જાત અટકી તોય ના અટકી પીડાની જાતરા,
જો અમે પથ્થર થયા તો ટાંકણા સામા મળ્યાં !
રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for January, 2013

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

ભાર ખાલી ક્ષણનો કાયમ હોય છે !
કાં પછી સમજણનો કાયમ હોય છે !

ટાઢ, તડકો, ઝાંઝવા ને થોરથી,
દબદબો તો રણનો કાયમ હોય છે !

કોરું મન, તરસ્યા નયન, વહેતો સમય..
પ્રશ્ન બસ આ ત્રણનો કાયમ હોય છે !

ચાસ ચહેરા પર સમય પાડે અને-
વાંક કાં દરપણનો કાયમ હોય છે ?

સાવ સાચી વાત કરવી હોય પણ,
ડર સવાયા ‘પણ’નો કાયમ હોય છે !

– લક્ષ્મી ડોબરિયા

કેટલીક ગઝલો વાંચીએ અને આખો દિવસ સુધરી ગયાનું અનુભવાય… એક genuine poetry હાથમાં આવે ત્યારે એક આખો ખજાનો જડી આવ્યાનું અનુભવાય… આ ગઝલ વાંચો.. ફરી ફરીને વાંચો.. અને જુઓ, કે તમારી અંદર શાતાની લહેરખી દોડે છે કે નહીં?!

 

Comments (22)

ના આવડે – હરીન્દ્ર દવે

તારે આંગણ ઉભરાયેલા મનખાના સમ
મને મેળામાં મળતાં ના આવડે,
વાંકાબોલા આ વેણ મેલ રે વ્હાલમ,
મને ઝીણું સાંભળતા ના આવડે .

ટોળામાં સાંતેલો સૂર થૈ વિખૂટો
કોઈ વીખરેલી લહેરખીને ગોતે,
પડદાની ઘૂઘરીમાં ભાત ક્યાં પડી છે
કદી મારી’તી ચાંચ જ્યાં ક્પોતે,
કાચી રે માટીનાં ઘડતર ને તોય અહીં
પળપળમાં ગળતાં ના આવડે .

મારે એકાન્ત મને વસવા દો, આછરે
લગાર અહીં ડહોળાયાં નીર,
સાગરમાં વરસીને વાદળ ઝાંખે છે
નેહતરસી આ ભોમને લગીર,
કાળી માટીમાં ફૂટ્યાં તરણાંની જેમ
મને કિરણોમાં બળતાં ના આવડે .

-હરીન્દ્ર દવે

બહુ જ હસીન અંદાઝમાં કવિએ જાણે પ્રેમિકાને હળવો ઉપાલંભ આપ્યો છે ! મનમેળ વિનાના મેળા કરતાં તો અલગારી જીવ ને એકાંત વ્હાલું….. ખૂબ નાજુકાઈથી પરંતુ સ્પષ્ટ રીતે પ્રેમી પોતાની પ્રાથમિકતા વ્યાખ્યાયિત કરી દે છે…..એક અંગ્રેજી કવિતા છે – crowded desert [ કવિનું નામ યાદ નથી ]- જેમાં આ જ ભાવ ને કેન્દ્રમાં રખાયો છે.

Comments (8)

ગઝલ – રઇશ મનીઆર

સાવ પરપોટા જેવો આ અવતાર છે
ને સમયની સપાટી અણીદાર છે

જિંદગી, જિંદગી ! આપણાં બે મહીં
કોણ છે અશ્વ ને કોણ અસવાર છે ?

