી બેઠીને… – રાવજી પટેલ

ઢીંચણ પર માખી બેઠીને
મને રડવું આવ્યુંઃ
હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી?
મારા ઢીંચણ કૂવાના ડોડલા જેવા સૂકાભઠ.
એનીપર કોઈનોય સ્પર્શ થતો ન’તો.
ચરામાં દર્ભ ઊગતો, સુકઈ જતો,
તૃણ તૃણ થઈ ઊડી જતો.
ઝાડ પર બાચકો પોપટો બેસતા અને ખરી જતા
પણ મારા ઢીંચણ તો સાવા ઊંડી વાવ જેવા ખાલી ખાલી.

આજે ઢીંચણ પર દિવાળી બેઠી છે!
મને થાય છેઃ
ચોકની માટીમાં રગડપગડ આળોટું
પણ
હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી?
આજે કામ બામ નથી કરવું,
માખી ઊડી જશે તે પછી હું
મારા ઢીંચણને ચબ્બકચબ્બક ધાવીશ.
બગીચામાંથી સૂર્યમૂખીનું ફૂલ ચૂંટીને
એના પર મૂકીશ.

આ પૃથ્વી પરની
એક માખીને પણ
મારો ઢીંચણ મીઠો લાગે
પછી મને કેમ રડવું ન આવે?

– રાવજી પટેલ

કવિના ઘૂંટણ ખાલી ખાલી, એના પર એક માખી બેસે તેમા કવિ આખા પાણી પાણી ! હસી લો, ભાઈ, હસી લો… રોજ રોજ કંઈ માખી પરની કવિતા જોવા મળે છે? બિચારી માખીને કવિતામાં ‘એક્સટ્રા’નો રોલ પણ ભાગ્યે મળે છે અને અહીં તો ‘હિરોઈન’નો રોલ મળી ગયો છે… હસી લો !

હસવાનું પતે એટલે વિચારી જુઓ… માણસ એવો તે કેવો સૂક્કોભટ થઈ જતો હશે કે એક માખીનું બેસવું ય એને વ્હાલું લાગે ? માણસ એવો તે કેવો તરછોડાયો હશે કે એક માખીના બેસવામાં એને આલિંગનનો આનંદ આવી જાય?

આવી કવિતાઓ લખતો એટલે રાવજી રાવજી હતો. કવિ હોવા અને કવિતા જીવવામાં કેટલો ફરક છે એ આવી કવિતા વાંચતા અનુભવી શકાય છે.

Comments (5)

માનજો પ્રેમની એ વાત નથી – મરીઝ

માનજો પ્રેમની એ વાત નથી,
એ જો થોડીક વાહિયાત નથી.

આહ! કુદરતની અલ્પ સુંદરતા!
પૂરેપૂરો દિવસ પ્રભાત નથી.

હું તો કેદી છું ખૂદના બંધનનો,
બહારનો કોઇ ચોકિયાત નથી.

તેથી પુનર્જન્મમાં માનું છું,
આ વખતની હયાત, હયાત નથી.

ક્યાંથી દર્શન હો આખા માનવનૂં,
આખો ઈશ્વર સાક્ષાત નથી.

અન્ય અંધારા પણ જીવનમાં છે,
એક કેવળ વિરહની રાત નથી.

આખી દુનિયાને લઇને ડૂબું છું,
આ ફક્ત મારો આપઘાત નથી.

આમ દુનિયા વિના નહીં ચાલે,
આમ દુનિયાની કોઈ વિસાત નથી.

વાત એ શું કહે છે એ જોશું,
હજી હમણાં તો કંઈ જ વાત નથી.

ભેદ મારાં છે – તે કરું છું સ્પષ્ટ,
એમાં કોઈ તમારી વાત નથી.

મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,
કેળવેલી આ લાયકાત નથી.

– મરીઝ

પ્રત્યેક શેરની સરળતા જુઓ !!!!!

Comments (7)

પરપોટો – રમેશ પારેખ

પરપોટો પાણીમાં મુંઝાય હો ખલાસી,
પાણીમાં મુંઝાય હો રે, પાણીથી મુંઝાય,
પાણીથી કેમ કરી અળગા થવાય?
પરપોટો પાણીમાં મુંઝાય..

પાણીમાં બંધાણું એનું પોત હો ખલાસી,
અને પાણીમાં છપાણું એનું નામ.
સામગામ પરપોટા સોંસરો દેખાય,
અને પરપોટો ફૂટ્યો અહીંયા,

અરે પાણીમાં રહેવાને કાળીમાં ના રહેવા..
હો ખલાસી.. હો ખલાસી…
પરપોટો પાણીમાં મુંઝાય..

પાણીમાં દેખાય આખું આભ હો ખલાસી,
એમાં કેમ કરી ઉડવા જવાય,

પાંગળા તરાપા ને હોડીયું પાંગળી,
તે પાણીમાં તો એ ઉડે ભાઈ.
અરે પરપોટો કેવો રે નોંધારો ફૂટી જાય..
પરપોટો પાણીમાં મુંઝાય..

– રમેશ પારેખ

Comments (6)

કેમકે હવે કોઈ મદદ શક્ય નથી – માઇકલ ડ્રાઇટન, (અનુ. વિવેક મનહર ટેલર)

કેમકે હવે કોઈ મદદ શક્ય નથી, ચાલ ચુંબન કરીએ અને છૂટા પડીએ-
ના, બસ. પત્યું. હવે તું મને લગરિક વધુ નહીં મેળવી શકે;
અને હું ખુશ છું, હા, ખુશ છું હૃદયના ઊંડાણથી,
કે આમ આટલી સફાઈપૂર્વક હું મારી જાતને આઝાદ કરી શક્યો.
હાથ મેળવી દે હંમેશને માટે, રદ કરી દે આપણા બધા સોગંદ,
અને ક્યારેક કોઈ સમયે આપણે મળી જઈએ ફરીથી,
તો બેમાંથી એકેયના કપાળ પર એ નજરે ન ચડે
કે આપણામાં એક અંશ પણ પ્રેમ ભૂતકાળનો બચી ગયો છે.
હવે પ્રેમના આખરી શ્વાસના આખરી ડચકે,
જ્યારે, એની નાડી બંધ પડી રહી છે, ધબકાર વાચાહીન સૂતો છે,
જ્યારે શ્રદ્ધા એની મૃત્યુશય્યા પર ઘુંટણિયે પડી છે,
અને નિર્દોષતા એની આંખ બીડી રહી છે,
– હવે, જો તું ધારે તો, એના માટેની બધી આશા જ્યારે મૂકી દીધી છે,
મૃત્યુના મુખમાંથી કદાચ તું જ એને પરત આણી શકે.

– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર

કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે… છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. જીરવી ન શકાતા બંધનમાંથી આઝાદ થતી વખતે હૃદય કેવો હર્ષ અનુભવતું હશે. એક-મેક સાથે ખુલાસાઓ થઈ રહ્યા છે. બધી યાદ, બધા સોગંદ-બધું જ હવે કાયમ માટે ભૂલી જવાનું છે. ક્યારેક જોગાનુજોગ ક્યાંક ભટકાઈ જવાય તો એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટાં પડવાનું છે, કેમકે પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લાં શ્વાસ ભરી રહ્યો છે.

અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. (જોકે મને સંતોષ થઈ શકે એવું ગુજરાતી હું આ પંક્તિઓનું નથી કરી શક્યો). કવિ કહે છે કે તેં આ પ્રેમનો પૂર્ણપણે ત્યાગ કર્યો છે પણ હજી કદાચ તું પાછી ફરે… એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો કદાચ આ પ્રેમ ફરીથી એવોને એવો જીવિત થઈ ઊઠે…

કવિતાની શરૂઆતમાં અડીખમ દેખાતો નાયક કાવ્યાંતે કેવો વિહ્વળ નજરે ચડે છે… આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે…

*

આખરી બે પંક્તિના અનુવાદમાં સહાયક થવા બદલ ડૉ. મુકુર પેટ્રોલવાલા તથા ધવલ શાહનો આભાર…

*

Since There’s No Help – Michael Drayton

Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.
Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.
Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,
Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.

Comments (19)

ઇન્દ્રિયોપનિષદ – જગદીશ જોષી

આદિમાનવને જ્યારે ભાષા નહોતી ફૂટી
ત્યારે એ કેટલો બધો સુખી હશે !
શબ્દો સ્પર્શને બુઠ્ઠો કરી મૂકે છે.

– જગદીશ જોષી

કવિની એક લાંબી-લચક કવિતામાંથી માત્ર ત્રણ જ પંક્તિઓ આજે આપ સહુ માટે…

ત્રણ જ પંક્તિમાં સંબંધનો મહાવેદ જાણે !

Comments (10)

ગઝલ – સાહિલ

પારદર્શક સમય થવા લાગે,
મૌન પણ ત્યારે બોલવા લાગે.

હામ જ્યારે હલેસાં થઈ જાયે,
તો તોફાનોય ખારવા લાગે.

જોઈ અણસાર જાણીતો ફળિયે,
ઉંબરો પ્હાડ લાગવા લાગે.

એ જ ચહેરા છે – આઈના પણ એ,
દૃશ્ય કાં તોય આગવા લાગે

એ મજાની વિષે શું વાત કરું
દર્દ જ્યારે સ્વયં દવા લાગે.

બિંબને ક્યાં છુપાવવા ‘સાહિલ’
ભીંત જો ભેદ ખોલવા લાગે.

– સાહિલ

કેવી મજાની ગઝલ !

Comments (2)

પ્હોંચ્યા – મનોજ ખંડેરિયા

સતત ડહોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યા
બિલોરી કાચ જેવી પારદર્શક પળ સુધી પ્હોંચ્યા

બીડેલાં દ્વાર વરસોથી નથી થઇ ખોલવાની ઇચ્છા
નહીંતર હાથ તો કૈં વાર આ સાંકળ સુધી પ્હોંચ્યા

અકારણ ત્યાંથી ઓચિંતા અમે પાછા વળી ચાલ્યા,
કદી પ્હેલી વખત જ્યાં ગમતીલા એ સ્થળ સુધી પ્હોંચ્યા

તને પામી જવા હર એક સત્યોની ક્ષિતિજ તોડી-
પછી પ્હોંચીને જોયું તો રૂપાળા છળ સુધી પ્હોંચ્યા

વટાવી મનની મૂંઝારી ને ગૂંગળામણની સીમાઓ,
ખબર શું કોઈને કે કઈ રીતે કાગળ સુધી પ્હોંચ્યા

-મનોજ ખંડેરિયા

એક વાત માર્ક કરજો- મનોજ ખંડેરિયાની ઘણીબધી ગઝલોના મક્તાનો શેર શબ્દ,કાગળ અથવા ગઝલિયત ઉપર હોય છે !!

Comments (4)

અણચિંતવી દાદ – હરીન્દ્ર દવે

કોઈ અમથું અમથું કાં યાદ આવે,
દૂર દૂર દૂર સુધી નીરવ એકાંત
છતાં ભીતરથી કોનો સાદ આવે !

આકાશે તારલાઓ ટમટમતા ચૂપ,
ચૂપ ખળખળતી નદીઓનાં પાણી,
લહેરાતા વાયરાનું કંપન ખામોશ,
કંઈયે કહેતી નથી ભીતરની વાણી,
વેણ એક હોઠથી ન નીસર્યું, ને તોય
સાવ અણચિંતવી દાદ કોક આવે.

નીડમાં સૂતેલ કોઈ પંખીની આંખ
જરા ટમકીને પાછી બિડાતી,
તેજની લકીર એક હળવેથી અડકી
ને ઝળાંહળાં થાય મારી છાતી,
બંધ મારી આંખોને કેમ આજ સૂરજનો
ઓચિંતો લાલ સ્વાદ આવે !
કોઈ અમથું અમથું કાં યાદ આવે……….

-હરીન્દ્ર દવે

અદભૂત અનુભૂતિનું કાવ્ય…….કાવ્યના ભાવવિશ્વમાં ડૂબકી મારી જોવા જેવી છે……આંખો બંધ કરી ધીમે ધીમે ગણગણી જુઓ…….

Comments (2)

સવા-શેર : ૯ : મીંડું – મનહર મોદી

એક મીંડું અંદર બેઠું છે
એ આખી દુનિયાને તાગે.
-મનહર મોદી

લયસ્તરોની નવ વર્ષની અનવરત સફર અને ત્રણ હજાર પૉસ્ટની ઉજવણી નિમિત્તે એક-એકથી સવાયા સવા-શેર અહીં રજૂ થયા અને દરેક શેર પર અમે ચારેય સંપાદકોએ પોતપોતાની ટિપ્પણીઓ આપી… હવે આજે આ છેલ્લો સવા-શેર… પણ આ શેર વિશે અમે ચાર મિત્રો કશું નહીં બોલીએ…

લયસ્તરોના માનવંતા વાચકમિત્રોને આ શેર વાંચતી વખતે એમના ચિત્તતંત્રમાં કયા-કયા ભાવ જાગ્યા, આ શેરનું કઈ રીતે તેઓ પૃથક્કરણ કરે છે એ અમને પ્રતિભાવ તરીકે પાઠવવા માટે આમંત્રણ છે…

-ધવલ -વિવેક -તીર્થેશ -મોના
(ટીમ ‘લયસ્તરો’)

Comments (8)

સવા-શેર : ૮ : અક્લ સે આગે – ઇકબાલ

ગુઝર જા અક્લ સે આગે કે યહ નૂર
ચિરાગ-એ-રાહ હૈ, મંઝિલ નહીં હૈ.

– ઇકબાલ

(તું તારી અક્કલની ઉપરવટ જઈને આગળ વધી જા. અક્કલનો પ્રકાશ રસ્તો બતાવનાર છે,ધ્યેય નથી.)

 

દર્શનની ગહનતાની વાતે ગાલિબને ટક્કર આપે તેવો શાયર એક જ – ઇકબાલ. ઘણીવાર જોયું છે વ્યવહારમાં કે સરળતામાં જે પવિત્રતા છે તે લાખ પ્રયત્ને પણ હોશિયારીથી હાંસલ ન કરી શકાય.

– તીર્થેશ

 

બુદ્ધિની આંગળી પકડીને બહુ થોડે સુધી જ જઈ શકાય છે. એનાથી આગળ જવા માટે તો વેદના, શ્રદ્ધા, અને અંતરદ્રષ્ટિની આંગળી પકડવી પડે. ઈકબાલનો જ આ શેર જે જીવનમાં નહીં નહીં તો દસ હજાર વાર યાદ કર્યો હશે.

अच्छा है दिल के पास रहे पासवान-ए-अक्ल
लेकिन कभी कभी इसे तनहा भी छोड़ दे.

– ધવલ

અક્કલને વળોટવું એટલે આભાસની આરપાર જવું… તીર્થેશ ઉર્દૂનો શેર લઈ આવ્યો છે તો ઉર્દૂના જ બે’ક શેર યાદ આવે છે… પહેલામાં ઇકબાલની વાતનું પુષ્ટિકરણ નજરે ચડે છે… અક્ક્લને અહીં કવિએ બરાબર આડે હાથ લીધી છે:

अक़्ल हर चीज़ को इक जुर्म बना देती है,
बेसबब सोचना, बे-सूद पशीमां होना । (बे-सूद=વ્યર્થ, पशीमां=લજ્જિત)
– ‘अदम’

તો આ બીજા શેરમાં અક્ક્લનો મહિમા ગાવામાં આવ્યો છે:

ऐ अक़्ल, साथ रह कि पडेगा तुझी से काम,
राहे-तलब की मंज़िल आख़िर जुनूं नहीं । (राहे-तलब=પ્રેમ-માર્ગ, जुनूं=ઉન્માદ, જનૂન)
-‘निसार’ इटावी

– વિવેક

Comments (1)

સવા-શેર : ૭ : જખમ – કલાપી

જખમથી જે ડરી રહેતાં, વગર જખમે જખમ સ્હેતાં;
હમે તો ખાઈને જખમો, ખૂબી ત્યાં માનનારાઓ !

-કલાપી

આ શેરની પસંદગીનું કારણ એ છે કે અહીં vulnerability ની વાત થઇ છે. vulnerability માટે કોઈ યોગ્ય ગુજરાતી શબ્દ મળતો નથી.

કોઇપણ પારસ્પરિક સંબંધમાં- તે વ્યક્તિ સાથે હોય કે સમષ્ટિ સાથે – માણસ પોતાની આસપાસ એક પછી એક અભેદ્ય આવરણ રચતો જાય છે. હેતુ માત્ર એટલો જ કે રખેને હું ઘવાઈ જાઉં… અને વળી માણસ જેટલો વધુ બુદ્ધિશાળી તેટલા તેના આવરણો વધુ સૂક્ષ્મ અને વધુ મજબૂત. કેટલો ભયાનક ડર !!!! ખુલીને, મોકળા મને, સંપૂર્ણ ‘સ્વ’ દ્વારા કોઈપણ પારસ્પરિક સંબંધમાં પ્રવેશવું જ નહીં કે જેથી કોઈ સંજોગે જખમ થઇ જાય તો… આથી મોટી, આથી વિશેષ કરુણતા કઈ હોઈ શકે !!!! હસવું, પણ પૂર્ણ હાસ્યથી નહીં, રડવું, પણ હૈયાથી નહીં, ગળે મળવું, પણ કુમાશથી નહીં… અક્કડતા કદીપણ છોડવી જ નહીં … અને આ આખી કરુણતાને વ્યવહારકુશળતાના સુંદર નામ હેઠળ છૂપાવી દેવી !!

A relation where there is no vulnerability is not a relation but a trade.

– તીર્થેશ

 

Come what may ની છાતી લઈને જીવાય એ જ ખરું જીવન. मुर्दादिल क्या ख़ाक़ जिया करते हैं? જખ્મો અને દર્દને -શું કવિ કે શું આમ આદમી- સફળતા સાથે સીધો જ સંબંધ છે. એક શેર યાદ આવે છે:

કવિને હોય શું વળગણ કહો તો ફૂલોનું?
હો દર્દ લાજમી તો લાજવાબ કાંટા છે.

અને જખમનો આ સવા-શેર જે ગઝલમાંથી આવ્યો છે એ જ ગઝલમાં કલાપી પોતે કહે છે: “જહીં જખમો તહીં બોસા તણો મરહમ અમે દેતા…”

-વિવેક

 

જખમમાં જોખમ છે. જોખમ ન લો તો પછી કોઈ નવો રસ્તો ખૂલવાની શક્યતા જ ક્યાંથી આવે? જીંદગીની ધાર પર જીવો. જોખમ-જખમ લઈને જીવો. જે વિપરીત પરીસ્થિતિમાંથી પસાર થઈને બહાર આવે છે એ એટલા જ વધારે સશક્ત બને છે.

– ધવલ

જખમ સર્જકને જન્મ આપે છે. એ મોહનને મહાત્મા અને સિદ્ધાર્થને બુદ્ધ બનાવી શકે છે.

– ઊર્મિ

Comments (7)

સવા-શેર : ૬ : ભીના ન થયા – રમેશ પારેખ

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા

– રમેશ પારેખ

વરસાદમાં જવું અને ભીના થવું એ બન્ને તદ્દન અલગ ઘટના છે. વરસાદમાં તો બધા જાય છે પણ ભીના બહુ ઓછા લોકો થાય છે. જે ભીના થતા રહી જાય છે એમાં વાંક બિચારા વરસાદનો નથી. આપણા જ ‘આવરણો’ ઊતારવાના રહી ગયા હોય છે. આપણે બધા ઝરમર વરસતી જીંદગી વચ્ચે જ ઊભા છીએ. હવે ભીંજાવું કે ન ભીંજાવું એ આપણા જ હાથમાં છે.

– ધવલ

કેટલાક વરસાદ, કેટલાક ચોમાસા આપણને કોરાંકટ છોડીને પસાર થઈ જાય છે. એવા “સમ્-બંધ” જ્યાં બંધન હોય પણ સમતા ન હોય ત્યાં ઉભય પક્ષે લાગણી હોવા છતાંય સામાને ભીનાશ વર્તાયા વિના જ રહી જાય એમ બની શકે… કેટલાક તો માણસો પણ વૉટરપ્રુફ હોય છે !

– વિવેક

વરસાદ એટલે કુદરતનો સંવાદ. વરસાદ એ પરિસ્થિતિ છે અને ભીંજાવુ એ મન:સ્થિતિ છે. ઘણા વરસાદમાં પલળે છે ખરા પણ ભીંજાતા નથી. જેમ ધોધમાર વરસાદમાં પલળીને કોરા રહી જનારા ય હોય છે તેમ બારીમાં ઊભા ઊભા જ ભીંજાય જનારા પણ હોય છે. જીવંત હોય એ જ ભીંજાય શકે, જડ હોય એ તો પથ્થરની જેમ માત્ર પલળી જ શકે. અને ભીંજાય શકે એ જ ભીંજવી શકે…

– ઊર્મિ

જેટલું ઊંડાણ પોતાનામાં હોય તેટલું જ ઊંડાણ વ્યક્તિ સામેનામાં જોઈ શકે છે……

– તીર્થેશ

Comments (4)

સવા-શેર : ૫ : એક વારનું દર્દ – મરીઝ

કાયમ   રહી   જો   જાય  તો પેગંબરી મળે
દિલમાં  જે   એક   દર્દ  કોઈ વાર  હોય છે

– મરીઝ

સામાન્ય માણસ પણ પયગંબરને સમકક્ષ કામ કરતો હોય જ છે. ફરક માત્ર એટલો કે એ કામ લાંબો સમય ટકતું નથી. એક દર્દ માણસને મસિહા બનાવવા પૂરતું હોય છે. તકલીફ માત્ર એટલી છે કે એ દર્દ હંમેશ માટે ટકતું નથી. આપણું કામ એ દર્દને રાતવાસો અને બને તો જનમ-વાસો કરવા સમજાવવાનું છે. એક જણસની જેમ જે દર્દને જીગરમાં સાચવી રાખી શકે એની પયગંબરી પાકી !

– ધવલ

દર્દ એ કવિતાના શરીરનો આત્મા છે. પણ દર્દનો સ્વભાવ છે કે એ ટકતું નથી. ગાલિબ યાદ આવે: रंज से खूँगर हुआ इंसाँ, तो मिट जाता है रंज, मुश्किलें मुझ पर पडी इतनी कि आसाँ हो गई । એ જ ગાલિબ આજ મિજાજની વાત ફરી આ રીતે કરે છે: दर्द का हद से गुजर जाना है दवा हो जाना । પણ દર્દ ટકી જાય તો? રાજકુમાર સિદ્ધાર્થે સંસારની તકલીફો જોઈ. આ તકલીફો એનામાં કાયમી ઘર કરી ગઈ અને એ બુદ્ધ બન્યા. દર્દ ટકાવી રાખીએ ત્યારે પયગંબર થવાય પણ દર્દ એ સિંહણના દૂધ જેવું છે એ ટકાવવા માટે આપણામાં કનકપાત્રની લાયકાત હોવી ઘટે.

– વિવેક

દિલમાં એક દર્દનું કાયમી સ્થાપન દેશ અને સમાજમાં કેવી મહાન ક્રાંતિ સર્જે છે એ સમજવા માટે ગાંધીબાપુથી વધુ ઉમદા ઉદાહરણ બીજું કયું હોઈ શકે!

