ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તો પણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.
જવાહર બક્ષી

સ્ત્રીઓ – વિનોદ પદરજ (હિંદી) (અનુ.: હરીશ મીનાશ્રુ)

બધી પવિત્ર નદીઓનું જળ લીધું એણે
બધા ઉપજાઉ ખેતરોની માટી
આસમાનનાં જેટલાં રૂપ હતાં બધાં લીધાં
સૂરજ ચાંદ સિતારા આકાશગંગાઓ મેઘ
અને ચૂલામાંથી આગ લીધી કડછીભર
બધાં ફૂલોની એક એક પંખુડી
બધાં પંખીઓનું એક એક પીંછુ
ઘટાઘેઘૂર વૃક્ષનું પાતાળભેદી મૂળ
જરા જેટલું ઘાસ જરા જેટલી હવા
દરેક બોલીનો એક શબ્દ લીધો-પ્રેમ
બધાને ભેળવીને સ્ત્રી બનાવી કરતારે
અને અચંબિત રહી ગયો
એ અપ્સરાઓથી અધિક સુંદર હતી
કરતારે કહ્યું
પૃથ્વી પર તું અધૂરી રહીશ
પૂર્ણતા માટે તને જરૂર પડશે પુરુષની
અને એના પ્રેમની
ચાહે તો અહીં સ્વર્ગમાં રહે
કામનાઓ વાસનાઓથી દૂર
જરા મરણ વ્યાધિઓથી દૂર
ખટકર્મથી પરે
ચીર યુવા ચીર સુંદર
પણ સ્ત્રીએ એક જ શબ્દ સાંભળ્યો વારંવાર
પ્રેમ પ્રેમ પ્રેમ
અને પૃથ્વી પર આવી ગઈ

હવે પૃથ્વી પર ભટકે છે એ
બહુ ઓછી છે જેમને પ્રેમ મળ્યો
બહુ વધારે છે જેમને પ્રેમમાં છલના મળી
અને સહુથી વધારે એ છે
જેમને પરણાવી દેવાઈ
જેમણે ઘર સંભાળ્યાં
છોકરાં જણ્યાં
વગર પ્રેમે

– વિનોદ પદરજ (હિંદી)
(ગુજરાતી અનુ.: હરીશ મીનાશ્રુ)

ઈશ્વરે અલગ-અલગ તત્ત્વોમાંથી અલગ-અલગ અંશ લઈને સ્ત્રીનું સર્જન કર્યું છે એ વિશે આપણે શૂન્ય પાલપુરીની બહુખ્યાત નઝમ આપણે ગઈકાલે માણી. પ્રસ્તુત રચનાનો શરૂઆતનો ભાગ એ નઝમને મળતો આવતો જણાશે પણ સ્ત્રીના સર્જનને લઈને માનવજાતને દર્દ મળ્યું હોવાની જે કાવ્યાત્મક રજૂઆત શૂન્ય પાલનપુરીએ એમની નઝમમાં કરી છે એ હકીકતમાં હકીકતથી સાવ વેગળી છે. જ્યારે પ્રસ્તુત રચનામાં કવિ આપણી પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાની વાસ્તવિકતાને નગ્ન કરી આપણી સમક્ષ રજૂ કરે છે… એકદમ સરળ ભાષામાં કવિ લાંબા સમય સુધી ચચરાટ અનુભવાયા કરે એવો ઊંડો ડામ આપણને આપે છે…

