હું એ જ કારણે રહું સ્મરણની હદથી દૂર..દૂર..
છે ઠંડી ઠંડી આગ એ, વધારે શું નિકટ કરું ?
સંજુ વાળા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2014

તૃષ્ણા – કાલિદાસ (ભાવાનુવાદ : ડૉ. નીના ભાવનગરી)

समदिवसनिशीथं सगिनस्तत्र शंभोः
शतमगमदृतूनां साग्रमेका निशेव ।
न तु सुरतसुखेभ्यश्र्छिन्नतृष्णो बभूव
ज्वलन इव समुद्रान्तर्गतस्तज्जलेषु ॥
– कालिदास
(कुमारसंभवम् – सर्ग ८)

(પાર્વતીસંગે રમણ કરતા શંકરની સો ઋતુઓ દિવસ-રાતનો ભેદ કર્યા વિના એક રાત્રિની જેમ વીતી ગઈ; તેમ છતાં સમુદ્રને તળિયે રહેલો વડવાગ્નિ એનાં જળ પીને પણ ધરાતો નથી તેમ શંકરની સુરતક્રીડાના સુખની તૃષ્ણા અચ્છિન્ન રહી)
– ભાવાનુવાદ : ડૉ. નીના ભાવનગરી

ગઈકાલે જ મહાશિવરાત્રિ ગઈ… એ નિમિત્તે મહાકવિ કાલિદાસની કલમે શિવજીના એક અલગ જ રૂપના દર્શન કરીએ. પાર્વતી સાથે કામાસક્ત શંકર માટે સો વરસનો પ્રદીઘ ગાળો પણ જાણે એક જ રાત હોય એમ પસાર થઈ જાય છે… સ્નેહાસિક્ત સંબંધમાં રાત-દિવસનો ભેદ પણ ઓગળી ગયો છે અને તોય જે રીતે સમુદ્રના પેટાળમાં અનવરત ભભૂકતો અગ્નિ પણ અમાપ જળની ભીતર હોવા છતાં ઓલવાતો નથી એમ શંકરની કામક્રીડાસુખની એષણા-તરસ પણ છીપી છિપાતી નથી.

Comments (2)

કોયલનો ટહુકો – માયા એંજેલો (ભાવાનુવાદ – ચંદ્રેશ ઠાકોર)

ડાળ પર ટહુકા કરતી કોયલ…
એ ટહુકા
કોઈના સવાલના જવાબ નથી,
કોઈના ટહુકાના પડઘા નથી.
એ ટહુકા
સ્વયંસ્ફૂરિત છે,
અંતરમાં જાગેલા ગીતનો આવિષ્કાર છે…

– માયા એંજેલો
(ભાવાનુવાદ – ચંદ્રેશ ઠાકોર)

આ કવિતા વાંચીએ અને રાજેન્દ્ર શાહની ‘નિરુદ્દેશે’ યાદ આવી જાય. અકારણ નિઃસ્વાર્થ સ્વયંભૂ વહેતા કોયલના ટહુકાની અડોઅડ આપણી જાતને મૂકીએ તો ?

Comments (5)

જે વાત – આદિલ મન્સૂરી

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં.

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં.

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં.

– આદિલ મન્સૂરી

Comments (7)

પ્રથમ પ્રણયાનુભૂતિ – રિષભ મહેતા

એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈં
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈં

ખૂબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં,
તું મળે પ્રત્યક્ષ ત્યારે ‘કેમ છે?’ પુછાય નૈં

રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખું તને ,
ત્રણ ઘટનાઓથી આગળ આ કથા કંઈ જાય નૈં

હુંય એ જાણું જ છું કે તું બધું જાણે જ છે,
તુંય એ જાણે જ છે કે કંઈ બધું કહેવાય નૈં

એટલી નાજુક છે તારી નિકટતા, કે તને-
એ તૂટી જાવાના ડરથી સ્પર્શ પણ કંઈ થાય નૈં

એક દી તું આ નજરથી દૂર થઈ જાશે અને
હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય નૈં

મ્હેકતો ગજરો હશે તારી લટોમાં ને અહીં –
એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય નૈં

આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈં

– રિષભ મહેતા

એક નાજુક ગઝલ…….

