તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for September, 2017

નરાતાળ વા’-ના – સંજુ વાળા

કહ્યું કોઈનું એ નથી માનવાના
ચણે જેઓ કિલ્લા નરાતાળ વા’ -ના

પ્રગટવું હશે તેઓ પ્રગટી જવાના
ભલે સામે છેડે મથે લાખ વાના

ઊડી ગઈ જો કોયલ તો છોને ઊડી ગઈ
ઘણા અન્ય મિત્રો હશે ઝાડવાના

સપાટી ઉપર જેનું અંજળ હો આવ્યું
ઝરણમાં ડૂબી એ તરણ ઝાલવાના

હજુ કાં વીતકને કચકડે મઢે છે ?
હજુ યત્ન બાકી છે ઉગારવાના ?

ભવોભવનું ભાથું સ્મરણ એક-બે છે
અને એક – બે રંગ ઉમેરવાના

કર્યા સ્હેજ કવિતા સમજવાના યત્નો
દિવસ એટલા બસ મળ્યા જીવવાના

– સંજુ વાળા

હવામાં કિલ્લા ચણનાર શેખચલ્લીઓની પોતાની જ દુનિયા હોય છે. એને કશું કહી શકાય નહીં. અખો યાદ આવે:

સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં;
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.

આમ તો આખી જ ગઝલ મનનીય થઈ છે પણ આખરી શેર એક કવિની સાચી આત્મકથા છે.

Comments (3)

અજબ મિલાવટ કરી – જયન્ત પાઠક

અજબ મિલાવટ કરી
ચિતારે રંગ પ્યાલીઓ ભરી!

એક લસરકે ઊગી નીકળ્યાં
જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
ધરતીપટથી પ્હાડ !
ઘટ્ટ નીલિમા નરી.
ચિતારે રંગ પ્યાલીઓ ભરી….

જરાક ખંખેરી પીંછી ત્યાં
ફૂલને લાગી છાંટ;
ફૂંક મારતાં ફેલાયા શા
સાગર સાત અફાટ!
જલરંગે જલપરી !
ચિતારે રંગપ્યાલીઓ ભરી….

લૂછતા વાદળ પોતે ઉઘડ્યા
ઈન્દ્રધનુના રંગ;
રંગરંગમાં લીલા નિજની
નીરખે થઈને દંગ !
ચીતરે ફરી ફરી !
ચિતારે રંગપ્યાલીઓ ભરી….

– જયન્ત પાઠક

સર્જનહારે સૃષ્ટિને કેવી કળાથી સર્જી છે એનો અદભુત ચિતાર આ ગીત આપે છે..

શાળામાં ભણવામાં આવતું ત્યારે જ આ ગીતના મજબૂત લયે દિલોદિમાગને કાયમી કેદમાં જકડી લીધા હતા. ગીત એમ જ મોઢે થઈ ગયું હતું. મારું ખૂબ જ પ્રિય ગીત પણ આજદિન સુધી લયસ્તરો પર જ નહોતું!

Comments (1)

વાદળો – અતુલ દવે

એની પણ જરૂર
વ્યથા વારતા હશે,
વાદળો કેમ આમ
આંસુ સારતા હશે !!!

– અતુલ દવે

આમ અછાંદસ પણ આમ છંદની ખાસ્સું લગોલગ અને લગભગ ગઝલના શેર જેવું જ નાનકડું કાવ્ય અતુલ દવે લઈ આવ્યા છે. વરસાદને કવિઓ હંમેશા નિતનવા આયામથી જોતા-પોંખતા આવ્યા છે. અહીં કવિની દૃષ્ટિથી વરસાદનું એક નવું મજાનું પરિમાણ રજૂ થયું છે…

Comments (7)

રાખ – રધુવીર ચૌધરી

તમે વિરોધ કરો છો, ત્યારે,
હું સાથે બલ્કે નજીક હોઉં છું.
સાચું બોલતા હો એ રીતે
ચતુરાઈથી વખાણો છો ત્યારે
સામે બલ્કે દૂર હોઉં છું.

જો કે સામે કે સાથે હોવાથી
કશો ફેર પડતો નથી
પ્રશ્ન તો હોવાનો છે
સામે કે સાથે
ડાબે કે જમણે
ક્યાં કોઈ કાયમી હોય છે ?
જતાં ડાબે એ વળતાં જમણે.

કોઈક વાર અથવા ઘણીવાર
આ ડાબા-જમણાના વિવાદમાં
વસ્તુ વિસારે પડાય છે,
પડછાયા પડદા બને છે.

અંધારી અશ્વની આંખને
દિશા આપે, પગને ગતિ
પણ પડછાયા વીંટળાય…

હું તમને સંબોધીને
વાત મારી કરું છું,
સંકોરું છું વિચારોના તણખા.

રાખમાં વાળું છું
વેદનાની ક્ષણો.
વેદિમાં સંસ્કાર પામેલી ક્ષણો,
રાખની
ધૂણાની રાખ
ચિતાભસ્મ આરતી પછી
શિવની ભભૂત
બળે સ્મશાનની ધૂળમાં, ઊગે ધાસ,
ચરે ગામો સ્ત્રોતસ્વિની.
રાખનું પણ છેવટે સત્ય નથી.
તમે નથી,
હું નથી,
પછી જે છે તે છે.

– રધુવીર ચૌધરી

ધારદાર કાવ્ય ! એકદમ સહજ શરૂઆત પછી તરત તત્વના મૂળરૂપના ચિંતનને કવિ પકડે છે, તેય વળી વાણીની ક્લિષ્ટતા વગર. ડાબું-જમણું ઇત્યાદિ દ્વંદ્વ છલનામાત્ર છે એ સ્થાપિત કરી ભાષાના સીમિત સામર્થ્ય તરફ ઈશારો કરી પંચમહાભૂત અને તેથી પણ પરેની શૂન્યતા તરફ કાવ્ય ગતિ કરે છે….ઘણુંબધું સ્પષ્ટ બોલ્યા વગર માત્ર રૂપકોથી જ ઈંગિત કરી દીધું છે. કવિને ભાવકના સામર્થ્ય પર પૂરો વિશ્વાસ છે….

Comments (10)

પાનખર – આદિલ મન્સૂરી

શૂન્યતામાં પાનખર ફરતી રહી.
પાંદડીઓ આભથી ખરતી રહી.

ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આંખ નીતરતી રહી.

સૂર્ય સંકોચાઇને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.

મૌનની ભીનાશને માણ્યા કરી,
ઝૂલ્ફમાં બસ અંગુલી ફરતી રહી.

હું સમયની રેતમાં ડૂબી ગયો,
મૃગજળે મારી તૃષા તરતી રહી.

તેજ ઉંડાણોમાં ખળભળતું રહ્યું,
કામનાઓ આંખમાં ઠરતી રહી.

આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.

હા બધા લાચાર થઇ જોતા રહ્યા,
હાથમાંથી જિંદગી સરતી રહી.

– આદિલ મન્સૂરી

Comments (5)

ત્યારે – પંકજ વખારિયા

ભલે ત્યારે,
ઘડાવ હવે આભૂષણો
પરંતુ
ઘણી બૂમ પાડેલી તને
અને છેલ્લે નિ:શબ્દ ચિત્કાર પણ.
જેની લાશ ધીમે ધીમે સડીને
હવે સુવર્ણની થઈ રહી છે,
એ નદીએ
મારી ભીતરથી બહાર ફૂદીને
આપઘાત કરેલો
ત્યારે તું ક્યાં હતી ?

– પંકજ વખારિયા

સાવ નાનું અમથું બે જ વાક્યનું આ અછાંદસ બે ‘ત્યારે’ની વચ્ચે બુલેટ ટ્રેનની ઝડપથી વર્તમાન અને ભૂતકાળની મુસાફરી કરાવે છે. નાયિકા નાયકને ત્યજીને ચાલી નીકળે છે ત્યારે વિખૂટા પડવાની આ ક્ષણે નાયક એને રોકવા માટે ઘણી બૂમ-આજીજી કરે છે, પણ નાયિકા રોકાતી નથી… જેને શબ્દોની અસર નથી એના પર નિઃશબ્દ ચિત્કાર તો શું કામ કરવાના? પ્રણયવિચ્છેદની તીવ્રતા સર્જન સ્વરૂપે બહાર આવે છે… ભીતરની લાગણીની નદી કાગળ પર કવિતારૂપે ઉતરી આવે છે એને કવિ નદીની આત્મહત્યા ગણાવે છે… લાગણીનો ખરો પ્રાણ તો એ હૈયામાં હોય એ જ છે. સ્વથી સર્વ સુધી આવેલી લાગણી તો લાગણીની લાશ જ કહેવાય ને! કવિની ખ્યાતિ વધી રહી છે. લાગણીની લાશ આમ તો સડી રહી છે પણ ધીમે ધીમે એ સોનાની થઈ રહી છે અને હવે નાયિકાને આ પ્રસિદ્ધિ લલચાવી રહી છે. એ નાયકની જિંદગીમાં પરત ફરવાની ફિરાકમાં છે… પણ નાયક હવે મનથી દૂર ચાલ્યો ગયો છે, ભલે ને નાયિકા હવે નાયકની પ્રસિદ્ધિની વહેતી ગંગામાં હાથ ધોવા માંગતી કેમ ન હોય !

Comments (5)

(આહા) – જિગર જોષી ‘પ્રેમ’

ચડી કોને ચાનક? ચડ્યું તાન…? આહા!
ભુવન આખું જાણે કે લોબાન… આહા!

ન શ્વાસોનું પણ કંઈ રહ્યું ભાન… આહા!
અચાનક ચડ્યું આ કેવું ધ્યાન… આહા!

ખુદાએ બનાવ્યું કેવું સ્થાન… આહા!
ખરું કહું તમારી આ મુસ્કાન… આહા!

હથેળીમાં સાક્ષાત છે સરસતીજી,
ખરો હાથ લાગ્યો છે દીવાન… આહા!

કોઈ પારકું થઈ, જતું’તું એ વેળા,
શું આંખોએ આપ્યું’તું સન્માન… આહા!

આ મન જ્યારે મંજીરા જેવું બની જાય,
ખરેખર પછી માંડી જો ! કાન… આહા!

‘ફૂલોએ કદી પણ ન મુરજાવું ક્યાંયે,’
– કર્યુ રાજવીએ આ ફરમાન… આહા!

નદી એક પાછી ચડી છે પહાડે,
પહાડોમાં જાગ્યું છે તોફાન… આહા!

– જિગર જોશી ‘પ્રેમ’

અદભુત ગઝલ… રમતિયાળ મિજાજમાં ઊંડી વાત…

Comments (19)

(તમારાથી સુંદર) – સુલતાન લોખંડવાલા

છે સપનું તમારું તમારાથી સુંદર,
અને મૌન પાછું ઇશારાથી સુંદર.

