હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
જલન માતરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મૌનનો પડઘો

મૌનનો પડઘો શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મૌનનો પડઘો : ૧૫ : રિઓકાન

The flower invites the butterfly with no-mind;
The butterfly visits the flower with no-mind.
The flower opens, the butterfly comes;
The butterfly comes, the flower opens.
I don’t know others,
Others don’t know me.
By not-knowing we follow nature’s course.

પુષ્પ મન-રહિત હોય છે જયારે તે પતંગિયાને આમંત્રે છે;
પતંગિયું મન-રહિત હોય છે જયારે તે મુલાકાતે જાય છે પુષ્પની .
પુષ્પ ખીલે છે, પતંગિયું આવે છે;
પતંગિયું આવે છે,પુષ્પ ખીલે છે.
અન્યોને હું જાણતો નથી,
અન્યો મને જાણતા નથી .
અણજાણપણાથી અમે કુદરતની લીલાને અનુસરીએ છીએ .

– Ryokan

[ no-mind અને not-knowing શબ્દો આ કાવ્યમાં ખાસ ભાવ માટે પ્રયોજાયા છે . એવો કોઈ ગુજરાતી શબ્દ ધ્યાનમાં નથી આવતો કે જે આ ભાવનું સુપેરે વહન કરે . આથી ભાવકોને વિનંતી કે મૂળ અંગ્રેજી ભાવ ના અનુસંધાનમાં આ કાવ્યનું રસપાન કરે . ]

આ કાવ્યમાં બે મૂળભૂત સિદ્ધાંતોને અત્યંત નાજુકાઈથી રજૂ કરાયા છે – એક no-mind અને બીજો aloneness . ‘no-mind’ નો ભાવાનુવાદ કંઈક આ રીતે થઇ શકે – મન એટલે અસંખ્ય વિચારો,યાદો,અનુભવો,પૂર્વગ્રહો,વહેમ ઇત્યાદિનું સંગ્રહસ્થાન . ટૂંકમાં જન્મથી ચાલ્યા આવતા અતિશાક્તિશાળી conditioning નું પરિણામ એટલે મન . no-mind એટલે આ રોગથી મુક્ત એવું ચિત્ત – જે પ્રત્યેક ક્ષણે તદ્દન નવું જન્મતું હોય છે અને મૃત્યુ પામતું હોય છે – જે સમયની કેદથી મુક્ત છે. જેને J Krishnamurti ‘totally fresh and free mind ‘ તરીકે વર્ણવે છે . ‘choiceless awareness ‘ આવા મન માટે જ શક્ય હોય છે . aloneness એ કુદરતનો શાશ્વત નિયમ છે . aloneness શાશ્વત છે,બાકી સઘળું તેમાં ખલેલ છે .

Comments (9)

મૌનનો પડઘો : ૧૪ : અને છતાં… – ઈસા

n6348

જગત છે ઝાકળ,
ખરે જ છે ઝાકળનું જગત,
અને છતાં… અને છતાં…

એમની અઢી વર્ષની દીકરી મૃત્ય પામી ત્યારે આ હાઈકુ ગુરુ ઈસાના હ્રદયમાંથી નીકળી પડેલું. જગતને માત્ર આભાસી ઝાકળબિંદુ તરીકે જોવા ટેવાયેલા ગુરુ ઈસા, દીકરીના મૃતદેહ પાસે શોક અને ગમગીનીમાં સરી પડે છે. અને એ લાગણીને છુપાવવાને બદલે આ હાઈકુમાં કંડારી લે છે.

એક ઝેનકથા છે : એક માણસ વાઘથી બચવા ભેખડ પરના ઝાડ પર ચડી જાય છે. ડાળ એનું વજન લઈ શક્તી નથી અને એ માણસ લટકી પડે છે. નીચે જુએ તો ત્યાં બીજો એક વાઘ ઊભો છે. બન્ને બાજુ વાઘ એની રાહ જોતા ઊભા છે અને ડાળી ધીમે ધીમે તૂટી રહી છે. આવા સંજોગોમાં એની નજર બાજુમાં ઊગેલી સ્ટ્રોબેરી પર પડે છે. એ સ્ટ્રોબેરી ચાખવાની લાલચ જતી કરી શકતો નથી. ચાખતા જ એના મોઢામાંથી નીકળી પડે  છે, “વાહ ! આટલી સરસ સ્ટ્રોબેરી તો મેં જીંદગીમાં કદી ચાખી નથી!”

ઈન્દ્રિયોનું દમન કે લાગણીનો સંહાર એ અકુદરતી છે. ઝેનને અકુદરતી કશું ખપતું નથી.

Comments (7)

મૌનનો પડઘો : ૧૩ : ચિંગ-ટિ’ન્ગ પર્વત પર ઝાઝેન – લી પો

ss101134_japanese_mountains_landscape

આકાશેથી પક્ષીઓ અદ્રશ્ય થઈ ગયા છે.
છેલ્લું વાદળું વરસી ચૂક્યું છે.

ભેગા બેઠા રહીશું, પર્વત અને હું,
જ્યાં સુધી બાકી રહે માત્ર પર્વત.

– લી પો

ઝેન ઘર્મમાં રોજ ધ્યાનમાં બેસવાનો મહિમા છે. એને ઝાઝેન કહે છે. ઝાઝેનના અનુભવને વર્ણવતું આ ગુરુ લી પો નું કાવ્ય, ઝાઝેનની વિભાવનાને બહુ માર્મિક રીતે સમજાવે છે.

