ઘરમાં ‘મરીઝ’ કેવા હતા રંક, રંક, રંક
મયખાનામાં જો જોયા હતા શાહ, શાહ, શાહ.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for યોગેશ પંડ્યા

યોગેશ પંડ્યા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કહેવાય એમ ક્યાં છે? – યોગેશ પંડ્યા

તમને સ્મર્યાંનું કારણ કહેવાય એમ ક્યાં છે?
પાછું ફર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે ?

પાછો ફર્યો છું તેનું કારણ ધર્યું’તું મેં, પણ
કારણ ધર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?

મારા જ હાથે ખુદની હસ્તી મિટાવી દીધી,
બાકી મર્યાનું કા૨ણ કહેવાય એમ ક્યાં છે?

કાય૨ નથી જ કિન્તુ રહેવું પડ્યું છે મૂંગું,
ભૂલો કર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?

તેની કથાને વાંચી રોઈ પડ્યો’તો કિન્તુ
આંસુ ઝર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?

અંગત છો, નહીં તો જાણું: ઉપવન ઉજાડ્યો કોણે?
ફૂલો ખર્યાંનું કારણ કહેવાય એમ ક્યાં છે?

– યોગેશ પંડ્યા

અલગ-અલગ પ્રકારની દુવિધાઓ જીવનનો ન નિવારી શકાય એવો હિસ્સો છે. ડગલે ને પગલે ડાબે જવું કે જમણેની દ્વિધા આપણને અસમંજસમાં મૂકતી રહે છે. ઘણીવાર કશું કર્યા કે ન કર્યા બાબતે જવાબ હોવા છતાં જવાબ આપી ન શકાય એવી પરિસ્થિતિમાં આપણે સહુ મૂકાતા હોઈએ છીએ. કારણ ખબર હોવા છતાં કારણ ન આપી શકાવાની લાગણીના અલગ-અલગ રંગોને કવિએ પ્રસ્તુત રચનામાં બખૂબી ઉજાગર કરી બતાવ્યા છે. પ્રસ્તુત રચના ઘાયલના ‘કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે’થી આપણને એક કદમ આગળ લઈ જતી હોવાનું અનુભવાયા વિના નહીં રહે.

Comments (9)

કઈ કૂંચી, કઈ કળ… – યોગેશ પંડ્યા

બ્હાર ઓલ્યો ધોધમાર મેઘરવો વરસે ને
અંદર બરકે છે મારો સાયબો.

આડઝૂડ વીંઝાતી ઝડીઓમાં ઓગળી એવું ભીંજાય મારું તન,
જાણે કે ફાટફાટ દરિયા ફાટ્યા કે પછી ફાટ્યું છે આખું ગગન;
ઊભી જ્યાં નેવાંની હેઠ્ય હું તો સ્હેજવાર આરપાર મારું ગવન!
બ્હાર ઊભી ખુદ હું થઈ ગઈ વરસાદ અને
અંદર મરકે છે મારો સાયબો!

કોરી થાવાને હું તો નાવણિયે ગઈ પણ સાંકળ દેવાનું ગઈ ભૂલી,
હળવેથી સાયબાએ ઝીલી, ’ને શરમાઈ સાયબાની બાંહોમાં ઝૂલી;
સાનભાન ખોયું ને ખબર્યું ના રહી, કઈ કૂંચીથી કઈ કળ ખૂલી?
બ્હારના કમાડ આડાં હળવે દીધાં ને હવે-
અંદર ફરકે છે મારો સાયબો.

– યોગેશ પંડ્યા

વાદળ અને વહાલના બેવડા વરસાદમાં ભીંજાતી નાયિકાની મજાની સંભોગશૃંગાર રચના. બહાર મેઘ ધોધમાર વરસી રહ્યો અને ઘર ભીતરથી સાહ્યબો અવાજ દઈ રહ્યો છે. બહાર વરસાદ અને ભીતરથી વર સાદ! નાયિકા ધોધમાર વરસાદમાં ઘરબહાર કેમ નીકળી છે એનો ફોડ કવિએ પાડ્યો નથી. જરૂરી પણ નથી. આડઝૂડ વીંઝાતી વરસાદની ઝડીઓમાં નાયિકાનું તન એવું ઓગળી ગયું છે કે એ ખુદ વરસાદ બની ગઈ છે… આ વરસાદમાં પછી સાહ્યબો પણ મનભર નહાઈ લે છે. શરીર લૂછી કોરી થવા નાયિકા નાવણિયામાં તો પ્રવેશી પણ સાંકળ દેવાનું ભૂલી ગઈ. સાહ્યબો અંદર પ્રવેશી એને ઝાલે ને ઝૂલાવે છે ત્યારે સાનભાન સ્વાભાવિકપણે જ હાથ રહેતાં નથી. કઈ કૂંચીથી કઈ કળ ખૂલીનો સંભોગશૃંગાર ‘અંદર ફરકે છે મારો સાયબો’ પંક્તિમાં રતિસુખની ચરમસીમાએ પહોંચે છે, અને વહાલની આ હેલીમાં આપણને પણ ભીંજાયા હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી.

