કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
આદિલ મન્સૂરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભરત યાજ્ઞિક

ભરત યાજ્ઞિક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ધસમસ ધસમસ – ભરત યાજ્ઞિક

પાંપણ પર ચોમાસું પહેરી અમે પછી વરસાદે ચાલ્યા
ધસમસ ધસમસ સોળ વરસની થઈ નદી વરસાદે ચાલ્યા

ભીંજાવાનો ભેજ ભયાનક પ્રસરી બેઠો આંખો વચ્ચે
તમે ઉઘાડા નીકળ્યા કોરી લઈ છત્રી વરસાદે ચાલ્યા

કોઈ રુંવાડે વહેવા લાગ્યો મેઘદૂતનો શ્લોક આઠમો
ઘટાટોપ વાદળના ઢગલા હળવે અડી વરસાદે ચાલ્યા

અંગરખું ઝરમર ટીપાનું વાંકી ટોપી મેઘધનુનું,
છેલછબીલા ઘરવાળાના ધણી બની વરસાદે ચાલ્યા

ઉગ્યા અંકુર આંખો વચ્ચે લેલુંબ ખેતર લાગણીઓનું
અંગ-અંગથી લીલું-પીળું વ્હાલ લણી વરસાદે ચાલ્યા

હવે ચલમ, તમાકુ તાણો વરસ થયું છે સોળ આનીનું
માઝમ કાળી ડીબાંગ રાતો મળી-ભળી વરસાદે ચાલ્યા

– ભરત યાજ્ઞિક

ગઈકાલે જ ર.પા.નું ‘વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી’ ગીત મૂક્યું ને આજે સવારે તો સુરતનું આકાશ ગોરંભે ચડ્યું ને સવાર સવારમાં જાણે રાત થઈ ગઈ ને વરસાદ માઝા મૂકીને વરસી પડ્યો. વરસતા વરસાદમાં સાઇકલ ચલાવવાની મજા-મજા આવી ગઈ ને સાથે યાદ આવી ગઈ આ ભીની ભીની ગઝલ…

ગાગાગાગાના લયમાં જાણે વરસાદનું પડવું આંખોને સંભળાય એ રીતે આ ગઝલ ધસમસ ધસમસ વરસે છે… કોરી છત્રી બાજુએ મૂકી આપણે તો બસ, ભીંજાઈએ જ ભીંજાઈએ…

Comments (4)

હે તથાગત! આવજો – ભરત યાજ્ઞિક

રિક્ત છે મારું કમંડળ, હે તથાગત! આવજો;
મારી પ્રજ્ઞાનું સ્થળાંતર, હે તથાગત! આવજો!

તમસ-આવૃત્ત સૌરમંડળ, હે તથાગત! આવજો;
પૂંજ વરસો દૂર પાંતર હે તથાગત! આવજો.

નેહ નીતર્યાં નેણનો તંતુ અમે પકડ્યો છતાં
વેંત પણ ઘટતું ન અંતર, હે તથાગત! આવજો.

ભૈરવીનો સૂર સાંભળવા મથું છું, ક્યાં હશે?
પટ ઉપર પાછા પટંતર, હે તથાગત! આવજો.

બસ બધાના શરણમાં જાવાનો ક્ર્મ પૂરો થયો,
માટીમાં મૂકોને મંતર, હે તથાગત! આવજો.

બૌધિસત્વો ક્યાં ગયાં? નેપથ્યમાં આપો પ્રવેશ,
મતની માંહે મતાંતર, હે તથાગત! આવજો.

હું નથી આનંદશો કે ભદ્ર થઈ જાઉં ભદંત,
વેશના બધાં રૂપાંતર, હે તથાગત! આવજો!

– ભરત યાજ્ઞિક

તમે તો ઉપદેશ આપીને જતા રહ્યાં. પણ અમારી મર્યાદાઓ બધી અકબંધ છે. મુક્તિનો રસ્તો તમે ચીંધ્યો પણ એના પર આગળ વધી શકાતું નથી… હે તથાગત! આવો અને મદદ કરો.

પટંતર (પટંતરો) = જુદાઈ, અલગપણું; ભદંત=સાધુ, ભગવાન;

Comments (5)

જીવ્યા કરે – ભરત યાજ્ઞિક

ઓલવાતા શ્વાસ લઈ  માણસ  પછી જીવ્યા કરે,
ચાંગળું અજવાસ લઈ  માણસ પછી જીવ્યા કરે,
એક દરિયો કે નદી કે ઝાંઝવાનો પછી વસવસો
રેતનો  સહેવાસ  લઈ માણસ  પછી જીવ્યા કરે.

– ભરત યાજ્ઞિક

(ચાંગળું=હથેળીમાં સમાય એટલું)

Comments (1)