મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for December, 2017

“શબ્દો છે શ્વાસ મારા”ની બારમી વર્ષગાંઠ પર…

શું આપ ગુજરાતી ભાષાને ચાહો છો? તો અત્યારે જ ક્લિક કરો….

http://vmtailor.com/archives/4625

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – શબ્દો છે શ્વાસ મારા (vmtailor.com) આજે નિયમિત બ્લૉગિંગના એક-બે નહીં, ૧૨-૧૨ વર્ષ પૂરાં કરી આજથી તેરમા વર્ષમાં શુભપ્રવેશ કરે છે… ૧૨ વર્ષ, ૫૭૦ જેટલી પૉસ્ટ્સ, અને ૧૩૦૦૦થી વધુ પ્રતિભાવોની આ મુસાફરી આપ સહુના સ્નેહ વિના શક્ય જ નહોતી… તો આવો, આજે ફરી એકવાર આપના પ્રેમની વર્ષા કરવા ભૂલ્યા વિના સમય ફાળવીને મારા આંગણે પુનઃ પધારો…

આપના આશીર્વચન અને સ્નેહકામનાઓની પ્રતીક્ષામાં…
-વિવેક

Comments (11)

એટલો – હસમુખ પાઠક

એટલો તને ઓળખ્યો, વહાલા
ઓળખું જરાય નહીં,
લાખ લીટીએ લખું તોયે
લખ્યો લખાય નહીં – એટલો.

સૂરજ-તાપની જેટલો તીખો
અડયો અડાય નહીં,
ચંદર-ચાંદની જેટલો મીઠો
ઝાલ્યો ઝલાય નહીં – એટલો.

યુગ યુગોની ચેતના જેવડો
વરણ્યો વરણાય નહીં
જનમોજનમ હેતના જેવડો
પરણ્યો પરણાય નહીં – એટલો.

અંતર-આરત જેટલો ઊંડો
ખેંચ્યો ખેંચાય નહીં
વ્રેહની વેદના જેટલો ભૂંડો
વેચ્યો વેચાય નહીં – એટલો.

– હસમુખ પાઠક

મધ્યકાલીન ગીતોની પ્રણાલિમાં બેસે એવું મજાનું ગીત.

Comments (1)

સપનાં – કિરીટ ગોસ્વામી

કોને દઈએ આળ?
થાય તે બધું કરનારો તો આખર પેલો કાળ!

એક ઘડી પથરાળ
.          વળી, બીજી ફૂલોની ઢગલી…
સાવ સુકોમળ સપનાં,
.          ભીતર પાડે હળવે પગલી…
આંખ ખૂલે ત્યાં ઊઠે પાછી રોમે-રોમે ઝાળ!
.          કોને દઈએ આળ?

આજ સંત તો કાલે પાછું-
.          બાળક થઈને પજવે!
કેટકેટલા ભરે લબાચા-
.          મન પોતાના ગજવે!
સમજે તોય ત્યજી ક્યાં શકતું, માયાની મધલાળ!
.          કોને દઈએ આળ!

– કિરીટ ગોસ્વામી

ઘડી દુઃખ, ઘડી સુખ, ઘડી સુખના સપનાં ને અંખ ખુલતામાં રોમેરોમ પ્રજાળતી વાસ્તવિક્તાની આગ… કોના વાંકે? મુખડામાં બધા જ આળનો ટોપલો કાળના માથે ચડાવીને કવિ આગળ વધે છે પણ બીજા અંતરામાં ચોર પકડમાં આવે છે. મન ક્યારેક ત્યાગી તો ક્યારેક બાળકની જેમ બધી જ વસ્તુ માટે તીવ્ર અનુરાગી બની જાય છે. આ બધું જ માયા છે એ જાણવા છતાં મન ત્યાગી-ત્યજી શકતું નથી… ચોર પકડાઈ ગયો છે એટલે શરૂનો પ્રશ્ન કાવ્યાંતે પહોંચતા ઉદગાર ચિહ્નમાં પરિવર્તિત થઈ જાય છે…

Comments (2)

અભિસારિકા ગઝલ – જવાહર બક્ષી

સાજણ તારી વાટમાં બંધનનો વિસ્તાર
આકાશ ઊગ્યું આંખમાં, પગમાં ઊગ્યા પ્હાડ

પગમાં ઊગ્યા પ્હાડ નીકળું નદી થઈને
અધવચ્ચે રોકે મને પડછાયાનાં ઝાડ

પડછાયાનાં ઝાડ સ્હેજ પણ વ્હેમાયે નહિ !
એમ તળથી સરકતાં વહ્યે જાઉં એકધાર

વહ્યે જાઉં એકધાર ભિન્ન સંજોગો વચ્ચે
પળભરમાં કાંઠે વસે પરિસ્થિતિનું ગામ

પરિસ્થિતિનું ગામ પારદર્શક છે આખું
મને બચાવી નીકળું લઈ શબ્દની આડ

લઈ શબ્દની આડ, તને શોધું દરિયામાં
મોજાંઓ કહેતાં ફરે, તું છે દરિયાપાર

  • જવાહર બક્ષી

આગલા શેરના અનુસંધાનમાં પછીનો શેર લખાયો છે, અને પ્રત્યેક શેર પાછા સ્વતંત્રરીતે પણ મજબૂત છે !! અભિસારિકા એટલે સંકેતને અનુસરી રાત્રિએ પોતાના પ્રેમીને મળવા જનારી સ્ત્રી. જાણે કે આગલા શેરનો સંકેત સમજીને આખી ગઝલ આગળ વધે છે !!

Comments (2)

ગોફણ છે…..- અનિલ ચાવડા

ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી ગોફણ છે ગોફણ છે ગોફણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને
કીકીઓના વાસણમાં ભીંજવે,
ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ
પાંપણની આંગળીથી નીચવે;
એમાં શું ખોટું હું આંખોને કહી દઉં તું ધોબણ છે ધોબણ છે ધોબણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

કોની તે ઝંખનામાં વરસોથી ટળવળતાં
મારાં બધીર સાવ ટેરવાં,
વીંટી જો હોય તો એ પ્હેરી પણ લઈએ
પણ કેમ કરી સ્પર્શોને પ્હેરવા?
પથ્થર પર ઢીંચણિયે ચાલવામાં છોલાયા ગોઠણ છે ગોઠણ છે ગોઠણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

– અનિલ ચાવડા

કવિની લાક્ષણિક અદા ઉજાગર કરતું મઝાનું ગીત…..