Comments (12)

અંગૂરી સાંજ — પારુલ ખખ્ખર

વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..
ઘાંઘી થઈ ધબકારા ઝાલું ન ઝાલું ત્યાં છૂટ્યા ધબ્બાક દઈ અરર..

કેસૂડો ડંખ્યાની વેળાને પોંખુ કે પોંખુ આ અધકચરું ભાન !
ઓગળતા ઓગળતા એક થયા એવા કે રંગાયો કેસરિયો વાન.

દોમદોમ રસભીના એકાંતે ચીર્યો છે જર્જર સન્નાટાને ચરર..
વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..

રાંધણિયે આવીને બેઠું પતંગિયુ ને ચૂલો તો મઘમઘતો બાગ !
કોણે પેટાવી ને કોણે ચગાવી આ રોમરોમ રણઝણતી આગ ?

એવી કોમળતાથી નસનસને ઠારી કે જાણે હો પીંછાનુ સરર..
વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..

જેને અઢેલીને ખીલ્યા એ ભીંતોને ફૂટી છે મ્હેંક મ્હેંક વેલ,
બિંબોમાં ઝિલાયો ગહેકંતો મોરલો ને ઝિલાણી થનગનતી ઢેલ

અંગૂરી એક સાંજ આવી છે જીવતરમાં એને લે ઝોળીમાં ભરર..
વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..

— પારુલ ખખ્ખર

કેવું મજાનું ગીત ! સદભાગ્ય છે કે હજી આપણા અહેસાસોને આવા વાસંતી વાયરા અડતા રહે છે ને આપણા શ્વાસોનાં ટોળાં ઊડતાં રહે છે… શ્વાસોને ઊડી જતાં જોઈ ઘાંઘાં થઈ જવાય છે ને ધબકારાઓને ઝાલીએ, ન ઝાલીએ તેવામાં તો ફુર્ર કરતાંકને છટકી જાય છે…

પતંગિયું રાંધણિયે આવી બેસે ને ચૂલો આખો મઘમઘતો બાગ થઈ જાય એવું મજાનું કલ્પન તો કોઈ સ્ત્રી જ કરી શકે… વાહ કવયિત્રી…

Comments (10)

ખામોશ ઊભો છું ! – વંચિત કુકમાવાલા

ફરી એકાદ ઊંડો શ્વાસ લઈ ખામોશ ઊભો છું;
તડપતા હોઠ વચ્ચે પ્યાસ લઈ ખામોશ ઊભો છું !

તમે નક્કી ફરી મળશો, મને છે ખાતરી તેથી –
નવેસરથી જૂનો વિશ્વાસ લઈ ખામોશ ઊભો છું !

તમે જે રાહથી નીકળ્યા હતા વરસાદમાં છેલ્લે,
ધરા પર ત્યાં ઊગેલું ઘાસ લઈ ખામોશ ઊભો છું !

ઢળેલી સાંજનું પીછું ખરેલું હાથમાં લઈને,
ઊભો છું, આંખમાં આકાશ લઈ ખામોશ ઊભો છું !

અધૂરું નામ, સરનામું, ગલી ને ગામ આ ‘વંચિત’,
અધૂરો આપણો ઇતિહાસ લઈ ખામોશ ઊભો છું !

– વંચિત કુકમાવાલા

ગઈકાલે આપણે હરિહર જોશીની “હજી હમણાંજ બેઠો છું” ગઝલ માણી. આજે ખામોશ ઊભા રહેવાની વાતવાળી આ ગઝલ માણીએ.  ખામોશી પોતે સ્થિરતા સૂચવે છે અને ઊભા રહેવાની વાત આ સ્થિરતાને જાણે ‘ગતિ’ આપે છે…

Comments (7)

હજી હમણાં જ બેઠો છું – હરિહર જોશી

કોઈની વાટ નીરખતો હજી હમણાં જ બેઠો છું
અધૂરું ગીત ગણગણતો હજી હમણાં જ બેઠો છું

હતાં ચોમેર મારાં બિંબ દર્પણના નગર વચ્ચે
ડરીને ભીડમાં ભળતો હજી હમણાં જ બેઠો છું

ખબરઅંતર ખરેલાં પાનનાં પૂછી: દિલાસા દઈ
ઈરાદા મોસમી કળતો હજી હમણાં જ બેઠો છું

અજાણ્યા માર્ગમાં મળશે બીજો પંથી એ આશામાં
હું રસ્તે આંખ પાથરતો હજી હમણાં જ બેઠો છું

મુઢ્ઢીભર આગિયા સાથે હતા અજવાળવા રસ્તો
તમસમાં ખુદ ઝળહળતો હજી હમણાં જ બેઠો છું

– હરિહર જોશી

એક માત્ર “હજી” શબ્દ જ આખી ગઝલની ફ્લેવર બદલી નાંખે છે…

Comments (11)

અતિક્રમવું – શિશિર રામાવત

ના, જરૂરી નથી મારા દરેક વિચારનું વર્જિન હોવું
વિચારોની વર્જિનીટી ક્યાં હોય છે આપણા હાથમાં ?
મારે તો અનુભવોના વિશ્વને અતિક્રમવું છે.
અનુભવ- જડ,મૂર્ત,સ્થિર,ઘન.
મારે તો અનુભવોના ઝીણા ઝીણા ટુકડાઓ કરવા છે
એમાંથી રેષાઓ ખેંચવા છે.
એના રંગોનું વિઘટન કરવું છે
તેનું પ્રવાહીકરણ કરી તેને બાષ્પ થતા નિહાળવા છે.
વિચાર, તું આવ.
શૂન્યોની શૃંખલાની આગળ
અડીખમ ઊભેલા એકડાને
ઊંચકીને ફેંકી દે શૂન્યોની પાછળ
બનાવી દે ઘટનાઓને બહુપરિમાણી અને પારદર્શક
તોડી નાખ એના આકારોને
શોષી લે તેના વજનને
ના, મને તારા ઇતિહાસમાં રસ નથી
છેદીને, ભેદીને, તોડીને,વલોવીને-
મારે તો બસ ઘટનાઓની આરપાર થવું છે

– શિશિર રામાવત

કાવ્યનું કેન્દ્રીય તત્વ ધ્યાનાકર્ષક છે…..

Comments (7)

જીવલાનું જીવન [ અંગેનું તત્વજ્ઞાન ] – સૌમ્ય જોશી

પેટ હતું તો ઝબ્બે થઈ ગ્યું, રાત હતી તો પડી,
ઊંઘ હતી તો આવી ગઈ ને ફૂટપાથોને જડી.

હાથ હતા તો ભાર ઊંચક્યો, શ્વાસ હતા તો હાંફ્યા,
બીજે તો ક્યાં જઈને કાઢે દાઝ હતી તો દાઝ્યા.

લગન હતાં તો થયાં લગન, હતાં પોરિયાં આયાં,
પેટ હતું તો મળ્યું એમને હાથ હતા તો લાયા.

હોઠ હતા તો ગાળ હતી, કાન હતા તો લીધી,
હતો રૂપિયો મળી યેવલા*, આગ હતી તો પીધી. [ યેવલા : બીડીની એક બ્રાન્ડ ]

લોહી હતું તો ગયું સુકાઈ, હતાં હાડકાં થાક્યાં,
ભીડ હતી તો ભેગી થઇ ગઈ, હતા ખભા તો આપ્યા.

વાળ હોય તો ટાલ થાય, ને કમર હોય તો વળે,
શ્વાસ હોય તો ખૂંટી જાય ને લખચોરાસી ફળે.

-સૌમ્ય જોશી

આ કાવ્ય આમ સરળ લાગે છે પણ આમાં એક profound theory છુપાયેલી છે – G I Gurdjieff [એક રશિયન તત્વચિંતક] કહી ગયો છે કે એક સામાન્ય માનવી કશું પણ ‘કરતો’ નથી- કરી શકતો જ નથી – …..તેની સાથે સઘળું ‘થાય’ છે. તેનું આખું જીવન અકસ્માતો દ્વારા નિયંત્રિત થાય છે. ઝટ ગળે ઉતરે એવી આ વાત નથી પરંતુ તેણે ખૂબ ઊંડાણપૂર્વક આખી વાત સમજાવી છે. આખી વાત રજૂ કરવી અહીં શક્ય નથી પરંતુ એટલું જરૂર કહી શકાય કે એની વાત માં દમ છે.

કાવ્યનું શીર્ષક એ વાત સ્પષ્ટ કરે છે કે આ કાવ્યનો નાયક એક શ્રમજીવી છે. મને ઘણીવાર વિચાર આવે કે જેને સવારે ખબર ન હોય કે સાંજે કૈક ખાવા મળશે પણ ખરું કે નહીં , તેને માટે તત્વજ્ઞાન કેટલુંક પ્રસ્તુત કહેવાય !!!!

Comments (13)

ગઝલ – ગૌરાંગ ઠાકર

સમેટું મને કે બધે વિસ્તરું?
તને પામવા તું કહે તે કરું.

આ પાણીમાં ડૂબી ગયો છે પવન,
કહો, સૂર્યકિરણોથી જળ ખોતરું?

હો કીર્તિ તમારી કે હો આબરૂ,
હવાના હમાલો કરે તે ખરું.

દીવાલોની દાદાગીરી બહુ વધી,
ગયું જ્યારથી ઘર મૂકી છાપરું.

બગીચાના માળીની ગઈ નોકરી,
હવે પાનખરને નહીં છાવરું.

હું વરસાદનો કોઈ છાંટો નથી,
તું છત્રીમાં હો.. તે છતાં છેતરું.

– ગૌરાંગ ઠાકર

મજાની ગઝલ.. બધા જ શેર ગમી જાય એવા… સરળ ભાષા અને સહજ કલ્પનોની મદદથી ઉપસી આવતાં અનૂઠા શબ્દચિત્રો… આખરી શેર તો વાહ વાહ વાહ કરાવી જાય એવો છે…

Comments (9)

અમે તો પરપોટાની જાત – નેહા પુરોહિત

parpoTo_neha

*

અમે તો પરપોટાની જાત
હેત કરીને આપી તેં તો સોય તણી સોગાત!!!
અમે તો પરપોટાની જાત…

ભેટ મળી વહાલમની તો પણ કેમ રાખવી માયા ?
પોત અમારું કાચું, સાજન ! પવન તણી છે કાયા,
જળની મૂરત – ફૂંક તણો યે ક્યાં સહેશે આઘાત ?
અમે તો પરપોટાની જાત…

સૂરજ થઈને પસવારી દે તેજ કિરણનાં બાહુ
મારા ગ્રહકૂંડળનાં સઘળાં સ્થાને તુજને સ્થાપુ
એક ટશરના બદલે આપી દઈએ રંગો સાત
અમે તો પરપોટાની જાત…

– નેહા પુરોહિત

વહાલ વેરતા વેલેન્ટાઇનના દિવસે વેરી વહાલમને સળી કરતું વેલ-ઇન-ટાઇમ ગીત !

પરપોટા જેવી નાજુક પ્રિયતમા અને સોયની અણી ભેટ ધરતો બરછટ વહાલમ… કવયિત્રી કેવી કમનીયતાથી પરપોટાની ઓથમાં પોતાના લવચિક સ્નેહને વ્યક્ત કરે છે ! સોયની અણીની ભેટ ભલે વહાલમની કેમ ન હોય, જેને એક ફૂંકનો આઘાતેય જાનલેવા હોય એવો પરપોટો વળી કેમ કરીને એને હૈયે ચાંપી શકે? પણ તોય જો વહાલમ જીવનમાં પ્રકાશ થઈ આવવા ચહે તો પોતાનાં બધા જ પૂર્વગ્રહો ત્યજીને બધાં સ્થાને એને સ્થાપવા પ્રેયસી તૈયાર છે. સૂર્યનું એક કિરણ પડતાં  જ પરપોટા પર ખીલી ઊઠતાં સાત રંગોની હકીકત જે રીતે શબ્દોમાં વણી લેવાઈ છે એ ગીતને કવિતાની, સારી કવિતાની કક્ષાએ આણે છે…

હેપ્પી વેલ-ઇન-ટાઇમ ડે, દોસ્તો !

 

 

Comments (6)

સવાર (પંતુજીની દૃષ્ટિએ) – સુરેશ જોષી

આજે સવારે બેઠી નિશાળ,
પવન ઘૂંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.
હારબંધ આ કબૂતર ગોખે
ગઈકાલનો આ પાઠ ઝરોખે;
સવારનો આ ચંદ્ર રાંકડો –
ધ્રૂજતે હાથે લખેલ આંકડો !
સૂર્યકિરણની દોરી રેખા
કોણ, કહોને, માંડે લેખાં ?
આજ સવારે બેઠી નિશાળ,
પવન ઘૂંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.

– સુરેશ જોષી

દૃષ્ટિ એવી સૃષ્ટિ. પવન હળું હળું મધુમાલતીની ડાળ ઝુલાવતો હોય, કબૂતરો ગોખલામાં કતારબંધ બેસીને ઘૂટરઘૂ કરતાં હોય, સૂર્યકિરણ સૃષ્ટિને અજવાળતું હોય ત્યારે રાતનો રાજા ચંદ્ર રાંકડો થયેલો દેખાય એવી મધુર સવારના સૌંદર્યનો આનંદ કોઈ પંતુજી લેતું હોય ત્યારે? જાણીતા વિવેચક જયા મહેતા આ કવિતાને મૂલવતાં લખે છે, “કુંઠિત દૃષ્ટિથી સવારને જોતા પંતુજી સવારને અને એના સૌંદર્યને ચૂકી જાય છે. કટાક્ષ વગરનો કવિનો કટાક્ષ ભારે વેધક છે. સવારની સૃષ્ટિને એમને રૂપે માણવાને બદલે પંતુજી નિશાળની બંધિયાર હવામાં ગોંધી દે છે એની વાત કરીને કવિ મુક્ત થયા છે.”

Comments (4)

તો હું શું કરું? – આદિલ મન્સૂરી

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

-આદિલ મન્સૂરી

ગઈકાલે આપણે જવાહર બક્ષીની ગઝલ માણી. એ પહેલા રઈશભાઈની ત્રણ રચનાઓ માણી. એ સૌના contrast રૂપે આજે આ પરંપરાગત અને આશરે પચાસ વર્ષ જૂની રચના મૂકી છે…… ગઝલની યાત્રા સ્પષ્ટ દેખાય છે……

Comments (7)

સ્તબ્ધ વન – જવાહર બક્ષી

સ્તબ્ધ વન, વૃક્ષોય સ્થિર ને પાંદડું એકે ન ડોલે,
બંધ મુઠ્ઠીમાં પવન છે, પણ એ મુઠ્ઠી કોણ ખોલે.

પ્હેલ કરવાની પ્રતીક્ષામાં…. છે વર્ષોના અબોલા,
એક અમથો શબ્દ બસ છે, પણ એ અમથું કોણ બોલે.

એક તો અમથી અધૂરપના અરીસામાં તરસીએ,
ને વળી બુઠ્ઠી અપેક્ષા આપણાં પ્રતિબિંબ છોલે.

આપણું હોવાપણું આકાશ ! એ ક્યાં માપવાનું !
બેઉ બાજુ હોઈએ તો ત્રાજવું પણ શુંય તોલે.

આમ આ ઊભા અડોઅડ, આમ ક્ષિતિજથીય આઘા,
પારદર્શક ભીંત વચ્ચે…. કોણ એનો ભેદ ખોલે.

