એનો વાંધો કોઈને નહોતો કદી કે
એક સરોવર ઓઢીને તું નીકળે છે,
પણ ખભે ઊંચકીને રણ જે જાય, તેને
કેમ જાણીજોઈને સામે મળે છે?
મુકુલ ચોકસી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સરૂપ ધ્રુવ

સરૂપ ધ્રુવ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ઈચ્છાકુંવરી - સરૂપ ધ્રુવ
કેમ નથી રે બદલાતું - સરૂપ ધ્રુવ
ગઝલ - સરૂપ ધ્રુવ
લાગણીની તિજોરી - સરૂપ ધ્રુવ
સળગતી હવાઓ - સરૂપ ધ્રુવકેમ નથી રે બદલાતું – સરૂપ ધ્રુવ

કેમ નથી હચમચતું તૂટતુ કડડભૂસ ના થાતું,
જીવતર જૂનું જીરણ જુઠ્ઠું કેમ નથી બદલાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

કે છે નવનિર્માણ કરે છે, નવા નગર એ બાંધે,
માણસ-માણસ વચ્ચેની જે તિરાડ કોઇ ના સાંધે
જૂનાં પાયા જૂનાં નકશા, નવું શું અહીં સર્જાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

મારી અંદર ઉથ્થલપાથલ ચાલે કંઇક સદીથી,
કાંઠા તોડું ધમરોળી દવ શીખું કંઇક નદીથી,
હમણાં તો ગુમરાતો અંદર, તડતડ કંઇ ગુમરાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

એવો એ ઇતિહાસ સુણ્યો છે માણસજાત લડે છે,
ઉથલાવે છે જુલ્મની સત્તા, અગનની જાળ બને છે,
ક્રાંતિનો લલકાર ઉઠે છે, કેમ બધુ વિસરાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

સમાજ રહેજે ગતપતન(?) તો બધુંય બદલાવાનું,
જો કરવાનું હોય કશું તો મારે એ કરવાનું,
એવું નડતર શું છે મનને, કેમ ના તત્પર થાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

-સરૂપ ધ્રુવ

આ કાવ્ય નેટ ઉપર વાંચ્યું. કવયિત્રીનો મને ઝાઝો પરિચય નથી, તેઓનું કોઈ પુસ્તક પણ પાસે નથી. જે સ્વરૂપમાં નેટ ઉપર વાંચ્યું તે જ સ્વરૂપમાં મૂકું છું.

કાવ્ય પ્રત્યે આકર્ષાવાનું કારણ એ કે ભલે વિષય જૂનો છે પણ કવયિત્રીના શબ્દોમાં એક અનોખી સચ્ચાઈ વંચાય છે……કાવ્ય દિલમાંથી બહાર આવ્યું છે….ઈમાનદાર આક્રોશ છે……

Comments (6)

ઈચ્છાકુંવરી – સરૂપ ધ્રુવ

આલબેલ ! આલબેલ !
નવટાંક સુખડી ઘાલમેલ ઘાલમેલ !
ઘંટાકર્ણના છેદાયેલા કાન
અને અલ્લલટપ્પુ, ભીમ જેવા કૂતરાના મોંમાથી
ટપકતા ગળપણ જેવું આ આપણું કંઈ –
કંઈ તે કંઈ ન્હૈં –
આપણું કહું તોય શું ?
છત્રી ઓઢ્યાથી કંઈ વરસાદ થંભી જવાનો છે ?
ને તોય ઈધરઉધર ને અધ્ધરપધ્ધર ઈચ્છાઓનો
પરદેશી ટિકિટસંગ્રહ – તો કે અધધધ એકવીસ મણ.
હાથમાં દસિયાનો બરફગોળો
અને પગમાં સ્વિટ્ઝરલેન્ડના સ્કેટિંગ શૂઝ !
ધન્ય છે મા ઈચ્છાકુંવરી, તમને !
મેં તો ક્યારનાંય ચુંદડીચોખા
ગાંઠે બાંધી રાખ્યાં છે.
મણિયારાની ઈકોતેર પેઢીને મૂલવી રાખી છે ને
ઘૂઘરિયું ઘડાવી રાખી છે.
છોડ નહિ, વાડ નહિ પણ ખેતરના ખેતર ખરીદીને
મેંદી સિંચી રાખી છે –
વ્હાણું વાતાંક્ને
ચપ ઉઠતાંક્ને
મેં તો કીડીને કણ ને હાથીને મણ નીરી રાખ્યાં છે.
પાંદડે પાણી પાઈને સૂકાં તોરણ લીલાં કરી રાખ્યાં છે
જાણીજોઈને મેં તો અણજાણ્યા ને અણમાગ્યા
આકારો પર લગાડી દીધાં છે નામનાં લેબલ –
અને પછી એ પોર્ટ્રેઈટ ગેલેરીને આપી દીધું છે
બાપદાદાનું નામ.
સામદામનું દંડકારણ્ય ભેદી નાખ્યું છે –
તેમ છતાંય જો હજીય મારાથી
સાવ પોતાના જેવું ન થવાય તો પછી,
બોલો શ્રી ઈચ્છામાત કી જે !

