પોતપોતાની સમજ પણ હોય છે
હોય છે જ્યારે સહુનો એક મત
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(મારા જ ઘરમાં) – ચંદ્રેશ મકવાણા

શોધ મારી ચાલતી આખ્ખા નગ૨માં,
ને થયો છું કેદ હું મારા જ ઘરમાં.

એ કમળમાં બંધ ને હું પાંપણોમાં,
એટલો છે ભેદ મારા ને ભ્રમરમાં.

આખરે ખેંચી લીધી તલવા૨ મેં પણ,
ક્યાં સુધી જીવ્યા કરું ડ૨માંને ડરમાં?

સ્હેજ કંપન આવતાવેંત જ નજરમાં
એમણે મૂકી દીધો ક૨ મારા ક૨માં.

ગીરવે મૂકીને પડછાયોય અંતે,
નીકળ્યો ‘નારાજ’ વણથંભી સફરમાં.

– ચંદ્રેશ મકવાણા

સરસ મજાની ગઝલ. ભમરાવાળો શેર શિરમોર.

Comments (4)

માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

ચરણ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી

આ બધી નકલી છે આંબાવાડીઓ?
કોઈ કોયલ કેમ અહીં ગાતી નથી?

કાં રમકડું લઈ શકું કાં રોટલી,
વાત એ બાળકને સમજાતી નથી.

કાં ચરણ ફંટાય છે કાં ચાહના
કેડીઓ ક્યારેય ફંટાતી નથી.

વેંત ઊંચી વાડ છે વિખવાદની
આપણાથી એય ઠેકાતી નથી.

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

માની હાજરી એના મૃત્યુ પછી પણ ઓસરતી ન હોવાની વાત કરતો મત્લા તરત જ સ્પર્શી જાય એવો છે. વાસ્તવિક્તા સાથે સંધાન ન હોવું એ બાળક હોવાનું સુખેય ખરું અને દુઃખેય ગણી શકાય. બાળકને બધું જ જોઈતું હોય છે. ગરીબમાં ગરીબ બાળકને પણ પેલા બાળકને મળે છે એ મને કેમ નથી મળતું એ સહજ સમજાતું નથી. છેલ્લા બે શેર તો શિરમોર થયા છે.

Comments (8)

કોરડા વીંઝે છે સૂરજ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

દાગ દેખાતા હતા દૂરથી દિવસના ગાલ પર,
એટલે હસતો રહ્યો અંધાર એના હાલ પર.

આપણે એથી જ એકે યુદ્ધ ના જીતી શક્યા,
કેમ કે આધાર રાખ્યો આપણે બસ ઢાલ પર.

લહેરખીની આંખમાં લુચ્ચાઈ ફૂટતી જોઈને,
પંખીએ મૂકી દીધો માળો અધૂરો કાલ પર.

નાવનો તો આમ જો કે ખાસ કંઈ વાંધો નથી,
પણ ભરોસો ના જ કરતો તું નદીની ચાલ પર.

આજ કરફ્યુગ્રસ્ત હો આખ્ખું નગર તો ના નહીં,
કોરડા વીંઝે છે સૂરજ જો હવાની ખાલ પર.

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

યુદ્ધ જીતવાની ઇચ્છા હોય તો માત્ર બચાવપદ્ધતિ નહીં ચાલે, આક્રમક વલૈયો પણ અનિવાર્ય છે. આમ તો બધા જ શેર સરસ થયા છે પણ છેલ્લો શેર વાંચીએ તો કોરોનાના અતિક્રમણના કારણે સર્જાયેલ કર્ફ્યૂ જેવી પરિસ્થિતિ ચાક્ષુષ થયા વિના રહેતી નથી.

