જાતને મળવા તમારે એકલું પડવું પડે.
સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે
નીતિન વડગામા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for લોકગીત

લોકગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૩: મને કેર કાંટો વાગ્યો
(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૪: અચકો મચકો કાં રે અલી ?
(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૫: ચાંદલિયો
(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૬: કાનુડો માગ્યો દેને
(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૧: કેમ કરી જાશો ચાકરી રે
(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૧૦: દુહા
(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૨: આજ રે સપનામાં મેં તો
(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૭: પાણી ગ્યાં'તાં રે
(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૮: સૈયર મેંદી લેશું રે
(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૯: લીલી ઈંઢોણી હીરની રે
એક માણા તે જેવડું મોતી રે - લોકગીત
મળવા આવ્ય - લોકગીતમળવા આવ્ય – લોકગીત

મા રે મા ! તું મને મળવા આવ્ય,
કાળી અટલસનું કાપડું લાવ્ય.
કાપડું તો માડી, ફાટી ફાટી જાય,
ગાડું ભરીને ધાન લાવ્ય.
ધાન તો માડી, ચવાઈ જાય,
તાંબા પિત્તળની હેલો લાવ્ય.
હેલ તો માડી, ભાંગી ફૂટી જાય,
પાંચ રૂપિયા રોકડા લાવ્ય.
રૂપિયા તો માડી વપરાઈ જાય,
ડાબલી ભરીને અમલ લાવ્ય.
ઘટ ઘોળું ને ઝટ ઘૂંટડા ભરું,
ને આ જલમનો છૂટકો કરું.

(લોકગીત)

લોકગીત એટલે સમાજનો ખરો પડઘો. કવિની કવિતા ઘણીવાર કળાના રસ્તે ચડીને ગુમરાહ થતી પણ દેખાય પણ લોકગીત એટલે સાંપ્રત સમયનો સીધો અરીસો જ. જુઓ આ ગીત. પહેલી જ પંક્તિમાં પરિણિતાની કાળી વ્યથા ઉજાગર થઈ જાય છે… માનો દ્વિકાર અને રે નો લહેકો દીકરીની પીડાને ધાર આપે છે. દીકરી માને મળવા બોલાવે છે. કેમ ? કેમકે વહુને પિઅર જવાની છૂટ મળી નથી. સાસરામાં પડતી તકલીફોનો ઇલાજ દીકરી દુન્યવી સામગ્રીઓમાં પહેલાં તો શોધવા મથે છે. પણ દીકરી જાણે છે કે કપડું થોડો સમય લાજ ઢાંકી શકશે, અનાજ સમયના ખાડાને ઘડીકભર પૂરશે, વાસણ-રૂપિયા આ બધું દીકરીની સમસ્યાઓનો હંગામી ઈલાજ છે.  કાયમી ઈલાજ તો અમલ ઘોળીને આ ઝેર જેવા જીવતરનો “ઝટ” આણવો એ જ છે…

આજે પણ સ્ત્રીઓની આ પરિસ્થિતિનો ખાલી કલર જ બદલાયો છે, સ્થિતિ તો એની એ જ છે…

Comments (5)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૧૦: દુહા

દુહો કે દોહરો પણ લોકસાહિત્યનો જ એક પ્રકાર છે. દુહો એ એક જાતનો છંદ છે અને સંસ્કૃત કવિતામાં અનુષ્ટુપ છંદને જે અગત્યતા અપાઈ છે કે પ્રાકૃત સાહિત્યમાં ગાથાનું જે મહત્ત્વ છે એવું જ આગવું અને ગરવું સ્થાન મધ્યકાલીન ગુજરાતી લોકસાહિત્યમાં દુહાનું છે. દુહામાં લોકગીતની જેમ જ જિંદગીના અલગ-અલગ પાસાંઓ આવરી લેવાય છે પણ અહીં ચિંતનાત્મક અને ઉપદેશાત્મક અભિવ્યક્તિ વધુ હૃદ્ય બને છે. દુહા ચોટદાર અને માર્મિક હોવાથી એ વધુ આસ્વાદ્ય પણ બને છે. સોરઠના ચારણોએ દુહાની સૌથી વધુ એકનિષ્ઠ ભક્તિ કરી છે…

આભ ઉકેલે ભોં ભખે, વેધનકો  હિય વેધ,
અગોચર ગોચર કરે, દુહો દસમો વેદ.