8 Comments »

  1. pragnajuvyas said,

    December 2, 2022 @ 3:44 AM

    કવિ વિનોદ પદરાજની એવા કવિ છે જે માત્ર કવિતામાં જુએ છે, કવિતામાં જ સાંભળે છે. જે સ્ત્રીઓ, નવોદિત, લાંબી ઉડાનનો અનુભવી અગ્રણીઓ વગેરેને જોઈ શકે છે, તે આ અછાંદસ ‘સ્ત્રીઓ’ કવિતામાં જોવા મળે છે. કવિ જુએ છે કે આ બધા સંબંધોમાં પણ સ્ત્રી માટે વ્રત-વ્રતનો કોઈ સંદર્ભ નથી, તે સંસારમાં અનિચ્છનીય બનીને આવી છે. કવિ એમ પણ કહે છે કે મા, બહેન, કાકી, દીકરી, પત્નીને જાણીને; માતા, બહેન, કાકી, પુત્રી, પત્નીને ઓળખવી પડે, સ્ત્રીને નહીં.સ્ત્રીને જાણવા માટે સ્ત્રીએ સ્ત્રીની જેમ જવું જોઈએ.
    અને ગુજરાતી અનુ.: હરીશ મીનાશ્રુ જેઓ ઉફરા તરી આવતા વિષયો, અરુઢ ભાષા, અસામાન્ય બાની અને અભિવ્યક્તિની મૌલિકતાના કારણે જેમના ગીતો આજના આખાયે ફાલથી બિલકુલ નોખા તરી આવે છે તેમનો અનુવાદ અને કવિશ્રી ડૉ વિવેકનો સ રસ આસ્વાદ.
    ‘જેમને પ્રેમમાં છલના મળી
    અને સહુથી વધારે એ છે
    જેમને પરણાવી દેવાઈ
    જેમણે ઘર સંભાળ્યાં
    છોકરાં જણ્યાં
    વગર પ્રેમે…વાંચતા કસક અનુભવાય.
    સાંપ્રત સમયે સેરોગસીમાં કોઇ મહિલામા આઇવીએફ દ્વારા શુક્રાણુ પ્રતિરોપિત કરવામાં આવે છે. જે મહિલા આવા દંપત્તિ માટે બાળક પેદા કરે તેને સેરોગેટ મધર કહેવાય છે. સેરોગેટ મધરને પ્રેગ્નેસી દરમિયાન પોતાનું ધ્યાન રાખવા અને મેડિકલ જરૂરિયાતો પૂરી કરવા દંપત્તિ પૈસા આપે છે.ત્યાં પ્રેમને સ્થાન જ નથી !
    અહીં ‘બહુ ઓછી છે જેમને પ્રેમ મળ્યો’-તેઓ ને ઇશ્કે મિજાજીમાંથી ઈશ્કે હકીકી તરફ લઈ જવાની કલ્પના કરી શકાય બાદ આગળ પ્રેમ આંખથી નીતરે ત્યારે પ્રથમ પ્રકૃતિમાં પરમાત્મા ભાસે. પરંતુ જેમ જેમ પરિપક્વ થતો જાય તેમ તે વિસ્તરતો જાય અને એક દિવસ રામમાં જ નહીં પણ રાવણમાં પણ એનુ જ રુપ દેખાય. અને જે દિવસે સર્વત્ર એના જ દર્શન થાય ત્યારે માનવ જીવનનુ લક્ષ્ય પુરું થાય. ત્યારે ભિતર ભાવ ઉઠે,” એના સિવાય અહીં બીજું છે પણ શું?”
    કવિ વિનોદ પદરાજની બીજી રચનાઓ મુકવા વિનંતિ

  2. Varij Luhar said,

    December 2, 2022 @ 11:46 AM

    વાહ.. ખૂબ સરસ કાવ્ય અને આસ્વાદ

  3. નેહા said,

    December 2, 2022 @ 11:59 AM

    Poem with bitter truth.

  4. kishor Barot said,

    December 2, 2022 @ 12:07 PM

    આદરણીય, વિવેક ભાઈ.
    ભાવકો માટે તમે ઉત્તમ રચનાઓ શોધી ઉમદા આસ્વાદ સાથે પીરસો છો તે બદલ હદયપૂર્વક આભાર.

  5. Poonam said,

    December 3, 2022 @ 3:32 PM

    …વગર પ્રેમે.

    – વિનોદ પદરજ (હિંદી)
    (ગુજરાતી અનુ.: હરીશ મીનાશ્રુ) Waah !

    Aaswad saras sir ji.

  6. લતા હિરાણી said,

    December 4, 2022 @ 10:34 PM

    આહ….

  7. Minaxi Chandarana said,

    December 5, 2022 @ 5:55 PM

    આવું કાવ્ય વાંચ્યા પછી તો જિંદગી ઘટમાળમાં પડો ત્યારે દૂધમાં કાંકરી આવી ગઈ હોય એવું લાગ્યા કરે.

  8. Minaxi Chandarana said,

    December 5, 2022 @ 5:56 PM

    આવું કાવ્ય વાંચ્યા પછી તો જિંદગીની રોજિંદી ઘટમાળમાં પડો ત્યારે ય દૂધમાં કાંકરી આવી ગઈ હોય એવું લાગ્યા કરે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment