જો ખુદમાં ઝાંક્યું તો સમજણ મને એ લાધી છે:
હું તળ સમજતો હતો જેને એ સપાટી છે.
ડેનિશ જરીવાલા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for May, 2015
May 30, 2015 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
વાંક તારો નથી, ન મારો છે,
એ જ સધિયારો છે, ને સારો છે.
સ્વપ્નમાં, શ્વાસમાં, વિચારોમાં,
પ્રિયનો કેટલો પથારો છે !
જે દીવાલો મેં તોડવા ચાહી,
આજ એનો જ બસ સહારો છે.
કેમ આજે બહુ સતાવે મને ?
મેં હજી ક્યાં કહ્યું, “તું મારો છે !”
ભીતરે વ્યસ્તતા વધી ત્યારે,
અર્થ છોડો, મરમનો મારો છે.
– નેહા પુરોહિત
આ ગઝલ વાંચો અને પાકિસ્તાનથી પરવીન શાકિર ગુજરાતમાં આવી ઊતરી હોય એવું ન લાગે તો કહેજો…
આ ગઝલમાં છે એવા ઉત્તમ મત્લા આપણે ત્યાં બહુ જોવા મળતા નથી. સરળમાં સરલ કાફિયા, સરળમાં સરળ છંદ, સરળમાં સરળ શબ્દો વાપરીને બે જ પંક્તિમાં ચાર કાફિયાના ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરીને કવયિત્રી જે વાનગી આપણને પીરસે છે એનો સ્વાદ શબ્દાતીત છે…
Permalink
May 29, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હનીફ સાહિલ
એકીટશ એકધારી જાગે છે,
આ પ્રતીક્ષા બિચારી જાગે છે.
એકલો હું જ કંઈ નથી જાગૃત,
દ્વાર, ભીંતો, અટારી જાગે છે.
તું ગઈ જાણે કે વસંત ગઈ,
બાગ જાગે છે, ક્યારી જાગે છે.
સ્વપ્ન સળગાવી પાંપણો ઉપર,
કોઈ દીવાને ઠારી જાગે છે.
વાટ જોઈને તપ્ત આ આંખો,
ઓશીકે અશ્રુ સારી જાગે છે.
સાવ સૂમસામ થઈ ગઈ શેરી,
એક એની જ બારી જાગે છે.
કાલ જાગ્યો’તો પ્રતીક્ષામાં ‘હનીફ’,
આજ એની છે વારી, જાગે છે.
– હનીફ સાહિલ
જાગરણની ગઝલ… એક-એક શેર પાણીદાર…
Permalink
May 28, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
આગ નહીં, આગથી વધારે છે,
તું રતિરાગથી વધારે છે !
એટલે કે તું એક વન આખું,
યાને કે બાગથી વધારે છે !
તેં ઉપર ચિત્ર એવું દોર્યું જે,
ભીતરી દાગથી વધારે છે !
તું મને છોડી દે છે એ ઘટના,
કોઈ પણ ત્યાગથી વધારે છે !
પૂછ સંસાર છોડનારાને
શું અનુરાગથી વધારે છે !
– ભરત વિંઝુડા
રદીફ “વધારે” પર જેટલું વધારે ધ્યાન આપીએ એટલી વધારે મજા આવે એવી ગઝલ…
ભરત વિંઝુડા એમના છઠ્ઠા ગઝલસંગ્રહ “લાલ લીલી જાંબલી” સાથે ગુજરાતી ગઝલરસિકો સામે ઉપસ્થિત થયા છે એ પ્રસંગે એમનું સહૃદય સ્વાગત…
Permalink
May 25, 2015 at 2:23 AM by તીર્થેશ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,
ભલે થઈ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.
તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે.
ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.
મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,
હજુ કંઈ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.
-અમૃત ‘ઘાયલ’
એક વધુ ક્લાસિક…..
Permalink
May 24, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો,
તૂટેલા સાજ પર સંગીત સંભળાવી નથી શકતો.
હે પરવશ પ્રેમ ! શું એવો પ્રસંગ એક વાર ના આવે?
એ બોલાવે મને, ને હું કહું : ‘આવી નથી શકતો.’
ક્ષમા કર હે જગત ! છે કર મહીં બેડી મહોબ્બતની,
હું તેથી મિત્રતાનો હાથ લંબાવી નથી શકતો.
ધરીને હાથ હૈયા પર તમન્ના દિલથી કાઢું છું,
એ જ્યાં જન્મી છે એને ત્યાં જ દફનાવી નથી શકતો.
હે, દીપક ! બોધ લે કંઈ સ્વાર્પણનો મારા જીવનથી,
હું સળગું છું, કદી બીજાને સળગાવી નથી શકતો.
સમજ હે વેદના ! એને તો ઠરવા દે વિરહ – રાતે,
કઝાનાં દ્વાર હું જઈ જઈને ખખડાવી નથી શકતો.
પરાધીનતાની અંતિમ હદ હવે આવી ગઈ હે દિલ !
હું તારા હાલ પર પણ શોક દર્શાવી નથી શકતો.
દુખી દિલની દશા ઉપર પડી છે જ્યારની દ્રષ્ટિ,
‘ગની’, પાનાં જીવન-પુસ્તકના ઉથલાવી નથી શકતો.
– ગની દહીંવાલા
ક્લાસિક……….
Permalink
May 23, 2015 at 2:00 AM by વિવેક · Filed under ગઝલ, હરકિશન જોષી
જઈએ ક્યાં ને કોને મળીએ ?
બહેતર છે કે પાછા વળીએ.
રોજ અનિદ્રા આવી પીડે,
કહે, સ્વપ્નમાં ક્યાંથી, મળીએ !
સૂક્યા તો પથ્થર થઈ બેઠા,
બરફ જેમ ના તો ઓગળીએ !
અંધકારને અંધકાર છે,
કંઈ ના સૂઝે, કંઈ ન કળીએ !
રણથી ભાગી ઘર આવ્યા તો,
મૃગજળ દોડી આવ્યા ફળિયે !
મોજાંને નાહક ઉથલાયો,
મોતી તો પથરાયા તળિયે !
પુષ્પ લૂંટાતા જોઈ કુંવારી –
મ્હેક લપાઈ કળીએ કળીએ !
– હરકિસન જોષી
મજાની ગઝલ…
Permalink
May 22, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ મકવાણા
તું અમસ્તો આટલું ગભરાય છે,
જો ઉદાસીમાંય રસ્તો થાય છે.
ફક્ત હાથેથી નથી સરતો સમય,
તુંય સામે એટલો ખર્ચાય છે.
એટલે નારાજ છું હું, હાથથી-
ફક્ત મુઠ્ઠી જેટલું વ્હેંચાય છે.
પાસપાસે છો ને ઊભાં હો છતાં
વૃક્ષથી ક્યાં કોઈ દી ભેટાય છે?
એટલે ઊડતી રહે છે રેત અહીં,
એક મારામાં નદી સુકાય છે.
– પંકજ મકવાણા
ફેસબુક પર લટાર મારતાં-મારતાં અચાનક આ મજાની ગઝલ જડી આવી. કવિના નામનો ખાસ પરિચય નથી પણ કવિની સાચી ઓળખ તો એની કવિતા જ. મરીઝ જેવી સાદગી અને મનોજ જેવું અર્થગાંભીર્ય અહીં સાયુજ્ય પામ્યું નજરે ચડે છે. આખરી પંક્તિમાં છંદ સાચવવાની મથામણમાં વ્યાકરણનો ઉંબરો ઓળંગવો પડ્યો છે એ બાદ કરીએ તો આખેઆખી ગઝલ સો ટચનું સોનું !
Permalink
May 21, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીરજ મહેતા ડૉ.
સંતમાં માણસ નિહાળ્યો, માણસોમાં સંતને,
ત્યારથી પકડી શક્યો છું જિંદગીના તંતને.
આયખું આખું નીરખવામાં વહી જાશે હવે,
એટલાં ખિસ્સે ભર્યાં છે યાદના મન્વંતને.
છે…ક શાકુંતલ સમયથી વારસામાં ઊતરી,
એ જ પીડા – આજે પણ ક્યાં યાદ છે દુષ્યંતને
જિંદગી એની બનીને ગ્રંથ પૂજાશે સતત
પૃષ્ઠ માફક જે પલટશે આયખાના અંતને
કોઈના આંસુથી જેનાં ટેરવાં શોભ્યાં ન હો
હું નથી મળતો કદી પણ એવડા શ્રીમંતને
– નીરજ મહેતા
રાજકોટના તબીબ-કવિ ગઝલોનો “ગરાસ” લઈને ઉપસ્થિત થયા છે. કવિના પ્રથમ સંગ્રહમાંથી આ એક સંઘેડાઉતાર ગઝલ… એક-એક શેર અર્થગહન. એક-એક વાત પાણીદાર. કવિ અને સંગ્રહનું બા-અદબ બા-મુલાહિજા સ્વાગત.
Permalink
May 20, 2015 at 7:42 AM by તીર્થેશ · Filed under ગીત, યોસેફ મેકવાન
શબ્દે શબ્દે જેમ વસ્યો છે અક્ષરનો સહવાસ,
હતા આપણા એમ ભળેલા શ્વાસ !
ઊડી ગયો ક્યાં વરાળ થઈને અંતરનો વિશ્વાસ ?
રજકણ અણસમજણની ક્ષણમાં
ચિત્તમહીં છવાઈ,
વેરણ-છેરણ દ્રશ્ય થયાં સૌ
ગયું બધું પલટાઈ !
રાત સરીખા દિવસો લાગે
જાણે સદા અમાસ !
ઊડી ગયો ક્યાં વરાળ થઈને અંતરનો વિશ્વાસ ?
જીવતરના હાંસિયે જઈ બેઠા
સ્મરણોનાં સૌ વ્હાલ,
કશું નથી કૈં ગમતું દોસ્તો,
હાલ થયા બેહાલ !
હવે કોઈને માનવતા પણ
નથી આવતી રાસ !
ઊડી ગયો ક્યાં વરાળ થઈને અંતરનો વિશ્વાસ ?
– યોસેફ મેકવાન
સીધું દિલમાંથી કાવ્ય બહાર આવ્યું છે જાણે…… !!
Permalink
May 18, 2015 at 1:15 AM by તીર્થેશ · Filed under ગઝલ, ચિનુ મોદી
સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?
પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?
મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને,
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?
-ચિનુ મોદી
ખરું સોનું…….
Permalink
May 16, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પારુલ ખખ્ખર
બટકવું, ભટકવું લખાયું કપાળે,
જુઓ, થોર જેવું વવાયું કપાળે.
હજું નાળ તોડી લીધો શ્વાસ ત્યાંતો,
નવું એક તાળું વસાયું કપાળે.
હથેળીની રેખાઓ તોડી પરંતુ,
પછી સાવ અટકી જવાયું કપાળે.
ઉલેચી ઉલેચી હજુ માંડ બેઠાં,
ફરી ત્યાં સરોવર ભરાયું કપાળે.
અરીસો અભણ ને અભણ આંગળી છે,
અને કંઈક અઘરું છપાયું કપાળે.
—પારુલ ખખ્ખર
ગુજરાતી ગઝલના સદભાગ્યે એકવીસમી સદી જે નોંધપાત્ર ગઝલ-કવયિત્રીઓ લઈને આવી છે એમાંનું એક નામ એટલે પારૂલ ખખ્ખર. કપાળ જેવી અઘરી રદીફ લઈને કવયિત્રી પાંચ અલગ-અલગ અને સફળ ચિત્ર આપે છે. બીજો શેર શિરમોર. બંધનની જંજાળમાંથી છૂતી શકાતું નથી… એક જન્મ પૂરો થયો નથી કે તરત બીજા જન્મનું બંધન. ગર્ભનું બંધન તૂટે ત્યાં જિંદગીનું તાળું કપાળે દેવાઈ જાય છે.
