એમ પીડાઓ મજા કરતી રહી,
જાણે આવી હોય મારી જાનમાં !
– નિનાદ અધ્યારુ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2012

કવચ – હરીન્દ્ર દવે

તમે શરસંધાન કરો છો ?
તો જરા ખમો,
મને મારું કવચ ઉતારી લેવા દો.

મારા પડછાયામાં
પતંગિયું સૂતું છે:
હવે બળતા સૂરજથી કેમ કરીને ભાગું ?

દીવાલો ટેવાઈ છે ગણેલા ચહેરાઓથી
માપેલાં સ્મિતોથી,
દરવાજો ખૂલતાં જ
ત્રણ દીવાલો ધસી આવે છે
એની પશ્ચાદભૂમિમાં રહેલી વ્યક્તિ
ચોથી દીવાલ બનીને ઊભી રહે
ત્યારે રંગભૂમિ તો નથી જ રચાતી.

શૂન્ય દ્રષ્ટિઓની ગીચ ઝાડીમાં
ક્યાંય દેખાતી નથી અદ્રષ્ટની કેડી.

કોઈનીયે વેદનાનો ઓથાર
ઓઢીને ફરીએ
ત્યારે કોઈનીયે વેદના રજમાત્ર,
ઓછી થતી નથી.
આ દુનિયા સાથે સમાધાન પર આવવું
અસંભવિત ભલે ન હોય,
અશક્ય જરૂર છે.

ના,
તમે શરસંધાન નહીં,
શબ્દસંધાન કરો છો :
મારી બરછટ ત્વચા પરથી તો એ
પથ્થર પરના પાણીની જેમ સરી જશે.
ચાલો, ત્વચાને ઉતરડી
થોડાંક મર્મસ્થાનો પ્રગટ કરું.

હું હસું છું
કારણકે મને રડવાનો કંટાળો છે.
બોલું છું
કારણકે ચૂપ રહેવાનો થાક છે.
ચાલુ છું
કારણકે અગ્નિનું રહસ્ય
મને સમજાયું નથી.
મારી આસપાસ ઘૂમે છે,
પૃથ્વી,બ્રહ્માંડ.
અને હું સ્થિર થવાનો કીમિયો શોધવા
કીમિયાગરનાં ચરણ તળાસું છું.

હવે વાર કરવામાં વાર શેની છે ?
કલ્પનામાં વીંઝાતો હાથ
સાચેસાચ વીંઝાય ત્યારે
હું ચિત્કાર કરીને કહીશ :
‘હું જીવતો નથી.’

-હરીન્દ્ર દવે

ગુજરાતી સાહિત્યમાં હરીન્દ્ર દવે જેટલી વિશાળ range ભાગ્યે જ કોઈ સર્જકની હશે. આ અછાંદસ paradox દ્વારા તીવ્ર અભિવ્યક્તિ જન્માવે છે. વિરોધાભાસ જયારે સત્યને વધુ સચોટ રીતે પ્રકટ કરી શકે ત્યારે કવિ તેનો ખૂબીપૂર્વક ઉપયોગ કરતા હોય છે. Walt Whittman નું કથન છે – ” Do I contradict myself ? Very well, then I contradict myself, [ I am large, I contain multitudes. ]

કાવ્ય પ્રમાણમાં સરળ છે. આ કાવ્ય ત્રણ અછાંદસ સ્તોત્રોમાંનું પ્રથમ કાવ્ય છે. સમયાંતરે બાકીનાં બે પણ પ્રસ્તુત કરીશ.

Comments (5)

પહેલું પગલું – ગેવિન એવર્ટ -અનુ- જગદીશ જોષી

જગતના આ વિશાળ કીડિયારામાં
એક નાનકડી કીડી કૈંક જુદી રીતે વિચારે છે.

મહાનગરના ઘુરકિયાળા ટ્રાફિકમાં
એક નાનકડી ફેમિલી કાર’ દીવાઓનો ભુક્કો બોલાવી દે છે.

ખાસ સીવેલા રૂઢિચૂસ્ત કોટ-પાટલૂનની ભીતર
એક હૈયું ઉઘાડો લય ધબકે છે.

કમરાના કદના રંગીન ફુગ્ગાની જેમ
એક માણસ ધરમને ફાટી જાય ત્યાં સુધી ફુલાવે છે.

કીર્તિની ઝળહળતી યુદ્ધપતાકામાં
કોઈક ક્યાંક ટેભા તોડવા શરૂ કરે છે.

– ગેવિન એવર્ટ -અનુ- જગદીશ જોષી

પ્રથમ પંક્તિમાં એક ક્રાંતિકારી આત્માની વાત છે જે કૈક જુદું વિચારે છે- પણ ત્યાં અટકી જાય છે. માત્ર જુદું વિચારે જ છે. આચરણ વિષે અધ્યાહાર સેવાયો છે. ટ્રાફિકને નિયંત્રિત કરતા દીવાઓ એટલે સમાજના કાયદા-કાનૂન રૂપી જડ બંધનો. કોઈક એને તોડી-ફોડી નાખે છે-ક્યાંક એક મુક્ત હૃદય ધબકે છે… ધર્મ વિષે બહુ ચોટદાર વ્યંગ છે – એક પશ્ચિમી લેખકે પૂર્વમાં અસંખ્ય દેવી-દેવતાઓની કરતી પૂજા માટે કટાક્ષ કર્યો હતો કે તમને એક ઈશ્વરમાં વિશ્વાસ નથી એટલે અનેક સર્જી કાઢ્યા છે ! અંતિમ પંક્તિમાં ભૌતિક સફળતાઓની નિરર્થકતા સમજાયા બાદની માનવીની નવા પથ ઉપરના માંડવામાં આવતા પહેલા કદમની વાત છે. દસ જ લીટીના આ નાનકડા કાવ્યમાં શબ્દે શબ્દે વિદ્રોહ નીતરે છે. ક્યારેક તો સૌ કોઈએ પહેલું પગલું ભરવાનું જ છે….

