આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
-સુરેશ દલાલ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for June, 2006
June 29, 2006 at 5:45 PM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
હું નતો સફર મહીં, સફરમાં તો નાવ હતી,
હું તો હું મહીં હતો, કોની આવજાવ હતી?
જે ક્ષણો અડી ગઈ તે અપૂ્ર્વ લ્હાવ હતી,
ને સકલ સરી જતાં ના કશેય રાવ હતી.
કલ્પનાની કુંજમાં લૂમઝૂમ કલ્પલતા,
જે સ્થળે તૃષા હતી તે સ્થળે જ વાવ હતી.
દૂર દેખવુંય તે નેત્રનોજ ખેલ હતો,
શ્વાસને અઢેલતી તું સમીપ સાવ હતી.
સ્તોત્ર પણ ભલે રચો અંજલી અપાય ભલે,
એ પ્રભાવની પ્રભા તો સહજ સ્વભાવ હતી.
– રાજેન્દ્ર શુક્લ
રાજેન્દ્ર શુક્લ ગઝલને હંમેશા એક વધુ ઊંચા મુકામ પર લઈ જાય છે. હું નતો સફર મહીં, સફરમાં તો નાવ હતી, હું તો હું મહીં હતો, કોની આવજાવ હતી? એ વાંચીને ગાલિબના ન થા કુછ તો … યાદ આવે છે. ( આભાર, પંચમ )
Permalink
June 28, 2006 at 11:58 AM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
લટકતા બટકું રોટલાની લાલચે
પિંજરામાં સપડાઈ ગયેલા
અગણ્ય ઉંદરો
આપણે બહાર – આપણે અંદર.
આ કુટુંબકબીલા ફરજીયાત નોકરી
સમૃદ્ધિને જરૂરિયાત બનાવી
એને પોષવામાં પ્રતિદિન પ્રાપ્ત થતું રંકત્વ
આપણી બહાર જવાની અશક્તિ
આપણી અંદર રહેલી નિરાંત
છતાં (સૃષ્ટિમાં સૂર્ય છે તો ય)
પ્રલંબ રાત્રિના
પાંજરામાં આપણી દોડાદોડી
ઉત્તરથી દક્ષિણ ધ્રુવ લગીની લંબાઈની –
બટક બટક રોટલો ખવાઈ ગયો છે તોય
ને નાનકડું બારણું ખુલ્લું છે તોય
કોઈ બહાર નીકળતું નથી !
આપણે બહાર – આપણે અંદર !
– પન્ના નાયક
આ કવિતાના રૂપકો ને સંદર્ભોમાં ખાસ કશું નવું નથી. આની આ જ વાત કેટલાય કાવ્યોમાં, વાર્તાઓમાં, ફિલ્મોમાં અને ખાસ કરીને, કેટલીય જીંદગીઓમાં, આપણે જોઈ જ ચૂક્યા છે. અકળામણ એની એ જ છે. સવાલ એનો એજ છે. પણ ઉત્તર ન મળે ત્યાં લગી ફરી ફરી એ સવાલ પૂછે જ છૂટકો.
Permalink
June 27, 2006 at 7:00 PM by ધવલ · Filed under ગીત, મહેશ દવે
સાહેબ હુકમ કરે કે આવું.
આરણ-કારણ કાંઈ ન ચાલે
ક્યાંય પછી નહીં જાઉં;
સાહેબ હુકમ કરે કે આવું.
મારા મનનું કાંઈ ન ચાલે,
કોરે કાગળ સહી.
સાહેબના અણસારે મારી
હોડી જળમાં વહી:
નાવિક મારો કહે એ લયમાં
ગીત મારું હું ગાઉં.
સઘળું તેને સોંપી દઈને
કામ બધાં દઉં છોડી,
મેં તો મારી પ્રીત સદાયે
સાહેબ સાથે જોડી.
વહેણ હોય કે પૂર હોય
પણ નહીં કદી મૂંઝાઉં.
સાહેબ હુકમ કરે કે આવું.
– મહેશ દવે
Permalink
June 27, 2006 at 11:31 AM by ધવલ · Filed under પ્રકીર્ણ
લયસ્તરોના નવા રૂપમાં આપનું સ્વાગત છે.
લયસ્તરો બ્લોગ શરું કર્યો ત્યારે આટલો મ્હોરશે એની કલ્પના ન હતી. કેટલાક વખતથી ઈચ્છા હતી કે લયસ્તરોમાં ઘણી વધારે સવલતો ઊમેરવી. ઘણા વિચારો કર્યા અને ઘણા લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા. ધીમે ધીમે એક પછી એક વિચારો ગોઠવાતા ગયા અને હવે છેવટે નવું રૂપ તૈયાર થઈ ગયું છે. નવા રૂપની સાથે જ લયસ્તરોનું વેબ-એડ્રેસ પણ બદલ્યું છે.
સરનામું બદલાવાની સાથે જ RSS feed પણ બદલાશે. નવું ફીડ એડ્રેસ છે : https://layastaro.com/?feed=rss2
નવું સરનામું બુકમાર્ક કરવાનું અને RSS ફીડનું સરનામું બદલવાનું ચૂકશો નહીં.
લયસ્તરો બ્લોગ હવે વર્ડપ્રેસના ઉપયોગથી ચાલે છે. એટલે અહીં ઘણી નવી સવલતો ઉમેરી છે.
