માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
નયન દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રદ્યુમ્ન તન્ના

પ્રદ્યુમ્ન તન્ના શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ક્યમ કરી - પ્રદ્યુમ્ન તન્ના
ખાંત - પ્રદ્યુમ્ન તન્ના
ભમરો - પ્રદ્યુમ્ન તન્ના
યાદગાર ગીતો :૧૬: અમીં નહીં ! અમીં નહીં ! -પ્રદ્યુમ્ન તન્ના
વર્ષાકાવ્ય: ૧ :અષાઢ - પ્રદ્યુમ્ન તન્ના
વિજન કેડો – પ્રદ્યુમ્ન તન્ના
સૈયર મોરી ! - પ્રદ્યુમ્ન તન્ના



યાદગાર ગીતો :૧૬: અમીં નહીં ! અમીં નહીં ! -પ્રદ્યુમ્ન તન્ના

રમતું’તું રાત્ય દંન જીભે જિનું નામ
ઈ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ
તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઈ બીજાં
સઈ ! અમીં નહીં ! અમીં નહીં !

જેટલું સુગાળવી નજરે નિહાળી રિયાં
આવતાં ને જાતાં સહુ લોક
એટલું હસીને અમીં જૂઠી મરજાદનાં
ઓઢણ ઉતાર્યાં છડેચોક !
એ જી ઊભી બજાર બીચ વીંટ્યો કાળો કામળો
કે ઓર કો’ મલીર હવે ઓઢે ઈ બીજાં
સઈ ! અમીં નહીં ! અમીં નહીં !

ઘેર ઘેર થાય ભલે વાત્યું વગોવણીની
જીવને ના છોભ જરી થાતો,
જગના વે’વારથી વેગળો તે વ્હાલપનો
જોઈ બૂઝી બાંધ્યો છે નાતો !
એ જી ભવભવના ભાગ લેધાં આંકી લેલાડ
કે ચાંદલો ગમે તે હવે ચોડે ઈ બીજાં
સઈ ! અમીં નહીં ! અમીં નહીં !

- પ્રદ્યુમ્ન તન્ના

(જન્મ : ૦૭-૦૭-૧૯૨૯ – મરણ: ૩૦-૦૮-૨૦૦૯)

ભાવનગરના અધેવાડામાં જન્મેલા પ્રદ્યુમ્ન તન્ના ગોત્રે ઘોઘારી લોહાણા પણ બાળપણના પહેલા પાંચ વર્ષ દહાણુમાં વીત્યા. મૂળ વતનની રહેણી-કરણી અને તળપદી બોલી ગુજરાત-મહારાષ્ટ્રની સંધિ પર આવેલા એ ગામમાં એમના લોહીમાં લોહી થઈ ભળ્યા. એમ.એ. સુધીનો અભ્યાસ અને ચિત્રકળા, છબીકળા અને કવિતા પર ભારે હથોટી. ગુજરાતના મોટાભાગના લબ્ધપ્રતિષ્ઠ સામયિકોને એમની પીંછી અને કેમેરાનો લાભ કલમ ઉપરાંત મળતો રહ્યો છે. કાયમી વસવાટ ઇટાલીના કોમો શહેરમાં કર્યો અને ઇટાલિઅન યુવતી રોઝાલ્બા સાથે લગ્ન કર્યા પણ તળપદી ભાષા જે રસાળતાથી એમની કવિતામાં ઊતરી આવી છે એ વરદાન તો ગુજરાતમાં વસતા ઘણાં દિગ્ગજ કવિઓને પણ પ્રાપ્ત નથી થયું. ત્રણેક મહિના પહેલાં જ એમનો ક્ષર-દેહ નાશ પામ્યો પણ એમનો અ-ક્ષરદેહ એકમાત્ર કાવ્યસંગ્રહ ‘છોળ’ નામે આપણી વચ્ચે કાયમ રહેવાનો…

