કોતરાતાં ગયાં બેઉ એક ટાંકણે,
સુખને આકાર છે, દુ:ખ નિરાકાર છે.
રઈશ મનીઆર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for લક્ષ્મી ડોબરિયા

લક્ષ્મી ડોબરિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(સુંદર હતા) - લક્ષ્મી ડોબરિયા
ગઝલ - લક્ષ્મી ડોબરિયા
ગઝલ - લક્ષ્મી ડોબરિયા
ગઝલ - લક્ષ્મી ડોબરિયા
ગઝલ - લક્ષ્મી ડોબરિયા
ગઝલ - લક્ષ્મી ડોબરિયા
ગઝલ - લક્ષ્મી ડોબરિયા
ગઝલ - લક્ષ્મી ડોબરિયા
ગઝલ - લક્ષ્મી ડોબરિયા
ગઝલ - લક્ષ્મી ડોબરિયા
નથી - લક્ષ્મી ડોબરિયા
હતી - લક્ષ્મી ડોબરિયાનથી – લક્ષ્મી ડોબરિયા

સરવાળા, બાદબાકી ની જ્યાં શક્યતા નથી.
એ વાતને વધારવામાં પણ મજા નથી.

ડૂમાને જ્યારથી અહીં વાંચી ગયું છે કોઈ,
આંસુના ત્યારથી મેં ખુલાસા કર્યા નથી.

હું આંખ આડા કાન ભલે ને કરી લઉં,
કેવી રીતે કહું કે ગમા-અણગમા નથી.

જાહોજલાલી ખુદને મળો એવી ના રહી,
વૈભવની વચ્ચે ખાલી ખૂણાની મતા નથી.

કોઈના થઈ ગયા પછી આ વાત માની કે,
દાવા, દલીલ માટે હૃદયમાં જગા નથી.

હું તો ગઝલ છું, કોઈ ઝીણી ક્ષણમાં અવતરું,
વાંચી, લખી શકો તમે એ વારતા નથી.

આવે ને જાય એમાં ઘડે ઘાટ અવનવા,
સપના હો કે વિચાર હો એળે જતા નથી.

– લક્ષ્મી ડોબરિયા

આગળ ન વધી શકાય કે પાછળ ખસી ને શકાય, જ્યાં કોઈપણ પ્રકારની શક્યતાનો શૂન્યાવકાશ જ હોય એ વાતને વધારીને શો ફાયદો? આપણા સમગ્ર અસ્તિત્વને એવી રીતે ભરી દે કે આપણી પોતાની જાતને મળવા માટે એક ખૂણો પણ ન બચે એ જાહોજલાલી, એ વૈભવનો અર્થ શો? દાવા-દલીલ વિના કહી શકાય કે સરવાળે ઝીણી ક્ષણે અવતરેલી આ ગઝલમાં એકય શેર એળે જાય એવો નથી.

Comments (9)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

આમ ભરચક આમ ખાલી,
મન તો છે જાદૂઈ પ્યાલી.

એ હતી નવજાત તો યે,
વાત આખી રાત ચાલી.

છે સવાલો સાવ નક્કર,
પણ, જવાબો છે ખયાલી.

ઘાસની લીલી સભા પર,
શ્વેત ઝાકળની છે લાલી.

સાત પગલા મેં ભર્યા છે,
ખુદની દુ:ખતી રગને ઝાલી.

તું ગણિત એવું ગણે કે,
મૂડી મુદ્લ, વ્યાજ પાલી.

કેફિયત મારી સૂણીને,
આ ગઝલ પણ ફૂલી-ફાલી.

– લક્ષ્મી ડોબરિયા

અન્ય કવિઓ સાથે ભાગીદારીમાં બબ્બે સંગ્રહ આપ્યા બાદ રાજકોટના કવયિત્રી લક્ષ્મી ડોબરિયા પોતાનો પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ “તાસીર જુદી છે” લઈને આવ્યા છે. સંગ્રહમાંથી એક મજાની ગઝલ આપ સહુ માટે…

લયસ્તરો તરફથી કવયિત્રીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ…

Comments (5)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

મનને હું હાથમાં જ રાખું છું !
એ જ એનો ઈલાજ રાખું છું !

આ સહજ થઈ જવાનો રસ્તો છે,
આજમાં ખાલી આજ રાખું છું !

