ક્યાં નદીની જેમ સામે ચાલી મળવાનું કહે છે ?
તું મને કાયમ સપાટી પર ઉછળવાનું કહે છે.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2016

ખારવણ – વિમલ અગ્રાવત

પગને છે પાંખો ને માથે છે બાંસિયું ને બાંસિયામાં બૂમલાંની ભારી, ભારી!
ખારવણ ખારી ખારી.

ખારવણ દરિયાનો કટકો તે ઉછળે ને ઉછળી ઉછળી ન્ને આવે કાંઠે;
ખારવો તો કાંઠાનું ભાઠોડું સાવ શીનો કટકા બટકાને તે ગાંઠે!
માંગે છે ખારવણ મનગમતા મોતી ને ખારવો દે માછલિયું મારી મારી.
ખારવણ ખારી ખારી.

હાથના હલ્લેસાથી જીવતર હંકારે ને આંખ્યુંમાં દરિયાને પાળે;
ખારવાની ફૂગ્ગીનો કેફ બધો ઉતારે એક જ તે તસતસતી ગાળે;
ખારવણ ઘૂઘવાતું સપનું ને ખારવાની નજરું પર બાઝેલી છારી છારી.
ખારવણ ખારી ખારી.

-વિમલ અગ્રાવત

વિમલ અગ્રાવત કોઈ મહેફિલમાં હાજર હોય અને શ્રોતાગણ ‘ખારવણ’ની ડિમાન્ડ ન કરે એવું બને જ નહીં એટલી લોકપ્રિય આ રચના થઈ છે.

મહાભારતની મત્સ્યગંધા ઘ્રાણેન્દ્રિયને ઉત્તેજતી, પણ આ ગીતની નાયિકા ખારવણ સીધી સ્વાદેન્દ્રિય પર જ હલ્લો કરે છે. ભલે ને માથા પરની ટોકરીમાં બૂમલાંનો ભાર કેમ ન હોય, ખારવણના પગ જમીનને અડતા નથી. ખારવણ જાણે કે દરિયાનો જ એક હિસ્સો છે પણ ખરાબાની જમીન જેવા છીછરા ખારવાને બટકા-કટકામાં તે શાનો કંઈ રસ હોય? ભલે મોતીના બદલે માછલી કેમ ન મળે, ખારવણની આંખોમાં દરિયા ભરીને સપનાં ઉછરી રહ્યાં છે ને સપનાંની આડે આવતા દારૂના કેફને ગાળ ભાંડીને ઉતારી નાંખવાની એનામાં તાકાત છે. કાશ ! ખારવો આ ખારી ખારી ખારવણના જિંદગીના નશાને જોઈ-ચાખી-માણી શક્યો હોત!

ડો. ફિરદૌસ દેખૈયાના સ્વરાંકન, સ્વર તથા સંગીતમાં આ ગીત આપ અહીં માણી શક્શો.

બાંસિયું = ટોપલો, તગારુ.
ફૂગ્ગી = દારૂની કોથળી
ભાઠોડું = ખરાબાની જમીન; છીછરૂં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન; છીછરા પાણીવાળી જગ્યા.
શીનો = શાનો, શેનો

Comments (11)

જાહોજલાલી – કાલિન્દી પરીખ

image

મળ્યો હાથ તારો તો લાગી છે તાલી,
વિના રાસ નાચું હું કરતાલ ઝાલી.

હરિતકુંજ બાજુ નિહાળે છે ગોપી,
અને રંગ લીલો બની જાય લાલી.

દીવાલે દીવાલે લગાવ્યાં છે ચિત્રો,
છતાં ઘર હજી કેમ લાગે છે ખાલી.

ટળી ગઈ જનમવા કે મરવાની ઝંઝટ,
સમય-ક્યારિયે શું અમરવેલ ફાલી.

ફકીરી તો કેવળ છે કાયાની ઓળખ,
અમારે તો અંદરની જાહોજલાલી.

– કાલિન્દી પરીખ

જાણીતા નવલકથાકાર, વાર્તાકાર કાલિન્દી પરીખ “ક્યાંક વચ્ચે દીવાલ” ગઝલસંગ્રહ લઈને ઉપસ્થિત થયા છે એ ટાંકણે ટીમ લયસ્તરો તરફથી એમનું સહૃદય અભિવાદન અને સ્નેહકામનાઓ…

રાચરચીલાથી ભર્યુંભાદર્યું ઘર પણ માણસ અને સ્નેહ ન હોય તો ખાલી મકાન જ છે. ઘર વિશેનો આ શેર વાંચતાં જ જાણીતી કાવ્યકણિકા યાદ આવે:
ઘર એટલે ચાર દીવાલ ?
ના…ના… ઘર એટલે ચાર દિ’ વ્હાલ !

Comments (12)

જિંદગી ખર્ચાય છે – મેગી આસનાની

image

એક પંક્તિમાં તું આવી જાય છે,
બીજી લીટી ક્યાં પછી સર્જાય છે ?!

માવઠાને કોણ સમજાવે હવે ?!
બ્હાર મારાં સપનાં પણ સુકાય છે.

હું ઊભી છું રણમાં ને મારું આ મન,
સામે દરિયા પાર પહોંચી જાય છે.

રાતરાણી હોય કે સૂરજમુખી,
પ્રેમના નામે સમર્પિત થાય છે.

મોત સામે આ તે કેવી જંગ છે ?
માણસોની જિંદગી ખર્ચાય છે.

– મેગી આસનાની

દુબઈસ્થિત કવયિત્રી મેગી આસનાની પોતાના પ્રથમ ગઝલ સંગ્રહ “જાત સાથે વાત” ગુજરાતી ગઝલોની દુનિયામાં બા-અદબ પ્રવેશ કરે છે. લયસ્તરો તરફથી કવયિત્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સ્નેહાભિનંદન….

ગઝલના બધા જ શેર ધ્યાનાર્હ હોય એવી જવલ્લે જ બનતી સુખદ ઘટના અહીં ઘટી છે એનો આનંદ…

Comments (13)

ગગન પણ ઉદાસ છે – મરીઝ

લાગે છે તેથી ભાર ને ધીમો પ્રવાસ છે,
ઓ જિંદગાની તારા હજારો લિબાસ છે.

બે ચાર શ્વાસ લેવાના ત્યાં શું પસંદગી?
અમને તો જે જગતની હવા હો એ રાસ છે.

આવો નહીં નજીક મગર દૂર તો રહો,
મૃગજળને પી શકું છું હવે એવી પ્યાસ છે.

જો જો તમે કે એ જ થવાનું ફરી ફરી,
હમણાં ભલે કહું છું આ આખર પ્રયાસ છે.

સિદ્ધિ મળી જ્યાં એક ત્યાં લાખો દિશા ખૂલી,
કોને ખબર કે મારો ક્યાં સુધી વિકાસ છે !

આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.

લાગે છે તે વખત મને એકાંતની કદર
જ્યારે હું જોઉં છું કે બધા આસપાસ છે.

એ તો મળી ગયાં હવે સાચવવાં જોઈએ,
મંઝિલ છે હાથમાં છતાં ચાલુ પ્રવાસ છે.

થઈને હતાશ જોયું જો ઉપર અમે ‘મરીઝ’,
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે.

– મરીઝ

Comments (6)

આંખોમાં દરિયો – રવીન્દ્ર પારેખ

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે

પીળાપચ પરબીડિયે ખાલીપો હોય
અને સરનામું તારું ત્યાં કરવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

ડાળી છોડીને પાન ઊડે ને એમ ઊડે
તુંય મારી વૃક્ષીલી ડાળથી
ઊડેલું પાન ફરી વળગે નંઇ વૃક્ષે
ને તોય તારી વાટ જોઉં ઢાળથી

આમ તો કદીય છૂટા પડીએ નંઇ તોયે
તને ‘કેમ છે?’ કહીને રોજ મળવું પડે
અને સહરાની જેમ વળી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

ખોબામાં હોઉં ભીના સૂરજની જેમ
અને પળમાં તું ફંગોળે આભમાં
મારા હોવાનું ફરી અવકાશે હોય
અને તારા હોવાનું ‘શુભ લાભ’માં

તારો ઉજાસ તને પાછો મળે ને
એથી બપ્પોરે મારે આથમવું પડે
અને સહરાની જેમ ફરી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે

– રવીન્દ્ર પારેખ

ભાષા રમતિયાળ છે, પણ વેદના ભારોભાર છે…..