ન્યાય-અન્યાય, સુખ-દુઃખ અને સત-અસત
જે રૂપે તું મળે, તારો સ્વીકાર છે

મારું હોવું નથી મંચથી કંઈ વિશેષ
આવતી ને જતી પળ અદાકાર છે

કોતરાતાં ગયાં બેઉ એક ટાંકણે
સુખનો આકાર છે, દુઃખ નિરાકાર છે

કૈંક કરપીણ ઘટનાઓ જીરવી લીધી
એમ જીરવી કે જાણે સમાચાર છે

એક સફેદી કફન જેવી જીવતરમાં છે
સાદગી એ જ છે, એ જ શણગાર છે

– રઇશ મનીઆર

Comments (15)

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે – વિલિયમ વર્ડ્સવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે
હિમાલયના ઝરણાંઓની પાસે.
એક નોકરાણી જેને વખાણનારું ત્યાં કોઈ નહોતું
અને ચાહનારું તો જવલ્લે જ.

શેવાળિયા પથ્થર તળેનું એક જાંબુડી ફૂલ
આંખોથી અડધું ઓઝલ !
– તારા જેવું શુભ્ર, જ્યારે એક જ
ચમકતો હોય આકાશમાં.
એ ગુમનામ જ જીવી, અને બહુ ઓછાં જાણી શક્યાં
કે લ્યુસી ક્યારે હયાત ન રહી;
પણ એ એની કબરમાં છે, અને, આહ
મને પડેલો ફરક !

-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, એમ અંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’… લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતી કે કાલ્પનિક, એ આપણી કલ્પનાનો વિષય છે. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ માત્ર પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ ખૂબ વિશદ ચર્ચા જગાવી છે.

એક લગભગ ગુમનામ નોકરાણી જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે ? શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ તળે આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય !

આ કવિતા વિશે વિષદ ચર્ચા આપ અહીં માણી શકો છો.

*

She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.

A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!

– William Wordsworth

Comments (11)

ગઝલ – મિલિન્દ ગઢવી

રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા
રે લોલ દીવાઓ બિચારા હોડમાં હાંફી ગયા

આજેય સૂના કાંગરે પડઘાય કેસરિયો સમય
રે લોલ તારી યાદના ચિત્તોડમાં હાંફી ગયા

ક્યાં એકપણ રસ્તો હવે લઈ જાય મારી ભીતરે
રે લોલ મારા શ્વાસ પણ ઘરફોડમાં હાંફી ગયા

છેવટ મળી બે ગજ ધરા સૌ ઝંખના દફનાવવા
રે લોલ આથમવા સુધીની દોડમાં હાંફી ગયા*

તું આવ ત્યારે અર્થનું આકાશ લેતી આવજે
રે લોલ શબ્દો કાગળોની સોડમાં હાંફી ગયા

ઊગ્યાં કરે છે જંગલોના જંગલો છાતી મહીં
રે લોલ જ્યાં એકવાર લીલાં છોડમાં હાંફી ગયા

– મિલિન્દ ગઢવી

માનવીની અતૃપ્ત એષણાઓમાંથી જનમતી પીડાની ગઝલ… રે લોલનો ઊઠાવ લઈ જે રીતે એ આગળ વધે છે અને બધા શેરમાં જે રીતે સળંગસૂત્રતા નજરે ચડે છે એ પરથી આને ગીત-ગઝલ પણ ગણી શકાય. આમ તો બધા જ શેર ઉત્તમ છે પણ મને ઘરફોડ જેવા અનૂઠા કાફિયાને કવિ જે રીતે કવિતાની કક્ષાએ લઈ ગયા એ આ ગઝલની ઉપલબ્ધિ લાગે છે. શ્વાસની એકધારી આવ-જા અંદર કશુંક શોધવાની મથામણ ન હોય જાણે ! અને ભીતરનો ખજાનો પામવા જાણે એ ચોરની જેમ ઘરફોડી ન કરતા હોય !