Comments (8)

હવે રાધાનું નામ નથી રાધા… – યોગેશ પંડ્યા

તારા વિજોગમાં સૂધબૂધને ખોઈ, હવે રાધાનું નામ નથી રાધા,
એ તો પથ્થરની થઈ ગઈ છે, માધા!

મથુરાને મા૨ગે વ૨સોથી બેઠી છે ગાંડીઘેલી એક જોગણ,
દિવસોનું ભાન નથી, રાતોની નીંદ નથી, વલવલતી એક રે વિજોગણ

વ્હાલ માટે ૨વરવતી મૂકીને ગ્યો, તને ફટ્ છે ધૂતારા રંગદાધા…

તારી તે વાંસળીના સૂરમાં મોહીને દોડી આવતી’તી તારા તે બારણે,
મૂકીને જાવું’તું તારે તો શ્યામ! આવો નેડો લગાડ્યો શા કારણે?

રજવાડું રાજ તારી રૂકમિને ખમ્મા! તેં સુખનાં ઓડકાર ભલે ખાધા….

રાધાનું નામ હવે રાધા નથી એ તો ‘ક્હાન’માંથી થઈ ગઈ છે બાદ,
વસમા વિયોગમાં સૌ કોઈ બેઠા છે મારે કોને કરવાની ફરિયાદ?

અંજળ ખૂટ્યા, ’ને થાય વ્હાલમ વેરી – એનું નામ હવે લેવાની બાધા…

– યોગેશ પંડ્યા

રાધા-કૃષ્ણના ગીત ન લખે એ કવિ ન કહેવાય એવો વણલખ્યો ધારો અમલી હોય એમ આપણે ત્યાં દરેક ગીતકવિ રાધા-કૃષ્ણ પર હાથ અજમાવે છે. પણ પરિશુદ્ધ પ્રણયના આ અણિશુદ્ધ પ્રતીક વિશે પ્રવર્તતા ઘાસની ગંજીના ફાલમાંથી તીક્ષ્ણ સોય જેવું આવું રૂડુંરૂપાળું ગીત મળી આવે તો તરત જ ગમતાંનો ગુલાલ કરવાની ઇચ્છા થઈ આવે.

રાધા તરફથી કવિ માધા (માધવ)નો જાયજો લઈ રહ્યા છે. કૃષ્ણવિયોગમાં રાધા પોતાની સૂધબૂધ ખોઈને એવી પથ્થર થઈ બેઠી છે કે હવે એનું નામ સંદર્ભો ગુમાવી બેઠું છે. કૃષ્ણ જે માર્ગે મથુરા વહી ગયા હતા, એ માર્ગ પર પ્રેમજોગણ રાધા પથ્થરની જેમ વરસોથી પ્રતીક્ષારત્ બેઠી છે. જોગણ સાથે અન્ય કોઈ પ્રાસ પ્રયોજવાના બદલે કેવળ જોગણ-વિજોગણની eye-rhyme પ્રયોજીને કવિએ યોગી-વિયોગીને સમકક્ષ બેસાડ્યા છે. રાધા-માધા સાથે રંગદાધા જેવો અનૂઠો પ્રાસ ઉમદા કવિકર્મની સાહેદી પુરાવે છે. શ્યામને રંગદાધો ધૂતારો કહીને કવિએ કમાલ કરી છે. દાધું એટલે આમ તો બળેલું. દિલનો દાઝેલો એવો અર્થ પણ લઈ શકાય. કૃષ્ણના શ્યામવર્ણ ઉપર આવો શ્લેષ ભાગ્યે જ જોવા મળશે. પ્રેમાનંદનું નળાખ્યાન યાદ આવે: ‘લાગી વિષ જ્વાળ દાધો ભૂપ, કાળી કાયા થયું કૂંબડું રૂપ.’

કૃષ્ણનો વધુ ઉધડો લેતાં કવિ કહે છે કે ચાલ્યા જ જવું હતું તો પછી આવડી માયા શીદ લગાવી? પરંતુ આ ઠપકામાં પણ સમ્યકતા છે. એના રાજ-રજવાડાં અને પત્નીની સામે રાધાને કોઈ ફરિયાદ નથી. ભલે પોતાનાથી અળગો થઈને કૃષ્ણકનૈયો સુખના ઓડકાર ખાતો! ખમ્મા કાનજીલાલ! ખમ્મા… આ છે રાધા! આ જ છે સાચો પ્રેમ!