ઝાઝેનના પહેલા સ્તરે પક્ષીઓ અને વાદળો – એટલે કે ખલેલ પહોંચાડે એવું બધું – ચિત્તમાંથી અદ્રશ્ય થઈ જાય છે. મન દરેક જાતના વિક્ષેપને અતિક્રમી જાય છે. એ પછી બચે છે બસ પર્વત અને જાત. અને ઝાઝેનના અંત સુધી એમાંથી માત્ર પર્વત બાકી રહે છે. જાતનો સંપૂર્ણ લોપ થાય છે. દર્શક જાતે જ દ્રશ્યમાં મળી જાય છે. મન જગતને એના સાચા સ્વરૂપે -પોતાની જાતના પણ વિક્ષેપ વિના- જોવા માટે સજ્જ થઈ જાય એ ઝાઝેનનું ધ્યેય છે.

Comments (9)

મૌનનો પડઘો : ૧૨ : યુઆન વુ

The golden duck no more issues odorous smoke behind the brocade screens,
Amidst flute-playing and singing,
He retreats, thoroughly in liquor and supported by others :
A happy event in the life of a romantic youth,
It is his sweetheart alone that is allowed to know.

– Yuan-wu [ 1063-1135 ]

હવે સોનેરી બતક જરીભરેલાં પરદાઓ પછિતે સુગંધિત ધુમ્રસેરો છોડતું નથી,
પાવાના નાદ અને ગાન વચ્ચે,
તે પ્રત્યાગમન કરે છે, સંપૂર્ણ મદમસ્ત…અન્યોના સહારે:
રસિક યુવાના જીવનની એક આનંદમય ઘટના,
માત્ર તેની હૃદયેશ્વરી જ આ ભેદ જાણવાની અધિકારિણી છે .

-યુઆન વુ

એક જુદા જ અંદાઝની ઝેન કવિતા . romanticism થી છલકતી આ ઝેન-કવિતામાં ઝેન તત્વ શોધ્યું જડે તેમ નથી ! એ જ આ કાવ્યનો સંદેશ છે . ઝેન કોઈ જ રૂઢિઓ નો ગુલામ નથી ….કોઈ જ ઘરેડ ઝેનને બાંધી શકતી નથી . Yuan-wu એક મહાન ઝેન સંત હતા અને તેઓએ Sung Dynasty માં આધારભૂત ગણાતો Hekiganshu નામનો ગ્રંથ રચ્યો હતો .

Western World માં પણ અમુક તીવ્ર સંવેદનશીલતા ધરાવતા સર્જકો એ જે રચના કરી છે તે પણ Dr Suzuki ના મતાનુસાર ઝેન રચનાઓ જ છે . એક ઉદાહરણ –

To see a world in a grain of sand,
And a heaven in a wild flower,
Hold infinity in the palm of your hand
And eternity in an hour.
-Blake

ઝેન અને અન્ય પંથ વચ્ચેની સામ્યતા :-

બૌદ્ધધર્મ ઉપરાંત સુફીમત અને હિંદુ ઉપનિષદ – આ બે સાહિત્યને વાંચતા આપણને ઝેનના ઘણા અંશો દેખાય . ઝેનનું મૂળ હિન્દુધર્મમાં જ રહેલું મનાય છે . અમુક હિંદુ તત્વચિંતકો કે જેઓ કર્મ-કાંડથી ત્રાસી ગયા હતા તેઓ ઉપનિષદના અર્ક સમાન તત્વોને આત્મસાત કરીને એક ક્રાંતિકારી પથ ઉપર ચાલી નીકળ્યા અને આમ ઝેન અસ્તિત્વમાં આવ્યો એવી એક આધારભૂત માન્યતા છે . આ ઉપરાંત mysticism માં ઝેનના અનેક અંશો દેખાય છે . ભારતમાં અત્યારે ઝેન વિચારધારા એટલી પ્રચલિત નથી,પરંતુ પુરાતનકાળમાં હિમાલય ઘણા ઝેન યોગીઓનું નિવાસસ્થાન હતો . એક પ્રસંગ – કે જે સાચો મનાય છે – તે આ પ્રમાણે છે :-

એકવાર બોધિધર્મ [ ઝેનના પ્રણેતા સમાન ગુરુ ] ભારતથી પ્રવાસ ખેડીને ચીન આવી રહ્યા છે એવા સમાચાર ચીનના શહેનશાહને મળ્યા . શહેનશાહ પોતાના દરબારીઓ સાથે ઠેઠ સરહદ પર સામે લેવા ગયા . સામેથી એક મેલો-ઘેલો ખાસ્સો જાડો બટકો માણસ એકલો ડોલતો ડોલતો પોતાની મસ્તીમાં આવી રહ્યો હતો . એક જાણકારે તેને ઓળખી કાઢ્યો અને શહેનશાહને કહ્યું- આ જ બોધિધર્મ છે . શહેનશાહના આશ્ચર્યનો પર ન રહ્યો . તેણે વિનયપૂર્વક સત્કાર કરીને તેઓને આવકાર્યા અને પોતે પોતાના સામ્રાજ્યમાં ઝેન સંપ્રદાય માટે કેટલી બધી સગવડો ઉભી કરી છે તેનું વર્ણન પોતાના ચમચાઓ પાસે કરાવ્યું . સાંભળી બોધિધર્મએ અટ્ટહાસ્ય કર્યું….. શહેનશાહ આભો જ બની ગયો ! થોડાક ક્રોધ સાથે તેણે આ અવિનાયનું કારણ પૂછ્યું . બોધિધર્મએ ઉત્તરમાં પોતાના જૂતા ઉતારીને તે જૂતા માથે મૂકીને ચાલવા માંડ્યું . સૌ કોઈ સડક થઇ ગયા ! ફરીથી અટ્ટહાસ્ય કરીને બોધિધર્મ બોલ્યા – ‘ રાજા, જૂતાનું કામ છે પગનું રક્ષણ કરવાનું . તેને માથે ન મૂકાય,બરાબર? તે જ રીતે સંપત્તિનું કામ છે માનવતાની સેવા કરવાનું . તું એને તારા માથે મૂકીને ચાલે છે . સંપત્તિ અને જૂતામાં જયારે તું કોઈ જ ફરક નહિ ભાળે ત્યારે હું તારા રાજ્યમાં આવીશ .’

