મૂઠ્ઠીભર સુખ માંડ છૂપાવું,
ત્યાં દુનિયાની લાળ પડે છે.
નિનાદ અધ્યારુ

ધસમસ ધસમસ – ભરત યાજ્ઞિક

પાંપણ પર ચોમાસું પહેરી અમે પછી વરસાદે ચાલ્યા
ધસમસ ધસમસ સોળ વરસની થઈ નદી વરસાદે ચાલ્યા

ભીંજાવાનો ભેજ ભયાનક પ્રસરી બેઠો આંખો વચ્ચે
તમે ઉઘાડા નીકળ્યા કોરી લઈ છત્રી વરસાદે ચાલ્યા

કોઈ રુંવાડે વહેવા લાગ્યો મેઘદૂતનો શ્લોક આઠમો
ઘટાટોપ વાદળના ઢગલા હળવે અડી વરસાદે ચાલ્યા

અંગરખું ઝરમર ટીપાનું વાંકી ટોપી મેઘધનુનું,
છેલછબીલા ઘરવાળાના ધણી બની વરસાદે ચાલ્યા

ઉગ્યા અંકુર આંખો વચ્ચે લેલુંબ ખેતર લાગણીઓનું
અંગ-અંગથી લીલું-પીળું વ્હાલ લણી વરસાદે ચાલ્યા

હવે ચલમ, તમાકુ તાણો વરસ થયું છે સોળ આનીનું
માઝમ કાળી ડીબાંગ રાતો મળી-ભળી વરસાદે ચાલ્યા

– ભરત યાજ્ઞિક

ગઈકાલે જ ર.પા.નું ‘વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી’ ગીત મૂક્યું ને આજે સવારે તો સુરતનું આકાશ ગોરંભે ચડ્યું ને સવાર સવારમાં જાણે રાત થઈ ગઈ ને વરસાદ માઝા મૂકીને વરસી પડ્યો. વરસતા વરસાદમાં સાઇકલ ચલાવવાની મજા-મજા આવી ગઈ ને સાથે યાદ આવી ગઈ આ ભીની ભીની ગઝલ…

ગાગાગાગાના લયમાં જાણે વરસાદનું પડવું આંખોને સંભળાય એ રીતે આ ગઝલ ધસમસ ધસમસ વરસે છે… કોરી છત્રી બાજુએ મૂકી આપણે તો બસ, ભીંજાઈએ જ ભીંજાઈએ…

4 Comments »

  1. Laxmikant Thakkar said,

    October 4, 2013 @ 6:27 AM

    ………ભીંજાઈએ જ ભીંજાઈએ…..
    “ઉગ્યા અંકુર આંખો વચ્ચે લેલુંબ ખેતર લાગણીઓનું
    અંગ-અંગથી લીલું-પીળું વ્હાલ લણી વરસાદે ચાલ્યા”

    કોઈ રુંવાડે વહેવા લાગ્યો મેઘદૂતનો શ્લોક આઠમો ….
    ક્યાંથી ક્યાં લૈ જાય …..અને યાદ આવે …
    “સાવ છલોછલ ભર્યા અમે, અંગ-અંગમાં સ્પર્શ,
    સ્પર્શના દરિયા, ઈચ્છાની હોડી એક અટુલી તરે!
    પવન તમારા નામનો ,અહીં-તહીં ધકેલે હડસેલે,
    મિલન નામનું મોતી ,હું મધદરિયે અમથું ગોતું,
    કેટલું ડૂબવું?,કેટલું તરવું?કેટલું હાંફવું?કેમ કરવું?
    આવન જાવન પરીક્ષાને કેટલું અવગણવું? મરવું ?”

    -લા’કાંત / ૪-૧૦-૧૩

  2. Darshana bhatt said,

    October 4, 2013 @ 11:11 AM

    બંને કાવ્ય સ….રસ. કોરા ક્યાંથી રહેવાય !
    ભીંજવી નહિ…. પાણી પાણી …તરબોળ કરી ગયા.

  3. Maheshchandra Naik (Canada) said,

    October 4, 2013 @ 1:55 PM

    બને કાવ્યો અંતરતમ ભીજવી ગયા, અને વરસાદી મહોલ અનુભવ્યો, સરસ મઝા આવી ગઈ, આપનો આભાર……………………..

  4. Harshad Mistry said,

    October 5, 2013 @ 3:11 PM

    SUNDER. Like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment