જળ તણાતું જાય છે તે જોઉં છું
તું જુએ છે કે નદી વહી જાય છે !
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરીશ મીનાશ્રુ

હરીશ મીનાશ્રુ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




‘સંતરાની માફક પૃથ્વીને આમ નિચોવ્યા જ ન કરાય…*’ – હરીશ મીનાશ્રુ

પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ
રસની પિયાલી ઢીંચી મત્ત બને કોણ, કોણ ફેંકાતું છોતરાની જેમ

ખાય અન્નદાતા તો રૈયતને ઓડકાર
ખાવાનાં નીકળ્યાં ફરમાન ઘણી ખમ્મા હો
થૂલીને ગણવો કંસાર અને કુશકીને
રાજીખુશીથી ગણો ધાન ઘણી ખમ્મા હો
ગંગુ તેલી ને હતો એક રાજા ભોજ રે
વેળા વીતે ને વધે વારતાનો બોજ રે
વેંઢાર્યે જાવ આવા ઇશ્વરને જીવતરમાં ભારે સંપેતરાની જેમ
પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ

ખેતર તોળાઈ ગયાં દાણીને ત્રાજવે
ને ધરમીને ઘેર પડી ધાડ ઘણી ખમ્મા હો
આગિયાને તાપણે ટોળે વળીને લોક
હેમાળે ગાળે છે હાડ ઘણી ખમ્મા હો
ઠેકાણે લાવવાને કક્કાની સાન રે
સંતરીના પહેરાની હેઠળ જબાન રે
રાંકનાં તે ગીત કેમ ગાવાં, ભાષા તો પડી ઊંધા છબોતરાંની જેમ
પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ

– હરીશ મીનાશ્રુ
(*સ્મરણપુણ્ય : પોપ ફ્રાન્સિસ)

ત્રણ-ચાર વર્ષ પહેલાં પોપ ફ્રાન્સિસે એક વક્તવ્યમાં પૃથ્વી અને પર્યાવરણ પર તોળાઈ રહેલા ખતરાથી બચવા માટે પૃથ્વીને સંતરાની જેમ નિચોવ્યા કરવાનું બંધ કરવાનો વિશ્વવ્યાપી સંદેશો આપ્યો હતો. કવિ એ સંદેશાને ધ્રુવકડીમાં સાંકળી લઈને કેવું મજાનું વ્યંગગીત રચે છે એ જોવા જેવું છે. ગીતમાંથી પસાર થતી વખતે કરસનદાસ માણેકની ‘મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે’ ગઝલ અવશ્ય યાદ આવશે.

વીસ ટકા અમીરો દુનિયાના એંસી ટકા સંસાધનો વાપરે છે. બાકીના વીસ ટકા ગરીબોને તો દોઢ ટકો સંસાધન પણ નસીબ થતાં નથી. વધારે ચોંકાવનારો આંકડો તો પ્રદૂષણ બાબતનો છે. દુનિયાના એક જ ટકો અમીરો દુનિયાના બે તૃત્યાંશ પ્રદૂષણ માટે જવાબદાર છે. આ શુષ્ક આંકડા કાવ્યસ્વરૂપ ધારે તો આવું ગીત લખાય.

Comments (2)

વ્હાલેશરીનું પદ (કીધાં કીધાં કીધાં…) – હરીશ મીનાશ્રુ

કીધાં કીધાં કીધાં વ્રજમાં વિપરીત કૌતક કીધાં રે
એકલડા વહાલેશરીને અબળાએ લૂંટી લીધા રે

દહીંદૂધનાં માટ ઠાલવી ઠાલાં શિ૨ ૫૨ ધાર્યાં રે
મહી ઊભરાયાં હોય એહવાં કપટ કરી શણગાર્યાં રે
કંચવાની કસ કસી, તસોતસ મદનમનો૨થ ભીડી રે
મહિયા૨ણ રણઝણતી હરિનો મદ હણવાને હીંડી રે

સાધે સાધે સાધે લલના લાગ લીલાનો સાધે રે
ભરવાડાના ભાણેજડાને ગો૨સગ્રાસ ન લાધે રે

મૃગનયણી મોહનને અવળી દાણ માંગતી વળગી રે
૨ઢ લીધી તે રઢિયાળાંથી ક્ષણુ ન રેહેતી અળગી રે
વેણુસોતાં અધ૨ વળી પદરેણુસોતાં તળિયાં રે
ચુંબન ને આલિંગનસોતાં પિયુ માગ્યા પાતળિયા રે

પીધા પીધા પીધા તે રસ અરસપરસના પીધા રે
લેહ થકી લંપટ તે દાણ અનોપમ લીધાં દીધાં રે

– હરીશ મીનાશ્રુ

કવિએ લખેલ વહાલેશરીનાં બાર પદોમાંનું આ દસમા ક્રમનું પદ. ગીતનો ઉપાડ નરસિંહ મહેતાના જાણીતા પદ ‘હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે’ની યાદ અપાવે છે. નરસિંહ ‘કીધું કીધું કીધું’ના ત્રણવારના પુનરાવર્તન સાથે ‘કાંઈક કામણ કીધું’ની વાત માંડે છે, ત્યાંથી સહેજ આગળ વધીને કવિ સમર્પણનું સાવ અવળું જ ગણિત માંડે છે. વ્રજમાં આજે વિપરીત કૌતુક થયું હોવાની વાતને ત્રેવડાવીને અધોરેખિત કરી દીધા બાદ કવિ રહસ્યસ્ફોટ કરતાં કહે છે કે અબળા નારીએ વહાલેશરી કૃષ્ણ ભગવાનને જ લૂંટી લીધા છે. રાધાકૃષ્ણ અને ગોપીકૃષ્ણના પ્રેમની વાતો તો હજારોવાર કહેવાઈ ચૂકી છે, પણ ખરું કવિકર્મ જ એ જે ચવાઈને ચુથ્થો થઈ ગયેલી વાતમાં પણ સાવ અનૂઠો દૃષ્ટિકોણ શોધી શકે. સાક્ષાત્ ઈશ્વરને લૂંટી લેનારને કવિ ‘અબળા’ કહીને સંબોધે છે એ સમર્થ વિરોધાભાસ પણ તુર્ત જ સ્પર્શી જાય એવો છે.

…અને જીવનભર પોતાને લૂંટતા રહેનાર કાનાને લૂંટી લેવા માટેનો ગોપીનો કીમિયો તો જુઓ. માટલામાંથી દહીંદૂધ ખાલી કરી દઈ ખાલી માટલાંને દહીં ઊભરાતું હોય એમ એણે શણગાર્યાં છે. આટલું ઓછું હોય એમ કંચુકીની કસો તાણીને સ્તનોના ઉભારને વધુ આકર્ષક બનાવ્યો છે. ઈશ્વરનું ગુમાન હણવામાં આજે એ કોઈ કચાશ છોડનાર નથી. કંચવા અને કસ સાથે કસી અને તસોતસની વર્ણસગાઈમાં કવિએ મદન-મદ-મહિયારણ તથા હરિ-હણવા-હીંડીની વર્ણસગાઈઓ ઉમેરી પદને ઓર આસ્વાદ્ય બનાવ્યું છે. જો કે સમગ્ર રચનામાં આવી વર્ણસગાઈનું સંગીત આપણને સતત રણઝણતું સંભળાયે રાખે છે – લલના-લાગ-લીલા, ભરવાડા-ભાણેજડા, રઢ-રઢિયાળાં, વેણુંસોતાં-પદરેણુસોતાં, રસ-અરસપરસ વિ.

કાનજીનું મન ગોરસ પામવા તરફ છે અને મહિયારણનું મન લીલા કામવા તરફ છે. કહાન માંગે એ પહેલાં એ જ સામે ચાલીને દાણ માંગીને અવળી પ્રથા અજમાવે છે. યેનકેન પ્રકારે પણ એ કાનાથી એક ક્ષણ પણ અળગી રહેવા તૈયાર નથી. કૃષ્ણના ઓષ્ઠને ચૂમતી વાંસળી અને પગને ચૂમતી ધૂળ- ઈશ્વરની અખિલાઈને પોતાના ચુંબન-આલિંગનમાં સમાવી લેવા તરસતી-તડપતી ગોપી અરસપરસના રસ પીને અને અનુપમ દાણ લઈ-દઈને જ તૃપ્ત થાય છે. સામે સ્વયં પરમેશ્વર કેમ ન હોય, પ્રેમ અને યુદ્ધમાં તો બધું જ વ્યાજબી ગણાય, ખરું ને?

Comments (3)

E=MC2* – હરીશ મીનાશ્રુ

જૈ આઈન્સ્ટાઈનને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
ઉર્જા બોલી કે આઈ સ્વેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કિસ્સો રેરેસ્ટ ઑફ ધ રેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
દર્પણ મેં દીઠું ખંડેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મૃગજળની ઠંડક ચોમેર અગનિની મધ્યે અંધેર
પૃથ્વી હોળીનું નાળિયેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

બ્રહ્માની તકલાદી ચેર સકલ કમલદલ વેરવિખેર
દૂંટીમાં બોન્સાઈ ઉછેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હરિશ્ચંદ્ર હેરી પોટેર બની કરે બંધારણ ફેર
તદા ચાકડે ઊતરે સ્ક્વેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

પોતીકું પણ પળમાં ગેર નથી કોઈનું સગલું શ્હેર
માણસ મળે તાંબિયે તેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

થવાકાળ તે થાશે, ખેર, મરતાંને ના કહીએ મેર
મન મનખો મોહનજોડેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

ચાચર ચોક ટ્રફલ્ગર સ્ક્વેર તાબોટા તાળી તાશેર
લખચોરાશીનો ફનફેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

બાવા તે આદમનું વેર જુગજૂનું પ્રકરણ જાહેર
અદકપાંસળીનું એફેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

સેન વનલતા નાટોરેર હજી સફરજન મીઠું ઝેર
કલવામાં પીરસાઈ કુલેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હરખ-શોક જૂતિયાંની પેર એ જ અહીં આદિમ ફૂટવેર
સત્ય ઢસરડો ઠૂણકાભેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કાગા બૈઠા ફિર મુંડેર વાટ જુએ તે વ્લાદિમેર
કોઈ કદી નહીં આવે ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

સ્ટ્રોબેરી શેતૂર બ્લૂબેર ખટ્ટે હૈં શબરી કે બેર
કાન રામના મત ભંભેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મંદિર મસ્જિદ દેવળ દહેર ભટકી થાક્યા મણકા મેર
રહ્યું ટેરવું ઠેરનું ઠેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

ઐરા ગૈરા નથ્થુ ખેર વણચંચુ વેરે ચોમેર
કલ્પવૃક્ષના થડનો વ્હેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

શેખચલ્લી બજવે રણભેર રિન્ગટોનથી દુનિયા બહેર
કરાંગૂલિએ કોમ્પ્યુટેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

બુદ્બુદ લેવા શેરબશેર બજાર બોલે બુલ કે બેર
ગજવામાં બીટ્કોઈન્સ ઢેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મુલ્લા ગઝલુદ્દીનનો કેર: તરન્નુમ વીંઝે શમશેર
ઝબ્બે થૈ જા કે કર જેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

દીર્ઘ કવિતા ટૂંકી બ્હેર રદીફ કાફિયે સુખિયો શેર
બોલે બાવન બ્હાર બટેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

વૉટ વ્હાય હૂ વ્હેન એન્ડ વ્હેર અતિપ્રશ્નથી જમ ના ઘેર
રૂક જા થામ્બા થોભ ઠહેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હિટલરબિટલર ટોની બ્લેર ક્લિન્ટન હોય કે હોય હિલેર
ચઢ્યા મુખવટે સહુના ચ્હેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કોણ તાણશે તારી ભેર દીવા તળે નગરી અંધેર
ચલ ગંડુ, રાજાને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કચ્છ મચ્છ કે વચ્છ વછેર બામણ મીર મિયાણાં મેર
હોય વાણિયો કે વણિયેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હું વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર ચોગરદમ માટીની મ્હેર
કબર તળે તો કોણ કુબેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

અવળસવળ કુળ ઈકોતેર કરે અળસિયાં, છે માહેર
તુ ભી આ જા દેરસબેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

ખટપટ છોડી ખાંપણ પ્હેર મરઘટ પ્હોંચી કર ડિકલેર
આજ આનેમેં હો ગઈ દેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

અલ્લા, તુ આળસ ખંખેર મુર્ગા બોલા હુઆ સબેર
મુલ્લા ક્યું પીટે ઢંઢેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

વીજમાં પ્રોઈ કીડિયાસેર કરે પાનબઈ લીલાલ્હેર
તું ય લીસ્ટમાં નામ ઉમેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મસ્તક શ્રીફળ જેમ વધેર પંડ-પલીતે અગન ઉછેર
બળે દીવો મુરશિદને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

અખા લખાવટ ચેરાચેર બુદ્ધિ પણ મારી ગૈ બ્હેર
સાઠ કડીની ગૂંથી સેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

– હરીશ મીનાશ્રુ
(*પુણ્યસ્મરણ : આલ્બર્ટ આઈન્સ્ટાઈન)

ગુજરાતી ભાષાને ગઝલકારો તો સેંકડો મળ્યા છે, પણ ભાષાને અછોઅછો વાનાં લાડ કરીને એનો વધુમાં વધુ ક્યાસ કાઢવાની વૃત્તિ ધરાવતા ગઝલકારો તો જૂજ જ સાંપડ્યા છે. આવા ગઝલકારોમાં કવિશ્રી હરીશ મીનાશ્રુનું નામ અગ્રસ્થાને મૂકી શકાય. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના પ્રખ્યાત સિદ્ધાંત E = mc2 ને રદીફ બનાવવાનો વિચાર જ કેવો અનૂઠો અને અભૂતપૂર્વ છે! બીજું, મોટાભાગના સર્જક પાંચ-સાત શેરની ગઝલ લખીને ઓડકાર ખાઈ લેતા હોય એવા સમયમાં સાંઠ શેરની ગંજાવર ગઝલ આપવી એય નાનીસૂની વાત નથી. ત્રીજું, મત્લાને બાદ કરતાં ગઝલમાં કાફિયો સામાન્ય રીતે દરેક શેરમાં રદીફની આગળ એક વાર જ પ્રયોજાતો હોય છે. પરંતુ પ્રસ્તુત ગઝલમાં કવિએ રદીફ સિવાયના શેરને ત્રણ ભાગમાં વહેંચી દઈ ત્રણેય ભાગમાં કાફિયો વાપરી મજાની આંતર્પ્રાસસાંકળી રચીને ગઝલની રવાનીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આપણને દસ-બાર કાફિયા શોધવામાં પસીનો પડતો હોય એવામાં કવિએ લગભગ એકસો એંસી કાફિયાથી ગઝલ શણગારી બતાવી છે. આ થઈ ગઝલસ્વરૂપની વાત… એના કાવ્યત્વને માણવું-પ્રમાણવું ભાવકો પર છોડી દઈએ…

Comments (21)

॥ ૐ હરિ ૐ ॥ – હરીશ મીનાશ્રુ

હરડે ફાકે છે તોય કરવા પડે છે બ્રાહ્મમહુરતમાં લોમ અનુલોમ
એ ઘડીએ તોંદ ઉપર ફેરવીને હાથ બોલે પંડ્યાજી ‘ૐ હરિ ૐ’

દાઢ દુખે મંમદની, ઉપ૨ સે બીબડી ભી
કરતી હે રોજ પરેશાન
વિઠ્ઠલ તો વાંઢાવિલાસી, આ મામલામાં
એને છે ઊંડું ગનાન

મુદ્દા છે નાયગરા-વાયગરા, મૂસળી, આ ઢળતી જવાની ને જોમ
બહુચરાનો સેવક આ ચંદુડિયો અમથો કાં કૂદી પડે કરતો યા હોમ

દાક્તર તો ગુમ, હેલ્થ સેન્ટરમાં પશલો
તે ફુલ્લ ટાઈમ એમ્બીબીએસ
ડાબા ઢગરાને સ્હેજ ઊંચો કરીને મુખી
છોડે પેટાળ થકી ગેસ

માગશરમાં માવઠું કે મેંઢક ના હોય તોય ચોરામાં ગડગડતું વ્યોમ
ચૌદશિયા જીવોને પ્રિય અતિ ચા ભેગી ચોવટ, દેવોને જેમ સોમ

ભગલો ભગાવે ફૂલસ્પીડે એનો ઉસ્તરો
ને ઓચિંતો આવે જો બમ્પ
દુનિયાનું દાઢું છોલાય, ઊડે છોતું
ફટકડીને ફેરવી લે ટ્રમ્પ

વતું ને વાત પૂગે રામના અયોધ્યાથી પોપજીના વેટિકન રોમ
નીચી મૂંડીએ લોક ઘઉંના જવારા જેમ મૂંડાવે કેશ દોમ દોમ

ગામ આખું જાણે: ફલાણીની ખડકીમાં
ખાતું ખોલ્યું છે કોણે ભૂતિયું
લબદાયું સબિસડીવાળી એ ભગરીના
પોદળે તલાટીનું જૂતિયું

નવરી બજા૨, એમાં સંપીને વાળે નખ્ખોદ આમ પચરંગી કોમ
એ ઘડીએ તોંદ પર ફેરવીને હાથ બોલે પંડ્યાજી ‘ૐ હરિ ૐ’

– હરીશ મીનાશ્રુ

ગુજરાતી કવિતામાં બહુ ઓછા કવિ ભાષાને પોતાની મૌલિક અને આગવી શૈલી વિકસાવીને અછોઅછો વાના કરી શક્યા છે. રાજેન્દ્ર શુક્લની રચના નીચે કવિનું નામ ન લખ્યું હોય તોય ફતાક કરતુંકને કહી શકાય કે આ રચના એમની છે. આવું જ શ્રી હરીશ મીનાશ્રુની કવિતા વિશે પણ કહી શકાય. માણસનો મૂળ સ્વભાવ પંચાતિયો. પોતાના દુઃખ ભૂલવાનો સૌથી સહેલો ઉપાય કોઈ હોય તો એ પારકી પંચાત. ગામેગામમાં વ્યાપ્ત નવરી બજારનું એક ખૂબ જ મજાનું અને હળવુંફૂલકું ચિત્ર કવિએ એમની અનોખી શૈલીમાં રજૂ કર્યું છે.