Comments (2)

આગળ જઈએ – સુનીલ શાહ

એવું થોડું છે, દોડીને આગળ જઈએ?
ચાલીને, થોડું અટકીને આગળ જઈએ.

એમ નથી, છાંયો ભાળીને આગળ જઈએ,
તડકાને પણ સ્વીકારીને આગળ જઈએ.

એમ બને, એ સાથે આવે, ના પણ આવે,
બૂમ જરા એને પાડીને આગળ જઈએ.

એને પણ પૂરો હક છે આગળ વધવાનો,
સ્હેજ જગા એની છોડીને આગળ જઈએ

કોઈ હતાશા લઈ પાછળ પાછળ આવે છે,
સ્મિત સમા પગલાં પાડીને આગળ જઈએ.

– સુનીલ શાહ

સરળ અને સહજ ભાષામાં મજાની વાત કરતી નખશિખ આસ્વાદ્ય અને સંપૂર્ણ ‘પોઝિટીવ’ ગઝલ… શૈલી એવી કે તરત મરીઝ યાદ આવે…

Comments (12)

ખિસકોલી રાણીનું ગીત – વિજય રાજ્યગુરુ

શકરો વીંઝે પાંખ ગગનમાં ! હૈયે પડતી ફાળ,
તમોને ઝડપી લેશે કાળ…
પાળ ઉપર ના રખડો રાણા ! ઝડપી લેશે કાળ,
તમોને ઝડપી લેશે કાળ…

ઠાલા વટમાં, ખુલ્લા પટમાં,
મારે કાજ તમે જોખમમાં નાખ્યો જીવ તમારો !
અમે અબોલા છોડી દીધા,
રીસ તમે તરછોડી રાજા પાછા ઘેર પધારો !
સીતાની હરણાંહઠ જેવા અમને પડશે આળ,
તમોને ઝડપી લેશે કાળ…

ઘરવખરીમાં થોડા ઠળિયા,
પોલ નથી છો રૂના, છોને લાગે મ્હેલ અનૂરા !
જીવ હશે તો રામદુલારા,
સંતોષાય અબળખા,સઘળા થાય મનોરથ પૂરા !
ઠળિયો છોડો, દરમાં દોડો, ઠેકી પકડો ડાળ,
તમોને ઝડપી લેશે કાળ…

શકરો વીંઝે પાંખ ગગનમાં ! હૈયે પડતી ફાળ,
તમોને ઝડપી લેશે કાળ…
પાળ ઉપર ના રખડો રાણા ! ઝડપી લેશે કાળ,
તમોને ઝડપી લેશે કાળ…

– વિજય રાજ્યગુરુ

કવિ પોતે આ ગીત વિશે જે કહે છે એ સાંભળીએ: “એક ગૃહિણીનું / ઘરની રાણીનું ગીત આપને ગમી જશે. મંગાવેલી ચીજ પતિ ન લાવે. પત્ની કોપભવનમાં જાય. રીસભર્યો પતિ વસ્તુ લીધા વગર ઘરમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞા કરી જવા નીકળે અને નગરના ટ્રાફિકમાં પતિના જાનનું જોખમ જોતી પત્ની જે ચિંતા અનુભવે તેનું ગીત….”

પણ આવું કશું ન વિચારીએ તો પણ સાવ નવી ફ્લેવરનું આ ગીત એમ જ આખું આસ્વાદ્ય બન્યું છે. હરણાંહઠ શબ્દપ્રયોગ ચાર ચાંદ લગાવી દે છે…

Comments (4)

(આવે) -જિગર ફરાદીવાલા

બધું જાણ્યા પછી પણ તું મને સમજાવવા આવે?
ગજબ છે નહિ કે ઉત્તર ખુદ સવાલો પૂછવા આવે?!

તને બસ એ જ કહેવું છે કે બહુ નાજુક સ્થિતિમાં છું,
તને કહેતો નથી કે તું મને સંભાળવા આવે !

અને અંતે ખુમારી આંસુની અકબંધ રહી ગઈ દોસ્ત,
થયેલું એક ક્ષણ એવું કે તું એ લૂછવા આવે.

હું મારું સ્તર સહજતાથી સ્વીકારી લેવા રાજી છું,
છતાં તું છે કે તારું સ્તર ગળે ઉતરાવવા આવે.

હું દોડીને તને વળગી પડું એવી સમજ ઝંખું,
નથી એવો નિયમ કે તું જ કાયમ ભેટવા આવે.

– જિગર ફરાદીવાલા

તાજેતરમાં જ વડોદરા ખાતે યોજાયેલ ગઝલ સેમિનાર અને કવિસંમેલનમાં ઉપસ્થિત એક અંકોડાદાર મૂંછવાળા નવયુવાને પ્રશ્ન પૂછ્યો કે ગઝલમાં દાદનું મહત્વ શું? શું દાદ ગઝલની ગુણવત્તાનો માપદંડ ગણી શકાય? શું ગઝલ મુશાયરામાં સફળ થવી જ જોઈએ? મેં જવાબ આપ્યો કે મુશાયરામાં ઘણીવાર વિફળ જવા છતાં અને ફેસબુક, વૉટ્સએપ નહોતાં તોય મરીઝ ટકી ગયા એનું કારણ એની ગઝલમાં રહેલું સત્વ છે. દાદના સહારે જીવતી ગઝલો તો આજે છે ને કાલે નથી. તમારી ગઝલમાં કવિતા હશે તો સમય એને કદી ભૂંસી નહીં શકે.

પછી કવિસંમેલનમાં એણે આગવી શૈલીમાં ગઝલ રજૂ કરી ત્યારે હું વિચારમાં પડી ગયો. કાર્યક્રમ પત્યા પછી હું એને શોધવા નીકળ્યો ને એને પકડીને મેં કહ્યું, તારે દાદની ચિંતા કરવાની જરૂર નથી. તારી ગઝલો દાદની મહોતાજ નથી. એ સમયની એરણ પર ટકી રહેવા માટે સર્જાઈ છે… મારી વાત પર શંકા હોય તો આ સંઘેડાઉતાર ગઝલ પર જરા નજર નાંખી લ્યો…

Comments (14)

(લહેર પડી ગઈ, યાર!) – ચંદ્રકાંત બક્ષી

મારું મન
વિપરીત સ્થિતિમાં પણ
શાંત રહી શકતું હોય

હું ખડખડાટ
હસી શકતો હોઉં
અને
ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં

મને ભૂખ
અને થાક
અને પ્યાસ
લાગી શકતાં હોય

મહારોગ
કે
દેવું ન હોય

મારું પોતાનું એક ઘર હોય
અને
એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ ~ રોટી
ખાઈ શકતો હોઉં

વ્હીસ્કીનો એક પેગ લઈને
શનિવારની સાંજે
મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસીને
પ્રધાનમંત્રી દેવ ગૌડાને ગાળો બોલી શકતો હોઉં

તો

થૅંક યૂ, ગૉડ !
મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!