Comments (9)

સજા – રીના (અનુ. વિવેક મનહર ટેલર)


તે
કંઈ પણ
થઈ શકતું હતું…
અવળા વહેણ પર
સંભાવનાઓનો પુલ
હવાના ખભા પર
કદાચ બનાવી પણ લઉં….!!!!!

પણ…
પણ હવે જવા દો ને…
કેટલાક અહેસાસોને
શબ્દોની સજા ન દેવી જોઈએ !!!!!

– રીના
(અનુ. વિવેક મનહર ટેલર)

કેટલીક કવિતાઓ ઠે..ઠ ભીતરથી નાભિ વલોવાઈને આવતી હોય છે. આ એમાંની એક છે. કોઈ જાતનો લવારો નહીં, એક પણ વધારાનો શબ્દ નહીં.

એકાક્ષરી શબ્દોથી શરૂ થઈ કાવ્ય કદમાં અને ભાવમાં -બંને રીતે સપ્રમાણ વિસ્તરે છે. જીવનમાં ઘણા દોરાહા એવા આવે છે જેના પર પસાર થયા બાદ જ અહેસાસ થાય છે કે આ કે તે – કંઈ પણ શક્ય હતું. પણ road not taken તરફ – અવળા વહેણમાં ઉપરવાસ જવું કંઈ દર વખતે શક્ય નથી હોતું, પછી મનમાં ભલેને કંઈના કંઈ હવાઈ કિલ્લાઓ આપણે કેમ બાંધી ન લઈએ.

કવિતા આ એક જ બંધમાં પૂરી થઈ શકી હોત. પણ બીજો બંધ કવિતાને નવતર ઊંચાઈ બક્ષે છે. પણ કહીને અટક્યા પછી કવયિત્રી આગળ તો વધે છે પણ એટલું કહેવા જ કે કેટલાક અહેસાસ આઝાદ જ સારા… એ અહેસાસોને શબ્દોમાં કેદ કરવામાં અહેસાસ પોતે કદાચ મરી પરવારે છે…

*

ये
वो
कुछ भी….
हो सकता था…!!
उल्टे बहाव पे
इम्काँ का पूल
हवा के खँभों पर
अगर बना भी लूँ…..!!!!!

पर…
पर अब जाने भी दो…..
कुछ एहसासात को
लफ़्ज़ों की सज़ा नहीं देते !!!!!

रीना

Comments (11)

શક્યતાનું દ્વાર છે – હર્ષા દવે

એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.

આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારાવાર છે.

લાગલું મીરાંપણું જ્યાં ઓગળે,
વાંસળીનો એ પછી વિસ્તાર છે.

આટલું ભળભાંખળું તો થઈ ગયું,
ક્યાં હવે દિ’ ઉગવામાં વાર છે ?

રંગ કેવો વૃક્ષ ઉપર ખીલશે !
એક ટહુકા પર બધો આધાર છે.

એ જતાં ને આવતાં વહેરે મને,
શ્વાસને પણ બેઉ બાજુ ધાર છે.

– હર્ષા દવે

કવયિત્રીઓ આપણી પાસે આમે ગણી-ગાંઠી. અને એમાં પણ મજબૂત કવયિત્રી ? આવામાં આવી સશક્ત ગઝલ લઈને એક નવું નામ આપણી વચ્ચે આવે ત્યારે ગઝલ રળિયાત થતી જણાય. છમાંથી પાંચ શેર તો નકરી પોઝિટિવિટિના.

બધા જ શેર અદભુત છે પણ મારે તો મીરાંની વાંસળી જ સાંભળવી છે. મીરાં જે ઘડીએ મીરાં મટી જાય, ભક્તિમાં લીન થઈ જાય, પોતાનું દુન્યવી અસ્તિત્વ ઓગાળી એ ઘડીએ એ સાક્ષાત્ કૃષ્ણ બની જાય છે. અને શેરની ખરી મજા ‘લાગલું’ શબ્દમાં છે. સાવ રોજબરોજની વાતચીતમાં વપરાતો શબ્દ કવિના પારસ-સ્પર્શે કેવો સોનાનો થઈ ગયો છે !

Comments (15)

ભીંજાઈએ – પંકજ વખારિયા

છે દિવસ ઓછા, હજી પણ ચલ, પ્રિયે! ભીંજાઈએ
આ છલોછલ આંખના છે સમ તને, ભીંજાઈએ

સાવ સૂકીભઠ્ઠ ધરા જેવા અધર પર લીલાંછમ
ગીત ઊગી જાય પાછાં એ હદે ભીંજાઈએ

મેહ વરસે છે સરાજાહેર તો શા કારણે
ખાનગીમાં, એકલાં છૂપાઈને ભીંજાઈએ?

પીઢ લોકોને ભલે રહી ના પલળવાની ગરજ,
પણ ફરજ છે આપણી તો, આપણે ભીંજાઈએ.

બે ઘડી શંકા-દુવિધાને ફગાવી દઈ, ચલો
કોઈ અનરાધારે અનહદ ભીંજવે, ભીંજાઈએ

રહી ગયા રંક ઓરડાની કોરીકટ ભીંતો સમા
દે ખુદા ! વરસાદ છપ્પર ફાડકે, ભીંજાઈએ

– પંકજ વખારિયા
(૧૩-૦૭-૨૦૧૬)

આવું-આવું કરીને વરસાદ સતત હાથતાળી દઈ જતો હોય એવામાં આવી જ ગઝલ સૂઝે ને? બધા જ શેર સરાબોળ ભીંજવી જાય એવા. આવી પાણીદાર મેઘ-મલ્હારી ગઝલ વાંચીને પણ જો વરસાદ આપણને ભીંજવવા ન આવે તો જ નવાઈ…

Comments (3)

મળે….- મુકુલ ચોકસી

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.

– મુકુલ ચોકસી

કોઈક મિત્રએ ફેસબુક ઉપરથી આ ગઝલ મને ઈમેલ વડે મોકલી તો લોટરી લાગી હોય એમ કૂદ્યો હું. અંગત રીતે હું દ્રઢપણે માનું છું કે મુકુલભાઈ કોઈક કારણોસર કાવ્યસર્જનમાંથી અકાળે નિવૃત્ત થઈ ગયા છે, બાકી તેઓ નિ:શંકપણે ગુજરાતના ટોચના ત્રણ સર્જકમાં બિરાજતા હોતે. ઘણીવાર આ વાત તેઓને રૂબરૂમાં કીધી પણ છે. તેઓને કાવ્ય જેટલું સહજ છે એટલું ભાગ્યે જ અન્ય કોઈ સર્જકને નસીબે હોય….

Comments (11)

મને છોકરીઓ ના રે સમજાતી – તુષાર શુક્લ

આઘો જઉં તો છોરી ઓરી રે આવતી
ને ઓરો જઉં તો જાય આઘી
મને છોકરીઓ ના રે સમજાતી –

પૂછું તો લજ્જાથી લાલ થાય ગાલ
ને ના પૂછું તો ગુસ્સાથી રાતી
મને છોકરીઓ ના રે સમજાતી –

મળવા આવે છે રોજ મોડી
ને કહેતી કે અરીસાએ રાખી’તી રોકી
‘દુપટ્ટો ભૂલીને દોડી ક્યાં જાય’
એવું કહી દીધું હળવેથી ટોકી

આયના સંગાથે વાતો કરે ને
મારી સામે એ મૂંગા મલકાતી
મને છોકરીઓ ના રે સમજાતી –

હળવા મથો ને થોડું ભળવા મથો
જો તમે કળવા મથો તો પડો ખોટા
હૈયામાં રહેનારી છોકરીના રાખવાના
હોય નહીં પાકીટમાં ફોટા –

ડૉલરનો દરવાજો હળવે હડસેલીને
દલડામાં આવી સમાતી
મને છોકરીઓ ના રે સમજાતી –

– તુષાર શુક્લ

સાલ્લું તદ્દન સાચી વાત !!!!!!