Permalink
May 15, 2015 at 1:45 AM by વિવેક · Filed under ગઝલ, પ્રફુલ્લા વોરા
કેટલાં કામણ હશે આ આંગળી ને તારમાં,
સાવ કોરું મન જુઓ ભીંજાય છે મલ્હારમાં.
આજ પણ લીલી ક્ષણો ટહુકા બની પડઘાય છે,
સાચવી લો આ સમય પણ વહી જશે વિચારમાં.
ના કશી ફરિયાદ છે ને મસ્ત આતમરામ છે,
સામટું સુખ ના ચહું સંતોષ છે બે-ચારમાં .
નામ લેતા હે પ્રભુ! ચારે દિશાઓ ઝળહળે,
કેટલા દીવા થયા દિલ તણા દરબારમાં.
શ્વાસનું પંખી જુઓ પાંખો પ્રસારે છે છતાં,
શી ખબર આ ઉડ્ડયન પૂરું થશે પલવારમાં ?
– પ્રફુલ્લા વોરા
કળાને હંમેશા ઘેરો રંગ જ માફક આવ્યો છે પણ આ કવયિત્રી નક્કર પોઝિટિવિટીની ગઝલ લઈ આવ્યા છે. આખી ગઝલમાં ક્યાંય કોઈ વિષાદ નજરે ચડતો નથી. આવી સંઘેડાઉતાર વિધાયક રચનાઓ તો ભાગ્યે જ મળતી હોય છે.
હું તો જોકે મત્લાના શેરથી આગળ જ વધવા માંગતો નથી. સંગીતને જે નજરે કવયિત્રીએ જોયું છે એ નજરે આજ સુધી ભાગ્યે જ કોઈએ જોયું હશે… રાગ-રાગિણીના જાદુની વાત તો બધા કરી ગયા. પણ કવયિત્રી રાગના સ્થૂળ ઉપાદાન આંગળી અને તારની વાત છેડીને એક અદભુત શેર આપણને આપવામાં સફળ થયા છે.
Permalink
May 14, 2015 at 1:35 AM by વિવેક · Filed under ગઝલ, પ્રિયાંશુ ડી. પટેલ
નાહક ગળે વળગી પડી પગથારની દિવાનગી,
મોંઘી પડી છે બહુ મને આ દ્વારની દિવાનગી.
મૂકી દીધાં છે સ્વપ્ન તો અભરાઈ પર મેં ક્યારના,
સૂવા નથી દેતી હવે અંધારની દિવાનગી.
તું લાપતા એ નાવની ઘટના વિશે ના પૂછ મને,
છોડી દીધી છે ક્યારની મઝધારની દિવાનગી.
તું મીણ માફક સૌ પ્રથમ તો ઓગળીને જો જરા,
છૂટી જશે જડમૂળથી આકારની દિવાનગી.
– પ્રિયાંશુ ડી. પટેલ
મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય…
Permalink
May 11, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
આ કેવી અદાથી નજર એણે ફેંકી,
જગત આખું જાણે ઊઠયું મ્હેકી-મ્હેકી.
દીવો જ્યારથી સુરતી બોલી શીખ્યો,
પવન ત્યારથી થઇ ગયો છે વિવેકી.
પછી આપણામાં જ વરસાદ ન્હાયો,
તમે બ્હાર આવ્યા – અમે છત્રી ફેંકી.
સતત તોપમારાની વચ્ચે ઊડે છે,
કબૂતરની આ ખાનદાની ને નેકી.
‘જિગર!’ સાંજ થાતાં સ્મરણ ક્યાંથી-ક્યાંથી,
ઘૂસી જાય છે ઘરમાં વંડીઓ ઠેકી.
– જિગર જોષી ‘પ્રેમ’
બીજો શેર વાંચો !!!! કુરબાન કુરબાન……..
Permalink
May 10, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
બિચારું ઘર આ જોઈ થરથરે છે,
દીવાલોને દીવાલો છેતરે છે !
મજા આવે કશું ત્રીજું કરે તો,
ફક્ત લોકો જીવે છે ને મરે છે.