(* લિયૉ તોલ્સ્ટૉયની વાર્તા ‘How much land does a man need?’ પરથી)

Comments (8)

ગઝલ – બાપુભાઈ ગઢવી

કંઈ સ્થિરતાની લાગણી અસ્થિરતાનો વ્હેમ
પૂરપાટ નદી વચ્ચે તરાપામાં હેમખેમ

તારા સ્મરણની સીમમાં પાણી-શો ખળખળું
દૃષ્ટિનું નામ ધોરિયા આંખોનું નામ ડેમ

કરચોની જેમ વાગતી રૂંવે રૂંવે ક્ષણો
જાણે ફૂટી ગયો હો સમય કાચઘરની જેમ

જ્યાં-ત્યાં બધે હવાઓ મને વીંઝતી રહે
ચકરાય શ્વાસશ્વાસ કો’ ગોફણમાં હોય એમ

દિવસો તો ગણી કાઢીએ એક્કેક કરીને
આ પ્હોરપ્હોર ભાંગતી રાતોનું કરવું કેમ ?

– બાપુભાઈ ગઢવી

ફેસબુક પરથી આ ગઝલ જડી આવી. કવિમિત્ર મિલિન્દ ગઢવીએ આ ગઝલ રજૂ કરતી વખતે સાથે જે પ્રતિભાવ મૂક્યો હતો એ જ અહીં મૂકવાની લાલચ રોકી નથી શકતો: “હૃદયની આરપાર નીકળી જાય એવી વાતોમાં મને પહેલેથી જ ઓછો રસ પડ્યો છે. હૃદયમાં રોકાય જાય એવું મને ગમે. અને આ ગઝલ વર્ષોથી હૃદયમાં રોકાયેલી છે.” (ગ.મિ.)

Comments (13)

અને – હેમેન શાહ

ધોમધખતા ઉનાળામાં ઊભેલાં વૃક્ષો
એકાએક
બંદગી માટે ઊઠેલા હાથ બની જાય છે.
આકાશ કોઈની ઉદાસ આંખ તો નથી ને ?
તડકો ભીંસે છે.. ચોમેરથી.

ત્યાં ટપ… ટપ…
આદિવાસી સ્ત્રીની પીઠ જેવો પથ્થર
હમણાં જ ભીનો થયો.
નદીનો વિષાદ ધોવાતો જાય છે
ધીમે ધીમે.

એક તાજું ફુટેલું તરણું
માથું ઊંચકે છે,
અને
નમી પડે છે આખું ચોમાસું.

– હેમેન શાહ

વર્ણનમાં કવિની બારીકી જુઓ. કવિ છેલ્લી ચાર લીટી ચોમાસું-વર્ષા-નવજીવન બધાને એક સાથે સાંકળી લે છે.

Comments (8)

ગઝલ – કૈલાસ પંડિત

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું

મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?

આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
કહેવાને આમ સાત સમંદર તરી શકું

‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?

– કૈલાસ પંડિત

A timeless classic…..

Comments (13)

નડતર – જવાહર બક્ષી

જો   ચાલવા   ચાહીશ   તો   રસ્તો  થઈ  જશે,
પગલાં   જો   હું  ભરીશ  તો  નડતર હટી જશે.
નિષ્ફળ જશે આ રણ, મને તરસાવવામાં પણ,
રેતીની  પ્યાસ  આખરૅ  મૃગજળને  પી  જશે.

– જવાહર બક્ષી

Comments (5)

ગીત – મુકેશ જોષી

આપણે ઇચ્છા વિનાનાં વાદળાં
એક હડસેલો અને જાવું પડે જ્યાં પાધરા …. આપણે

ના દિશા વસવાટની કોઈ સ્થિતિ નક્કી નથી
જન્મ કે આ મોતની કોઈ તિથી નક્કી નથી
– ને વરાળોના લીધેલા શ્વાસ કેવા આકરા …
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં

ક્યાંક અટકાવે પહાડો, ઝાડ કોઈ રાનમાં
ને દઝાડી જાય પેલી વીજ પોલા કાનમાં
આંખમાં દરિયો,છતાં નામ ખાલી વાદળાં
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં

સૂર્યની ચાબૂક હરદમ સનસની વીંઝાય લો
આ વરસવાનું નથી, બસ આંખ છે ભીંજાય લો
એક આંધીની રમત વચ્ચે થતી જે જાતરા
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં

-મુકેશ જોષી

Comments (6)

Page 1 of 3123