Comments (1)

મૌનનો પડઘો : ૧૧ : બાશો

‘Tis an ancient pond,
a frog leaps in-
Oh,the sound of water !

Basho

આ એક જૂનું તળાવ
દેડકો અંદર કૂદે છે –
ઓહ, જળઘોષ !
– બાશો

આ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું હાઇકુ છે . જયારે બાશો ને સટોરીનો અનુભવ થયો હતો ત્યારે તેઓ એક તળાવના કિનારે બેઠા હતા અને એક દેડકો પાણીમાં અચાનક કૂદે છે, અને તે જ ક્ષણે તેઓના આંતરચક્ષુ સંપૂર્ણપણે ખુલી જાય છે . બસ,તે ક્ષણને તેઓ એ આ હાઇકુમાં રજૂ કરી છે .

દેડકો જાપાનના સાહિત્યમાં વારંવાર એક રૂપક તરીકે પ્રયોજાય છે . તેને શાંતિ અને એકલવાયાપણાનું પ્રતિક માનવામાં આવે છે . એક બીજું ઉદાહરણ જોઈએ –

A sudden thundering up in the sky
And the whole world is taken aback,
But,
A frog ‘way down in the well
Has not raised even its head.

બાશો ના હાઇકુને જુદી જુદી રીતે સમજી શકાય એમ છે,પરંતુ આ હાઇકુ વાંચતા જે અર્થ ભાવકને સૌથી પ્રથમ સ્પષ્ટ થાય તે જ અર્થ તે ભાવક માટે સાચો ગણાય….

Comments (4)

મૌનનો પડઘો : ૧૦ : બાશો

Like the little stream
Making its way
Through the mossy crevices
I, too, quietly
Turn clear and transparent.

-Basho

જેમ એક નાનકડું ઝરણું
પોતાનો માર્ગ કરે છે
કાદવ-કીચડ-લીલવાળી તિરાડોમાંથી
હું, પણ, નિર્ઘોષ
બનું છું નિરભ્ર અને પારદર્શક .

-બાશો

કાવ્ય પ્રમાણમાં સરળ અને સ્પષ્ટ છે . બાશો ઝેનના એક પ્રમુખ ગુરુ હતા . તેઓ પાસે ઘણા તેજસ્વી શિષ્યોનો મેળો જામેલો રહેતો .

ઝેન અને વ્યવહાર –
સ્વાભાવિક છે કે આ વિચારધારા વ્યવહારમાં અમલમાં મૂકવી અઘરી જ હોય . Vietnam ના બૌદ્ધ સાધુ Thich Nhat Hanh ના મત અનુસાર એવું નથી . ઝેન કોઈપણ વસ્તુ ત્યાગવાનો સંદેશ નથી આપતો . ઝેનનો વ્યવહારુ સંદેશ છે પરિસ્થિતિનો સંપૂર્ણ અને સાહજીકતાથી સ્વીકાર કરવાનો છે . તો પછી શું પ્રતિકૂળ સ્થિતિ અથવા તો અન્યાયનો પણ એ રીતે સ્વીકાર કરવો ? – ના . હરગીઝ નહીં . Thich Nhat Hanh સ્પષ્ટરૂપે કહે છે કે ઝેનસાધક ક્યાં તો એ પરિસ્થિતિથી જોજનો દૂર ચાલ્યો જશે અથવા તો પોતાની પૂર્ણ તાકાતથી એનો મુકાબલો કરશે પરંતુ એના મનમાં વેર-વૈમનસ્ય નહિ હોય . ઝેનમાં પ્રચલિત સામાજિક જીવનનો વિરોધ નથી,પરંતુ તે સાધકના પગની બેડી ન બની જાય તે સભાનતા પ્રતિક્ષણ આવશ્યક છે . પરંપરાગત રીતે ઝેન-સાધના monastry માં એકાંતમાં કરવામાં આવતી હોય છે,પણ એવો કોઈ અફર નિયમ નથી . Japan , China , Vietnam વગેરે દેશોમાં અનેક કેન્દ્રો આ વિચારધારાને લોકો સુધી પહોંચાડે છે .