તમે કેમ મલકો છો તસવીર જોઈ?
હતું કોણ એમાં અમારાથી સુંદર?

અમે નાવ છૂટી મૂકી સાવ એથી
કે મઝધાર લાગે કિનારાથી સુંદર.

અમે શીશ મૂકી રહ્યા જે ખભા પર,
મળી હૂંફ ત્યાંથી સહારાથી સુંદર.

તમે ધડકનોમાં વસાવ્યા અમોને,
હતું મન તમારું ઉતારાથી સુંદર.

– સુલતાન લોખંડવાલા

ચંદ રોજ પહેલાં જ જનાબ સુલતાન લોખંડવાલા જન્નતનશીન થયા. મારા કમનસીબે આ સમાચાર મળ્યા એ પહેલાં કદી એમની રચનાઓ સાથે રૂબરૂ થવાયું નહોતું. પણ આ ગઝલ વાંચતાવેંત આફરીન પોકારી જવાયું… કેટલા સરળ શબ્દો અને કેવી મજાની પેશકશ! કવિશ્રીને લયસ્તરો તરફથી નાનકડી શબ્દાંજલિ…

Comments (8)

તું નીરખને ! – ભગવતીકુમાર શર્મા

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !
પછી દસ દિશામાં પરમ તું નીરખને !

અગમ તું નીરખને ! નિગમ તું નીરખને !
દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને !

મળ્યો છે તને તે ધરમ તું નીરખને !
આ કાગળ, આ ખડિયો, કલમ તું નીરખને !

હવે ક્ષણનું છેટું એ અપરાધ તારો;
આ લીલા અકળ એકદમ તું નીરખને !

છે પીડાના સણકા હજી કષ્ટપ્રદ, પણ
રુઝાઈ રહેલા જખમ તું નીરખને !

છે તરણાં સમા અન્યના દોષ કિન્તુ,
શિલા જેવું તારું અહમ તું નીરખને !

અટકશે કશું પણ ન તારા વિના યે;
ગતિનો સનાતન નિયમ તું નીરખને !

-ભગવતીકુમાર શર્મા

કવિશ્રીને ગુજરાત સાહિત્ય-રત્ન ગૌરવ એવોર્ડ તાજેતરમાં જ મળ્યો….

Comments (4)

પૂજારી – કૃષ્ણલાલ શ્રીધરાણી

ઘંટના નાદે કાન ફૂટે મારા,
.              ધૂપથી શ્વાસ રૂંધાય;
ફૂલમાળા દૂર રાખ પૂજારી,
.              અંગ મારું અભડાય:

.                          ન નૈવેદ્ય તારું આ!
.                          પૂજારી પાછો જા!

મંદિરના આ ભવ્ય મહાલો,
.              બંધન થાય મને;
ઓ રે, પૂજારી! તોડ દીવાલો,
.              પાષાણ કેમ ગમે?

.                          ન પ્રેમનું ચિહ્ન આ!
.                          પૂજારી પાછો જા!

એરણ સાથે અફાળે હથોડા
.              ઘંટ તણો ઘડનાર;
દિન કે રાત ન નીંદર લેતો:
.              (ને) નૈવેદ્ય તું ધરનાર?

.                          ખરી તો એની પૂજા!
.                          પૂજારી પાછો જા!

દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે?
.              બહાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું,
.              પ્રેમ નહીં, પથરા:

.                          ઓ તું જોને જરા!
.                          પૂજારી પાછો જા!

માળી કરે ફૂલ-મહેંકતી વાડી,
.              ફૂલને તું અડ કાં?
ફૂલને ધરે તું : સહવા એને
.              ટાઢ અને તડકા!

.                          આ તે પાપ કે પૂજા?
.                          પૂજારી પાછો જા!

ઓ રે, પૂજારી! આ મંદિર કાજે
.              મજૂર વ્હે પથરા;
લોહીનું પાણી તો થાય એનું
.              ને નામ ખાટે નવરા!

.                          અરે તું ના શરમા?
.                          પૂજારી પાછો જા!

ખેડૂતને અંગ માટી ભરાતી
.              અર્ધ્ય ભર્યો નખમાં;
ધૂપ ધર્યો પરસેવો ઉતારી
.              ઘંટ બજે ઘણમાં:

.                          પૂજારી સાચો આ!
.                          પૂજારી પાછો જા!

Comments (10)

હેમચંદ્રના દુહા (રૂપાંતર: વિવેક મનહર ટેલર)

ઢોલ્લા સામલા ધણ ચંપાવણ્ણી,
નાઈ સુવણ્ણ-લેહ કસવટ્ટઈ દિણ્ણી

ઢોલો કેવો શામળો, ધણ છે ચંપાવર્ણ
કસોટી ખાતર પડી ન હો જાણે રેખા સ્વર્ણ
*
હિઅઈ ખુડુક્કઈ ગોરડી ગયણિ ધુડુક્કઈ મેહુ,
વાસારત્તિ પવાસુઅહં વિસમા સકડુ એહુ.