રાત-દિવસ જેનું નામ હોઠે રમતું હતું એ પ્રિયજન જીવતો જાગતો મળી જાય તો સંસારની લાજ-શરમ નેવે મૂકીને એને ઝબ્બ દઈ ઝાલવાનો જ હોય. એને પછી પડતો મેલે એ બીજા, અમે નહીં, અમે નહીંની નિતાંત પ્રણયોક્તિનું આ ગીત ભલે ૧૯૮૭માં લખાયું હોય એની પૂર્વભૂમિકા ૧૯૬૮ની છે. કવિના પોતાના શબ્દોમાં આ ગીત માણીએ:

૧૯૬૫ના સપ્ટેમ્બર દરમિયાન હું અને રોઝાલ્બા નેપલ્સમાં પરણ્યાં. ઝઝા અંતર અને ખર્ચની સમજી શકાય એવી બાધાને લઈ એકેય કુટુંબી એ ટાણે હાજર રહી શક્યું નહોતું. પત્ની સંગ ભારત પાછાં ફરતાં સંજોગોવશાત્ ત્રણેક વર્ષો નીકળી ગયાં. પહેલી જ વાર ઘરે આવતી પરદેશી વહુને જોવા કુટુંબ આખુંય ભેળું મળ્યું. બાપુએ રમૂજમાં સવાલ કર્યો, ‘દીકરી! તારે ગામ કોઈ ન જડ્યો તે મારા દીકરાનો હાથ ઝાલ્યો?!’ સવાલને સમજતાંની સાથે જ બાપુ સંગ આંખ પરોવતી એ બોલી, ‘બાપુજી ! ભાગ જાતું’તું મારે રસ્તે થઈ, ઓળખ્યું ને ઝબ્બ લીધું ઝાલી, હવે છોડે ઈ બીજા!’ સ્થળ-કાળ, દેશ-વિદેશ, રહેણી-કરણી, ધર્મ અને ભાષાની ભિન્નતાને સાંકળતા પ્રેમોદગાર થકી નીપજ્યું છે આ વ્રજ ગીત

Comments (6)

ક્યમ કરી – પ્રદ્યુમ્ન તન્ના

ઉઘાડાં હાં રે અમે ક્યમ કરી હાલીએ ?!
આવ્યો સીમ-કેડો, તોય ના’વ્યો હાથ છેડો,
બઇ ! કે’ને અમે ઘૂંઘટડો ક્યમ કરી ઢાળીએ ? ઉઘાડાં0

હલમલતી હેલ્ય માથે, વળી કડ્યે બેડલાં,
ને છેડલાંની સંગ ભૂંડો વાયુ કરે ચેડલાં !
ઝાલું ઝાલું ને ઊડી જાય
બઇ ! કે’ને વેરી વાયરાને ક્યમ કરી ટાળીએ ? ઉઘાડાં0

પથરાળી ભોંય માંહી ઝીણી ઝીણી કાંકરી,
પાવલે ચૂમે ને જાય બેડલિયાં ઢળી ઢળી !
ખાળું ખાળું ને ઓછાં થાય
બઇ ! કે’ને નીર નેતરતાં ક્યમ કરી ખાળીએ ? ઉઘાડાં0

દૂરદૂર ઝાકળિયા વંનમાં વજાડે ઘેલો,
વ્હાલપની વેણુ મારા મંનનો તે માનેલો !
વાળું વાળું ને દોડી જાય
બઇ ! કે’ને ભોળા દલ્લડાને ક્યમ કરી વાળીએ ? ઉઘાડાં0