Comments (7)

નથી – સુભાષ શાહ

બસ હવે હસવું નથી રડવું નથી,
છેક પાસે છે છતાં અડવું નથી.

એ હશે ઉપર તો નીચે આવશે,
કોઈ સીડી પર હવે ચડવું નથી.

એટલા નિઃશેષ થાવું છે હવે,
કે હવાને પણ હવે નડવું નથી.

સ્થિત પ્રજ્ઞાને કરી છે એટલે,
ડર નથી, લડવું નથી,પડવું નથી.

એ રીતે સંતાઈ જાઓ હે સુ.શા.
જાતથી પણ જાતને જડવું નથી.

– સુભાષ શાહ

સરળ ભાષામાં પણ કવિતા ઘણીવાર કેવી ઊંડી વાત કરી શકે છે ! હવાને ન નડવાવાળો શેર અને સ્થિતપ્રજ્ઞતાવાળો શેર ખૂબ ધીમેથી મમળાવવા જેવા છે.

Comments (13)

આવે છે ! – હર્ષદ ત્રિવેદી

કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે,
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે.

કથા માળા કે જિંદગીની છે સરખી,
કે એમાં મેર પછીય મણકો આવે છે.

હજી વેઠું છું ત્રાસ અંધારાનો પણ –
ઇલાજમાં એના રોજ ભડકો આવે છે !

પ્રથમ તપવાનું, તરસવાનું, ગાવાનું,
બહુ મુશ્કેલી બાદ રણકો આવે છે.

ગયા’તાં, પાછાં ત્યાં જ આવીને ઊભાં,
જવું ક્યાં ? ચારેકોર તડકો આવે છે !

ઘણા વખતે આ ઠાઠ, રોનક ને રુઆબી,
લખાવી તારે નામ, ભભકો આવે છે !

– હર્ષદ ત્રિવેદી

 

Comments (8)

બે લઘુકાવ્યો – પન્ના નાયક

બારણું બંધ
તો
બારણું શાને?

બારણું ખુલ્લું
તોય
બારણું શાને?

બંધ કે ખુલ્લું
બારણું શાને?
કોઈ આવ-જા વિના?
કોઈ આવ-જો વિના?

*

સરોવરના
નિષ્કંપ જળમાં
ચંદ્રની
પ્રદક્ષિણા ફરતી
માછલીને
કુતૂહલ થાય છે –

તરતો કેમ નથી?

– પન્ના નાયક

પન્ના નાયકની કવિતામાં અભાવ છલકાય છે. બારણું તો આવ-જાથી ખરેખર બારણું બને છે…ને ‘આવજો’થી પણ. આવ-જા અને આવજો બન્ને એક જ ઘટના છે. ખાલી આપણો જોવાનો દૃષ્ટિકોણ અલગ છે. ચંદ્રનું તેજ તો આમ પણ ઊછીનું છે  અને પાણીમાં તો છે એનું ય પ્રતિબિંબ. ચંદ્રના રૂપ સાથે જ  એની પરવશતા જડાયેલી છે.

Comments (7)

તને ચાહવી છે મારે તો – પ્રિયકાન્ત મણિયાર

હવે આકાશના સર્વ તારકોને જોઈ લઉં
ને જાણી લઉં કેટલું શ્વેત – કેટલું સ્વચ્છ થવું પડશે મારે.
તને ચાહવી છે મારે તો
જગતનાં સર્વ વૃક્ષોનાં ફરફરતાં પર્ણને પૂછી લઉં :
કેટલું સતત ને સદ્ય સ્પંદિત થવું જોઈએ મારે
અવિરામ લયની માધુરી જન્માવવા ?
તને ચાહવી છે મારે તો
પૃથ્વીની સઘળી ધૂલિ – જે વારંવાર વેગીલા વાયરામાં
ઊડી જાય –
તેને મારા સંપુટમાં સમાવવા શીખી લઉં
કારણ કે તારે કાજે કેટલી એકાગ્રતા
ઘટ્ટ કરવી પડશે મારે –
અને છતાં ઘડીભર થોભું,
સકલ ક્ષારમય આ મને મળેલા સાગર સામે
શક્ય એટલી શર્કરા લઇ આવું –
ત્યાં સુધી તું પણ થોભીશ ને ?
મલકાયેલા લોચનમાં
ત્યાં તો વાંચું ભાવિની સ્પતપદીની અગ્નિવેદી,
હસતા હોઠમાં હસ્તમેળાપ –
અને જો આપણે ચાલ્યાં
યુગોથી ઠરતા હિમાલયના શિખરને હૂંફ આપવા.

