છે કેવળ ભ્રમ તમારા નામની પાછળના લટકણિયાં,
હકીકતમાં, મૂષકજી ! પૂંછ સાતેસાત ખોટી છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for January, 2019

મુક્ત કર – દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

જીતમાંથી, હારમાંથી મુક્ત કર,
ઘટ્ટ ઘન અંધારમાંથી મુક્ત કર.

કામ લાયક હોઉં નહિ હું સ્હેજ પણ,
તો હવે સંસારમાંથી મુક્ત કર.

આપ ગમતીલો કોઈ આકાર તું,
યા બધા આકારમાંથી મુક્ત કર.

ભાર આપી દે હિમાલય જેવડો,
પણ મને આ-ભારમાંથી મુક્ત કર.

છીનવી લેવી જો ફોરમ હોય તો,
ફૂલના અવતારમાંથી મુક્ત કર.

– દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

જીવનભર આપણે દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ રીતે જીતવા માટે મથતાં રહીએ છીએ. હાર ન સહી શકવાની પીડા અને જીતવા માટેનું ઝનૂન આપણામાંથી મોટાભાગનાંઓપ માટે જીવનપિયૂષ બની રહે છે. પણ કવયિત્રી ગઝલના મત્લામાં બહુ અદભુત વાત કરે છે… એ ન માત્ર હારમાંથી, જીતમાંથી પણ મુક્તિ પ્રાર્થે છે. જીત અને હારની પળોજણમાંથી મુક્ત થઈ જવાય એ ઘડી ઘટ્ટ ઘન અંધકારમાંથી આઝાદ થઈ શાશ્વત પ્રકાશ પામવાની ઘડી છે. કેવી અદભુત આરત!

Comments (6)

‘ચી…’ – અનિલ ચાવડા

સાવ ઓરડે એકલવાયો છબી મૌનની દોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું

મને થયું કે લાવ હવાના
કાગળ પર કંઈ ચીતરું
ધોયેલા કપડા નીતરે છે
એ રીતે હું નીતરું
માંડ મૌનના ગુલમ્હોરોમાં થ્યો’તો મ્હોરું મ્હોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું

એક પડ્યું ટીપું ત્યાં
આખો દરિયો કાં ડહોળાય?
સમજી સમજી થાક્યો તોયે
કશું જ ના સમજાય
અણસમજણની શગને હું શંકોરું ના શકોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું

– અનિલ ચાવડા

Comments (1)

….તું ભરતી ને હું ઓટ – મુકેશ જોશી

તું ભરતી ને હું ઓટ
મને ગમે ભીતર વળવું તું બહાર મુકે છે દોટ

આલિંગનનો લઇ હરખ તું ઠેઠ કિનારે જાય
મારી બુમે લહેરો પાછી ઘરમાં આવી ન્હાય
તું ઉછળે તો લાગે જાણે ઊર્મિનો વરઘોડો
મારે કારણ ઉદાસીઓને મળે આશરો થોડો
જળના ઘરમાં રહીએ ક્યાં છે ઝળઝળિયાંની ખોટ .. તું ભરતી ને હું ઓટ

શીત ચાંદની નર્તન કરતી કેવળ તારા રાગે
મારે કારણ દરિયા જેવો દરિયો માંદો લાગે
તારી પાસે જોશ જવાની જાદુ જલસા મંતર
મારી પાસે જોવા જેવું કેવળ મારું અંતર
મારે મંદી તારા ભાયગમાં પણ કાળી ચોટ ….તું ભરતી ને હું ઓટ

-મુકેશ જોશી

સિદ્ધહસ્ત કવિ…..બહુ ઓછા કવિ ગીતના ક્ષેત્રે આટલું અદભૂત ખેડાણ કરે છે આજે…..

Comments (3)

(હોડી છે) – હર્ષા દવે

મૃગતૃષ્ણા ધરાર દોડી છે!
ઝાંઝવાંની દશા કફોડી છે!

ફૂલ પાસે રૂઆબ ઝાકળનો,
સૂર્યના હાથમાં હથોડી છે!

સામસામે કિનારે હું ને તું,
આંખ દરિયો ને સ્વપ્ન હોડી છે!

ઓગળે દેહ ના અમસ્તો કંઈ,
શ્વાસ નક્કી અગનપિછોડી છે!

મોતને આપવા જીવન પાસે,
જાતની એક ફુટલી કોડી છે!

– હર્ષા દવે

સાદ્યંત સુંદર રચના….

Comments (5)

મોસમ આવી છે સવા લાખની – ઉષા ઉપાધ્યાય

મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…

વાદળ વરસે ને કહે
ઘરમાં તું કેમ છે?
વાયરો વહે ને કહે
ઉડવું હેમખેમ છે?
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…

ભીડેલાં બારણાંની
કેવી આ ભીંસ છે!,
ટહુકામાં ઓગળતી
મૂંગી આ રીસ છે,
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…

– ઉષા ઉપાધ્યાય

ગીતનું મુખડું વાંચતાં જ ‘તેરી દો ટકિયા કી નૌકરી મેં મેરા લાખોં કા સાવન જાય રે’ કહી મનોજકુમારને લોભાવતી ઝિન્નત અમાન નજર સામે આવી જાય.આ મુખડું પણ કંઈક એવી જ વાત કરતું હોવા છતાં એટલું બળકટ બન્યું છે કે સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય… પરંપરાગત ગીતોમાં જોવા મળતી ક્રોસલાઇન અહીં હાજર ન હોવા છતાં સાવ ટૂંકુ ને ટચરક આ ગીત આપણને સરાબોળ ભીંજવી જાય એવું છે….

Comments (2)

(લુચ્ચાઈ ન હો) – મેહુલ પટેલ ‘ઈશ’

શાયરીમાં કોઈ સચ્ચાઈ ન હો,
મારા હાથે એવી લુચ્ચાઈ ન હો.

મારા કાવ્યો માત્ર મારાં હો, પ્રભુ!
ભૂલથી પણ કોઈની પરછાઈ ન હો.

જા, તને આપું છું એવી બદદુઆ-
મંદિરે પહોંચે અને સાંઈ ન હો.

એમ મમળાવું છું મારી ગઝલોને,
જાણે મનહરભાઈએ ગાઈ ન હો!

-મેહુલ પટેલ ‘ઈશ’

સરળ ભાષા પણ વાત કેવી મજાની! આટલી પ્રામાણિકતા હોય તો જ સાચી કવિતા વરમાળા પહેરાવે…

Comments (2)

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે – રમેશ પારેખ

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે સૂર્ય સાંખી લેશે મારું ઊગવું
શીશ હું ઉંચકીશ તો આકાશ
બેઅદબી કે ગુનો નહીં ગણે….

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે હું ઝૂલું તો ઝૂલવા દેશે પવન-
ડારા નહીં દ્યે,
બોજ મારી મ્હેકનો તો
સ્હેજ પણ એને નહીં લાગે.

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે પછી હું થાકું ને ટપ દઈને ખરું
તો ધૂળ
એની વ્હાલસોયી ગોદમાં
ક્યારે ય ખરવાની મનાઈ નહીં કરે….

-રમેશ પારેખ

ફૂલ……બાળક……

Comments (3)

અથનું ઈતિ – ઈશ્વરચંદ્ર ભટ્ટ

(શિખરિણી)

પ્રિયે લગ્ને કીધો કર ગ્રહણ મેં કંકણ સજ્યો,
મળી દૃષ્ટોદૃષ્ટે અતળ ઉરમાં સ્પંદન ભળ્યું.
કુંવારો ને તાજો પરશ નરવો હૂંફ ભરતો,
ટળી મુગ્ધાવસ્થા મદનસરમાં મગ્ન સઘળું.

ભળી ગૈ આનંદે શ્વસુરગૃહમાં સ્વસ્થ મનથી
ન માગ્યા કે પામી વિભવ જગનાં, રંક ઘરમાં-
સ્વીકાર્યો સેવાનો વિકટ અવળો પંથ જગમાં.
નદીમાં ઉગેલી, સમદર જળે સ્વાસ ભરતી,

વસી સૌના હૈયે સરળ મનથી વર્તન કરી,
હજી તારી યાદી મનમહકતી સદગત પ્રિયે!
સ્મિતે આંજ્યાં તેણે પતિગૃહ વસી, હસ્ત ગ્રહતી,
ચઢી સ્વામીસ્કંધે, નિમીલિત દૃગે ગૈ તું નિસરી.

ચિતાભસ્મે પેખી અવનવી કશી ચીજ ગરવી,
સ્મશાનાગ્નિ સૌમ્યે ભસમ ન કર્યાં કંકણ સખી.

-ઈશ્વરચંદ્ર ભટ્ટ

એકાધિક કાવ્યસંગ્રહો, નિબંધો, પ્રવાસપત્રો, એકાંકી, ત્રિઅંકી જેવા એક ડઝનથીય વધુ પુસ્તકો આપનાર વલસાડના સર્જક શ્રી ઈશ્વરચંદ્ર ભટ્ટના નામથી આપણે લગભગ અપરિચિત છીએ. ‘સુદામો ૫૧મો’ જેવું અટપટું ઉપનામ ધરાવનાર આ કવિના સૉનેટસંગ્રહ ‘મધુસ્યંદ’ (૧૯૯૨), જેની પ્રસ્તાવના મકરંદ દવે અને ઉશનસ્ જેવા સમર્થ કવિઓએ એ લખી છે તથા કે. કા. શાસ્ત્રી, રાજેન્દ્ર શાહ, જયન્ત પાઠક અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા સાક્ષરોએ જેના વિશે અભિપ્રાય લખી આપ્યા છે એમાંથી એક સૉનેટ અહીં રજૂ કરીએ છીએ.

‘મધુસ્યંદ’ એટલે મધનો પ્રવાહ… મધુર ઝરણ… સદગત પત્નીના સ્મરણમાં કવિએ ૫૮ જેટલા સૉનેટ રચ્યા છે, જેમાં નારીજીવનના રજોનિવૃત્તિ સહિતના લગભગ તમામ પાસાંઓ કવિએ આવરી લીધાં છે. ઉચ્ચ કવિત્વનો અભાવ છતાં આ સૉનેટસંગ્રહ આપની ભાષામાં પોતાનું આગવું સ્થાન સર્જે છે. અહીં ગરીબ ઘરમાં પરણીને આવતી અને સહુની સેવાનો વિકટ પંથ હસતે મોંએ સ્વીકારીને મૃત્યુ પામીને પતિના ખભે ચડીને સ્મશાન જતી પત્નીની લગ્નથી મરણની જીવનયાત્રા અને જે કંકણ પહેરીને એ પતિગૃહે આવી હતી, એ કંકણ મૃત્યુ બાદ સ્મશાનનો ‘સૌમ્ય’ અગ્નિ પણ ભસ્મ કરી શક્યો ન હોવાની વાતથી કવિ પત્નીના સ્મરણ કેવાં અવિનાશી છે એની વાત બખૂબી કરે છે. પત્નીની યાદને ખાખ ન કરી શકનાર અગ્નિને સૌમ્ય વિશેષણ અપાયું છે એમાં ખરું કવિકર્મ નજરે ચડે છે..

Comments (3)

પાદરની કેડી – જગદીશ ધનેશ્વર ભટ્ટ

સાવ સૂની પાદરની કેડી
કોઈ મળે ના સંગી-સાથી, કોઈ લિયે ના તેડી
સાવ સૂની પાદરની કેડી.

આગળ વધવું એ જ આરદા કોઈ શકે ના રોકી,
અટવાતાં અંધારાં ભેદી નજર રહી અવલોકી,
વીજ તણા ચમકારે હળવે ભવની ભાવટ ફેડી,
સાવ સૂની પાદરની કેડી.

આંખ ઊઘડતાં જોયા આગળ અજવાળાંના ડેરા,
સાસ-ઉસાંસે ખરતા દીઠા જનમ જનમના ફેરા,
રોમ રોમ જાગે અરમાને, પગની તૂટી બેડી,
સાવ સૂની પાદરની કેડી

કોઈ મળે ના સંગી-સાથી, કોઈ લિયે ના તેડી
સાવ સૂની પાદરની કેડી.

– જગદીશ ધનેશ્વર ભટ્ટ

રવીન્દ્રનાથની ‘तबे एकला चलो रे’ તરત યાદ આવી જાય એવું ગીત. જિંદગીની આ રાહમાં કોઈ સાથી કે તેડી લે એવો સહારો નથી, આ સફર સૌએ એકલા જ કાપવાની છે. આગળ વધવું એ જ એકમાત્ર પ્રાર્થના હોય તો નજર અંધારાં પણ ભેદી શકે છે ને ગંગાસતીની જેમ વીજળીના ચમકારે ભવની ભાવટના મોતી પણ પરોવી શકાય છે. આંતર્ચક્ષુ ખૂલી જાય એ ઘડી પ્રકાશના સાક્ષાત્કારની અને ચોર્યાસી લાખ ફેરાની માયાજાળની બેડીઓ તૂટવાની ઘડી છે.

(આરદા= પ્રાર્થના; ભાવટ=પંચાત, જંજાળ)

Comments (1)

(કોઈ) – ભાવિન ગોપાણી

આ કોરી વાવનાં તળિયે અડી ગયું છે કોઈ
અડીને પાછું પગથિયાં ચડી ગયું છે કોઈ

આ માત્ર વાત નથી ફૂલની કે ચિઠ્ઠીની
કિતાબમાં જ રહીને સડી ગયું છે કોઈ

ઊઠીને બારી ઉઘાડી તેં સૂર્ય જોયો ને
સવારનેય સવારે જડી ગયું છે કોઈ

છે શક્યતા કે ફરીથી એ વૃક્ષ લીલું થાય
એ વૃક્ષ નીચે ઊભા રહી રડી ગયું છે કોઈ

હૃદયમાં એટલે હળવાશ જેવું લાગે છે
વિચારમાંથી અચાનક પડી ગયું છે કોઈ

હવે એ ઓરડો જીવી જશે ઘણાં વર્ષો
એ ઓરડામાં ઘડી બે ઘડી ગયું છે કોઈ

રહ્યો આ વાતનો અફસોસ જિંદગી આખી
મને સ્વયંથી વધારે નડી ગયું છે કોઈ

– ભાવિન ગોપાણી

આખી ગઝલ જ મજાની… બધા શેર બળકટ… વાહ!

Comments (4)

શું? – મુકેશ જોષી

પાછલા જનમની પ્રીત ભલે ફળતી એ… આવતા જનમમાં
પણ આ ભવનું શું?
પાછલા જન્મે હો ચોમાસાં, આવતા જન્મે છો દરિયા
પણ આ દવનું શું?

શ્રદ્ધાના ચોઘડિયે, ફૂલના શુકનમાં
દીવો કરીને જે કીધાં સ્તવન
ખાલીપો રોજ એના મંત્રો ઉચ્ચારે ને
એકલતાનો જ હજુ ચાલતો હવન
આચમની લઈને હું છોડું સંકલ્પ
પણ હાથમાં હોમવાના આ જવનું શું?

અમથુંય તરણું જો નાખો તો પાંગરે
એવું એ પોચી જમીન સમું મન
આ ભવમાં તરણુંયે ઊગતું નથી તો
કેમ માનવું કે ઊગશે આખો પવન
પાછલા ને આવતા ભવમાં તહેવાર પણ
ઝાંખા પડેલા આ ઉત્સવનું શું?

-મુકેશ જોષી

વિરહને શબ્દોના રૂપાળા વાઘા વધારે વસમો બનાવતા હોય છે…..પ્રિયજનનો પ્રતિસાદ નથી તે નથી, બાકી બધી વાતો મન મનાવવાની…..

Comments (1)

………અભરખા નીકળે – હર્ષ બ્રહ્મભટ્ટ

એ જ બસ વર્ષો જૂના દિલના અભરખા નીકળે,
રણ પછી જંગલ પછી તો કૈંક દરિયા નીકળે.

કોઈ નાના સ્ટેશનેથી ટ્રેન ધસમસતી જતી,
રાત આખી એટલું છેટેથી સપનાં નીકળે.

દોસ્તો, આ શ્વાસના નામે ઉચાળા ઓડના,
પોટલું છોડો તો બસ બે-ચાર વગડા નીકળે.

દૂર આકાશે અડોઅડ બારણું એનું પડે,
આપણાં સગપણ હવે કોઈ એવા ઘરનાં નીકળે.

એ ક્ષણ લાગે શ્હેર આખ્ખું ભુલકણું થઈ ગયું,
જે ક્ષણે આ શ્હેરના સંબંધ ખપના નીકળે.

બેઉ બાજુ હરપળે અડકે છે લોલકની અણી,
રાતના ઘડિયાળના આ શ્વાસ પડખા નીકળે.

કોઈ નહીં આવે હું માની આંખ મીંચી દઉં અને,
પોપચે કોઈનાં ભીનાં ભીનાં પગલાં નીકળે.
.

  • હર્ષ બ્રહ્મભટ્ટ

Comments (4)

એક વંટોળિયાળ દિવસ – એન્ડ્રૂ યંગ (અનુ.: વિવેક મનહર ટેલર)

આ પવન તમામ નિર્જીવ વસ્તુઓને સજીવ કરી દે છે,
ડાળીઓ જે હવાને ચાબુકની જેમ ફટકારે છે
અને સૂક્કાં પાન ઉતાવળે ગડથોલિયાં ખાય છે
અથવા સસલાંની બખોલમાં ઝાંકે છે
અથવા એક ઝાડને નીચે પાડવા મથે છે;
દરવાજાઓ જેઓ પવનથી ફટાક કરતાં ખૂલી જાય છે
અને ફરી પાછાં બિડાઈ થઈ જાય છે,
અને ખેતરો જેઓ છે વહેતો દરિયો,
અને ઢોર એમાં જહાજો જેવાં દેખાય છે;
ચળકતાં અને અક્કડ તણખલાં
હવા પર સૂતાં છે જાણે કે છાજલી પર ન હોય
અને તળાવ જે પોતાને ત્યાગવા માટે કૂદે છે;
અને પીંછાં પણ ઊંચે ઊઠે છે અને તરે છે,
પ્રત્યેક પીછું એક પક્ષીમાં પલટાઈ ગયું છે,
અને દોરી પર સૂકવેલ ચાદરો જે ફડફડે છે અને તણાય છે;
કંઈ કેટલાય પવનો સામે જેણે કામ આપ્યું છે,
એ તડકામાં તપીને લીલા થયેલ ડગલાને પણ,
ચાડિયો ફરીથી પહેરવા મથે છે.

