ક્યાં સુધી આ શક્યતાના ગર્ભમાં સબડ્યા કરું ?
પેટ ચીરીને મને જન્માવવો પડશે...
વિજય રાજ્યગુરુ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2005

સમજી જાજે સાનમાં -બાલમુકુન્દ દવે

સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ,
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ !

-બાલમુકુન્દ દવે

Comments (1)

નીકળવું છે -હરજીવન દાફડા

વારા ફરતી વારામાંથી નીકળવું છે
મારે આ જન્મારામાંથી નીકળવું છે

જન્મોથી હું એની અંદર જકડાયો છું,
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે;

તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું,
મારે તારા-મારામાંથી નીકળવું છે;

કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું?
સંસારી આ ધારામાંથી નીકળવું છે;

સદીઓથી એમાં ને એમાં સપડાયો છું
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે

કાળી ભમ્મર ખાઇ તરફ સરકાવે છે એ
જગની જર્જર ધારામાંથી નીકળવું છે

કોઇ મમતના માળા બાજુ ખેંચ્યા ના કર
મારે તારા-મારામાંથી નીકળવું છે

અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો
ભીતરના અંધારામાંથી નીકળવું છે

– હરજીવન દાફડા

(સંપૂર્ણ ગઝલ માટે આભાર, નીરજ મહેતા અને જનક દેસાઈ. નીચે કોમેંટ જુઓ.)

Comments (11)

ગમે ત્યારે હું ચાલ્યો જઈશ -ભગવતીકુમાર શર્મા

ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કિનારો હોય કે મઝધાર મારે શો ફરક પડશે ?
ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

-ભગવતીકુમાર શર્મા

Comments

દાદ -બેફામ

મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !

-બેફામ

Comments (2)

મેવાડ મીરાં છોડશે -રમેશ પારેખ

ગઢને   હોંકારો   તો   કાંગરાય   દેશે,
પણ   ગઢમાં    હોંકારો    કોણ   દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?
આઘેઆઘેથી  એને  આવ્યાં  છે કહેણ,
જઈ   વ્હાલમશું   નેણ   મીરાં   જોડશે,
હવે    તારો  મેવાડ     મીરાં     છોડશે.

-રમેશ પારેખ

Comments (4)

ક્યાંક -ચંદ્રકાંત શેઠ

ક્યાંક ઊઘડતું આવે અંતર,
ક્યાંક ઓસરી જાય !
બે આંખોમાં કંઈ કંઈ આવે,
કંઈ કંઈ ચાલી જાય !
ક્યાંક કશું પકડાતું આવે,
ક્યાંક છૂટતું જાય.

-ચંદ્રકાંત શેઠ

Comments (1)

એમ પણ બને -મનોજ ખંડેરિયા

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

-મનોજ ખંડેરિયા

Comments (8)

ખંડિત સ્વપ્નના અવશેષ -કિસન સોસા

એવા    વળાંક    પર   હવે   ઊભો છે    કાફલો
અહીંથી  જવાય રણ તરફ,  અહીંથી નદી તરફ

અહીંથી   હું   શ્વેત   શ્વેત  કંઈ  સ્વપ્ને  લચી શકું
અહીંથી     હું   અંધકારની    ખીણે    ખરી    શકું
અહીંથી   હું  ભવ   તરી  શકું -અહીંથી ડૂબી શકું
અહીંથી  જવાય  ક્ષણ તરફ, અહીંથી સદી તરફ
અહીંથી  જવાય રણ તરફ, અહીંથી  નદી  તરફ

અહીંથી   ઉમંગ   ઊડતા   અવસરમાં   જઈ વસું
કે    કાળમીંઢ    વેદનાના    દરમાં     જઈ    વસું
અહીંથી   હું   કબ્રમાં   કે   પછી   ધરમાં  જઈ વસું
અહીંથી જવાય હમણાં-તરફ, અહીંથી કદી-તરફ
અહીંથી   જવાય રણ તરફ,  અહીંથી નદી તરફ …

-કિસન સોસા

Comments (3)

એક આશીર્વાદ – દુષ્યંતકુમાર

જા તારા સપના મોટા થાય.
લાગણીઓના ખોળામાંથી ઉતરીને
જલ્દી જમીન પર ચાલતાં શીખે.
ચાંદ-તારા જેવી અપ્રાપ્ય ઊંચાઈઓને માટે
રીસાતા જીદ કરતા શીખે.
હસે
મલકાય
ગાય.
દરેક દીવાનું તેજ જોઈને લલચાય,
પોતાની આંગળી દઝાડે.
પોતાના પગ પર ઊભા રહે.
જા તારા સપના મોટા થાય.

-દુષ્યંતકુમાર

હિન્દીના મોટા ગજાના કવિ દુષ્યંતકુમારની આ કવિતા મારી અતિપ્રિય કવિતાઓમાંથી એક છે. એ વાચકને આશીર્વાદ આપવાને બદલે સીધા સપનાઓને આશીર્વાદ આપે છે ! સપનાના મોટા થવાની ઘટના આખી જીંદગી ચાલ્યા જ કરે છે. અને ખરેખર જોઈએ તો જીંદગી સપનાના સરવાળાથી વધારે છે પણ શું ?

મૂળ કવિતા एक आशीर्वाद ‘કાવ્યાલય’ પર ઉપલબ્ધ છે.

Comments

કબૂલાત -‘આદિલ’ મન્સૂરી

હા કબૂલ્યું ગુપ્તચર છું હું,
નામ બદલી
મૌનના કાળાં રહસ્યો પામવા
ભટકું અહીં
હું છગ્નવેશે.
છંદના ખંડેરમાં બેસું કદી
બાવો બની,
લયની સૌ ભઠિયારગલીઓમાં
સદા ભૂખ્યાનો કરતો ડોળ
રખડું.
હાઈકુના સત્તરે અક્ષર મહીં
સંકેત કરતો,
ફૂંક મારે દઉં ગઝલના કાનમાં.
એકેક ચપટા શબ્દના પોલાણને,
અંદર જઈ જોઉં તપાસું,
સહેજ પણ શંકા જો આવે કોઈને તો
અર્થના નકશાઓ ચાવી જાઉં.
હા કબૂલ્યું ગુપ્તચર છું હું.

-‘આદિલ’ મન્સૂરી

Comments (2)

Page 1 of 3123