Comments (6)

મૌનનો પડઘો : ૦૯ : – હો કોજી

રોજ, ખાસ કશું જ નહીં,
સંમત થાઉં છું જાત સાથે,
કોઈ પસંદગી નથી કરવાની, નથી કશું ત્યજવાનું .
ન આગમન છે,ન તો કોઈ પ્રસ્થાન છે .
કોઈ જાંબલી વ્યક્તિ નથી,
ભૂરાં પર્વતો છે સાવ રજકણ રહિત .
હું ગૂઢ અને સૂક્ષ્મ શક્તિ પ્રયોજું છું,
પાણી વહન કરતાં, કાંધે બળતણ ઉપાડતાં.

– હો કોજી

 

Daily, nothing particular,
Only nodding to myself,
Nothing to choose, nothing to discard.
No coming, no going,
No person in purple,
Blue mountains without a speck of dust.
I exercise occult and subtle power,
Carrying water, shouldering firewood.

-Ho Koji

 

ઝેન શું છે ? – આ અંગે અસંખ્ય મતમતાંતરો પ્રવર્તે છે . Western countriesમાં ‘ન સમજાય એવી પૂર્વની એક વિચારધારા’ – આવું અર્થઘટન સામાન્ય હતું. ભારતમાં પણ આજેપણ કોઈક કવિતા અતિકલીષ્ટ હોય તો મજાકમાં એને ‘ઝેન કવિતા’ કહેવાય છે ! ઝેન વિચારધારાને સુવ્યવસ્થિતરૂપે western world માં રજૂ કરવાનું શ્રેય Dr D T Suzuki ને જાય છે. જાપાનના આ મહાવિદ્વાન અભ્યાસુ-સંતે અનેક પુસ્તકો લખ્યા છે ઝેન અને તેને લગતા વિષયો ઉપર. રસ ધરાવનાર સૌને અત્યંત રસાળ ભાષામાં લખાયેલા Essays in Zen Buddhism Volume 1,2,3′ વાંચવાની ખાસ ભલામણ છે .

‘ઝેન’ શબ્દ આવ્યો છે મૂળભૂત રીતે ‘ધ્યાન’ માંથી. ‘ ધ્યાન > ચાન > ઝાન > ઝેન’ -આ રીતે વ્યુત્પત્તિ છે . એવી વ્યાપક માન્યતા છે કે ઝેન એ બૌધધર્મનો એક ફાંટો છે . પરંતુ આ વાત નિર્વિવાદ નથી. Dr. Suzuki ના અભિપ્રાય અનુસાર ઝેન વિચારધારા ભગવાન બુદ્ધ પહેલાના સમયથી અસ્તિત્વમાં હતી,પરંતુ બુદ્ધના ઉપદેશ અને ઝેન વિચારધારા વચ્ચે એટલું અદભૂત સામ્ય હતું અને ભગવાનનો પ્રભાવ એટલો પ્રચંડ હતો કે આવી એક માન્યતા પ્રચલિત થઇ ગઈ કે ઝેન એ બૌધધર્મનો એક ફાંટો છે . એક રસપ્રદ પ્રશ્ન એ છે કે શું ભગવાન બુદ્ધના વિકાસમાં કોઈ ઝેન સાધુનો ફાળો હોઈ શકે ? – આ બાબતે કોઈ આધારભૂત સાહિત્ય નથી . પરંતુ Dr. Suzuki એક વાત સાબિત કરી આપે છે કે બૌધધર્મ અને ઝેનમાં જેટલું સામ્ય છે,તેટલી જ ભિન્નતા પણ છે .કોઇપણ ધર્મ,સંપ્રદાય,પંથ ઇત્યાદિનું મૂળ હોય છે એક inquiry – કોઈક તીવ્ર જિજ્ઞાસુ માથાનો ફરેલો માણસ કોઈ પ્રશ્નનો જવાબ મેળવવા સામા પ્રવાહે તરે છે અને તેને સંતોષ થાય તેવો જવાબ મેળવીને જ જંપે છે ત્યારે તે કરુણાથી પ્રેરાઈને પોતાના જેવા અન્યોનો પથદર્શક બને છે . આ રીતે ધર્મ કે સંપ્રદાયની શરૂઆત થાય છે. ઝેન અહીં જ જુદો પડી જાય છે . ઝેન-ઈતિહાસમાં આવી કોઈ ઘટનાની નોંધ નથી .