– પ્રિયકાન્ત મણિયાર

અદભૂત પ્રણય અનુભૂતિની અદભૂત અભિવ્યક્તિ…

Comments (6)

ઘાસ – કાર્લ સેન્ડબર્ગ

ઢગલો કરજો લાશોનો કુરુક્ષેત્ર ને પાણીપતમા. 
બસ માટીમાં ઊતારી દેજો અને પછી છોડી દેજો મારા પર - 
        હું ઘાસ છું; હું બધું આવરી દઉં છું.

ને કરજો ઊંચો ઢગલો હલ્દીઘાટીમાં
ને કરજો ઊંચો ઢગલો કારગિલમાં ને પ્લાસીમાં.
બસ માટીમાં ઊતારી દેજો અને પછી છોડી દેજો મારા પર.
બે-પાંચ વરસમાં તો આવતા જતા લોકો પૂછશે: 
        આ વળી કઈ જગા છે?
        આપણે ક્યાં છીએ?

        હું ઘાસ છું. 
        મને કરવા દો મારું કામ.

– કાર્લ સેન્ડબર્ગ
(અનુવાદ – ધવલ શાહ)

માણસ પોતાની તાકાતનું સૌથી મોટું પ્રદર્શન યુદ્ધ કરીને કરે છે. ખડકે છે લાશો ને સીંચે છે લોહી. જીતનાર હરખાય છે અને હારનાર બીજા યુદ્ધની તૈયારીમાં લાગી જાય છે. પણ આ બધી સિદ્ધિઓનું સમયની આગળ કોઈ મૂલ્ય નથી. જે ભૂમિ માટે આટલું લોહી વહ્યું એનો તો ઉત્તર એક જ રહેવાનો છે : ધીમે ધીમે એ જમીન ઘાસથી આચ્છાદિત થઈ જાય છે. જે યુદ્ધ ખૂબ જરૂરી લાગતું હતું, જે યુદ્ધ જીવનમરણનો ખેલ લાગતું હતું એ પણ છેવટે ઈતિહાસનું એક પાનું જ થઈ જવાનું છે. તમને ગમે કે ન ગમે, કાળ બધાને એકસરખા કરી નાખે છે. નાનકડી કવિતામાં તુચ્છ ઘાસના પ્રતિકથી કવિ વિશ્વને બદલી નાખનારી ઘટનાઓનું ક્ષુલ્લકપણું છતું કરે છે. 

Comments (9)

ગણવેશમાં નથી-ભગવતીકુમાર શર્મા

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી;
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી.

કોઈ રાગમાં નથી કે કશા દ્વેષમાં નથી;
આ લોહી છે કે બર્ફ? – જે આવેશમાં નથી.

હું શબ્દમાં જીવું છું, ફક્ત શ્લેષમાં નથી;
જોકે હું અર્થના કોઈ આશ્લેષમાં નથી.

ભણકાતા મારા મુત્યુની ચિંતા નહીં કરો;
મૂળથી જ જીવવાની હું ઝુંબેશમાં નથી.

કિંચિત્ હતી, ક્યારેક છે ને શુન્ય પણ થશે;
મારી તરલ હયાતી જે હંમેશમાં નથી.

બે શબ્દ પ્રાર્થનાના કહી ચૂપ થઈ ગયો;
આર્જવમાં છે જે બળ, કદી આદેશમાં નથી.

-ભગવતીકુમાર શર્મા

Comments (11)

ગઝલ-મુકુલ ચોકસી

શાનાં સ્તવન સ્તવું અને ક્યાંના કવન કવું ?
ઉન્માદ ! લાગણીથી વધારે તો શું લવું ?

હાથોમાં હાથ રાખી હવે કેમ જીવવું ?
તારે છે ચાલવું અને મારે છે મ્હાલવું….

પામી લીધું ઊંડાણ મેં અભિવ્યક્તિનું નવું
ચૂમો તો ચીસ પાડું ને કાપો તો ક્લરવું !

સહરાની છાલકો ય પછી અમને ચાલશે,
શીખી જવા દો એક વખત તરબતર થવું.

જાકારો આઠે આઠ દિશાએ દીધા પછી,
અંતર્મુખ એક પળમાં થયા, એમાં શું નવું ?

-મુકુલ ચોકસી

Comments (10)

હરિ, તેં મુજને બહુ હરસાવી

હરિ, તેં મુજને બહુ હરસાવી
મિષ્ટ મદનરસ ઢળ્યો તું મુજને તરસાવી-તરસાવી

મારી રસના પર રસ ઊમટ્યા તું-દીધા તાંબૂલથી
મેંય તને કવરાવ્યો કેવો કરી પ્રહારો ફૂલથી !

તેં ચૂમીની હેલી પડતર હોઠો પર વરસાવી…

વાઢ પડ્યા વાંસામાં મુજને તારાં આલિંગનથી
પીન પયોધર કચરાયાં ભીંસાઈ તારા તનથી

હસીહસી કર મારો મરડી તુંથી હું પરસાવી

– રમેશ પારેખ

શૃંગારરસથી છલોછલ છલકાતું સાવ નાનકડું ગીત. પ્રિયતમ પ્રભુ સાથે ઝઘડાના ઝીણેરા ભાવ સાથોસાથ સંપૂર્ણ સમર્પણની સ્વીકાર્યતા વહન થઈ રહી છે.

હરસાવવું – હર્ષ કરાવવો, મિષ્ટ – મીઠું, મદનરસ – ઝેર/કામરસ, રસના – જીભ, તાંબૂલ – પાનબીડું, કવરાવવું – સતાવવું, વાઢ – જખ્મ, નિશાની, પીન પયોધર – પુષ્ટ (ભરાવદાર) સ્તન, પરસાવવું – સ્પર્શાવવું (?)

