ઊભરો રહે ન દિલમાં ન બદનામીઓનો ડર,
શોધું છું ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2005

જુઓ -મનહર મોદી

એમની આંખમાં મઢેલું છે
એક સપનું મને જડેલું છે.

આમ દેખાય છે સાવ સીધું મન
છેક ઊંડે જુઓ, વળેલું છે.

બંધ આંખોમાં બે સૂરજ જેવું
એક આખું જગત ભરેલું છે.

થરથરે છે બિચારું સુખ એનું
જોઈને મારું મન ડરેલું છે.

દોડશે હું ને મારો પડછાયો
એ જ જોવાનું, કોણ પહેલું છે.

-મનહર મોદી

સરસ ભાષા અને સીધી રજૂઆત આ ગઝલની વિશેષતા છે. સહજ લાગણીઓ અને આશાઓને એક બીજી બાજુ પણ અચૂક હોય જ છે એ વાત અલગ રીતે રજૂ કરી છે. આપણે બધાએ વારંવાર સુખને ‘બિચારું’ બની ગયેલું જોયું છે. પડછાયા સાથે હોડ ભરવાનું કલ્પન નવું નથી છતાં મ.મો.ને કલમે એ નવી રીતે રજૂ થયું છે.

Comments

અમર હમણાં જ સૂતો છે -‘અમર’ પાલનપુરી

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.

દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.

ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા-
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.

ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા !
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.

-‘અમર’ પાલનપુરી

Comments (7)

તું છે મારું શરણ – ચંદ્રકાંત શેઠ

તું છે મારું શરણ,
મને બસ, ગમતું તારું સ્મરણ !

ગગન મહીં આ તારાં લોચન
                ભૂરાં ઊંડાં હસતાં !

તારી હથેલીઓનાં હેત જ
              લહરે લહરે લસતાં !

તારી વાટે, તારા ઘાટે,
              મૂકવાં મારે ચરણ !
મને બસ, ગમતું તારું સ્મરણ !

પ્હાડે પ્હાડે ઉદાર પ્રસરી
              તારી શી છત-છાયા !

રાતદિવસ ઉર ઉજાશ ભરતી
             તારી તેજસ-માયા !

મારા કૂપે, તળિયે તારાં
              ફૂટ્યાં કરે ઝરણ !
મને બસ, ગમતું તારું સ્મરણ !

-ચંદ્રકાંત શેઠ

Comments

રીડ-ગુજરાતી.કોમ

વડોદરાથી મૃગેશભાઈ શાહે રીડ-ગુજરાતી.કોમ નામે ગુજરાતી વેબ મેગેઝીન શરું કર્યુ છે. આ વેબઝીનમાં ગુજરાતીમાં લેખો, વાર્તાઓ, કવિતાઓ વિગેરે સામગ્રીએ પીરસે છે. જાણીતા લેખકોની કૃતિઓ એક સાથે એક જ જગાએ અહીં સરળતાથી વાંચવા મળી જાય છે. એમની ઓળખાણ એમના પોતાના શબ્દોમાં એ આ રીતે આપે છે –

મારું નામ મૃગેશ શાહ, 27 વર્ષ, અમે વડોદરાના રહેવાસી. વ્યવસાયે હું એક લેખક છું. મુંબઈ સમાચાર અને અખંડઆનંદ મેગેઝીનમાં કેટલાક લેખો લખ્યા છે તેમજ ખાસ કરીને ચાટૅડ એકાઉન્ટસી (સી.એ) માં આવતા કૉમ્પ્યુટર વિષય પર પુસ્તકો લખું છું, પણ આમ છતાં મારે કંઈક ક્રીએટીવ કરવું હોય તો સારો એવો સમય મળી રહે છે.

રીડ-ગુજરાતીનું નામ ભલે અંગ્રેજીમાં રાખ્યું હોય, પણ વેબઝીનનો આત્મા પૂરેપૂરો ગુજરાતી છે. લેખો અને કવિતાઓની પસંદગી પણ સુંદર છે. ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવતા બધાને ગમે એવી આ સાઈટ બનાવી છે. આશા રાખીએ કે મૃગેશભાઈનું આ સાહસ સફળ બને.

ગુજરાતીનો વેબ પર પ્રસાર કરાવાનો આનાથી વધારે સારો રસ્તો કોઈ નથી. સરસ વેબસાઈટ બનાવવા માટે મૃગેશભાઈને અભિનંદન. એક વાર જરુરથી આ વેબઝીનની મુલાકાત લેજો.

Comments (2)

એકાંત -હર્ષદ ચંદારાણા

ભડ ભડ ભડ કાળું એકાંત
ઈંધણ થઈ હોમાતી જાત

આખ્ખું નભ છે ખુલ્લી આંખ
એમાં ઊડે પવનની રાખ

જતા-આવતા સુક્કા શ્વાસ
ડગલે- પગલે લૂની ફાંસ

છાતીએ ત્રોફાતી લાહ્ય
રુંવેરુંવે રણ ફેલાય

અફવામાં પણ નહીં વરસાદ
વરસે છે અણિયારી યાદ…

Comments (1)

શેર -રાજેન્દ્ર શુક્લ

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !

-રાજેન્દ્ર શુક્લ

Comments

પાનખર -હરીન્દ્ર દવે

હવા   ફરી  ઉદાસ  છે,   ચમન  ફરી  ઉદાસ છે,
નિગૂઢ  સ્પર્શ  પાનખર  તણો  શું આસપાસ છે!

                 વિલુપ્ત ગુંજનો થતાં
                                રહ્યા પ્રસન્ન રાગનાં,
                 લહર ગઈ સમેટી શ્વાસ
                                 મ્હેકતા   પરાગના;

છેલ્લું  આ  કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે,
નિગૂઢ  સ્પર્શ  પાનખર તણો  શું આસપાસ છે!

               હવે બિડાય લોચનો
                              રહેલ નિર્નિમેષ જે,
               રાત અંધકારથી જ
                               રંગમંચને સજે,

હ્રદયમાં ભાર ભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,
નિગૂઢ   સ્પર્શ  પાનખર  તણો  શું  આસપાસ છે!

-હરીન્દ્ર દવે

Comments (1)

પગલાં -‘બેફામ’

એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં,
તારી ગલીમાં કોઈના પગલાં પડ્યાં નહીં.

-‘બેફામ’

Comments (3)

જગા પુરાઈ ગઈ ! -ઓજસ પાલનપુરી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !

-ઓજસ પાલનપુરી

Comments (4)

ચાલ્યા કરીએ -હરીન્દ્ર દવે

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

-હરીન્દ્ર દવે

Comments

Page 1 of 212