ઝેનને અને વાચાળતાને બાપે માર્યા વેર છે . એક અક્ષર તો ઝેનમાં એક દળદાર ગ્રંથ કહેવાય !! પ્રશ્નો છે, જવાબ આપનાર કોઈ નથી . ઝેન-ગુરુ કોઈ પ્રવચન આપતા નથી . ગુરુના જીવનમાંથી, ગુરુના વ્યવહારમાંથી જે શિષ્ય જે કંઈપણ શીખે, તે તેનું ભાગ્ય ! ઠોઠ નિશાળિયા માટે કોઈ અલગ વ્યવસ્થા નથી. ઝેનનો પાયાનો સૂર એ છે કે જો તમને પાણીની અંદર ડૂબાડી દેવામાં આવે અને તમે જે રીતે શ્વાસ લેવા તરફડો, તેવી તીવ્રતાથી જયારે તમે આત્મજ્ઞાન [ સટોરી ] માટે તરફડશો ત્યારે જ તમે તેના અધિકારી બનશો . ત્યારે તમારી યાત્રાના શ્રીગણેશ થશે . ઝેનમાં મૌન એ જ ભાષા છે . મૌન એટલે શારીરિક મૌન નહિ – વિચારોનું મૌન. સંપૂર્ણ રીતે અવિક્ષિપ્ત મન . તમામ પ્રકારના પૂર્વગ્રહો અને અભિપ્રાયોની ગંદકીથી મુક્ત મન . એવું મન કે જેને માટે પ્રત્યેક ક્ષણ એ એક નવો જન્મ છે. જેને માટે જન્મ-મૃત્યુ એક જ છે. જે પોતાના પૂર્ણ હાસ્યથી હશે છે અને હૈયાફાટ આક્રંદ પણ એ જ સહજતાથી કરી શકે છે . જ્ઞાનના ભારથી એ બેવડ વળેલો નથી- એને જ્ઞાન સાથે કોઈ લેવા-દેવા જ નથી. એ મસ્ત છે . અસ્તિત્વનો ઉત્સવ ઉજવવામાંથી એને પળની પણ નવરાશ નથી. ઝેન-ગુરુ સૌપ્રથમ ‘ગુરુ’ શબ્દની વ્યાખ્યા જ બદલીને ત્યાર બાદ જ આગળ વાત કરે છે . જીવનની ઠોસ હકીકતોમાંથી ઝેનનો વિદ્યાર્થી પાઠ શીખે છે . ઝેન એ જીવનનો સંપૂર્ણ સ્વીકાર છે – જીવન જે સ્વરૂપમાંછે તેનો સંપૂર્ણ સ્વીકાર. ઝેનની ક્રાંતિ એ બાહ્ય ક્રાંતિ છે જ નહિ, એ તમારી જીવનને જોવાની દ્રષ્ટિને બદલતી ક્રાંતિ છે. કોઈની પાસે જઈને કંઈપણ શીખવવું એ ઝેનની શીખ નથી. જિજ્ઞાસુ જો ગુરુ પાસે આવે તોપણ ગુરુ કંઈ જ કહેતા નથી . જો શિષ્ય નિરાશ થઈને ચાલ્યો જાય તો રોકતા નથી. જે સાથે રહે તેને કોઈ ઉપદેશ આપતા નથી. યોગ્ય સમયે કોઈક માર્મિક પ્રશ્ન અથવા કોયડો [koan] પૂછે છે જેનો જવાબ શોધવામાં કોઈ જ મદદ કરતા નથી. શિષ્ય જો પાત્ર હશે તો તે જાતે ઉત્તર મેળવશે . તે ઉત્તર સાચો છે કે નહિ,તે પણ તેઓ બોલતા નથી. આમ આ પંથ નિરાળો છે …… ઝેન એ પૂર્ણરીતે કોઈપણ જાણીતા માર્ગમાં બંધબેસતો નથી – જેમ કે જ્ઞાનમાર્ગ, કર્મ નો સિદ્ધાંત, ભક્તિમાર્ગ, રહસ્યમાર્ગ ઈત્યાદી . તે જ્ઞાનમાર્ગ અને mysticism ના સમન્વય સમાન છે . આત્મા નો કોઈ જ ઉલ્લેખ નથી . જીવન એ પ્રથમ અને અંતિમ શ્વાસ વચ્ચેનો ખેલ છે – ન તો તેની પહેલા કઈ છે કે ન તો પછી. ઘણા વિદ્વાનો ઝેનને શૂન્યતા નો માર્ગ કહે છે. (Philosophy of negation)

ઝેન કવિતા – શુદ્ધરૂપે ઝેન-કવિતા જેવું કંઈ છે જ નહીં . સટોરીની કક્ષાએ પહોંચતા સાધકના મુખમાંથી જે ઉદગારો સહજ સરી પડે તે ઝેન-કવિતા ! ઝેન સાધક ન હોય તેવા પ્રબુદ્ધ વ્યક્તિ એ પણ આ પ્રકારની રચનાઓ કરી છે જે આપણે આ શ્રેણી દરમ્યાન માણીશું .

ઉપરોક્ત કાવ્ય વિષે કોઈપણ સમજૂતી આપવાની ઝેન વિચારધારા સ્પષ્ટ ના પડે છે. ભાવક પોતાની રીતે પોતાનો અર્થ તારવે તેવો ઝેનનો ભાવ છે. માત્ર એક ઈંગિત કરવાની ઈચ્છા રોકી નથી શકતો – ઝેન સાધક અહીં સંપૂર્ણ awareness સાથેના રોજીંદા જીવનને જ સર્વોચ્ચ અવસ્થા વર્ણવે છે. કોઈ ચમત્કાર કે ઈશ્વરીય તત્વનો સંપૂર્ણ અસ્વીકાર છે અને જીવન જે છે તેનો કોઈ જ conditioningની ગુલામ ન હોય તેવી ચેતના દ્વારા થતો બિનશરતી સ્વીકાર છે.

Comments (8)

મૌનનો પડઘો : ૦૮ : ઝેન હાઇકુ – યૌસુનારી ફાટ્સોનાબી

japanese-woodcut-2

 

સાચું ! સૌ લખે
એક જ મૃત્યુકાવ્ય,
હુ છું અનેક.

– યૌસુનારી ફાટ્સોનાબી
(અનુ. વિવેક મનહર ટેલર)

 

મોટાભાગના ઝેન-માસ્ટર એક જ મૃત્યુકાવ્ય લખી ગયા છે. પણ ફાટ્સોનાબીએ હજારથી વધુ મૃત્યુકાવ્ય લખ્યા છે. એ સ્થૂળ સંદર્ભ બાજુએ મૂકીને આ હાઇકુ જોવા જેવું છે. આ ખરેખર કવિતાની વાત છે કે જિંદગીની? કવિ કદાચ કહે છે કે બધા એક જ જિંદગી જીવીને મરી જાય છે પણ હું એક માણસ નથી, હું અનેક માણસ છું. હું એક માસ્ટર નથી, હું અનેક માસ્ટર છું માટે હું એક નહીં, અનેક જિંદગી જીવી શક્યો છું.

Comments (4)

મૌનનો પડઘો : ૦૭ : બારીમાં ચાંદ – રિઓકાન

T-322

 

તક્ષક, લીધું
સઘળું પણ ભૂલ્યો
બારીમાં ચાંદ

– રિઓકાન

 

આ હાઈકુની પાછળ એક કથા છે:

એક રાત્રે રિઓકાનની મઢુલીમાં ચોર ઘૂસી આવ્યો. રિઓકાન ઊંધમાંથી ઉઠ્યા ત્યારે બિચારો મઢુલીમાંથી કશું ન મળવાને કારણે નાસીપાસ થઈને જવાની તૈયારીમાં હતો. રિઓકાને એને રોક્યો, ‘તું આટલે દૂરથી મારે ધરે આવ્યો છે. તને ખાલી હાથ ન જવા દેવાય. એમ કર, મારા કપડા મારા તરફથી ભેટ તરીકે લઈ જા.’ ચોર બાપડાની તો આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. એણે કપડા લીધા અને જલદીથી ભાગી છૂટ્યો. રિયોકાન નગ્ન શરીરે ખૂણે બેઠા બેઠા બારીમાંનો પૂર્ણ-ચંદ્ર જોતા ગણગણ્યા, ‘કાશ, હું એ બિચારાને આ ખૂબસૂરત ચાંદ આપી શકત.’

ઝેન એ સઘળું(everything) અને કશુંય નહીં(nothing) બન્નેને એક જ સરખા આનંદ સાથે માણવાની કળા છે.

Comments (5)

મૌનનો પડઘો : ૦૬: કુદરતી સર્જનશક્તિ – લાઓઝી

NM-CJ044Sb

ખીણનો આત્મા કદી ખૂટતો નથી.
આને કહે છે “તળહીન સ્ત્રી”.
તળહીન સ્ત્રીનો દરવાજો:
આને કહે છે “બ્રહ્માંડનું ઉદગમસ્થાન”.
રેશમી ! જાણે કે એનું અસ્તિત્વ છે.
એને વાપરવામાં, આરામથી.

– લાઓઝી

આ તે કવિતા કે કોયડો ?

ધ્યાનથી પસાર થઈએ તો પુરુષવાદી સમાજ વિરુદ્ધનો સૂર અહીં સંભળાય છે. કંફ્યુસિયસ, એરિસ્ટોટલ જેવાઓએ પુરુષને જ સૃષ્ટિનો આધાર ગણ્યો હતો એવા સમયે ઇસુના ત્રણસો વર્ષ પૂર્વે સ્ત્રીની કુદરતી સર્જનશક્તિને સલામ કરતી આવી કવિતા મળી આવે એ મોટી વાત છે. ખીણની ફળદ્રુપતા જે કદી ખૂટતી નથી અને જેની સમૃદ્ધિનું કોઈ તળિયું હાથ આવતું નથી એનો આકાર સ્ત્રીયોનિ જેવો છે જેને કવિ બ્રહ્માંડનાઅ ઉદગમસ્થાન સાથે સરખાવે છે. પણ કવિ ‘હેન્ડલ વીથ કેર’ જેવી ચેતવણી આપે છે. સ્ત્રીનું જાણે કે એનું અસ્તિત્વ જ ન હોય એવી રેશમી મુલાયમતાથી અને આરામથી ઉપયોગ અને ઉપભોગ કરો તો એનો આત્મા અખૂટ છે… એ આપતી જ રહેશે… આપતી જ રહેશે…

Comments (11)

મૌનનો પડઘો : ૦૫: મૂલ્યોનો ઉથલો – લાઓઝી

144597_full_1024x662

આકાશ તળે, પાણીથી વધુ કોમળ અને વધુ ઇચ્છાનુવર્તી બીજું કશું નથી.
અને તોય જ્યારે એ નક્કર, સખત પદાર્થો પર આક્રમણ કરે છે,
એમાનું કોઈ એની સામે જીતી શકતું નથી.
કારણ તેઓ પાસે એને ખસેડી શકે એવું કશું નથી.
એ જે સાનુકૂળતા તાકાત સામે જીતી જાય છે;
એ જે કોમળતા સખ્તાઇ સામે જીતી જાય છે,
એ વાત સામાજીક વિશ્વમાં કોઈ પણ સમજી શકવામાં નિષ્ફળ રહે છે.
કોઈ પણ એનો મહાવરો કરી શકતું નથી.
માટે જ સાધુઓએ કહ્યું છે,
સ્થિતિની અપૂર્ણતાનો સ્વીકાર કરો.
સાચું પ્રવચન એ વિરુદ્ધોને પલટાવવા જેવું છે.