કબજિયાતથી શરૂ કરી હજામત સુધીની રોજબરોજની ક્રિયાઓને કવિએ મંદમંદ સ્મિત આપણા હોઠ પર રેલાવ્યે રાખે એવી રીતે રજૂ કરી છે. રાત્રે હરડે ફાકવાથી લઈને બ્રાહ્મમુહુર્તમાં પ્રાણાયમ કરવા સુધીના ઉપાય કર્યા બાદ પણ પેટ સાફ ન થાય ત્યારે છેવટે માણસ ભગવાનને પણ કષ્ટ આપવાનું ચૂકતો નથી. આમ, માનવસ્વભાવ અને ભગવાન સાથેના એના નિતાંત સ્વાર્થી સ્વભાવ ઉપર માર્મિક કટાક્ષ સાથે કવિ ગીતનો ઉપાડ કરે છે. મહંમદની દાઢ દુઃખે છે એ ઓછું હોય તેમ એની બીબી પણ રોજેરોજ એનો જીવ લેવામાં કસર છોડતી નથી અને મૂળભૂત ભારતીય સંસ્કાર પ્રમાણે વાંઢો વિઠ્ઠલ લગ્નજીવન વિશે ઊંડુ જ્ઞાન ધરાવતો હોવાથી મહંમદને ઈલાજ પણ સૂચવે છે. ઢળતી જવાનીમાં પૌરુષી જોમ બરકરાર રાખવા માટે વાયગ્રા અને મૂસળીપ્રયોગ સૂચવાય છે, એ જ્ઞાનપિરસણીમાં બહુચરાજીનો ભક્ત ચંદુ પણ વણનોતર્યો યા હોમ કરતોક કૂદી પડે છે.

હેલ્થ સેન્ટરમાં તબીબની ગેરહાજરી અને કમ્પાઉન્ડરની મનમાનીનું ચિત્ર રજૂ કરી કવિએ ગામોમાં મૂળભૂત જરૂરિયાતોના અભાવની નસ બરાબર પકડી છે. દેવોને જેમ સોમરસ વહાલો છે એમ ગામના ચૌદશિયાઓને ચોવટ-પંચાત પ્રાણપ્યારી છે. હજામની દુકાન એટલે ગામનું અખબાર. વતુ અને વાતુંના તાણાવાણાથી વાળંદ દેશ-દુનિયાનું પોત વણે છે. ઝાડનું એક પાંદડુંય હલે તો ગામ આખાને એની જાણકારી મળી જાય એવું જબરદસ્ત નેટવર્ક ગામોમાં જોવા મળે છે. ગમની પચરંગી કોમ નવરી બજારમાં કઈ કઈ રીતે અનેર કેવું કેવું નખ્ખોદ વાળે છે એનું પચરંગી ચિત્ર કવિએ તાદૃશ રજૂ કર્યું છે…

Comments (6)

(સહિયારો ગૂંથ્યો વરસાદ રે) – હરીશ મીનાશ્રુ

એક એક ટીપાને પ્રીતિમાં પોરવીને
સહિયારો ગૂંથ્યો વરસાદ રે
વીજળીને ઝબકારે મોતી પરોવ્યાનું
રૂપક ઘડાયું એની બાદ રે

નકરો અષાઢ બની ગોરંભે માઢ અને મેડી તે શ્રાવણની શેહમાં
મેઘ અને માટીનાં કામણ વરતાય હવે ભીને તે વાન બેય દેહમાં

બન્નેની આંખોમાં પડઘા પડે જ્યાં
જળ વિરહીની જેમ પાડે સાદ રે
ખાંગા થઈને બેઉ તરસે- વ૨સે તો હવે
કોણ કરે કોની ફરિયાદ રે

માટીમાં મજ્જામાં ઝળાંહળાં જળ ૨મે સગપણ સુગંધ બની સેજમાં
અડકો ત્યાં મેઘધનુ ચીતરાઈ જાય હવે આંગળીના અણસારે સ્હેજમાં

વહી ચાલ્યો થૈ થૈ થઈ રેલો મલ્હારનો
ઓરડાનો અનહદ ઉન્માદ રે
રહી રહીને જાગે છે મોરલાની ગ્હેક જેમ
પડખે પોઢેલાની યાદ રે

– હરીશ મીનાશ્રુ

પ્રણયના ગીત વિશ્વભરની કવિતાઓમાં કેન્દ્રસ્થાને રહ્યાં છે. પણ કવિએ લાખોવાર ગવાઈ ચૂકેલ અનુભૂતિની અહીં જે રીતે અનૂઠી માવજત કરી છે એને લઈને ગીત વધુ ધ્યાનાર્હ બન્યું છે. બે પ્રણયસંતપ્તહૈયાં ભેગાં મળીને વરસાદનાં એક-એક ટીપાંને પ્રીતનાં મોતીઓમાં પરોવે છે. ગંગાસતીની અમર રચના ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવજો, પાનબાઈ’નો સંદર્ભ લઈને કવિ કહે છે કે પ્રીત પહેલી, આ રૂપક બાદમાં. મુખડું અને મુખડાની રજૂઆતની મૌલિક શૈલી જ મન મોહી લે છે.

ઘરના દરવાજાની ઉપર બાંધેલી નાનકડી ઓરડી તે માઢ અને માઢ પછીતેનો માળ તે મેડી. શબ્દકોશોમાં જો કે બંનેના અર્થ બાબતે ખૂબ સેળભેળ જોવા મળે છે. માઢ એટલે આમ તો રાત્રે ગાવાના એક શાસ્ત્રીય રાગનું નામ પણ ખરું અને મેડી કરવી એટલે સ્ત્રી પુરુષ યોગ્ય ઉંમરે આવે ત્યારે તેમને જુદી એકાંત જગાએ સુવાડવાં એવો અર્થ પણ કાઢી શકાય. પણ અર્થની પળોજણમાં ઊંડા ઉતરવાના બદલે આપણે કવિએ છેડેલી પ્રણયવર્ષાની આ હેલીમાં જ કેમ ન ભીંજાઈએ સરાબોળ? ઘરનો માઢ અષાઢની જેમ ગોરંભાયો છે અને મેડી શ્રાવણની શેહમાં ભીની થઈ રહી છે. વરસાદ પદે અને માટીના કણેકણને ભીંજવે એવા કામણથી બંને પ્રિયજન સંતપ્ત થાય છે. માઢ-મેડી, ગોરંભો-શેહ, મેઘ-માટી –આમ પુરુષ અને સ્ત્રીના પ્રણયભાવોને સ-રસ રૂપક સાથે કવિએ આબાદ રજૂ કર્યા છે! પ્રણયકેલિનિમગ્ન બંને જણ ખાંગા થઈને વરસી પણ રહ્યાં છે અને તરસી પણ રહ્યા છે. મિલનની ક્ષણે પણ બંનેની આંખોમાં વિરહીના હૈયે હોય એવો તલસાટ સાદ દઈ રહ્યો છે… મળે એટલું ઓછું પડે એનું જ નામ પ્રણય. પીઓ પીઓ અને ધરવ થાય નહીં એવામાં કોણ કોની ફરિયાદ કરે, કહો તો!

પથારીમાં બેય દેહ પ્રણયજળમાં ગરકાવ થઈ ગયા છે. માટીમાં જળ ભળતાં જેમ સુગંધ રેલાય એમ સગપણ સુગંધ બનીને પથારીને તર કરી રહ્યું છે. બંનેના શરીર પ્રણયોર્મિની એ પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યા છે, કે સહેજસાજ આંગળી જ અડે તોય સાત રંગનું મેઘધનુ આકારાતું અનુભવાય. મલ્હાર રાગનો રેલો બનીને ઓરડામાં છવાયેલો ઉન્માદ બેબાક વહી રહ્યો છે. ગીતમાં આગળ માઢ રાગનો અછડતો સંદર્ભ આવ્યો હતો એ અહીં સહજ યાદ આવે. કામકેલિ પૂર્ણ થઈ છે… ઉન્માદ પરાકાષ્ઠા સુધી પહોંચીને પૂરનાં પાણીની જેમ વહી જઈ રહ્યો છે. પ્રિયજન બાજુમાં જ સૂતો છે, પણ તોય એની યાદ મોરના ટહુકાની જેમ રહી રહીને આવી રહી છે. આંગળી અડાડી શકાય એવા સંનિવાસમાં અને સંભોગની બીજી જ પળે વિરહ સતાવવા માંડે એથી ચડિયાતી પ્રણયની બીજી કઈ અવસ્થા હોઈ શકે!