Comments (13)

સમજાવી દઉ હું યે સાનમાં – ચંદ્રેશ મકવાણા

સમજી સમજીને તમે સમજી શકો તો પછી સમજાવી દઉ હું યે સાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી
ભમરા ડંખે એ વાત જુદી,
ઝરણાનાં લીલાછમ્મ જળને મુકીને કોઈ
રણને ઝંખે એ વાત જુદી,

જરા ઓરા આવો તો એક લાખેણી વાત જરા કહી દઉ હું ધીમેથી કાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

સાગરમાં તરવાનો શોખ કદી જાગે
તો ડૂબવાની તૈયારી રાખવી
પ્રેમમાં પડ્યાનો કદી અવસર આવે તો
પ્રીત સહિયારી સહિયારી રાખવી

વાત એ પણ લખાઈ છે સીધીને સાફ વેદ, ગીતા કે બાઇબલ, કુરાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

– ચંદ્રેશ મકવાણા

 

‘ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી ભમરા ડંખે એ વાત જુદી…..’ શું મુદ્દાની વાત કરી છે !! તે પણ વળી કેવી નજાકતથી !!!

Comments (3)

ફૂલોના ગાલમાં ખંજન – ચન્દ્રેશ મકવાણા ‘નારાજ’

રાચી નથી રહ્યું ને ઝાકળ એ ખ્યાલમાં?
સૂરજ ન મોકલાવે તડકો ટપાલમાં.

ભમરાએ કાનમાં જઈ એવું તે શું કહ્યું?
ખંજન પડી રહ્યાં છે ફૂલોના ગાલમાં.

નીકળી છે પાયમાલી બાંધીને બિસ્તરા
સીધી અહીં જ આવશે એ આજકાલમાં.

પીડા મટીને પીડા અવસર બની ગઈ,
એવું તે શું ભેળવ્યું’તું એણે વહાલમાં?

દાટી દીધી ઉદાસી ઓઢીને કામળો
બાળી દીધાં ફટાફટ ડૂસકાં મશાલમાં.

– ચન્દ્રેશ મકવાણા ‘નારાજ’

કેવી મજાની સ્વયંસિદ્ધા ગઝલ!

Comments (6)

શ્વાસ નામે પાંદડાં – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ નામે પાંદડાં ખરતાં રહ્યાં
હા, ક્ષણેક્ષણ આપણે મરતા રહ્યા

જીવવા જેવું કશુયે ક્યાં હતું
જિંદગી લાદી ખભે ફરતા રહ્યા

આંખમાં અવઢવ રહ્યો આઠે પ્રહર
પાંપણોમાં પ્રેત તરવરતાં રહ્યાં

આયખાના સાવ કાણા પાત્રમાં
આંધળું હોવાપણું ભરતા રહ્યા

ક્યાં હતી ઠંડી… હવા પણ ક્યાં હતી..?
એ છતાં ‘નારાજ’ થરથરતા રહ્યા….

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

કવિતાની ખરી મજા જ એ છે કે જે વાત આપણે વર્ષોથી જાણતાં જ હોઈએ એ જ વાત અલગ રીતે રજૂ કરવામાં આવે તો મોં અને દિલમાંથી એકીસાથે આહ અને વાહ – બંને નીકળી આવે… સફરજન તો વૃક્ષનો જન્મ થયો ત્યારથી જ નીચે પડતા હતા પણ ન્યૂટને એની પાછળનો નિયમ રજૂ કર્યો અને દુનિયાની શિકલ બદલાઈ ગઈ. આપણે બધા જ જાણીએ છીએ કે દરેક શ્વાસ આપણને અફર મૃત્યુ તરફ લઈ જાય છે પણ આ જ વાત જ્યારે ચંદ્રેશ મકવાણા આ ગઝલના મત્લામાં લઈને આવે છે ત્યારે મરવું પણ મીઠું લાગી આવે, નહીં?! મત્લાના શેરનું સહજ સૌંદર્ય એટલું બધું અદભુત છે કે વિવેચનાનો નાનો અમથો સ્પર્શ પણ પતંગિયાની પાંખ હાથમાં લઈએ ને રંગ ઊતરી જાય એમ આ સૌંદર્યમાં ડાઘ લગાડવા બરાબર છે એટલે એને એમ જ માણીએ.