અને
જીવનના છેલ્લા દિવસ
સુધી બસ આટલું રહી શકે તો..

મરતી વખતે હું કહીશ..
લહેર પડી ગઈ, યાર !

– ચંદ્રકાંત બક્ષી

ચંદ્રકાંત બક્ષી સિંહ જેવો માણસ હતો.  જીવનના રસને પીવામાં એમણે કોઈ કચાશ છોડી નહોતી. આવા માણસને કોઇ પૂછે કે સંપૂર્ણ જીવન એટલે શું? – તો આવો જવાબ મળે.

મોટી મોટી વાતો કરવાથી મોટી જીંદગી બનતી નથી. બધી નાની નાની વાતો બહુ જતનથી ભેગી કરવાથી જ એક મોટી જીંદગી બને છે.

(ચોખવટ: આ લખાણ બક્ષીસાહેબનું છે. પણ એમણે એ કવિતા તરીકે નહોતું લખ્યું. ‘બક્ષીનામા’ના એક લેખમાં આ વાત લખેલી. મને એમાં 100 ટકા કવિતા દેખાઇ એટલે એને કવિતા તરીકે રજૂ કરી છે. વાચકો આટલી ગુસ્તાખી ચલાવી લેશે એવી આશા રાખું છું. મારું માનવું છે કે જો બક્ષીબાબુને મેં આવું કર્યું છે એવી ખબર પડે તો એ ચોક્કસ એક ગાળ આપે અને પછી કહે, “જા તું ય કરી લે લહેર !” )

Comments (7)

જંગલીને – એલ્ઝ લાસ્કર-શુલર (જર્મન) (અનુ. વિવેક મનહર ટેલર)

હું તારો ચહેરો ઢાંકી દઉં છું
રાત્રે મારા શરીર અને આત્માથી.

હું દેવદાર અને બદામના વૃક્ષો રોપું છું
તારા શરીરના મેદાન પર.

થાક્યા વિના હું તારા વક્ષસ્થળને ફંફોસું છું
ફેરોના સુવર્ણ ખજાનાઓ માટે.

પણ તારા હોઠ ભારી છે,
મારા ચમત્કારો તેમને છોડાવી શકતા નથી.

શા માટે તું તારાં હિમાચ્છાદિત આકાશો ઊઠાવી નથી લેતો
મારા આત્મા પરથી-

તારા હીરક સ્વપ્નો
મારી રગોને કાપી રહ્યાં છે.

હું જોસેફ છું. હું મીઠો પટ્ટો પહેરું છું
મારી ભભકદાર ત્વચા ફરતો.

તું ખુશ થાય છે
મારા દરિયાઈ શંખના ગભરુ અવાજથી

પણ તારું હૃદય હવે
સમુદ્રોને ભીતર આવવા દેતું નથી.
ઓહ તું!

– એલ્ઝ લાસ્કર-શુલર (જર્મન)
(અંગ્રેજી અનુ.: જોહેનિસ બૈલહાર્ઝ)
(અનુ. વિવેક મનહર ટેલર)

*

જર્મન કવયિત્રી એલ્ઝ લાસ્કર-શુલર (૧૧-૦૨-૧૮૬૯થી ૨૨-૦૧-૧૯૪૫) અભિવ્યક્તિવાદ (એક્સ્પ્રેશનિઝમ)ના રાણી ગણાય છે. લોકો એમને ‘ઇઝરાઈલની શ્યામ હંસિણી’ અને ‘આધુનિક જર્મનીની સર્વશ્રેષ્ઠ ગીતકાર’ પણ કહે છે. કવયિત્રી. લેખિકા. ચિત્રકાર. એમના લેખન કે ચિત્રણ –બંને નિહાયત મૌલિક હતા એટલે કોઈની સાથે એમની સરખામણી જ શક્ય નથી.

પ્રસ્તુત રચના કોઈપણ ભોગે પ્રેમીને સંપૂર્ણ પામવા માટેની તડપ અને સરવાળે સાંપડતી નિષ્ફળતાનું ગાન છે. પ્રેયસી પોતાનું સર્વસ્વ સોંપી દે છે. એની ઉપર પોતાની જાત ન્યોછાવર કરી દે છે. પોતાની આશાઓ રોપે છે. પોતાની શક્યતાઓ ફંફોસે છે. પણ પ્રેમીજનના બીડાઈ ગયેલા હોઠ ખોલાવી શકતી નથી, એના ઠંડા પ્રતિભાવો અટકાવી શકતી નથી અને એના હૃદયની ભીતર જઈ શકતી નથી.

*

To the Barbarian

I cover your face
With my body and soul at night.

I plant cedars and almond trees
On the steppe of your body.

Tirelessly I search your chest
For Pharaoh’s golden treasures.

But your lips are heavy,
My miracles cannot redeem them.

Why won’t you lift your snowy skies
From my soul –

Your diamond dreams
Are cutting my veins.

I am Joseph wearing a sweet belt
Around my gaudy skin.

You are delighted by my sea shell’s
Frightened sound.

But your heart no longer
Lets the sea come in.

– Else Lasker-Schuler
(Eng. Trans.: Johannes Beilharz)

Comments (2)

() – કપિલા મહેતા

મારી આંખોમાંથી
બહાર ધસી આવતા આંસુઓ
ત્યાં જ અટકો.
પાછા આંખની બખોલમાં લપાઈ જાઓ.

તમે ક્યાં અષાઢનાં મેઘબિંદુ છો?
અહીં કોઈ ચાતક તમને આવકારશે નહીં

તમે ક્યાં સ્વાતિ નક્ષત્રનું જળબિન્દુ છો?
અહીં કોઈ છીપલા મોતી બનાવશે નહીં

તમે ક્યાં હળધરની આંખનો વિસામો છો?
કોઈ રોપાઓને તમારી જરૂર નથી

એટલે જ કહું છુ:
મારી આંખનાં આંસુઓ,
પાછા આંખની બખોલમાં લપાઈ જાઓ.