Comments (7)

સ્ત્રીઓ – વિનોદ પદરજ (હિંદી) (અનુ.: હરીશ મીનાશ્રુ)

બધી પવિત્ર નદીઓનું જળ લીધું એણે
બધા ઉપજાઉ ખેતરોની માટી
આસમાનનાં જેટલાં રૂપ હતાં બધાં લીધાં
સૂરજ ચાંદ સિતારા આકાશગંગાઓ મેઘ
અને ચૂલામાંથી આગ લીધી કડછીભર
બધાં ફૂલોની એક એક પંખુડી
બધાં પંખીઓનું એક એક પીંછુ
ઘટાઘેઘૂર વૃક્ષનું પાતાળભેદી મૂળ
જરા જેટલું ઘાસ જરા જેટલી હવા
દરેક બોલીનો એક શબ્દ લીધો-પ્રેમ
બધાને ભેળવીને સ્ત્રી બનાવી કરતારે
અને અચંબિત રહી ગયો
એ અપ્સરાઓથી અધિક સુંદર હતી
કરતારે કહ્યું
પૃથ્વી પર તું અધૂરી રહીશ
પૂર્ણતા માટે તને જરૂર પડશે પુરુષની
અને એના પ્રેમની
ચાહે તો અહીં સ્વર્ગમાં રહે
કામનાઓ વાસનાઓથી દૂર
જરા મરણ વ્યાધિઓથી દૂર
ખટકર્મથી પરે
ચીર યુવા ચીર સુંદર
પણ સ્ત્રીએ એક જ શબ્દ સાંભળ્યો વારંવાર
પ્રેમ પ્રેમ પ્રેમ
અને પૃથ્વી પર આવી ગઈ

હવે પૃથ્વી પર ભટકે છે એ
બહુ ઓછી છે જેમને પ્રેમ મળ્યો
બહુ વધારે છે જેમને પ્રેમમાં છલના મળી
અને સહુથી વધારે એ છે
જેમને પરણાવી દેવાઈ
જેમણે ઘર સંભાળ્યાં
છોકરાં જણ્યાં
વગર પ્રેમે

– વિનોદ પદરજ (હિંદી)
(ગુજરાતી અનુ.: હરીશ મીનાશ્રુ)

ઈશ્વરે અલગ-અલગ તત્ત્વોમાંથી અલગ-અલગ અંશ લઈને સ્ત્રીનું સર્જન કર્યું છે એ વિશે આપણે શૂન્ય પાલપુરીની બહુખ્યાત નઝમ આપણે ગઈકાલે માણી. પ્રસ્તુત રચનાનો શરૂઆતનો ભાગ એ નઝમને મળતો આવતો જણાશે પણ સ્ત્રીના સર્જનને લઈને માનવજાતને દર્દ મળ્યું હોવાની જે કાવ્યાત્મક રજૂઆત શૂન્ય પાલનપુરીએ એમની નઝમમાં કરી છે એ હકીકતમાં હકીકતથી સાવ વેગળી છે. જ્યારે પ્રસ્તુત રચનામાં કવિ આપણી પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાની વાસ્તવિકતાને નગ્ન કરી આપણી સમક્ષ રજૂ કરે છે… એકદમ સરળ ભાષામાં કવિ લાંબા સમય સુધી ચચરાટ અનુભવાયા કરે એવો ઊંડો ડામ આપણને આપે છે…

Comments (8)

કરું શું ? – હરીશ મીનાશ્રુ

ના ઈંગિત અણસાર- કરું શું ?
મૃગજળ મુશળધાર – કરું શું ?

અવળમુખે જળથળમાં ઝળક્યા
એકાદશ અવતાર, – કરું શું ?

ઈકડમ્ તિકડમ એક ચવની
શું શાં પૈસા ચાર, – કરું શું ?

વજન વિનાની ભાષાને તું
જા, કાયમ વેંઢાર – કરું શું ?

વાણીની પણ વરાળ થૈ ગૈ
તતડે કૈંક વિચાર,– કરું શું ?

ભીંત વગરના ઘરના માથે
છત-છપ્પરના ભાર, -કરું શું ?

ચણીબોર રાતુંચટ, થૂ… થૂ…
ચાખ્યું તો અંગાર, – કરું શું ?

ચપટી રાત ભજવણાં ભારે
અઘરા કૈં કિરદાર, – કરું શું ?

સપનું સમજી સાહ્યો જેને
એ નીકળ્યો સંસાર – કરું શું ?

હકડેઠઠ્ઠ હઠીલી દુનિયા
ભીતરથી ભેંકાર – કરું શું ?

કીડી જેવડો પણ ચટકે તો
શબદ બડો ખૂંખાર, કરું શું ?

– હરીશ મીનાશ્રુ

કવિની રચનાઓમાં ગહનને, એ અગમ્યને પામવાની મથામણ અને શબ્દોનું એમાં ઊણાં ઊતરવું વારંવાર આવે છે. આ રચનામાં પણ એ ભાવ તો છે જ, પણ ટૂંકી બહેરમાં કવિએ જે સિધ્ધ કર્યું છે એ અદ્ભુત છે, આપણને નતમસ્તક કરી મૂકે છે. અહીં જીવનરૂપી શોધ યાત્રાનું મંથન વ્યક્ત થયું છે અને આ શોધ કેવી છે? જેનો કોઈ ઈશારો નથી મળતો કે કઇ દિશામાં પ્રયાણ કરવું? હજુ કેટલું દૂર છે? એનો કોઈ અણસાર મળતો નથી.અને શોધના માર્ગમાં મૃગજળ, ઝાંઝવા મળે છે, માત્ર છળ, જેનું હકીકતમાં અસ્તિત્વ જ નથી એવું જ સામે આવે છે.
“અવળમુખે…” વાળી પંક્તિ મને એ રીતે સમજાય છે કે સૃષ્ટિના ઉદગમ કાળથી ઉત્ક્રાંતિની સાથે સાથે એક એક કરીને જે ભગવાનના દશાવતાર આવ્યા તે હવે કવિથી મુખ ફેરવીને સર્વત્ર વ્યાપી ગયા છે. એ પરમ તત્ત્વ ના હોય એવી કોઈ જગ્યા છે? તો પછી એને શોધવું શી રીતે? જળથળમાં ઝળકનાર એ તત્ત્વને શોધવું વધારે દુર્લભ થઈ ગયું છે.
પછીની પંક્તિઓમાં ભાષાની અધૂરપ ‘વજન વિનાની ભાષા’ અને ‘શું શાં પૈસા ચાર’થી દર્શાવ્યું છે. વિચારોની ઉગ્રતામાં, ગરમીમાં વાણી વરાળ થઈ જાય છે, વાણીમાં વ્યક્ત કરવું દુષ્કર થઈ પડે છે.
પછીની પંક્તિઓમાં મારી અલ્પ સમજ પ્રમાણે એવું લાગે છે કે કવિનું જીવન તો ખૂલ્લી કિતાબ જેવું છે, transparent છે અથવા વિચારોના આદાન-પ્રદાન માટે કોઈ અંતરાયરૂપ દિવાલો નથી પણ એ પૂર્વજોના જ્ઞાનના વારસાનો ભાર કેવી રીતે ઊઠાવી શકે?
‘ચણીબોર’ એટલે ‘desires’ ‘તૃષ્ણાઓ’, રાતીચટ, આકર્ષક, લલચાવનારી પણ ચાખો તો…અંગારની જેમ દઝાડે તેવી. ક્યારેય કોઈની બધી ઈચ્છાઓ પૂરી થતી નથી અને એ અધૂરી ઈચ્છાઓ, તૃષ્ણાઓ માનવીને જીવનભર દઝાડે છે. અને આ જીવન કેવું છે, સાવ ટૂંકું એમાં ‘રાત થોડી ને વેશ ઝાઝા’ની જેમ પાર વિનાના પાત્રો ભજવવાના અને એમાં કેટલાંક તો ભજવવા પણ અઘરાં, કેવી વિટંબણા. આ સંસારને સાધકોએ સપનું કહ્યો છે પણ કવિ એ વાત જરા જુદી રીતે મૂકીને ચમત્કૃતિ સાધે છે. એમણે સપનું જાણીને જ પકડ્યો હતો પણ ગૃહસ્થ જીવન જીવતા પ્રત્યેક મનુષ્યને એક વાર તો સમજાય જ છે કે આપણે સંસારના બંદી બની જઈએ છીએ, ‘બાવાજીની લંગોટી’ની જેમ. પછી એ સપનું ન રહેતાં ન ત્યજી શકાય, ન છૂટી શકાય એવી ભીંસ બની જાય છે. એથી કવિને આસપાસ હઠીલી દુનિયાની ભીડ અકળાવે છે. એવી ભીડ ભરેલી દુનિયાની વચ્ચે ભીતરનો ખાલીપો અસહ્ય થઈ જાય છે. અને છેલ્લી બે લીટીમાં શબદનો મહીમા છે. ‘રામબાણ વાગ્યાં હોય એ જાણે’ એમ શબદ ભલે નાનો હોય પણ એક વાર એનો મર્મ હ્રદયમાં ચટક્યો પછી આખું અસ્તિત્વ એમાં વિલીન થઈ જાય છે. અસ્તુ.