– ઊર્મિ

અહીં ‘દર્દ’ એટલે all-encompassing compassion – સર્વ ને આવરી લેતી કરુણા -………જડ-ચેતન સઘળું. મને તો મારું સંતાન મારા પાડોશીના સંતાન કરતા વધુ વ્હાલું છે……..આગળ બોલું જ શું !!!!!

– તીર્થેશ

Comments (8)

સવા-શેર : ૪ : ન હો જો કશું તો – હિમાંશુ ભટ્ટ

ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

– હિમાંશુ ભટ્ટ

હિમાંશુભાઈની મને પ્રિય એવી એક ગઝલનો અમર થવાને સર્જાયેલો આ શેર! એમની ગઝલોમાં વાસ્તવિકતા ક્યારેક સખીપણાનાં શણગાર બનીને આવે છે તો ક્યારેક અભાવ અને સ્વભાવ બનીને આવે છે. કાં તો માણસ કોકને નડે છે કાં સ્વયંને. જીવનમાં કંઈ જ ન હોય તો એનો અભાવ અને બધું જ હોય તો પોતાનો જ સ્વભાવ નડે છે. મતલબ કે નડવું એ માણસની મૂળ પ્રકૃતિ છે, પછી એ ભલે અન્યને નડતરરૂપ હોય કે સ્વયંને. આ શેર મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નાં એક પ્રખ્યાત અને અમર શેરની હંમેશા યાદ અપાવે છે:

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

– ઊર્મિ

કવિતાના ગળામાં પહેરાવવામાં આવતું સૌથી વધુ મૂલ્યવાન ઘરેણું સરળતા છે. એક જ શેર લખાય અને તોય અમરતા મળી જાય એવો ઝળાંહળાં છે આ શેર. ભાષાની સરળતા અને બહુ જૂજ શબ્દોની ફેરબદલથી જે ભાત અહીં ઉપસી આવી છે એ શબ્દાતીત છે. મૂળે આપણી જાતમાં જ નડતર ઘર કરી ગયું છે. શેક્સપિઅરના "મર્ચન્ટ ઑફ વેનિસ"ના પહેલા અંકના બીજા દૃશ્યમાં નેરિસા કહે છે: "they are as sick that surfeit with too much as they that starve with nothing."

– વિવેક

અભાવની લાગણી સ્વભાવજન્ય જ ન ગણાય !!!!

– તીર્થેશ

અલ્પમાં જે મઝા છે તે અતિશય આવતાની સાથે ભાગી છૂટે છે. ચીજોનો અભાવ સહન કરવો સહેલો છે. પણ મનનો અભાવ (સ્વભાવ) સહન કરવો અઘરો છે. કદાચ માણસની પ્રકૃતિ જ એવી છે. દરેક રેશમી ટેરવાની સાથે જ નખ જડેલા હોય છે.

– ધવલ

Comments (8)

સવા-શેર : ૩ : વાતાવરણને જીવતું રાખે – રઈશ મનીઆર

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

– રઈશ મનીઆર

કહેવાય છે કે સમય ખૂબ જ બળવાન હોય છે અને એ જ હૃદય-મનનાં બધા દુ:ખોની દવા છે, જે ઘણીવાર સાચું હોય છે. પરંતુ વ્યથાના વાદળો જ જ્યારે દર્દનાં વાતાવરણને ચિરજીવંત રાખતા હોય ત્યારે એ ચોક્કસ ખોટું પુરવાર થાય છે. મતલબ કે સમયનાં સૂર્યનું કાયમ ચાલતું નથી હોતું. દર્દભીની ધરતી પર જ ક્યારેક સર્જકતાનાં ફૂલ ખીલી ઊઠતા હોય છે. અહીં ઘાયલસાહેબનો શેર યાદ આવે છે, "સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે, ગમે તેવું દુઃખી હો પણ જીવન જીવાઇ જાયે છે."

– ઊર્મિ

એક અદભુત શબ્દચિત્ર… ઉનાળામાં ધરા સકળ બાળી મૂકવા પર ઉતારુ થયેલા સૂર્યને ઢાંકી દઈને હાશ વરસાવતા વાદળોને રૂપક તરીકે વાપરી કવિ સમયની નિર્મમતા અને વ્યથાની સહૃદયતાને juxtapose કરી આપે છે. કાળથી વધુ વિકરાળ બીજું કોણ હોઈ શકે? મહાભારત યાદ આવી જાય: समय समय बलवान है, नहीं मनुष बलवान; काबे अर्जुन लूंटियो, वो ही धनुष, वोही बाण ।

– વિવેક

 

કવિ નથી ઈચ્છતા કે કેટલાક ઘા રૂઝાય.. કેટલાક વ્રણ આપણને સતત એ અનુભૂતિ કરાવતા રહે છે કે આપણે જીવંત છીએ … આપણી સર્જકતાને ઉત્તેજિત કરતા રહે છે આવા વ્રણ- વિશ્વના સર્વોત્તમ સર્જન દર્દની પરાકાષ્ઠાએ જ થયા છે…. મરીઝસાહેબ પણ માગે છે – ‘દે એક મહાન દર્દ અને પારાવાર દે’. વળી, વાદળો કાયમી નથી હોતા. વરસી જાય છે,પવન સાથે ખેંચાઈ જાય છે..

આ જરાક complex અભિવ્યક્તિનો શેર છે – કોઈ કદાચ એમ દલીલ કરે કે કવિ દર્દ પરત્વે pathological attraction ધરાવે છે, પરંતુ આ શેરમાં અભિવ્યક્તિની સુંદરતા એક સરળ વક્રોક્તિને લીધે ખીલે છે ….જેમ કે ગાલિબનો શેર –

કોઈ મેરે દિલ સે પૂછે,તેરે તીર-એ-નીમકશ કો,
વો ખલિશ કહાં સે હોતી,ગર જીગર કે પાર હોતા !

(મારા દિલની વેદના તારા અર્ધખેંચાયેલા તીરને આભારી છે. જો તારું તીર જીગરની આરપાર ચાલ્યું ગયું હોતે તો ના જાન રહેતે, ના દર્દ.)

એક તલત મેહમૂદનું ગીત યાદ આવી જાય છે- હૈ સબ સે મધુર વોહ ગીત જિન્હેં હમ દર્દકે સૂરમેં ગાતે હૈ …..

– તીર્થેશ

 

વ્યથા ને લીધે જ જગતની કથા ચલતી રહે છે. એક વિશાદ ઘૂંટાય તો તેમા આખા રામાયણની રચના કરવાની તાકાત હોય છે. દર્દની ભીનાશ જ ફળદ્રુપ બનાવે છે.

– ધવલ 

Comments (2)

સવા-શેર : ૨ : જાગને જાદવા – મનહર મોદી

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા

– મનહર મોદી

 

સૃષ્ટિનું સર્જન થયું અને માણસ વિચારતો થયો એ ઘડીથી આ મથામણ ચાલે છે. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? શંકરાચાર્ય પણ કહે છે: कस्त्वं क: अहं कुत आयात: का मे जननी को मे तात: । इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ (તું કોણ? હું કોણ ? હું ક્યાંથી આવ્યો? મારી મા કોણ? મારા પિતા કોણ? એમ વિચાર્યા કર. આ સર્વ જગત અસાર અને સ્વપ્નવત્ છે, તેનો ત્યાગ કર) આપણું આ આખું જગત એક સ્વપ્ન છે, ભ્રમણા છે એ તાંતણાના સત્યને અઢેલીને આ શેર બેઠો છે. જે છે એ નથી. જે દેખાય છે એ પણ નથી. દૃષ્ટિની પાર જે આંખ જઈ શકે છે એ જ પ્રજ્ઞાચક્ષુ છે. એતેરેય ઉપનિષદમાં કહ્યું છે: प्रज्ञानं ब्रह्म । જે જાગી શકે છે – જાગૃતિ અને પ્રજ્ઞાનો તફાવત સમજી શકે છે – એ જ બુદ્ધ થઈ શકે છે… બાકીના આશારામ થઈને અવનિ પર વિચરતા રહે છે.

– વિવેક

 

ઓશો કહે છે જગતને જોવા માટે બહાર ક્યાંય દોડવાની જરૂર નથી. આ તો એક અંતર્યાત્રા છે. જાગતા રહીને જગતના દરેક અનુભવમાંથી પસાર થવાની અને ભીતરનાં ભેદ પામવાની આ વાત છે. ભગવાન બુદ્ધ કહે છે કે આંતરિક અને બાહ્ય જીવનમાં યાત્રા કરવા માટે આપણે આપણા અંતરાત્માના અવાજને અનુસરીને જ યાત્રા કરવી પડે. આપણા સિવાય આપણો કોઈ બેલી નથી. અંતર્જ્યોતિને પ્રજ્વલિત કરી આપણે જ આપણી જીવનયાત્રાના પથદર્શક બનવું પડે. એટલે કે અજવાળું બહારથી ઉછીનું લીધેલું નહીં પરંતુ આપણી અંદર જ પ્રગટવું જોઈએ.

– ઊર્મિ

 

‘જાગ’ – કેટલી બધી જગ્યાએ આ શબ્દ વપરાયો છે……! ‘ Awakened One ‘ એ બુદ્ધનું એક નામ હતું. વાતો તો બધી બહુ કરી શકાય-થાય પણ છે. પરંતુ journey towards awakening ત્યારે શરુ થાય કે જયારે એ અંદરથી-સાચ્ચેસાચ એમ realize થાય કે ‘ હું જાગૃત નથી .’ ત્યારબાદની અવસ્થાને બદરાયણ ‘બ્રહ્મ-જિજ્ઞાસા’ કહે છે. આ અવસ્થા કોણ પામે અને કોણ ત્યાર પછીની યાત્રા પર આગળ વધે તે અંગે આદિ શંકરાચાર્ય કહે છે:

‘કોટિ [ કરોડ ] માંથી એક ને બ્રહ્મ-જિજ્ઞાસા લાધે અને જેને લાધે તેવા લક્ષ [લાખ] માંથી એક પાણી વગર માછલી તડપે તે રીતે તે દર્શનને ઝંખે. એવી જ વ્યક્તિ આ માર્ગે આગળ વધે અને કદાચ જાગૃત થાય. બાકી તમે 5000 વર્ષ સુધી પણ અવિરત નામજપ,સત્સંગ,ગુરુસેવા,ભક્તિ ઈત્યાદી કરો તો પણ તે વ્યર્થ છે.’ 
– વિવેક્ચુડામણિ

સ્પષ્ટ છે કે બોલવું એક વાત છે અને કરવું……………..

– તીર્થેશ

આ જગતને સમજવાની સૌથી મોટી તકલીફ છે કે: "હકીકત ભી હકીકત મે એક ફસાના હી ન હો." એટલે કે હકીકત અને ભ્રમમાં ભેદ કરવો બહુ અઘરો છે. આ સનાતન સમસ્યાનો બહુ સરળ ઉકેલ છે. બધુ જ ભ્રમ છે એમ માનીને જ ચાલવું. હકીકત અને ભ્રમ વચ્ચે ભેદ કરવાની અશક્તિનો સ્વીકાર કરવો. પ્રોબ્લેમ સોલ્વ્ડ !

ભ્રમનો સ્વીકાર જ ખરી જાગૃતિ છે.

આડવાતમા : 19મી સદીની શરૂઆતમા ભૌતિકશાસ્ત્ર એક સીમા પર આવીને અટકી ગયેલું. આગળનો રસ્તો નહોતો મળતો. ત્યારે, હાઇઝ્નબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાન્ત રજૂ કર્યો. વિજ્ઞાને પણ ગ્રહણશક્તિની સીમા સ્વીકારી ત્યારે જ કામ આગળ ચાલ્યું હતું.

– ધવલ

Comments (7)

સવા-શેર : ૧ : ટોળાની શૂન્યતા – જવાહર બક્ષી

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.

-જવાહર બક્ષી

 

ટોળાંને નથી હાથ હોતા, નથી પગ. ટોળાંને નથી દિલ, ન મગજ. ટોળું એક અર્થહીન, શૂન્યતા છે. ગાડરિયા પ્રવાહની જેમ આપણે ટોળાંમાં તણાતા હોઈએ ત્યારે આપણે પણ નકરી શૂન્યતાથી વિશેષ, એક અવ્યવસ્થાથી વધુ કશું જ નથી હોતા. આપણું હું-ન હોવું બરાબર જ છે જો આપણે આપણે વ્યક્તિગત ઓળખ ગુમાવીને ટોળાંના શૂન્યનો એક ભાગ બની બેઠાં હોઈએ. આ શેર વાંચતા જ ગાલિબ યાદ આવી જાય: डूबोया मुझको होने ने, न होता मैं तो क्या होता ?

– વિવેક

 

સમૂહ અને ટોળામાં ફરક છે. સમૂહમાં જે સંવાદિતા હોય છે એ ટોળામાં નથી હોતી. ટોળાને નથી હોતી બુદ્ધિ કે નથી હોતો કોઈ પોતીકો સૂર… બસ હોય છે માત્ર જુદા જુદા અવાજોથી સર્જાતો એક ઘોંઘાટ. ટોળાનો દરેક માણસ સ્વયં સિવાય અન્ય વિશે વિચારી શકતો નથી. ટોળાનો હિસ્સો બની રહેવામાં એ એક ભ્રામિક સલામતી અનુભવે છે. ટોળાના માણસો અનેક જગ્યાએ અન્યાય થતો જુએ, છતાંય પોતાને ટોળાની સંકુચિત મર્યાદામાં રાખી એ અન્યાયને અવગણી શકે. જે જોવું હોય એ જ જુએ, નહીંતર આંખો બંધ. માત્ર ટોળાનાં બનીને રહી ગયેલા એક માણસ એટલે કે પિતામહ ભિષ્મ. પોતાને આવા ટોળાની શૂન્યતાથી વધારે કશું જ ન સમજતા કવિ જીવનનો મર્મ ખૂબ સ-રસ રીતે સમજાવી જાય છે. પોતાની લખેલી સાડાઆઠસો ગઝલોમાંથી ચાલીસ વર્ષ પછી પોતાને જ ન ગમેલી સાતસો જેટલી ગઝલોને રદ કરીને માત્ર 108 ગઝલોનો ‘તારાપણાનાં શહેરમાં’ સંગ્રહ આપનાર આ કવિ કહે છે કે "હું છું ને હું નથી"!

– ઊર્મિ

 

‘ટોળું’ એટલે શું ? – ઘણાબધા ‘હું’ નો સમૂહ. ‘હું’ એટલે ઘણાબધા વિચારો નું ‘ ટોળું’. શેરની ચાવી છે ‘શૂન્યતા’.

‘હું છું ને હું નથી.’- આ વિરોધાભાસ આભાસી છે. અસ્તિત્વનું મધ્યબિંદુ છે શૂન્યતા. જેની એક તરફ છે ‘હું છું’ અને બીજી તરફ છે ‘હું નથી’.

– તીર્થેશ

 

કેટલાક શેર અરીસા જેવા હોય છે. એની સામે જે ઊભુ રહે તેને પોતાના વિચારોનું પ્રતિબિંબ જ શેરમાં દેખાય. આ શેર જેટલી વાર વાંચો એટલી વાર તમારી પોતાની મનોસ્થિતિ પ્રમાણે એનો અર્થ તમને દેખાશે. ટોળું, શૂન્યતા, હોવું – એ બધાનો અર્થ જુદી જુદી રીતે થઈ શકે એમ છે.

પહેલી નજરેઃ ટોળાની શૂન્યતા એટલે ટોળું ભરાતું જાય એમ માણસ ખાલી થતો જાય અને છેવટે શૂન્યતા સુધી પહોંચી જાય. પોતે ટોળામાંથી અલગ નથી થઈ શકતા એટલે પોતાની જાત પર પણ કવિ ચોકડી મારે છે. પોતાનો મર્મ કશો રહ્યો નથી. ટોળાની વચ્ચે પોતાનું અલગ અસ્તિત્વ નથી રહ્યું એટલે પોતાના હોવા અને ન હોવામાં કોઈ ફરક રહેતો નથી. ટોળાનો ભાગ બની ગયેલા કવિ પોતાની જગતમાં કશો ફરક પાડી શકવા માટે અસમર્થ બની ગયા છે અને પોતાના અસ્તિત્વને નિરર્થક બની ગયેલું જુએ છે.

પછીઃ જેમ વિચારોની ઊંડાઈ વધતી જાય એમ ખ્યાલ આવે કે આટલા ઉમદા કવિ ટોળાની વાત કરીને પોતાનો સમય શું કરવા બગાડે ? આ તો આત્મદર્શનના કવિ છે. એ જે ‘ખાલીપણાના શહેર’ની વાત કરે છે એ કોઈ શહેરની વાત નથી, એ તો પોતાની જાતને જ ‘ખાલીપણાના શહેર’ તરીકે ઓળખાવે છે. (વિચાર જ કેટલો ઉમદા છેઃ દૂર દૂરથી જ્યાં ખાલીપો રહેવા માટે આવે છે એ શહેર!) તો પછી ‘ખાલીપણાના શહેર’માં ઘોંઘાટ કરી રહેલું ટોળું એટલે શું? એ ટોળું એટલે આપણી સિમિત ઈન્દ્રિયો. એ ટોળું મળીને ગમે તેટલો ઘોંઘાટ કરે એમનો છેવટે સરવાળો શૂન્ય જ થવાનો છે! પોતાના શરીરની-પોતાની ઈન્દ્રિયોની સીમા પારખીને કવિ કહે છે, હું કશું નથી. અને હું કશું છું કે નથી એનો પણ કશો અર્થ નથી.

