હે તથાગત! આવજો – ભરત યાજ્ઞિક
રિક્ત છે મારું કમંડળ, હે તથાગત! આવજો;
મારી પ્રજ્ઞાનું સ્થળાંતર, હે તથાગત! આવજો!
તમસ-આવૃત્ત સૌરમંડળ, હે તથાગત! આવજો;
પૂંજ વરસો દૂર પાંતર હે તથાગત! આવજો.
નેહ નીતર્યાં નેણનો તંતુ અમે પકડ્યો છતાં
વેંત પણ ઘટતું ન અંતર, હે તથાગત! આવજો.
ભૈરવીનો સૂર સાંભળવા મથું છું, ક્યાં હશે?
પટ ઉપર પાછા પટંતર, હે તથાગત! આવજો.
બસ બધાના શરણમાં જાવાનો ક્ર્મ પૂરો થયો,
માટીમાં મૂકોને મંતર, હે તથાગત! આવજો.
બૌધિસત્વો ક્યાં ગયાં? નેપથ્યમાં આપો પ્રવેશ,
મતની માંહે મતાંતર, હે તથાગત! આવજો.
હું નથી આનંદશો કે ભદ્ર થઈ જાઉં ભદંત,
વેશના બધાં રૂપાંતર, હે તથાગત! આવજો!
– ભરત યાજ્ઞિક
તમે તો ઉપદેશ આપીને જતા રહ્યાં. પણ અમારી મર્યાદાઓ બધી અકબંધ છે. મુક્તિનો રસ્તો તમે ચીંધ્યો પણ એના પર આગળ વધી શકાતું નથી… હે તથાગત! આવો અને મદદ કરો.
પટંતર (પટંતરો) = જુદાઈ, અલગપણું; ભદંત=સાધુ, ભગવાન;
perpoto said,
October 4, 2012 @ 3:17 AM
કસ્તુરી મ્રુગ સમી વાત છે બધી…
વિવેક said,
October 4, 2012 @ 3:25 AM
વ્હા… ભદંત શબ્દ કેટલા વરસો પછી કાને પડ્યો…
Maheshchandra Naik said,
October 4, 2012 @ 11:01 PM
બુધ્દ્ધત્વને ઉજાગર કરતી રચના…………………….
pragnaju said,
October 6, 2012 @ 9:38 AM
ખૂબ સુંદર ગઝલનો આ શેર વધુ ગમ્યો
ભૈરવીનો સૂર સાંભળવા મથું છું, ક્યાં હશે?
પટ ઉપર પાછા પટંતર, હે તથાગત! આવજો.
ઓમકારનાથ ઠાકુરનો ભૂતકાળમા અનુભવેલો પ્રસંગ યાદ
સંગીતના આરંભમાં સામાન્ય રીતે પાંચસોથી હજાર શ્રોતા હોય પણ જ્યારે ભૈરવી રાગ ગવાય ત્યારે માંડ પચાસ રહે. પરંતુ પંડિતજીના જલસામાં સેંકડોની સંખ્યામાં માણસો ભૈરવી માણવા હાજર રહેતા. ‘પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે‘, ‘જોગી, મત જા, મત જા‘ કે ‘મેં નહિ માખન ખાયો‘ તેમનાં અતિપ્રસિદ્ધ ગીતો છે.ભૈરવીના સૂર આત્મસાત થાય બાદ
હું નથી આનંદશો કે ભદ્ર થઈ જાઉં ભદંત,
વેશના બધાં રૂપાંતર, હે તથાગત! આવજો! …સમજાય
jahnvi antani said,
October 13, 2012 @ 1:06 PM
અતિ સમજ્દારીભરી રચના