– ડો. નેહલ વૈદ્ય ( inmymindinmyheart.com )

( આ કાવ્યનું ચયન અને ભાવાર્થલેખન ડો નેહલ વૈદ્યનું છે )

Comments (2)

(મુફલિસની રેવડી) – હરીશ મીનાશ્રુ

એક મુફલિસની રેવડી જાણે
છે કયામતની આ ઘડી જાણે.

તરસને ઘૂંટણે પડી જાણે,
એ જ પી જાણે લડખડી જાણે.

રિન્દની આ રસમ ઈબાદતની,
તેજ સાથે તડાફડી જાણે.

મૂક પરથમ પહેલાં મસ્તક તું,
એ રીતે કે ન પાઘડી જાણે.

આભ ફાડે છે ખુદ રફુગર થૈ,
ચાલ ચાલે છે બેવડી જાણે.

કોણ આવ્યું કે ઘરની ભીંતો પણ
આમ કરતી પડાપડી જાણે.

તોછડી છે એની રહેમતની અદા,
આપણી કૈં નથી પડી જાણે.

એને મઝધાર શું કિનારો શું ?
પાણી વચ્ચે જે તરફડી જાણે.

એના આવ્યાના સહેજ ભણકારે,
આ ગલી પડશે સાંકડી જાણે.

આ ગઝલ એમની ઇશારત પર,
વાત પરખાવે રોકડી જાણે.

–હરીશ મીનાશ્રુ

અદા અનોખી છે, વાતો નોખી છે. મજબૂત ગઝલ….

Comments (2)

બાપુની મીઠાની ગાંગડીનું ગીત – હરીશ મીનાશ્રુ

પલટણ અગણ્યાએંશી જોધ્ધાની,
.          એનાં હથિયાર કિયાં?- તકલી ને ત્રાકડી
ડગલું ભર્યું કે હવે ના હઠવું ના હઠવું
સાચનું છે વેણ હવે ના લટવું ના લટવું
.                            વેઠની ઉપાડી પેલી ગાંસડી

બેય નર્યા સાંઠીકડાં: સાઠી વટાવેલી કાઠી ને બીજી એની લાઠી
હાડકાંના માળામાં ઘઉંવર્ણા રામજીએ વાળી છે વજ્જર પલાંઠી

માથા પર ટેકવ્યું છે ફાટેલું આભ
.               નથી પહેરી કૈં રજવાડી પાઘડી
જોજનવા કાપવાને ધૂળિયે મારગ ઊડે
.               જૂતિયાં કહું કે પવનપાવડી

વાયકા છેઃ અમરતની ટોયલીને કાજ મથી નાખ્યો’તો એકવાર દરિયો
આજ ફરી નાથવાને એને ત્યાં ઊભો છે સુકલકડી પ્હેલ્લો અગરિયો

ચપટી મીઠાને હારુ દુનિયાના
.               બાદછાની હારે એણે બાંધી છે બાખડી
કેડે બાંધેલી ઘડિયાળ કને
.               બીગબેન બજવે તે ઘંટડીઓ રાંકડી

અંધારાં અજવાળાં ઓગળેલું મેલું પરોઢ ઊગ્યું મીઠાના રંગનું
કૂકડાએ બુંગિયો ફૂંકીને જાણે એલાન કીધું સતિયાના જંગનું

આખા મલકનાં ઝાડવાંએ ખેરવી જો
.                          આંસુ ભીંજલી ફૂલપાંખડી
નીચે નમીને પછી ડોસાએ ઉપાડી
.                          આવડીક મીઠાની ગાંગડી

– હરીશ મીનાશ્રુ

૯૧ વર્ષ પહેલાં, આજના દિવસે, એટલે કે ૧૨ માર્ચ, ૧૯૩૦ના દિવસે એક પોતડીધારી ફકીર કેડે ઘડિયાળ અને હાથમાં લાકડી લઈને ઓગણાએંસી સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું’ની ભીષ્મપ્રતિજ્ઞા લઈ નીકળી પડ્યો હતો. પગપાળા ચાલીને છઠ્ઠી એપ્રિલે જ્યારે એ દાંડી પહોંચ્યો ત્યારે એકતરફ દાંડીનો દરિયો ફેલાઈ પડ્યો હતો અને બીજી તરફ હજારો ભારતવાસીઓનો મહેરામણ ઘુઘવાટા મારતો પથરાયો હતો. કવિશ્રી હરીશ મીનાશ્રુ એમની લાક્ષણિક શૈલીમાં મજાનું ગીત લઈ આવ્યા છે.

હથિયારમાં જેમની પાસે એકમાત્ર ચરખો જ છે એવા ઓગણાએંસી યોધ્ધાઓની પલટણ જાણે કવિ નર્મદના ‘ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું;વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું’ના આહલેક સાથે ફતેહ કરવા નીકળી પડી છે. ગાંધી અને એમની લાકડી બંને એકસમાન સૂકલકડાં છે. પણ હાડકાના આ માળામાં સાક્ષાત્ રામચંદ્ર જાણે વજ્ર જેવી નક્કર પલાંઠી મારીને બેઠા છે. સાંઠી(કડાં)-સાઠી- કાઠી- લાઠી-(પ)લાંઠીની મજાની અંતર્પ્રાસ-આંતર્પ્રાસની રમત ગીત સંગીતમાં ઉમેરો કરે છે. માર્ચ-એપ્રિલના ધખતા ઉનાળામાં માથે રજવાડી પાઘડીના સ્થાને જાણે કે ફાટેલું આભ પહેર્યું છે. આભ ફાટી પડવું એ રુઢિપ્રયોગ આ ક્ષણે જો મનમાં ઝબકે તો અંગ્રેજ સામ્રાજ્યના માથે આવી પડનારી આફત તરફનો ઈશારો અહીં નજરે ચડશે. દાંડીકૂચની ઘટનાને કવિ સમુદ્રમંથન સાથે સાંકળીને એનો અનન્ય મહિમાગાન કરે છે. કહે છે, એક વેળા જેમ અમૃત મેળવવા માટે સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું, બરાબર એ જ રીતે આઝાદીનું અમૃત મેળવવા માટે દાંડીના દરિયાને અને અંગ્રેજી હકૂમતને નાથવા પહેલો અગરિયો મીઠું પકવવા આવી ચડ્યો છે. ચપટી મીઠા માટે આ સૂકલકડી અગરિયો દુનિયાના બાદશાહ સાથે બાખડી પડ્યો છે અને એની કેડે બાંધેલી ઘડિયાળ (જેમાં ઘંટારવ થવો શક્યો નથી) બીગબેનના ટકોરાઓને પણ રાંક ઠરાવે એ ઠસ્સાથી સોહી રહી છે. સત્યના જંગનું એલાન થઈ ચૂક્યું છે. ડોસાએ નીચે નમીને મીઠાની ગાંગડી ઉપાડી એ ઐતિહાસિક ઘટનાનો દેશ આખો ભીની આંખે સાક્ષી બન્યો છે.

Comments (14)

જોડણીનો બંધકોશ – હરીશ મીનાશ્રુ

જોડણીનો બંધકોશ ભારે જીગનેસભાઈ, એનો ઇલાજ કરું સું?
લખવા બેસે છે બધા હોય જાણે ગુજરાતી ભાસાના જોડણીઘસુ

ભૂલવાળી ચોપડીમાં એકાદસીને દા’ડે
ઊધઈયે મોઢું નથી ઘાલતી
ઊંઝાવાળાનું તપે સત્ત, તોય ઘેલી
ગુજરાત નથી ઇસબગુલ ફાકતી

હરડે હીમજ પેઠે વિદીયાપીઠને જોડણીકોસને ચૂસું?
સ્પૅલચૅક વિના કક્કો બારાખડીનાં દુઃખ કેમ ચેકું ભૂસું

જોસી ઉમાસંકર ને રંજન ભગત એવા
કવિઓ પાક્યા છે ઊંચા માયલા
આપડી આ માતરુ ભાસામાં, તોય શાને
લોલેલોલ આવું કરે ચાયલા

ફાધર વાલેસ મળે મારગે ને હાલચાલ પૂછે તો કહેવાનું સું?
બાવન અક્સરને સંઘરવા ગાંધીની પોતડીને ક્યાં છે ખીસું?

ઇંગરેજી ફોદા બે નાખીને ગુજરાતી
દૂધનું જમાવવાને દહીં
ઊભી બજારે લોક બેઠું ગુજરેજી
દુગ્ધાલય ખોલીને અહીં

એબીસીડીના અખરામણવાળા આ અક્કલમઠાનું કરું સું?
ઠોઠ રે નિસાળિયો ને મહેતાજી બેઉ ફાકે ભાસાને નામે ભૂસું

– હરીશ મીનાશ્રુ

ઉફરા તરી આવતા વિષયો, અરુઢ ભાષા, અસામાન્ય બાની અને અભિવ્યક્તિની મૌલિકતાના કારણે કવિશ્રી હરીશ મીનાશ્રુના ગીતો આજના આખાયે ફાલથી બિલકુલ નોખા તરી આવે છે. એમનો અવાજ એમનો પોતાનો ટ્રેડમાર્ક બની ગયો છે. પ્રસ્તુત રચનામાં ખાડે ગયેલી ગુજરાતી જોડણી, ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકોને એમણે આડે હાથે લીધા છે.