Comments (5)

આવે છે – ભગવતીકુમાર શર્મા

એ બહુ છાનેમાને આવે છે;
મોત નાજુક બહાને આવે છે.

ક્યાં મને એકલાને આવે છે ?
સુખ અને દુઃખ બધાંને આવે છે.

કેમ ચાલ્યા ગયા જનારાઓ?
આવનારાઓ શાને આવે છે ?

ઓળખી લ્યો સમયના પગરવને;
એ જમાને જમાને આવે છે.

આમ તો આખી ડાયરી કોરી;
નામ તુજ પાને પાને આવે છે.

અશ્રુતોરણ ને સ્મિતની રંગોળી;
ઉત્સવો કેવા સ્થાને આવે છે !

બિમ્બ ચકલી જુએ છે પોતાનું;
પાંખ તો આયનાને આવે છે.

એના શ્વાસો બન્યા છે વેગીલા;
મહેક તારી હવાને આવે છે.

રણની શોભા મને જ આભારી :
ગર્વ આ ઝાંઝવાને આવે છે !

કૂંપળે કૂંપળે વસંત આવે;
પાનખર પાને પાને આવે છે.

– ભગવતીકુમાર શર્મા

 

Comments (11)

સમયની ઓળખ – પન્ના નાયક

આપણે
ઘણું સાથે ચાલ્યાં
પણ પછી
આપણો પ્રવાસ અટક્યો…

સારું જ થયું ને !

તારી પાસે
જતાંઆવતાં વેરેલા
અઢળક સમયે
મને મારી ઓળખાણ તો કરાવી !

પન્ના નાયક

પ્રવાસ શબ્દ એ ગાળેલા સમયનાં માધૂર્ય તરફ ઈશારો કરે છે.  પણ અહીં જો એ ‘પ્રવાસ’નાં અંતથી જાત સાથે ઓળખાણ થતી હોય તો કવિને એય મંજૂર છે! ….. અને ‘વેરેલો અઢળક સમય’ એટલે કે એક વખત મધુરા ભાસેલા સમયની કડવી હકિકત….?

પન્નાઆંટીનો નવો કાવ્યસંગ્રહ ‘ગુલમ્હોરથી ડેફોડિલ્સ’ તાજેતરમાં પ્રગટ થયો… અને આ એક અછાંદસ-બુંદ પણ એમનાં જ એ સાગરમાંની એક છે.  નવતર કાવ્યસંગ્રહ માટે કવયિત્રીને અઢળક અભિનંદન.

Comments (10)

એ જ રાત – યાનિસ રિતસોસ

જ્યારે એણે પોતાના રૂમની બત્તી બુઝાવી નાખી’તી, ત્યારે
તરત જ એ જાણી ગયો’તો કે આ એ પોતે જ હતો
પોતાના અવકાશમાં, રાત્રિની અનંતતાથી
અને લાંબી ડાળીઓથી વિખૂટો પડેલો. એ
ઊભો’તો અરીસાની સામે પોતાની સાબિતી માટે
પણ એના ગળામાં ગંદી
દોરીએ ગંઠાયેલી આ લટકતી ચાવીઓનું
શું ?

– યાનિસ રિતસોસ
(અનુવાદ – સુરેશ દલાલ)

ઊછીના પ્રકાશનું અવલંબન છૂટે એ રાતની વાત છે. બાહ્ય આવરણોથી નિરપેક્ષ એ રાત્રિમાં પ્રવેશતા જ ખ્યાલ આવે છે – હા, આ જ ખરો હું છું. સઘન અંધકારમાં ઓગળતી જાત, પોતાની સામે, પોતાની ઓળખાણ પામે એ રાતની વાત છે. અવકાશમાં છૂટ્ટો પડેલો, સિમાઓથી જ નહીં પણ અનંતતાથી પણ વિખૂટો પડી ગયેલો માણસ, પોતાની નાળ(લાંબી ડાળીઓ)થી વિભક્ત માણસ જ પોતાની જાતની સામે પ્રગટ થવાની હિંમત કરી શકે છે. એ ક્ષણે, આ જો સામાન્ય કવિતા હોય તો, માણસને જ્ઞાન અને મુક્તિનો અનુભવ થાય. પણ અહીં ? અહીં તો એને પોતાના ગળે ગંદી દોરીથી લટકતી ચાવીઓનો લોહકણિકા જેવો ભાર ઘેરી વળે છે. ચાવીઓનો સંબંધ તાળાઓ સાથે છે, ચાવીનો સંબંધ બંધ દરવાજાઓ સાથે છે, ચાવીઓનો સંબંધ સંકિર્ણ ને અભેદ્ય વાસ્તવિકતા સાથે છે. એની સામે, આત્મદર્શની ક્ષણે પણ, માણસ સર્વથા અસમર્થ છે. 

Comments (7)

ગમ નથી – મકરંદ દવે

ધાર્યું થતું નથી તો ભલે ,કાંઈ ગમ નથી,
એની ખુશી ગણું છું, કમાણી એ કમ નથી.

જલતી રહી હમેશ, ઠરી ક્યાંય ના નજર,
હું કેમ કહું તારી હમેશાં રહમ નથી ?