– એન્ડ્રૂ યંગ
(અનુ.: વિવેક મનહર ટેલર)

પવન સૃષ્ટિના કણ-કણને સજીવન કરી દે છે… એ ધૂળને પણ પાંખ આપે છે… પવન વિશેની આ કવિતા કવિતા નથી, નજરે જોઈ ન શકાતા પવનનો અદૃશ્ય ગ્લાસ છે, જેમાં છલોછલ જીવનરસ-ગતિરસ ભર્યો પડ્યો છે, જેને એક જ ઘૂંટડે ગટગટાવતામાં તો આપણી અંદરની તમામ શલ્યાઓ અહલ્યાઓ બનીને શ્વાસ ભરવા માંડે છે… પવનનું એક તોફાની ઝાપટું આવે અને પસાર થઈ જાય એ જ રીતે આ કવિતા આપણામાંથી પસાર થઈ જાય છે અને આપણી અંદર વેરવિખેર પડેલ અસ્તિત્વના ટુકડાઓને વાળીઝૂડીને નવો આકાર આપતી જાય છે.

A Windy Day

This wind brings all dead things to life,
Branches that lash the air like whips
And dead leaves rolling in a hurry
Or peering in rabbit’s bury
Or trying to push down a tree;
Gates that fly open to the wind
And close again behind,
And fields that are a flowing sea,
And make the cattle look like ships;
Straws glistening and stiff
Lying on air as on a shelf
And pond that leaps to leave itself;
And feathers too that rise and float,
Each feather changed into a bird,
And line-hung sheets that crack and strain;
Even the sun-greened coat,
That through so many winds has served,
The scarecrow struggles to put on again.

– Andrew Young

Comments (8)

– વળાંક – ઉદયન ઠક્કર

‘ભાઈશ્રી,
કોઈ પુસ્તક વાંચીને, સંતના સમાગમથી કે પછી ચમત્કારિક અનુભવથી જીવન બદલાઈ જાય.
તમારે આવું થયું છે? તમારા જીવનનો વળાંક કયો?
લિ. સંપાદક’

સંપાદકશ્રી,
તમે માથેરાન ગયા છો?
સ્ટેશનની બહાર ટાંપીને બેઠું હોય
એનું નામ બજાર
જૂતા પગના માપના ન હોય
તો પગ જૂતાના માપના કરી નાખે
એનું નામ બજાર
સકારામ તુકારામ પોઇંટથી શરૂ થાય
અને પૈસા ખૂટે ત્યાં પૂરું થાય
એનું નામ બજાર

લાલ માટીનો રસ્તો
બજારથી મોં ફેરવી લઈને
વગડે જાય

વગડો એટલે
સેલ્લારા લેતી સિસોટી
તડકાને ટપ ટપ ટીપતો કંસારો
જીભ કાઢીને હસતી જાસવંતી
શિખાઉ ભગવાને બનાવ્યા હોય
એવા ગલગોટા
સિંડ્રેલાની સેન્ડલ જેવું ફૂલ
જેનું નામ…ખોવાઈ ગયું છે
વગડો એટલે
ફૂલ વતી બોલતા ભમરા
સીમ વતી બોલતાં તમરાં
સદીઓથી ચુપચાપ ઊભેલા બે પહાડ
…વાતની શરૂઆત કોણ કરે?

સંપાદકશ્રી,
બજારથી વગડે જતો મારગ
મારા જીવનનો વળાંક છે

-ઉદયન ઠક્કર

સંપાદન આજકાલ મૂલ્યહીન બની ગયું છે. કોઈકના મનમાં વિચાર આવે કે મિત્રતા વિશે એક સંપાદન કરવા જેવું છે એટલે એ પત્રો દ્વારા, સોશ્યલ મિડિયા દ્વારા વાત વહેતી મૂકે કે આ વિષય પર તમારા લેખો, કવિતાઓ લખી મોકલાવો. સર્જકોમાં તરત જ પ્રેરણાનો જુવાળ આવે અને ઢગલોક લેખ-કાવ્યો સંપાદકને વિના મહેનતે ઘર બેઠાં મળી જાય. સામે ચાલીને મંગાવ્યું હોય એટલે ‘સાભાર પરત’ તો કરી ન શકાય એટલે જે આવ્યું એ બધું પ્રેસમાં પહોંચી જાય અને એક પુસ્તક બજારમાં તરતું થઈ જાય. સંપાદકના છોગામાં વળી એક પીછું ઉમેરાય. જાતમહેનત અને વિશદ સંશોધન કરવા જેટલો રસ અને સમય ભાગ્યે જ કોઈ પાસે છે. સાચો સંપાદક તો મહીસાગરમાં ઝંપલાવીને મોતી લઈ આવે છે.