અંગ્રેજી જોડણીમાં સહેજ પણ ભૂલ ન થાય એની ચીવટાઈ રાખતી ગુજરાતી પ્રજા પોતાની ભાષાની જોડણી જ સાચવી શકી નથી. શ,ષ, સ – ત્રણેયનો એક જ ‘સ’માં ફાલુદો કરવા ઉપરાંત બોલાતી ખોટી ભાષાને ગીતનું સાધન બનાવીને કવિએ સતત હાંસી ઉડાવતા જઈને ચૂંટિયા ખણવાનું બેવડું કામ કર્યું છે. જિજ્ઞેશભાઈ, સૉરી, જિગનેસભાઈને સંબોધીને કવિ કહે છે કે જોડણીકોશને ભારી કબજીયાત થઈ છે અને એનો ઇલાજ કેમેય કરી જડતો નથી. આમ તો ભૂલવાળી ચોપડી આપણે ચલાવી લેતા નથી, ઊંઝા જોડણીવાલા સરળીકરણ માટે માથાં પટકી મરી જાય છે પણ વિદ્યાપીઠ એના જોડણીકોશને બદલવાનું કે સુધારવાનું નામ લેતી નથી. ઊંઝા જોડણીનું ઇસબગુલ ફાંકે કે વિદ્યાપીઠનો જોડણીકોશ લોકો હરડે-હીમજની જેમ ચૂસે તો કદાચ આ બંધકોશ ખૂલે. ગુજરાતી શબ્દોમાં જોડણીની પૂરતી ખોદણી કરતા કવિ પાછા સ્પૅલચૅક જેવા અંગ્રેજી શબ્દમાં માત્રાનીય ભૂલ કરતાં નથી, આ કટાક્ષ પણ નોંધવા જેવો.

ઉમાશંકર જોશી અને નિરંજન ભગત જેવા ઊંચી કક્ષાના કવિઓ પાક્યા હોવા છતાં માતૃભાષામાં આવું લોલંલોલ કેમ ચાલ્યા કરે છે એ એક કોયડો છે. વિદેશથી આવેલ ફાધર વાલેસ જેવા માણસની જોડણી નખશિખ સાચી હતી પણ ગાંધીની ગુજરાત પાસે બાવન અક્ષર સમાય એવું ખિસ્સું પણ નથી. ગુજરાતી દૂધના ઠેકાણાં નથી, પણ એમાં અંગ્રેજીની મિલાવટ કરીને ગુજરેજીનું દહીં જમાવવા આખી પ્રજા ઊભી બજારે નીકળી પડી છે. એબીસીડીઘેલા આ અક્કલમઠાઓનું શું કરવું એ વિમાસણ છે. આપણે ત્યાં નથી શિક્ષકમાં ઠેકાણાં, નથી વિદ્યાર્થીના. ગુજરાતી ભાષાના ભવિષ્ય ઉપર વેધક કટાક્ષ કરતું હળવું લાગતું આ ગીત અંતે આપણા હૃદયને ભારઝલ્લું કરી જાય છે.

Comments (23)

(એને ક્યમ ઢંઢોળું) – હરીશ મીનાશ્રુ

સીસ નવાવૈ સંત કો, સીસ બખાનૌ સોય|
પલટૂ જો સિર ના નવૈ, બિહતર કદ્દૂ હોય॥
(પુણ્યસ્મરણ: પલટૂદાસ)

નમે સંતને શિર, નમે તે શિર નહિતર કોળું
ઊંઘણશી જે છતે જાગ્રતિ, એને ક્યમ ઢંઢોળું

મરુથળ શું મન, મૃગજળનો
તેં ખંતે કીધો ખડકલો
સરવર સમજી રાચે
એ તો પરપોટાનો ઢગલો

ભરતી ઓટે ઉછાંછળું તે નીર લવણથી ડહોળું
ઝીલવાં બારે મેઘ ને તારું છાછર સાવ કચોળું

ઘટમાં ઘર ઘેઘૂર ને ભીતર
જે વસનાર ગૃહસ્થી
ખપે ન એને મહેલ મિનારા
ગેહ કે ગુહા અમસ્થી

વણ નક્શાનું ઘર એ ઝીણું, નથી સાંકડું પહોળું
દશે દિશાનાં અંબર : લલદે શીદ જાચે ઘરચોળું

– હરીશ મીનાશ્રુ

ઓગણીસમી સદીના પ્રારંભ-મધ્યકાળમાં થઈ ગયેલા સંત પલટૂદાસ કે પલટૂસાહિબ બીજા કબીરના નામે પણ ઓળખાય છે. એમનો પ્રસિદ્ધ દોહો હાથમાં ઝાલાને કવિ સ-રસ રીતે વિચાર વિસ્તાર કરે છે. જે માથું સંતના ચરણોમાં નમે છે, એ જ સાચું માથું છે; જે નથી નમતું એ મસ્તક નથી, કોળું છે. આ વાત કવિ ગીતસ્વરૂપે વધુ વિગતે કરે છે.

જે જાગવા છતાં જાગી નથી શકતાં એને કઈ રીતે ઢંઢોળી શકાય? રણ જેવા મનમાં મૃગજળ જેવી તૃષ્નાઓનો ખડકલો કરીને આપણે જીવીએ છીએ. જેને સરોવર ગણીએ છીએ એ જીવન તો પળમાં ફૂટી જાય એવા પરપોટાઓના ઢગલાથી વિશેષ કંઈ નથી. સ્થિર હોય એ નીર જ સાફ રહી શકે. દરિયાનું પાણી ભરતી-ઓટના ઉછાળા મારે છે, ઉછાંછળું છે એટલે એ મીઠાંના ભારથી કાયમ ડહોળું રહે છે. આપણી ભીતર જે આત્મા છે, ઈશ્વર છે એને કશાનો ખપ નથી. આ ઘરનો કોઈ નકશો નથી. એના કોઈ આયામ પણ નથી. એ દિશાઓ ધારણ કરે છે ને આપણે એને ઘરચોળું પહેરાવવા મથીએ છીએ, કહીને આપણા સૂતેલા માહ્યલાને જગાડવાની ફેર કોશિશ કરે છે.

(છાછર-તાસક, રકાબી; કચોળું-છલોછલ)

Comments (1)

(જડ્યું નહીં કૈં) – હરીશ મીનાશ્રુ

જાણ્યું એવું જડ્યું નહીં કૈં,
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કૈં.

-સંજુ વાળા

બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કૈં
બીજ ગયું ખોવાઈ કશેથી જડ્યું નહીં કૈં

સ્વાતિનાં અચરજ તો અનરાધાર વરસતાં
કરમફૂટલી બંધ છિપોલી: અડ્યું નહીં કૈં

પલળીને બળવું ને બળબળતાં ભીંજાવું
સતત ધૂમાતું રહ્યું હૃદય, ભડભડ્યું નહીં કૈં

ગ કોનો? –પૂછીને માંડી ગઝલ તમે તો
ઘૂંટી ઘૂંટી થાક્યા પણ આવડ્યું નહીં કૈં

સૌ કહે છે લોચન છે એનાં અમરતકુપ્પી
ખરે વખત તો એકે ટીપું દડ્યું નહીં કૈં

ભીંત ભૂલ્યા’તા તમે, અમે નીસર્યા સોંસરવા
ભીંતપણું અમને તો સ્હેજે નડ્યું નહીં કૈં

મન મારું મક્તામાં મઘમઘ મૌન ધરે છે
નામ હતું જે હૈયે, હોઠે ચડ્યું નહીં કૈં

– હરીશ મીનાશ્રુ

સંજુ વાળાની પંક્તિનો હાથ ઝાલીને કવિ શ્રી હરીશ મીનાશ્રુ મજાની તરહી ગઝલ રજૂ કરે છે. કવિનું ભાષાકર્મ સ-વિશેષ ધ્યાનાર્હ છે. કરમફૂટલી, છિપોલી, અમરતકુપ્પી જેવા શબ્દો તો ગુજરાતી ગઝલમાં દીવો લઈને શોધવા નીકળો તોય નહીં જડે. પણ અહીં જે પ્રવાહિતાથી આ શબ્દો વહી આવ્યા છે, એ કવિની સિદ્ધહસ્તતાના દ્યોતક છે. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.