અમુક છે માછલી એવી ગજબની,
જુઓ, આરામથી રણમાં તરે છે !
નવી કોઈ ઋતુ લાગે છે આ તો,
હવે પર્ણો નહીં, વૃક્ષો ખરે છે !
ફરે છે સિંહની છાતી લઈ જે,
ન જાણે કેમ દર્પણથી ડરે છે !
બહુ ઓછા છે જે લોકો લખે છે,
ને મોટા ભાગના લખ-લખ કરે છે.
-હર્ષ બ્રહ્મભટ્ટ
કવિના સ્વમુખે આ ગઝલ સાંભળી હતી. આખો મુશાયરો ડોલી ઉઠ્યો હતો….બીજો શેર ત્રણ થી ચારવાર સૌએ ફરમાઈશ કરી કરી સાંભળ્યો હતો. વાણી સરળ છે પણ ભેદક છે.
Permalink
May 9, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
કરચલી પડે ને પ્રગટ પ્રેમ થોડો ઘટી જાય છે
પછી પ્રેમમાં ખેવનાનો નશો પણ ભળી જાય છે.
અહીં એક માણસ કમરથી જરા જો નમી જાય છે,
ખબર ના પડે, કોણ આવી ને ખભ્ભો ધરી જાય છે.
નર્યાં પ્રેમપત્રોનાં પરબીડિયાં થઈ રહી જાય છે,
સમય જાય છે એમ આંખોય આંખો મટી જાય છે.
ખુશીમાં સુગંધોથી લથબથ રૂમાલો થતા એ બધા,
કદી તાવ આવે તો મીઠાંના પોતાં બની જાય છે.
મને આંખ-માથું દુખે ને ભૂલી જાય તારીખ એ,
કહો પ્રેમ કેવા સમયના સીમાડા વતી જાય છે !
– સ્નેહી પરમાર
મજાની ગઝલ…
Permalink
May 8, 2015 at 1:22 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
દર્દભીનાં આંસુ શાને પાંપણે શણગારવાનાં ?
જેટલા શ્વાસો મળ્યા, એને હૃદયથી માણવાના.
જે હકીકતમાં કદી પહેરી શકો નહીં જિંદગીભર,
આંખની ખીંટી ઉપર એ સ્વપ્ન શાને ટાંગવાનાં ?
રોજ મનની વ્હાલસોયી ડાળખી પર ફરફરે છે,
એ સ્મરણનાં પાંદડાંને શી રીતે અટકાવવાનાં ?
અન્ય ભાષાને ભલે પંપાળવા નીકળી પડ્યા સહુ,
પણ, અમે તો ગુર્જરીમાં લાગણી કંડારવાના.
જો ! ગઝલનું ગાંડપણ કેવી દશા સર્જી રહ્યું છે,
મારું મન સોગંદ લે છે, દર્દને વિસ્તારવાના !
– સુનીલ શાહ
દર્દથી શરૂ થઈને દર્દ પર પૂરી થતી ગઝલમાં કવિ સ્વપ્ન, સ્મરણ અને ભાષાની મજાની યાત્રા કરાવે છે.
Permalink
May 4, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, રમેશ પારેખ
કાચમાં રહે છે પારદર્શકતા,
એમ તમે મારામાં આરપાર રહેતાં…
ફૂટી ગયેલા આરપારતાને વળગીને,
તાકતી સપાટીઓ તો અંધ,
દાળમાંથી પાન જેમ ઉગી નીકળે છે,
એમ આપણને ઉગ્યો સબંધ…
પાનને લીલાશ બેઉ વચ્ચેની દુરતામાં,
જોજનનાં પૂર હવે વેહતાં,
તમે મારામાં આરપાર રહેતાં…
આખાયે પૂરને હું બે કાંઠે ઘુઘવતી,
ઘૂમરીની જેમ રે વલોવું,
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ,
મને લાગતું ન ક્યાંક મારું હોવું…
હોવા વિનાની કોઈ શક્યતામાં ઓગળીને,
જળનો આકાર તમે લેતાં,
તમે મારામાં આરપાર રહેતાં…
– રમેશ પારેખ
અદભૂત…….. !!!!