– સરૂપ ધ્રુવ

માનવને ઈચ્છાના ગુલામ રહેવાનું ચિર વારદાન છે. ઈચ્છાઓ આપણને ચોતરફ ઘસડે રાખે છે. બધું કરી છૂટો પણ છેલ્લે તો શ્રી ઈચ્છામાતની જે જ બોલવાની રહે છે.

Comments (4)

લાગણીની તિજોરી – સરૂપ ધ્રુવ

સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,
આ શાની અગન છે ? આ શાનો ધખારો ?

અડાબીડ રેતી પૂછે છે ખુલાસો;
ફરી કોનાં પગલાં ? ફરી શો તમાશો ?

મળ્યાં રોજ રસ્તે બરફના જ લોકો;
અરે ! પીગળી ક્યાં બરફની વખારો ?

હતી ચોતરફ બસ, સફેદી-સફેદી…
અહીં ગોઠવી’તી મેં મારી જ લાશો.

કશે લાગણીની તિજોરી ખૂટી ગૈ,
અને શબ્દ આપી શક્યા ના દિલાસો.

ચલો ! લો, ઊઠાવો આ લંગર ગઝલનું,
અન્જળ ઊઠયાં છે, રુઠ્યો છે કિનારો !

– સરૂપ ધ્રુવ

જ્યારથી સળગતી હવાઓ વાંચી છે ત્યારથી સરૂપ ધ્રુવની રચનાઓ માટે મનમાં ખાસ જગા થઈ ગઈ છે. એમની રચનામાં વિચારો જ નહીં, પ્રતિકો અને શબ્દ-પસંદગી પણ અલગ જાતના જ હોય છે. અંદરનો ખાલીપો અને સંબંધોની રિક્તતા એવા બહુ ખેડાયેલા વિષય પર પણ અહીં એ પોતાની અલગ જ છાપ છોડે છે.
(ધખારો=(1)ઝંખના, મનમાં સતત ફરતી વાત (2)બાફ,ગરમી – પહેલી પંક્તિમાં પહેલો અર્થ અને બીજી પંક્તિમાં બીજો અર્થ બેસે છે. એક જ શબ્દ એક જ શેરમાં બે જુદા જુદા અર્થમાં વાપરેલો છે !, અડાબીડ=ભય ઉપજાવે તેવું મોટું)

Comments (10)

ગઝલ – સરૂપ ધ્રુવ

આપણે કેવા સમયનું છળ છીએ,
રેતની શીશી છીએ કે પળ છીએ.

ઘર, ગજારો, આંગણાં શાં આપણે,
આપણે તો કાટખાધી કળ છીએ.

કોઈએ પીધાં નહીં ખોબો ધરી,
ખારાં ખારાં સાવ ખારાં જળ છીએ.

દુઃખ હશે તો દુઃખનાં ડુંગર હશે,
આપણે તો એકદમ સમથળ છીએ.

અંતમાં અટવાય છે શાને બધું ?
આપણે ક્યાં પાઘડીના વળ છીએ ?

કો’ક મોસમ આવશે ને મ્હોરશું,
ડાળ પર વળગેલ છો કાગળ છીએ.