આખી ગઝલ મૃત્યુનો સંસ્પર્શ લઈને આવી છે અને બધા જ શેર નિતાંત આસ્વાદ્ય થયા છે.

Comments (8)

કાયમી અંધારાનું ગીત – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

જેનાં એકે એક ખૂણામાં નિશ્વાસોની ગન્ધ ભળી છે
યુગો યુગોથી એ જ કોટડી તને મળી છે મને મળી છે

તારી આંખોમાં સળવળતા..
સૂનકારના એરુ
મારા ખાલીપાનું પહોચે..
ક્યાંનું ક્યાય પગેરું
(જ્યાં)પાંપણ સાથે સપનાં..સપનાં સાથે ભડ ભડ રાત બળી છે
યુગો યુગોથી એ જ કોટડી તને મળી છે મને મળી છે

હાલ અને હમણાં કરતાં
વરસોનાં વાણાં વાયાં
ગયાં સુકાઈ ઝાડ ધીરજનાં
છેટા થઇ ગ્યા છાંયા
તો પણ સાલ્લી સમ ખાવા પણ એકે ઇચ્છાં કદી ફળી છે ?
યુગો યુગોથી એ જ કોટડી તને મળી છે મને મળી છે

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

કોઈ પણ પૂર્વભૂમિકા વિના લોહીના લયમાં અનુભવી શકાય એવું ભારઝલ્લું ગીત…

Comments (5)

ગઝલ – ચંદ્રેશ મકવાણા

અઘરું છે ખૂબ જીવવું અન્યોથી ડરતાં ડરતાં
સમજી શીખી રહ્યો છું અન્યોને માફ કરતાં

ફંફોસવા પડે છે અઢળક અજાણ ખૂણા
તકલીફ તો પડે ને પરપિંડમાં ઉતરતાં

ઊડવાની બાધા લૈને બેઠું પતંગિયું તો
જોવા છે એને વટથી ફૂલોને હરતાં ફરતાં

મારા વિના બિચારા આ સૂર્યનું થશે શું
બસ એટલું કહેલું તડકાએ મરતા મરતા

ફેંકી દીધું ને અંતે દરિયે દગો કરીને !
બોલ્યું રડીને મોજું પથ્થરને બાથ ભરતા

આ પાનખર ભલે ને તૂટીને થાય ત્રણ પણ
એનાથી મૂળસોતા વૃક્ષો નથી જ ખરતાં

– ચંદ્રેશ મકવાણા

મજાની ગઝલ… તૂટીને ત્રણ થવાની અભિવ્યક્તિ મને ન સમજાઈ… કોઈ મદદ કરશે ?

Comments (9)

(મારી અંદર) -ચંદ્રેશ મકવાણા

શ્રધ્ધા શંકાનો સરવાળો મારી અંદર,
સદીઓથી છે આ ગોટાળો મારી અંદર.

એક જ સાથે ઉછરે યુગયુગાંતરોથી,
બાગ અને પંખીનો માળો મારી અંદર.

સમય અને સંજોગ પ્રમાણે દેખા દે છે,
લાલ પીળો ધોળો ને કાળો મારી અંદર.

લીન હોઉ મારામાં ને કોઇ કરે સળી તો,
તરત જ જન્મે અઢળક ગાળો મારી અંદર.

એક તરફ છે રણની રેતીના ઢૂવા ને,
બીજી તરફ છે સરવર પાળો મારી અંદર.

ક્યાંક પડ્યું છે ‘ઠારો ઠારો, કેવળ ઠારો’,
ક્યાંક છે કેવળ ‘બાળો બાળો’ મારી અંદર.

-ચંદ્રેશ મકવાણા

શ્રધ્ધા અને શંકાના સરવાળા-ગોટાળાવાળી વાત ખૂબ જ સ્પર્શી ગઈ… જો કે આખી ગઝલનો શિરમોર એવો આખરી શેર જરા વધુ ગમી ગયો.

