આ અહીં પહોંચ્યા પછી આટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે!
રાજેન્દ્ર શુક્લ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for March, 2013
March 31, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે
હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે
કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો દેવગણનું શું થશે
જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને
જૂજવા મૃગજળ જતાં રે’શે તો રણનું શું થશે
જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે
– ગની દહીંવાળા
Permalink
March 30, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, એરિક ફ્રાઈડ, વિશ્વ-કવિતા, હરીન્દ્ર દવે
કુત્તો
જે મરણ પામે છે
અને જે જાણે છે
કે એ મરણ પામે છે
કુત્તાની માફક.
અને જે કહી શકે
કે એ જાણે છે
કે જે કુત્તાની માફક
મરે છે
એ માણસ છે.
-એરિક ફ્રાઇડ (જર્મની)
(અનુ. હરીન્દ્ર દવે)
आहारनिद्राभयमैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम् । (આહાર, નિદ્રા, ભય, મિથુન આ બધું મનુષ્યો અને પ્રાણીઓમાં સરખું જ છે.) ફક્ત વિચારશક્તિ જ બંનેમાં ભેદ પાડે છે. પ્રાણી જાણે છે કે એ પ્રાણી તરીકે જ જન્મ્યા છે, એમ જ જીવે છે અને એમ જ મૃત્યુ પામે છે. પણ માણસ?
માણસ જન્મે તો છે માણસ સ્વરૂપે પણ માણસ થઈ રહેવું અને માણસની મોતે મરવું બહુ જ દોહ્યલું છે. રેટ-રેસમાં જીવતા આપણે બધા મહદાંશે કૂતરાની મોતે જ મરીએ છીએ…
Permalink
March 29, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
હવે આ હાથ રહે ના હેમ !
મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ !
. હવે આ હાથ રહે ના હેમ !
બહુ દિન બેસી સિવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા,
સાવ રેશમી ભાતભાતના મહીં રૂપેરી ધાગા;
જેહ મળે તે દર્પણ જોવા વણલીધેલો નેમ !
. હવે આ હાથ રહે ના હેમ !
ભરબપ્પોરે ભોજનઘેને નિતની એ રાતોમાં,
ઘણું ખરું એ એમ ગયું ને કશુંક કૈં વાતોમાં;
પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યોયે નહીં વ્હેમ !
. હવે આ હાથ રહે ના હેમ !
કદી કોઈને કાજે નહીં મેં કટકોય એ કાપ્યું,
અન્યશું દેતા થાય અમૂલખ મૂલ્ય નહીં મેં માપ્યું;
રતી સરીખું અવ રહ્યું એનો ઘાટ ઘડાશે કેમ ?
. હવે આ હાથ રહે ના હેમ !
– પ્રિયકાન્ત મણિયાર
સમયનું સોનું સમયની સાથે સતત વપરાતું જ રહે છે, અને આપણે મન ફાવે તેમ વાપરતા જ રહીએ છીએ. અડધો સમય જાતને શણગારવામાં ને અડધો સમય વાતને શણગારવામાં વહી જાય છે. યોગ્ય માર્ગે ન વપરાતાં સોનું કથીર થઈ જાય છે એ પણ ધ્યાન રહેતું નથી. સમયના સોનાનો એકમાત્ર નિયમ યોગ્ય વ્યક્તિને આપવું એ જ છે.. જેમ આપો તેમ આ સોનું વધુ મૂલ્યવાન થતું છે.. પરાર્થે વપરાયેલો સમય જ જિંદગીનો સાચો સમય છે.
Permalink
March 28, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નિનુ મઝુમદાર
એક ખૂણે મારો પ્રેમ ભર્યો છે,
એક ખૂણે અભિલાષા
એક ખૂણે ધિક્કાર ભર્યો છે,
એકમાં ઘોર નિરાશા
બાળપણાની શેરી લઈ પેલી
ભરી છે આખી ને આખી.
યૌવનના કંઈ બાગ બગીચા,
પ્રીતડીઓ વણચાખી.
ભર્યો છે હાસ્યને રુદન સાથે ઝોળો સુખદુઃખ તણો
મારી કોટડીમાં સામાન ઘણો.