Permalink
May 3, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, નાઝિર દેખૈયા
પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું,
ભલે ગંગા સમું એ મુજ પતન થઈ જાય તો સારું…
નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને,
પતંગાને શમા કેરું મિલન થઈ જાય તો સારું…
એ અધવચથી જ મારા દ્રાર પર પાછા ફરી આવે,
જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું…
નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે,
હ્રદય ઉછાંછળું છે જો સહન થઈ જાય તો સારું…
કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું,
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું…
જીવનભર સાથ દેનારા, છે ઈચ્છા આખરી મારી,
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું…
વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો,
ખુશી કેરું ય જો થોડું રુદન થઈ જાય તો સારું…
– નાઝિર દેખૈયા
શું નઝાકત છે !!!!
Permalink
May 2, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લક્ષ્મી ડોબરિયા
મનને હું હાથમાં જ રાખું છું !
એ જ એનો ઈલાજ રાખું છું !
આ સહજ થઈ જવાનો રસ્તો છે,
આજમાં ખાલી આજ રાખું છું !
નોખી રીતે તરસને પોંખી છે,
હું અષાઢી મિજાજ રાખું છું !
સાંભળ્યું મૌનને તો લાગ્યું કે –
હું યે મારો અવાજ રાખું છું !
થાય છે ત્યાં સવારનો મહિમા,
જ્યાં વધાવીને સાંજ રાખું છું !
– લક્ષ્મી ડોબરિયા
ગઝલના પહેલા ચાર શેર તો જાણે મરીઝનો આત્મા કવયિત્રીમાં પ્રવેશ્યો હોય એવા ઉત્તમ… સરળ બાનીના તીરથી માર્મિક લક્ષ્યવેધ !
Permalink
May 1, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઇંડિથ સોય્ડરગ્રાન, વત્સરાજ ભણોત 'ઉદયન', વિશ્વ-કવિતા
કેવી અનિર્વચનીય અને અદભુત છે
દરેક મૃત વસ્તુ !
ખરેલું પાંદડું, મરેલો માણસ, અને
ચંદ્રમાની થાળી !
બધાં ફૂલો જાણે છે એક રહસ્ય –
અને વનરાજી તેને સાચવે છે ! –
કે ચંદ્રની પૃથ્વીની ચારેકોરની પરિકમ્મા
ખરેખર તો મોતની કેડી છે.
ચંદ્ર વણે છે પોતાનો ગેબી વણાટ
(જેને ફૂલો ચાહે છે)
અને પોતાની અલૌકિક જાળ
સમસ્ત સજીવ જગતની આસપાસ વીંટાળ્યે જાય છે.
ચંદ્રમાની દાતરડી
પાનખરની પાછલી રાતોમાં
બધાં ફૂલોની લણણી કરી નાંખે છે,
(છતાંય) ફૂલો બધાં
તેના આ મૃત્યુચુંબનની પ્રતીક્ષા કરે છે
અસીમ આતુરતાથી.
– ઇંડિથ સોય્ડરગ્રાન (ફિનલેન્ડ)
(અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)
મૃત્યુ સંસારનો એકમાત્ર અફર નિયમ હોવાથી દરેક વ્યક્તિ પોતપોતાની નજરે એનો તાગ લેવા સદાકાળથી મથતો આવ્યો છે. જેનું વર્ણન થઈ શકતું નથી એવી અદભુત વસ્તુ મૃત્યુને કહીને કવિ ચંદ્રની પરિકમ્મા અને બીજના ચંદ્રના દાતરડાને અનિવાર્ય મૃત્યુ સાથે સાંકળી લે છે. પણ ખરું સૌંદર્ય તો મૃત્યુચુંબનની પ્રતીક્ષામાં અસીમ આતુરતાબદ્ધ ફૂલોની વાતમાં છે. વાત ફૂલોની છે કે આપણા સહુની ?
Permalink