-જવાહર બક્ષી
[ સૌજન્ય- ડૉ.નેહલ નંદીપ વૈદ્ય ]

અદભૂત ગઝલ !!! એક એક શેર જુઓ !!!!

Comments (8)

ગઝલ – રઈશ મનીઆર

તમે આવી ગયા, તો રાત અંધારી હવે કેવી!
હવે દીવાનગી છે બસ, સમજદારી હવે કેવી!

ઈજા થઈ છે, વહ્યું લોહી, એ કાગળ પર ઉતરવાનું!
ફકત શાહીમાં બોળેલી કલમકારી હવે કેવી!

રઝળતી લાગશે, તો પણ તમારે રસ્તે રઝળે છે,
સલામત છે અમારી જાત, નોંધારી હવે કેવી!

ગમી જો જાય તમને તો આ મિલ્કત પણ તમારી છે
સભા વચ્ચે મૂકી દીધી, ગઝલ મારી હવે કેવી!

ગમે તે પળ તુ આવે તો, ભલે, હે મોત મેહબૂબા!
તરત ચાલી નીકળશું, કોઈ તૈયારી હવે કેવી!

કફન પર સાદગી શોભે, કફન કોરું જ રહેવા દો
જીવનભર બહુ કરી, આજે, મીનાકારી હવે કેવી!

– રઈશ મનીઆર

લયસ્તરો પર છેલ્લા ત્રણ દિવસથી ખીલેલ ‘રઈશ-વિશેષ’ના બિલિપત્રનું આ ત્રીજું પાંદડું… સભાની વચ્ચે મૂકીને લોકાર્પિત કરી દેવાયેલી આ ગઝલ વિશેષ ટિપ્પણીની મહોતાજ નથી…

Comments (5)

ગઝલ – રઈશ મનીઆર

સગપણ વગર, સંબંધના વિવરણ વગર મળી
સદભાગ્યે પીડા અમને પળોજણ વગર મળી.

લોકોની આંખમાં મને દેખાયો બસ, અભાવ…
મારી છબી, જુઓ, મને દર્પણ વગર મળી.

અંતે તો જીવવાનું એ કારણ બની ગઈ
આ વેદના અપાર જે કારણ વગર મળી.

દુલ્હન મળે અપ્રિય પતિને, હા, જે રીતે…
આ જિંદગી મનેય સમર્પણ વગર મળી.

સન્માનથી, તમામ ખિતાબોથી છે વિશેષ
નાનકડી એક ખુશી જે મથામણ વગર મળી.

અંતે તો દર્દ સાથે ઘરોબો થયો અતૂટ
રાહત મળી તો દર્દ નિવારણ વગર મળી.

– રઈશ મનીઆર

અભાવ અને પીડાની કેવી દર્દદાયક છબી ! આ ગઝલ છે કે વેદનાનો સાક્ષાત્કાર ! લોકોની આંખોમાં પ્રતિબિંબાતા અભાવમાં કવિ પોતાની જાતને જુએ છે એ લાગણી જ કેટલી પીડાદાયક છે !

બધા જ શેર તકલીફ-પીડા-દુઃખના નાનાવિધ આયામ રચી આપે છે… હા, એક શેર છે ખુશીનો… પણ એ શેર પણ ખરેખર ખુશીનો છે કે અહીં પણ હંમેશા મથામણોને અંતે જ મળતી ખુશીઓના ઉલ્લેખની પાછળ દર્દનો જ ગર્ભિત ઇશારો છે !?

Comments (4)