પાર વિનાની ભૂલ પડી છે,
કોઈના કંઈ ઉપકારો
ઓસરતા ભૂતકાળની મૂર્તિ,
ભાવિના કૈંક ચિતારો
સર્જનનો ઈતિહાસ ભર્યો છે,
ભૂગોળ ખગોળ ભેળો
લેશ જગ્યા નહીં મુજ માટે,
ઉભરાયો છે વ્યર્થનો મેળો.
બંધ આ મારાં દ્વારની પાછળ વધ્યો કોટિ કોટિ ગણો
મારી કોટડીમાં સામાન ઘણો.
– નીનુ મઝુમદાર
જન્મ લઈએ ત્યારે આપણી કોટડી ખાલી હોય છે પણ આપણો બધો પરિશ્રમ આ કોટડીને ભરવાની દિશામાં જ થતો હોય છે. પ્રેમ, મોહ, માયા, મદ, ક્રોધ, કામ ઓછું પડતું હોય એમ સંબંધો, આશાઓ, દુઃખ-સુખ – શું શું નથી ભર્યે જતા આપણે? બે ઘડી પણ આપણને એ પ્રતીતિ થતી નથી કે “મશક અહીંની અહીં રહી જવાની, છતાં પણ એ ભરવાની મહેનત દિવસ-રાત થઈ છે.”…
Permalink
March 25, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.
દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.
કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?
રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે
ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?
– હરીન્દ્ર દવે
મને બહુ લાંબા સમયથી એક પ્રશ્ન થયા કરતો હતો કે કૃષ્ણ વૃંદાવન છોડી મથુરા જાય છે ત્યાર પછી તેઓ કદી પાછા વૃંદાવન આવતા નથી કે નથી કદી રાધાને મળતા. આવું કેમ ?? આમ તો સમગ્ર કૃષ્ણાવતાર અને મહાભારત mythological literature છે,છતાં શું કોઈ ગ્રંથમાં આ અંગે કોઈ ઉલ્લેખ કે સ્પષ્ટતા છે ખરી ? મારી રીતે મેં થોડી શોધખોળ કરી,પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ. મૂળ મહાભારત તેમજ ભાગવતમાં રાધાના પાત્રનો કોઈ ઉલ્લેખ જ નથી. વિદ્વાનોના મતાનુસાર રાધાનું પાત્ર આશરે પાંચમી સદીની આસપાસ પ્રથમવાર ભીંતચિત્રોમાં દેખાય છે. તે પહેલા તેનો કોઈ જ ઉલ્લેખ નથી. હકીકત જે પણ હોય તે, પરંતુ રાધા વગર કૃષ્ણની કલ્પના સુદ્ધા થાય ખરી !!!!
આ ગીતનું ખૂબ સુંદર સ્વરાંકન ટહુકો.કોમ પર ઉપલબ્ધ છે.
Permalink
March 24, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું
નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું
ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું
આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું
પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું
આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું
– મનોજ ખંડેરિયા
Permalink
March 23, 2013 at 1:15 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કૃત્સ ઋષિ, હરીન્દ્ર દવે
(અનુષ્ટુપ)
देवस्य पह्य काव्यम्
न ममार न जीर्यति ।
પરમાત્માનું આ કાવ્ય નીરખ : જે કદી મરતું નથી,
કદી જીર્ણ થતું નથી.
-કૃત્સ ઋષિ
(અથર્વવેદ, ૧૦,૮,૩૨)
(અનુ. હરીન્દ્ર દવે)
કવિ હરીન્દ્ર દવેના શબ્દોમાં:
અને આ કાવ્ય કોઈ પણ આધુનિક કાવ્ય જેટલું એબ્સર્ડ છે, સરરીઅલ છે અને વાસ્તવિક પણ છે, છતાં એ કાવ્ય છે કારણ કે એ હૃદયને સ્પર્શે છે.
વિસ્તરતું આકાશ આપણને એનો લય સંભળાવે છે; વહેતો પવન જાણે એના પ્રલંબિત લયની ઝાંખી આપે છે. ઊગતાં વૃક્ષો કે પ્રથમ વર્ષાની રાત પછીની સવારે માટીમાંથી કોળી ઊઠતાં તરણાં તેની લાગણીઓ છે. પરમાત્માનું કાવ્ય એટલે કે આ સકલ સંસારની લીલાનું કાવ્ય ન કદી મરે છે, ન કદી જીર્ણ થાય છે.
Permalink
March 22, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી
ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જાઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જાઈશ.
નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં
હરણનાં શિંગડાંઓ તોડીને હું નીકળી જાઈશ.
સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસ મરી જાશે,
સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જાઈશ.
પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે
કોઈ વેળા હું સૂરજના ટકોરા સાંભળી જાઈશ.
– જવાહર બક્ષી
નકરી પૉઝિટિવિટીની ગઝલ… થાક લાગે, દિવસનું પડીકું વાળીને સૂઈ જવું પડે પણ સવારે આવતાં સોનેરી સ્વપ્નની આશા ઢળવાથી ફળવા સુધીની યાત્રા સહ્ય બનાવે છે. જીવનનું તથ્ય ભ્રમનિરસન કરી જીવવામાં રહેલું છે. હરણનાં શિંગડાંઓને તોડવાની વાતને તમે મૃગજળની પાર ઉતરવા સાથે અથવા સોનેરી મૃગના શિકાર સાથે પણ સાંકળી શકો. હરણનાં શિંગડાં કહે છે કે પોલાં હોય છે. ભ્રમના ચહેરા પણ એ જ રીતે પોલા નથી હોતા ?
“જઈશ”ની જગ્યાએ “જાઈશ” જેવો તળપદી અને પહોળો ઉચ્ચાર રદીફની ધનમૂલકતાને વધુ ઘૂંટીને ગઝલને વધુ ઉપકારક બનતો હોય એવું અનુભવાય છે.
Permalink
March 21, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, હીરા પાઠક
દયિત, તું નિર્દય !
પૂછું તને, મને આમ નોધાર,
મૂકીને જવામાં શો જડ્યો સાર ?
તું વદીશ ‘વિધિના એ લેખ’ !
હા ! વિધિના એ લેખ !
વજ્ર સજડ મારી જીવિત પે મેખ
ઊખડે ન કષ્ટ ક્લિષ્ટ રેખ
કાયકારાગાર તોડ્યે
છૂટે નવ છેક.
લહું આજ, પ્રિય !
વારંવાર ગ્લાનિરંગે,
લવ્યું નાહીં જે જે પૂર્વ તુજ સંગે
તુંજને વરીને હું ન વિરહને વરી ?
વિરહ, મારે પ્રેમનો પર્યાય.
– હીરાબહેન પાઠક
વાત વિરહની છે પણ સાવ સીધીસાદી નથી. કવિતામાંઉતરવું શરૂ કરીએ એટલે થોડીવારમાં જ સમજાઈ જાય કે અહીં પતિ પત્નીને કાયમ માટે છોડી પ્રભુસદનમાં જઈ વસ્યો છે જ્યાં બંનેનું મિલન પત્નીની કાયાનું કારાગાર તૂટે એ પછી જ હવે શક્ય છે.
કવિતાના પહેલા ત્રણ શબ્દ જ આ સંબંધ વિશેનું આખું મહાકાવ્ય લખી આપે છે… વહાલાના સંબોધન પછીનો તુંકારો અને તરત જ નિર્દયી હોવાનો ઉપાલંભ બંને વચ્ચેનો સ્નેહતંતુ તાદૃશ કરી દે છે. આ છે શબ્દની શક્તિ!
અકાળે પતિનું મૃત્યુ એ ભલે વિધિના લેખ કેમ ન હોય પણ ભાર્યાના જીવતર પર તો એ વજ્રની મેખ સમા જડાઈ ગયા છે. પતિની હયાતિમાં જે પ્રેમાલાપ શબ્દોમાં મૂકાવો જોઈતો હતો પણ મૂકી શકાયો નહીં, એ અણકથ શબ્દો પત્નીને હવે વિરહરૂપી પ્રેમ બનીને પીડે છે.
આ જ કવયિત્રીએ સ્વર્ગવાસી પતિને સંબોધીને લખેલા પુસ્તકમાંનું આ કાવ્ય -મિલનની સાથ- પણ જોઈ જવા જેવું છે.
(દયિત=પતિ, વહાલું; લહું= લખું; લવ્યું= કહ્યું )
Permalink
March 19, 2013 at 1:30 AM by ધવલ · Filed under ગીત, જયન્ત પાઠક
અનુભવ ગહરા ગહરા
નિશદિન આઠે પ્રહરા:
કોઈ બજાવત ઝાંઝ-પખાવજ, મૃદંગ ઓ’ મંજીરા!
ચલત ફિરત મેં અપની ગતમેં
ગજ સમ ડોલત શિરા,
જલમેં લહર, લહરમેઁ જલકા
સુન સુન ગીત ગંભીરા!
ઊઠકર નાચન લગા ચરણ દો
જ્યું નાચત હો મીરા,
મેહ ગગનમેં ધીરા, ચદરિયાં
ભીની ભયી કબીરા!
– જયન્ત પાઠક
જીવન-ઉત્સવને ભરપેટ ઉજવતું આ કાવ્ય પાઠકસાહેબનું અંતિમ કાવ્ય છે. (આ કાવ્ય 30 ઓગસ્ટે લખેલું અને પહેલી સપ્ટેમ્બર, 2003એ એમનું અવસાન.) એક એક ક્ષણમાં ઊંડા અનુભવથી ભરેલા જીવનને કવિ સનાતન સંગીત સાથે સરખાવે છે. એ સુરમાં હળવેકથી માથું હલાવતા પોતે પસાર થતા હોય એવું સહજીક ચિત્ર કવિ દોરે છે. પાણી પરના તરંગોમાં પણ કવિને એ જ ગંભીર ગીતની પંક્તિઓ દેખાય છે. મન મીરાંની જેમ નાચી ઊઠે અને (જીવનરૂપી) ચાદર જ્યારે ખરે જ તરબતર થઈ જાય એ ક્ષણે વધારે તો શું કરવાનું બાકી રહે ? આટલી સંતૃપ્તિ પછી કદાચ ‘આવજો’ કહેવાનું જ બાકી રહેતું હશે.
Permalink
March 18, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, વિનોદ જોશી
મને ભૂલી તો જો,
તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો !
લોક બધાં જોતાં કે પાંદડું હલે છે, તને એકને જ દેખાતો વાયરો,
તારામાં તું ય હજી આંજે અણસાર, અને મારામાં હું ય ભરું ડાયરો ;
પોપચાંનું અંધારું ઓઢીને, પોયણાંમાં ખૂલી તો જો !
છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય હજી કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !
-વિનોદ જોષી
મીઠ્ઠું-મધુરું ગીત ……
Permalink
March 17, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે
દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઇ
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી -જે ગમે તે ધાર, જેવી વાત છે
એક દિવસ શેરડીના ખેતરે જાણીતા કવિ પેસી ગયા
ના, હું તો ગાઇશ, બોલ્યા, મેળવ્યો યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે
લીલીછમ વાડીએ જઇને મેં પૂછ્યું, કુમળો એક અંતરાત્મા રાખું કે ?
આજુબાજુ જોઇ પોતાને કહ્યું, રાખને દસ-બાર… જેવી વાત છે
વાતે-વાતે ગર્જના શાને કરે ? સિંહ જેવો થઇને છાયાથી ડરે ?
કાં તો ચહેરો ઓળખી લે પંડનો, કાં તો કૂદકો માર, જેવી વાત છે
દિગ્દિગંતોનો ધણી દુષ્યંત ક્યાં? ક્યાં અબુધ આશ્રમનિવાસી કન્યકા ?
આંખમાં આંખો પરોવાઇ ગઈ, બે અને બે ચાર જેવી વાત છે
જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાંના લે તો બીજું થાય શું ? આપણી સરકાર જેવી વાત છે
– ઉદયન ઠક્કર
ગત રવિવારે કવિશ્રી ઉદયન ઠક્કરને રૂબરૂ મળવાનો-માણવાનો લ્હાવો મળ્યો. કવિ જે રીતે સામાન્ય વાતચીતમાં અત્યંત સહજતાથી અને પટુતાથી વ્યંગબાણ છોડતા હતા તે કળા અદભૂત હતી. હસાવતા હસાવતા વિચારતા કરી મૂકવાની તેમની ખાસિયત અવિસ્મરણીય હતી ! તેઓનું તેઓની આજુબાજુના વિશ્વનું અવલોકન માત્ર તલસ્પર્શી હતું એટલું જ નહિ પણ તેમાં કવિ-દ્રષ્ટિની આગવી સંવેદનશીલતા પણ હતી. પ્રસ્તુત ગઝલ તેઓની એ કળાનો જીવતો-જાગતો નમૂનો છે……
Permalink
March 16, 2013 at 2:58 AM by વિવેક · Filed under અમીન આઝાદ, ગઝલ
જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ.
તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધાર ફેલાયો;
તમે જોયું અને એક જ ઇશારે રાત ચાલી ગઈ.
હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો’તો,
હજી સાંજે તો આવી’તી સવારે રાત ચાલી ગઈ.
જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,
ઉષા આવી તો શરમાઇ સવારે રાત ચાલી ગઈ.
તમારા સમ ‘અમીન’ ઊંઘી શક્યો ના રાતભર આજે,
પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.
– અમીન આઝાદ
આ વર્ષ સુરતના ગઝલગુરુ અમીન આઝાદની જન્મશતાબ્દિનું વર્ષ છે. અમીન આઝાદ સાઇકલની દુકાન ચલાવતા હતા પણ કહેવાય છે કે આ દુકાને ટાયર ઓછા અને શાયર વધુ જોવા મળતા, પંક્ચર ઓછાં અને શેર વધુ રિપેર થતા. મરીઝ, ગનીચાચા, રતિલાલ અનિલ જેવા ધુરંધર શાયરોના એ ગુરુ. મેઘાણી-ઘાયલ જેવા પણ એમની દુકાને જવામાં ગર્વ અનુભવતા.
એમની આ ગઝલમાં રાતના ચાલી જવાની અર્થચ્છાયાઓ એ કેટલી બખૂબી ઉપસાવી શક્યા છે !
Permalink
March 15, 2013 at 2:12 AM by વિવેક · Filed under મિલિન્દ ગઢવી, વિલાનેલ
ધ્રુવપંક્તિ 1 (a1) આનાકાની કર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b1) વ્હેણ સમજ ‘ને વહી જા સાથે
ધ્રુવપંક્તિ 2 (a2) સામા પૂરે તર મા, મનિયા !
પંક્તિ1 (a3) શ્રદ્ધાને ખોતર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b2) તર્કોના નખ ઝેરીલા છે
ધ્રુવપંક્તિ 1 (a1) આનાકાની કર મા, મનિયા !
પંક્તિ2 (a4) લૂના રસ્તે ફર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b3) મૃગજળ વચ્ચે જાત મૂકીને
ધ્રુવપંક્તિ 2 (a2) સામા પૂરે તર મા, મનિયા !
પંક્તિ3 (a5) ચોરે તું ચીતર મા, મનિયા ! *
પ્રાસયુક્ત પંક્તિ (b4) ઘરની વાતો ઘરમાં શોભે
ધ્રુવપંક્તિ 1 (a1) આનાકાની કર મા, મનિયા !
પંક્તિ4 (a6) દિવસે દીવો ધર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b5) સૂરજભાનો અહમ્ ઘવાશે
ધ્રુવપંક્તિ 2 (a2) સામા પૂરે તર મા, મનિયા !
પંક્તિ5 (a7) મે’માનો નોતર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b6) બેસી એકલતાને તીરે
ધ્રુવપંક્તિ 1 (a1) આનાકાની કર મા, મનિયા !
ધ્રુવપંક્તિ 2 (a2) સામા પૂરે તર મા, મનિયા !
– મિલિન્દ ગઢવી
(* અંતરના ઊંડાણની વેધૂને કહેવાય,
ચોરે નૉ ચીતરાય ચિત્તની વાતું ‘શંકરા’
– શંકરદાનજી દેથા)
વિલાનેલ (Villanelle)એક એવો કાવ્યપ્રકાર છે જે 19મી સદીમાં ફ્રેન્ચ મોડૅલ્સમાંથી અંગ્રેજી ભાષા-કવિતામાં ઊતરી આવ્યો છે. આ શબ્દ ઇટાલિયન villanella પરથી આવ્યો છે જેનું મૂળ છે લૅટિન villanus (ગામઠી). વિલાનેલઓગણીસ લીટી લાંબું હોય છે, જેમાં પાંચ ત્રિપદી (a-b-a પ્રકારની)અને એક છેવટની ચતુષ્પદી(a-b-a-a પ્રકારની)નો સમાવેશ થાય છે.પ્રથમત્રિપદીની પહેલી અને ત્રીજી કડી ધ્રુવપંક્તિઓ હોય છે જે દરેક અનુગામી ત્રિપદીની ત્રીજી લીટી તરીકે એકાંતર પુનરુક્તિ પામે છે અને ચતુષ્પદીમાં દુપાઈ રૂપે અંતિમ બે પંક્તિ તરીકે સાથે આવે છે. તેની રચના બિન-રેખીય હોવાને કારણે, નૅરેટીવ ડેવલપમેન્ટ અટકાવે છે.વિલાનેલનુંકોઈ સ્થાપિત મીટર નથી. તેના આધુનિક સ્વરૂપનું સત્વ તેના પ્રાસ અને પુનરાવર્તનની વિશિષ્ટ પેટર્ન છે.
