દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મારો હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ગની દહીંવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રમોદ અહિરે

પ્રમોદ અહિરે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઈશ્વર સુધી – પ્રમોદ અહિરે

બેઠો હું પહોંચી જવા અક્ષર સુધી,
ને કલમ પહોંચી ગઈ ઈશ્વર સુધી.

જાય છે રોજ્જે ઘણા સાગર સુધી,
કેટલા કિન્તુ ગયા અંદર સુધી?

મૌન સામે ના ટકી આખર સુધી,
અફવા તો પહોંચી હતી ઘરઘર સુધી.

વેલ પર જીવન હતું આખર સુધી,
તું ચૂંટીને લઈ ગયો અત્તર સુધી.

તું ફક્ત પથ્થરમાં જા અંદર સુધી,
શિલ્પ જાતે આવશે બાહર સુધી.

‘તું જ કર’થી ‘તું કશું ના કર’ સુધી,
પ્રેમ નક્કરથી ગયો જર્જર સુધી.

તે પછી રસ્તો ખૂલ્યો નટવર સુધી,
મીરાં પહેલાં પહોંચેલી ભીતર સુધી.

– પ્રમોદ અહિરે

મજાની મત્લા ગઝલ… દરેક મત્લા નક્કર.

Comments (2)

ગઝલ – પ્રમોદ અહિરે

શબદ તો કામ લાગે પ્રાસ માટે,
મને તો જોઈએ છે શ્વાસ માટે.

ફકત કાયામાં હું આવી શકું નહિ,
સકળ બ્રહ્માંડ દે આવાસ માટે.

રહું છું ઘરમાં ઘરથી પર રહીને,
તો શાને જાઉં વન વનવાસ માટે ?

તું પણ સંતોષ પામ્યો, એ તું જાણે,
લખું છું હું તો મારી પ્યાસ માટે.

હું પણ ગીતા છું તું વાંચી શકે તો,
હું પુસ્તક ના બનું વિશ્વાસ માટે.

– પ્રમોદ અહિરે

સુરતમાં ઘણા મજબૂત ગઝલકારો માત્ર એમની નિર્લેપતા અને કંઈક અંશે આળસના કારણે ગઝલપ્રેમીઓની નજરથી અછતા રહી ગયા છે. પ્રમોદ અહિરે એમાંના એક. એક-એક શેર હાથમાં લો. કવિએ કાફિયા કેવા ચપોચપ નિભાવ્યા છે એ જુઓ. કવિની ખુમારી જુઓ. બધા જ શેર લાંબા સમય સુધી તમારા મનોમસ્તિષ્ક પર કબજો કરી રાખે એવા બળવત્તર.

Comments (7)

ગઝલ – પ્રમોદ અહિરે

એમાં સમાવું કેટલું ? – અનુભવની ખાણ છે;
કંઈ લઈ જવાશે ? – શબ્દનું નાજુક વહાણ છે.

એક દેહ, ચક્ર  સાત  અને  તત્ત્વ  પાંચ છે  –
એક્કેય  સાથે   તારે   કશી  ઓળખાણ  છે ?

પાંચેય  તત્ત્વ  લઈ  જશે, જે  એમનું છે  તે,
બાકી  બચી  જશે  જે, તે  મારી  પિછાણ છે.

‘હું’  ‘હું’  નહીં રહીશ, પછી  ‘હું’  રહીશ  ક્યાં ?
સમજો તો છે મજા ને ન સમજો તો તાણ છે.

પરપોટો જોતાં જોઈ મેં આખી મનુષ્યજાત –
ફૂટીને  જળ  થશે, છતાં  જળથી અજાણ છે.

અક્ષરથી ન પ્રગટ થયું ‘અક્ષર’ સ્વરૂપ અહીં,
અક્ષ્રરમાં   છેક   ઊંડે   લપાયું   લખાણ   છે.

– પ્રમોદ અહિરે

કવિની શબ્દયાત્રા સતત એના જીવનનું પ્રતિબિંબ ઝીલતી હોય છે. પ્રમોદ અહિરે ગઝલ વિશ્વમાં આવ્યા ત્યારે ‘પ્રિયે ! તું અહીંથી જવાની’ જેવા પ્રેમાસિક્ત નામાભિધાનવાળો સંગ્રહ લઈ આવ્યો… જીવનના એક નાજુક વળાંક પરથી કવિનો કાફલો જ્યારે દિશા બદલે છે ત્યારે આ જ યુવાકવિની વાતોમાં જીવનની ઉત્તમ ફિલસૂફી કેવી અનાયાસ આવી જાય છે !

કવિ જ્યારે પડખું બદલે ત્યારે આવી ઉત્તમ ગઝલો આપણને ભેટ મળે છે…

 

 

Comments (7)

ગઝલ – પ્રમોદ અહિરે

સિદ્ધિ તને મળી ગઈ,ઈશ્વર મળ્યો કે નહિ?
‘તું કોણ છે?’ આ પ્રશ્નનો ઉત્તર મળ્યો કે નહિ?

એકાદ મોતી તળથી તું લાવ્યો હશે કદી-
પણ પ્રશ્ન એ જ છે કે સમંદર મળ્યો કે નહિ?

જે કંઈ તને મળ્યું છે, તે અંતિમ ન હોય તો-
અંતિમ જે છે તે પામવા અવસર મળ્યો કે નહિ?

બાહર ભલે તું રોજ મળે લાખ લોકને-
એકાદવાર ખુદને તું ભીતર મળ્યો કે નહિ?