-સરૂપ ધ્રુવ

સરૂપ ધ્રુવની રચનાઓમાં એક છુપો આક્રોશ વ્યક્ત થતો જોવા મળે છે, પણ શરત એટલી કે આગથી ભરપૂર આ રચનાઓને દાઝવાની પૂર્વતૈયારી સાથે નજીકથી, ખૂબ નજીકથી અદવું પડે. આ ગઝલના કોઈ એક શેર વિશે વાત કરવી એ બાકીના શેરનું અવમૂલ્યન કરવા બરાબર છે એટલે વાચક પોતપોતાની ક્ષમતા મુજબ દાઝે એમ વિચારી વાત અહીં જ છોડી દઉં. (એમની આવી જ એક તેજાબી રચના – સળગતી હવાઓ – અહીં અગાઉ મૂકી હતી, એ આ સાથે વાંચવાનું ચૂકશો નહીં એવી ખાસ ભલામન પણ …!)

Comments (7)

સળગતી હવાઓ – સરૂપ ધ્રુવ

સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો !

હજારો  વરસથી  મસાલો  ભરેલું  ખયાલોનું  શબ  છું  ને  ખડખડ  હસું  છું,
મળ્યો વારસો દાંત ને ન્હોરનો, બસ! અસરગ્રસ્ત ભાષામાં ભસું છું હું, મિત્રો !

અરીસા   જડેલું  નગર  આખું  તગતગ, પથ્થર  બનીને હું ધસમસ ધસું છું,
તિરાડો  વચ્ચેનું  અંતર  નિરંતર,  તસુ  બે  તસુ  બસ,  ખસું  છું હું, મિત્રો !

સવારે   સવારે   હું   શસ્ત્રો  ઉગાડું,  હથેલીમાં  કરવતનું  કૌવત  કસું  છું;
પછી   કાળી   રાત્રે,  અજગર   બનીને, મને  પૂંછડીથી  ગ્રસું છું હું, મિત્રો !

નથી મારી મરજી, છતાં પણ મરું છું, સતત ફાંસલામાં ફસું છું હું, મિત્રો !
પણે  દોર  ખેંચાય,  ખેચાઉં  છું  હું,  અધવચ  નગરમાં વસું છું હું, મિત્રો !

સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો !

– સરૂપ ધ્રુવ

સરૂપ ધ્રુવના કાવ્યો સ્વભાવે વિદ્રોહી છે. એમનો એક એક શબ્દ તણખા જેવો છે. ડાબેરી કવયિત્રીએ એમના સંગ્રહનું નામ પણ ‘સળગતી હવાઓ’ આપેલું. પોતાની જાત માટે હજારો વરસથી મસાલો ભરેલું શબ અને અસરગ્રસ્ત ભાષામાં ભસું છું એવી વાત એમની કવિતામાં જ આવે. ખયાલોનું શબ, હજારો વરસ અને મસાલા ભરીને કરવામાં આવેલી જાળવણી આ ત્રણેય વસ્તુ ખળભળાવી દે એવી ગતિશૂન્યતા અને પ્રગતિશૂન્યતા સૂચવે છે. સમાજના ખયાલો વર્ષો, દાયકાઓ કે શતકો સુધી નહીં, હજ્જારો વર્ષો લગી એમના એમ મૃતઃપ્રાય જ રહે છે, એ કદી બદલાતા નથી. એમાં કોઈ સુધારો શક્ય નથી. બીજાને વડચકાં ભરવાનો જે વારસો માનવજાતને મળ્યો છે, એના બાચકાંઓથી આખી ભાષા જ અસરગ્રસ્ત થઈ હોવાથી હવે અહીં કશો બદલાવ શક્ય નથી. એ પોતાના અસ્તિત્વ માટે અધવચ નગરમાં વસું છું એવું રૂપક વાપરે છે. રોજ શસ્ત્રો અને શસ્ત્રો ચલાવવાની શક્તિ વધારીને માણસ પોતાને જ કરડે છે એ વાત કવિ અહીં ધાર કાઢીને રજૂ કરે છે.

આ કવિતા રમેશ પારેખની સોનલ અને પ્રિયકાંત મણિયારના કાનજીથી તદ્દન જુદી દુનિયાની કવિતા છે. આ કવિતા છાતીમાં તણખા ભરી અને સળગતી હવાઓનો શ્વાસ લઈને લખી છે, એને ક્રાંતિથી ઓછું કાંઈ ખપે એમ નથી.

Comments (11)