સવા-શેર : ૬ : ભીના ન થયા – રમેશ પારેખ
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા
– રમેશ પારેખ
વરસાદમાં જવું અને ભીના થવું એ બન્ને તદ્દન અલગ ઘટના છે. વરસાદમાં તો બધા જાય છે પણ ભીના બહુ ઓછા લોકો થાય છે. જે ભીના થતા રહી જાય છે એમાં વાંક બિચારા વરસાદનો નથી. આપણા જ ‘આવરણો’ ઊતારવાના રહી ગયા હોય છે. આપણે બધા ઝરમર વરસતી જીંદગી વચ્ચે જ ઊભા છીએ. હવે ભીંજાવું કે ન ભીંજાવું એ આપણા જ હાથમાં છે.
– ધવલ
કેટલાક વરસાદ, કેટલાક ચોમાસા આપણને કોરાંકટ છોડીને પસાર થઈ જાય છે. એવા “સમ્-બંધ” જ્યાં બંધન હોય પણ સમતા ન હોય ત્યાં ઉભય પક્ષે લાગણી હોવા છતાંય સામાને ભીનાશ વર્તાયા વિના જ રહી જાય એમ બની શકે… કેટલાક તો માણસો પણ વૉટરપ્રુફ હોય છે !
– વિવેક
વરસાદ એટલે કુદરતનો સંવાદ. વરસાદ એ પરિસ્થિતિ છે અને ભીંજાવુ એ મન:સ્થિતિ છે. ઘણા વરસાદમાં પલળે છે ખરા પણ ભીંજાતા નથી. જેમ ધોધમાર વરસાદમાં પલળીને કોરા રહી જનારા ય હોય છે તેમ બારીમાં ઊભા ઊભા જ ભીંજાય જનારા પણ હોય છે. જીવંત હોય એ જ ભીંજાય શકે, જડ હોય એ તો પથ્થરની જેમ માત્ર પલળી જ શકે. અને ભીંજાય શકે એ જ ભીંજવી શકે…
– ઊર્મિ
જેટલું ઊંડાણ પોતાનામાં હોય તેટલું જ ઊંડાણ વ્યક્તિ સામેનામાં જોઈ શકે છે……
– તીર્થેશ
DINESH said,
December 11, 2013 @ 4:18 AM
છે સંબંધ કાંઠાની માટી સમા સૌ,
ઉડે ભેજ થોડો, બની જાય રેતી.
વિવેક મનહર ટેલર
Atul Jani (Agantuk) said,
December 11, 2013 @ 5:51 AM
ન ભીજાનારાની વાત જવા દઈએ, અહીં ભીજાનારાઓને મજા આવશે ઃ
http://bit.ly/1gCA0ov
અને હા, આ ભીજાનાર પણ રમેશ પારેખ જ છે હો 🙂
perpoto said,
December 11, 2013 @ 7:59 AM
કાગડો થઈ
ખબર નહીં ક્યારે
ખીટીંએ છત્રી
કવિશ્રી રમેશભાઈને અર્પણ
Darshana bhatt said,
December 11, 2013 @ 5:04 PM
ભિજાવા માટે હૃદયને અનાવૃત્ત કરે એ ભીંજાય પણ ખરા અને ભીંજવે પણ ખરા .