વેર લીધા પછી શું શાંતિ થશે?
શોધ, બીજો કશો ઉપાય નથી?
પ્રશાંત સોમાણી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2013

કોને – મનોજ ખંડેરિયા

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.

કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.

કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.

મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.

હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.

મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.

જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.

સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.

Comments (10)

હશે – અમર પાલનપુરી

આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.

મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે.

હું તુજને કરી દઉં માફ ભલે, પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.

– અમર પાલનપુરી

મુશાયરાને કદાચ ડોલાવી શકનારી આ ગઝલના ગુણ-દોષ મુક્તમને ચર્ચવા સૌ રસિકોને આમંત્રણ છે……

Comments (7)

આવ મારી પાસે – એન વિલ્કિન્સન (અનુ. અપૂર્વ કોઠારી)

આવ મારી પાસે
સ્વેચ્છાપૂર્વક નીચે પડતી
વિશાળ સાગરમાં ખોવાઈ જવા
સરિતા જેમ નહીં..
પણ આવ મારી પાસે
જેમ કિનારે આવે છે ભરતી
ખાલી અખાતને છલકાવી દેવા
શ્વેત નીરવતાથી;
ધરતી અને સાગર કામક્રીડા કરતાં.

– એન વિલ્કિન્સન
(અનુ. અપૂર્વ કોઠારી)

પ્રણયની ઉત્કટતાની બળવત્તર અભિવ્યક્તિનું કાવ્ય… પ્રેમ સમર્પણ નહીં, છલોછલ છલકાઈ જવાનું નામ છે…

Comments (10)

ગઝલ – સાહિલ

છાતીમાં મારી સેંકડો ઇચ્છાની નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.

શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું !
જાસો મળ્યા પછીનો નગરમાં તનાવ છે.

લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઇ બોલ્યા : ગજબનો ઉઠાવ છે.

આ કાચબાપણાનું હવે શું થશે કહો !
ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે.

સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં ?
સૂરજની હાજરીમાં બનેલો બનાવ છે.

થઈ ધાડપાડુ ત્રાટકે ‘સાહિલ’ ભલે સમય –
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.

– સાહિલ

વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ…

Comments (18)

સાચા શબદ – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

આપ કરી લે ઓળખાણ
.                       એ સાચા શબદનાં પરમાણ

સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી ?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
.                       સાચા શબદનાં પરમાણ

કોયલ ટહુકે આંબાડાળે,
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ખેંચ નહિ, નહિ તાણ –
.                       સાચા શબદનાં પરમાણ

ફૂલ ખીલે નિત નવ જ્યમ ક્યારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ –
.                       એ સાચા શબદનાં પરમાણ

– મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

સાચો શબ્દ બ્રહ્મ સમાન છે… એણે એની ઓળખાણ આપવાની ન હોય. એ સ્વયંસ્પષ્ટ જ હોય. સાકર પોતાના ગળપણના ગુણ નથી ગાતી, વીજળી હોય કે મૃત્યુ – બધા જાહેરખબર વગર જ કામ કરે છે. કોયલ કોઈ તાલિમ નથી લેતી કે નથી ગળું સાફ કરતી.. એ એની મસ્તીની જ માલકિન છે. જે રીતે ફૂલ સૌરભ પ્રસારે છે એ રીતે અંદરથી સ્વયંભૂ વાણી પ્રગટે ત્યારે સાચો શબ્દ, સાચી કવિતા હાથ ચડે છે…

Comments (5)

એણે કાંટો કાઢીને – વિનોદ જોશી

એણે કાંટો કાઢીને મને દઇ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…

પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફર્ર દઇ ઊડી પતંગિયાની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.

હવે દીવો ઠારું? કે પછી દઇ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઇ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…

-વિનોદ જોશી

એક રળિયામણું ગીત…..

Comments (5)

આંગળીમાંથી – મનોજ ખંડેરિયા

સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી
ન થતી જાણ ને વીંટી સરે છે આંગળીમાંથી

કરું જો બંધ મુઠ્ઠી- હસ્તરેખા થઈ જતી ભીની,
ઝીણું ઝાકળ સમું કૈં ઝરમરે છે આંગળીમાંથી

ન સ્પર્શાતું – ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી

જીવનની શુષ્ક બરછટતાનું આશ્વાસન છે એક જ આ
સુંવાળું રોજ રેશમ ફરફરે છે આંગળીમાંથી

વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને –
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની –
હજી પણ વાસ કૈં આવ્યા કરે છે આંગળીમાંથી

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

– મનોજ ખંડેરિયા

સૌજન્ય – ટહુકો.કોમ

આ ગઝલ ‘ટહુકો’ પર વાંચી અને એકદમ સોંસરવી અંદર ઉતરી ગઈ…..

Comments (9)

ડહાપણ દાખો – સંજુ વાળા

રહીએ, જેમ તમે જી ! રાખો !
કાં અબોલા અમથી આવા, કૈ તો ડહાપણ દાખો !

વરત – આખડી સૌ મૂકી દઉં, ના કોઈ પૂજું દેવ
પૂછી બીડું પલક, ખીંટીએ ટાંગુ સઘળી ટેવ
ત્યાં જ ઉડીએ , જ્યાં ઉડાડે તમે દીધેલી પાંખો !
રહીએ, જેમ તમે જી ! રાખો !

મેં ક્યાં માંગ્યું ? સોને-રૂપે માંઝી દો મનસૂબા
ઝળઝળિયાં દો, તો પણ મારે રતન-છલોછલ કૂબા
ધૂળધફોયા ખોળે જરાંક, અમી નઝર તો નાખો !
રહીએ, જેમ તમે જી ! રાખો !

– સંજુ વાળા

આ ગીત તો જુઓ… ગીત છે કે સૉનેટ? સૉનેટમાં જેમ કાવ્યાંતે ચોટ આવે એમ કવિએ અહીં છેલ્લી લીટીમાં કમાલ કારીગરી કરી છે.  આખા ગીતમાં એમ જ લાગે કે અબોલા લઈ બેસનાર પ્રિયતમને મનાવવા નાયિકા અછોવાનાં કરી રહી છે.. વ્રત-પૂજા-આખડી, બધી જાતની ટેવ-કુટેવ બધું જ છોડી દેવા તૈયાર છે, એના જ આપેલા આકાશમાં માપસરનું ઊડવા તૈયાર છે… આંખમાં સહવાસના ઝળઝળિયા આપે તોય જેને સોના-રૂપાથી વિશેષ લાગે છે એ નાયિકા પત્ની છે અને પ્રિયતમ પતિ છે એ વાત તો સા…વ છેલ્લી કડીમાં ખાલી ખોળાને પૂરવા માટે પગલીનો પાડનાર માંગવાની વાત આવે છે ત્યારે છતી થાય છે… છે ને સૉનેટની મજા!!

Comments (11)

કદ – માર્જોરી પાઈઝર (અનુ. જયા મહેતા)

તમારા વક્ષ પર માથું મૂકીને સૂઈ જાઉં છું
અને તમારા હાથ મારી ફરતા વીંટળાયેલા ત્યારે
હું નાની થઈ જાઉં છું અને સુરક્ષિત
મારા પ્રિયતમ દ્વારા.

મારા વક્ષ પર માથું મૂકીને તમે સૂઓ છો
અને મારા હાથ તમારી ફરતા વીંટળાયેલા, ત્યારે
હું મને બહુ સબળ અનુભવું છું, સુરક્ષા કરતી
મારા પ્રિયતમની.