ઉદયન ઠક્કર આવા સંચાલકોને એક સણસણતો તમાચો મારે છે… સલામ કવિ!

Comments (4)

પડઘા – પ્રિયવદન નૌતમરાય પાઠક

(શિખરિણી)

નથી આ કૈં કાવ્યો : નથી પ્રણયના ઓઘ ઊભરા!
વિમર્શો કૈં છે ના, ન પરિણત પ્રજ્ઞા તણી કૃતિ!!
બહુરૂપા સૃષ્ટિ સજતી નિજ સૌંદર્ય પણ ક્યાં?
તરંગોની લીલા નહિ નવીન, ના કલ્પન નવાં!

ન કે કાવ્યાભાસી સહજ પદવિન્યાસ નવલા,
નવા ઉન્મેષો ના, નવ નવીનતા છંદ-લયની,
ન વા શોભે કોઈ નવતર અલંકાર કૃતિમાં,
કવ્યા ના સંસ્કારો નવ રસ રૂપે પૂર્વસૂરિના.

નથી ભાષાપ્રૌઢી કવનની, ન લક્ષ્યા, શું અભિધા!
ગિરા જે ગીર્વાણ પ્રભવતી નહીં કૈં ગુણવતી,
ન વાણીની આમાં મનસ ભરતી કૈ& ધ્વનિ-કલા,
ન વાગ્મિતા કેરી મનહર મધુરી મુખરતા.

નિનાદો તારા જે અહરનિશના પ્રીત-ટહુકા,
સખી! તેના આ તો હૃદ-વિવરમાં આર્દ્ર પડઘા.

– પ્રિયવદન નૌતમરાય પાઠક
(જન્મ ૦૯-૧૦-૧૯૨૩, નિધન ૧૩-૧૦-૨૦૧૭)

કવિતા શું છે એનો તાગ મેળવવા કવિઓ પરાપૂર્વથી મથતા આવ્યા છે. બહુ ઓછા જાણીતા કવિ શ્રી પ્રિયવદન પ્રસ્તુત સૉનેટમાં નથી-નથીની રીતિ અપનાવીને પોતાની કવિતાના મૂળ સુધી પહોંચે છે. કવિતાની શરૂઆત જ આ કંઈ કાવ્યો નથીની નિખાલસ કબૂલાતથી થાય છે. કવિ કહે છે કે એનાં સર્જન પ્રણયના ધોધમાર ઊભરા નથી, ઊંડાવિચારવિમર્શોનું તારતમ્ય પણ નથી, પરિપક્વ પ્રજ્ઞાનું નવનીત પણ નથી, ને અહીં બહુરૂપી સૃષ્ટિની પોતિકી સૌંદર્યલીલા પણ નથી. અહીં કાવ્યનો આભાસ જન્માવે એ નવીન પદવિન્યાસ નથી, નૂતન ઉન્મેષો નથી, છંદોલયના નવીનતમ પ્રયોગો કે અલંકારોની શોભા પણ નથી, ને પૂર્વસૂરિઓ પાસેથી મળેલા સંસ્કારો નવા રસમાં ઢળાઈને પણ રજૂ થયા નથી. કવિ પાસે ગંભીર-પ્રૌઢ ભાષા નથી, જે અભિધા-લક્ષણા-વ્યંજનાની કસોટીએ ખરી ઊતરે, ગુણવતી દેવોની ભાષા પણ નથી ને કાવ્યશાસ્ત્રની મધુર મુખરતા પણ નથી.

આમ, નથી-નથી કરતાં કવિ પોતાની કવિતાની ગંગોત્રી સુધી પહોંચે છે. એમની સખીના અહર્નિશ પ્રીત-ટહુકાઓનો જે અવાજ છે, એના કવિહૃદયમાં જે આર્દ્ર પડઘા ઊઠે છે એ જ છે એમની કવિતા…

કેવી અદભુત રચના!

