બધું જાણ્યા પછી પણ તું મને સમજાવવા આવે?
ગજબ છે નહિ કે ઉત્તર ખુદ સવાલો પૂછવા આવે?!
– જિગર ફરાદીવાલા

ઝાડ દિલાસો વાવે – લક્ષ્મી ડોબરિયા

ઝાડ દિલાસો વાવે
સધિયારો દેવાને બાહુ ડાળ તણાં લંબાવે

પાન સમયસર ખરી પડે ને ખુદનું માન વધારે
કૂંણી કૂંપળ ટાણે આવી ડાળનું હૈયું ઠારે
વાસંતી ને વૈશાખી પળ પોંખી લે સમભાવે
ઝાડ દિલાસો વાવે

ચૈતરની લૂને પણ દઈ દે શીતળતા વરણાગી
તડકાને ઝીલવાની કિંમત ક્યાંય કદી ના માંગી
સ્થિર થઈ વધવાના નુસખા આમ મને સમજાવે
ઝાડ દિલાસો વાવે

નિજના વૈભવને સ્હેજે મોસમના રાગે ઢાળે
વાત-વિસામો સહુનો થાવા મૂળને ઊંડા ગાળે
માળાના ધબકાર સુણી શણગાર એ સોળ સજાવે
ઝાડ દિલાસો વાવે

– લક્ષ્મી ડોબરિયા

પ્રથમ પંક્તિ જ વિચારતાં કરી દે એવી છે. ઝાડને તો કોઈ વાવે અને ઝાડ ઊગે. પણ અહીં તો ઝાડ દિલાસો વાવી રહ્યું છેઅને ચારે દિશાઓમાં લંબાઈ રહેલી ડાળીઓ જાણે કે સધિયારો દેવા માટે ફેલાવેલી બાહુ છે. વૃક્ષના પાન ‘રિટાયર’થવાની ઉંમર થાય પછી પણ ટકી રહેવાની જિદ કદી કરતાં નથી. એ આવનારાંઓ માટે માર્ગ પ્રશસ્ત કરી આપીને પોતાના અસ્તિત્વનું માન વધારે છે. વૃક્ષની ફિલસૂફી ગીતમાં બહુ સુંદર રીતે કવિએ ઉજાગર કરી છે. આપણે એની પાસેથી કંઈ ધડો કદી લઈશું ખરાં?

લયસ્તરોના આંગણે કવયિત્રી લક્ષ્મી ડોબરિયા અને એમના તરોતાજા ગીતસંગ્રહ ‘છાપ અલગ મેં છોડી’નું સહૃદય સ્વાગત છે…

5 Comments »

  1. લક્ષ્મી ડોબરિયા said,

    August 1, 2019 @ 8:13 AM

    વિશેષ આનંદ સાથે આભાર..વિવેકભાઈ.
    લયસ્તરોના નિમિત્તે સુજ્ઞ ભાવકો સુધી પહોંચાય છે એ બહુ મોટી વાત છે.
    આપના આસ્વાદ પ્રોત્સાહક બની રહે છે.
    ફરી એકવાર ખૂબ જ ખુશી સાથે આભાર. 🙏

  2. Mayurika Leuva said,

    August 1, 2019 @ 11:22 AM

    સુંદર ગીત. ગમ્યું.

  3. vimala Gohil said,

    August 1, 2019 @ 12:48 PM

    “ઝાડ દિલાસો વાવે
    સધિયારો દેવાને બાહુ ડાળ તણાં લંબાવે”
    વાહ !અનોખું કલ્પન્.

  4. હર્ષદ દવે said,

    August 1, 2019 @ 1:20 PM

    સરસ ગીત. “છાપ અલગ મેં છોડી” ગીતસંગ્રહનું સ્વાગત.

  5. Deepak Shah said,

    August 1, 2019 @ 10:13 PM

    માળાના ધબકાર સુણી શણગાર એ સોળ સજાવે
    ઝાડ દિલાસો વાવે….

    વાહ, નવજેીવનનેી જેીવન્ત વાત કહેી….
    આનન્દ…આનન્દ ઊભરાય; હૈયુ ઝાલ્યુ ના ઝલાય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment