બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.
ગૌરાંગ ઠાકર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2014

તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ… – રિષભ મહેતા

તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ…

એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી,
ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી;
ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,
તો લે કહું, તારા વગર જા… હું રહી શક્તો નથી.

જો તું નથી તો કેમ તારી કલ્પના પણ છે?
હું અંધ છું આ દર્પણો શું કામના પણ છે!
ગૂંગળાવું ક્યાં લગી આ ખામોશીથી કંઇ તો બોલ…!
કે ‘હા’ નહીં તો આખરે જાણી લે ‘ના’ પણ છે.

પ્રેમ તારો હું નકારી ના શકું,
ને છતાંયે આવકારી ના શકું;
તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ,
ને છતાંયે હું પુકારી ના શકું.

હું તને ક્યારેય ના ત્યાગી શકું,
ને ખુદા પાસેય ના માંગી શકું;
પાસ હું આવી નથી શકતો વધુ,
દૂર પણ તારાથી ના ભાગી શકું.

હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી,
કે કોઈ બહાના વગર હું આવી પણ શકતો નથી;
એક મજબૂરી છે જેનુ નામ શાયદ પ્રેમ છે,
ત્યાગી પણ શકતો નથી અપનાવી પણ શકતો નથી.

-રિષભ મહેતા

 

સહુકોઇએ અનુભવી હોય તેવી અભિવ્યક્તિ…..સરળ,સચોટ અને સુકોમળ…..

Comments (5)

એ લોકો મને નહીં મારી શકે – વિપિન પરીખ

એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,
એ લોકોએ સૉક્રેટિસને ઝેર પાઇને માર્યો,
એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો,
પણ
એ લોકો મને નહીં મારી શકે,
કારણ
હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.

– વિપિન પરીખ

‘રોકસ્ટાર’ નામના મુવીમાં એક ગીતના શબ્દો છે – ‘ કયું સચકા સબક સિખાયે, જબ સચ સુન ભી ન પાયે…… ‘

આ કવિ થોડા અને સાદા શબ્દોમાં મર્મભેદી વાતો કહી જાણે છે. દંભને કદાચ માનવજાતનો એક સામુહિક ‘શોખ’ કહી શકાય……સાચું બોલવું ઘણીવાર ‘અવ્યવહારુ’ કહેવાય છે, આપણે સૌએ એ અનુભવ્યું જ હશે. પણ તો પછી ઉપાય શું ? આ જ રીતે પેઢીદરપેઢી શીખવવું જુદું અને કરવું જુદું એ ક્રમ જાળવી જ રાખવો ?? મારી પાસે કોઈ ઉત્તર નથી…….

Comments (13)

ગઝલ – ધ્રુવ ભટ્ટ

મને ઊંઘમાં યાદ આવે તે શું છે
કોઈ જાણે હું છું, કોઈ જાણે તું છે

આ નિદ્રાની રચના જગાડી છે કોણે
તને હું ના પૂછું મને તું ન પૂછે

ચીરી નાખું છાતી તો મારામાં હું છું
હવે ખાતરી દો તમારામાં તું છે

અમારા સમયની અમે રેખ આંકી
પછીનો સમય તે લિસોટાને લૂછે

જુઓ કાચમાંથી સર્યે જાય રેતી
કહો તે ‘હતી’ છે ‘હશે’ છે કે ‘છું’ છે

સંબંધોના એવા સ્તરે આવ યારા
મને કોણ પૂછે તને કોણ પૂછે

– ધ્રુવ ભટ્ટ

આજકાલ ‘અકૂપાર’ નાટક માટે જાણીતા થયેલા પણ મૂળે ‘સમુદ્રાન્તિકે’ (?) નવલકથા માટે જાણીતા થયેલા ધ્રુવ ભટ્ટના ગીત-ગઝલ એમની કથાઓની જેમ જ સામાન્યથી અલગ ચીલો ચાતરતા નજરે પડે છે. દરેક જણ પોતપોતાના સમયના આંકા કોતરીને પોતાના અમરત્વને દૃઢાવવા ઇચ્છતા હોય છે પણ કોણ જાણે છે કે તમે જે ઘડીએ સમયનો એક લિસોટો આંક્યો, એની બીજી જ ઘડીએ સમય એને લૂંછવા માટે કાર્યરત્ થઈ ચૂક્યો હોય છે…

Comments (4)

મોહનમાં મોહિની – દયારામ

કિયે ઠામે ? મોહિની ન જાણી રે ! મોહનજીમાં,
કિયે ઠામે ? મોહની ન જાણી !

ભ્રૂકુટીની મટકમાં ? કે ભાળવાની લટકમાં ?
કે શું મોહની ભરેલી વાણી રે? મોહનજીમાં0

ખીટળિયાળા કેશમાં ? કે મદનમોહન વેશમાં ?
કે મોરલી મોહનની વખાણી રે? મોહનજીમાં0

શું મુખારવિંદમાં ? કે મંદહાસ્યફંદમાં ?
કે કટાક્ષે મોહની પિછાણી રે ? મોહનજીમાં0

ચપળ રસિક નેનમાં ? કે છાનીછાની સેનમાં ?
કે જોબનનું રૂપ કરે પાણી રે ? મોહનજીમાં0

શું અંગઅંગમાં ? કે લલિત ત્રિભંગમાં ?
કે શું અંગઘેલી કરે શાણી રે ? મોહનજીમાં0

દયાના પ્રીતમ પોતે મોહનીસ્વરૂપ છે
તનમનધને હું લૂંટાણી રે ! મોહનજીમાં0

– દયારામ

દયારામની ગરબીઓ માત્ર મધ્યકાલીન નહીં, સર્વકાલીન ગુજરાતી ગીતોનો સરતાજ છે. દયારામની ગરબી એમની બેવડી પ્રાસરચના -આંતરપ્રાસ તથા અંતર્પ્રાસ- ના કારણે સવિશેષ ધ્યાન ખેંચે છે. કિયા ઠામે મોહિની ના જાણીનો પ્રશ્ન રાધિકા જ્યારે દૃઢાવે છે ત્યારે એ પોતે પણ જાણે જ છે કે મોહિની કયા-કયા ઠામમાં છે પણ આ મિષે એ લાડલાને બે ઘડી લાડ કરવાની તક જતી કરે એમ નથી…

Comments (2)

ગઝલ – અલ્પેશ ‘પાગલ’

હું છું સત્યનો એક નક્કર પુરાવો,
મને લ્યો હવે શૂળી ઉપર ચડાવો !

ન દુનિયા, ન સપનાં, ન બિંબો, ન દર્પણ
નડ્યા છે મને માત્ર મારા લગાવો !

હસો છો તમે ને રડે છે પ્રતિબિંબ…
જરા રોઈને આયનાને હસાવો !

જુઓ બારણામાં ઊભી છે નવી ક્ષણ,
તમે ધારણામાંથી બા’રા તો આવો !

ડૂબ્યું છે જગત તમને સાથે લઈને…
મેં કીધું’તું એને ન માથે ચડાવો !

નયનને ને ચહેરાને કિસ્સાઓ કૈને…
તૂટેલા હૃદયના ન પૉસ્ટર છપાવો !

– અલ્પેશ ‘પાગલ’

શરીર ભલે Wheel-chairગ્રસ્ત કેમ ન હોય, મન તો Will-chairમાં જ ફરે છે એવી પ્રતીતિ કરાવવા “હું…અલ્પેશ ‘પાગલ'” નામના સંગ્રહ સાથે રાજકોટના કવિ અલ્પેશ પી. પાઠક ફરી એકવાર ગુજરાતી ગઝલના દરબારમાં ઉપસ્થિત થયા છે. છંદ તથા જોડણી-વ્યાકરણ પરત્વેની શિથિલતા ઘડીભર નજર-અંદાજ કરીએ તો આ કવિ ભારોભાર પ્રતિભા ધરાવે છે…

Comments (8)

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! – નિનુ મઝુમદાર

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો
…….વનેવન ઘૂમ્યો.

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો
…….ઘૂમટો તાણ્યો.

પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી
…..આવી દિગનારી.

તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે
…..ફરી દ્વારે દ્વારે.

રાતડીના અંઘકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઈ અભિલાષની સોનલ હૈયે સમણાં ઢોળ્યાં
……સમણાં ઢોળ્યાં.

~ નિનુ મઝુમદાર

મન્નાડેના મર્દાના અવાજમાં આ ગીત સાંભળ્યું તો આપણે સૌએ છે જ, પણ આજે શબ્દોની સુંદરતા જુઓ…….

Comments (11)

અલ્લાબેલી – તુષાર શુક્લ

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

-તુષાર શુક્લ

કેટલી હસીન ફરિયાદ છે !! ઝંખનાઓ નિ:સીમ છે……વાસ્તવિકતા નિષ્ઠુર છે…..અહીં માણવા જેવી વસ્તુ અંદાઝે-બયાં છે.

Comments (7)

ગઝલ – વંચિત કુકમાવાલા

દૃશ્ય જેવા દૃશ્યને ફોડી શકે, તો ચાલ તું !
દૂર સન્નાટા સુધી દોડી શકે, તો ચાલ તું !

કોઈ બાળક જેમ આળોટે અકારણ ધૂળમાં,
શ્વાસ તારા એમ રગદોળી શકે, તો ચાલ તું !

વસ્ત્ર પાદર પર ઉતારી નાખવાં તો ઠીક છે,
ઘર, ગલી ને ગામ તરછોડી શકે, તો ચાલ તું !

મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
છેક અંદર ચીસને તોડી શકે, તો ચાલ તું !

અંત ‘વંચિત’ અંત, સામે આ ઊભો છે, લે હવે,
જીવવાની ઘેલછા છોડી શકે, તો ચાલ તું !

– વંચિત કુકમાવાલા

બુદ્ધ થયા પછી પણ રાજકુમાર સિદ્ધાર્થ ફરી પોતાના ઘરે ભિક્ષા માટે પધારે છે એ પ્રસંગ સામે રાખીને વસ્ત્ર પાદર પર ઉતારી નાંખવાવાળો શેર ફરી વાંચીએ તો આખો સંદર્ભ બદલાઈ જતો નજરે ચડે છે… આપણો સંપૂર્ણ ત્યાગ પણ હકીકતમાં કેટલો અપૂર્ણ છે એ વિશે કવિએ કેવી સરસ ભાષામાં વાત કરી છે !

Comments (6)

ગઝલ – શ્યામ સાધુ

તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો,
દૃશ્યોનો ભેદ એ પછી દરિયે ડૂબી ગયો.

બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે,
મોસમનો રંગ કેટલો મીઠ્ઠો બની ગયો !

પથ્થરની જેમ હાંફતા પીળા શહેરમાં,
મારા સમયના મોરનો ટહુકો તૂટી ગયો.

આકાશ આમતેમ વીખરાઈ જાય પણ,
એકાદ સૂર્ય ઊગવું આજે ભૂલી ગયો.

એકાંતનો પરિચય કૈં એ રીતે થયો,
સૂનકાર તારી યાદની જેમ જ ઊગી ગયો !

