અહીંથી ક્યાં ભાગીને જઈશું ? જ્યાં જઈશું ભાગેડુ થઈશું
મુક્તિની આશા પોકળ છે, (પણ) ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
રિષભ મહેતા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રશીદ મીર

રશીદ મીર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

એ જે અફવા હતી - રશીદ મીર
ગઝલ - રશીદ મીર
ગઝલ -ડૉ. રશીદ મીર
દીવા સંકોર - રશીદ મીર
સન્નાટો - રશીદ મીર



એ જે અફવા હતી – રશીદ મીર

એ જે અફવા હતી કથા છે હવે,
આવ, જોવા સમી દશા છે હવે.

દૂર ઊડતો ગુબાર જોઉં છું,
કાફલો છે કે ના દિશા છે હવે.

તું હતી તો ખુદા હતો મારો,
ના ઈબાદત, ના આસ્થા છે હવે.

એક મારા જ પ્રાણ રૂંધાયા,
નહિ તો ચારે તરફ હવા છે હવે.

રંગ ગેરુઓ હોય કે લીલો,
જે પતાકા હતી, ધજા છે હવે.

સાતસો છ્યાસીથી શરૂ થઈને,
આ ગઝલ પોતે શ્રીસવા છે હવે.

‘મીર’ ઘરના ખૂણામાં બેઠો છું,
મારે આઠે પ્રહર મજા છે હવે.

– રશીદ મીર

બધા જ શેર સંતર્પક પણ ‘તું હતી તો ખુદા હતો મારો’વાળો શેર વાંચતા સાથે જ ચિત્તતંત્રને જાણે લકવો મારી ગયો. બે સાવ નાની નાની પંક્તિમાં પ્રેમની કેવી સરસ વ્યાખ્યા ! અને એકસાથે ઈબાદત અને આસ્થા- બંનેને સાંકળી લઈને કવિ પ્રેમની ધર્મનિરપેક્ષતા પણ ચાક્ષુષ કરી આપે છે.

Comments (9)

સન્નાટો – રશીદ મીર

ભાંગતી રાતનો આ સન્નાટો,
ભીંતને કોઈ તો બારી આપો.

આટલી સ્તબ્ધતા હતી ક્યારે,
ઓસનો સાંભળું છું ધ્રુબાકો.

તે પછી ઊંઘવા નથી દેતો,
થોડી રાતોનો તારો સથવારો.

એય ઉપકાર બની જાયે છે,
કોઈ વેળાનો હળવો જાકારો.

કૈં દયા એની ઊતરી એવી,
મેં ત્યજી દીધા સૌ અધિકારો.

ભરબપોરે શહેરની વચ્ચે,
હુંય શોધું છું મારો પડછાયો.

એના અંગેની ધારણાઓ ‘મીર’,
કેવો આપે છે મનને સધિયારો !

– રશીદ મીર

સાદ્યંત સંતર્પક રચના…

Comments (6)

ગઝલ – રશીદ મીર

આ નવો રંગ-રાગ છે જાનાં
કાળા કંબલની શાન છે જાનાં

આખી દુનિયા ઉદાસ લાગે છે
દિલની દુનિયા ઉદાસ છે જાનાં

શ્વાસ-ઉચ્છવાસ છે કૃપા તારી
બાકી સૌ ઠીકઠાક છે જાનાં

ખૈર ચાહું છું તારા કમખાની
પયરહન તાર-તાર છે જાનાં

એક તારો વિચાર ઝળહળ છે
બાકી અંધાર રાત છે જાનાં

‘મીર’ના અર્થમાં મહત્તા શી ?
મીર તારો ગુલામ છે જાનાં

– રશીદ મીર

એક પછી એક શેરના પડળ ખુલતા જાય છે અને આ આખી ગઝલ પ્રિયતમાની જેમ આપણને આશ્લેષબદ્ધ કરતી અનુભવાય છે…

Comments (3)

દીવા સંકોર – રશીદ મીર

શમણાનાં કાંટાળા થોર
લીલો પણ ખરબચડો શોર.

છેક હજી છે ટાઢો પ્હોર,
જોયું જાશે ભરબપ્પોર.

અંધકારના તસતસતા,
લીસ્સા, ભીનાં, તીણાં ન્હોર

બેવડ થઈ છે ઝાકળમાં
તડકા ધાર નવી નક્કોર.

ખાંખાંખોળા શોધાશોધ,
સો મણ તેલે તિમિર ઘોર.

‘મીર’ સાંજ આવી પહોંચી,
યાદોના દીવા સંકોર.

– રશીદ મીર

નવીન કલ્પનોથી શોભતી ગઝલ. દિવાળીના દિવસે દીવા સંકોરવાની વાત ખાસ યાદ કરવી ગમે.

બધાને ‘લયસ્તરો’ ટીમ તરફથી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ !

Comments (7)

ગઝલ -ડૉ. રશીદ મીર

સાચ જેવા સાચની અફવા ન કર,
આપણા સંબંધની ચર્ચા ન કર.

પાછલો વરસાદ ક્યાંથી લાવવો,
આટલા વર્ષે હવે ઈચ્છા ન કર.

એક પડછાયાને કેટલો વેતરું ?
સૂર્ય સામે મારું કદ માપ્યા ન કર.

ભીંત બેસી જાય તો સારું હવે,
ક્યાં છબી ટાંગી હતી જોયા ન કર.

આગનો દરિયો છે ચડતો જાય છે,
ડૂબવાનું હોય છે જોયા ન કર.

એ ચાહે છે પ્રેમ કરવાને ફરી,
‘મીર’ પાછા પારખા વખના ન કર.

-ડૉ. રશીદ મીર

ડૉ. રશીદ મીરની ગઝલિયતથી ભરપૂર એક ગઝલ…

Comments (7)