Comments (3)

……શું છે – મનોજ ખંડેરિયા

ઝળહળ ઝબાક ઝળહળ અજવાસ જેવું શું છે
આ બંધ દ્વાર પાછળ અહસાસ જેવું શું છે

હોઠે ધરું જો આસવ પીવા ન થાય ઇચ્છા,
તો કાં ગળું સુકાતું ? આ પ્યાસ જેવું શું છે

એક નામ લેતાં સાથે ભરચક ત્વચાથી પ્રસરે,
અત્તર ની આછી આછી આ વાસ જેવું શું છે

ક્ષણમાં રચાઉં ; ક્ષણમાં વિખરાઈ જઉં હવામાં,
હોવું નથી જ તો આ આભાસ જેવું શું છે

તાજપ-લીલાશ-સળવળ-કુમળાશ ભીની એમાં,
આંખોને અડકી જાતું આ ઘાસ જેવું શું છે

ખુલ્લી છે સીમ-માથે આકાશ ઝૂક્યું-વચ્ચે-
ઊભો છું એકલો પણ સંકડાશ જેવું શું છે

આ હાથ સળગી ઊઠ્યો અ-ક્ષરની લીલા જોતાં,
કાગળની વચ્ચે જામ્યું આ રાસ જેવું શું છે

ટહેલ્યા અમે તો એમ જ કૈં મુક્ત મનથી, એમાં-
કંડારી કેડી શું ને ઇતિહાસ જેવું શું છે

  • મનોજ ખંડેરિયા

Comments (1)

મૃગજળની લાગણી હતી, દર્પણ હતું નહીં – શ્યામ સાધુ

મૃગજળની લાગણી હતી, દર્પણ હતું નહીં,
હોવાની આસપાસમાં કૈં પણ હતું નહીં.

ક્યારેક શક્યતાઓના સૂરજ નહીં ઊગે,
ભૂલી જવું જ હોય તો વળગણ હતું નહીં.

સમજણની પેલી પારની દુનિયા અજીબ છે,
ઉપવન હતું નહીં અને રણ પણ હતું નહીં.

સંબંધની નદીના પ્રવાહો વહ્યા કરો,
સહુને મળીશું કોઈ અકારણ હતું નહીં.

તારી પ્રતીક્ષા જેવું પછી કેમ હોય ના?
શ્વાસો છે ત્યાં સુધી કશું કારણ હતું નહીં.

  • શ્યામ સાધુ

Comments (1)

(ઝૂકું નહીં) – અનિલ ચાવડા

સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં;
બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં.

કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ,
પ્રાર્થના કરતો હતો કે, ‘કાશ હું ફૂટું નહીં.’

કોઈએ પકડી મને ફેંક્યું હશે બાકી તો હું,
આબરૂનું ચીંથરું છું જાતે કંઈ ઊડું નહીં.

લાગણીનું તેલ રેડ્યા કર હૃદયના કોડિયે,
જેથી અંદર હું સતત પ્રગટેલો રહું, બુઝું નહીં.

સાંજ, તું, હું, આંખમાં છલકાતો આલ્કોહોલ, મૌન;
એક પણ કારણ નથી એવું કે હું ઝૂમું નહીં.

જિંદગી સહદેવ જેવી છે કશું બોલે નહીં,
હું ય એવો છું કે સામેથી કશું પૂછું નહીં.

ઊઠતા જોયો મને એણે સભામાંથી, થયું;
કે ભલે દુનિયાથી ઊઠી જઉં હવે, ઊઠું નહીં.

બોજ ઉંમરનો મને દઈ તું નમાવી નૈં શકે;
એથી બહુ બહુ તો કમરમાંથી વળું, ઝૂકું નહીં.

~ અનિલ ચાવડા

અનિલ ચાવડાની ગઝલો આજની ગુજરાતીનું ઘરેણું છે. બહુ ઓછા કવિઓ સમજીને આ કાવ્યપ્રકારમાં ખેડાણ કરે છે. બહુ ઓછા કવિઓ પોતાની રચનાઓના સારા-નરસા પાસાંઓ વિશેની ચર્ચાને મોકળા મને આવકારે છે. પ્રતિષ્ઠાના સર્વોત્કૃષ્ટ મુકામે પહોંચ્યા પછી પણ અનિલે આ મોકળાશ અને સાલસતા ગુમાવી નથી એની પ્રતીતિ એ સતત કરાવ્યે રાખે છે… કવિતાના આસ્વાદના સ્થાને આજે આ આડવાત એટલા માટે કે….

Comments (8)

(પક્ષી મરી ગયું) – મેહુલ પટેલ ‘ઈશ’

નાનકડી એક જગામાં પક્ષી મરી ગયું
રીબાઈ પાંજરામાં પક્ષી મરી ગયું !

ઘરમાં રહ્યું સુશોભન માટેની ચીજ થઇ
માણસની સરભરામાં પક્ષી મરી ગયું

બેઠું હતું મજાથી આંબાની ડાળ પર,
આવ્યું જ્યાં બંગલામાં પક્ષી મરી ગયું

કેવી હતાશા સાથે ઉગી સવાર આજ –
ભાણીએ કીધું મામા પક્ષી મરી ગયું

પ્રેમીની જોડી તૂટે તો થાય શું બીજું
પક્ષીને ચાહવામાં પક્ષી મરી ગયું

નીકળ્યું હતું ઘરેથી આકાશ આંબવા
પથ્થરના એક ઘામાં પક્ષી મરી ગયું

– મેહુલ પટેલ ‘ઈશ’

તમસા નદીમાં સ્નાન કરતી વખતે વાલ્મિકીની નજર સામે કોઈકે એક સારસનો વધ કર્યો અને સારસબેલડીમાં બચી ગયેલ પાત્રે માથું પટકી પટકીને પ્રાણત્યાગ કર્યા એ જોઈને ઋષિમુખેથી એક શ્લોક સરી પડ્યો અને રામાયણની રચના થઈ… આવી જ કોઈ ક્ષણે ઘરમાં પાળેલ પક્ષી અકસ્માત મૃત્યુ પામતાં આજના કવિના હૈયેથી એક ગઝલ સરી આવી છે… માણીએ…

Comments (4)

(ખેરાત વાગે છે) – જુગલ દરજી

‘અહાહા’, ‘વાહ’, ‘દોબારા’, અને ‘ક્યા-બાત’ વાગે છે,
ગઝલને દાદ રૂપે ફેંકો એ ખેરાત વાગે છે.

ગતિથી અળગા થઈને સહેજ શું થંભી ગયા વચમાં,
હવે ઠોકરની જગ્યાએ આ યાતાયાત વાગે છે.

કશુંક આવીને મારામાં ધૂણે છે કંઈક સદીઓથી,
કે ભીતર ડાકલા ઝીણા દિવસ ને રાત વાગે છે.

નગારા, ઘંટ, મંજીરા, પૂજારી, શંખ ને ઈશ્વર,
સજીવન થઈ ઊઠે ઘડિયાળમાં જ્યાં સાત વાગે છે.

ઉપરથી આભ વરસે છે, ઉપરથી આપ વરસો છો
આ છાંટાથી વધારે તો તમારી વાત વાગે છે.

જરા જો શ્વાસમાં આવી ભળે તરણેતરી મેળો,
આ પાવા જોડમાં આખું પછી ગુજરાત વાગે છે.

ઘણી ખમ્મા આ મારા જખ્મકેરા શિલ્પકારોને,
તમારી ભાત વાગે છે, પ્રસંગોપાત વાગે છે.

– જુગલ દરજી

ગઝલનું સામાન્ય જનમાનસ સુધી પહોંચવું કદાચ મુશાયરાઓ વિના સંભવ જ નહોતું પણ એ જ મુશાયરાઓએ ગઝલને જે ક્ષતિ પહોંચાડી છે અને કવિતાના સ્તરના કથળવામાં જે દુસ્સહાય કરી છે એ આજે અસહ્ય બન્યું છે. અર્થ વિનાની દાદ ગઝલનું પોષણ નહીં, કવિતાનું શોષણ કરે છે. આવા મજાના મત્લાથી શરૂ થતી આખી ગઝલ જો કે એવી મજાની થઈ છે કે કવિના મત્લાને બાજુએ મૂકીને પણ અહાહા, વાહ, દોબારા, ક્યા બાત કહેવાનું મન થઈ જાય…

Comments (8)

મૃગજળ વગેરે – ભગવતીકુમાર શર્મા

રેત – ડમરી – મૃગ – તરસ – મૃગજળ વગેરે…
મન – મરણ – શ્વાસો – અનાદિ છળ વગેરે…

છે – નથી – હોઈ શકે – અથવા – કદાચિત;
હું – તું – આ – તે – તેઓની સાંકળ વગેરે…

ત્યાં – અહીં – પેલી તરફ – પાસે ક્ષિતિજ પર,
ધૂળ – ધુમ્મસ – માવઠું – જાળસ્થળ વગેરે…

આ – વિકલ્પો – તે – અગર પેલું – વિકલ્પે;
સ્મિત – અશ્રુ – મોતી કે ઝાકળ વગેરે…

‘જો’ અને ‘તો’ – ‘પણ’ અને ‘બણ’ કે પછી
કોણ? – કોઈ – કઈ – કશું – નિષ્ફ્ળ વગેરે…

કાલ – હમણાં – અબઘડી – કાલે પરમ દિ’;
કાળ – યુગ – સૈકા – વરસ પળપળ વગેરે…

શ્વાસ – ધબકા – હૃદય -લોહી – શિરાઓ;
લાગણી – ડૂસકું – ચિતા બળબળ વગેરે…

-ભગવતીકુમાર શર્મા

અર્થની ફીકર ના કરતા… આખી એબસ્ટ્રેક્ટ ગઝલ એક-શ્વાસે વાંચી જજો … એ અનુભુતીમાંથી પસાર થઇ જજો … અર્થના એક પછી એક પડ ઉઘડતા જશે એની મારી ગેરેન્ટી !

Comments (6)