નોખી રીતે તરસને પોંખી છે,
હું અષાઢી મિજાજ રાખું છું !

સાંભળ્યું મૌનને તો લાગ્યું કે –
હું યે મારો અવાજ રાખું છું !

થાય છે ત્યાં સવારનો મહિમા,
જ્યાં વધાવીને સાંજ રાખું છું !

– લક્ષ્મી ડોબરિયા

ગઝલના પહેલા ચાર શેર તો જાણે મરીઝનો આત્મા કવયિત્રીમાં પ્રવેશ્યો હોય એવા ઉત્તમ… સરળ બાનીના તીરથી માર્મિક લક્ષ્યવેધ !

Comments (11)

(સુંદર હતા) – લક્ષ્મી ડોબરિયા

શું કહું કે કેટલા સુંદર હતા !
સાવ સાચા હોઠ પર ઉત્તર હતા !

મેં અહમ્ હળવેકથી છોડ્યો અને,
થઈ ગયા આષાઢ જે ચૈતર હતા !

હાથ ના પકડે હકીકત તોય શું ?
સ્વપ્ન જન્મ્યાં ત્યારથી પગભર હતાં !

આજના સંદર્ભમાં તાજા છતાં,
દર્દના કારણ ઘણાં પડતર હતાં !

ના જવાયું સાવ નજદીક એમની,
એ ઉપર થોડા, ઘણાં અંદર હતા !

– લક્ષ્મી ડોબરિયા

સાદ્યંત સુંદર રચના…

Comments (16)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

નાની અમથી વાત પર,
જાય છે સૌ જાત પર !

રહે અધૂરું સ્વપ્ન તો,
વાંક આવે રાત પર !

આ સમય લીલા કરે,
ઘાત-પ્રત્યાઘાત પર !

જીતની સંભાવના,
હોય છે સૌ મ્હાત પર !

ધારણા જન્મે-મરે,
થઈ ગયું કે થાત પર !

બોલવા દે મૌનને,
ભીતરી જજબાત પર !

અંત હળવો થઈ જશે,
ભાર દે શરૂઆત પર !

-લક્ષ્મી ડોબરિયા

ટૂંકી બહેરની મજેદાર રચના. “આમ થઈ ગયું” કે “આમ થાત તો”ના અર્થઘટન પર જન્મતી-મરતી ધારણાવાળો શેર શિરમોર…

Comments (14)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

છીપ-મોતીની કણસ, મેં સાચવી છે !
બંધ મુઠ્ઠીની જણસ, મેં સાચવી છે !

ઝાંઝવા દોડ્યા હતા મીટાવવા..પણ,
સાત દરિયાની તરસ, મેં સાચવી છે !

ફૂલ, કૂંપળ, પાંદડા..તેં સાચવ્યા, ને –
પાનખર વરસો-વરસ, મેં સાચવી છે !

લાલ-પીળા રંગ ઘોળી ને..નજરમાં,
સાંજની પીડા સરસ, મેં સાચવી છે !

આ કલમ, કાગળ અને એકાંત જેવી
બસ, અમાનત આઠ-દસ, મેં સાચવી છે !

– લક્ષ્મી ડોબરિયા

આ ગઝલ વાંચો અને ભીતર સાચવી રાખેલી “વાહ” અનાયાસ સરી ન પડે તો જ નવાઈ… બધા જ શેર અદભુત! મત્લા અને મક્તા તો ભઈ, તોબા !

Comments (19)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

ભાર ખાલી ક્ષણનો કાયમ હોય છે !
કાં પછી સમજણનો કાયમ હોય છે !

ટાઢ, તડકો, ઝાંઝવા ને થોરથી,
દબદબો તો રણનો કાયમ હોય છે !

કોરું મન, તરસ્યા નયન, વહેતો સમય..
પ્રશ્ન બસ આ ત્રણનો કાયમ હોય છે !

ચાસ ચહેરા પર સમય પાડે અને-
વાંક કાં દરપણનો કાયમ હોય છે ?

સાવ સાચી વાત કરવી હોય પણ,
ડર સવાયા ‘પણ’નો કાયમ હોય છે !