Comments (9)

મારી કબર પાસે – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)

મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ
હું ત્યાં નથી. હું ઊંઘી નથી ગઈ.
હું પવનો છું હજાર જે સુસવાય છે.
હું હીરાકણીઓ છું બરફ પર ચળકતી.
હું પક્વ દાણા પરનો સૂર્યપ્રકાશ છું.
હું પાનખરનો સૌમ્ય વરસાદ છું.
તમે જ્યારે જાગશો સવારની ચુપકીદીમાં,
શાંત પક્ષીઓના ઝુંડને વર્તુળાકાર ઉડાનમાં
ઉંચકનાર પરોઢપક્ષી છું હું.
હું રાતે ચમકનાર મૃદુ તારાઓ છું.
મારી કબર પાસે ઊભા રહીને રડીશ નહીં
હું ત્યાં નથી. હું મરી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે (૧૯૦૫-૨૦૦૪)
(અનુ. વિવેક મનહર ટેલર)

ખ્રિસ્તી અંતિમવિધિઓમાં કદાચ સહુથી વધારે વાર વાંચવામાં આવેલી આ કવિતાના સર્જક વિશે પણ એકમત નથી. એક પારિવારિક મિત્રને એની માતાના અવસાન પર દિલાસો આપવા માટે મેરી એલિઝાબેથ ફ્રેએ 1932માં આ કવિતા લખી હોવાનું માનવામાં આવે છે. આ કવિતાના એકાધિક સ્વરૂપો પણ ઉપલબ્ધ છે. કવયિત્રીની રચનાઓમાંથી આ એક જ કવિતા બચવા પામી છે. કદાચ કવયિત્રીએ લખેલી આ એકમાત્ર જ કવિતા પણ હોઈ શકે.

*

Do Not Stand At My Grave And Weep

Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

– Mary Elizabeth Frye

(Poem courtesy: Poonam Ganatra)

Comments (9)

(-) – લાભશંકર ઠાકર

ગાંધી બાપુને હું મારી ઊંઘમાં લઈ જાઉં છું દોરીને પેન્સિલથી.
એમના પગ દોરું ત્યાં તો ચાલવા માંડે.
‘બાપુ ઊભા રહો. હજી મને પૂરા દોરવા તો દો.’
બાપુ કહે : ‘ચાલતા ચાલતા દોર.’
બોલો ચાલતા ચાલતા કંઈ દોરી શકાય ? એ તો
અટકતા જ નથી મારી ઊંઘમાં.
હું પેન્સિલની અણી અડાડું ત્યાં તો આગળ ને આગળ.
અટકે તો પૂરેપૂરા દોરું ને !

– લાભશંકર ઠાકર

અંગ્રેજી કે અન્ય ભાષાઓની કવિતાઓના અનુવાદ તો આપણે અવારનવાર લયસ્તરો પર માણતા જ રહીએ છીએ. આજે જરા ઊલટું કામ કરીએ. આજે આપણી ભાષાની કવિતાનો અંગ્રેજી અનુવાદ માણીએ.

લા.ઠા.ની કવિતાઓ સહજમાં સમજાઈ જાય તો જ આશ્ચર્ય. સરળ લાગતી આ કવિતામાં ગાંધીબાપુની ગતિશીલતાનું જે ચિત્રણ કવિએ ઉપસાવ્યું છે એ કાબિલે-દાદ છે.

In my sleep I take Gandhi Bapu along, drawing him with a pencil.
The moment I draw his feet, they start walking.
‘Bapu, stop. Let me finish drawing you.’
Bapu says, ‘Draw as you walk.’
Tell me, is it possible for anyone to draw while walking ?
But he simply refuses to stop
Walking in my sleep.
The moment I touch him with the pencil point, he surges ahead.
How will I finish drawing him if he doesn’t stop ?

– Labhshankar Thakar
(English Translation : unknown) (source: Sameepe 36)

Comments (7)

સ્વીકારી લીધું છે – ભાવિન ગોપાણી

ન સ્વીકારવુંયે સ્વીકારી લીધું છે;
અમે જીવવુંયે સ્વીકારી લીધું છે.

તમે આવશો એમ જાણ્યું ને સાથે,
તમારું જવુંયે સ્વીકારી લીધું છે.

સતત દોડવું જો સ્વીકાર્યું તો નક્કી,
તમે ઝાંઝવુંયે સ્વીકારી લીધું છે.

તમારા વગર શું અમે તો અમારા
વગર જાગવુંયે સ્વીકારી લીધું છે.

હું ચાહું છું કે કાર્ય થઈ જાય સંપન્ન,
છતાં ના થવુંયે સ્વીકારી લીધું છે.

જરા ઠેસ ખાધી અને પથ્થરોને,
પગે લાગવુંયે સ્વીકારી લીધું છે.

‘જૂનું એ જ સોનું’ જીવનમાં ઉતારી,
સમયસર નવુંયે સ્વીકારી લીધું છે.