– કપિલા મહેતા

સ્ત્રીઓ જે રીતે જીવનની વાસ્તવિક્તાને એકદમ સહજભાવે વ્યક્ત કરી શકતી હોય છે એ રીતે પુરુષો ભાગ્યે જ કરી શકતા હશે. પ્રસ્તુત રચના નિરાશાની પરાકાષ્ઠાનું એવું જ સહજગાન છે…

Comments (4)

(સપનામાં) – શબનમ ખોજા

આવો તો સંવાદ રચીશું સપનામાં
ઊંઘ અમે રાખી છે નહિતર અથવામાં..

ધીમે ધીમે એની આદત થઈ ગઈ છે
વર્ષોથી છું ખાલીપાના કબજામાં.

લોકો વચ્ચે જલદી વહેતાં કરવા’તા,
તેથી સત્યો ફરતાં કીધાં અફવામાં.

કૂંપળ ફૂટું ફૂટું થાતી જોઈને
પીળા પાને વાર ન કીધી ખરવામાં

સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ ?
કંઈક તો આકર્ષણ હોવાનું ભગવામાં.

એની સામે કાયમ સાચુ રહેવું છે
દુનિયા સામે છો ને દંભી પડદામાં.

તેથી અમને લગની લાગી ગઝલોની
આપ રહ્યા છો હરદમ એના મત્લામાં

– શબનમ ખોજા

વડોદરા ખાતે તાજી અને કસાયેલી કલમોના સહિયારા સાહિત્યીક સંમેલનમાં ગઝલો વિશેની પ્રશ્નોત્તરી કદાચ કવિજીવનનું શ્રેષ્ઠ પાનું હતું. તાજી કલમોની રજૂઆત પણ સ્પર્શી ગઈ પણ બુરખો વીંટાળેલા નમણા ચહેરા સાથે એક છોકરી મંચ પર આવી ત્યારે એની બૉડી-લેન્ગ્વેજમાંથી ટપકતો આત્મવિશ્વાસ સભાગૃહને રજૂઆત કરતાંય પહેલાં સ્પર્શી ગયો. અત્યંત મીઠા સ્વરે એણે જે ભાવવાહી ઢબે અને પૂર્ણ અદબથી પઠન કર્યું એ કદાચ આખા કવિસંમેલનની સૌથી અગત્યની કડી હતી. એણે બધા કવિઓમાં સૌથી વધુ દાદ મેળવી. એણે સૌથી વધુ દાદ કેમ મેળવી એની જુબાની તો આ ગઝલના દરેક શેર પાસેથી જ મળી રહેશે… લયસ્તરો પર સ્વાગત છે, કવયિત્રી… સ્નેહકામનાઓ…

Comments (37)

લોકગીતોત્સવ: ૦૮ : દાદા હો દીકરી


સ્વર: આશા ભોંસલે

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ
માડી મારી આંસુ સારશે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ
વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ
વીરાએ આંગણ બેડું ફોડિયું રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ગુજરાતી લોકગીતોમાં સૌથી વધુ પ્રસિદ્ધ ગીતોમાંથી એક. બહેનોને પોતાની વિતકને કહેવા માટે બહુ ઓછા રસ્તા હતા એમાથી એક રસ્તો તે લોકગીત. એટલે દીકરીઓની પીડાઓના અનેક લોકગીતો છે. કેટલી દીકરીઓની પીડાથી ભેગી થાય ત્યારે આવું એક ગીત બનતું હશે?

Comments (7)

લોકગીતોત્સવ: ૦૭ : સોનલ ગરાસણી

સોનલ રમતી રે ગઢડાને ગોખે જો, ગઢડાને ગોખે જો,
રમતાં ઝીલાણી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! દાદાનો દેશ જો, દાદાનો દેશ જો,
સોનલે જાણ્યું જે દાદા છોડવશે.
દાદે દીધાં રે સોનલ! ધોળુડાં ધણ જો, ધોળુડાં ધણ જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! કાકાનો દેશ જો, કાકાનો દેશ જો,
સોનલે જાણ્યું જે કાકો છોડવશે.
કાકે દીધાં રે સોનલ! કાળુડાં ખાડુ જો, કાળુડાં ખાડુ જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! વીરાનો દેશ જો, વીરાનો દેશ જો,
સોનલે જાણ્યું જે વીરો છોડવશે.
વીરે દીધાં રે સોનલ! ધમળાં વછેરાં જો, ધમળાં વછેરાં જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! મામાનો દેશ જો, મામાનો દેશ જો,
સોનલે જાણ્યું જે મામો છોડવશે.
મામે દીધાં રે સોનલ! વેલ્યું ને માફા જો, વેલ્યું ને માફા જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! સ્વામીનો દેશ જો, સ્વામીનો દેશ જો,
સોનલે જાણ્યું જે સ્વામી છોડવશે.
સ્વામીએ દીધી એના માથા કેરી મોળ્યું જો, માથા કેરા મોળ્યું જો,
ધબકે છૂટી રે સોનલ ગરાસણી.

વાત સોનલ ગરાસણીના અપહરણની છે. સોનલને છોડાવવા દાદાએ લૂંટારાઓને દીધેલાં ‘ધોળુડાં ધણ’ (ગાયો), કાકાએ દીધેલાં ‘કાળુડાં ખાડું’ (ભેંસો), વીરાએ દીધેલાં ‘ધમળાં વછેરાં’ ને મામાએ દીધેલાં ‘વેલ્યું ને માફા’ (ગાડાં) ફોગટ ગયાં. પણ સ્વામીએ શું કર્યું? કશું આપવાને બદલે પોતાનું માથું જ હોડમાં મૂક્યું. ત્યારે જઇને સોનલ લૂંટારાઓના હાથમાંથી તાબડતોબ છૂટી!

પહેલી નજરે અપહરણની કથામાં પતિ-પત્નીના નૈકટ્ય઼ની વાત કેટલી નાજુક રીતે વણાયેલી છે એ જોવાનું રખે ચૂકતા… બીજા બધા તો કશું ને કશું આપશે પણ પોતાનો માણસ તો જાન જ કાઢીને આપશે !!

Comments (5)

લોકગીતોત્સવ: ૦૬ : ધમ ધમક ધમ ધમ ધમ સાંબેલું

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…
જનમ જનમથી વહુને માથે ભાંગેલું…
સાંબેલું…

જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આકરી
હાલે ના પેટનુ પાણી, એવી મારી જેઠાણી
સાંબેલું..