-પ્રદ્યુમ્ન તન્ના

કોઈપણ ભાષામાં સાહિત્યકારની સહુથી મોટી જવાબદારી ભાષાને જીવતી રાખવાનું છે. કવિતા જે તે સમાજના સાંપ્રત સમયની આરસી છે. પ્રદ્યુમ્ન તન્નાની નખશીખ તળપદી ભાષામાં લખાયેલી કવિતાઓ વાંચીએ ત્યારે કલ્પના પણ ન આવે કે વરસોથી આ કવિ માભોમના વાડા ઓળંગી ઇટલી જઈ વસ્યા હશે. માથે છલકાતી હેલ અને કેડે પાણીના બેડાં હોય, કૂવેથી પાણી ભરીને ગામ ભણી આવતાં સીમઢૂંકડી આવી ઊભે અને વેરી વાયરો છેડો ઊડાડતો હોય એવામાં કાવ્યનાયિકા કેવો મીઠો ક્ષોભ અનુભવે છે ! અધૂરામાં પૂરું પગમાં કાંકરીઓ ભોંકાય છે અને લાખ સાચવવા છતાં પાણી ઢોળાતું જ રહે છે. ગીતનો પલટો નાયિકાના મનના માણીગરની દૂર વનમાં વાગતી વેણુ પાછળ દોડી જતા મન અને એને ન વારી શકવાની વિડંબના સાથે આવે છે… આખું ગીત મનની ઈચ્છા કંઈ અને થતી હકીકત કંઈની કશ્મકશના રંગોથી રંગાયું છે…    

Comments (7)

સૈયર મોરી ! – પ્રદ્યુમ્ન તન્ના

હાલી આવતી’તી રાત્ય ઘમ્મરઘોરી, રે સૈયર મોરી !
વળી વીસરી ગાગરની તે દોરી, રે સૈયર મોરી;
.                     કે’ને પાણીડાં શેણે ભરાય ?

બાંધી ઓઢણી મેં કોરીધાકોરી, રે સૈયર મોરી !
તો યે પ્હોંચે નંઈ જળને બિલોરી, રે સૈયર મોરી; -કે’નેo

કૂવા કાંઠે મહૂડી કાંઈ મ્હોરી, રે સૈયર મોરી !
માથે બેઠો’તો આહીરનો ધોરી, રે સૈયર મોરી; -કે’નેo

કરી આંખે અણસારા ચોરીચોરી, રે સૈયર મોરી !
મુંને બોલાવે આમ ઓરી ઓરી, રે સૈયર મોરી; -કે’નેo

હું તો નાગરના ઘરની રૈ’ ગોરી, રે સૈયર મોરી !
ઝટ્ટ નાઠી ગાગર લઈને કોરી, રે સૈયર મોરી. -કે’નેo

- પ્રદ્યુમ્ન તન્ના

ગામના પાદરની વહેલી પરોઢને ચિત્રિત કરતું મજાનું રમતિયાળ ગીત. રાતના અંધારા હજી ઓસર્યા નહીં હોય એવામાં ઘડે બાંધવાની દોરી ભૂલી આવેલી પનિહારી પોતાની ‘કોરીધાકોર’ ચુંદડી ટૂંકી પડે એવા બિલોરી કાચ જેવા પાણી ભરવા મથે છે ત્યારે આહિર જાતિનો આગેવાન ચોરીચોરી એને ઇજન આપી કેડે બોલાવે છે. પણ નાગરની છોરી કંઈ એંઠી થાય? કોરી ઓઢણી અને ઈજ્જતની કોરી ગાગર લઈ એ ઝટપટ પાછી ન નાસી જાય?

Comments (5)

વર્ષાકાવ્ય: ૧ :અષાઢ – પ્રદ્યુમ્ન તન્ના

આયો અષાઢ !
સઘન ગગન ઘન ગરજ સુણીને થર થર કંપ્યા પ્હાડ!

        કાજળ ધેરાં વાદળ છાઈ દિશા ચૂવે અંધાર,
        ઝબકે સબકે લબકે વીજ કરી નાગણ શા ફુત્કાર,
વન વન દંડન ખંડન કરતો સમીરણ પાડે ત્રાડ!