Comments (3)

ગાલિબનું ગીત – હરીશ મીનાશ્રુ

દિલ્લી પુરાની, યે બલ્લીમારાન, એની ભીતર કાસિમ જાન શેરીએ
ખાટલીમાં ખાંસે છે અસદુલ્લાખાન, જીવ એનો ઝુલે હાફૂસ કેરીએ

મિર્જા, આદાબ અર્જ, સુનિયોજી સંદેસા:
આંબે આવ્યા છે રૂડા મ્હોર
ખાતે રહોગે જો કેરિયાં તો એક રોજ
હોગા અંદાજે બયાં ઓર

પેન્સન કે કાગજાત આયે ક્યા, ડાકિયાજી, આગે ક્યોં ચલ દિયે, ઠૈરિએ
જાને દો યાર: કહી માંડ્યો જુગાર ફરી ચાંદની તે ચોકના ઝવેરીએ

ખસની ટટ્ટીને કોઈ પાણી છાંટો કે
ગળું ક્યારનું સુકાય છે પિયાસથી
છેડી હૈ બૂઢે ફકીરને ગઝલ વહી
જિસકી કાપી ન મેરે પાસ થી

શબનમની જેમ હવે ઊડવા દો શેર મારા, અબ ક્યા બટોરિયે બિખેરિએ
મૈલી તો મૈલી, યે ઊતરી કમીજ હૈ ફરિશ્તોં કી, ઉમ્મરભર પહેરીએ

કહાંકી રૂબાઈ, કહાંકી ગઝલ:
ઇસ્લાહ માટે કોઈ નથી આવતું
કબકી ખૂલી હૈ દુકાનેં કબાબીઓંકી
તોય નથી કોઈ કશું લાવતું

અબ તો યે માસૂમ સે પંછી શાગિર્દ રહે, – દાણા કબૂતરાંને વેરીએ
બંધ હોય મસ્જિદે જામા તો તસ્બી કો મયખાને જા કે હી ફેરીએ

શીરીં જુબાન મેરી ખુસરોં કે લફ્ઝોં સે
કડવી આ કર્જાની ડાયરી
લેણદાર ખેલે છે હિકમત, હકીમ માનોં
કરતે હૈં માતમ કી શાયરી

કાસદ, પહોંચાડી દે આખરી કલામ હવે અલ્લા રસૂલની કચેરીએ
દિલવા દે ડૂબતે કો બોતલ શરાબકી તો બોલેગા વો કિ ચલો તૈરીએ

કોઈ તો ચૂકાયેગા ગાલિબને પી થી વો
રેખતાની પ્યાલીનું દેણું
અલ્લા ઉધાર દે તો ચૂકવું: મરીઝ કોને
મારે ગુજરાતીમાં મહેણું

હોતા નહીં હૈ ફર્ક જિને ઔ’ મરને કા મોહબતમાં રિન્દોની દેરીએ
કાફિયા રદીફની કરવતથી કાફરનું નામ લઈ જીવતરને વ્હેરીએ

– હરીશ મીનાશ્રુ

વિશિષ્ટ પ્રકારની ગીતરચના. કવિએ ગાલિબના સમયને કવિતામાં જીવતો કર્યો છે. ગુજરાતી, ઉર્દૂ, ખડી બોલી, દેસી –એમ ભાષાઓની ખીચડી એ રીતે બનાવી છે કે એકમાંથી બીજી બોલીમાં ક્યારે સરી જવાય એની ખબર પણ પડતી નથી. જૂની દિલ્હીમાં ચાંદની ચોકના બલ્લીમારાન વિસ્તારમાં આવેલી કાસિમ જાન શેરીમાં રહેતા મિર્ઝા અસદુલ્લાખાન ગાલિબને કવિ બખૂબી તત્કાલિન અને સાંપ્રત સંદર્ભોને તાનાવાણાની જેમ સાંકળી લઈ પેશ કરે છે. હાફૂસ કેરી માટેની દિવાનગી, પેન્શનની પ્રતીક્ષા, ચોપાટની રમત, દેવાના ડુંગરા, શરાબખોરી, કાફિરપણું – ગાલિબના સ્વભાવની લાક્ષણિકતા એક તરફ આપણને જોવા મળે છે તો બીજી તરફ ગાલિબના પ્રખ્યાત શેરોની ઝલક –અંદાજે બયાં ઓર, કાસદ, નહીં હૈ ફર્ક જિને ઔ’ મરને કા વગેરે રજૂ થઈ છે. ગાલિબનું ગીત ગુજરાતના ગાલિબ મરીઝના વિખ્યાત શેર ‘ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે’ સુધી આવીને ખતમ થાય છે. ક્યાંક ક્યાંક કૃતકતા નજરે ચડી આવે છે, એ બાદ કરતાં આ નવતર પ્રયોગ સર્વાંગ આસ્વાદ્ય થયો છે.

Comments (6)

પર્વત પર પાછું ચડવાનું – હરીશ મીનાશ્રુ

પર્વત પર પાછું ચડવાનું
નદીપણું નિશ્ચે નડવાનું

સવાર પડતાં ફાળ પડે છે
અજવાળું અઘરું પડવાનું

ઓરમાન માટીમાં તારું
બીજ જનમભર તરફડવાનું

પવન ઉપર નકશા ખુશ્બૂના
તું શોધે થાનક વડવાનું

દરદ સહુનું સહિયારું છે
શું પૂનમનું શું પડવાનું

શું કરશો કે એક સફરજન
મનમાં પડ્યું પડ્યું સડવાનું

પાણીને ના પડે ઉઝરડો
એમ સરોવરને અડવાનું

ભાષાનો ભાંગી કર ભૂક્કો
એ જ બને કારણ ઘડવાનું

સાવ સાંકડા ઘરમાં સંતો
યાયાવર થઈને ઊડવાનું

– હરીશ મીનાશ્રુ

ટૂંકી બહેરની મજબૂત રચના…દરેક શેર એક સ્વતંત્ર વિચારને બળકટ રીતે રજૂ કરે છે….

Comments

ધબકે છે નિઃશબ્દતા – અમિના સૈદ અને હરીશ મીનાશ્રુ

કવિતામાં
શબ્દો પૂર્વે હું હંમેશાં
સાંભળું છું નિઃશબ્દતાને, પીઉં છું
એના અસલ સ્રોતમાંથી
પછી બધું થાય છે શબ્દાયમાન
પૂરી થાય છે શોધ શબ્દની
હું કહું છું : કવિતામાં
શબ્દો પૂર્વે હું હંમેશાં સાંભળું છું નિઃશબ્દતાને
ને તું ઉત્તર વાળે છે : જો હશે કોઈ ઈશ્વરનું અસ્તિત્વ
તો એ ત્યાં જ હશે

હું શોધી કાઢું છું એ ચોક્કસ ઢોળાવ
જ્યાં તેજ અને છાયાનો
થાય છે આરંભ અને અંત
અને ધબકે છે નિઃશબ્દતા
લવણોદર સમુદ્રની જેમ
હળવે હળવે આકાશથી
ટેવાતી જતી પંખીની પાંખની પેઠે કંપે છે
પવન, પૃથ્વી ને પ્રાણની જેમ ધબકે છે
ને હા, જો હશે કોઈ ઈશ્વરનું અસ્તિત્વ
તો એ ત્યાં જ હશે.

– અમિના સૈદ

[ મૂળ ફ્રેન્ચ કાવ્ય – અનુવાદ – અમિના સૈદ અને હરીશ મીનાશ્રુ ]

[ સૌજન્ય – ડો. નેહલ – inmymindinmyheart.com ]

કાવ્યના જન્મ વિષે આ થી અદભૂત વાત બીજી કોઈ વાંચી નથી……

Comments (1)

(તમને ગમે તો પહેરો) – હરીશ મીનાશ્રુ

ઝાકળ ન તાણે તંબુ, સાધુ ન ડારે ડેરો
સુરભિ સદા અજન્મા, વાયુ ફરે ન ફેરો

સપડાઈ ગયા છે સૌ સગપણ અને સમજણમાં
ઘર ઘર મટીને સહસા થઈ જાય સખત ઘેરો

પડછાયો પગ તળેથી છટકીને ક્યાં જવાનો ?
ધોળે દહાડે શાને સૂરજનો ચોકીપહેરો ?

દરિયા કનેથી ઈંડાં માગે છે જ્યાં ટિટોડી
મોતી બધાંય મીંડાં, લજ્જિત બધીય લહેરો

નગરી ઉજેણી, એમાં આ શબ્દનું સિંહાસન
હું બેસવા જઉં ત્યાં પૂતળી પુકારે ઠહેરો

શંકાનું એક ટીપું, મનની મટોડી કાળી
ભાષાનો ભેદ તસ્કર કરતાં ગુપત ને ઘેરો

હું બરતરફ કરું છું શાહીનો ચન્દ્ર નભમાં
આ વાત પર અમાસે મારી દીધો છે શેરો

ખખડ્યા કરે છે અંદર ઈશ્વરની એ ઈમારત
નકશામાં કોણ કરતું, ખંડેરનો ઉમેરો ?

કંપે છે એકસરખાં ધડ ને અરીસા સૌના
ડરને અને ઈચ્છાને છે એકસરખો ચહેરો

કાચી કબરના માપે મેરાઈએ સીવ્યો છે
માટીનો એક ડગલો, તમને ગમે તો પહેરો

– હરીશ મીનાશ્રુ

કેટલાક છંદદોષને નજરઅંદાજ કરીએ તો મજાની દ્વિખંડી ગઝલ. પ્રાચીન ગુજરાતીના દોહા કે સુભાષિતો સાંભળતા હોઈએ એવી ગેરુઆ બાનીની ગઝલ. બધા જ શેર મનનીય થયા છે.

Comments (9)

સાધો – હરીશ મિનાશ્રુ

જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો
કબરની સાદગીથી ઘર હવે શણગારવું। સાધો

સમજ પડતી નથી તેથી બીડ્યા’તા હોઠ સમજીને
બધું સમજી ચૂક્યાં તો શું હવે ઉચ્ચારવું, સાધો

તને મજરે મળી જશે રુદનની ક્ષણ બધી રોશન
ગણતરી રાખી શીદ એક્કેક આંસુ સારવું, સાધો

અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઇને
અમસ્તી આંખ મીંચીને ગમે તે ધારવું, સાધો

સિતમનો હક બને છે એમનો, શું થાય ? સ્નેહી છે
કદી ગુસ્સો ચડે તો ફૂલ છુટ્ટું મારવું, સાધો

સમય ને સ્થળનો વીંટો વાળીને એને કર્યો સુપરત
બચ્યો છે શબ્દ જેને આશરે હંકારવું, સાધો

– હરીશ મિનાશ્રુ

Comments (7)

પ્રેમસૂક્ત (અંશ) – હરીશ મીનાશ્રુ

તમે પુષ્પ ચૂંટ્યું
તો મેં ગંધ
તમે પાદુકા ઉતારી
તો મેં પંથ
તમે ત્યજ્યાં પટકૂળ
અને મેં ત્વચા
હવે ઝળહળે તે કેવળ પ્રેમ

– હરીશ મીનાશ્રુ
(‘પર્જન્યસૂક્ત’)

આવરણો -ભૌતિક અને અધિભૌતિક- પાછળ છોડી દો પછી બચે તે પ્રેમ. ને છોડવું જ હોય તો અડધું પડધું શું કરવા છોડવું ? – પુષ્પના આકારને બદલે ગંધનો આખો વિસ્તાર જ છોડવો, પાદુકાને ઉતારવાને બદલે સફરની ઈચ્છા જ ઉતારી નાખવી અને વસ્ત્ર પર અટકવાને બદલે અસ્તિત્વની ત્વચા જ ઉતારી દેવી. બધા આવરણ ઉતારી, અઠે દ્વારકા કરીને બેસો એટલે બધુ જ ઝળહળ ઝળહળ.

Comments (5)

હવે કેટલો વખત – હરીશ મીનાશ્રુ

(પુણ્ય સ્મરણ: મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’)

ઊઠતી બજારે હાટ, હવે કેટલો વખત?
વહેવારનો ઉચાટ, હવે કેટલો વખત?

*
ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત
આ ત્રાજવું ને બાટ હવે કેટલો વખત.

પગની અધૂરી ઠેસ મૂકી ઠેઠ જઈ ચડ્યા,
અમથી કિચૂડશે ખાટ હવે કેટલો વખત.

ઊડતા દૂલીચા જેવી મિજાજી મઝર હો
જીવતરનો રઝળપાટ હવે કેટલો વખત.

રણ છે તો ક્યાંક નિશ્ચે હશે ગુપ્ત સરસતી,
મૃગજળનો ઘૂઘવાટ હવે કેટલો વખત

છે ખિન્ન સૂત્રધાર અને આંગળીયો છિન્ન છે
પૂતળીનો થનગનાટ હવે કેટલો વખત

પંખી શીખી ગયું છે હવે ઇંડામાં ઉડ્ડયન,
આકાશ પણ અફાટ હવે કેટલો વખત

અંદરથી કોક બોલે સતત : ચેત મછંદર
રહેવાનાં રાજપાટ હવે કેટલો વખત.

પિંજર, ખૂલી જા : ભાષા તું મ્હાલ મોકળે
શૂકપાઠ કડકડાટ હવે કેટલો વખત

– હરીશ મીનાશ્રુ

કવિની વિચારસૃષ્ટિના ઊંડાણનો પરિચય આ ગઝલમાં થાય છે. છેલ્લા પાંચે શેર એકમેકથી ચડે તેવા થયા છે. હવે એક આખો દિવસ આ બધા શેરને મમળાવવામાં જશે.આ ગઝલ મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ની એક પંક્તિ અને રદીફ-કાફિયા લઈને એમના પુણ્યસ્મરણ રૂપે લખાયેલી.

(ગફલતથી આ ગઝલ કવિ મકરંદ દવેની છે એવું આગળ મૂક્યું હતું. એ ભૂલ સુધારી લીધી છે. એપ્રિલ 2020)

Comments (7)

ગીત – હરીશ મીનાશ્રુ

નીતરતે ડિલે હું તો ઊભી નાવણિયામાં
આઘેથી કોઈ બૂચકારે હો જી

ફૂલફુડી જાત મારી ઓગળતી ફૂલ સમ
જળને દડૂલ મને મારે હો જી

પાતળિયો પાધરો પેઠો, સહેલી જાણે
પણઘટ પધાર્યું પાણિયારે હો જી

સોના ઇંઢોણી રૂપા બેડલું રે બાઈ, મને
મોતીએ મઢી છે મણિયારે હો જી

રુંગું ચડે તો મને રોળે રવેશીમાં
ચાંદો ચૂંટીને અંધારે હો જી

ધમચી કરીને મને ઢોળે લીલોતરીમાં
ખાંડે છે મુશળધારે હો જી.

માટીના ઢેફામાં ધબકતું જોબનિયું
વંઠેલીને તે કોણ વારે હો જી

એમ કરી પાનબાઈ બોલે, ખલૂડીબાઈ
ડોકું ધુણાવી હોંકારે હો જી

– હરીશ મીનાશ્રુ

તળપદી ભાષામાં હળવી હલકથી ચાલતું આ લવચિક ગીત પહેલી પંક્તિની સાથે જ આખું દૃશ્ય આંખ સમક્ષ ખડું કરી દે છે. નાવણિયામાં નહાતી નવોઢાને એના મનનો માણીગર આઘેથી માત્ર બૂચકારે એવામાં તો એ ફૂલ પેઠે ઓગળવા માંડે છે જાણે. પાતળા બાંધાનો પિયુ પધારે છે તો એમ લાગે છે કે પણઘટ આખું સામે ચાલીને પાણિયારે ન આવ્યું હોય ! અને પછીની કડીઓમાં પંડમાં ન સમાય એવો થનગનાટ અને કામકેલિ કાવ્યસૌંદર્યને અણી કાઢી આપે છે. કાવ્યાંતે આવતા પાનબાઈ અને ખલૂડીબાઈના સંબોધન ગંગા સતીના ભક્તિપદનો લહેકો આપી ભાવકને સુખદ અહેસાસ કરાવે છે… અંતે તો પ્રેમ એ જ ખરો ધર્મ છે, ખરું ને?!

Comments (7)

શબ્દોત્સવ – ૬: ભજન: સાધો, તંબૂર પણ તરફડશે – હરીશ મીનાશ્રુ

સાધો, તંબૂર પણ તરફડશે
ભજનના એક જ ઘૂંટડા સારુ હરિ ઘૂંટણિયે પડશે.

મદિરા ભેગું મુરશિદ તેં
એવું શું દીધું પાઈ,
સાકી ને સાખીમાં અમને
ભેદ દીસે ના કાંઈ;
ભગતિનો પરસેવો સૂંઘી લીલાપુરુષ લડખડશે.

ખર્યા પાંદ પર દિકપાલે
બેસાડ્યા ચોકીપ્હેરા,
કરે ઠેકડી એક જ હળવી
મલયપવનની લ્હેરા;
ફરી વળગશે દીંટે જો હડફેટે સંતન ચડશે.

– હરીશ મીનાશ્રુ

ગુજરાતી ભક્તિપદોમાં આ અલગ ભાત પાડે એવું આ ભજન છે. એમાં એક તરફ કબીરના પદોની છાયા છે. તો બીજી બાજુ ઉર્દુ ગઝલમાં વપરાતા (મૂરશિદ અને સાકી) અને પ્રાકૃત(મલયપવન) રૂપકોની પણ હાજરી છે.અહીં બહુ passionate ભક્તિની વાત છે. પોતાની જાત માટે તંબૂર શબ્દ વાપર્યો છે.  જ્યારે જાતમાં  તરફડાટ જાગશે ત્યારે એ એક ભજનને ખાતર હરિના ચરણમાં જઈ પડશે. ગુરુ(મુરશિદ)એ ભક્તિની મદિરા સાથે એવુ શુ પીવડાવી દીધું છે કે હવે સાકી અને સાખી(ઈશ્વરની સાક્ષી)નો ભેદ ભૂંસાતો જાય છે.  ભક્તિમાં એટલી જબરજસ્ત મહેનત હશે કે એના પરસેવાની સુંગધથી જ ઈશ્વર પીગળી જશે !  જીવનનું ખરેલું પાંદડું જે પવનમાં ધ્યેયહીન રખડી રહ્યું છે એ જો સંતની હડફેટમાં ચડશે તો ફરી પાછું ડાળ પર પહોંચશે. અહીં શબ્દોની પસંદગી જુઓ – સંતના સમાગમમાં આવવાની વાત ને માટે ‘હડફેટે ચડશે’ એવો મઝાનો અને તળપદો પ્રયોગ કર્યો છે. ફરી ફરી વાંચતા, આ લીસ્સા પથ્થર જેવું ગીત, મનને એક અલગ જ જાતની શાતા આપતું જાય છે.

Comments