(મિલિન્દ ગઢવી)
Permalink
March 14, 2013 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ? ના આવે;
તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ? ના આવે.
જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે,
અને કહો છો ‘આવો સરજી’ સરજી આવે ? ના આવે.
નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં,
બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે ? ના આવે.
તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો,
છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે.
આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ? ના આવે.
– અનિલ ચાવડા
‘શયદા’ પુરસ્કાર અને ગુજરાત રાજ્ય યુવાગૌરવ પુરસ્કારના વિજેતા કવિ અનિલ ચાવડા એ આજની ગઝલનો બદલાતો અવાજ છે. આ અવાજ બળકટ પણ છે અને ભાષાની બરકત વધારે એવો પણ છે. અગાઉ એક સંગ્રહ અન્ય ચચ્ચાર મિત્રો સાથે ભાગીદારીમાં આપ્યા પછી કવિ લાં…બી પ્રતીક્ષા બાદ પોતાની ખુદની “સવાર લઈને” રજૂ થાય છે ત્યારે લયસ્તરોના અને મારા ખાસ લાડકા આ કવિનું એના ગઝલસંગ્રહ સાથે બાઅદબ સ્વાગત છે…
આ સાથે જ અનિલના બીજા બે પુસ્તકો – “શબ્દ સાથે મારો સંબંધ” (સંપાદન) અને “એક હતી વાર્તા” (વાર્તાસંગ્રહ) પણ પ્રગટ થયા છે. સર્જકને હાર્દિક અભિનંદન.
Permalink
March 10, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
આ ગતિથી દ્રષ્ટિના દીવાઓ ધૂંધળા થઇ ગયા;
હું સ્કૂટર, રસ્તો- અને ચહેરાઓ ઝાંખા થઇ ગયા.
લક્સની ફિલ્મી મહેંક, ગીઝર ને શાવર બાથ આ;
નવસો ને નવ્વાણું નદીકાંઠા પરાયા થઇ ગયા.
સિક્સ ચેનલ સ્ટીરિયોફોનિક અવાજો છે અહીં;
કે હદપાર પંખીઓના ટહુકા થઇ ગયા.
બારીઓમાંથી સ્કાયસ્કેપર રોજ આવે ખરેખર;
સૂર્યના સોનેરી અશ્વો સાવ ભૂરા થઇ ગયા.
વૃક્ષ છોડીને વસાવ્યા પંખીઓએ એરિયલ;
લીલાં લીલાં પાંદડા તરડાઇ પીળા થઇ ગયા.
આજ હું માણસ, પછી હું શખ્સ ને મરહૂમ પણ;
મારા પડછાયા પળેપળ કેમ ટૂંકા થઇ ગયાં?
અંજલિ અર્પું પ્રથમ સંવત્સરીએ હું મને;
કે મગર કાગળના દરિયામાં વિહરતા થઇ ગયા !
– ભગવતીકુમાર શર્મા
ગુજરાતી ગઝલમાં અંગ્રેજી શબ્દોના પ્રયોગ સામે મને અંગત અણગમો છે. પરંતુ આ ગઝલે મારો એ અણગમો જાણે કે દૂર હઠાવી દીધો ….! શું બળકટ અભિવ્યક્તિ છે !
Permalink
March 9, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રાવજી પટેલ
બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું
વિચારે એવું કે લસલસ થતો મોલ સઘળો;
અને આ કોસે તો બસ હદ કરી: આંખ મળતાં
ઉલેચ્યાં પાતાળો પુનરપિ, હવે તે ટપકતો
રહ્યો ભીંતે, બેઠું વિહગ જઈ ત્યાં, સીમ નીરખી
કરે છે ગીતોનું સ્મરણ. કરું હું કાન સરવા.