- સૌથી મોટો ફેરફાર એ શ્રેણીઓ (Categories) છે. દરેક પોસ્ટને એક કે વધારે શ્રેણીમાં મૂકેલો છે. દા.ત. ‘વ્યથા હોવી જોઈએ – મરીઝ‘ એ પોસ્ટ ‘મરીઝ‘ અને ‘ગઝલ‘ એમ બે શ્રેણીમાં છે.
- કોઈ પણ શ્રેણીના નામ પર ક્લીક કરવાથી એ શ્રેણીના બધા પોસ્ટ તરત જોઈ શકાય છે. દા.ત. ‘મરીઝ’ પર ક્લીક કરો અને તરત ‘મરીઝ’ની બધી રચનાઓ હાજર !
- સાઈડબારમાં ‘શોધ‘માં ગુજરાતી યુનિકોડની મદદથી કોઈ પણ રચના સરળતાથી શોધી શકો છો.
- ‘મંજૂષા‘ એ સાઈડબારમાં ‘શોધ’ પછી તરત છે. એમાંથી સરળતાથી કોઈ પણ ‘શ્રેણી’ પસંદ કરી શકો છો.
- ‘વિશેષ‘ વિભાગમાં ‘કવિઓ‘ અને ‘કાવ્યપ્રકારો‘ એ બે ખાસ પૃષ્ટો ઉમેર્યા છે. એના પર ક્લીક કરવાથી બધા કવિઓની કે બધા કાવ્યપ્રકારોની યાદી ખૂલશે. મન થાય કે આજે મુક્તકો માણવા છે તો કાવ્યપ્રકારોમાં જાવ અને મુક્તક પર ક્લીક કરો એટલે બધા મુક્તકો તરત તમારી સામે તૈયાર !
- કોઈ પણ કવિના નામની શ્રેણી ખોલશો તો પહેલા તમને એ કવિનો સંક્ષિપ્ત પરિચય દેખાશે એવી ગોઠવણ પર ઉમેરી છે. (જુઓ, મરીઝ) અત્યારે બધા કવિઓનો પરિચય તૈયાર નથી, પણ ધીમે ધીમે એ ઉમેરાશે.
- કોમેન્ટ્સ અને શોધ માટે ગુજરાતીમાં લખવા માટે ‘ગુજરાતીમાં લખો’ બટન દબાવવાથી ‘ગુજરાતી ટાઈપ પેડ’ (આભાર, વિશાલ) તરત ખુલે છે.
- ‘ગુજરાતીમાં શી રીતે લખશો?’ માં ગુજરાતીમાં કોમ્પ્યુટર પર કેવી રીતે લખવું એની માહિતી છે.
- સાઈડબારમાં છેલ્લે બ્લોગ અને કોમેંટ્સ બંને માટે RSS ફીડ ઉપલબ્ધ છે.
થોડા વખતમાં અમે હજુ વધારે સવલતો ઉમેરીશું.
આપના અભિપ્રાય સદા આવકાર્ય છે.
Permalink
June 25, 2006 at 1:33 PM by ધવલ · Filed under સાહિત્ય સમાચાર
મુંબઈમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રે ચાલતા કેટલાક વિશેષ કાર્યક્રમોની ઝલક આપતો કૃષ્ણા શાહ તથા નીલા સંઘવીએ લખેલો બહુ જ સરસ લેખ ગુજરાતી ભાષા આઈસીયુમાં છે? ખાસ વાંચવા જેવો છે. આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે જાણીને લાગે છે કે ગુજરાતીને આ સદી તો શું આવતી સદીમાં પણ કોઈ વાંધો આવવાનો નથી !
Permalink
June 25, 2006 at 6:22 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી,
આંખની સામે રહેલું રણ ફકત રેતી નથી.
કોઈ ત્યાં એવી રીતે આ વ્હેણને જોયા કરે,
કે નદી જેવી નદી આગળ પછી વ્હેતી નથી.
આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે,
આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.
આ ક્ષણો તો મસ્ત થઈને મોજથી ચાલ્યા કરે,
કાંઈ એ લેતી નથી ને કાંઈ પણ દેતી નથી.
હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.
જાતુષ જોશી
Permalink
June 24, 2006 at 12:09 PM by વિવેક · Filed under શેર, સંકલન
કાવ્યસર્જનની પ્રક્રિયા એ કદાચિત્ મૃત્યુ જેવી ઘટના છે. બંનેને સમજવાની કોશિશ મનુષ્ય શરૂઆતથી જ કરતો આવ્યો છે પણ બંને જેટલી નક્કર અને અફર છે એટલી જ કદાચ અકળ. એક જ ફરક છે, બંનેમાં. મૃત્યુને અનુભવ્યા પછી કોઈ પાછું વળીને આવતું નથી, પણ કવિઓ પોતાની સર્જનક્રિયા અંગે આપ-બયાની આપી શકે છે.
નખશિખ સુરતી ભગવતીકુમાર શર્મા લોહીથી લખવાની વાત કરે છે:
તૂટી કલમ તો આગળીનાં ટેરવે લખ્યું,
તેથી જ રાતી ઝાંય છે મારા બયાનમા.
મારો અવાજ શંખની ફૂંકે વહી જશે,
મારી કવિતા શબ્દનાં છીપલાંનું ઘર હશે.
આંસુભર્યા તળાવમાં કાગળની હોડીઓ,
સ્ફુરે ગઝલ એ ચંદ્રકિરણનો પ્રસંગ છે.
સુરતના જ નયન દેસાઈ આંગળીનો ભરાવો ઠાલવવાની વાત લઈને આવે છે:
શબ્દને વીટળાયેલો આ બ્રહ્મ બ્રહ્માંડોનો સ્પર્શ,
આંગળી ભરચક્પણું ખાલી કરે તે છંદ છે.
શ્યામ સાધુ અલગ ચીલો ચાતરે છે. એ સર્જનની વાતમાં વેદનાને સ્થાને હર્ષ અનુભવે છે:
સાવ પાસેથી ગઝલને સાંભળો,
જિંદગીનો ખુશનુમા ચહેરો હશે !
વધુ આગળ વાંચો…
Permalink
June 23, 2006 at 8:48 PM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
(પાણીની અંદરનું વિશ્વ… ….માલદીવ્સ, ફેબ્રુઆરી-02)
ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.
તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.
જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ…ક્..છી’ કોઈ.
તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.
ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.
ડૉ.વિવેક મનહર ટેલર
Permalink
June 23, 2006 at 4:19 PM by ધવલ · Filed under મુક્તક, શેખાદમ આબુવાલા
તમારી મૂંગી આંખમાં જવાબોના જવાબો છે
છતાં બેચેન થઈ હું કેટલાયે પ્રશ્ન પૂછું છું;
મને સમજાતું નથી કે પ્રેમમાં આ શું કરું છું હું?
તમે રડતા નથી ને તોપણ તમારી આંખ લૂછું છું.
– શેખાદમ આબુવાલા
Permalink
June 22, 2006 at 5:35 PM by ધવલ · Filed under ગીત, સુરેશ દલાલ
ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.
આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય તો આવું સહિયારું;
ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.
તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;
સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!-સુરેશ દલાલ
પ્રસન્નદામ્પત્યની વાત એક નવા જ અંદાજથી. ઘડપણના, સમયની કસોટી પર ખરા ઉતરેલા, પ્રેમની વાત કરતી રચનાઓ આપણે ત્યાં ઓછી જ મળે છે.
Permalink
June 21, 2006 at 12:52 AM by ધવલ · Filed under અછાંદસ, મૂકેશ વૈદ્ય
મેં એક મૂર્તિ ઘડી
એક વાર એ પર નખશિખ પથરાયેલી તિરાડે
મારું ધ્યાન ખેચ્યું.
હું મૂર્તિની વધારે નજીક ગયો.
નજીકથી જોતાં
અનેકાનેક છિદ્રો મને વિહ્વળ કરવા લાગ્યાં.
એક વાર તો હું
તિરાડ સોંસરવો આરપાર પણ જઈ આવ્યો.
છતાંય
એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો.
કંઈ ક્યાંય સુધી,
અરે એ કકડભૂસ થઈ ચૂક્યા પછી પણ
મારા મસ્તિષ્કમાં, મારી ભૂજાઓમાં
અને શિરાઓમાં વહેતા રક્તમાં
એ મૂર્તિ
હજીયે અકબંધ ઊભી છે.
– મૂકેશ વૈદ્ય
“આ કવિતામાં કઈ વાત છે? (અ) ખંડિત મૂર્તિના પૂજનની વ્યર્થતાની કે (બ) અપૂર્ણને પણ ચાહી ચાહીને પૂર્ણ બનાવી શકાય છે એની. ”
“એ તો તમે જાણો !”
“કદાચ કવિ બન્ને વાત કહેવા માંગે છે. કદાચ જીંદગીમાં આ બન્ને વાત જેટલી અલગ લાગે છે તેટલી ખરેખર છે નહીં એવું કવિ કહેવા માંગતા હોય.”
“એય તમે જાણો ! મને તો બસ કવિતા ગમી એટલે ગમી. એમાંના છિદ્રો અને તિરાડો જોવાનું કામ તમારું, મારું નહીં.”
“???”
“!!!”
Permalink
June 19, 2006 at 4:30 PM by ધવલ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.
હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલી આપું;
એની કરુણભવ્ય ગાથા રચું;
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો.
ભડનો દીકરો હતો એ,
તડ ને ફડ હતો એ,
મને એકંદરે ગમતો.
વધુ આગળ વાંચો…
Permalink
June 18, 2006 at 3:04 AM by વિવેક · Filed under ગઝલ, દત્તાત્રય ભટ્ટ
જે જુઓ તે સ્વપ્નવત્ ,
રિક્તતા પણ રક્તવત્ .
ઝૂકશે જગ દંડવત્ ,
તું રહે જો પંડવત્ .
ગાલગે બંધાય ક્યાં ?
લાગણીઓ છંદવત્.
કોણ બેસે ? શું ખબર !
હું સજાયો તખ્તવત્.
કોઈ તો વીંધે મને,
હું ફરું છું મચ્છવત્.
ના કશું સ્પર્શે મને,
હું પડ્યો છું ગ્રંથવત્.
રોકવાનો થાક છે,
હું તૂટું છું બંધવત્.
દોડશે તું ભેટવા,
જો, મને તું અંતવત્.
દોડ, મારા શ્વાસમાં,
સ્થિર થૈ ગૈ અશ્વવત્.
