પથ્થરો તળે – સિતાંશુ યશશ્ચન્દ્ર
શું હશે પથ્થરો તળે ? હીરા, શું હશે
પથ્થરો તળે ? પાણી. પાણી ? – હશે પથ્થરો તળે.
ક્યાં ? હશે પથ્થરો તળે.
હશે ?
શું હશે પથ્થરો તળે ? લાવા, હીરા હશે પથ્થરો તળે પાણી.
સિન્દૂરિયા લેપ કર્યા અને રેડ્યું તેલ. ના ? ઝરિયાના
પહેરાવ્યા અને ઘીનાં કમળ. તો ? ગર્ભાગારમાં સ્થાપ્યું
રૂઢિચુસ્ત લિંગ અને સતત ઠંડા પાણીની ધાર.
હવે ? શું થશે ? હશે હવે પથ્થરો તળે. હશે કે ? હશે હવે.
પથ્થરો ફંગોળ્યા છે ન સમજાતા આકાશમાં. તો ?
ક્યાંક ચાર પગ અને તીર. ક્યાંક સાત માણસો
અને સ્ત્રી. ક્યાંક પારધિ. ક્યાંક એકમેકને
તાકતાં પણ હરફ ના બોલતા ચન્દ્રનું અને
તારાનું હરણ. પોતપોતાના રાહુ અને પારધિના
ખ્યાલમાં ખોવાયેલાં.
ક્યાંક આ ક્યારેય સ્થિર ન રહી શકતા તોતિંગમાં ધ્રુવ.
જાઓ જાઓ.
ના સમજાતા આકાશમાં ના સમજાતા પથ્થરો
ફંગોળ્યા અણસમજુએ
ના સમજાતા પથ્થરોને નામ આપ્યાં ને પથ્થરો
પણ તેજ ને પથ્થરો પર જીવન ને પથ્થરો પર પાણી.
ખળખળખળ – શું હશે પથ્થરો તળે ? પથ્થરોમાં
શું હશે ? શું હશે પથ્થરો ?
– સિતાંશુ યશશ્ચન્દ્ર
કવિતાની શરૂઆતમાં પથ્થરોનો ઢગલો આપણી આંખ સામે આવે છે. આ પથ્થરોની નીચે શું હશે ? કંઈક હશે? હશે… પ્રશ્નાર્થચિહ્ન, અલ્પવિરામ અને પૂર્ણવિરામની મદદથી એક જ વાતને અલગ અલગ રંગોમાં આપણી સામે રજૂ કરે છે. પથ્થર પછી ઈશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે અને આખરે વિશાળ બ્રહ્માંડનું. સપ્તર્ષિ, રોહિણી, મૃગશીર્ષ, પારધિ, ધ્રુવ – એમ અલગ અલગ તારામંડળના ટેકે કવિ ન સમજાતા આકાશની ન સમજાતી સૃષ્ટિમાં આપણને લઈ જઈને પાછાં પ્રશ્નોના પથ્થરો મારીને સાવ છુટ્ટા મૂકી દે છે.
પથ્થર, ઈશ્વર, આકાશ, તારામંડળ- આ બધાને ઉપરતળે કરીને નીચે ‘શું હશે?’નું કુતૂહલ, ‘હશે?’ ની અનિશ્ચિતતા અને ‘હશે હવે’ની નફિકરાઈ પ્રદર્શિત કરીને અંતે તો કવિ અસ્તિત્ત્વનો વણઉકલ્યો પ્રશ્ન જ તાગવા મથી રહ્યા હોય એમ લાગે છે.
Sanju Vala said,
July 7, 2016 @ 3:15 AM
સુંદર રચના
પથ્થર પથ્થર ના રહેતા રૂપ ધરે અને એને સર્જનાત્મક આયામ સાંપડે એ મઝા.
KETAN YAJNIK said,
July 7, 2016 @ 6:10 AM
perception
Girish Parikh said,
July 9, 2016 @ 11:57 PM
ક્લિષ્ટ કવિતાનો આ છે એક નમુનો!
ગાંધીજી કહેતા એવી કોશિયાને સમજાય એવી કવિતા આ કવિ ક્યારેય લખી શકશે ખરા?
વિવેક said,
July 10, 2016 @ 2:02 AM
@ ગિરીશભાઈ પરીખ:
ગાંધીજી યુગપુરુષ હતા, મહામાનવ હતા, રાજકારણી હતા પણ એ સાહિત્યકાર નહોતા… બધી કવિતા કોશિયાને સમજાવી જ જોઈએ એવી શા માટે હોવી જોઈએ? યુગે-યુગે ને કવિએ કવિએ કવિતાની વ્યાખ્યા અલગ અલગ જ હોવાની. સિતાંશુ યશશ્ચન્દ્રની ઘણી કવિતા મને પણ સમજાતી નથી, ઘણી કવિતાઓ મને પણ અકળાવે છે, પણ કમસેકમ આ કવિતા એ કક્ષામાં નથી આવતી.
હેમંત પુણેકર said,
July 15, 2016 @ 4:10 AM
પથ્થરો તળે શું હશે એમ કહીને શરૂ થતી કવિતામાં કવિ આપણા જ્ઞાન અને અજ્ઞાનની સીમા દર્શાવીને વાત શરૂ કરે છે કે પથ્થરો તો મને ખબર છે પણ એની પારનો ખ્યાલ નથી. પછી પથ્થરોના અવનવા રૂપ પણ દેખાડે છે અને અંતે પોતાની પૂર્વધારણા વિશે જ પ્રશ્ન પૂછી બેસે છે કે જે પથ્થરો વિશે આટલી વાતો કરી એ પથ્થરો શું છે એ જ ક્યાં ખબર છે. જેના વિશે આપણે એમ માનીએ છીએ કે આપણને જ્ઞાન છે એના વિશે આપણને ખરેખર જ્ઞાન છે ખરું? આવો કંઈક અર્થ હું પામ્યો. Disclaimer – અર્થ આ જ હોય એ જરૂરી નથી.
ગિરીશભાઈ આપે ઉઠાવેલા મુદ્દે વિવેકભાઈ સાથે સહમત. કોઈપણ વિષયમાં જેમ જેમ ઊંડા ઉતરીએ તેમ તેમ એને સમજી શકનારાઓની સંખ્યા ઓછી થતી જાય. એક ઉદાહરણ આપું. ગુરુત્વાકર્ષણ એટલે શું – આ એક જ પ્રશ્નનો ઉત્તર દરેક વ્યક્તિ પોતાના સ્તર (લેવલ) પ્રમાણે આપશે. પાંચ વર્ષનું બાળક કહેશે કે વસ્તુ નીચે પડે એટલે ગુરુત્વાકર્ષણ. આંઠમામાં ભણતો છોકરો કહેશે F = m*g એટલે ગુરુત્વાકર્ષણ. બારમાનો વિદ્યાર્થી કહેશે F = G*m1*m2/R^2 એટલે ગુરુત્વાકર્ષણ. ભૌતિક્શાસ્ત્રના અનુસ્નાતકનો વિદ્યાર્થી કહેશે કે દ્રવ્યમાનને કારણે સ્પેસ-ટાઇમના ફૅબ્રિકમાં આવતું વાર્પેજ એટલે ગુરુત્વાકર્ષણ. બધા ઉત્તરો સાચા છે. જેટલા ઊંડાણમાં જઈએ એટલા જ પ્રમાણમાં એ વિષયને સમજનારા લોકોની સંખ્યા ઓછી થતી જાય. આવું જ કવિતાનું છે. પણ આ અનેક સ્તરોની સમજણ વિજ્ઞાન જેવા વિષયમાં સ્પષ્ટ હોવાથી અનુસ્નાતકનો વિદ્યાર્થી આઠમાના વિદ્યાર્થીને ક્યારેય એમ કહીને ઉતારી પાડતો નથી કે તું આ કેવી ઉપરછલ્લી વાતો કરે છે અથવા બારમાનો વિદ્યાર્થી ક્યારેય PhDના વિદ્યાર્થીને એમ કહેતો નથી કે તું આ કેવી ન સમજાય એવી ક્લિષ્ટ ને અઘરી વાતો કરે છે. અલગ અલગ સ્તરોની સમજણ કવિતા ક્ષેત્રે સ્પષ્ટ નથી એટલે વારંવાર નકામા વિવાદો થતા જોવા મળે છે. હાથીભાઈ તો જાડા… થી માંડીને સિતાંશુસાહેબની આ કવિતા સુધીની રચનાઓ અલગ અલગ સ્તરની કવિતાઓ છે. દરેક ભાવકનું એક સ્તર છે એનાથી બહુ છીછરી કવિતામાં એને મજા આવતી નથી અને એનાથી બહુ ઊંડી કવિતા એને સમજાતી નથી.
મારું નમ્ર મત એટલું જ છે કે વધુ જાણનારા અને સમજનારાઓની જવાબદારી વધારે છે. PhD થયેલાઓએ નાના બાળકોને ઉતારી પાડવા કરતા એમનું સ્તર સમજીને એ વધુ ઊંડાણમાં કઈ રીતે ઉતરી શકે એ બદલ માર્ગદર્શન કરવું જોઈએ. તો સામે પક્ષે લોકભોગ્ય કાવ્યો લખનારાઓએ પોતાની સમજણની સીમા પ્રત્યે સભાન રહી સિતાંશુભાઈ જેવા ગુરુઓ પાસેથી શિખવાની તૈયારી રાખવી જોઈએ.