હૈયે ખટકે ગોરડી, ગગને ધડૂકે મેહ,
મેઘલરાતે યાત્રીને વસમું સંકટ એહ.
*
અગલિઅ-નેહ-નિવટ્ટાંહં જોઅણ-લખ્ખુ જાઉ,
વસિર-સોએણ વિ જો મિલૈ સહિ, સોકખહં સો ઠાઉ

અગણિત સ્નેહ કરંત કો લાખો જોજન જાય,
સો વર્ષેય મળે, સખી! સુખનું ઠામ જ થાય.
*
પિય-સંગમિ કઉ નિદ્દડી, પિઅહા પરોકખહા કેમ્વ,
મઈ વિન્નિ-વિ વિન્નાસિઆ નિદ્દ ન એમ્વ ન તેમ્વ.

પિયુસંગમાં ઊંઘ ક્યાં, પરોક્ષ હો તો કેમ?
બંને રીતે ખોઈ મેં, ઊંઘ ન આમ ન તેમ.
*
સાવ-સલોણી ગોરડી નવખી ક-વિ વિસ-ગંઠિ
ભડુ પચ્ચલ્લિઉ સો મરઈ જાસુ ન લગ્ગઈ કંઠિ

સાવ સલૂણી ગોરી આ નવલો કો વિષડંખ
ઊલટું મરે છે વીર એ, ન લાગી જેને કંઠ
*
વાયસુ ઉડ્ડાવંતિઅએ પિયુ દિઠ્ઠઉ સહસત્તિ,
અદ્ધા વલયા મહિહિ ગય અદ્ધા ફુટ્ટ તડત્તિ !

વાયસ ઉડાવનારીએ પિયુ દીઠો સહસા જ,
અડધા કંકણ ભૂમિમાં, અડધા તૂટ્યાં ત્યાં જ !
*
સિરિ જરખંડી લોઅડી ગલિ મણિઅડા ન વીસ
તો-વિ ગોટ્ઠડા કરાવિઆ મુદ્દાએ ઉઠ્ઠ-બઈસ!

માથે જર્જર ઓઢણી, ન કંઠ મણકા વીસ,
તોય કરાવી ગોરીએ ગોઠિયાવને ઉઠબેસ.
*
એ હુ જમ્મુ નગ્ગહ ગિઅઉ ભ્રડસિરિ ખગ્ગુ ન ભગ્ગુ,
તિકખા તુરિય ન વાહિયા ગોરિ ગલિ ન લગ્ગુ !

વ્યર્થ ગયો એ જન્મ, ભડ! શિર તલવાર ન ભાંગી
તીખા હય ન પલાણિયા, ગોરી ગળે ન લાગી!
*
મહુ કંતહા બે દોસડા હેલ્લિ, મ ઝંખઈ, આલુ
દેં તહા હઉં પર ઉવ્વરિઅ જુજઝંતહા કરવાલુ

મુજ કંથમાં છે દોષ બે, ન ખોટું બોલ લગાર,
દેતા હું ઊગરી, સખી, ઝઝૂમતાં તલવાર
*
ભલ્લા હુઆ યુ મારિયા બહિણે, મહારા કંતુ,
લજ્જેજ્જ તુ વયંસિઅહુ જઈ ભગ્ગા ઘરુ એંતુ !

ભલું થયું કે મારિયો, બહેના, મારો કંથ,
સહિયરમાં લાજી મરત, જો ભાગી ઘર ફરંત.

– મૂળ દુહા ‘સિદ્ધ-હૈમ’માંથી
(રૂપાંતર: વિવેક મનહર ટેલર)

લગભગ હજાર વર્ષ પહેલાંના આ દુહા જે-તે સમયની ગુજરાતી ભાષામાં જ લખાયેલા છે પણ પહેલી નજરે આ ગુજરાતી ગુજરાતી લાગતી જ નથી. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિએ ‘સિદ્ધ-હેમ શબ્દાનુશાસન’માં પ્રાકૃત વ્યાકરણના આઠમા અધ્યાયના ચતુર્થ ખંડમાં એમણે ‘અપભ્રંશ વ્યાકરણ’ના નિયમો ઉદાહરણ સહિત સમજાવ્યા છે. પ્રસ્તુત દુહાઓ ભલે હેમચંદ્રના માધ્યમથી આપણા સુધી પહોંચ્યા છે, પણ એના કર્તા હેમચંદ્ર પોતે નથી. જૂની ગુજરાતીમાં લખાયેલા આ દુહાઓને આજની ગુજરાતીના દુહાઓમાં ઢાળવા માટે શ્રી રમેશ જાનીએ ‘કવિતા અમૃતસરિતા’ પુસ્તકમાં આપેલા શબ્દાર્થ-સમજૂતિની સહાય લીધી છે.

ગૌરવાન્વિત શૌર્યછલકંતી ગરવી ગુજરાતનું ખરું સૌંદર્ય અને પ્રજાનું ખમીર હજાર-બારસો વર્ષ પૂર્વે પ્રવર્તમાન આ દુહાઓમાંથી છલકાય છે. આપણા વડવાઓની આ ભાષા પરથી ગુજરાતી ભાષાની નદી કેવાં કેવાં વળાંકો ને વહેણમાં વહીને આપણી આજ સુધી પહોંચી હશે એનો હૃદયંગમ ચિતાર પ્રાપ્ત થાય છે.

Comments (6)

જીવી લે ! – ડૉ. મનોજ જોશી ‘મન’

સમય બાથમાં લઈ ક્ષણે ક્ષણ જીવી લે,
જીવી લે ! કહું છું હજુ પણ જીવી લે !