-પ્રમોદ અહિરે

આ ચાર શેર વાંચીએ અને અંદર ખળભળાટ ન થાય તો જ નવાઈ…

Comments (14)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૨)

ગઈકાલે આપણે શ્રી ભગવતીકુમાર શર્માની છોત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે કવિશ્રીની અલગ-અલગ ગઝલની પંક્તિઓ પર પોતાની ગઝલ રચી  સુરત ખાતે યોજેલ તરહી મુશાયરાની એક ઝલક માણી… આજે ભાગ બીજો..

*

IMG_4689

ખુલ્લાં હૃદયનાં દ્વાર, ઉમળકોય જોઈશે,
મોટું મકાન, દોસ્ત ! ઉતારો નહીં બને.

તેથી જ હું હવે તો તમારો બની ગયો,
પડછાયો મારો કોઈ દી મારો નહીં બને.

-ગૌરાંગ ઠાકર

*

IMG_4693

ઉતાવળ ક્યાં હતી આંખોને પાણીદાર થાવાની ?
અમસ્તા તોય લોકો જાય છે એને રડાવીને.

ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.

– દિવ્યા મોદી

*

IMG_4711

સ્પર્શોનો ભવ્યરમ્ય એ ઉત્સવ થતો નથી,
હરદમ એ તાજગીનો અનુભવ થતો નથી.

આંસુઓ મારા ક્યાં જઈ સંતાડ્યા, પ્રિયે !
સાડીનો છેડો પણ હવે પાલવ થતો નથી.

– ડેનિશ જરીવાલા

*

IMG_4716

આ ઝાડવે ને પાંદડે જૂનું થયું હવે,
કંડારવું છે નામ તારા કાળજે મને.

હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.

– કવિતા મૌર્ય

*

IMG_4696

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જીવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.

-સુનીલ શાહ

*

IMG_4726

હોવાપણાંમાં કોઈ ઉણપ હોવી જોઈએ,
પ્રતિબિંબ જોતાં લાગે, અરીસો ચિરાય છે.

આવે નહીં અવાજ ને આંસુ ઢળી પડે,
જ્યારે કોઈ હૃદયનો ભરોસો ચિરાય છે.

– પ્રમોદ અહિરે

*

IMG_5167

હજી ક્યાં પ્રણયની સમજ આવી છે,
હૃદય છે, અહર્નિશ બળે પણ ખરું.

અમે તો કિનારે જ તરતાં રહ્યાં,
ડૂબ્યાં હોત તો કંઈ મળે પણ ખરું.

– જનક નાયક

*

IMG_4676[1]

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (22)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨

(ગઈકાલે કડી: ૧ આપે વાંચી?)

ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:

ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?

મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.

ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.

કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.

રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.

ganichacha1

(ડાબેથી રૂપિન પચ્ચીગર, હરીશ ઠક્કર, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, રતિલાલ અનિલ, ચંદ્રકાંત પુરોહિત. જમણી બાજુથી નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ અને બકુલેશ દેસાઈ)

-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.

જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.

રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

ગુણવંત ઠક્કર:
યાત્રીએ જોયા મજાના તીર્થધામો, દોસ્તો,
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વરસો, દોસ્તો;

પ્રજ્ઞા વશી:
ચરણ, રસ્તો અને આ આભ પણ છોને તમે લઈ લો,
ફકત ત્યાં પહોંચવાના લક્ષ્યની આરત મને આપો.

સુનિલ શાહ:
નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોજ ઉઠાવી નથી શક્તો.

પ્રમોદ અહિરે:
ગનીની સાદગી ને નેકદિલનો આ પુરાવો છે,
એ કાગળ પર લખે અક્ષર અને એ લય થવા લાગે.

પ્રફુલ્લ દેસાઈ:
અમે થોભ્યા મિલનની વારતા અડધી સુણાવીને,
ઉઠેલા કેટલા પ્રશ્નો પછી મનમાં સમાવીને.

બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.

નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,

કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.

ganichacha2

(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)

રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.

ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.

સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !

-રઈશ મનીઆર, વિવેક ટેલર

Comments (11)

ગઝલ- પ્રમોદ અહિરે

અમારા તડપવાનું કારણ સ્મરણ છે;
અને રોજ મરવાનું કારણ સ્મરણ છે.

નથી   આગ  જેવું  કશું   જિંદગીમાં,
અમારા સળગવાનું કારણ સ્મરણ છે.

નદી હું સરજવા ગયો તો બન્યું રણ,
હવે ત્યાં ભટકવાનું કારણ સ્મરણ છે.

બધું   સર્વસામાન્ય   છે  એ  ગલીમાં,
છતાં ત્યાં અટકવાનું કારણ સ્મરણ છે.

ઘણાં  રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
ઘણાંનું ન લખવાનું કારણ સ્મરણ છે.

-પ્રમોદ અહિરે

ગુજરાતી ગઝલના મક્કા કે કાશી ગણાતા સૂરતની ગઝલ-સંસ્કૃતિને બરકરાર રાખી શકે અને એનું અજવાળું દિનોદિન ઊજાળી શકે એવા નવી પેઢીના માંજેલા ગઝલકારોમાંના એક એટલે પ્રમોદ અહિરે. સ્મરણને કેન્દ્ર સ્થાને રાખી લખેલી આ ગઝલ વાંચો અને કાયમ માટે સ્મરણમાં ન જડાઈ જાય તો જ નવાઈ.

Comments (7)

નહીં કરું – પ્રમોદ આહિરે

મારા હ્રદયમાં છે જ તું, ભટક્યા નહીં કરું;
હું મંદિરોમાં જઈને તપસ્યા નહીં કરું.

તકદીરમાં હશે તો તું મળશે જ એક’દિ,
તું જોઈએ જ એવી હું ઈચ્છા નહીં કરું.

હું આદમી છું આદમી રૂપે જ મસ્ત છું,
સૂરજ થવાને માટે સળગ્યા નહીં કરું.

-પ્રમોદ આહિરે

Comments (5)