– માર્જોરી પાઈઝર
(અનુ. જયા મહેતા)

વીજળીના ચમકારની જેમ શરૂ થયા પહેલાં જ પૂરી થઈ જતી આ કવિતા આપણા અંતઃકરણમાં કેવો પ્રેમલિસોટો છોડી જાય છે…

Comments (10)

ભરતી – કૃષ્ણલાલ શ્રીધરાણી

(પૃથ્વી)

સહસ્ત્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે-હણહણે : વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા !

ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી;
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.

કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક : શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે ? અવનિ-આભ ભેગાં થશે ?
ધડોધડ પડી-ખરી ગગનગુંબજો તૂટશે?

ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

ગુજરાતીના સર્વશ્રેષ્ઠ સોનેટની પંગતમાં અગ્રિમ સ્થાને વિરાજતું આ સોનેટ શ્રીધરાણીની કાવ્યસૂઝ, છંદોલય અને ભાવોર્મિના કારણે ચિરસ્મરણીય બન્યું છે. વીસ વરસની ઊંમરે લખાયેલ આ સોનેટમાં કવિ દરિયાના મોજાંઓ હજારો થનગનતા ઘોડા અવનિ-આભ ભેગાં કરવા કૂચે ચડ્યા હોય એવું અદભુત શબ્દચિત્ર દોરી આપે છે. પહેલા ત્રણ ચટુષ્ટકમાં પ્રકૃતિની વાતો કર્યા પછી છેલ્લી બે કડીમાં સોનેટ સાવ જ અણધાર્યો વળાંક લઈ દેશભક્તિ અને સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોને પછાડી આઝાદી હાંસિલ કરવાના પોતાના અરમાન પ્રગટ કરી ભાવકને સુખદ આંચકો આપવામાં સફળ રહે છે.

કવિ ઉમાશંકર જોશીએ આ સોનેટ વિશે કહ્યું છે કે ગુજરાતી ભાષા આટલી ઓજસ્વિતા સાથે ભાગ્યે જ કોઈ કવિતામાં પ્રયોજાઈ હશે…

Comments (9)

શું કરશો હરિ ? – રેઇનર મારિયા રિલ્કે – અનુ.-મકરંદ દવે

બોલોને, શું કરશો હરિ
મારા વિના એકલા, જયારે જઈશ હું મરી ?
હું તમારો ઘટ બનું જો ચૂરેચૂરા,

હું તમારા પ્રાણની ઊડી જાઉં જો સુરા,
હું તમારે કસબી હાથ વણાતો જામો
જાઉં સરી તો હાથ તમારો થાય નકામો,
મારા વિના હાય, થશો ઘરબાર વિહોણા,
નેહથી તમને નોતરી કરશે કોણ પરોણા ?

હું તમારી ચાખડી, મારા વિણ ઉઘાડાં
થાક્યાંપાક્યાં ચરણ ઘૂમશે ટેકરા-ખાડા,
સરી પડશે અંગથી તમ વિરાટનો વાઘો
આપણો સંગ જ્યાં ઓગળી જશે આઘો આઘો,
મારા ગાલ પે હેતભરી જ્યાં નજરું ઠરી,
તમને પાછી મળશે ક્યાં એ હૂંફ ઓ હરિ ?

નજરું નમશે ક્યાય તમારી આ વસમી પળે
હિમશિલાની ગોદમાં જેવી સંધ્યા ઢળે,
જીવ આ મારો કાંઈ મૂંઝાતો ફરી ફરી,
શું કરશો હરિ ?

– રેઇનર મારિયા રિલ્કે – અનુ.-મકરંદ દવે

What will you do, God, when I die?
When I, your pitcher, broken, lie?
When I, your drink, go stale or dry?
I am your garb, the trade you ply,
you lose your meaning, losing me.

Homeless without me, you will be
robbed of your welcome, warm and sweet.
I am your sandals: your tired feet
will wander bare for want of me.

Your mighty cloak will fall away.
Your glance that on my cheek was laid
and pillowed warm, will seek, dismayed,
the comforts that I offered once –
to lie, as sunset colors fade
in the cold lap of alien stones.

What will you do, God? I am afraid.

– Rainer Maria Rilke

મૂળ કાવ્યનો છંદમાં કાવ્યાત્મક અનુવાદ કરવા માટે કવિશ્રીએ ઘણી છૂટ લીધી છે ……મૂળ કાવ્ય વાંચતા કાવ્યનું હાર્દ વધુ સ્પષ્ટતાથી સમજાય છે … Bertrand Russel નું ઘણું જાણીતું વિધાન યાદ આવી જાય છે – ‘ God is a sweet,self-deceptive and romantic imagination of mankind. ‘

Comments (6)

શકુંતલાની આંગળી – અનિલ જોશી

કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મન ભરી ગાતો
.                                           કાંઇ એવું તો વન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!
આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

– અનિલ જોશી

Comments (2)

(સાક્ષી) – માર્કસ આર્જેન્ટેરિયસ (અનુ. વિવેક મનહર ટેલર)

છાતી છાતી સાથે આલિંગનબદ્ધ,
સ્તન સાથે સ્તન,
અધર દબાયા છે મીઠા અધર સાથે,
અને એન્ટિગનીની ત્વચાને મારી ત્વચા બનાવીને
હું રહું છું મૌન
બીજી બધી ક્રિયાઓ પરત્વે
જે સૌ માટે આ દીવો બન્યો છે સાક્ષી.

– માર્કસ આર્જેન્ટેરિયસ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ગઈ કાલે આપણે આ કવિતાનું એક ભાષાંતર માણ્યું જ્યાં એન્ટિગનીનો ઉલ્લેખ સમજણના પ્રદેશની જરા બહાર રહી ગયો હોય એમ લાગતું હતું. પ્રસ્તુત ભાષાંતરમાં વાત થોડી સ્પષ્ટ થતી લાગે છે. બે હજાર વર્ષ પહેલાંના પુરુષપ્રધાન ગ્રીસમાં એન્ટિગનીએ એકલા હાથે પોતાના ભાઈઓની દફનવિધિ માટે જે રીતે કમર કસી હતી એ એની તાકાતનો અહેસાસ કરાવે છે… અહીં રતિક્રીડામાં સ્ત્રી-પુરુષનું સર્જાતું મૂક સાયુજ્ય એની હાજરીની તાકાતનો અહેસાસ કરાવે છે…

*

Leaning chest to chest,
breast to breast,
pressing lips on sweet lips,
and taking Antigone’s skin to my skin,
I keep silent
about the other things,
to which the lamp is registered as witness.
– Marcus Argentarius
(Greece)

Comments (3)

(સાક્ષી) – માર્કસ આર્જેન્ટેરિયસ (અનુ. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

એના નિર્વસ્ત્ર ભરાવદાર સ્તન
પડ્યાં છે મારી છાતી પર
ને એના અધરો પુરાયા છે મારા અધરો વચ્ચે.

મારી સૌંદર્યવતી એન્ટિગની સાથે
સૂતો છું હું સંપૂર્ણ સુખમાં
નથી કોઈ આવરણ અમારી વચ્ચે.

આગળ કશું નહીં કહું,
એનું સાક્ષી તો છે માત્ર ઝાંખું ફાનસ.

– માર્કસ આર્જેન્ટેરિયસ
(અનુ. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

સમજી શકાય છે કે આ કામક્રીડા સફળતાથી પૂર્ણ થયા બાદની સ્વગતોક્તિ છે. સમ-ભોગ પછીના સંપૂર્ણ સુખમાં બે દેહ અદ્વૈત અનુભવે છે પણ કવિ વિગતે કશી વાત ન કરીને આપણા રસભાવની કસોટી કરતાં હોય એમ આગળની વાર્તા ફાનસના ‘ઝાંખા’ પ્રકાશના હાથમાં છોડી દે છે…