દત્તાત્રય ભટ્ટ
ટૂંકી બહેરની ગઝલ એ કોઈ પણ કવિની કસોટી સમાન હોય છે. અને આ ગઝલ જો ધ્યાનપૂર્વક વાંચો તો જણાશે કે મોટાભાગના શેરમાં કવિ સફળ રહ્યાં છે. માણસ જો પંડવત રહેતાં શીખે તો જગત નમશે એ વાત ખૂબ સુંદર છે. એ જ રીતે લાગણીઓ બંધનમાં બાંધી શકાતી નથી એ વાત આ ગઝલના છંદ “ગાલગા”ના પ્રતીકથી અદભૂત રીતે સમજાવાઈ છે.
Permalink
June 17, 2006 at 8:49 AM by વિવેક · Filed under શેર, સંકલન
ગઝલ શી રીતે લખાય છે એ પ્રશ્ન કોઈને પૂછો તો શો જવાબ મળે? સુરતના ડૉ. મુકુલ ચોક્સીને પૂછી જોઈએ?
ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.
ઉન્માદ! કાવ્યમાં ક્યાં રહ્યો કોઈ ડર ?-કહો
વાત આપણી જ આપણા ઉલ્લેખ વગર કહો.
કવિતા કદાચ અંતઃસ્ફુરણાની વાત છે. કવિ જેમ કવિતા રચે છે, એજ પ્રમાણે કવિતા પણ કવિને સતત રચતી રહે છે. મરીઝ ગુજરાતના ગાલિબ ગણાય છે. ગઝલ લખવાની પ્રક્રિયા અંગે એમની પ્રતિક્રિયા તપાસીએ:
હૃદયનું રક્ત, નયનનાં ઝરણ, જીવનનો નિચોડ,
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત.
હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.
‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,
સમયની હો જે પાબંદ, તે પ્રતિભા થઈ નથી શકતી.
વધુ આગળ વાંચો…
Permalink
June 16, 2006 at 10:50 PM by ધવલ · Filed under બ્લોગજગત, સાહિત્ય સમાચાર
ઊર્મિનો સાગર એ ઊર્મિની કવિતાઓ બ્લોગ છે.એની પોતાની કવિતાની સાથે જ એ પોતાને ગમતી બીજા કવિઓની કવિતાઓ પણ રજૂ કરે છે. પહેલી કવિતા એણે કવિ કાંતની પ્રસિદ્ધ રચના સાગર અને શશિ આજે મૂકી છે, ખાસ કારણ એ કે આજે કવિની પૂણ્યતિથિ છે. કવિનો પહેલો (અને એકમાત્ર) કાવ્યસંગ્રહ પૂર્વાલાપ જે દિવસે પ્રગટ થયેલો એજ દિવસે એમનું અવસાન થયેલું.
ઊર્મિની પોતાની રચનાઓ પણ સશક્ત છે. એમાંની એક રચના અહીં જુઓ.
ઉજાસને ખોબામાં ભરતા મને જોઇને,
મુઠ્ઠીભર અંધકાર વેરી ગયો સમય.
રણને તરસથી તરફડતું જોઇને,
ઝાંઝવાનાં જળ પીરસી ગયો સમય.
Permalink
June 16, 2006 at 4:13 PM by ધવલ · Filed under ઓડિયો, સોલી કાપડિયા
સોલી કાપડિયા એ ગુજરાતી સંગીતજગતમાં સૌથી વધારે સૂરીલા નામો માંથી એક છે. સોલીભાઈ મૂળ સૂરતના પણ પાછળથી મુંબઈ એમની કર્મભૂમિ. સોલી વિષેની એક વેબસાઈટ આજે જોવામાં આવી. (આભાર, જયશ્રી).
આ વેબસાઈટમાં સોલી વિષે ઘણી માહિતી ઉપરાંત એનુ એક આલ્બમ પ્રેમ એટલે કે… સાંભળી પણ શકો છો. ઘણા વખતે સોલીનો કંઠ સાંભળીને આનંદ થઈ ગયો.આ આલ્બમના ગીતોમાંથી પ્રેમ એટલે…, આ શ્હેર… અને એમ પણ બને પહેલાં લયસ્તરોમાં રજૂ કરેલા છે, એ પણ સાથે જોશો.
Permalink
June 16, 2006 at 3:56 PM by ધવલ · Filed under બ્લોગજગત, સાહિત્ય સમાચાર
સાન ફ્રાન્સિસ્કોથી જયશ્રીએ બે સરસ ગુજરાતી બ્લોગ શરુ કર્યા છે.બન્નેના નામ પણ મઝાના રાખ્યા છે – મોરપિચ્છ અને ટહુકો.
મોરપિચ્છમાં એ કવિતા, ફોટા, પોતાના વિચારો અને સમાચારો મૂકવાનો વિચાર રાખે છે. જ્યારે ટહુકો બ્લોગમાં માત્ર સંગીત વિષયક વાતો આવશે. શરુઆતના પોસ્ટ પરથી આ બન્ને બ્લોગ ખૂબ રસપ્રદ બની રહેશે એવું લાગે છે. ઓલ ધ બેસ્ટ, જયશ્રી.
Permalink
June 15, 2006 at 7:56 PM by ધવલ · Filed under ગીત, રાવજી પટેલ
આપણને જોઈ
પેલા બગીચામાં લીલોતરી સળવળે.
આપણને જોઈ
પેલાં પતંગિયા હજીયે તે ઊડ્યા કરે !
આપણને જોઈ
પેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ.
આપણને જોઈ
પેલા ઝૂમાં આણી સારસની એક જોડ !
