ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પિછાન હતી, કોણ માનશે?
‘શૂન્ય’ પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કિશોર શાહ

કિશોર શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(-) – કિશોર શાહ

મેં છત્રીને પૂછ્યું
‘તારી નિયતિ શું?’
મલકાઈને એ બોલી
‘ખૂલવું-બંધ થવું
પલળવું-સુકાવું
અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું.’
મેં પૂછ્યું :
તને સંતોષ છે?
એણે કહ્યું ‘હા’
મેં પૂછ્યું : ‘કેમ?’
એણે શરમાતાં શરમાતાં કહ્યું –
‘આકાશને ઝીલવાનો રોમાંચ
તમે પુરુષો ક્યારેય નહીં સમજી શકો.’

– કિશોર શાહ

છત્રીના રૂપક વડે આખા સ્ત્રીજગતના અંતરંગ મનોભાવોનું અદભુત આકલન આપણને એક પુરુષ કવિ પાસેથી મળે છે.

Comments (11)

ત્યાં – સોદો (અનુ.કિશોર શાહ)

મારી દસ ફૂટની વાંસની ઝૂંપડીમાં
આ વસંત,
ત્યાં કશુંયે નથી;
ત્યાં બધું જ છે.

– સોદો
(અનુ. કિશોર શાહ)

આ ઝેન કવિતા સંતોષની કવિતા છે. જે છે એને જીવી જાણો તો જે નથી એની પાછળ દોડવાની જરૂર જ નથી. મન સંતોષી હોય તો એવું દુનિયામાં કશું નથી જે પોતાના ઘરમાં ન મળી આવે.

Comments (4)

(કશુંક) – કિશોર શાહ

ધખધખતા રણમાં
એક અજાણ્યા કૂવામાંથી
હું તળિયા વગરની ડોલ વડે
કશુંક સીંચું છું
અને પછી
હવાથી મોઢું ધોઈને
આગળ આગળ જાઉં છું.

– કિશોર શાહ

મોઢું શેનાથી ધોયું એ કવિ કહે છે – હવાથી. પણ શું સીંચ્યું એ કવિ કહેતા નથી. તળિયા વગરની ડોલમાં શું હોય ? એનો જવાબ આપણને બધાને ખબર છે. તોય કવિ કહેતા નથી કે શું સીંચ્યું. આખી ઘટના એબ્સર્ડ છે. છતા કવિ એનું વર્ણન કરે છે. પણ આખી ઘટનામાં મુખ્ય વાતનો એટલે કે ‘પાણી’નો ઉલ્લેખ કવિ કરતા નથી.

તો પછી આ કવિતા કહે છે શું ?

આ આશા, શક્યતા અને વિશ્વાસની વાત છે. માણસ આ આખી ઘટનામાંથી પાણીની બાદબાકી કરીને એની જગ્યાએ આશા, શક્યતા અને વિશ્વાસ ભરી દે તો  ? – શક્ય છે કે  આટલી ક્રિયા માત્રથી પણ માણસને આગળ વધવાની હિંમત મળી જાય. શક્ય છે કે માણસની આટલી હિંમત જોઈને રણને પણ પસીનો પડી જાય 🙂

Comments (7)

બોગદા – મણિલાલ ગાલા [ કચ્છી કાવ્ય ] – અનુ.-કિશોર શાહ

ધીરેધીરે હું નીકળું છું
એ બળબળતા બોગદામાંથી

અને જાઉં છું ફરી
બીજા લાંબા બોગદામાં
જેમાં અંધારાનો ઠંડો, કાળો છાંયડો હોય છે

મનને ચગદતા મારા પગ તો ચાલવાના છે
અને તે માટે રસ્તાઓના આભાસ ઊભા કરું છું
[એમ કહેવા કે પગ ફરતા રહેશે તો
બોગદા પણ આવતાં રહેશે?]

લાંબુ બોગદું વટાવીને
તેમાંથી નીકળતા બીજા બોગદામાં જવાની ઉતાવળમાં
હું બેસી જાઉં છું
અને મારા પગ નીકળી ચાલ્યા ગયા છે
બચેલી બધી ઇન્દ્રિયોના બળથી
બોગદાને કચડવાના કામમાં
આખો તણાય છે તે કોણ છે ?

મડદલનો બચેલો જીવ શોષવા
પહોંચી આવનાર ચાર ગીધવાળો મુકામ પસાર કરતાં,
ત્યાં ગબડી પડું છું જ્યાં જવાનું ફરમાન નથી.

જે ચીજ શોધવા
હું નીકળ્યો છું
એને જોઇને ત્યાં જ છોડી દઈશ અને
ઝબકતા ભડકાના
અંબારમાં આખો ખૂંપી જઈશ.

 

આખી વાત અતુપ્ત ઈચ્છાઓ-તૃષ્ણાની છે. માનવ એવા ભ્રામક ખ્યાલ સાથે જીવતો હોય છે કે આ એક ઈચ્છા પૂરી થાય પછી નિરાંત….આમ એક પછી એક ‘બોગદા’ માં તે ફસાતો રહે છે. છેવટે મૃત્યુ મ્હોં ફાડીને ઊભેલું ભાળે છે,ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. મહિમા આ ક્ષણને મનભરીને જીવવાનો છે-માણવાનો છે…..

Comments (5)

ઝેન કાવ્યો – અનુ. કિશોર શાહ

ખરેલું પાન
ડાળે પાછું ફર્યું ?
પતંગિયું

– અનામી

*

છિદ્રો વિનાની વાંસળી
વગાડવી ખૂબ મુશ્કેલ છે.

– અનામી

*

કશુંય ન હોવાપણાની ભાષાને
બટકાં ભરવાથી ચેતજો :
તમારા દાંત ભાંગી જશે.
એને આખેઆખી ગળી જાઓ…

– મિત્સુહિરો

આજે મારા ગમતા ત્રણ ઝેન-કાવ્યો. પહેલું આશ્ચર્યની અનુભતિનું કાવ્ય છે. બીજું અનુભવનો નિચોડ. છેલ્લું ચેતનાના રસ્તા પરની આવશ્યક શિખામણ.

Comments (5)

ઝેન કવિતા – અનામી (અનુ. કિશોર શાહ)

ચૂપ બેઠા રહેવું
કશું ન કરવું
વસંત આવે
અને ઘાસ ઊગે આપમેળે.

– અનામી (અનુ. કિશોર શાહ)

બધા ધર્મ ચેતના માટે ભારે તપ અને ત્યાગનો મહિમા કરે છે. જ્યારે ઝેન વિચારધારામાં સાક્ષાત્કાર માટે બને તેટલું ઓછું કરવાનો મહિમા છે. મનમાં કશું સત્વશીલ ઊગે એ પહેલા બે વાત થવી જોઈએ 1) ચૂપ બેસવું અને 2) કશું ન કરવું. વિચાર કરશો તો ખ્યાલ આવશે કે આ તો ઘ્યાનની વ્યાખ્યા થઈ.

આ નાનકડા કાવ્યમાં આખી ઝેન વિચારધારાનો નીચોડ સમાયો છે.

Comments (6)

ઝેન મુક્તક – અનુ. કિશોર શાહ

તળિયા વિનાની વાંસની છાબડીમાં
હું શ્વેત ચંદ્ર મૂકું છું;
અ-મનના પાત્રમાં
હું વિમળ લહેરખી સંચિત કરું છું.

અનુ. કિશોર શાહ

કિશોર શાહે ઓશોના અંગ્રેજી પુસ્તક Signatures on Waterનો ગુજરાતી અનુવાદ ‘જળ પર હસ્તાક્ષર’ નામે કરેલો છે. આ પુસ્તક મૂળ જાપાનીઝ ભાષામાં લખાયેલ ઝેન કાવ્યવારસાને ગુજરાતીમાં માણવાની અનોખી તક છે. ઝેનમાં અનુભૂતિ પ્રધાન છે. એક અંત:સ્ફૂરણાથી આખુ જીવન બદલાઈ શકે છે એ ઝેનની મૂળમાન્યતા છે. સહજને માણવાની, માનવાની અને ઊજવવાની ઝેનમાર્ગમાં પરંપરા છે. ઝેન કવિ-ગુરુઓએ આ નાના નાના સ્ફટિકવત કાવ્યોમાં જગતને નવી દ્રષ્ટિથી જોવાનો કીમિયો છૂપાવેલો છે. જે કાંઈ સમજવા જેવુ છે તે આપણી અંદર જ છે અને દરેક કાવ્ય ખરેખર તો અ-મનમાં પ્રગટેલુ વલય માત્ર છે.

Comments (4)

તેઓ – અશોક વાજપેયી

તેઓ એક પીંજરું લાવશે
અદૃશ્ય
પણ તેને છોડીને પછીથી
ઊડી નહીં શકાય.

તેઓ વચન આપશે આકાશનું
તેઓ ઉલ્લેખ કરશે તેની
અસીમ ભૂરાશનો
પણ તેઓ લાવશે પીંજરું.

પછી તેઓ હળવેથી સમજાવશે
કે આકાશમાં જતાં પહેલાં
પીંજરાનો અભ્યાસ જરૂરી છે.

પછી તેઓ કહેશે કે આકાશમાં ખૂબ જોખમ છે
કે ક્યાંય નથી આકાશ
કે આકાશ પણ અંતે તો પીંજરું છે.

પછી તેઓ પીંજરામાં
તમને છોડીને
આકાશમાં
અદૃશ્ય થઈ જશે.

– અશોક વાજપેયી
(અનુ. કિશોર શાહ)

તમને દુનિયાદારીની રીત સમજાવનાર બધા અંદરથી દુનિયાદાર હોય છે ખાસ જાણવું. એમની કહેલી વાતોનું તો ये हकीकत ही हकीकत में फसाना ही न हो જેવું હોય છે. કોઈક વાર સ્વપ્ન જેમની સાથે મળીને જોઈએ એમનું ધ્યાન અંદરખાને બીજે જ હોય એવું પણ હોય છે. દરેક માણસે પોતાના આકાશ (અને પીંજરા) ની શોધ પોતે જ કરવાની હોય છે.

Comments (4)

સત્ય – કનૈયાલાલ સેઠિયા

રસ્તો
પગનો
શિષ્ય છે.

જેઓ
ગણે છે
એને ગુરુ
એમને

નથી
મળતો
મુકામ !

– કનૈયાલાલ સેઠિયા
(અનુ. કિશોર શાહ)

તેર શબ્દોમાં તો કવિએ આખી જીંદગી ચાલે એટલું ભાથું ભરી દીધું છે ! એક રીતે જુવો તો આ કવિતાનો બૃહત અર્થ રોબર્ટ ફ્રોસ્ટની વિખ્યાત કવિતા The Road Not Taken ને મળતો આવે છે. એ કાવ્ય પણ જોવાનું ચૂકશો નહીં.

Comments (4)

હવે – કિશોર શાહ

મેં એની પાસે
ગોવર્ધન જેટલું સુખ
અને
ટચલી આંગળી જેટલું દુ:ખ માંગ્યું.
મારા કહેવામાં
કે
એના સમજવામાં
કદાચ ભૂલ થઈ હોય
મેં કહ્યું તેનાથી અવળું જ થયું
હવે
હું નથી ભાર ઉપાડી શકતો
કે
નથી આંગળી કાપી શકતો.

– કિશોર શાહ

Comments (5)