ચડ્યો ઝોકે એવો બળદ પણ, બીજો મુજ સમો
રહ્યો આ વાગોળી. લચકઈ પડ્યાં લોચન મહીં
પછી તો ડૂંડાઓ, હરખ નવ માયો હૃદયમાં.
ફરી આવું થોડું ચલ મન, જરી ખેતર વિષે.
જતાં રોડું વાગ્યું, ચરણ લથડ્યો, આંખ ફરકી,
અહીં આ ક્યારીમાં ખડખડ હસ્યો ભાઈ મુજનો !
-રાવજી પટેલ
જો બારના બદલે ચૌદ પંક્તિઓ હોત તો આ ઊર્મિકાવ્ય ચોક્કસ જ સારા સૉનેટની પંક્તિમાં સ્થાન પામી શક્યું હોત. રાવજીની કવિતાઓમાં ગામડું જીવી ઊઠે છે. ખેતર વિચારે ચડી જાય એવા મજાના કલ્પનથી ઉઠાવ પામતું આ કાવ્ય ટપકતી આંખની જે ટપકી રહેલા કોસની વાત કરી આગળ આવનાર કરુણતાની એંધાણી આપતું અંતે અકાળે અવસાન પામેલા ભાઈની યાદ આવતાં જે રીતે ભાવકને વેદનાની ચરમસીમાએ લઈ જાય છે એ જોતાં શિખરિણી છંદ સાર્થક પ્રયોજાયો હોય એમ લાગે છે.
Permalink
March 8, 2013 at 12:35 AM by વિવેક · Filed under ન્હાનાલાલ દ. કવિ, પ્રાર્થના
મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.
શોક-મોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં;
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.
પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.
નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે;
નાથ વાયુની પેઠે રે, સદા નુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખડલી રે, તો સન્મુખ તેહ તદા;
બ્રહ્મ બ્રહ્માંડ-અળગા રે, ઘડીયે ન થાય કદા.
પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ ત્હેને ચેતનની ?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ ત્હોયે કંઈ દિનની.
સ્વામી સાગર સરિખા રે, નજરમાં ન માય કદી;
જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ, વિરાટ’ વદી.
પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ! ક્યહારે ઊઘડશે ?
એવાં ઘોર અન્ધારાં રે, પ્રભુ ! ક્યહારે ઊતરશે ?
નાથ ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;
નેનાં ! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
આંખ ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હૃદયભરી નીરખો હરિ.
– ન્હાનાલાલ
સચરાચરમાં વ્યાપ્ત સર્વજ્ઞ પ્રભુના દર્શન આડે આવતા ચર્મચક્ષુ અને આળસ, મોહ-માયાના બંધથી અંધ આંખોની આરત કવિ શ્રી ન્હાનાલાલની પ્રાથનામાં તારસ્વરે રજૂ થઈ છે. આપણા સાહિત્યના અમૂલ્ય વારસામાંથી આ એક મોતી અજે આપ સહુ માટે…
(રક્ત=લીન, આસક્ત; ચરાચર= જડ અને ચેતન; ગમ=સૂઝ)
Permalink
March 7, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા
એકધારી આવ-જા ગમતી નથી,
જિંદગીની આ અદા ગમતી નથી.
સ્હેજ તીખો, સ્હેજ તૂરો સ્વાદ દે,
માત્ર આ મીઠી મજા ગમતી નથી.
ભાવની ભીનાશ વરસાવો જરા,
સાવ સુક્કી સરભરા ગમતી નથી.
વિસ્મયોનું વન વઢાયું ત્યારથી –
એ પરીની વારતા ગમતી નથી.
પ્હાડ પીગળતા નથી થોડાઘણા,
પથ્થરો જેવી પ્રથા ગમતી નથી.
દાદ દેવા કોઈ પણ ડોલે નહીં !
શિસ્તમાં બેઠી સભા ગમતી નથી.
– નીતિન વડગામા
Permalink
March 4, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.
સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.
શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે
જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે
એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે
જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.
– ખલીલ ધનતેજવી
Permalink
March 3, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
લીલોકુંજાર એક ટહુકો ભમે છે એને
ક્યાંયે મળી ન કોઈ ડાળી.
ઊગતે પહોર એક આવ્યો કિલકાર
પેલા આથમણા આભને વીંધી,
અંધારી રાત મહીં આથડતાં વાટ એને
તારાએ તારાએ ચીંધી;
કોઇ કોઇ વાર મારે પિંજર પુકારે ને
હેરું તો દિયે હાથતાળી.