        ઉઘલ ઉઘલ દળવાદળ પલપલ વરસે મુશળધાર,
        પ્રકૃતિ રૂઠી ઊઠી આજે ધરે પ્રલયસિંગાર
રંગરંગીલી ઓઢણી છોડી ઓઢે જળ-ઓછાડ!

         આભ ચીરીને ઊતરે જાણે વૈતરણીનાં વાર,
         આકુલ જનગણ કંઠે ઊડતો ધેરો એક પુકાર,
પ્રલયંકર હે શંકર ! એને ઝીલો જટાની આડ.

- પ્રદ્યુમ્ન તન્ના

વર્ષાનો પૂરેપૂરો ‘પાવર’ એક ગીતમાં પકડવો લગભગ અશક્ય બાબત છે – આ ગીત ન વાંચો ત્યાં સુધી :-) લયના એક અદભૂત સંમિશ્રણથી કવિ વરસાદના જોમ અને જુસ્સાને જીવંત કરી દે છે. શબ્દ અને અર્થની પરવા કર્યા વિના ગીત મોટા અવાજે બે વાર વાંચી જુઓ… એ જ એની ખરી મઝા છે !

(સમીરણ=પવન, ઓછાડ=ઓછાયો, ઉઘલ=છલકતું, આકુલ=ગભરાયેલુ)

Comments (7)

ભમરો – પ્રદ્યુમ્ન તન્ના


(લીમડાની એક ડાળ મીઠી…       … ચિત્રાંકન: પ્રદ્યુમ્ન તન્ના)

બ’ઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
જરી ન જાતો આઘો હું તો ઘણુંય નીર ઉડાડું !

પલક અહીંથી, પલક તહીંથી
લળે વીંઝતો પાંખ્યું,
બે કરથી આ કહો કેટલું
અંગ રહે જી ઢાંક્યું ?!
જાઉં ગળાબૂડ જળમાં તોયે મુખ તો રહે ઉઘાડું !
બ’ઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?!

મેલી મનહર ફૂલ પદમનાં
પણે ખીલ્યાં કૈં રાતાં,
શુંય બળ્યું દીઠું મુજમાં કે
આમ લિયે અહીં આંટા ?
ફટ્ ભૂંડી ! હું છળી મરું ને તમીં હસો ફરી આડું !
બ’ઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?!

- પ્રદ્યુમ્ન તન્ના

જે દિવસે સૌપ્રથમવાર પ્રદ્યુમ્ન તન્નાનું એક ગીત વાંચ્યું એ જ દિવસથી એમના તરફ અનોખો પક્ષપાત થઈ ગયો. અને કેમ ન થાય? આ એક સાવ સરળ સીધ્ધું-સટ્ટ ગીત જ જોઈ લ્યો ને ! આ ભાષાના પ્રેમમાં ન પડાય તો જ નવાઈ… ખરું ને ?

Comments (4)

ખાંત – પ્રદ્યુમ્ન તન્ના

(ગુલમ્હોર…..                                            ….ચિત્રાંકન-પ્રદ્યુમ્ન તન્ના)

પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ?
ઠીંકરી નથી રે કાંઈ દીધી લે હાંર્યે વળી આનો દીધો છ એલા આનો !

અમને તો ઈંમ કે સૂરજ ડૂબતા લગણ રમશું રે આજનો દા’ડો,
જોરાળો જાણી તારે કૂંડાળે પેઠાં તંઈ નીકળ્યો તું છેક અરે ટાઢો !
ઊડે ના આળસ તો જાને પી આય પણે હારબંધ મંડાણી સંધીની હોટલથી
કોપ એક ‘પેશીયલ’ ચાનો !
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ?….

તુંયે તે ખાંત ધરી હરખું વજાડે તો એવું અલ્યા રાહડે ખેલું,
ટોળે વળીને કાંઈ જોવાને ઊમટ્યું આ હંધું મનેખ થાય ઘેલું !
ને વાદે ચડીને આજ નોખો ફંટાયો એ હામે કૂંડાળેથી રમવાને આણી કોર
ઊતરી આવે રે મારો કાનો !
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ?