થીબ્સના રાજા ઇડિપસના એની પોતાની માતા જોકાસ્ટા સાથેના લગ્નથી જન્મેલ અનૌરસ પુત્રી એ એન્ટિગની. એન્ટિગનીનો શાબ્દિક અર્થ ‘પુરુષ વિરોધી’ કે ‘વીર્યવિરોધી’ પણ થાય છે. મૃત્યુ પામેલા બે ભાઈઓને થીબ્સમાં જ દફન થવા મળે એ માટે એન્ટિગની લડી હતી. જો કે પ્રસ્તુત કવિતામાં એનો રેફરન્સ સમજવો મારા માટે દોહ્યલું થઈ પડ્યું છે…

Her perfect naked breast
upon my breast,
her lips between my lips,

I lay in perfect bliss
with lovely Antigone,
nothing caught between us.

I will not tell the rest
Only the lamp bore witness.

– Marcus Argentarius
(Greece)

Comments (8)

ન હું ઝાઝું માગું – સુંદરજી બેટાઈ

(ખંડશિખરિણી)

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
પણ હૃદયમાં જે વ્રણ પડયા,
સહુ સકળ એની બળતરા,
વિના ચીસે,
વિના રીસે;
.                    બસ સહનનું એવું બલ દે.

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ રિપુ રિપુત્વે મચી રહે
છતાં મારે હૈયે કદીય પ્રતિશત્રુત્વ ફણગો
ફૂટીને ફેલાયે વિષતરુ – ન એવું કદિ બને;
.                    બસ સહનનું એવું બલ દે.

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ જ જીવન છો ને, વિફલ આ
બને, તોયે કો’નાં ઉર-ઉપવનો ધ્વસ્ત કરવા,
અજાણે કે જાણે,
કદીય કો ટાણે; મુજ થકી કશુંયે નવ બને;
.                    બસ સહનનું એવું બલ દે.

ન હું ઝાઝું માગું,
કરું વા ના ત્રાગું,
પણ કદાપિ એવું પણ બને:
હું જેવાની રાખે જન્મભૂમિનાં ખાતર બને,
દઉં તો દગ્ધી હું મુજ જીવન સંપૂર્ણ હૃદયે;
.                    હૃદય ગરવે મત્ત ન બને,
.                    મન નવ ચઢે તર્કચકવે;
.                    બસ મરણનું એવું બલ દે.

– સુંદરજી બેટાઈ

હૃદયમાં પડેલા સકળ ઘા અને પીડા ચીસ પાડ્યા વિના કે રીસ રાખ્યા વિના સહન કરી શકાય, શત્રુ ભલે એનો ધર્મ નિભાવે પણ પોતાના હૃદયમાં સામી દુશ્મનીનો ફણગો ફૂટી-ફાલીને વિષવૃક્ષ બની ન જાય એટલી સહનશક્તિ કવિ ઇચ્છે છે. પોતાનું જીવન ભલે નિષ્ફળ જાય પણ જાણ્યે-અજાણ્યે અવર કોઈની જીવન-વાટિકા પોતાનાથી નાશ ન પામે એ જ કવિ ઇચ્છે છે. અને અંતે જો જન્મભૂમિમાં ખાતર બનતું હોય તો કવિ પોતાની જાત પણ બાળી આપવા તૈયાર છે… આજે તો જો કે આપણી માંગણીઓ જ બદલાઈ ગઈ છે…

(ત્રાગું= હઠ; વ્રણ=ઘા; રિપુત્વ= શત્રુત્વ; વિષતરુ=ઝેરરૂપી વૃક્ષ; દગ્ધી=જલાવી, બાળી)

Comments (5)

કુવામાં વાંસ વાંસ પાણી – જગદીશ જોષી

કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ

ઘેરાતી સાંજના તમને સોગંદ
હવે વાદળાઓ વીખેરી નાખો
જળમાં આ પંખીનો છાંયો પડે
ને તોય પંખીની થાય ભીની આંખો

છૂટા પડેલા આ ટહુકાના પીંછામાં
અંકાશી ગીત કેમ ગાશું
તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું

નહીં આવો તો યે આશ તો ઉજાસની
પણ જાશો તો ઘેરો અંધાર
ઝાલરનું ટાણું ને ગાયો ઉભરાઇ
એની આંખોમાં ડંખે ઓથાર

ચૈતરનો વાયરો વાવડ પૂછે છે
કે ક્યારે અહીં વરસે ચોમાસું

કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ

– જગદીશ જોષી

ધીમે ધીમે બે-ત્રણ વાર વાંચતા આ કાવ્ય એક જબરદસ્ત ઘેરું વિષાદ-વિશ્વ નિષ્પન્ન કરે છે…. સૂની સાંજે આપણે કૂવા-કાંઠે ઊભા હોઈએ એ કલ્પન સાથે આ ગીત ખૂબ ધીમેથી વાંચી જુઓ….

Comments (7)

આત્મની આરામગાહે – મકરંદ દવે

તમે જેને ચાહો છો એ કદી તમને ન ચાહે
તમે જેને કહો છો ચાલ, તે ના’વે તમારા એક રાહે
જિન્દગી સસ્તી નથી
ને એ મળી તમને અમસ્તીયે નથી
વેડફો શાને નિરર્થક આંસુ ને નિ:શ્વાસ ને આઘાત આહે !
તમે આગે ચલો !
આગ છોને અંતરે છૂપી જલો
પણ જિન્દગીમાં સ્મિત ભરીને બળ ધરી પંથે પળો.

આજ જે તમને ન ચાહે
છો ન આવે એક રાહે
એ જ જો દીવો હશે સાચો હ્રદે
તો આપ મેળે આવશે દોડી પથે.

ને જિન્દગીમાં જો નહીં તો-
ના હવે એ વેડફો નિ:શ્વાસ ને આઘાત આહે-
રાખજો વિશ્વાસ કે એ આવશે આખર નકી
ઉજ્જવળ તમારા આત્મની આરામગાહે .

-મકરંદ દવે

આ કાવ્ય વિષે ટિપ્પણ લખવા જેટલા સશક્ત શબ્દો મારી પાસે છે જ નહીં…….

Comments (10)

ઓછાબોલી – મિલિન્દ ગઢવી

એવામાં તો મોડાં મોડાં
અવસર લઈને આવ્યા ઘોડા
મેં કીધું કે, ‘લઈ લઉં થોડાં’, –
.                                       એ બોલી, ‘ઊંહું !’

‘कत्थई आँखों में क्या छल है ?
पलकों पे जो भीगा कल है
आँसू है या गंगाजल है ?’ –
.                                       वो बोली, ‘पानी!’

Relations went through recession
Time had come for alteration
When I stopped her at the station; –
.                                            She said, ‘Destiny!’

– મિલિન્દ ગઢવી

મરાઠીમાંથી ઊતરી આવેલ અંજની-ગીત આપણે ત્યાં શરૂથી જ બહુ પ્રેમાદર પામ્યું નથી. કાન્ત, બ.ક.ઠા. જેવા કવિઓથી માંડીને ઘણાખરા કવિઓએ એના પર હાથ અજમાવ્યો પણ વાત બહુ આગળ વધી નહીં. મનોજ ખંડેરિયાએ તો આખેઆખો સંગ્રહ અંજની-ગીતોનો આપ્યો પણ તોય અંજનીથી સર્જકો ખાસ અંજાયા નહીં. મને લાગે છે કે અંજનીનું બારીક પોત આ માટે જવાબદાર છે. ૧૬ માત્રાનો એક એવી સાડાત્રણ પંક્તિનો બંધ, જે આમ જોવા જઈએ તો દોઢ પંક્તિ જેટલો જ છે… એટલે એક બંધમાં ગઝલના એક આખા શેર કરતાં પણ ઓછી જગ્યા મળતી હોઈ કદાચ આ પ્રકાર આપણે ત્યાં વધુ પ્રચલિત થઈ શક્યો નથી.

મિલિન્દ આવા સંજોગોમાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાનું કોકટેલ કરીને એક અંજની લઈ આવે છે એ સુખદ નિશાની છે. કમાલની વાત એ છે કે મિલિન્દ અંજનીની આ સા…વ સાંકડી ગલીમાં ત્રણ ત્રણ ભાષાઓ બાથમાં ભરીને ખૂબ જ આસાનીથી ચાલી શક્યો છે. હા, જો કે એણે ત્રણેય બંધમાં અંત્યાનુપ્રાસ જાળવીને કામ કર્યું હોત તો વાત ઓર કમાલની થાત…

Comments (11)

ગેઈશા ગીત ~ અનામી (અનુ. જયા મહેતા)

આજની રાતે એકલી સૂતી છું ત્યારે
હું મારી આંસુની પથારી પર છું
ઊંડા સમુદ્ર પર
તરછોડાયેલી હોડીની જેમ.

-અનામી
(અનુ. જયા મહેતા)

જાપાનમાં વારાંગનાને ગેઈશા કહેવામાં આવે છે. માત્ર ચાર જ નાનકડી લીટીમાં એક વારાંગનાના આખા જીવનનું કેવું આબેહૂબ ચિત્ર! વારાંગનાની પાસે પોતાની જાત સાથે વાત કરી શકે એવું એકાંત ક્યાંથી હોય? એકાદ ભૂલીભટકી રાતે ગ્રાહક ન હોય એવી ક્ષણે એને મહેસૂસ થાય છે કે એ આંસુની પથારી પર સૂતી છે… વિશાળ ગહન સંસારમાં એનાથી વધુ તરછોડાયેલ બીજું કોણ હોઈ શકે?

Comments (9)

મૃત્યુફળ – ઉમાશંકર જોશી

મારે બારણે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો
નર્યું રેખાઓનું માળખું છે એ.

એને ચરણેથી એને જોઉં છું.
પીધું લીધું દીધું તે બધુંય જાણે ખંખેરીને ઊભું ન હો !

અટારીથી રાત્રિઓના આછા ઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું,
વ્યક્તિત્વની ભિન્નભિન્ન અદાઓ એની:

મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની…
શાખા બાહુ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.

– ઉમાશંકર જોશી

હું ચિત્રકાર નથી એવી કેફિયત આપીને કવિ સૂકાતા વૃક્ષનું સર્વાંગસંપૂર્ણ ચિત્ર બખૂબી દોરી આપે છે. કવિ હરીન્દ્ર દવે આ કવિતા વિશે શું કહે છે એ જુઓ:

કવિ કયા વૃક્ષની વાત કરે છે અને કયા ફળની વાત કરે કરે ? આ સંસ્કૃતિની કથા છે ? આ મૂલ્યોની વાત છે ? આ જીવનની ઝંખવાતી જતી દીપ્તિની વ્યથા છે ?

– તમે એનો કોઈ પણ અર્થ કાઢી શકો, પણ છેલ્લા શબ્દ આગળ કંપી ગયા પછી પ્રથમ પંક્તિના ક્રિયાપદ ‘રહ્યું છે’ પર આશ્વાસનની નજર મંડાઈ રહી છે. કદાચ આ વિરક્ત સ્થિતિમાંથી કોઈક નવી વસંત આવશે અને એમાં કદાચ સુકાઈ રહ્યું છે એ વૃક્ષ મહોરી પણ ઊઠે – એના શાખા-બાહુઓ વિસ્તરી ઊઠે, એને ભીંસી રાખેલું મૃત્યુફળ સરી પણ પડે – પણ કદાચ જ…!

Comments (11)

કોણ કરે ? – સૈફ પાલનપુરી

નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?

-સૈફ પાલનપુરી

Comments (7)