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

જેવી ફૂટે ધાણી, એવી મારી દેરાણી
જેવો કૂવો ઊંડો, જેઠ એવો ભૂંડો
સાંબેલું…

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

હોય છો ને બટકો, દિયર વટનો કટકો
લીલી લીલી વાડીઓ ને સસરો એમાં ચાડિયો
સાંબેલું…

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણો
મીઠો, મગનો શીરો, એવો નણંદનો વીરો
સાંબેલું…

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

કેવું મજાનું ગીત…. કોણ જાણે કોણે લખ્યું હશે પણ વરસોથી આપણા સમાજમાં આ ગીત ગવાતું આવ્યું છે અને ગીતનો લય તો જાણે કે આપણા લોહીમાં ઓતપ્રોત થઈ ગયો હોય એમ પોતીકો લાગે… લોકગીતોની આ જ મજા છે… કડવી વાત પણ એવી મીઠાશથી કહી દેવાની કે સાંભળનારને માઠુ ન લાગે…

Comments (5)

લોકગીતોત્સવ: ૦૫ : લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો !
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું જળમાં માછલી થઈશ જો !
તમે થશો જો જળમાં માછલી, હું જળમોજું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો !
તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો !
તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો !

રામ-સીતાનાં પ્રસન્ન દાંપત્યજીવનની ઝાંખી કરાવતું લોકગીત. રાધકૃષ્ણની પ્રણયમસ્તીનાં ગીતો તો ખૂબ જોવા મળે છે, પરંતુ રામસીતાનાં પ્રેમને-સંબંધને હળવાશથી-મસ્તીથી રજૂ કરતા ગીતો જવલ્લે જ જોવા મળે છે. લવિંગની નાનકડી નાજુક લાકડી વડે રામનું સીતાને મારવું અને પછી એનાથીયે નાજુક એવા ફુલનાં દડાથી સીતાનું વેર વાળવું- કેવી નાજુક કલ્પના! રિસાયેલી પત્નિ કોઈ ને કોઈ બહાને પતિથી દૂર જવા માંગે છે, પરંતુ પતિ ગમે તે રીતે એની સાથે જ રહેવા માંગે છે- સાવ સામાન્ય પતિ-પત્નિ જેવી જ નોકઝોંક! પરંતુ છેલ્લે સીતાની બળીને ઢગલો થવાની વાત આવનારી અગ્નિપરીક્ષાની ઝાંખી કરાવી જાય છે…

Comments (2)

લોકગીતોત્સવ: ૦૪ : લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ

લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
.            આજ મારે આંગણે રે,
.                    પ્રભુજી દાતણ કરતા જાવ,
દાતણ કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ
લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
.            આજ મારે આંગણે રે,
.                    પ્રભુજી ના’વણ કરતા જાવ

નાવણ કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ
લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
.            આજ મારે આંગણે રે,
.                    પ્રભુજી ભોજન કરતા જાવ

ભોજન કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ
લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
.            આજ મારે આંગણે રે,
.                    પ્રભુજી મુખવાસ કરતા જાવ
મુખવાસ કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ

*

લોકગીતો એ સમાજનો આયનો છે. જે તે સમયના સમાજના લોક-લોકાચાર, રીત-રિવાજો અને કથા-કથાનકો, ભક્તિ-પૂજા લોકગીતોમાં સુપેરે ઝીલાયેલાં જોવા મળે છે.

(1) લગ્નપ્રસંગના માંગલિક ગીતો:

  1. વેવિશાળ વખતનાં ગીતો
  2. લગ્ન લખતી વેળાનાં ગીતો
  3. સાંજીનાં ગીતો (લગ્ન લખાયા પછી સાંજી=સંધ્યાએ ગવાતાં ગીતો)
  4. મંડપારોપણનાં ગીતો
  5. ચાક વધાવવાનાં ગીતો
  6. ગોતરડો ( ગોત્રજ ) ભરવાનાં ગીતો
  7. ઢોલ-પૂજનનાં ગીતો
  8. ફુલેકાનાં ગીતો
  9. પસ ભરવાનાં ગીતો
  10. ઉકરડી નોતરવાનાં ગીતો
  11. જડ વાહવાનાં ગીતો
  12. પીઠીનાં ગીતો
  13. વાનાનાં ગીતો
  14. પ્રભાતિયાં
  15. રાંદલનાં ગીતો
  16. જાનપ્રસ્થાનનાં ગીતો
  17. જોતર ઢાળાનાં ગીતો (જાન સાસરાના ગામના પાદરમાં બેસે તે)
  18. છાબનાં કે ગોળ ખાવાનાં ગીતો
  19. મોસળાનાં કે મામેરાંનાં ગીતો
  20. સામૈયાનાં ગીતો
  21. હસ્તમેળાપ-હથેવાળાનાં ગીતો
  22. જાન બાંધવાનાં ગીતો
  23. ચૉરી-સપ્તપદીનાં ગીતો
  24. શીખનાં ગીતો (માંડવો વધાવવાનાં ગીતો)
  25. જાન વળાવવાનાં ગીતો
  26. કન્યા વળામણાનાં ગીતો
  27. પોંખણાનાં ગીતો
  28. ઉકરડી ઉઠાડવાનાં ગીતો

(2) સીમંત-અઘરણીનાં ગીતો
(3) બાળ-હાલરડાં
(4) બડવા ને જનોઈનાં ગીતો
(5) મોળાકત (ગૌરીવ્રત)નાં ગીતો
(6) તુલસી વિવાહનાં ગીતો
(7) સૌભાગ્યવતી અને પ્રૌઢ સ્ત્રીઓનાં વ્રત-વરતુલાં
(8) નારીસમૂહના રાસડા
(9) ગરબા, માંડવડી વગેરે
(10) માંગલિક પ્રસંગનાં ધોળમંગળ
(11) શ્રમહારી ગીતો
(12) મૃત્યુ પછીનાં શોક અને પ્રશસ્તિનાં છાજિયાં
(13) આનંદપ્રમોદનાં બૌદ્ધિક ગીતો
(14) પુરુષસમૂહમાં ગવાતાં લોકગીતો વગેરે

  1. સલોકા
  2. ભજન, આગમ, પ્યાલા
  3. રામવળા, ચંદ્રવળા અને છકડિયાં
  4. ભરથરી-રાવળિયાના પ્રશસ્તિ રાસડા
  5. જોગી, રાવળિયાની આરણ્યું, સરજુ, સાવળ
  6. ગરબી અને માતાજીના ગરબા
  7. દુહા અને ગીતકથા
  8. ડીંગ, પાંચકડાં, પબેડાં અને ભરવાડની લાવણી
  9. ભડળપુરાણની અનુભવવાણી
  10. અબાવાણી-શ્રમહારી ગીત અને વર્ણક
  11. વડચડ, આપજોડિયાં અને હુડા
  12. ભવાઈનાં ગીતો