પરદા અનેકમાં શું રહી રૂપની ઝલક !
પામી જો શકે પ્રેમ તો ભારે ભરમ નથી.

આજે નહીં તો કાલ એ બની જશે ગુલાબ,
ખૂશ્બુ વિનાનો ખાલી જરા જો જખમ નથી.

આંખો તો આઠો જામ આ પીતી ધરાય ના,
ધીમેથી કહો છો કે શરાબી, શરમ નથી ?

સોનાકણી બને છે કેમ ધૂળ વાટની ?
એને ઈશારે જાઉં છું, બીજો ઇલમ નથી.

એકાદ ઘડી કાનમાં તેં ગુફ્તગો કરી,
આવે છો હવે મોત, ગુમાવ્યો જનમ નથી.

– મકરંદ દવે

Comments (4)

આજ હવે – મનોજ ખંડેરિયા

આભના જેવો જ કંઈ લાગે છે આજ હવે
મારા હોવાનો મને ભાર.

કેડીની જેમ હું તો રઝળું ચોમેર
મારા ભ્રમણનો આવતો ન અંત
આંબાની ડાળ જેવું આભ ભરી ઊગું ને
હાથ છેટી રહી જાય વસંત
ઓગળતો જાય હવે મીણની જેમ કાળ મારો
જેનો લઇ ઊભી આધાર.

છતટાંગ્યાં ઝુમ્મરની હું તો રે જ્યોત
મારી કાચમાંથી કાયા ઢોળાય
પછડાતી જાઉં આમ આખાયે ઓરડે ને
આમ નથી ઓરડે હું ક્યાંય

તારા ન આવવામાં ચંદનના ધૂપ શી હું-
બળતી ને મ્હેકે અંધાર.

-મનોજ ખંડેરિયા

કૃષ્ણ-વિરહમાં ઝૂરતી ગોપીનું ગીત છે…… સ્વ ની સંપૂર્ણ વિસ્મૃતિ…..

Comments (5)

મરસિયો – શેક્સપિઅર (અનુ. વિવેક મનહર ટેલર)

ડરવાની જરૂર નથી સૂર્યના તાપથી
કે ક્રુદ્ધ શિયાળાના ક્રોધાવેશથી,
તારું દુન્યવી કાર્ય સંપૂર્ણ થયું છે,
તું ઘરે પહોંચી ગયો છે, તારું મહેનતાણું લઈને.
તવંગર છોકરા-છોકરીઓ હોય કે પછી
ચીમની સાફ કરનાર, બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

ડરવાની જરૂર નથી તારે મોટા માણસોની નાખુશીથી.
તું પર છે જુલ્મીઓના ત્રાસથી,
નથી હવે પહેરવાની કે ખાવાની ચિંતા,
શું ઘાસ કે શું વૃક્ષ- તારે બધું એકસમાન છે.
રાજા, વિદ્વાન કે તબીબ બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

ડરવાની જરૂર નથી વીજળીના ચમકારાથી,
કે દારુણ તોફાનોથી,
ડર નથી બદનક્ષી કે અવિચારી નિંદાનો,
સુખ અને દુઃખથી તું હવે પર છે.
દરેક પ્રેમી, યુવાન હોય કે ન હોય,
તારી સાથે જોડાવાના જ છે, બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

– વિલિઅમ શેક્સપિઅર
અનુ. વિવેક મનહર ટેલર

*

શેક્સપિઅરના નાટક ‘સિમ્બેલાઇન’ના ચોથા અંકના બીજા દૃશ્યમાં ફિડેલ (જે હકીકતમાં ઇમોજન નામની છોકરી છે) નામના છોકરાને મરણ પામેલો માનીને દફનાવતી વખતે ગિડેરિયસ અને અર્વિરેગસ નામના પાત્રો દ્વારા વારાફરતી આ ગીત ગાવામાં આવે છે. ત્રણ અંતરાના ગીતમાં શરૂઆતમાં “ડરવાની જરૂર નથી” અને અંતમાં “બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે” પંક્તિ પુનરાવર્તિત થતી રહે છે. પહેલી કડીનું પુનરાવર્તન બાંહેધરી આપે છે અને બીજી કડીનું પુનરાવર્તન મૃત્યુની અફરતા દૃઢીભૂત કરે છે.

મૃત્યુ સંસારનો અફર નિયમ છે. ભલભલા ચમરબંધ પણ મૃત્યુથી બચી શકતા નથી. મૃત્યુ આપણને ભલભલાના ડરથી અને સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિથી કાયમી મુક્તિ આપે છે.

*

A requiem

Fear no more the heat o’ the sun
Nor the furious winter’s rages;
Thou thy worldly task hast done,
Home art gone, and ta’en thy wages:
Golden lads and girls all must,
As chimney-sweepers, come to dust.

Fear no more the frown o’ the great,
Thou art past the tyrant’s stroke;
Care no more to clothe and eat;
To thee the reed is as the oak:
The scepter, learning, physic, must
All follow this and come to dust.

Fear no more the lightning-flash,
Nor the all-dreaded thunder-stone;
Fear not slander, censure rash;
Thou hast finish’d joy and moan:
All lovers young, all lovers must
Consign to thee, and come to dust.

-William Shakespeare

Comments (11)

ગઝલ – રાજેન્દ્ર શુક્લ

સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે ;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે !

નખશિખ કવચ ધરી શું કરીએ, આડી ઢાલ ધરી શું કરીએ ;
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે !

આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે !

ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ,
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે !

શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સૌગાત અલગ છે !

– રાજેન્દ્ર શુક્લ

ઘા બહારના હોય તો ઢાલ કે કવચ કદાચ કામમાં પણ આવે પણ નજરે ન ચડે એવા અંદરના આઘાતથી તો શી રીતે બચી શકાય?

આજે કવિશ્રીનો જન્મદિવસ પણ છે એની આ ગઝલ પોસ્ટ કર્યા બદ ફેસબુક વડે જાણ થઈ. લયસ્તરો તરફથી કવિશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

Comments (9)

નકશા – શેખાદમ આબુવાલા

અમે જોયાં જવાનીમાં ઘણા અરમાનના નકશા
સમન્દરમાં સમન્દર પર હતા તોફાનના નકશા

ન તો ભગવાનના નકશા ન તો શેતાનના નકશા
કે જીવનમાં હતા જે કંઈ ઈન્સાનના નકશા

ફક્ત હિંસાની તરકીબો જ બદલાશે ન કે હિંસા
ન બદલાયા ન બદલાશે કદી ઈન્સાનના નકશા

ગરીબીને હટાવીને નવા ધનવાન પેદા કર
ગરીબોની નજરમાં છે હજી ધનવાનના નકશા

હવે આતિથ્યના મૂલ્યોય બદલાઈ ગયાં જગમાં
જુઓ યજમાનના નકશા જુઓ મહેમાનના નકશા

અમે તો પ્રેમની બે ગાળ ખાઈ ખુશ છીએ આદમ
કે અમને તો નથી પરવડતા આ સન્માનના નકશા

હવે તો આદમ તમે યુરોપને ભૂલો તો સારું છે
અહીં તો છે હતા તેવા જ હિંદુસ્તાનના નકશા

– શેખાદમ આબુવાલા

આજે માણો શેખાદમની મારી એક ગમતી ગઝલ. જુવાનીની શેખાદમની વ્યાખ્યા જુઓ : જુવાની = સમન્દર પર (આવનારા) તોફાનના નકશા !

Comments (5)

મરીચિકા – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-નગીનદાસ પારેખ

પાગલ હઇયા વને વને ફિરિ આપન ગન્ધે મમ
કસ્તુરીમૃગસમ ;
ફાલ્ગુન રાતે દક્ષિણ બાયે કોથા દિશા ખુંજે પાઇ ના –
યાહા ચાઇ તાહા ભૂલ કરે ચાઇ, યાહા પાઇ તાહા ચાઇ ના.

વક્ષ હઇતે બાહિર હઇયા આપન વાસના મમ
ફિરે મરીચિકાસમ.
બાહુ મેલિ તારે વક્ષે લઇતે વક્ષે ફિરિયા પાઇ ના.
યાહા ચાઇ તાહા ભૂલ કરે ચાઇ, યાહા પાઇ તાહા ચાઇ ના.

નિજેર ગાનેર બાંધિયા ધરિતે ચાહે યેન બાંશિ મમ
ઉતલા પાગલ-સમ.
યારે બાંધિ ધરે તાર માઝે આર રાગિણી ખુંજિયા પાઇ ના.
યાહા ચાઇ તાહા ભૂલ કરે ચાઇ, યાહા પાઇ તાહા ચાઇ ના.

 

મારી પોતાની ગંધથી પાગલ બનીને હું
કસ્તુરીમૃગની પેઠે વનવનમાં ભટકું છું.
ફાગણની રાતે દક્ષિણના પવનમાં દિશા ક્યાં છે
તે મને શોધી જડતી નથી-
જે ચાહું છું તે ખોટું ચાહું છું,
જે મળે છે તે મને જોઈતું નથી.

છાતીમાંથી બહાર નીકળીને મારી પોતાની વાસના
મરીચિકા[મૃગજળ]ની પેઠે ફરે છે.
હાથ લંબાવીને તેને છાતીસરસી લેવા જતાં
પાછી છાતીમાં લઇ શકતો નથી.
જે ચાહું છું તે ખોટું ચાહું છું,
જે મળે છે તે મને જોઈતું નથી.

જાણે મારી વાંસળી વ્યાકુળ પાગલની પેઠે
પોતાના ગીતને બાંધીને પકડવા માગે છે.
એ જેને બાંધીને પકડે છે તેમાં
રાગિણી શોધી જડતી નથી.
જે ચાહું છું તે ખોટું ચાહું છું,
જે મળે છે તે મને જોઈતું નથી.

-રવીન્દ્રનાથ ઠાકુર

અતિસૂક્ષ્મ વાત છે. કદાચ ગુરુદેવની પ્રજ્ઞા ધરાવતા કવિની આજ ખૂબી હશે ! આત્મસંવાદ છે આ…. હું સ્થૂળ વસ્તુઓના મોહમાં ભટકું છું,તેને મેળવી લઉં છું ત્યારે તે મને કોઈ જ આનંદ કે પરિતૃપ્તિ આપતી નથી. તેમાં મને જેની ખરેખર શોધ છે તે જડતું નથી. – આ મૂળભૂત સૂર છે. એમાં ‘મારી પોતાની ગંધથી પાગલ બનીને હું કસ્તુરીમૃગની પેઠે વનવનમાં ભટકું છું.’ – જેવી અભિવ્યક્તિ દ્વારા કવિ પોતાની મહત્વકાંક્ષા,સ્પર્ધાત્મકતા જેવા ગુણોને ઈંગિત કરે છે. આ વાત સંબંધોને પણ લાગુ પડી શકે છે. અંતિમ ફકરામાં ભગવદ ગીતાની philosophy પડઘાય છે. આ સમગ્ર content ને અત્યંત ખૂબીપૂર્વક ગૂંથવામાં આવ્યો છે. વળી દરેક ફકરે પુનરાવર્તિત થતી પંક્તિઓ – ” જે ચાહું છું તે ખોટું ચાહું છું, જે મળે છે તે મને જોઈતું નથી.”- દ્વારા એક સઘન અનુભૂતિ સર્જાય છે,એક તીવ્ર આત્મમંથન આલેખાય છે.