ઉપાડપંક્તિના અડધિયાને ત્રીજા બંધના ઉપાડમાં વાપરીને કવિ રાધાના અસ્તિત્ત્વલોપને કેવી ધાર કાઢી આપે છે! રાધાની ક્હાનમાંથી બાદબાકી થઈ ગઈ છે. અંજળ ખૂટી જાય અને ખુદ વહાલમ જ વેરી થઈ જાય તો પછી ફરિયાદ કોને કરવાની? બાધા જ મૂકી દ્યો હવે એનું નામ લેવાની….

Comments (16)

પીડાની જાતરા – યોગેશ પંડ્યા

હવઅ તારઅ ન મારઅ હુ સે મારા પીટ્યા
નઈં હાંધ્યો હંધાય હવઅ જીવતરનો ધાંગો.

રૉમ રૉમ બોલીનઅ રાખ્યું, તો રાખ્યું કે-
કાલઅ ભૂલૈઈ જાહે દખ,
પીડાની જાતરોમોં પંડ્યને ય ભૂલૈઈ જીયું
આયુ નંઈ તોય કાંય હખ
હખનો ક્યાં ખાવા દીધો’તો મને રોટલો?
ખાંડણિયે માથું!… ભંગાય ઈમ ભાંગો!

પયણીને આઈ, ઈ, રાત્ય મારા જીવતરની
કાળી બની જઈ’તી રાત્ય.
પીંસાના પાથરણે પોઢવાના ઓરતા
પણ, ઊતરડી લીધી’તી જાત્ય.
એક પા ભડભડતો દવ ખળે, એક પા-
દખનો વરહાદ થતો ખાંગો!

– યોગેશ પંડ્યા

તળપદી ભાષાની તો ફ્લેવર જ અલગ. આ જુઓ. નખશિખ શુદ્ધ ભાવનગરી બોલી. સ્ત્રી પરણીને પતિગૃહે આવે છે ત્યારે સાથે લઈ આવેલા અરમાનોની ચિતા પર બેસીને આપણને એની પીડાની જાતરાએ લઈ જાય છે. થાકી-હારીને અંતે એ પતિને કહી દે છે કે તારે ને મારે હવે કંઈ સંબંધ નથી, જીવતરનો દોરો હવે સાંધ્યો સંધાય નહીં એ રીતે તૂટી ગયો છે. દુઃખ આવ્યું તો સ્ત્રીએ રામ રામ બોલીને એને એ આશાએ સ્વીકાર્યું કે કાલે ભૂલાઈ જશે, પણ પીડાની આ જાતરા એવી વસમી હતી કે જાત ભૂલાઈ ગઈ પણ સુખ આવ્યું નહીં. સાસરિયાંઓએ સુખનો રોટલો કદી ખાવા જ ન દીધો એની સામે ચિત્કારતાં એ કહે છે, કે ખાંડણિયામાં માથું મૂક્યું છે, હવે ખાંડો ખંડાય એમ. સુહાગરાતની વાતો તો કેવી મજાની હોય, પણ નાયિકાના જીવનમાં તો એ રાત જ કાળી માઝમ રાત બનીને આવી હતી. પીંછાના પાથરણે સૂવાના ઓરતા લઈને આવેલી સ્ત્રીની સાસરામાં જાત જ ઉતરડી લેવાઈ. એક તરફ ભડભડતો અગ્નિ ને બીજી તરફ દુઃખનો વરસાદ ખાંગો થાય છે. આમ તો વરસાદ પડે તો અગ્નિ ઓલવાઈ જાય પણ અહીં, કશું ઓલવાતું નથી, ઓલવાઈ છે તો નાયિકાની જિંદગી, આશાઓ, સ્વપ્નો…

Comments (22)

આજકાલ – યોગેશ પંડ્યા

શૂન્યતા જ્યાં વિસ્તરે છે આજકાલ,
દર્દ-ગમ ડૂસકાં ભરે છે આજકાલ.

એક તારી યાદનું વળગણ રહ્યું,
જે થકી આ દિલ ઠરે છે આજકાલ ?

વાયરો ફૂંકાય છે Romanceનો,
કોણ કોનાં દિલ હરે છે આજકાલ ?

કો’કની મીઠી નજરનું લક્ષ્ય છો,
કો’ક તારા પર મરે છે આજકાલ !

ભીંતને પણ ન્હોર વાગ્યા ઉમ્રના,
પોપડા કેવા ખરે છે આજકાલ !

શક્ય હો તો સાચવી લે કોઈ સ્મરણ,
કોણ સહારા વિણ તરે છે આજકાલ ?

– યોગેશ પંડ્યા

Comments (6)