(પૂરક માહિતી: ગુજરાતનાં લોકગીતો – સં. ખોડીદાસ પરમાર)

Comments (6)

લોકગીતોત્સવ: ૦૩ : આજ રે સપનામાં

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો
દહીં-દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો
સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો પારસપીપળો દીઠો જો
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો
ફૂલડિયાંની ફોર્યું રે, સાહેલી, મારા સપનામાં રે

ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે

ઘમ્મર વલોણું ઈ તો અમારો જેઠ જો
દહીં દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે

લવિંગ લાકડી ઈ તો અમારો દેર જો
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે

જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે

પારસ પીપળો ઈ તો અમારો ગોર જો
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે

ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો
ફૂલડિયાંની ફોર્યું, સાહેલી, મારી ચૂંદડીમાં રે

લયસ્તરોની તેરમી વર્ષગાંઠ અને ૪૦૦૦ પૉસ્ટની બેવડી ખુશાલીની ઉજવણી નિમિત્તે આજે આ જાણીતું લોકગીત… ગીતના પૂર્વાર્ધમાં જે રૂપકો જોડાયેલાં છે એનો જવાબ ગીતના ઉત્તરાર્ધમાં જ મજાની રીતે જડી આવે છે…

*

આપણે ત્યાં એક સાહજિક સાર્વત્રિક માન્યતા એવી છે કે લોકગીત એટલે લોકોના મોઢે ગવાતા ગીત… લોકોએ રચેલા અને લોકો દ્વારા મુખોપમુખ પેઢી દર પેઢી વહેતું રહેલું પદ્યસાહિત્ય. પણ એ જાણીને નવાઈ લાગશે કે ‘લોકગીત’ નામાભિધાન તો છેક ઈ.સ. ૧૯૦૫ની સાલમાં રણજીતભાઈ વાવાભાઈએ પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદમાં અંગ્રેજી કાવ્યપ્રકાર Folk-song પરથી કર્યું હતું. કોઈપણ ભાષામાં બોલાતા શબ્દનું આયુષ્ય લખાતા શબ્દ કરતાં સેંકડો-હજારો વર્ષ વધારે જ હોવાનું. આપણે ત્યાં સમાજમાં ચલણી આવા ગીતો પહેલાં કંઠસ્થ મુખપાટીના ગીતો કે દેશજ ગીતો તરીકે ઓળખાતાં. પણ હવે લોકગીત શબ્દ સર્વસ્વીકૃત થઈ ગયો છે. આમ, જેનો કોઈ નિશ્ચિત રચનાકાર ન હોય અને જે સમાજના લોકોમાં મુખોપમુખ ચાલતું આવ્યું હોય અથવા પુરાતન હસ્તપ્રતોમાંથી જડી આવ્યું હોય એ લોકગીત એમ કહી શકાય.

લોથલમાંથી મળી આવેલા અવશેષો પરથી સમજી શકાય છે કે આપણે ત્યાં વેદસાહિત્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાંથી દેશજ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું હશે. શરૂઆતનું આ સંસ્કૃત સાહિત્ય ક્રમશઃ પ્રાકૃત ભાષામાં, પછી અપભ્રંશ ભાષા અને એમ શિષ્ટ ભાષામાં પલટાતું ગયું.

લોકગીતના ‘ઉપાડ’ કે શરૂઆતને ગીતનું ‘થડ’ કહે છે. મધ્યભાગને ‘પેટાળ’ કહે છે જેમાં સંવાદ, સંઘર્ષ કે આપત્તિનું નિરુપણ કરી મૂલ કથાતંતુના વેગને અંતિમ લક્ષ્યગામી બનાવાય છે. અને લોકગીતનું સમાપન એટલે ‘પીચ્છ’ કે ‘છેડો’.

(પૂરક માહિતી: ગુજરાતનાં લોકગીતો – સં. ખોડીદાસ પરમાર)

 

Comments (7)

લોકગીતોત્સવ: ૦૨ : વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ
કહેજો દીકરી સખદખની વાત જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ
દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પરણ્યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલ
જઈ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

અધશેર અમલ તોળાવિયાં રે લોલ
પાશેર તોળાવ્યો સોમલખાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના વાટકડે અમલ ઘોળિયાં રે લોલ
પી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ
ઘરચોળાની તાણી એણે સોડ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આટકાટનાં લાકડાં મંગાવિયા રે લોલ
ખોખરી હાંડીમાં લીધી આગ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પહેલો વિસામો ઘરને આંગણે રે લોલ
બીજો વિસામો ઝાંપા બહાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ત્રીજો વિસામો ગાયોને ગોંદરે રે લોલ
ચોથો વિસામો સમશાન જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના સરીખી વહુની ચેહ બળે રે લોલ
રૂપલા સરીખી વહુની રાખ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

બાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલ
હવે માડી મંદીરિયે મોકળાશ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આ ભવનો ઓશિયાળો હું થયો રે લોલ
હવે માડી દેજો દોટાદોટ જો
આ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ

 

આમ તો આ એક સરળ લોકગીત છે, પણ વાત સમાજના અતલ ઊંડાણ સુધી વ્યાપેલા સડાની છે. રામે જેમ ધોબીવેણ સાંભળી સતીને ત્યાગ્યા હતા તેમ અહીં પણ કંઈક એવી જ વાત છે… હું તો મારા સંપર્કમાં આવતી તમામ દીકરીઓને એક જ હ્રદયપૂર્વકની અપીલ કરું છું કે જ્યાં સામ પક્ષ દ્વારા સમજીવિચારીને તમારું હેતુપૂર્વકનું અપમાન થાય ત્યાં એક ક્ષણ પણ ટકશો નહીં….દુનિયા બહુ વિશાળ છે અને જીવન અત્યંત સુંદર છે. ઝેરીલા વેણ બોલનારા છો ઝેર ખાતા… આપણે તો રસના ઘૂંટડા જ ભરવા.

Comments (7)

લોકગીતોત્સવ: ૦૧ : હાજી કાસમ, તારી વીજળી – લોકગીત

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ

ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઇ શે’ર
દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઇ શે’ર
દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઇ શે’ર

તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર
ચૌદ વીશું માંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર [ 14 * 20 = 280 ]

અગિયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઇ શે’ર
બાર બજે તો બરોબર ચડિયાં, જાયછે મુંબઇ શે’ર

ઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ
મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય

જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય
પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન [ વિશ્વાસ ]

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય
મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય

ચહમાં [ ચશ્માં ] માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર
કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઇ શે’ર [ કાચની બોટલમાં સંદેશો લખી તરતો મૂકવો ]

હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ
પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર

ફટ ભૂંડી તું વીજળી મારાં, તેરસો માણસ જાય
વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્ઠીના લેખ

તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યા કેસરિયા વર
ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ

મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુંની વાટ

સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ
દેશ,દેશથી કંઈ તાર વછૂટ્યા, વીજળી બૂડી જાય

વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય
પીઠી ભરી તો લાડડી રુએ, માંડવે ઊઠી આગ

સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ
મોટાસાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર

મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર
સાબ, મઢ્યમ [ ગોરી મેડમ ] બે દરિયો ડોળે,પાણીનો ના’વે તાગ

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ…….

 

 

વૈતરણા જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું, કારણ કે જહાજ વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હતું, તેની અંતિમ સફરની આ અમર ગાથા છે.

એ. જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું આ જહાજ હતું. આ જહાજ ૮ ડિસેમ્બર ૧૮૮૮ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું. વૈતરણા માંડવી બંદર પર ગુરૂવાર, ૮ નવેમ્બર ૧૮૮૮ ના રોજ બપોરે લાંગર્યું હતું અને ૫૨૦ પ્રવાસીઓને લઈને દ્વારકા માટે રવાના થયું. દ્વારકા પહોંચ્યા બાદ વધુ પ્રવાસીઓ લીધા બાદ સંખ્યા ૭૦૩ પર પહોંચી. તે પોરબંદર માટે રવાના થયું. લોકવાયકા મુજબ, પોરબંદર બંદરના સંચાલક લેલીએ કપ્તાનને સમુદ્રમાં સફર કરવાની ના પાડી હતી [ પણ પછી થયેલા સંશોધનો મુજબ આ વાત ખોટી હતી.]. ખરાબ હવામાનને કારણે જહાજ પોરબંદર પર રોકાયું નહી અને સીધું મુંબઈ જવા રવાના થયું. સાંજ પડતાં તે માંગરોળના દરિયા કિનારે દેખાયું હતું અને કેટલાંક લોકોએ તેને માધવપુર (ઘેડ) નજીક ભારે તોફાનમાં તૂટેલું દેખાયું હોવાનો દાવો કર્યો હતો. બીજા દિવસે જહાજને ખોવાયેલું જાહેર કરવામાં આવ્યું હતું

આ દુર્ઘટનામાં ૭૪૦થી વધુ લોકો ખોવાઈ ગયા હતા. આ ઘટનાને કારણે ઘણાં દરિયાઈ કાવ્યો અને લોકગીતો રચાયા છે.

હું ઘણો નાનો હતો ત્યારે આ ગીત કોઈક સામાયિકમાં વાંચેલું [ ઘણું કરીને જનક્લ્યાણમાં ] અને ત્યારથી એ સ્મૃતિપટ પરથી કદી ભૂંસાયું નથી….

Comments (2)

‘લયસ્તરો’ની સફર ના તેર વર્ષ પૂરા

‘લયસ્તરો’ની સફરને આજે તેર વર્ષ પૂરા થાય છે.

તેર વર્ષ એટલે ૪૭૦૦થી ઉપર દીવસો. એટલા દીવસોમાં વહેંચી ૪૦૦૦થી વધારે કવિતાઓ.’લયસ્તરો’ની આ સફર કલ્પનાતીત છે. ગુજરાતી કવિતાને – અરે ગુજરાતીને જ- વેબ પર કોણ પૂછવાનું એવું કહેવા વાળા ઘણા હતા. એની સામે કવિતાને દિલોજાનથી ચાહનારા ને માણનારા ઓછા હતા. પણ જે હતા એ બધા દિલદાર હતા. એ ચંદ લોકોના પ્રેમથી પોષઇને ‘લયસ્તરો’નો છોડ ઉછરી ગયો જે આજે તો વટવૃક્ષ થયો છે. તહેદિલથી અમે એ બધા શુભેચ્છકો, વાંચકો, કવિઓ અને મિત્રોનો આભાર માનીએ છીએ.

માર્ક ટ્વેને એક વાર કહેવુ પડેલું, “The reports of my death are greatly exaggerated.” ગુજરાતી ભાષાના ગુજરી જવાના સમાચાર એવી જ રીતે ખોટા પડ્યા છે એનો સૌથી વધારે આનંદ છે. લાયબ્રેરીઓના ઘૂળીયા કબાટોમાં છેલ્લા શ્વાસ લેતી ગુજરાતી આજે ષોડશીના જોમ સાથે વેબ અને વોટ્સએપ પર વટથી ફરી રહી છે એ પણ કંઇ ચમત્કારથી ઓછી વાત નથી.

અણગણિત કવિઓ -અને ખાસ કરીને નવી પેઢીના કવિઓ- રોજેરોજ મા ગુર્જરીને જે જતનથી નિતનવીન નૈવેદ્ય અર્પણ કરી રહ્યા છે એ ગર્વની વાત છે. ગુજરાતી કવિતામાં નવા પ્રયોગો ખૂબ થઈ રહ્યા છે. બીજી ભાષાઓ સાથે આદાન-પ્રદાન પણ વધતું જાય છે. આ બધુ જોઇને ગુજરાતી હોવાનો કેફ એટલો વધારે ચડે છે.

દર વર્ષે ‘લયસ્તરો’ની વર્ષગાંઠની ઉજવણી કશુંક અલગ કરીને કરવાનો ક્રમ આ વખતે પણ ચાલુ રાખવાનો પ્રયાસ છે. આ વખતે આપણા લોકગીતોના ખજાનામાંથી થોડા રત્નો એક અઠવાડિયા સુધી રોજ રજુ કરવાનો વિચાર છે. સામુહિક ચેતનાથી ઘડાયેલા લોકગીતોની તો પોતાની જ આગવી મઝા અને મીઠાશ છે. તો આવતી કાલે મળીશુ આપણા લોકગીતોની સફરના પહેલા મુકામ સાથે.

Comments (24)

પાણીની કૂંચી – ઑક્તાવિયો પાઝ (અનુ.: વિવેક મનહર ટેલર)

ઋષિકેશ પછી
ગંગા હજીય લીલી છે.
કાચની ક્ષિતિજ
ટેકરીઓમાં તૂટી જાય છે.
અમે સ્ફટિક ઉપર ચાલીએ છીએ.
ઉપર અને નીચે
શાંતિની મહાન ખાડીઓ.
ભૂરા અવકાશમાં
સફેદ પથ્થરોમાં, કાળા વાદળોમાં.
તેં કહ્યું’તું:
.           ये देश स्त्रोतों से भरपूर है।
એ રાત્રે મેં મારા હાથ તારા સ્તનોમાં ધોઈ લીધા હતા.