Comments (5)

હું – રાજેન્દ્ર શુક્લ

રંગો ભળે એક મહીં અનેક
તે યે થતા લુપ્ત નહીં જ છેક
અસ્તિત્વને રૂપ અપાર વાય
અન્યાન્યની ઝાંય, બધે ઝીલાય !

પથભેદ થાય,મતિભેદ થાય,
સાથે વહ્યાંને ગતિભેદ થાય,
સાથે રહ્યાંની ઋતુ પૂરી થાય
છૂટાં છતાં ના પડી યે શકાય !

છો શ્વાસમાં શ્વાસ કદી સમાય,
હું દ્વૈતને કેમ દઉં વિદાય !
એકત્વનો ભાસ ભળે રચાય.
હું ભિન્નનો ભિન્ન રહું સદાય !

હું વાક્યમાં શબ્દ થઈ રહું છું,
ને શબ્દને વર્ણરૂપે વહું છું !

– રાજેન્દ્ર શુક્લ

પરસ્પરાવલંબન જેમ એક નક્કર તથ્ય છે , તે જ રીતે individuality પણ નક્કર સત્ય છે. અસ્તિત્વ એક,અનન્ય અને એકલું-alone – છે. શબ્દો,લાગણીઓ,અનુભવો ને અતિક્રમતા આપણી નિર્વિવાદ વ્યક્તિગતતા સામે આવે છે. ત્રીજો ફકરો સમગ્ર કાવ્યના હાર્દ સમાન છે. અદ્વૈતની વાત આકર્ષક છે પણ આસન નથી. અનુભૂતિના એ સ્તર પર પહોચવું કે જ્યાં અદ્વૈત સહજભાવ થઈ જાય તે યાત્રા આસન નથી. અને ત્યાં સુધી દ્વૈત આપણને છોડવાનું નથી.

Comments (7)

ભગ્ન સ્વપ્નની નાવ – સ્નેહરશ્મિ

મારી નાવ કરે કો પાર ?

કાળાં ભમ્મર જેવાં પાણી,
જુગ જુગ સંચિત રે ! અંધાર;
સૂર્યચંદ્ર નહિ, નહિ નભજ્યોતિ,
રાતદિવસ નહિ સાંજસવાર !
મારી નાવ કરે કો પાર ?

ભાવિના નહિ પ્રેરક વાયુ,
ભૂત તણો દાબે ઓથાર;
અધડૂબી દીવાદાંડી પર
ખાતી આશા મોતપછાડ !
મારી નાવ કરે કો પાર ?

નથી હીરા, નથી માણેક મોતી,
કનક તણો નથી એમાં ભાર;
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
તારી કોણ ઉતારે પાર ?
મારી નાવ કરે કો પાર ?

-સ્નેહરશ્મિ

ટાગોરની ‘એકલો જાને રે’ની હાકલથી વિપરીત વાણી અહીં તારસ્વરે રજૂ થઈ છે. જીવનનૈયાને ભવસાગર પાર ઉતારવી હોય તો ખુદા કે નાખુદા – કોઈ તો હોવું ઘટે. જ્યાં સૂર્ય-ચંદ્રના અજવાળાં નથી, સમય પણ ગતિહીન છે એવા યુગો-યુગોના અંધારા ભરેલ કાળાંભમ્મર સાગરમાં આગળ શી રીતે વધી શકાય? ઉજ્જવળ ભવિષ્યનો વાયુ નથી જે સઢ ફૂલાવી ગતિ આપે પણ ભૂતકાળના ઓથારના ભાર નીચે દબાઈ

Comments (3)

કોરો કાગળ – વિજય જોષી

કોરા કાગળનો એક ટુકડો.
મુસલમાને લખ્યું, “કુરાન”,
ખ્રિસ્તીએ લખ્યું, “બાઈબલ”,
યહૂદીએ લખ્યું, “ટોરાહ”,
અને હિંદુએ લખ્યું, “ગીતા”.
દરેકે પોતાનો જ શબ્દ
સાચો હોવાનો દાવો કર્યો.
ધાંધલ મચી.
મિજાજ ભડક્યા.
અચાનક,
તીવ્ર વેદનામાં
કાગળે ચીસ પાડી-
બસ કરો,
દખલ ન કરો,
રહેવા દો મને માત્ર,
એક કોરો ટુકડો કાગળનો.

– વિજય જોષી

*

મૂળ અંગ્રેજીમાં લખેલી કવિતાનો કવિએ પોતે જ ગુજરાતી અનુવાદ પણ કર્યો છે. સાવ સીધી અને સરળ વાત પણ કેવી હૃદયદ્રાવક ! રજનીશે એની જિંદગીમાં એક જ વાક્ય કહ્યું હોત તો પણ એ ઉત્તમ ફિલસૂફ ગણાયા હોત એ વાક્ય અહીં ટાંકવાનું મન થાય છે: “Kill the religion”.