દુહાને દસમો વેદ કહ્યો છે કેમકે એ અગોચરને પણ ગોચર બનાવી શકે છે. જ્યાં લોકગીતમાં લંબાણના કારણે કાવ્યભાવ પાતળો થઈ જવાની ભીતી રહે છે ત્યાં દુહો એ ગાગરમાં સાગર સમો છે. કવિ મકરન્દ દવે એને દસમું દ્વાર ખોલવાના આધ્યાત્મિક અર્થમાં ઘટાવે છે.

દુહો દસમો વેદ, સમજે તેને સાલે,
વિંયાતલની વેણ્ય, વાંઝણી શું જાણે ?

દસમા વેદ સમા દુહાને તો સમજદાર જ પામી શકે છે. રામબાણ તો વાગ્યા હોય એ જ જાણે. પ્રસુતિની વેદના વાંઝણી સ્ત્રી શી રીતે સમજી શકે ?

લેતાં ફળ જન વૃક્ષથી, કડવાં પાન ત્યજંત;
ત્હોય મહાદ્રુમ સુજનશાં તેને અંક ધરંત. (દ્રુમ=વૃક્ષ, અંક= ખોળો)

લોકો વૃક્ષ પરથી ફળ તોડે છે પણ પાન ત્યાગે છે છતાં વૃક્ષ એને પોતાનો ખોળો આપે છે.

શો ગુણ સુત જન્મ્યા થકી, મૃતથી અવગુણ થાય ?
જો બાપીકી ભોમકા અવર થકી ચંપાય ! (સુત=પુત્ર, અવર = બીજા)

બાપદાદાની ભૂમિ કોઈ બહારનો આવીને રોળવાનો હોય તો એવા કપૂત જેવા દીકરા જન્મવાનો શું ફાયદો? એના કરતાં તો મરેલો સારો કે મરેલા દીકરાથી અવગુણ તો ન થાય.

કુલદીપક થાવું કઠિન, દેશદીપક દુર્લભ;
જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય.

કુળદીપક થવું કપરું છે, તેથીય વધું આકરું છે દેશના પ્રકાશ બનવું પણ જગ આખાને અજવાળે એવો તો કોઈક અલભ્ય જ હોય છે !

સિંદોર ચડાવે સગાં, દીવાં ને નાળિયેર દોય,
લોડણ ચડાવે લોઈ, તારી ખાંભી માથે ખીમરા.

– આ વિલાપનો દુહો છે એને મરસિયા કે તુંવેરીના દુહા પણ કહેવાય છે. લોડણ એટલે ખીમરા નામના એક પ્રેમીનું પ્રેમપાત્ર. કાઠિયાવાડમાં લોડણ ખીમરાના દુહા સારા પ્રમાણમાં ગવાય છે.

ચાયે ટાળ્યું શિરામણ ને બીડીએ ટાળ્યો હોકો,
સાસુનું કહ્યું વહુ ન કરે તો કીનો કરવો ધોખો ?

– દુહામાં માત્ર વીરરસ કે શૃંગારરસની જ વાત નથી આવતી. જે કવિતા સમયની સાથે સામયિક ઉથલપાથલને પ્રતિબિંબિત કરવાનું ચૂકે એ કવિતા નથી. દુહામાં ચા-બીડી જેવા વ્યસનો પણ સમય સાથે સાંકલી લેવાયા છે. બીડી ઉપર એક બીજો દુહો-

બીડી જાત કજાત, (પણ) પીધા વણ હાલે નૈ,
બીડી કરાવે બેં મરદ મૂછાળી જાતને.