Comments (8)

ગઝલ -ચંદ્રેશ મકવાણા

આમ અંદર આમ ખુદની બહાર છું,
આમ ખાલી આમ અનરાધાર છું.

હારનારાની દશા જોયા પછી,
રોમ રોમે કંપતું હથિયાર છું.

જીતવાનો પ્રશ્ન ક્યાં ઉઠે જ છે,
હું સ્વઇચ્છાએ થયેલી હાર છું.

કેદ છે મારામાં લાખ્ખો લાગણી,
દોસ્ત, હું પણ એક કારાગાર છું.

આમ છું હું એક અફવા માત્ર ને
આમ હું આખ્ખા જગતનો સાર છું.

-ચંદ્રેશ મકવાણા

આજે જ આ ગઝલ ફેસબુક પર કવિશ્રીનાં સ્ટેટસમાં વાંચી અને ખૂબ્બ જ ગમી ગઈ, અને થયું કે ગમતાનો ગુલાલ અહીં આજે જ કરી દઉં…

Comments (4)

ગઝલ – ચંદ્રેશ મકવાણા

કોણ કહેશે કે વમળ હોતા નથી
આપણા ચક્ષુ ચપળ હોતા નથી

ક્યાંકથી ઓછી પડે છે સાધના
ક્યાંક સંજોગો સરળ હોતા નથી

આદમી તો સાવ સાચ્ચો હોય છે
…ફક્ત પુરાવા સબળ હોતા નથી

આયનો પણ આભનો પર્યાય છે
આયનાના ક્યાંય તળ હોતા નથી

આંખમાં આંજ્યા પછી નારાજગી
લૂછવા માટેય જળ હોતા નથી

– ચંદ્રેશ મકવાણા

મનુષ્યમાત્રની મર્યાદા આલેખતી મજાની ગઝલ…

Comments (17)

વૃક્ષ નથી વૈરાગી – ચંદ્રેશ મકવાણા

Chandresh Makwana_Vruksh nathi vairagi

(લયસ્તરો માટે ચંદ્રેશ મકવાણાના પોતાના હસ્તાક્ષરમાં એમનું મનગમતું ગીત)

વૃક્ષ નથી વૈરાગી,
એણે એની એક સળી પણ ઈચ્છાથી ક્યાં ત્યાગી ?
વૃક્ષ નથી વૈરાગી.

જેમ ખૂટ્યાં પાણી સરવરથી
જેમ સૂકાયાં ઝરણાં,
જેમ ભભકતી લૂ લાગ્યાથી
બળ્યાં સુંવાળાં તરણાં

એમ બરોબર એમ જ એને ઠેસ સમયની લાગી
વૃક્ષ નથી વૈરાગી

તડકા-છાંયા-અંદર હો
કે બ્હાર બધુંયે સરખું
શાને કાજે શોક કરું હું ?
શાને કાજે હરખું ?

મોસમની છે માયા સઘળી જોયું તળ લગ તાગી
વૃક્ષ નથી વૈરાગી

-ચંદ્રેશ મકવાણા

વૃક્ષના ત્યાગ અને સમર્પણની વાત કોઈ કરે તો લાગે કે કદાચ હજારમી વાર આ વાત સાંભળીએ છીએ પણ વૃક્ષ વૈરાગી નથી, સંત નથી એવી વાત કોઈ કરે તો બે ઘડી આંચકો લાગે કે નહીં ? જિંદગીની કલ્પી ન શકાય એવી તડકી-છાંયડી નિહાળીને આપબળે ઊભા થયેલા ચંદ્રેશ મકવાણા અમદાવાદમાં હાલ શિક્ષક તરીકે સેવા બજાવે છે. વૃક્ષને સંત તરીકે જોવાની આપણી દૃષ્ટિનો છેદ ઊડાડી કવિ આખા ઘટનાચક્રને સમયની બલિહારી ગણાવે છે. કદાચ આપણી વચ્ચે સંત થઈને જીવતા કેટલાક લોકોની આ વાત છે જેઓ સમયના કે સંજોગોના માર્યા વૈરાગી બને છે…

Comments (15)

ગઝલ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

ટૂંકી  ટચરક   વાત,   કબીરા,
લાંબી  પડશે  રાત,   કબીરા.

અવસર કેવળ એક જ દિ’નો,
વચ્ચે મહિના  સાત,  કબીરા.

ખુલ્લમખુલ્લી પીઠ  મળી છે,
મારે  તેની    લાત,  કબીરા.

કાપડ  છો  ને   કાણી  પૈનું,
પાડો મોંઘી   ભાત,  કબીરા.

જીવ  હજીએ  ઝભ્ભામાં  છે,
ફાટી ગઈ છે  જાત,  કબીરા.

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

ગયા અઠવાડિયે હૂબહૂ આજ છંદ અને આજ રદીફ સાથે લખેલી કબીરા ગઝલ આપણે માણી. ગઝલની મજા જ એ છે કે એક જ છંદ અને એક જ રદીફ વાપરીને ઢગલાબંધ લોકો લખે તો પણ ભાતીગળ અર્થચ્છાયાઓ નીપજાવવામાં એ સફળ રહે છે. યુવાકવિ ચંદ્રેશની આ ગઝલ પણ પોતીકો અવાજ ધરાવે છે.

છંદની પસંદગી ઘણીવાર પ્રયત્નપૂર્વક કરાતી હોય છે તો ક્યારેક અનાયાસ પણ થઈ જતી હોય છે, પણ બંને પરિસ્થિતિમાં જો એ ગઝલને ઉપકારક નીવડે તો જ મજા છે. ‘ગાગાગાગા’ના બે આવર્તનવાળો ટૂંકી બહેરનો છંદ પોતાની એક અલગ જ મૌસિકી ધરાવે છે જે અહીં ગઝલના ઉપાડ અને નિર્વાહ – બંનેમાં મદદરૂપ થઈ પડે છે. પહેલો જ શેર જોઈએ. ટૂંકી વાતનું લાઘવ અહીં કવિને અભિપ્રેત છે. આપણે ‘ટૂંકુટચ’ બોલીએ ત્યારે એકદમ ટૂંકું હોવાની અભિવ્યક્તિ કરીએ છીએ. કવિ ‘ટચ’ના ટુકડાને અલગ પાડીને સાવ નવો જ ‘ટચરક’ શબ્દ પ્રયોજે છે. શબ્દકોશમાં જોયા વિના આ નવ્યતર શબ્દ આપણને સમજાઈ જાય છે એ કવિનું સફળ કવિકર્મ. વાત મત્ર ટૂંકી નથી, ટૂંકાને ય લાંબું કહેવડાવે એવી સાવ જ ટૂંકી ટચરક છે અને આ વાતના લાઘવનું વહન કરવા માટે ટૂંકી બહેરનો અને ગાગાગાગાના બે આવર્તનવાળો જે ગેય છંદ અહીં પ્રયોજાયો છે તે સાર્થક સાબિત થાય છે અને કવિની વાતને પુષ્ટિ આપતો હોય એમ મિસરો શરૂ થાય ત્યાં જ પૂરો થઈ જતાં ભાવકને વાતનું ટૂંકાપણું નિમિષમાત્રમાં સ્પર્શી જાય છે. પણ શેરમાં જે કવિતા છે એ બીજા મિસરામાં ઊઘડે છે. વાત તો સાવ ટૂંકામાંય ટૂંકી છે, પણ આપણે લાં…બી રાત પાડી દઈશું અને કદાચ તોય એનો અંત નહીં જ આવે… આપણા સ્વભાવની વિસંગતતા અહીં સુપેરે ખુલ્લી પડે છે.

ગઝલના બીજા શેર પણ આમ જ એક પછી એક ઊઘાડી જોવા જેવા થયા છે…

Comments (26)