કોરા કાગળનો એક ટુકડો અને કાગળનો એક કોરો ટુકડો – અહીં ‘કોરા’ શબ્દનો સ્થાનવ્યત્યય પણ ધ્યાન માંગી લે છે. કવિના પોતાના શબ્દોમાં, ‘કાગળ કોરો હોય ત્યારે વિચારોને આમંત્રે છે પણ વિચારો પૂરા થઈ જાય ત્યારે કાગળ નહીં પણ ટુકડો જ કોરો નજરે ચડે છે.’

*

A piece of blank paper.
A Muslim wrote “Quran”,
A Christian wrote “Bible”,
A Jew wrote “Torah”,
A Hindu wrote “Gita”,
Everyone claimed
his own to be the truth
& the only truth.
A pandemonium ensued,
tempers flared
suddenly,
in great agony,
the paper screamed,
stop it,
leave me alone,
let me just be,
a blank piece of paper.

– Vijay Joshi

Comments (12)

ગઝલ – કૈલાસ પંડિત

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.

– કૈલાસ પંડિત

આ ગઝલ વાંચીને આદિલજીની ‘જ્યારે પ્રણયની જગમાં’ ગઝલ દિલોદિમાગમાં ગૂંજી ન ઉઠે તો જ નવાઈ…  🙂

Comments (4)

હે તથાગત! આવજો – ભરત યાજ્ઞિક

રિક્ત છે મારું કમંડળ, હે તથાગત! આવજો;
મારી પ્રજ્ઞાનું સ્થળાંતર, હે તથાગત! આવજો!

તમસ-આવૃત્ત સૌરમંડળ, હે તથાગત! આવજો;
પૂંજ વરસો દૂર પાંતર હે તથાગત! આવજો.

નેહ નીતર્યાં નેણનો તંતુ અમે પકડ્યો છતાં
વેંત પણ ઘટતું ન અંતર, હે તથાગત! આવજો.

ભૈરવીનો સૂર સાંભળવા મથું છું, ક્યાં હશે?
પટ ઉપર પાછા પટંતર, હે તથાગત! આવજો.

બસ બધાના શરણમાં જાવાનો ક્ર્મ પૂરો થયો,
માટીમાં મૂકોને મંતર, હે તથાગત! આવજો.

બૌધિસત્વો ક્યાં ગયાં? નેપથ્યમાં આપો પ્રવેશ,
મતની માંહે મતાંતર, હે તથાગત! આવજો.

હું નથી આનંદશો કે ભદ્ર થઈ જાઉં ભદંત,
વેશના બધાં રૂપાંતર, હે તથાગત! આવજો!

– ભરત યાજ્ઞિક

તમે તો ઉપદેશ આપીને જતા રહ્યાં. પણ અમારી મર્યાદાઓ બધી અકબંધ છે. મુક્તિનો રસ્તો તમે ચીંધ્યો પણ એના પર આગળ વધી શકાતું નથી… હે તથાગત! આવો અને મદદ કરો.

પટંતર (પટંતરો) = જુદાઈ, અલગપણું; ભદંત=સાધુ, ભગવાન;

Comments (5)

મુક્તક – રઈશ મનીઆર

આપે  છે  દિલાસા અને  રડવા નથી દેતા,
દુ:ખ મારું મને મિત્રો જીરવવા નથી દેતા;
આંસુઓ    ટકાવે   છે  મને   ભેજ  બનીને,
એ  જીવતા માણસને સળગવા નથી દેતા.

– રઈશ મનીઆર

દુ:ખ, દિલાસો અને દોસ્તો – એ ત્રિકોણની બાજુઓનું બરાબ્બર માપસરનું સંમિશ્રણ કોઈને કદી મળ્યું છે ખરું?

Comments (6)

ઓશિયાળા થૈ ગયા – ‘ગની’ દહીંવાળા

તેજ-છાયાની રમત મતભેદ રમતા થૈ ગયા,
બારણે સૂરજ ઊભો ને ઘરમાં દીવા થૈ ગયા !

આ પરાધીન જીવવાની શી પ્રણાલી પાંગરી !
કેટલાં હૈયાં ઉછીના શ્વાસ લેતા થૈ ગયા !

કોઈએ જ્યાં ફેરવી લીધા નયન તો દુ:ખ થયું,
જોઈ લીધું તો જીવનભર ઓશિયાળા થૈ ગયા !

ભાન છે થોડું પીધાનું અને હવે તળિયું દીસે,
જામ શું ચોરીછૂપીથી ઘૂંટ ભરતા થૈ ગયા ?!

આપણે ખુદમાં ન જાણે ક્યારથી કીધો પ્રવેશ,
બંધ ઘરના દ્વાર શી રીતે ઊઘડતાં થૈ ગયાં ?

રાતની બેચેનીઓનું ચિત્ર આ ચાદરના સળ,
કેટલી સહેલાઈથી સાકાર પડખાં થૈ ગયાં !

કાંઈ નહોતું છતાં દેખાવ જેવું છે,’ગની’,
જિંદગીની ધૂળ સળગી ને ધૂમાડા થૈ ગયા.

– ‘ગની’ દહીંવાળા

Comments (3)