-ઑક્તાવિયો પાઝ
(અનુ.: વિવેક મનહર ટેલર)

પાણી આજે (અને હંમેશાથી) આધ્યાત્મિકતાની ચાવી રહ્યું છે. જેમ આપણે હિંદુઓ ગંગાને પવિત્ર ગણીએ છીએ અને એને મોક્ષનો દરવાજો ગણીએ છીએ, એમ મોટાભાગના ધર્મોએ વિશ્વ આખામાં જળાશયો સાથે આધ્યાત્મિક અર્થચ્છાયાઓ સાંકળી છે.

આખી રચના સ્પેનિશ ભાષામાં છે પણ કવિએ સહેતુક એક પંક્તિ -‘ Le pays est plein de sources ’-ને ફ્રેન્ચ ભાષામાં લખીને અલગ તારવી છે. આ પંક્તિનો મતલબ છે, આ દેશ સ્ત્રોતોથી, ઝરણાંઓથી ભરપૂર છે. આ વાક્ય આખી કવિતાને, બે ધ્રુવોને એકબિંદુએ લઈ આવે છે, એ અર્થમાં આ કવિતા આખા પૂર્વાર્ધ અને એક પંક્તિના ઉત્તરાર્ધ વચ્ચેનો મિજાગરો છે. અને એટલે જ કવિએ અલગ ભાષા વાપરીને સચેત કવિકર્મની સાહેદી આપી છે.

કવિ કહે છે કે એ રાત્રે એમણે પોતાના હાથ તેણીના સ્તનોમાં ધોઈ નાખ્યા હતા. વાત તો સંભોગની જ છે પણ કવિ આ સંભોગને ગંગાની પવિત્રતા અને મેક્સિકોની ખાડીની મહાનતાની કક્ષાએ લઈ જાય છે. માનવ શરીરને કવિ એના શુદ્ધ સ્વરૂપમાં જુએ છે. પ્રેયસીના સ્તનમર્દનને ગંગાસ્નાન દરમિયાન પોતાની તમામ મલિનતાઓને ધોવા સાથે સરખાવીને પાઝ એક જ પંક્તિમાં સાવ સાદી લાગતી કવિતાને એવરેસ્ટની ઊંચાઈએ લઈ જાય છે.

The Key of Water

After Rishikesh
the Ganges is still green.
The glass horizon
breaks among the peaks.
We walk upon crystals.
Above and below
great gulfs of calm.
In the blue spaces
white rocks, black clouds.
You said:
.           Le pays est plein de sources.
That night I washed my hands in your breasts.

– Octavio Paz
(Trans.: Elizabeth Bishop)

Comments (2)

અજવાળાંના દેશે – હર્ષદ ત્રિવેદી

ઝીણી ને મધુરી વાગે ઘંટડી,
.            ધોરી ડમણું ખેંચે રે જૂના ગામનું,
.                       અણજાણ્યા મારગની કેડી સાંપડી…

અજવાળાના દેશે સાજણ સંચરો,
.            ઝલમલ વાણાં વાયે રે આઠે પ્હોર,
.                       અંજાતી આંખ્યુંમાં સૂરજની છડી…

સાદ કરી બોલાવે ઊંડી શેરિયું,
.            ખલકામાં ખોવાવું ધરવી ધાણ્ય જો,
.                       ઝાકળની ઝળહળમાં દેખું વા-ઝડી…

અળગા રે થાવું ને ભળવું ભેદમાં,
.            અંઘોળે અંઘોળે મનખો માંજવો;
.                       પલકારો પામ્યાની આવી રે ઘડી…

નરી રે નજરુંથી ભાળું ભળકડે,
.            હાથ રે લંબાવું છેટાં જોજનો,
.                       સૂનાં રે સપનાં ને સૂની આંખડી…

– હર્ષદ ત્રિવેદી

ઉંમરનું નાકું આવી લાગ્યું છે. આ ગાડું જૂનું થયું છે પણ ન થવાનું થયું છે. પાકટ વયે અજાણ્યા માર્ગની કેડી સાંપડી છે ને આતમરામ નામનો બળદ ખખડધજ ડમણિયાંને ઝીણી ને મધુરી ઘંટડી સાથે આ નવા મારગ પર ખેંચી લઈ જઈ રહ્યો છે… આ અણજાણ્યા મલકમાં સૂરજ ઊગી ચૂક્યો છે, અજવાળું જ અજવાળું છે. આધ્યાત્મની ઊંડી શેરીઓ જ્યારે સાદ કરીને બોલાવતી હોય ત્યારે ફકીરમાં-ગુરુમાં ખોવાઈ જવાનું હોય, એમને અર્ધ્ય આપવાનું હોય… આમ કરીએ તો ઝાકળમાં પણ વાવાઝોડું નજરે ચડે… યશોદાને મુખમાં બ્રહ્માંડ નહોતું દેખાયું? ‘હું’થી અળગાં થઈને મર્મજ્ઞાનમાં ભળવાનું છે, મનખાને માંજવાનો છે કેમકે પલકારો પામવાની ઘડી આવી ઊભી છે… વીજળીના ઝબકારે મોતીડાં પરોવવાનાં છે…

આધ્યાત્મની વાત બાજુએ મૂકીએ તો પણ ગીત એના લય અને મોટાભાગની પંક્તિઓમાં જોવા મળતી વર્ણસગાઈના આંતર્લયના કારણે વધુ આસ્વાદ્ય બન્યું છે.

ધોરી – બળદ
ડમણું – ગાડું
ખલકો – ફકીરનો ઝભ્ભો, કાયા
ભેદ – મર્મજ્ઞાન; એકત્વરૂપમાં પરિણત પુદ્ગલપિંડ (સ્થૂલ શરીર)નો વિભાગ થવો તે. પુદ્ગલ સ્પર્શ, રસ ગંધ અને વર્ણવાળા હોય છે તથા તે શબ્દ, બંધ, સુક્ષ્મત્વ, રથૂલત્વ, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે. ભેદના પાંચ પ્રકાર છે: ઔત્કરિક, ચોર્ણિક, ખંડ, પ્રતર અને અનુતર. (ભગ્વદ્ગોમંડલમાંથી સાભાર)
અંઘોળ – સ્નાન
ભળકડું – ભડભાખળું, પ્રાતઃકાળ

Comments (3)