-લાઓઝી
(અનુ. વિવેક મનહર ટેલર)

ઝેન વિચારધારા આપણી રુઢિગત વિચારધારાથી સાવ અલગ છતાં નકરી સચ્ચાઈભરી છે. કોઈ પણ સખત પદાર્થ સામે પાણી વિરોધ કર્યા વિના ઝૂકી જાય છે પરિણામે એ જીતી જાય છે. પાણીને જે રંગમાં મેળવો, એ રંગે રંગાઈ જાય છે, જે પાત્રમાં ભરો એનો આકાર લઈ લે છે. પાણી વિરોધ નથી, સમર્પણ છે માટે એ અજેય છે. આ કોમન સેન્સ છે પણ લોકો સમજી શકતા નથી. જીવનમાં જે અપૂર્ણતા છે એનો સ્વીકાર કરી લેવો એ પોતે અપૂર્ણતાથી મુક્તિ મેળવવા બરાબર છે. આપણી જિંદગી પૂર્ણતાની પ્રાપ્તિ પાછળ દોડવામાં પૂરી થઈ જાય છે. સ્થિતિનો યથાતથ સ્વીકાર એ જ ખરી પૂર્ણતા છે. આપણા પ્રવચનો, ધર્મ, ઉપદેશ એ વિરોધી વસ્તુઓને સાચું સાબિત કરવા જેવા છે.

નિરપેક્ષ સંપૂર્ણ તાટસ્થ્ય એ ઝેન વિચારધારાનો પ્રાણ છે, જો સમજી શકાય તો !

Comments (4)

મૌનનો પડઘો : ૦૪: ઓળખ – ફોયાન

422713565_86dc47287b

આ એના જેવું છે કે તમારી આંખ
જે બધું જ જોઈ શકે છે
પણ પોતાને જોઈ શકતી નથી.
આવું જ છે તમારું મન પણ.
એનો પ્રકાશ બધું જ ભેદી વળે છે
અને બધાંને ગળી જાય છે,
પણ તો એ પોતાને જ કેમ ઓળખી શકતું નથી?

– ફોયાન
(અનુ.વિવેક મનહર ટેલર)

ઝેન વિચારધારા એટલે પોતાની જાતથી અલગ થવાની કળા. બધા જ ધર્મમાં આ કરો અને આ ન કરોનો બોધ પ્રવર્તે છે જ્યારે ઝેન વિચારધારા એટલે કશું પણ ન કરવાની વિશુદ્ધ નિર્લેપતા. જ્યારે તમે બધું છોડી દો છો ત્યારે જ પ્રકાશ પ્રાપ્ત થાય છે. તમારી આંખ જે બધું જ જોઈ શકે છે પણ પોતાને જોઈ શકતી નથી.  મનનું પણ એવું જ અને એવું જ તમારી જાતનું. તમે તમારાથી અલગ થાવ તો જ તમે તમારી સચી જાતને જોઈ-ઓળખી શક્શો.  આ detachment from self એ જ ઝેન વિચારધારા છે…

Comments (7)

મૌનનો પડઘો : ૦૩ : અસ્તિત્વ છે ઘર આપણું – હોફુકુ સૈકાત્સુ

lake-landscape-rachel

મને ન કહો કે રસ્તો કેટલો મુશ્કેલ છે !
પક્ષીનો પથ, વાંકોચૂકો દૂર સુધી
તમારી સામે જ છે.

તાપી નદીનું પાણી
તમે સમુદ્રને પરત કરો
હું પર્વતને.

– હોફુકુ સૈકાત્સુ
(અનુ. વિવેક મનહર ટેલર)

ઝેન કવિતા એટલે એક જીવંત શબ્દ-ચિત્ર. ઝેન કવિતામાં શબ્દ તો ઓછાં હોય છે પણ શબ્દોની વચ્ચેનો અવકાશ વધુ હોય છે. આ અવકાશ વાંચવાની કળા એટલે જ ઝેન. ઝેન કાવ્ય વાચક સમક્ષ એક દૃશ્ય યથાતથ મૂકે છે અને  વાચકે એ દૃશ્યમાં ઊતરીને એનો જાદુ અનુભવવાનો હોય છે.

આ કવિતા આપણા મૂળ ઘરની કવિતા છે. આપણી સ્વયંસ્ફૂર્તતા આપણને જ્યાં લઈ જાય એ જ આપણું ઘર. પક્ષી કદી પોતાનો રસ્તો ભૂલતું નથી. નદીનું પાણી કોઈ સમુદ્ર સુધી લઈ જાય છે, કવિ પર્વત સુધી. નદીનું ઘર કોઈને સમુદ્ર લાગે તો કોઈને પર્વત. નદીનું પાણી સમુદ્રમાર્ગેથી બાષ્પીભૂત થઈ વાદળમાં ભળી અંતે પર્વત પર જ પહોંચે છે એ વાસ્તવિક્તા વિચારીએ ત્યારે આ કવિતાનો મર્મ પકડાય.

અંતે તો આપણું હોવું એ જ છે આપણું સાચું ઘર.

Comments (5)

મૌનનો પડઘો : ૦૨ : કવિતા – રિઓકાન

ryokan bowl tsukioka

કોણ કહે છે કે મારી કવિતા કવિતા છે?
એ કવિતા છે જ નહીં.

જ્યારે તમને સમજાય કે મારી કવિતા કવિતા નથી
ત્યારે આપણે કવિતા વિશે વાત કરીશું.