અને છેલ્લે કાઠિવાડનું સાચું ચિત્ર દોરી આપતો આ દુહો કે ભૂલાય ?-

કાઠિયાવાડમાં કોક દી, ભૂલો પડ ભગવાન,
થાજે મારો મેમાન, તને સરગ ભૂલાવું શામળા. (સરગ=-સ્વર્ગ)

(… આ સાથે પર્વ ૧૫૦૦ની ઉજવણી નિમિત્તે આદરેલ લોકગીત-વિશેષની યાત્રા અહીં અટકાવીએ છીએ… )

Comments (7)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૯: લીલી ઈંઢોણી હીરની રે

લીલી લીલી ઈંઢોણી હીરની રે,
મને પાણી ભર્યાની ઘણી હોંશ રે;
લીલી ઈંઢોણી હીરની રે.

સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા રે,
મને લાજ કાઢ્યાની ઘણી હોંશ રે. – લીલીo

સાંકડી શેરીમાં જેઠજી સામા મળ્યા રે,
મને ઝીણું બોલ્યાની ઘણી હોંશ રે. – લીલીo

સાંકડી શેરીમાં જેઠાણી સામા મળ્યા રે,
મને ઠેકડી કર્યાની ઘણી હોંશ રે. – લીલીo

સાંકડી શેરીમાં દેરજી સામા મળ્યા રે,
મને હસ્યા-બોલ્યાની ઘણી હોંશ રે. – લીલીo

સાંકડી શેરીમાં નણદી સામા મળ્યા રે,
મને માથું ગૂંથ્યાની ઘણી હોંશ રે. – લીલીo

સાંકડી શેરીમાં વાલમ સામા મળ્યા રે,
મને મોઢું મલકાવ્યાની હોંશ રે. – લીલીo

સવારે ઊઠવાનું થાય ત્યાંથી સાંજે પથારીભેગા થવાનું થાય એ બે છેડાની વચ્ચે દિવસ જે જે વસ્તુઓ જુએ છે એ તમામ લોકગીતનું વસ્તુ બની રહે છે. જનમ-મરણ-પરણ, પ્રણય-પરિણય, રુસણાં-મનામણાં, વૈધવ્ય, ગરીબી, ખેતી, શ્રમ, યાત્રા, પ્રશસ્તિ, ઋતુચક્ર, પ્રભુભક્તિ – જીવનના બધા જ રંગ લોકગીતોમાં જોવા મળે છે.  પણ જેમ પ્રબળ પ્રવાહી લય લોકગીતનું જમા પાસું છે તેમ એકવિધતા, નિંદા કે પ્રશસ્તિનો અતિરેક અને ગીતમાં અંતરાનો અભાવ એ લોકગીતની ઉધાર બાજુ છે.

પ્રસ્તુત લોકગીતમાં આપણા કુટુંબજીવનની મધુરપ તાજગીપૂર્ણરીતે આલેખાઈ છે. નવોઢાના લાડભર્યા સાહજિક ઉદગારમાં કૌટુંબિક સ્નેહસંબંધનો ઉલ્લાસભાવ અહીં પ્રગટ્યો છે.  માથે રેશમની ઈંઢોણી મૂકી સીમથી પાણી ભરી લાવતી નવપરિણીતાને સાંકડી શેરીમાં ઘરના બધા સભ્ય વારાફરતી સામે મળે ત્યારે એના હૈયમાં ઊઠતા અલગ-અલગ પ્રેમભાવ લોકબોલીમાં અહીં આલેખાયા છે. લોકગીતની લાક્ષણિક શૈલીમાં એક જ પંક્તિના પુનરાવર્તનમાં બે-ત્રણ શબ્દની ફેરબદલીથી નવવધૂની હોંશને રમણીય અનુભૂતિ સાંપડે છે અને આપણી નજર સમક્ષ એ સમયના ગ્રામ્યજીવનનું આખું ચિત્ર તાદૃશ બને છે !

Comments (1)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૮: સૈયર મેંદી લેશું રે

મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ,
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે બેડલાં ફોડી મેલ,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે ચૂલો ખોદી મેલ,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ,
સૈયર મેંદી લેશું રે.

મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ,
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર,
સૈયર મેંદી લેશું રે.