આમ જ બીજા પણ અર્થ પણ થઈ શકે. નવો અર્થ મળે તો કવિતા બદલાતી નથી. આપણી પોતાની વિચારવાની રીત બદલાઈ હોય છે. આવી કવિતાને હું મુક્ત-કવિતા કહું છું. જે તમને વારંવાર વિચારવા મજબૂર કરી દે.

– ધવલ

Comments (5)

‘લયસ્તરો’ને આજે થયા નવ વર્ષ

114_6

‘લયસ્તરો’ આજે નવ વર્ષ પૂરા કરે છે.

આમ તો સમયના વિરાટ ચક્રમાં નવ વર્ષ જરા જેટલો જ સમય છે. છતાં કવિતાના આનંદને વહેંચવાનો ઉદ્યમ આ મુકામે પહોંચ્યો એ બહુ સંતોષની ઘટના છે. કવિતા માટેનું ઋણ ચૂકવવાનો આટલો અવસર મળ્યો એ પોતે જ અનહદ આનંદ છે.

થોડા વખત પહેલા એવી વાત નીકળી કે કવિતા અને હકીકતમાં જીવાતું જીવન બહુ અલગ થઈ ગયા છે. કવિઓ જે લખે છે એને સામાન્ય માણસની રોજબરોજની જીંદગી સાથે બહુ પાતળો જ સંબંધ રહ્યો છે. આ વાતે મને વિચારતો કરી દીધો. આપણે જેને કવિતા કહીએ છીએ એ ખરેખર શું છે? એનું પ્રયોજન શું છે? એની જવાબદારી શું છે? એને આટલી ઊંચી કળા શા માટે ગણવામાં આવે છે? એવા પ્રશ્નો મને પૂછો તો એનો જવાબ તો મારી પાસે નથી. પણ એક વાત મનને અડકી ગઈ કે કવિતાને જીવ્યા પછી જે કવિતા બને છે એ અલગ જ કક્ષાની હોય છે. (મેઘાણી, કલાપી, મરીઝ કે મકરંદ દવેની કવિતા વાંચો એટલે વધારે કંઈ કહેવાનું રહેતું નથી.) કવિતાનો રોજબરોજની જીંદગી સાથે ગાઢ સંબંધ હોવો જરૂરી છે. કવિતા આજના સમયના પ્રશ્નોની સામે ઊઁધુ માથું કરીને લખી શકાય નહી. કવિતા એટલે સચ્ચાઈ અને સચ્ચાઈ એટલે કવિતા. એની સામે ઘણાનું કહેવું છે કે રોજબરોજની જીંદગીને વણી લેતી કવિતા ઓછી થતી જતી લાગે છે. કવિતાનું લોહી ઠંડુ થતું જતું લાગે છે. કવિતામાં સચ્ચાઈની ખોટ દેખાતી જાય છે.

આ વાત અહીં એટલા માટે કરી કે આ વિશે તમે -‘લયસ્તરો’ના વાંચકો- શું વિચારો છો એ જાણવું છે. ગુજરાતી કવિતાની દિશા વિશે તમારું શું કહેવું છે? કવિતા અને રોજબરોજની જીંદગી વચ્ચે તમને ભેદ લાગે છે કે નહીં? કવિતા લખવા માટે કવિતા ‘જીવવા’ની જરૂર ખરી? આ બધા વિશે તમે શું વિચારો છો એ સગવડે કોમેન્ટમાં લખશો.

દર વખતની જેમ આ વર્ષે પણ કંઈ નવું કરવાની ઈચ્છા છે. રોજ એક ગમતો શેર અને એ એક જ શેર પર ચિંતન. કવિતાના હાર્દ સુધી જવાની કોશિશ. આવતા સાત દિવસ સુધી.

Comments (26)

એક કાગળ……- કમલેશ સોનાવાલા

એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,
વચ્ચે એક કવિતાનું, અમથું અમથું શરમાવવું.

વાસંતી વાયરામાં, પુષ્પોનું લહેરાવવું,
ટહુકે કોયલના, સરગમનું સર્જાવવું,
વચ્ચે એક શાયરનું, અમથું અમથું ભમરાવવું…

રાતે, હોઠોનું, ધીમું ધીમું મુસ્કુરાવવું,
પરોઢે ગઝલનું ગેસુમાં ગુંથાવવું
વચ્ચે એક શમણાને, અમથું અમથું પંપાળવું…

પ્રણયની પહેલ છે, નયનોનું ટકરાવવું,
મહોબ્બતની મંઝિલ છે, આતમને મિલાવવું,
વચ્ચે એક હૈયાનું, અમથું અમથું નંદવાવવું…

ગીતાની શરૂઆત અર્જુનનો વિષાદયોગ,
ગીતાનો ઉપદેશ અર્જુનનો સન્યાસયોગ,
વચ્ચે આ ‘કમલ’નું અમથું અમથું અટવાવવું…

– કમલેશ સોનાવાલા

આ કવિની રચનાઓનો ખાસ પરિચય નથી પરંતુ આ નમણું ગીત facebook ઉપર નજરે ચઢ્યું એવું જ ગમી ગયું. ક્યાંક ક્યાંક શબ્દો સહજતાથી આવતા હોય એવું નથી લાગતું પરંતુ એ સિવાય કાવ્ય સરસ લય ધરાવે છે.

Comments (3)

…..પડ્યો – ગની દહીંવાલા

સુરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો
જાગો અતૃપ્ત જીવ કે ટપકી દિવસ પડ્યો

પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળના પંખીઓ
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો

વાવ્યા વિના લણાયો જગે ઝાંઝવાનો પાક
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો

માટીને મહેકવાની ગતાગમ નથી હજી
વરસાદ આંગણા મહીં વરસો વરસ પડ્યો

અંધાર આવું આવું કરે બારી બા’રથી
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ પડ્યો

સૂરજના મનના મેલ નિશાએ છતા થયા
ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો

કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે “ગની”
‘કોઇ અભાગી જીવ લઈને તરસ પડ્યો

-ગની દહીંવાલા

Comments (7)