- પ્રદ્યુમ્ન તન્ના

તરણેતરના મેળામાં 60ના દાયકામાં ઢોલીઓ પોતાના કૂંડાળા દોરી ઊભા રહેતા. પૈસા આપીને એમાં પગ મૂકવાનો અને પછી ઢોલીના તાલે થીરકવાનું. ઢોલી જેટલો કાબેલ એટલું એનું કૂંડાળું જામે. બે નમણી સૈયર આનાનો લાગો આપીને કૂંડાળામાં ઘૂસી પણ દેખાવે બળુકા ઢોલીનો ઢોલ બરાબર ન જામતાં રાસ જમાવી શકી નહીં ત્યારે છણકો કરીને બોલી કે ‘હરખું વજાડને ‘લ્યા! ઠીંકરી નથી દીધી કાંઈ, આનો દીધો છે એક આનો’. ફોટોગ્રાફી કરવા મેળામાં આવેલ પ્રદ્યુમ્ન તન્ના આ ખેલ જોતા હતા અને જન્મ્યું આ ગીત. આળસ ન ઊડે તો સિંધીની હોટલમાં જઈ સ્પેશીયલ ચા પી આવવાની વાત પણ કેવી તળપદી શૈલીમાં રજૂ થઈ છે ! સૈયરની મનોકામના એવા રાસે ચડવાની છે કે મેળામાં આવેલ બધા માણસો ઘેલા થઈ ટોળે વળે અને વાદે ચડીને સામા કૂંડાળે રાસ રમવાના નામે આડા ફાટેલ મનના માણીગરને આ કૂંડાળામાં આવવાની ફરજ પડે.(ચાળીસ વર્ષથી વધુ લાંબી કાવ્યસાધનાના પરિપાક સમો આ ઈટાલીનિવાસી કવિનો પહેલો સંગ્રહ “છોળ’ મનભરીને માણવા સમો થયો છે. તળપદી ભાષાનું વરદાન એમને કેવુંક ફળ્યું છે તે એમની આ રચનામાં પણ જોઈ શકાય છે)

(ખાંત-ઉમંગ, જોરાળો-જોરાવર)

Comments (6)

વિજન કેડો – પ્રદ્યુમ્ન તન્ના

આવનજાવન જહીં રે ઝાઝી
ધોરી એવે મારગ જાવા મનડું મારું લેશ ન રાજી ;
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

ઘણીક વેળા ગૈ છું ત્યાંથી, એકલી ને સૈ’ સાથ,
કળણ વળણ ઓળખું એવાં જેવો નિજનો હાથ;
ને ધાઈ એવી નથ નેસ જાવાની, હજી તો અરધો દન પડેલો !
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

આંકડા ભીડી કરના કે સાવ સોડમાં સરી હાલું,
કાનની ઝાલી બૂટ ચૂમી લઉં મુખડું વા’લું વા’લું;
કોઈ નહિ તહીં જળનારું રે નીરખી આપણો નેડો !
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

હેઠળ વ્હેતાં જળ આછાં ને માથે ગુંજતું રાન,
વચલે કેડે હાલતાં મારા કંઠથી સરે ગાન;
એકલાંયે આમ ગોઠતું તહીં, પણ જો પિયા હોય તું ભેળો-
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

ભાવનગરના અધેવાડાના પ્રદ્યુમ્ન તન્ના (જન્મ: 1929) કવિ હોવા ઉપરાંત સારા ચિત્રકાર અને ફોટોગ્રાફર પણ ખરાં. શરીર ભલેને દેશ છોડીને ઇટાલીના કોમોમાં જઈ વસ્યું પણ કવિતાઓમાંથી ગામડું અને મીઠી તળપદી ભાષા જઈ ન શકી. કાવ્ય સંગ્રહ: ‘છોળ’.

Comments (4)