આ ગીત અમે નાના હતા ત્યારે એટલું ગાતા, એટલું ગાતા, એટલું ગાતા… કે બસ, પૂછો ન વાત !  ખાસ કરીને અલૂણાં વ્રત વખતે હાથમાં મ્હેંદી મૂકતી વખતે… એમાંયે દરેક પંક્તિનાં છેડે ‘મેલ’ શબ્દનો ઉચ્ચાર તો અમને ખૂબ જ ગમતો.  સાસરે આવેલી સ્ત્રીનાં મનની તરંગી સ્થિતી આ લોકગીતમાં ખૂબ જ સુંદર રીતે આલેખાઈ છે.  મ્હેંદી લેવાની વાત કરતાં કરતાં ઘરમાં પોતે કરેલી મૂર્ખામીની વાત પણ એ કેટલી મજાથી અને ગર્વથી પોતાની સાહેલીને વર્ણવે છે !  🙂

Comments (9)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૭: પાણી ગ્યાં’તાં રે

પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.

ચોરે બેઠા રે બેની, મારા સસરાજી રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…

લાંબા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે… પાણી…

ડેલીએ બેઠા રે બેની, મારા જેઠજી રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…

સરડક તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે… પાણી…

મેડીએ બેઠો રે બેની, મારો પરણ્યો રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…

આછા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
રૂમઝૂમ કરતી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે.

પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.

તળાવે પાણી ભરવા ગયેલી સ્ત્રીનું જરાક જ જો બેડું નંદવાઈ તો એને ઘરમાં કોણ કોણ લોકો વઢશે એની ચિંતા થઈ જતી.  સાસરે ગયેલી દરેક સ્ત્રીનું મન ઘરમાં બધું પોતીકું લાગે એ પહેલા (અને પછી પણ) થોડેવત્તે અંશે આવું જ થોડું થોડું બીકણ બની જાય છે (કમ સે કમ શરૂ શરૂમાં 🙂 )… કે ઘરમાં મારાથી જો આ ફૂટી ગયું કે ફલાણું તૂટી ગયું કે કોકનું મન સાચવવાનું છૂટી ગયું, તો સાસુમા કે જેઠાણીજી શું કહેશે… સસરાજી કે જેઠજી કાંઈક પૂછશે તો શું જવાબ આપીશ… વગેરે જેવી અટકળોમાં અટવાયા કરે છે.  પરંતુ દિવસે બધાના મન સાચવવામાંથી ઊંચી ન આવતી સ્ત્રીને જ્યારે રાતે એનો પતિ પ્રેમથી જરાક જ જો કંઈ પૂછે ત્યારે એ પોતાનું બધું દુખ ભૂલી જાય છે.  હજી આજે પણ ઘણી જગ્યાએ સ્ત્રી માટે ઘરનું આવું વાતાવરણ જોવા મળે જ છે.  મને લાગે છે કે કદાચ આવી સ્ત્રીઓએ જ આવા લોકગીતો બનાવી કાઢ્યા હશે અને સાસરાનાં દુ:ખની વાતોને ગીતમાં ગાઈને ખંખેરી નાંખીને હળવી થઈ ગઈ હશે.  આવા લોકગીતોમાં આપણને જે તે સ્થળ અને સમયની સંસ્કૃતિ અને તેમનાં રોજિંદા જીવનની ઝલકો જોવા મળે છે. 

લોકગીતોની એક વિશેષતા એ છે કે લોકોની જીભે સહજ રીતે ચડી ગયેલાં આ લોકગીતો મોટેભાગે નારીપ્રધાન જ જોવા મળે છે.  કદાચ ખૂબ જ જૂજ લોકગીતો પુરુષપ્રધાન જોવા મળશે (મને તો જો કે કૃષ્ણગીતો સિવાય એકેય યાદ નથી આવતું!).  એનું એક કારણ- પુરુષપ્રધાન સમાજમાં લોકગીતો એ સ્ત્રીઓ માટે પોતાના મન-હૃદયની વાત કંડારવાનું અને કહેવાનું એક સુરક્ષિત સાધન હોઈ શકે… કદાચ…

Comments (4)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૬: કાનુડો માગ્યો દેને

કાનુડો માગ્યો દેને જશોદા મૈયા
                  કાનુડો માગ્યો દે.