– ભાવિન ગોપાણી

કળાને હંમેશ કાળો રંગ જ વધુ માફક આવ્યો છે એવામાં આવી ઉજળી અને ‘પોઝિટિવ’ ગઝલ મળે તો સહર્ષ સ્વીકારી જ લેવી પડે કેમકે સ્વીકારી ન શકવાની સાર્વત્રિક અસહિષ્ણુતા જ સમાજનું સમતુલન ખોરવી દે છે.

Comments (4)

વિકલ્પ નથી – મનોજ ખંડેરિયા

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

પાતાળે શાખ વધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.

– મનોજ ખંડેરિયા

Comments (5)

એક અમસ્તી શક્યતા – જવાહર બક્ષી

કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય

દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય

સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય

દેશવટો પૂરો થતાં પાછા ફરશે શબ્દ
રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય

આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય

– જવાહર બક્ષી

Comments (4)

પતંગ – કોબાયાશી ઇસા (અનુ. વિવેક મનહર ટેલર)

કેવો સુંદર
પતંગ ઊઠે આભે
ઝૂપડાંમાંથી

-કોબાયાશી ઇસા
(અનુ. વિવેક મનહર ટેલર)

ગરીબના ઝૂંપડામાંથી ઊઠીને ઊંચા આકાશને આંબવા મથતો રંગીન પતંગ એ આખરે તો ગરીબોના રંગીન સ્વપ્નાં જ છે. ઉમાશંકરની વિખ્યાત પંક્તિઓ યાદ આવ્યા વિના ન રહે: ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.

How beautifully
That kite soars up to the sky
From the beggar’s hut.

– Kobayashi Issa

Comments (6)

કેમ કરીને – જગદીશ જોષી

આટલા બધા સંબંધ : એને કેમ કરીને રાખું ?
શબરીની જેમ એક પછી એક બોરને જાણે ચાખું !

નહિ જાણું હું કઈ ઘડીએ આવશે છેવટ રામ
રાતાં રાતાં બોરની પાછળ ધબકે કોનું નામ ?

પહેલાં મને રામજી, ચાખો : લાગણી મારી લીલી
ઝૂંપડીની આસપાસમાં જુઓ, વાડી કેવી ખીલી !

રામજી ! આ તો તારી વાડી, ખીલ્યાં તારાં ઝાડ
બોરના કરું ઢગલા જાણી ફૂલના મ્હેકે પ્હાડ.

પ્હાડની પડખે રામજી ! તમે નદી થઈને વહો
લયનો દીવો તરતો તરતો કોઈ કિનારો લહો !

– જગદીશ જોષી

એક તરફ શબરીને શબ્દાંકિત કરીને કવિ સહજતાથી માનવસંબંધોની વાત કરે છે અને સાથોસાથ જ માનવસંબંધોના ચિત્રણ વડે શબરીની પ્રતીક્ષાને પણ ઉજાગર કરે છે. નાનાવિધ સંબંધો તાણાવાણાની જેમ આપણા જીવતરના વસ્ત્રમાં વણાયેલા છે. પણ આ સંબંધોને આપણે ઉપરછલ્લા મૂલવવાના કે માણવા-જાણવાના નથી. શબરી એક-એક બોર ચાખતી હતી… એ દરેક બોરની સાથે એની અપાર રામભક્તિ અને અસીમ પ્રતીક્ષા સંકળાયેલ હતી. આપણે આપણા સંબંધોને આ પ્રમાણે મૂલવશું તો જ દરેક સંબંધમાં છૂપાયેલ ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય છે.

Comments (5)