ગઝલ – રઈશ મનીઆર

દીવાલ પર રહે બદલાતા રોજ શણગારો
છતાં રહે છે સદા કાળો એનો પડછાયો

ભૂલી રહ્યો છે ટકોરાની ભાષા ધીમે ધીમે
ઉદાસ રાતે નગરમધ્યે એક દરવાજો

નદીને આગવી રીતે સહુ પિછાણે છે
પહાડ, ખીણ, તળેટી અને આ મેદાનો

વિશાળતા વિશે જો મ્હેલની હું પૂછું છું
મળે જવાબ : અહીં આટલા છે દરવાનો

કબર ઉપર જો કદી ઘાસ લીલું ઊગે છે
એ રીતે લાશના ફૂટી પડે છે અરમાનો

‘રઈશ’ માણસોની વાત ત્યારે પૂછે છે
પડે છે રાત, ને પડછાયા છોડે સથવારો

– રઈશ મનીઆર

ઉમદા ગઝલ… એક-એક શેર પાણીદાર… અન્ય ગઝલકારોની જેમ સ્થિર થઈ જવાના બદલે રઈશભાઈની ગઝલો ઉત્તરોઉત્તર ઊર્ધ્વગતિ કરતી અનુભવાય છે એ ગુજરાતી ભાષાનું પરમ સૌભાગ્ય છે…

Comments (8)

શેરીનો રસ્તો – કૈલાસ પંડિત

આંખોથી નીકળી અને હોઠો સુધી ગયો,
ખોબો ભરી હું કોઈના ચ્હેરાને પી ગયો.

સરખા થવાની વાત તો આકાશમાં રહી,
ઊડતી લટોની સાથ હું ઊડી ઊડી ગયો.

ડૂબી રહેલો સૂર્ય મેં જોયો હશે ? હશે !
સમણાં લઈ હું કોઈના ખોળે સૂઈ ગયો.

ગુલમોર જોડે આંગળી રમતી રહી હજી,
તડકો ગલી-ગલીમાં ત્યાં ઊભો રહી ગયો.

અમથું જરીક બારણું ખુલ્લું થયું અને,
શેરીનો રસ્તો ઘર મહીં ટોળે વળી ગયો.

– કૈલાસ પંડિત

Comments (3)

માફ કરી દીધેલો સમય – મનીષા જોષી

માફ કરી દીધેલા
પણ ન વીસરાયેલા
કોઈ સમયની જેમ
એ વૃક્ષ
વિકસ્યાં કરે છે મારા ઘર નજીક.
હું તેને અવગણું છું
બને ત્યાં સુધી
પણ છેવટે તે લંબાઈને
વીંટળાઈ વળે છે મારા ઘરને.
વૃક્ષના અંધકારમાં ઘેરાયેલું મારું ઘર
બંધ છે એમ માનીને
પાછા વળી જાય છે આગંતુકો
અને એમ સમય વેર વાળે છે,
વૃક્ષ બનીને.

– મનીષા જોષી

‘વૃક્ષ’ રૂપક આપણી વાસનાઓને ઈંગિત કરે છે.

Comments (7)

ચરણ રુકે ત્યાં કાશી – હરીન્દ્ર દવે

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી
ઝાકળના બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ.

જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી
હું તો નિત્ય પ્રવાસી.

સ્પરશુ તો સાકાર, ન સ્પરશુ તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઉં જાળમાં
હું જ રહું સંન્યાસી.

હું જ વિલાસે રમું, ધરી લઉં હું જ પરમનું ધ્યાન,
કદી અયાચક રહું, જાચી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ,
લઉં સુધારસ પ્રાશી !

-હરીન્દ્ર દવે

કેવું મજાનું ગીત… “ચરણ રુકે ત્યાં કાશી” તો રુઢિપ્રયોગની કક્ષાએ પહોંચી ગયેલી ઉક્તિ છે. ઝાકળબુંદમાં ગંગા જોવાની વાત પર “મન ચંગા તો કથરોટમેં ગંગા” યાદ આવ્યા વિના ન રહે. પણ મને જે વાત ગમી ગઈ એ છે ‘મુજ ધ્રુવ વ્યાપે સચરાચર’… આપણે નિત્ય પ્રવાસી હોઈએ તો આપણે અટકી જઈએ ત્યારે ધરતી પોતે ચાલવા માંડે. અને કઈ દિશામાં? તો કે ઉત્તર દિશામાં… ધ્રુવ તરફ… અને ધ્રુવ ક્યાં? તો કે જે દિશામાં કદમ ઉપાડીએ એ જ દિશામાં… સચરાચર ! ક્યા બાત હૈ!

Comments (5)