– શ્યામ સાધુ

આ ગઝલ શામળદાસ મૂળદાસ સોલંકીની છે એમ કહીએ તો ભલભલા ભાવક બે ઘડી વિચારમાં પડી જાય. પણ આ ગઝલ વાંચો અને શ્યામ સાધુની છે એમ કહો તો પણ ભાવક બે ઘડી વિચારમાં તો પડી જ જાય. અનૂઠા કલ્પનવાળી જરા હટ કે ગઝલ…

Comments (4)

મારે તમને મળવું છે ! – રિષભ મહેતા

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

ઈશ્કે-મિજાજી પણ હોઈ શકે……ઈશ્કે-હકીકી પણ હોઈ શકે…..દ્રષ્ટિ તેવી સૃષ્ટિ…..

Comments (9)

વિચાર આવે – હિમાંશુ ભટ્ટ્

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજરમાં બધે તમારો ચિતાર આવે

લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે

તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે

સખી, એ ખૂણો કયા  વિશ્વનો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…

આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…

– હિમાંશુ ભટ્ટ્

 

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે……..    – અને જો સખી કને હોય તો ??? – વિચાર અદ્રશ્ય થઇ જાય !! હું તો જો કે છેલ્લા શેર ઉપર ફિદા થઇ ગયો…..

 

 

Comments (2)

ગઝલ – વિવેક કાણે ‘સહજ’

તોરણ જે ઉતારો છો, એ લીલું તો નથીને ?
સંકેલો છો જે સ્વપ્ન,એ ભીનું તો નથીને ?

આ મોડસઑપરૅન્ડી તો એની જ છે નક્કી
હથિયાર કતલનું જુઓ, પીછું તો નથીને ?

સરખું છે અમારું, કે તમારું, કે બધાનું,
દુ:ખોનું તપાસો, કોઈ બીબું તો નથીને ?

નીકળ્યા જ કરે, નિત્ય નવાં સ્વપ્ન નિરંતર,
પલકોની પછીતે કોઈ ખિસ્સું તો નથીને ?

જન્મ્યા અને જીવ્યા, ને પછી મોતને ભેટ્યા
આયુષ્ય ‘સહજ’ એટલું સીધું તો નથીને ?

– વિવેક કાણે ‘સહજ’

મોડસઑપરૅન્ડી (કામ કરવાની પદ્ધતિ) જેવો લેટિન ભાષાનો શબ્દ ગુજરાતી ગઝલમાં આમ સુપેરે ઉતરેલો જોઈએ ત્યારે ભાષાની સરહદો ઓગાળીને “આપણી” ગુજરાતી સંજીવની પામતી હોય તેવો મીઠો ઓડકાર જરૂર આવે. મક્તાનો શેર તો દિગ્મૂઢ કરી નાંખે એટલો સરળ અને એટલો ગહન થયો છે…

બાય ધ વે, આવતીકાલે કવિનો જન્મદિવસ પણ છે… કવિને વર્ષગાંઠની આગોતરી વધાઈ…

Comments (14)

ગઝલ – મકરંદ મુસળે

ફરી ક્યાં કંઈ મળાય છે પાછું,
જરી બેસો; જવાય છે પાછું.

ગઝલ જેવું લખાય છે પાછું,
ખરું પાણી મપાય છે પાછું !

તમે બેસી રહો નજર સામે,
આ મન તો ક્યાં ધરાય છે પાછું.

તમારી આંખ સાત કોઠા છે,
ગયા, તો ક્યાં અવાય છે પાછું.

હજી પોતાના ક્યાં થવાયું છે,
કે બીજાના થવાય છે પાછું.

તિરાડો આંખની પુરાઈ ગઈ,
રડું તો ક્યાં રડાય છે પાછું.

– મકરંદ મુસળે

સરળ ભાષા, સીધી વાત અને શાંત જળમાં પથરો પડ્યા પછી ક્યાંય સુધી થયા-વિસ્તર્યા કરતા વમળો જેવી ગઝલ મકરંદ મુસળેની જ હોવાની. આખી જ ગઝલ સંતર્પક પણ મને તો અભિમન્યુના ‘નો એક્ઝિટ’વાળા સાત કોઠા જેવી આંખની વાત ખૂબ ગમી ગઈ…

Comments (11)

ગઝલ – ભાવેશ ભટ્ટ

પગલે-પગલે શ્વાસનાં તોફાન છે;
ક્રોસ પર રહેવું બહુ આસાન છે.

તોય કાયમ જંગ હું જીતી ગયો,
આમ મારા મ્યાનમાં પણ મ્યાન છે.

કોઈની વિદાયથી આવું બને,
બહુ દિવસથી બારણાં બેભાન છે.

જે બચ્યું છે ના બચ્યા જેવું જ છે,
આંખ છે તો આંખમાં સમશાન છે.

જો ગણો તો એટલા લોકો નથી,
જેટલા વસ્તીમાં આગેવાન છે.

માંગશો જો, રોટલો, આપી દઈશ,
પણ તમારી થાળીમાં પકવાન છે.

– ભાવેશ ભટ્ટ

કેવી સરસ ગઝલ ! મત્લાનો શેર… વાહ ! ડગલે ને પગલે જિંદગીના તોફાનોની સામે ઝીંક ઝીલવા કરતાં તો કદાચ પયગંબર બનીને ક્રોસ પર લટકી રહેવું આજના જમાનામાં વધુ આસાન છે… અને ધીરજ, મૌન અને પ્રતીક્ષાનો મહિમા તો જુઓ.. કવિ કાયમ બધા જ જંગ જીતતા જાય છે… કારણ? તલવાર? ના… કવિના તો મ્યાનની ભીતર પણ કેવળ મ્યાન છે, તલવાર નહીં… સ્વભાવગત અહિંસા અને સહિષ્ણુતા માટે આનાથી વધુ ‘ધાર’દાર શેર બીજો કયો જડવાનો? બધા જ શેર એક-મેકથી ચડિયાતા છે પણ આખરી શેર જરા નિરાશા જન્માવી જાય એવો સપાટ છે..

“ભીતરનો શંખનાદ” લઈને આવેલા કવિનું બાઅ-અદબ બા-મુલાહિજા સ્વાગત છે…

Comments (17)

ઠીક છે મારા ભાઈ…- કૃષ્ણ દવે

ઠીક છે મારા ભાઈ…

ઠીક છે મારા ભાઈ
આ તો કરવા ખાતર કરીએ બઘું
સ્મિત પહેરીને ફરીએ વઘુ
બાકી તો આ સંબંધોમાં જ્યાં જુઓ ત્યાં
ઠેકઠેકાણે હોય છે મોટી ખાઈ
ઠીક છે મારા ભાઈ…

રોજ ઉડાડી જાતના લીરા લાગીએ સવા લાખના હીરા
ઠાવકા રહી બોલીએ એવું જળમાં જાણે પાડીએ ચીરા
સાવ રે ઠાલાં પગમાં છાલાં તો ય પ્હેરીને ફરતા રહીએ
બૂટની ઉપર સૂટ ને પાછી હોય ગળામાં ટાઈ,
ઠીક છે મારા ભાઈ…

રોજ પળેપળ બદલી લઈએ કેટલા ચ્હેરાં કેટલાં મ્હોરાં
દરિયે છપાક ડૂબકી મારી નીકળી જઈએ સાવ રે કોરાં
મૂકવું પડે, ઝૂકવું પડે, ગમતું બઘું કરવું પડે
તોય ભેજામાં લઈને ફરીએ કેટલી રાઈ ?
ઠીક છે મારા ભાઈ…

હૂંફને જરીક ઝીલીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે
ટેરવા ઘડીક ટહુકે ત્યાં તો મૂળમાંથી આંગળીયું તૂટે
કેટલું કેટલું હોય ખોવાનું હાથવગું તો હોય રોવાનું
તોય ફરી ફરી કોક મજાનાં ગીતની માફક જિંદગી આખી ગઈ
ઠીક છે મારા ભાઈ…

– કૃષ્ણ દવે

સરળ વાણી પણ વેધક વાત…….

Comments (14)

માણસ છું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.

સૌ જાણે છે કે ચાવું છું હું પાન હંમેશા મઘમઘતાં,
હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.

પાણીમાં પડેલાં કાગળના આકાર જેવા છે શ્વાસ બધા,
જીવું છું ઝાંખુ પાંખું હું ભૂંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

ક્યારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારુ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Comments (9)

ગઝલ – ડૉ. મનોજ એલ. જોશી ‘મન’

તમે તર્કને ખૂબ તાણી શકો છો,
છતાં ક્યાં રહસ્યોને જાણી શકો છો ?

તમે દર્પણેથી જરા બહાર નીકળી,
કદી અન્યનું કંઈ વખાણી શકો છો ?

તમે રોજ ઊઠી કશે ન જવાને,
ખરા છો ! કે ઘોડો પલાણી શકો છો !

તમે ધ્યાન રાખો છો વહેતી પળોનું,
પળેપળને વહેતી શું માણી શકો છો ?

તમે સૌ પ્રથમ તો કરો ખુદને સાબિત,
પછી જે ગમે તે પ્રમાણી શકો છો.

– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’

એક-એક શેર પર એક-એક યુગ જેટલી સાધના કરનાર ચંદ ગઝલકારોમાં મનોજ જોશી મોખરાના સ્થાને આવે છે. દર્પણવાળો શેર જરા જુઓ… કવિ કહે છે કે તમે દર્પણમાંથી બહાર આવતા જ નથી. અર્થાત્ તમે તમારી પોતાની જાત સિવાય બીજું કશું જોતાં જ નથી ને જોવા તૈયાર પણ નથી… ‘જરા’ બહાર નીકળીએ તો બીજાને જોઈ-વખાણી શકાય ને ? અને વહેતીપળોવાળો શેર તો ગુજરાતી ગઝલમાં અજરામર થવા સર્જાયો છે… વહી જતી જિંદગીનું ધ્યાન રાખવામાં ને રાખવામાં આપણે ક્યાંક જિંદગીને માણવાનું જ તો ચૂકી નથી જતા ને?

ગઝલના દરેક શેર ‘તમે’થી શરૂ થઈ ‘શકો છો’ પર પૂરા થાય ત્યારે એમ માનવાનું મન થાય કે આ ગઝલમાં માથે-પૂંછડે બબ્બે રદીફ છે.

Comments (14)

સાધુ છે સાહેબ… – સંજુ વાળા

તમસ ને તેજ તો સિક્કાની બેઉ બાજુ છે સાહેબ,
સમજ હો એવી એ જન આશિખાનખ સાધુ છે સાહેબ.

ખરેખર વ્યક્ત થાવું એ જ તો અજવાળું છે સાહેબ,
મઝા પડવી ના પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ.

દિશાઓ ચારે ખુલ્લી હો અને નભ કોરુંકટ્ટ તો પણ –
હૃદયરસના છલકવાની ઋતુ : ચોમાસું છે સાહેબ.

જુદા સંજોગવશ ના આપણે આવી શક્યા નજદીક
વસો છો આપ જ્યાં એ મારું પણ ઠેકાણું છે સાહેબ.

સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે ?
કવિના શબ્દના પરમાણવાળું ગાડું છે સાહેબ.

– સંજુ વાળા

આપણે તો, સાહેબ, આ આશિખાનખ શબ્દ પર જ ઓળઘોળ થઈ ગયા. કેવો મજાનો શબ્દ કવિએ ‘કૉઇન’ કર્યો છે ! આપણે ‘આકંઠ’ કહીએ છીએ એ રીતે માથાની ચોટલી (શિખા)થી લઈને નખ સુધી- ‘આશિખાનખ’ શબ્દ કવિ લઈને આવે છે ત્યારે ગઝલમાં આગળ જવાનું મન જ થતું નથી…

કયા શેર પર આંગળી મૂકવી અને કયા પર નહીં એ પ્રશ્ન થાય એવી ગઝલ. પણ હું ફક્ત યુધિષ્ઠિરનો સંદર્ભ ઇંગિત કરતા આખરી શેર પર જ અટકીશ. ધર્મરાજ સત્યનિષ્ઠ યુધિષ્ઠિરનો રથ. કહે છે કે જમીનથી ચાર આંગળા અદ્ધર ચાલતો હતો.. પણ સાહેબ… કવિના શબ્દથી પ્રમાણિત થયેલા ગાડાંનો કમાલ તો જુઓ… એ તો સવા ગજ ઊંચું ચાલે છે.. યે બાત !!

Comments (10)

ગઝલ -મેહુલ પટેલ ‘ઈશ’

સાચો યા ખોટો જોઈએ
ઈશ્વરનો ફોટો જોઈએ !

આખો સમુદ્ર શું કરું ?
અડધો જ લોટો જોઈએ

કેવી રીતે અરીસામાં-
પીઠનો લિસોટો જોઈએ ?

ચાલે પ્રભુનું સ્વર્ગમાં,
અહિયાં તો નોટો જોઈએ

ફૂલોને સ્પર્શવા નહિ,
શ્વાસોથી બોટો, જોઈએ

જૂનો સબંધ તોડવા,
ઝગડોય મોટો જોઈએ

– મેહુલ પટેલ ‘ઈશ’

ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરીને આગળ આવતા કવિઓમાં સુરતના મેહુલ પટેલ સરસ આશા અને અપેક્ષા જન્માવે છે. પ્રસ્તુત ગઝલના બધા જ શેર આસ્વાદ્ય છે પણ પીઠનો લિસોટો જોવાની વાત અને ફૂલોને શ્વાસથી બોટવાનું સાવ જ અનુઠું કલ્પન કવિમાં રહેલી શક્યતાઓનો સાક્ષાત્કાર કરાવે છે…

Comments (19)

અંધારું કરો ! – નિર્મિશ ઠાકર

વૃક્ષ ગાતું ઘેનભીનું ગાન, અંધારું કરો !
આંખ મીંચે છે બધાંય પાન, અંધારું કરો !

ઓગળ્યાં આ વૃક્ષ, પેલા પહાડ ને ઝાંખી નદી,
ધુમ્મસો શાં ધૂંધળાં મેદાન, અંધારું કરો !

ફૂલ નહીં તો ફૂલ કેરી પાંખડી ! આ શ્વાસથી –
વેદનાને આપવાં છે માન, અંધારું કરો !

મૌન ઝીણું કૈંક બોલે છે અને એકાંતના –
છેક લંબાતા રહે છે કાન, અંધારું કરો !

ધ્રૂજતા બાહુ પસારે છે હવાયે ક્યારની !
સ્પર્શ ઊભા છે બની વેરણ, અંધારું કરો !

-નિર્મિશ ઠાકર

Comments (10)

ગઝલ – ભરત વિંઝુડા

લાજ રાખજે હે પરમેશ્વર
મારું ઘર પણ છે તારું ઘર !

લાગે જે સૌનાથી સુંદર
એ સુંદરતા પણ હો ભીતર !

મારી સામે બેસ ઘડીભર
બાજુમાં મૂકીને જીવતર !

ચારે બાજુ હોય ફકત તું
ધરતી ફરતે જેમ સમંદર !

હું જ નથી રહેવાનો ત્યારે
હોય કહેવાનું શું આખર !

– ભરત વિંઝુડા

ભરત વિંઝુડા સરળ બાનીમાં ચોટદાર વાત કહી શકનાર જૂજ ગઝલકારોમાંના એક છે.. ટૂંકી બહેરની ગઝલના બધા જ શેર સરળ, સહજ અને ચોટદાર !

Comments (7)