હે બુદ્ધિજીવી ને વિચક્ષણ ! જીવી લે,
ન કર જિંદગીનું પરીક્ષણ ! જીવી લે.

બધા સ્વપ્નનું શ્રાધ્ધ કરજે વિધિવત્ !
કરી લાગણીઓનું તર્પણ જીવી લે.

સતત એક રસ્તે જવા આવવાનું !
લઈ શ્વાસ પાસેથી શિક્ષણ, જીવી લે !

દલીલો ને તર્કોને પડતા મૂકીને,
નથી જીવવા જેવું તો પણ જીવી લે !

– ડૉ. મનોજ જોશી ‘મન’

કેવી મજાની વિધાયક ગઝલ! બધા જ શેર સંતર્પક… કંઈ પણ થાય, જીવી લેવાનું છે અને જીવનમાં જીવ હોય એ રીતે જ જીવવાનું છે, મરતાં-મરતાં નહીં…

Comments (3)

(મન મીરાં ને તન રાધા ) – અબ્બાસઅલી તાઈ

મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે,
નીરખી શ્યામલ ડાઘ ચંદ્રના કિરણ કિરણને ચૂમે.

ભીતરથી ભણકારા છૂટે વેણુના વંટોળ વછૂટે,
રોમરોમના થરથર કંપે માધવનું મન ઘેનલ ઘૂંટે.
વસંતવેલી અબિલગુલાલે રાસ રમે ને લૂમેઝૂમે,
મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે.

ઝાંઝર મીરાં પગનું તારા કુંજગલીમાં ઝમતું ઝરણું,
રાધા વહેતી ધારા જેવી શોધે છે માધવનું શરણું.
ઝરણ શરણના વહેળા ફૂટ્યા ડૂસકે ડૂસકે ડૂમે,
મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે.

– અબ્બાસઅલી તાઈ ‘અજનબી’

વૃંદાવનની કુંજગલીઓમાં કવિનું મન મીરાં થઈને અને તન રાધા થઈને ફરી રહ્યું છે. એક મુસ્લિમ કવિનું આ કૃષ્ણગીત છે પણ આખ ગીતનું પિષ્ટપેષણ કરવાના બદલે મારું મન એક જ પંક્તિ પર અટકી ગયું છે. નીરખી શ્યામલ ડાઘ ચંદ્રના કિરણ કિરણને ચૂમે. – ભઈ વાહ ! આનાથી ઊંડો ને ઉદાત્ત કૃષ્ણપ્રેમ બીજો કયો હોઈ શકે? ચંદ્રમાં શ્યામ વર્ણના ડાઘ છે એટલે કવિના તન-મનને એમાંય શ્રીકૃષ્ણ નજરે ચડે છે અને એથી જ કવિ ચંદ્રમાંથી પૃથ્વી પર ઉતરી આવતા એક-એક કિરણ કિરણને ચૂમી રહ્યા છે. પ્રેમલક્ષણા ભક્તિની કેવી પરાકાષ્ઠા!

ડૉ. અબ્બાસઅલી તાઈ… મૂળ સોનાવાડી, ગણદેવીના. ચીખલીની કોલેજમાં અધ્યપક રહ્યા. સંખ્યાબંધ પુસ્તકો અને પુરસ્કારોથી નવાજિત. જન્મે મુસ્લિમ પણ કર્મે મીરાં… શ્રીકૃષ્ણ ઉપર એમણે પી.એચ.ડી. કર્યું ને ૫૦૦થીય વધુ પ્રવચનો આપ્યાં. પોતાના કૃષ્ણપ્રેમ વિશે એ પોતે કહે છે, “હું જન્મ તથા કર્મથી ઈસ્લામ ધર્મી મુસ્લિમ વ્યક્તિ છું. મારા આ સંશોધન (પી.એચ.ડી.) પછી હજારો લોકોએ મને આ પ્રશ્ન કર્યો, ‘આપે આ જ વિષય (કૃષણ) જ કેમ પસંદ કર્યો?’ પ્રત્યુત્તર સાફ હતો, હું ભારત ભૂમિનો પુત્ર છું, જેના સંસકર અને સંસ્કૃતિથી પ્રભાવિત હોવું સ્વાભાવિક છે. જેમ કવિ રસખાને કૃષ્ણ કવ્યો લખ્યાં, કર્નાટકના ચિત્રકાર અલ્લાબક્ષાખાંએ શ્રીકૃષ્નલીલાના બહુ ભાવવાહી સુંદર ચિત્રો બનાવ્યાં, મોટા મોટા મુસ્લિમ શાસ્ત્રીય ગાયક ઉસ્તાદોએ પણ કહ્યું, – કૃષ્ણ વિના શું ગાવું? અલ્લામા ઇકબાલે પોતાના’મનસવી’ કાવ્યમાં શ્રીકૃષ્ણના ગુણગાન ગાયાં છે.”

Comments (9)

સ્વપ્નસ્થ આંખડી – આદિલ મન્સૂરી

ચોમેર મૃગજળોની દીવાલો ઊભી કરી,
જોઈ રહ્યો છે એને હવે પ્યાસો માનવી.

ખુરશી, પલંગ, મેજ, કલમ, ચાંદ, ચાંદની,
સઘળું ઉદાસ લાગે છે તારા ગયા પછી.

થોડા વધુ નજીક જો આવે આ તારલા,
પૃથ્વી તો પૃથ્વી સૂર્ય યે દેખાય ના પછી.

ડૂબી ગયા છે આંખમાં આંસુના સાગરો,
થીજી ગઈ છે દિલમાં ઉમંગોની ચાંદની.

હું છું કે જાણે ગ્રીષ્મની બળતી કોઈ બપોર,
તું છે કે જાણે પોષની પૂનમની ચાંદની.

સ્વપ્નાની સાથસાથ ગઈ મીઠી નીંદ પણ,
લૂંટી ગઈને કોઈને સ્વપ્નસ્થ આંખડી.

કોણે કહ્યું કે તંગ પડે છે ગઝલ-ધરા
પગ તોડી બેસી જાઓ તો દુનિયા છે સાંકડી.

-આદિલ મન્સૂરી

Comments (1)

ધૂળમાં – રમેશ પારેખ

દર્પણ-શી આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં

ચહેરો તો ઠીક, એક જેવોતેવો ય
નથી પડછાયો સાચવી શકાયો
ભ્રમણાનો સૂર્ય તો ય એવો તપે
કે ફૂંક મારું એનો ય પડે છાંયો

મારા વગડાઉ હાથ ફંફોસે ફૂલ અને આંગળીઓ વીંધાતી શૂળમાં
દર્પણ શી આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં

એવો તો રોજરોજ બળતો અવકાશ લઈ
શેરીમાં વાયરા ફૂંકાયા
ઘરમાં હતા એ બધા ઝળહળતા આયના
પાણીની જેમ રે સુકાયા

કેવું થયું કે મને હું યે ન ઓળખું કે ઓળખે ન કોઈ ગોકુળમાં
દર્પણ શી આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં.

– રમેશ પારેખ

વિરહને એક અલગ જ અંદાઝમાં ગવાયો છે…..મારુ જે કંઈ પણ છે તે તારું છે,તારા થાકી છે….એ સિવાય મારામાં કંઈ નથી…..

Comments (1)

ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં – જોન કીટ્સ (અનુ. વિવેક મનહર ટેલર)

(શિખરિણી)

પ્રવાસો કીધા છે કનકવરણા દેશ બહુના,
અને જોયા છે મેં મુલક બહુ ને રાજ્ય ઉમદા;
ફર્યો છું પશ્ચિમી અગણિત નવા ટાપુ ફરતે,
ગણી એપોલોના કવિગણ વખાણે જે સહુને.
ઘણું સુણ્યું છે એક વિશદ જગાના વિષયમાં,
મહાજ્ઞાની હોમર ખુદનું ગણી જ્યાં રાજ કરતા;
છતાં એનો સાચો મરમ ન જડ્યો એ ક્ષણ સુધી
નહીં ચેપ્મેને જ્યાં લગ કહ્યું ઊંચા સાફ સ્વરથી:
અનુભવ્યું મેં એ નભ નિરખતા પ્રેક્ષક સમું
તરી આવે જેની નજર પરિધિમાં ગ્રહ નવો;
ગરુડી આંખોથી થિર નજર કોર્ટેઝ બળુકો
નિહાળે પેસિફિક સ્થિર થઈ – ને લશ્કર બધું
જુએ અન્યોન્યોને અટકળ ભરેલી નજરથી –
રહીને મૂંગો, ટોચ ઉપરથી એ ડેરિયનની.

– જોન કીટ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
મહાકવિ હૉમરના બે મહાકાવ્યો -ઑડિસી અને ઇલિયાડ-નો જ્યૉર્જ ચેપ્મેને કરેલો સાછંદ પદ્યાનુવાદ કિટ્સના વાંચવામાં આવ્યો. કોઈ બહુ મોટી શોધ કે જીત હાંસિલ કરી હોય ત્યારે જે ‘પ્રથમ’ની ઉત્તેજના અનુભવાય એવી જ ઉત્તેજના હૉમરના ગોપિત રહસ્યો, કાવ્યકલાની બારીકી નજર સામે આવી ત્યારે હર્ષાવેશમાં કિટ્સે આ સૉનેટ રચ્યું. ચેપ્મેનનો હોમર વાંચતા જ અંધારા આકાશમાં જાણે મધ્યાહ્નનું ઝળાંહળાં તેજ રેલાઈ ઊઠ્યું. સૂર્યમાળાના અગોચર રહસ્ય કે પૃથ્વી પરના અદીઠ પ્રદેશોની હકીકતની જેમ જ હોમરની કવિતાઓમાંનો ગુહ્ય સાર ચેપ્મેનના અનુવાદના દૂરબીનથી કિટ્સની નજરે પહેલવહેલીવાર ચડે છે એ ઉત્તેજનાને કવિએ સફળતાપૂર્વક આલેખી છે.

કોર્ટેઝે સોળમી સદીમાં મેક્સિકો જીત્યું હતું અને બાલ્બોઆએ એની ચઢાઈ દરમિયાન પનામાના ડેરિયન પર્વત પરથી પહેલવહેલીવાર પેસિફિક ઓસન (પ્રશાંત મહાસાગર) જોયો હતો. પણ સોનેટમાં ઉત્તેજનાસભર ઐતિહાસિક શોધનો ઉલ્લેખ કરવાની લ્હાયમાં કિટ્સે બાલ્બોઆની જગ્યાએ કોર્ટેઝને પેસિફિકની શોધ કરી પોરસાતો બતાવ્યો છે. ૧૭૮૧માં સર વિલિયમ હર્શેલે સૂર્યમાળાનો સાતમો ગ્રહ યુરેનસ શોધ્યો હતો. એ વાત પણ કિટ્સે સૉનેટમાં બખૂબી વણી લીધી છે.

*
On First Looking into Chapman’s Homer

Much have I travell’d in the realms of gold,
And many goodly states and kingdoms seen;
Round many western islands have I been
Which bards in fealty to Apollo hold.
Oft of one wide expanse had I been told
That deep-brow’d Homer ruled as his demesne;
Yet did I never breathe its pure serene
Till I heard Chapman speak out loud and bold:
Then felt I like some watcher of the skies
When a new planet swims into his ken;
Or like stout Cortez when with eagle eyes
He star’d at the Pacific—and all his men
Look’d at each other with a wild surmise—
Silent, upon a peak in Darien.

– John Keats

Comments (4)

ભેટ – વિવેક મનહર ટેલર

“સોના-ચાંદી, હીરા-મોતી,
સ્વપ્ન કહે, તું કોના જોતી ?
આભ ચીરીને લાવું ગોતી
.                         જન્મદિને તારા”

એ ના બોલી એક હરફ પણ,
થોડી ઊંચકી, ઢાળી પાંપણ,
હૈયામાં શી થાય વિમાસણ
.                           એના ને મારા !

વીજ ઝબૂકે મેઘાડંબર,
એ ઝંખે છે આજ જીવનભર,
રેલાવી દઉં જન્મદિવસ પર
.                         ગીત તણી ધારા

-વિવેક મનહર ટેલર
(૦૭-૦૯-૨૦૧૨)

સામાન્યરીતે લયસ્તરો પર હું મારી પોતાની રચના જવલ્લે જ મૂકતો હોઉં છું પણ આજે એક ખાસ પ્રસંગના અંતર્ગત એક અંજનીગીત લયસ્તરોના ભાવક માટે…

ભેટ આપણે કાયમ રૂપિયાના ત્રાજવે જ તોલીએ છીએ પણ ક્યારેક એવું પણ બને કે આપણી કુંઠિત મટિરિયાલિસ્ટિક વિચારધારાના અંધારા મેઘાડંબર આકાશમાં સમજણની વીજળીનો મજાનો લિસોટો થાય અને આપણને સમજાઈ જાય કે જેની વર્ષગાંઠ છે એ વ્યક્તિ ખરેખર શું ઝંખે છે… જીવનસાથી પાસે કોઈ પ્રતિભા હોય તો વર્ષગાંઠ પર બીજો જીવનસાથી એ પ્રતિભાનો પમરાટ જ ઇચ્છે કે બીજું કંઈ? વર્ષગાંઠ પોતાની હોય પણ વિકાસ જીવનસાથીનો થાય એનાથી વધીને પ્રેમની કઈ સાબિતી હોઈ શકે? અને એનાથી વધુ કિંમતી ભેટ બીજી કઈ હોય શકે, કહો તો…

Comments (14)

છોડી દો – ડૉ. મનોજ જોશી ‘મન’

ક્યાં કહું છું કે દાવ છોડી દો?
ખેલ ખેલો, તણાવ છોડી દો.

જીતની જીદ ના કદી રાખો,
હારની બીક સાવ છોડી દો

જ્યાં સુધી આ સ્વભાવ ના છૂટે,
ભાવ રાખો, અભાવ છોડી દો.

જો કિનારા સુધી જવા માટે
હો જરૂરી તો નાવ છોડી દો.

છે શરત એકમાત્ર મંઝિલની
બસ, સમયસર પડાવ છોડી દો.

– ડૉ. મનોજ જોશી ‘મન’

દરેકેદરેક શેર ચિરસ્મરણીય…  જિંદગી મોટાભાગના માટે બોજ બની રહે છે એનું કારણ તણાવની ધુંસરી ખભે ઉપોડીને ચાલ-ચાલ કરવાનો આપણો સ્વભાવ જ છે. તણાવ પડતો મૂકી શકાય તો જીવન આસાન અને આહલાદક બની રહે છે. દાવ છોડવાનો જ નથી… મેદાનમાં ઉતર્યા છીએ તો રમી તો લેવાનું જ છે પણ હાર-જીતનો બોજ માથે લેવાની જરૂર નથી.

 

Comments (6)

વહાવી દો – સુધીર પટેલ

અમે આંસુ છીએ, ચાહો અગર તો બસ વહાવી દો,
નહીંતર ચૂપ રહેશું જિન્દગીભર જો છુપાવી દો !

હયાતી છે અમારી તણખલા જેવી જ હળવી ફૂલ,
તમે માળો સજાવો કે હવામાં એ ઉડાવી દો !

અમે સૂરજ નથી કે જીદ પર આવી સળગશું રોજ,
અમે તો કોડિયાં, ચાહે જલાવો કે બુઝાવી દો !

અમે અંબર નથી કે આંબવામાં પણ પડે ફાંફાં,
અમે ધરતીના છોરું, હાથ દૈ હૈયે લગાવી દો !

અમે વિચાર પણ ક્યાં કોઈ ભારેખમ છીએ ‘સુધીર’?
જરા હળવું કરી કંઇ સ્મિત ચહેરા પર સજાવી દો !

– સુધીર પટેલ

સરળ અને હ્ર્દયસ્પર્શી….

Comments (5)

ટહુકો તું દોર – રવીન્દ્ર પારેખ

અલ્યા, કાગળ પર ચીતરે છે મોર?
મોરને તો નાનકડું છોકરું યે ચીતરે
હો હિંમત તો ટહુકો તું દોર…

મારામાં રાખી અકબંધ મને ચોરે
તું એવો તે કેવો ઘરફોડું?
છતરીની જેમ મને ઓઢી લે આખી
ને પલળે છે તોય થોડું થોડું

પાણીથી ઠીક, જરા પલળી બતાવ મને
હોય જ્યારે કોરુંધાકોર…

મેલું આકાશ ખૂલે જડબાંની જેમ
જાણે ખાતું બગાસું કોઇ લાંબુ
વાદળાય આમ તો છે કાંઇ નથી બીજું
છે ઠળિયા વિનાના બે’ક જાંબુ

વાદળા કે જાંબુ તો ઢગલો તું ચોરે
જરા આખું આકાશ હવે ચોર…

– રવીન્દ્ર પારેખ

Comments (2)

(નાનકડું ચિનાર) – અજ્ઞાત (ઇજિપ્ત) (અનુ. વિવેક મનહર ટેલર)

નાનકડું ચિનાર, જે તેણીએ રોપ્યું હતું
બોલવાની તૈયારીમાં છે – પાંદડાઓનો મર્મરાટ
મધથીય મીઠો.

એના પ્યારા લીલા અંગો પર
છે કાચાં ફળ અને પાકાં ફળ લાલ જાણે કે લાલ માણેક,
અને પાંદડાઓ જાણે કે લીલા માણેક.

દૂર પેલે કાંઠે એનો પ્રેમ મારી પ્રતીક્ષામાં છે.
નદી વહી રહી છે અમારી વચ્ચે,
મગરો રેતીની પથારી ઉપર.

તોય હું નદીમાં ઝંપલાવું છું,
મારું હૃદય પ્રવાહોને કાપતું, સ્થિર
જાણે કે હું ચાલતો ન હોઉં.

ઓ મારા પ્યાર, એ પ્યાર જ છે
જે મને તાકાત અને હિંમત આપે છે,
પ્યાર જે નદીમાં રસ્તો કાપે છે.

– અજ્ઞાત (ઇજિપ્ત)
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)
*
૧૦૦-૨૦૦ નહીં, ૧૦૦૦-૨૦૦૦ નહીં, ૩૫૦૦-૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્ત દેશના કોઈક ખૂણામાં કોઈક કવિ આ અમર પ્રેમ કાવ્ય લખી ગયો. ન ફેસબુક, ન વૉટ્સ-એપ, ન ફોન-ટેલિવિઝન, ન ઇન્ટર્નેટ-ટપાલ – કમ્યુનિકેશનના કોઈપણ સાધન વિના અને શૂન્ય ગ્લૉબલાઇઝેશનના જમાનામાં બીજા કોઈ પણ સાહિત્યની જાણકારીના અભાવમાં લખાયેલી આ કવિતાની મૌલિકતા અને રચનામાં રહેલ કાવ્યતત્ત્વ કવિને સલામ કરવા માટે મજબૂર કરી દે એવું છે… આખી રચનામાં એક પણ શબ્દ વધારાનો નહીં. એક્પણ શબ્દ તમે કાઢી નહીં શકો… પ્રેમની તાકાતની આ અદભુત સ્તુતિ રૂંવાડા ખડા કરી દે છે…

*
(The Little sycamore)

The Little sycamore she planted
prepares to speak – the sound of rustling leaves
sweeter than honey.

On its lovely green limbs
is new fruit and ripe fruit red as blood jasper,
and leaves of green jasper.

Her love awaits me on the distant shore.
The river flows between us,
crocodiles on the sandbars.

Yet I plunge into the river,
my heart slicing currents,
steady as if I were walking.

O my love, it is love
That gives me strength and courage,
Love that fords the river.

– Unknown Egyptian
(Eng. Translation: Sam Hamill)

Comments

છેતરે – બાબુલાલ ચાવડા ‘આતુર’

કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે,
શક્યતા સૌથી વધારે છેતરે.

ભાગ્યને જો નાવ સોંપી હોય તો,
છેક લાવીને કિનારે છેતરે.

આમ તો કહેવાય સગ્ગી આંખ પણ,
આંખ આ ઊભી બજારે છેતરે.

આ હૃદય પણ ક્યાં ભરોસાપાત્ર છે !
કોઈના એક જ ઇશારે છેતરે.

એક ઇચ્છા એવી પાળી છે અમે,
એને જ્યારે ફાવે ત્યારે છેતરે.

રાવ એની પણ કરો કોને તમે !
શ્વાસ જેવા શ્વાસ જ્યારે છેતરે.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

વાત-ચીતમાં વપરાતી હોય એવી ચીલાચાલુ લાંબી-ટૂંકી રદીફ રાખીને ગઝલ લખવી બહુ કપરું નથી પણ અરુઢ રદીફ રાખીને એક-એક શેરમાંથી ધાર્યો અર્થ રદીફ સાથે હાથમાં હાથ મિલાવી ઉપજાવીને આખી ગઝલ સંઘેડાઉતાર આપવી કાચા-પોચા કવિનું કામ નથી. પ્રસ્તુત ગઝલમાં ‘છેતરે’ જેવી સમજણ પડે એ પહેલાં જ છેતરી જઈ શકે એવી રદીફ વાપરીને પણ કવિએ આવી કમાલ કરી છે.

Comments (14)