આજની રાત અમે રંગભર રમીએ,
    પરભાતે પાછો માગી લેને જશોદા મૈયા.  …કાનુડો…

તલભાર અમે ઓછો ન કરીએ
             ત્રાજવે તોળી લેને જશોદા મૈયા.   …કાનુડો…

હાથી ઘોડા, માલખજાના
               હાર હૈયાનો લેને જશોદા મૈયા.   …કાનુડો…

કડલાં ને કાંબી અણવટ વીંછિયા
              વેઢ વાંકિયા લેને જશોદા મૈયા.   …કાનુડો…

ગોપીઓ એક રાત માટે કનૈયાને જશોદા માતા પાસેથી ‘ઊછીનો’ લેવા આવે છે. ને તે ય વળી સવારે ‘પૂરેપૂરો’ પાછો તોલીને આપવાની શરતે ! છતાંય જશોદા ન માને તો ગોપીઓની પૂરતી ‘લાંચ’ આપવાની પણ તૈયારી છે 🙂

(કડલાં, કાંબી, અણવટ, વીંછિયા, વેઢ, વાંકિયા = બધા જુદી જુદી જાતના ઘરેણા)

Comments (4)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૫: ચાંદલિયો

આસો માસો શરદ પૂનમની રાત જો, 
                       ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં.

સસરો મારો ઓલ્યા જલમનો બાપ જો, 
                       સાસુ રે ઓલ્યા જલમની માવડી.

જેઠ મારો અષાઢિલો મેઘ જો, 
                       જેઠાણી ઝબૂકે વાદળ વીજળી.

દેર મારો ચાંપલિયાનો છોડ જો,
                       દેરાણી ચાંપલિયા કેરી પાંદડી.

નણંદ મારી વાડી માયલી વેલ્ય જો, 
                       નણદોઈ મારો વાડી માયલો વાંદરો.

પરણ્યો મારો સગી નણંદનો વીર જો,
                       તાણીને બાંધે રે નવરંગ પાઘડી.

શરદ પૂનમનો ચાંદો મનમાં જે આનંદ-ભરતી લાવે છે એ આ ગીતમાં છલકાઈ છે. ગીત ભલે લોકગીત હોય કવિકર્મમાં પાછું પડતું નથી.

Comments (5)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૪: અચકો મચકો કાં રે અલી ?

તમે કિયા તે ગામનાં ગોરી રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમે નવાનગરના ગોરી રાજ
    અચકો મચકો કાં રે અલી ?

તમે કિયા તે ગામથી આવ્યા રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમે પોરબંદરથી આવ્યા રાજ
    અચકો મચકો કાં રે અલી ?

તમે કેટલી તે બેન કુંવારી રાજ
અચકો મચકો કાં રે અલી ?

     અમે સાતે બેન કુંવારી રાજ
     અચકો મચકો કાં રે અલી ?

તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમે સાતે ભાઈ કુંવારા રાજ
    અચકો મચકો કાં રે અલી ?

તમને કઈ કન્યા ગમશે રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમને શામળી કન્યા ગમશે રાજ
    અચકો મચકો કાં રે અલી ?

એ કાળીને શું કરશો રાજ
અચકો મચકો કાં રે અલી ?

    એ કાળી ને કામણગારી રાજ
    અચકો મચકો કાં રે અલી ?

અમે નવાનગરની છોરી રાજ
અચકો મચકો કાં રે અલી ?

ક્ન્યા અને વરપક્ષ વચ્ચે નોકઝોંકના આ ગીતમાં સમય આવે લોકો મનગમતી પંક્તિઓ ઉમેરીને -એને વધારે ‘રસદાર’ બનાવીને- ગાતા હોય છે.