પથ્થરો તળે – સિતાંશુ યશશ્ચન્દ્ર

શું હશે પથ્થરો તળે ? હીરા, શું હશે
પથ્થરો તળે ? પાણી. પાણી ? – હશે પથ્થરો તળે.
ક્યાં ? હશે પથ્થરો તળે.
હશે ?
શું હશે પથ્થરો તળે ? લાવા, હીરા હશે પથ્થરો તળે પાણી.
સિન્દૂરિયા લેપ કર્યા અને રેડ્યું તેલ. ના ? ઝરિયાના
પહેરાવ્યા અને ઘીનાં કમળ. તો ? ગર્ભાગારમાં સ્થાપ્યું
રૂઢિચુસ્ત લિંગ અને સતત ઠંડા પાણીની ધાર.
હવે ? શું થશે ? હશે હવે પથ્થરો તળે. હશે કે ? હશે હવે.
પથ્થરો ફંગોળ્યા છે ન સમજાતા આકાશમાં. તો ?
ક્યાંક ચાર પગ અને તીર. ક્યાંક સાત માણસો
અને સ્ત્રી. ક્યાંક પારધિ. ક્યાંક એકમેકને
તાકતાં પણ હરફ ના બોલતા ચન્દ્રનું અને
તારાનું હરણ. પોતપોતાના રાહુ અને પારધિના
ખ્યાલમાં ખોવાયેલાં.
ક્યાંક આ ક્યારેય સ્થિર ન રહી શકતા તોતિંગમાં ધ્રુવ.
જાઓ જાઓ.
ના સમજાતા આકાશમાં ના સમજાતા પથ્થરો
ફંગોળ્યા અણસમજુએ
ના સમજાતા પથ્થરોને નામ આપ્યાં ને પથ્થરો
પણ તેજ ને પથ્થરો પર જીવન ને પથ્થરો પર પાણી.
ખળખળખળ – શું હશે પથ્થરો તળે ? પથ્થરોમાં
શું હશે ? શું હશે પથ્થરો ?

– સિતાંશુ યશશ્ચન્દ્ર

કવિતાની શરૂઆતમાં પથ્થરોનો ઢગલો આપણી આંખ સામે આવે છે. આ પથ્થરોની નીચે શું હશે ? કંઈક હશે? હશે… પ્રશ્નાર્થચિહ્ન, અલ્પવિરામ અને પૂર્ણવિરામની મદદથી એક જ વાતને અલગ અલગ રંગોમાં આપણી સામે રજૂ કરે છે. પથ્થર પછી ઈશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે અને આખરે વિશાળ બ્રહ્માંડનું. સપ્તર્ષિ, રોહિણી, મૃગશીર્ષ, પારધિ, ધ્રુવ – એમ અલગ અલગ તારામંડળના ટેકે કવિ ન સમજાતા આકાશની ન સમજાતી સૃષ્ટિમાં આપણને લઈ જઈને પાછાં પ્રશ્નોના પથ્થરો મારીને સાવ છુટ્ટા મૂકી દે છે.

પથ્થર, ઈશ્વર, આકાશ, તારામંડળ- આ બધાને ઉપરતળે કરીને નીચે ‘શું હશે?’નું કુતૂહલ, ‘હશે?’ ની અનિશ્ચિતતા અને ‘હશે હવે’ની નફિકરાઈ પ્રદર્શિત કરીને અંતે તો કવિ અસ્તિત્ત્વનો વણઉકલ્યો પ્રશ્ન જ તાગવા મથી રહ્યા હોય એમ લાગે છે.

Comments (5)

હવે આંખોનું નામ નહીં આંખો – રમેશ પારેખ

સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો

આંખો તો મોગરાની ડાળીનું નામ
એને શમણું જોયાનું ફૂલ ઝૂલે
રુંવેરુંવામાં પડે મ્હેકતી સવાર
જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે

હાથમાંથી સરકીને વહી જાતાં ભાનસાન, વીંઝે રે દૂર દૂર પાંખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો

દીધું ન જાય કોઇ પંખીનું નામ
એવી હોઠોમાં ઉપડતી ગહેક
જાણે બધું નજરાઇ જાતું ન હોય
એમ – જેને જોઉં તે મ્હેક મ્હેક !

એટલું ય ઓછું ન હોય એમ ફળિયામાં, આંબાની લૂમઝૂમ સાખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો

– રમેશ પારેખ

કોઈ જ અર્થ કાઢવાની ઝંઝટ વગર માત્ર ગણગણાવીને મનભરીને માણવા જેવું મધુરું ગીત…..

Comments (5)

હું શમણાંઓને ગાળું છું – મિલિંદ ગઢવી

હું શમણાંઓને ગાળું છું એ ઘટનાઓને લૂંછે છે,
હું શબ્દ બનીને સળગું છું એ મૌન લખીને ઘૂંટે છે.

નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી,
અફસોસ બીચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે.

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે,
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઉડે છે.

હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું ? જઈ પૂછ વિરહની રાતો ને,
અહીં રોજ નિરાશા ફણગે છે અહીં રોજ નિસાસા ઊગે છે.

– મિલિંદ ગઢવી

Comments (11)

હેમન્તનો શેડકઢો – ઉમાશંકર જોશી

હેમન્તનો શેડકઢો તડકો સવારનો
પીતાં હતાં પુષ્પ.
પીતાં હતાં ઘાસતૃણો
હીરાકણીશાં હિમચક્ષુએ મૃદુ
ને ચક્ષુની
અબોલ હૈયાચમકે કહી રહ્યાં :
.          છે ક્યાંય ગ્લાનિ
.          કે લાગણીની અસંતોષ-અતિતોષ-મ્લાનિ ?
ડોકું હલાવી રહી સંમતિમાં
પુષ્પો ફોરે સૌરભપ્રશ્ન મૂક :
.          પૃથ્વીજાયાં તોય પ્રસન્ન શાં અમે !
.          કેમ છો તમે ?

સરી ગયો બાગ થકી ત્વરા-ભર્યો,
પૂંઠે રહું અનુભવી, નવ હોય જાણે
ભોંકાતી શું સ્વર્ગજાસૂસ પુષ્પો
કેરી આંખો.

– ઉમાશંકર જોશી

હેમન્ત ઋતુના સવારના તડકાનું, બાગનું, પુષ્પોનું અને સૌંદર્યપાન કરતા કવિનું એક સુંદર ચિત્ર કવિ દોરી આપે છે પણ ચિત્ર જ દોરીને અટકી જાય એ ઉમાશંકર શાના? પૃથ્વીજાયાં શબ્દથી કવિ પ્રકૃતિના અન્ય તમામ સજીવો અને મનુષ્યો વચ્ચેની ભેદરેખા પીડાજનકરીતે, આપણી સંવેદનાઓને આરપાર ભોંકાય એ રીતે ઉપસાવી આપે છે. ફૂલો (અને પ્રકૃતિના અન્ય સજીવ ત્તવો) પણ પૃથ્વીના જ સંતાન છે, આપણી જેમ પણ એ લોકોમાં ક્યાંય અસંતોષ કે અતિસંતોષ કે દુઃખ-દર્દની છાયા જોવા મળતી નથી. એ લોકો કાયમના પ્રસન્ન. અને આપણે? ફોરમસ્વરૂપે પુષ્પો આ પ્રશ્ન જેવો રમતો મૂકે છે કે કવિએ બાગ ત્યજીને ભાગવું પડે છે પણ એ પલાયન પણ પાછળ જાણે પુષ્પોની આંખ જાસૂસની જેમ ભોંકાતી કેમ ન હોય એવું તકલીફદેહ છે. સ્વર્ગ વિશેષણ વાપરીને કવિ પુષ્પ ાને આપણી વચ્ચેના તફાવતને સાફ કરી આપે છે.

Comments (5)

દોડ ને! – હિમલ પંડ્યા ‘પાર્થ’

કોણ તારું, કોણ મારું, છોડ ને!
એકલા છે દોડવાનું, દોડ ને!

જ્યાં ટકોરા મારવાનું વ્યર્થ છે,
કામ લે હિમ્મતથી, તાળું તોડ ને!

રોજ જે ચહેરો સતત જોવો ગમે,
આઈના પર એ જ ચહેરો ચોડ ને!

કેટલા ભેગા થયેલાં છે સ્મરણ?
તું સમયનો સહેજ ગલ્લો ફોડ ને!

લે, હવે વધસ્તંભ પર આવી ઊભા!
હોય ખીલ્લા એટલા તું ખોડ ને!

ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે,
તું હૃદય સાથે હૃદયને જોડ ને!

– હિમલ પંડ્યા ‘પાર્થ’

સાવ અનૂઠો કાફિયો પણ જુઓ તો, કેવી સહજતાથી અને બખૂબી નિભાવ્યો છે કવિએ ! અને સાથે એકાક્ષરી રદીફ “ને” મૂકીને કવિએ આખી રચનાનો સંદર્ભ જ સફળતાપૂર્વક બદલી નાંખ્યો છે. આવી કૃતિ માણવા મળે ત્યારે કળા સાથે કસબનો સાચો મહિમા સમજાય…

Comments (9)