આપણને જોઈ
પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.
આપણને જોઈ
પેલાં ઘરડાંને ચપોચપ દાંત ફૂટે !
– રાવજી પટેલ
સામાન્ય રીતે કવિતામાં પ્રેમીઓ પ્રકૃતિમાંથી પ્રેરણા લેતા હોય એવી વાત આવે છે. જ્યારે અહીં તો કવિએ એવા મુસ્તાક પ્રેમની વાત કરી છે જેના પરથી ખુદ પ્રકૃતિ (અને બીજા ઘણાં) પ્રેરણા મેળવે છે. ‘આપણને જોઈ, પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.’ એ પંક્તિથી કવિ તદ્દન સહજ રીતે જ પ્રસન્ન દામ્પત્યનું દીલને અડકી જાય એવું ચિત્ર દોરી આપે છે.
(મોડ=લગ્ન વગેરે શુભ પ્રસંગે પહેરાતો માથાનો શણગાર)
Permalink
June 15, 2006 at 12:05 AM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
ક્ષણ સરકતું, લરહરતું વૃક્ષ છું.
શ્વાસનો સંચાર કરતું વૃક્ષ છું.
હો ધરા કે હો ગગન મ્હોરી ઊઠું,
હું ફૂલોની જેમ ફરતું વૃક્ષ છું.
મર્મરે છે પંખીઓ, પરણો, પવન
કલરવે કલ્લોલ કરતું વૃક્ષ છું.
તું, ખખડધજ કાળ, ખોડાઈ રહે
હું તો હળવે હરતુંફરતું વૃક્ષ છું.
ડાળ નીચે, મૂળ ઊંચે શબ્દનું
હું પરમ મકરંદ ઝરતું વૃક્ષ છું.
– રાજેન્દ્ર શુક્લ
(મકરંદ=પુષ્પરસ)
Permalink
June 14, 2006 at 9:57 AM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
આઈ-પીસમાંથી તેં જોયો, શું કરું?
દ્વાર પર…પણ દૂર લાગ્યો, શું કરું?
જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
તારી ઈચ્છાનો આ પુલ છે સાંકડો,
મેં મને કોરાણે મૂક્યો, શું કરું?
પ્રેમની પળ, તેં કહ્યું, સહિયારી છે,
થઈ તને આધીન જીવ્યો, શું કરું?
હો સભા તારી અને માણસ દુઃખી?
ચહેરા પર ચહેરો લગાવ્યો, શું કરું?
વસ્લની વચ્ચે સ્ફુરેલો શબ્દ છું,
છે અધૂરાં એથી કાવ્યો……(શું કરું?)
– વિવેક મનહર ટેલર
વિવેકની આ અને બીજી ઘણી ગઝલો આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારા પર માણી શકો છો.
Permalink
June 13, 2006 at 3:21 PM by ધવલ · Filed under ઉમર ખૈયામ, રુબાઈયાત, શૂન્ય પાલનપુરી
બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતા જાય એમ રમવું જોઈએ !
– ઉમર ખૈયામ
( અનુ.’શૂન્ય’ પાલનપુરી )
Permalink
June 12, 2006 at 8:46 PM by ધવલ · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
એ સોળ વરસની છોરી
સરવરિયેથી જલને ભરતી તો યે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી
ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.
એ સોળ વરસની છોરી
મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપાનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરના મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી.
એ સોળ વરસની છોરી
એનાં પગલેપગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,
એના શ્વાસેશ્વાસે ફૂટે ઘુમરાતા આ વાયરામાં વેલ
એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી.
એ સોળ વરસની છોરી
– પ્રિયકાંત મણિયાર
પ્રિયકાંત મણિયાર તો રુપકોના રાજા છે. કૃષ્ણ–રાધાના આ કવિ સોળ વરસની કન્યાનું વર્ણન કરવાનું માથે લે તો રુપકોની રસધાર ન છૂટે તો જ નવાઈ. તો યે એની મટકી રહેતી કોરી જેવો ચમત્કારીક ઉપાડ તમને તરત જ ગીતમાં ખેંચી લે છે. અને ગીતના અંત સુધીમાં તો મન આખું આ સોળ વરસની છોરીના આ શબ્દચિત્રથી લીલુંછમ થઈ જાય છે.
Permalink
June 11, 2006 at 2:50 AM by વિવેક · Filed under ગીત, સંદીપ ભાટિયા
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.
હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.
સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.
-સંદીપ ભાટિયા
1-5-1959 ના રોજ જન્મ. મુંબઈના નિવાસી. કવિતા સાથે વાર્તા અને નિબંધ પણ લખે છે અને કળાત્મક મુખપૃષ્ઠો પણ કરે છે. કાવ્યસંગ્રહ હજી પ્રકાશિત નથી થયો.
Permalink
June 10, 2006 at 2:46 AM by વિવેક · Filed under કલાપી, સંકલન
દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
***
મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે !
***
કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.
***
પ્રેમીએ પ્રેમી જાતાં કો બીજાથી પ્રેમ જોડવો,
આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે મળે ખરો?
જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો
બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.
***
પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.
***
ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.
***
દર્દીના દર્દની પીડા વિધિને ય દિસે ખરી,
અરે ! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?
***
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
***
હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
***
ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
***
હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?
***
વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !
***
સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
10-06-1900 ના રોજ એક રાતની ટૂંકી માંદગી બાદ ફક્ત છવ્વીસ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી જનાર લાઠી નામના નાકકડા રજવાડાના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને એક આખી સદી બાદ શા માટે આ દુનિયા યાદ કરે? પણ હકીકત તો એ છે કે કેટલાક રાજાનું જીવન એના ખોબા જેટલા રજવાડાથી ય લાંબું હોય છે અને કેટલાકનું તો વળી શાશ્વત! ‘કલાપી’ એટલે શાબ્દિક અર્થમાં મોર… અને આ મોરનો ‘કેકારવ’ તો સદીઓ પછી પણ આપણા દિલની વાડીઓમાં એજ ચિરયુવાન મીઠાશથી ગુંજતો રહેશે. યુવાન હૃદયની સુકોમળ ઊર્મિઓ સરળ અને સહજ સુમધુર બાનીમાં મા ગુજરાતના ખોળે ધરનાર આ કવિની કવિતાઓ દરેક પ્રેમીના પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર જ લખાયેલી રહેશે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો ભાવની સ્નિગ્ધ મીઠાશ અને રસાળ ચિંતનના કારણે અજર-અમર બની ગયાં છે… (જન્મ: 26-02-1874)
Permalink
June 9, 2006 at 3:54 PM by ધવલ · Filed under બ્લોગજગત
નવા બ્લોગનો હવે અઠવાડિક વિભાગ શરુ કરવો પડશે એમ લાગે છે ! ગુજરાતી બ્લોગજગતમાં આટલા બધા લોકો આટલી ઝડપથી જોડાશે એવી કલ્પના પણ કોણે કરેલી ?
- વિચાર જગત ( A Surati’s view ) એ બેંગલોરમાં ભૂલા પડેલા મૂળ સૂરતી નિમેષનો બ્લોગ છે. એમાં એણે પોતાના વિચારો અને અનુભવો મુક્યા છે.
- Arsh’s Collection એ નિશિથ શુક્લનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ છે.
- કલરવ એ વિવેક શાહનો ગુજરાતી ગીતોનો બ્લોગ છે. એના પર તમે ગુજરાતી ગીતો સાંભળી શકો છો.
બધાનું ગુજરાતી બ્લોગજગતમાં સ્વાગત !
Permalink
June 8, 2006 at 11:31 PM by ધવલ · Filed under મુક્તક, સૈફ પાલનપુરી
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરી
Permalink
June 7, 2006 at 11:16 PM by ધવલ · Filed under અછાંદસ, પુ. શિ. રેગે
ક્યારે આમ
તકિયા પરની થઈ
ચાંદની, તડકો ?
-પુ.શિ.રેગે
(અનુ. – જયા મહેતા)
Permalink
June 7, 2006 at 10:22 PM by ધવલ · Filed under બ્લોગજગત
વડોદરાથી ‘ડી’એ નવો બ્લોગ
Dee’s World શરુ કર્યો છે. બ્લોગ પર અત્યારે એની સ્વરચિત લઘુકવિતાઓ છે. આશા રાખીએ કે એ વધુને વધુ સામગ્રી બ્લોગ પર લાવે. અહીં એની જ એક લઘુકવિતા માણો.
મારો પરિવાર એટલે
સાંજ…
દરિયો…
રેતી…
ઉદાસી..
અને
હું.
(આભાર, વિશાલ)
Permalink
June 6, 2006 at 8:59 PM by ધવલ · Filed under અછાંદસ, રવીન્દ્રનાથ ઠાકુર
તું છે આકાશ મારું અને તું જ મારો માળો.
હે સુંદર, માળામાં
તારો પ્રેમ, મારા આત્માને વીંટાળતો નાદમાં, રંગમાં, સુગંધમાં.
દક્ષિણ હસ્તે, સુવર્ણપાત્રે, સૌંદર્યમાલા ધરી,
પધરામણી ત્યાં પ્રભાતની, દેતી ધરતીને વધામણી.
ત્યાં સંધ્યા પથરાતી મેદનીવિહીન મેદાને,
સાથે લાવતી શીતલ, શાંત સમીર, ભરી એના સુવર્ણકળશે.
પણ જ્યાં આત્મા મુક્ત વિચરતો, તે અનંત આકાશે
દશ દિશા ચમકતી નિષ્કલંક, નિરભ્ર, શુભ્ર, તેજપુંજે.
ન દિવસ, ત્યાં ન રાત, ન રંગ ત્યાં ન આકાર,
અને શબ્દનો સદંતર અભાવ.
-રવીન્દ્રનાથ ઠાકુર
અનુવાદ – શૈલેશ પારેખ
ગીતાંજલીના ગુજરાતીમાં નવ અનુવાદ થયા છે. એમાં સૌથી છેલ્લો શ્રી શૈલેશ પારેખે કરેલો અનુવાદ છે. મૂળ અંગ્રેજી (જે પોતે પણ બંગાળી પરથી અનવાદ છે) પરથી કરેલો આ સરળ અને સહજ અનુવાદ તરત મનમાં વસી ગયો. રવીન્દ્રનાથની આ સનાતન કવિતાઓ આમ પણ કાળ અને ભાષાના બંધનોથી ક્યાંય પર છે. એમાં સંઘરાયેલા અર્થ અને વિસ્મય ધીરે ધીરે ખૂલે છે અને તમારા પોતાના મનની સ્થિતિ પ્રમાણે બદલાય પણ છે.
(નિરભ્ર=વાદળાં વિનાનું)
Permalink
June 6, 2006 at 7:38 PM by ધવલ · Filed under મુક્તક, રઈશ મનીયાર
પર્વતમાંયે રસ્તા પડી જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા હાંફતા હાંફતા એક દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.
– રઈશ મનીયાર
Permalink
June 6, 2006 at 10:38 AM by વિવેક · Filed under એષા દાદાવાળા, સાહિત્ય સમાચાર
લયસ્તરોનું વાંચકવૃંદ એષા દાદાવાળાના નામથી પરિચિત છે જ. એક કુંવારી છોકરીએ લખેલી પિતૃત્વની ભાવવાહી કવિતાઓથી આપણે વહી ગયેલી પળોમાં અઢળક ભીંજાયા છીએ. ‘કવિતા’ના એપ્રિલ-મે 2006ના અંકમાં એષાની લયસ્તરો પર અગાઉ આપણે માણેલી બે રચનાઓ ‘પગફેરો…!’ અને ‘ભ્રુણ હત્યા…!’ પ્રકાશિત થઈ છે. આ ઉપરાંત 4-6-2006ના દિવ્યભાસ્કરની રવિવારીય ‘મહેફીલ’ પૂર્તિમાં સુરેશ દલાલે ‘પગફેરો…!’નો સામી છાતીએ ખંજર ભોંકતી કવિતા કહીને સુંદર આસ્વાદ કરાવ્યો છે. એષા અભિનય ક્ષેત્રે પણ ઝડપભેર આગળ વધતું નામ છે અને થોડા સમય પહેલાં જ શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ જીતી હતી. લયસ્તરો તરફથી એષાને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ….
Permalink
June 5, 2006 at 10:25 PM by ધવલ · Filed under ગઝલ, જવાહર બક્ષી
રાત, પ્રતીક્ષા, ઊંઘનું ઝોલું
શ્રદ્ધા જેવા લયથી ડોલું
હું ઝાકળના શહેરનો બંદી
બોલ, ક્યો દરવાજો ખોલું ?
થાય સજા પડઘા-બારીની
ત્યાં જ તમારું નામ ન બોલું
આવરણોને કોણ હટાવે ?
રૂપ તમારું આખાબોલું !
સ્વપ્નાંઓ સંપૂર્ણ થયાં છે
આપ કહો…તો આંખો ખોલું
– જવાહર બક્ષી
જવાહર બક્ષી ગુજરાતી ગઝલમાં અનેરો અવાજ છે. વર્ષો સુધી જતનપૂર્વક સેવેલી ગઝલોનો એમનો સંગ્રહ તારાપણાના શહેરમાં ગુજરાતી ગઝલનું એક સિમાચિહ્ન છે. એમની જ આગળ રજૂ કરેલી ગઝલો પણ જોશો : ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી અને હું તને કયાંથી મળું ?
Permalink
June 4, 2006 at 11:41 PM by ધવલ · Filed under ગીત, મકરન્દ દવે
આ ગીત તમને ગમી જાય
તો કહેવાય નહી,
કદાચ મનમા વસી જાય
તો કહેવાય નહી.
ઉદાસ, પાંદવિહોણી બટકણી ડાળ પરે,
દરદનું પંખી ધરે પાય ને ચકરાતું ફરે,
તમારી નજરમાં કોણ કોણ, શું શું તરે ?
આ ગીત એ જ કહી જાય
તો કહેવાય નહી,
જરા નયનથી વહી જાય
તો કહેવાય નહી.
ઉગમણે પંથ હતો, સંગ સંગમાં ગાણું,
વિખૂટી ખાઈમાં ખુશીનું ગાન ખોવાણું,
પછી મળ્યું ન મળ્યું કે થયું જવા ટાણું ?
ખુશી જો ત્યાં જ મળી જાય
તો કહેવાય નહી,
આ ગીત તમને ગમી જાય
તો કહેવાય નહી.
– મકરન્દ દવે
Permalink
June 4, 2006 at 12:36 AM by ધવલ · Filed under મુક્તક, શોભિત દેસાઈ
વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.
– શોભિત દેસાઈ
કોણ જાણે કેમ છેલ્લા થોડા વખતથી મૃત્યુ વિષય પરની વધુ ને વધુ કવિતાઓ હાથે ચડે છે. સાથે જ જુઓ મરતા માણસની ગઝલ – ઉદયન ઠક્કર અને મૃત્યુ ન કહો – હરીન્દ્ર દવે.
Permalink
June 2, 2006 at 5:04 PM by ધવલ · Filed under અછાંદસ, કુસુમાગ્રજ, જયા મહેતા
મધરાત વિત્યા પછી
શહેરનાં પાંચ પૂતળાં
એક ચોરા પર બેઠાં
અને આંસુ સારવા લાગ્યાં.
જ્યોતિબા બોલ્યા,
છેવટે હું થયો
ફક્ત માળીનો.
શિવાજીરાવ બોલ્યા,
હું ફક્ત મરાઠાનો.
આંબેડકર બોલ્યા,
હું ફક્ત બૌદ્ધોનો.
ટિળક ઉદગાર્યા,
હું ફક્ત ચિત્પાવન બ્રાહ્મણોનો.
ગાંધીએ ગળાનો ડૂમો સંભાળી લીધો
અને તે બોલ્યા,
તોયે તમે નસીબદાર
એક એક જાતજમાત તો
તમારી પાછળ છે.
મારી પાછળ તો
ફક્ત સરકારી કચેરીની દીવાલો !
-કુસુમાગ્રજ
(અનુ. – જયા મહેતા)
આ કાવ્ય વાંચીને દિલમાંથી ચીસ નીકળી જાય છે. હકીકત એ છે કે સિંહણના દૂધ માટે સોનાનું પાત્ર જોઈએ. એજ રીતે ગાંધીજીને અનુસરવા માટે નક્કર આદર્શોવાળી પ્રજા જોઈએ. આપણું એ ગજુ નથી. કોઈ બીજા પર આક્ષેપ નથી, પહેલી આંગળી પોતાની તરફ જ છે. જગતને સુધારવાની ગાંધીજીએ બતાવેલી રીત પોતાની જાતને સુધારવાની હતી. આ રીતથી વધારે સચોટ અને વધારે કઠીન રીત બીજી કોઈ નથી. આ બધા વિચારો એકાદ પળ માટે રહે છે અને પછી પાછા આપણે જેવા હતા એવાને એવા જ ! એટલે જ તો કહ્યું છે,
કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.
(મરીઝ)
Permalink
June 2, 2006 at 12:01 PM by ધવલ · Filed under મુક્તક, વિવેક મનહર ટેલર
ચિત્ર: ડૉ.કલ્પન પટેલ
હૈયું ભરાઈ આવ્યું, છલકી ઊઠ્યાં છે આ નેણ,
હું શું કહું? અધરથી પાછાં વળ્યાં છે સૌ વેણ;
તારો આ પ્રેમ સાંધે, સંબંધ એ રીતે કે
ટુકડોજડ્યો જડે ન, ક્યાંયે જડે ન કો’ રેણ.
ડૉ.વિવેક મનહર ટેલર
Permalink
June 2, 2006 at 9:45 AM by વિવેક · Filed under ગીત, પ્રીતમ
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.
સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.
મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.
પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.
માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.
રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.
પ્રીતમદાસ ( ઈ. 1718 થી 1798) જ્ઞાનમાર્ગી ભક્તકવિ હતાં. પાંચસોથી વધુ પદોમાં વૈરાગ્યબોધ અને કૃષ્ણભક્તિનું આલેખન વિવિધ રાગઢાળો અને લોકગમ્ય રૂપકો-દ્રષ્ટાંતોના બહોળા ઉપયોગથી કરનાર પ્રીતમદાસના પદોની ધ્રુવપંક્તિઓ એની ચોટના કારણે લોકપ્રિય બની છે. આ ઉપરાંત ગુજરાતી-હિંદી સાખીઓ, ‘જ્ઞાનગીતા’, ‘પ્રીતમગીતા’, ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ (સુડતાળીસના દુકાળ પરની રચના)’ વગેરે એમના મોંઘેરા મોતીઓ છે.
(સુત = પુત્ર, વિત્ત = ધન, દારા = પત્ની, સમરપે = સમર્પે, આંગમે = આવકારે, સ્વીકારે, દુગ્ધા = પીડા. જંજાળ, વામે = ઓછું થવું, મટી જવું, રામ-અમલમાં = રામરાજ્યમાં, રાતામાતા = હૃષ્ટપુષ્ટ ને આનંદતું, રજનિ-દન = રાત-દિવસ, નરખે = નીરખે, જુએ)
Permalink
June 1, 2006 at 9:25 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રણવ ત્રિવેદી
આ દુનિયા જાણે સંબંધોનો દરિયો.
સંબંધો તો પાણીના પરપોટાની જેમ
પ્રગટે અને ફૂટે…
સંબંધો તો ફૂલ થઈને ફોરે..
સંબંધો તો શૂળ થઈને કોરે..
ક્યાંક સંબંધો પર્વત જેવા અવિચળ,
ક્યાંક સંબંધો ઝરણા જેવા ચંચળ…
સંબંધો તો શમણું થઈને સરે…
સંબંધો તો તરણું થઈને તરે…
સંબંધો તો સુર્યમુખીનુ ફૂલ…
સંબંધો તો અગનશિખાનુ શૂળ
ક્યાંક સંબંધો કર્ણના કવચકુંડળનો ભાર,
ક્યાંક સંબંધો યુધિષ્ઠિરના અર્ધસત્યનો ભાર..
સંબંધો તો વૈશાખી બપોરનું આકાશ,
સંબંધો તો ચાતક કંઠની પ્યાસ !
સંબંધો નાના હોય કે પછી હોય મોટા,
સંબંધો તો અભિમન્યુના સાત કોઠાં !
-પ્રણવ ત્રિવેદી
રાજકોટની સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં ડેપ્યુટી મનેજર તરીકે સેવા બજાવતા શ્રી પ્રણવ ત્રિવેદી (18/11/1965) ઘણી સારી કવિતા કરે છે. સાહિત્ય એમનો પ્રથમ પ્રેમ છે અને પરિવાર બીજો ! ઈશ્વરદત્ત સુકોમળ સ્વરના માલિક અને મુશાયરાના સારા સંચાલક. રાજકોટના રેડિયો પર અવારનવાર એમના સ્વરનો કોકિલ ટહૂકતો રહે છે… આપ એમની અન્ય કવિતાઓ એમના પોતાના બ્લોગ પર માણી શકો છો.
Permalink