– લક્ષ્મી ડોબરિયા

કેટલીક ગઝલો વાંચીએ અને આખો દિવસ સુધરી ગયાનું અનુભવાય… એક genuine poetry હાથમાં આવે ત્યારે એક આખો ખજાનો જડી આવ્યાનું અનુભવાય… આ ગઝલ વાંચો.. ફરી ફરીને વાંચો.. અને જુઓ, કે તમારી અંદર શાતાની લહેરખી દોડે છે કે નહીં?!

 

Comments (22)

હતી – લક્ષ્મી ડોબરિયા

એક ઝીણી ક્ષણ મને વાગી હતી !
મેં મુલાયમ વેદના માંગી હતી !

હાથતાળી આપશે નો’તી ખબર
મેં સમયની ચાલને તાગી હતી !

આંગળી મેં શબ્દની પકડી અને
રેશમી સંવેદના જાગી હતી !

મેં વિષાદી સાંજને ચાહી જરા
તો ઉદાસી રીસમાં ભાગી હતી !

લાલસા તેં હૂંફની રાખી અને
મેં અપેક્ષા સ્નેહની ત્યાગી હતી !

એટલે સપનાં ફરી આવ્યા નહીં
પાછલી આ રાત વૈરાગી હતી !

લાગણી થૈ ગઈ હરણ, ને એ પછી
પ્યાસ મૃગજળની મને લાગી હતી !

– લક્ષ્મી ડોબરિયા

એક મજાની ગઝલ, મારી જરાય નોંક-ઝોંક વિના !

Comments (8)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

મનગમતી ક્ષણ તડકે મૂકી !
પોત નવું વણ તડકે મૂકી !

હાશ કરી મન હેઠું બેઠું,
ભીતર ના વ્રણ તડકે મૂકી !

શુભ-ફળના સંકેત ગણું છું,
તેર તણાં ત્રણ તડકે મૂકી !

દરિયો મેઘ થઈ ના વરસ્યો ,
તો પીધું રણ તડકે મૂકી !

પગભર થાશે એ આશાએ ,
કાચી સમજણ તડકે મૂકી !

ખાલી થઈને થ્યું ભીનું મન ,
કોરા સગપણ તડકે મૂકી !

દુઃખ ઉચક્યું છે ડાબા હાથે ,
તારણ, કારણ તડકે મૂકી !

રોજ હવે ઊગાડું અવસર ,
તિથિ ને તોરણ તડકે મૂકી !

હું ગઝલો થી આપું ઓળખ ,
ધારા-ધોરણ તડકે મૂકી !

– લક્ષ્મી ડોબરિયા

નાની બહેરની ગઝલમાં તડકે મૂકી જેવી અઘરી રદીફ લઈ ચુસ્ત અને આટલા બધા કાફિયા સાથે કામ પાર પાડી મોટાભાગના શેર સંતર્પક આપવા એ કંઈ આસાન કામ છે? શું કહો છો?

Comments (12)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

કાં અધૂરી છોડ, અથવા…
વાત પૂરી જોડ, અથવા…

ત્યાંથી સમજણ થાય પગભર,
જ્યાંથી આવે મોડ, અથવા…

રીત ને રિવાજમાંથી,
કાઢ નોખા તોડ, અથવા…

નામ કે ઉપનામ માટે,
જિંદગીભર દોડ, અથવા…

છે સખત એ તારવી લૈ,
પળના મોતી ફોડ, અથવા…

હા, લગાવી લે હવે તું,
શૂન્ય માટે હોડ, અથવા…

જે નિયમનો ભાર લાગે,
બે-ધડક એ તોડ, અથવા…

– લક્ષ્મી ડોબરિયા

કેટલીક રદીફ ગઝલ અને ગઝલકારની શક્તિનો પૂરેપૂરો નિચોડ કાઢી લે એવી હોય છે. આ ટૂંકી બહેરની ગઝલ એવી જ એક પરીક્ષા છે.  અથવા જેવી અડધેથી છૂટી જતી રદીફ વાપરવી, નિભાવવી અને એક જ વાક્યમાંથી બે વાક્ય જન્માવવાનો સફળ પ્રયોગ કરવો એ સોયની અણી પર બેસીને કવિતા લખવા જેવું કામ છે. દરેક અથવા પછી એક નહીં લખાયેલું વાક્ય આખેઆખું વાંચી શકાય છે… કવયિત્રીને સો સો સલામ !

Comments (17)

Page 1 of 212