આંખો માંડું તો એક પીંછુ આઘે તરે
ને સાંભળવા બેસું તો સૂન,
કોઇ એક ટહુકાને કારણિયે હાય મારી
કેવી ધધકતી ધૂન!
ટહુકો બનીને હવે ઊડું અવકાશમાં તો
ટહુકાનો રંગ લઉં ભાળી.
– મકરન્દ દવે
ટહુકો એ પરમાત્મા રૂપી જ્યોત છે. કવિના હૈયે એક આત્મારૂપી જ્યોત ટમટમે છે. ઊગતો પ્હોર એટલે જન્મ. કવિનું હૈયું એક અજબ અજંપો અનુભવે છે…. એને ખૂબ અસ્પષ્ટ આછો અંદાજ છે કે જ્યોત ભલે બે ભાસતી હોય,પણ અગ્નિ એક જ છે. કવિની ઇન્દ્રિયો કવિને એ વિશ્વાનલનો અનુભવ કરાવવા અસમર્થ છે અને તેને પામવાની એક ધૂન સતત કવિહૈયે ધધકતી રહે છે…. આ શરીરનું પાંજરું તોડી ને આંતર્જ્યોત ઊર્ધ્વિત થશે તો જ વિશ્વાનલમાં લીન થઇ શકશે.
Permalink
March 2, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
વાત અસલ, કાગળમાં આવે
શબ્દો ત્યાં તો વચમાં આવે
એનાથી મોટો શો વૈભવ !
તડકો સીધો ઘરમાં આવે
ભીતર ભીનું સંકેલો ત્યાં
આંખોમાંથી પડમાં આવે
સાર બધા ગ્રંથોનો એક જ
પાથરીએ તે પગમાં આવે
તો માથે મૂકીને નાચું
ઘટ-ઘટમાં તે ઘટમાં આવે
પકડ્યો છે પડછાયો સાધુ !
અજવાળું શું બથમાં આવે.
– સ્નેહી પરમાર
સાધુ, આને કહેવાય અસલી ગઝલ… શબ્દનો આકાર જેવો આપવા જઈએ કે અસલી અનુભૂતિ બદલાઈ જાય છે. અનુભૂતિને હેમક્ષેમ રજૂ કરી શકે એવી ભાષા તો હજી શોધાવાની જ બાકી છે.કવિ જે કમાલ બે પંક્તિઓમાં કરી શકે છે એ કમાલ ઉપનિષદ-વેદોના આખેઆખા થોથાંય કરી શકતા નથી. પણ આ કવિ તો એથીય આગળ છે. બધાય ગ્રંથોનો સાર કવિ માત્ર એક જ લીટીમાં આપી દે છે: પાથરીએ તે પગમાં આવે. જે સમષ્ટિમાં છે એ તત્ત્વ દેહમાં આવે તો કવિ આર્કિમિડિઝની જેમ ઉલ્લાસ વ્યક્ત કરવા કટિબદ્ધ છે. અને અંતે પડછાયા પકડવાની વૃત્તિ હોય તો અજવાળું ક્યાંથી હાથમાં આવે? કેમકે પડછાયા અને પ્રકાશની વચ્ચે જે વસ્તુનો પડછાયો પડે છે એ તો ઊભી જ હોવાની…
Permalink
March 1, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ઊર્મિકાવ્ય, એમિલી ડિકિન્સન, વિશ્વ-કવિતા
હૃદય ભલા, બે ભેળાં થઈને
એને ભૂલીએ ખાસ.
તું એની આપેલી ઉષ્મા, હું એનો અજવાસ.
જ્યારે તારું કામ પતે ને
દેજે મુજને સાદ,
સંકોરીશ હું વિચાર દીપની શગ
જલ્દી કરજે
સ્હેજ જરા પણ તું પડશે જો પાછળ
તો બસ એ જ પળે
એ આવી જાશે યાદ.
-એમિલિ ડિકિન્સન
(ભાવાનુવાદ: ઉર્વીશ વસાવડા)
*
વેલેન્ટાઇન ડે પર એમિલિ ડિકિન્સનની આ કવિતા રજૂ કરી એનો સાછંદ પદ્યાનુવાદ મોકલાવી આપ્યો એ આજે આપ સહુ માટે…
Permalink