– રિઓકાન

આગળ જતા પહેલા બે વાર કવિતા વાંચી જાવ. પહેલી નજરે શબ્દોની રમત લાગે એવી કવિતા છે. પણ એના અનેક અર્થ નીકળી શકે એમ છે.

એક અર્થ: કવિતા કવિ માટે અહમ(ego)નું સાધન હોય છે. કવિને કવિતા જેટલું પણ અહમનું સાધન ખપતું નથી. એ અહમને ટાળવા પોતાની કવિતાને કવિ અ-કવિતા જાહેર કરે છે. હવે જો તમે પણ એ કવિતાને અ-કવિતા માનો તો પછી કવિ માટે અહમનું કારણ જ રહેતું નથી. એમના પરથી ‘કવિ’ના ‘લેબલ’ ને દૂર કરો તો પછી, કશા બંધન વિના, કવિ તમારી સાથે કવિતા વિશે નિરાંતે ગપ્પા મારવા તૈયાર છે.

બીજો અર્થ: કવિતા પોતે કશું છે જ નહીં. એ તો ચેતના સુધી પહોંચવાનું સાધન માત્ર છે. એટલું બન્ને પક્ષ સ્વીકારે નહીં ત્યાં સુધી કવિને આગળ વાત કરવામાં કોઈ રસ નથી.

ત્રીજો અર્થ: કોઈ પણ ચીજને સમજવી હોય તો પહેલા સમજવું પડે કે એ ચીજ- કે બીજું કશુંય- ખરેખર તો અસ્તિત્વ ધરાવતું જ નથી. આટલું ન સમજો ત્યાં સુધી તમારી સાથે વાત કરવી પણ નકામી છે.

હવે તમે પૂછશો કે ભાઈ, આ બધા અર્થમાંથી કયો અર્થ સાચો છે ? ખરી વાત તો એ છે કે કયો અર્થ ખરો છે એ આ કવિતાનો મુદ્દો છે જ નહીં. આ કવિતા એ તમને આટલો વિચાર કરવા માટે ઉશ્કેર્યા એ જ એનો ખરો મુદ્દો છે 🙂 

Comments (5)

મૌનનો પડઘો : ૦૧: ચંદ્ર અને આંગળી – રિઓકાન

167547_full_1024x655

તમે ઊભા ઊભા ચંદ્ર તરફ આંગળી કરો છો,
પણ ચંદ્રના પ્રકાશ વગર આંગળી તો આંધળી છે.

એક ચંદ્ર, ને એક બેખબર આંગળી-
આ બે અલગ છે કે એક જ છે ?

આ સવાલ જ શિખાઉને અજ્ઞાનના
ગાઢ ધુમ્મસમાંથી રસ્તો ચીંધવા પૂરતો છે.

ઊંડા ઉતરો. રહસ્યો તમને સાદ કરે છે.
ન તો ચંદ્ર છે, ન આંગળી છે – ન તો કશું છે.

– રિઓકાન

રિઓકાન જાપાનના અલગારી કવિ હતા. લગભગ આખું જીવન એમને પર્વત પર મઢુલીમાં એકલા રહી પસાર કરેલું.

ઝેન વિચારધારામાં કવિતા ચેતના સુધી પહોંચવાનો એક માર્ગ ગણાય છે. કવિતા દ્વારા ગુરુઓ ઝેન વિચારને -શબ્દના બંધનમાં બને તેટલો ઓછો બાંધીને- વ્યક્ત કરવાની કોશિશ કરે છે.

અહીં ચંદ્ર જેને સમજવા માંગો છો એ ચીજનું પ્રતિક છે. અને આંગળી સમજવાની કોશિશ કરતા મનનું પ્રતિક છે. પહેલી જ પંક્તિમાં કવિ કહે છે કે તમે આંગળીનો ઉપયોગ કરો છો પણ એ આંગળી તો ચંદ્રના પ્રકાશ વગર આંધળી છે. એટલે કે જે ચંદ્ર(ના પ્રકાશ) વગર આંગળી નકામી છે તો પછી એનો ઉપયોગ ચંદ્રને સમજવા કઈ રીતે કરી શકાય ? Circular logicની સીમાને બે જ લીટીમાં અદભૂત રીતે વ્યક્ત કરી છે.

બીજી પંક્તિમાં કવિ પૂછે છે કે ચંદ્ર અને આંગળી અલગ છે કે એક જ છે? દર્શક અને દ્રશ્ય વચ્ચેની સીમા કેટલી પાતળી અને કેટલી આભાસી છે એ આપણે પહેલા સમજવાની જરૂર છે. આ સવાલ માત્ર અજ્ઞાનીને સાચો રસ્તો ચીંધવા પૂરતો છે.

પણ કવિ અહીં અટકતા નથી. એ એનાથી એક આપણને ડગલું આગળ  લઈ જાય છે. એ આહવાન કરે છે કે હજુ ઊંડા ઉતરો. જ્યારે તમે ખરી સમજણના તીરે પહોંચશો ત્યારે ન તો ચંદ્ર રહેશે, ન તો આંગળી રહેશે કે ન તો બીજું કંઈ. ચેતનાની ક્ષણે (જેને ઝેન ભાષામાં સટોરી કહે છે) કશું ય બચતું નથી. માણસનો ego નાશ પામે પછી હું અને વિશ્વ વચ્ચે કોઈ ફરક રહેતો નથી. બધુ હોવા અને કશું ન હોવા વચ્ચેનો ફરક રહેતો નથી.

Comments (7)