Comments (11)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૩: મને કેર કાંટો વાગ્યો

હો મને કેર કાંટો વાગ્યો
હો રાજ રે, વાવડીમાં પાણી ભરવા ગ્યાં’તાં
                          મને કેર કાંટો…

હો રાજ રે, વડોદરાના વૈદ તેડાવો
મુને પાટડિયા બંધાવો
મારાં ઓસડિયા કરાવો
                          મને કેર કાંટો…

હો રાજ રે, ધોરાજીના ઢોલિયા મંગાવો
મહીં પાથરણા પથરાવો
આડા પડદા બંધાવો
                          મને કેર કાંટો…

હો રાજ રે, ઘરમાંથી રાંધણિયા કઢાવો
રાંધણિયે ધુમાડા થાય રે
ધુમાડે જીવ મારો જાય રે
                          મને કેર કાંટો…

હો રાજ રે, ઘરમાંથી ઘંટુલા કઢાવો
એ તો ઘમ્મર ઘમ્મર થાય રે
ઘમકારે જીવ મારો જાય રે
                          મને કેર કાંટો…

હો રાજ રે, ઘરમાંથી સાંબેલા કઢાવો
એ તો ધબ્બક ધબ્બક થાય રે
ધબકારે જીવ મારો જાય રે
                          મને કેર કાંટો…

હો રાજ રે, વાવડીમાં પાણી ભરવા ગ્યાં’તાં
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

આ લોકગીતમાં નાયિકા કાંટો વાગવાના બહાને બળજબરીથી ‘સિક લીવ’ લઈને ઘરના કામકાજમાંથી સરસ મઝાની બારી કાઢે છે. આટલા સરસ બહાના હોય તો સાસુમાના મોઢા પર પણ ચોક્કસ મલકાટ આવી જ જાય !

Comments (6)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૨: આજ રે સપનામાં મેં તો

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિઉં રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મે તો ઘમ્મર-વલોણું દીઠું જો,
દહીંદૂધના વાટકા રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મેં તો લવિંગ-લાકડી દીઠી જો,
ઢીંગલાં ને પોતિયાં રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,
સોનાની થાળી રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મે તો પારસપીપળો દીઠો જો,
તુળસીનો ક્યારો રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો,
ફૂલડિયાંની ફોરમ રે સાહેલી મારા સપનામાં રે.

ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો,
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ન્હાતાં’તાં રે.

ઘમ્મર-વલોણું ઈ તો અમારો જેઠ જો,
દહીંદૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે.

લવિંગ-લાકડી ઈ તો અમારો દેર જો,
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.

જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો,
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે.

પારસપીપળો ઈ તો અમારો ગોર જો,
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે.

ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો,
ફૂલડિયાંની ફોરમ સાહેલી મારી ચૂંદડીમાં રે.

લોકગીતની ભાષામાં કાવ્યતત્ત્વ ઓછું અને તળપદી ભાષાનો કાકુ વધુ પ્રબળ જોવા મળે છે. આ બોલચાલની ભાષા છે અને વળી એ અકૃત્રિમ છે. લાગણીની સહજ અભિવ્યક્તિ અને પ્રાદેશિક લઢણની સ્વાભાવિક્તા આમાં સાંગોપાંગ ઊતરી આવે છે. અભણ લોકો જિંદગીની પાઠશાળામાં જે ભણે એ છે લોકગીત. ક્યારેક અતિવિસ્તારના કારણે અહીં ભાવવિશ્વ પાતળું બનતું અનુભવાય છે તો ક્યારેક લોકગીત ગણીને આગળ ચાલ્યા જવામાં કાવ્યતત્ત્વ ચૂકી જવાનો ભય પણ રહેલો છે.

પ્રસ્તુત લોકગીતમાં કોડભરી કન્યાના ઢગલાબંધ અરમાન નાનાવિધ સ્વપ્નોના પ્રતીક દ્વારા વ્યક્ત થયા છે. ડોલતા ડુંગરથી શરૂ કરીને ગુલાબના ગોટા અને એની ફોરમ સુધી નવોઢાના સપનાંનો વ્યાપ વિસ્તરે છે અને પાછળથી આ સૌંદર્યદૃશ્યો સાથે સસરાથી માંડીને પતિ અને પોતાની જાત સુધીનો આકર્ષક સંબંધ જોડવામાં આવ્યો છે.

Comments (7)

Page 1 of 212