ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.
મુકુલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિમલ અગ્રાવત

વિમલ અગ્રાવત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ખારવણ - વિમલ અગ્રાવત
ધોધમાર વરસાદ પડે છે - વિમલ અગ્રાવત
સત કહો કે ભ્રમણા - વિમલ અગ્રાવતસત કહો કે ભ્રમણા – વિમલ અગ્રાવત

સત કહો કે ભ્રમણા.
આંખ મીચું ત્યાં અજવાળાનાં ફૂલ ખીલે કંઈ નમણાં !
સત કહો કે ભ્રમણા.

તિમિર ભરેલી તલાવડી ને ફરતે નહીં કોઈ પાળ,
તળિયે તેજના ફણગા ફૂટે મૂળની મળે ન ભાળ,
રાત બની કંઈ રમણા.
સત કહો કે ભ્રમણા.

તેજ-તિમિરની રંગછટાનાં દૃશ્યો કૈં ચીતરાતાં,
ખુલ્લી આંખે ખોવાયેલાં પંખી ફરતાં પાછાં.
ટહુકા કરશે હમણાં.
સત કહો કે ભ્રમણા.

– વિમલ અગ્રાવત

શું હશે આ ? સાચું કે માત્ર આભાસ ? ચર્મચક્ષુ બંધ થતાં જ અજવાળું ખીલી ઊઠે છે. આરા-ઓવારા વિનાના અંધારામાં તળિયેથી ઉજાસ પ્રગટે છે, જેનું મૂળ પાછું અકળ છે. આંખ ખુલ્લી હોય ત્યારે જે આપણને છોડી ગયું હોય એ બધું સાંજ પડતાં પાછા ફરતાં પંખી પેઠે આપણા ચેતસ્ તરફ પરત ફરે છે.

Comments (10)

ખારવણ – વિમલ અગ્રાવત

પગને છે પાંખો ને માથે છે બાંસિયું ને બાંસિયામાં બૂમલાંની ભારી, ભારી!
ખારવણ ખારી ખારી.

ખારવણ દરિયાનો કટકો તે ઉછળે ને ઉછળી ઉછળી ન્ને આવે કાંઠે;
ખારવો તો કાંઠાનું ભાઠોડું સાવ શીનો કટકા બટકાને તે ગાંઠે!
માંગે છે ખારવણ મનગમતા મોતી ને ખારવો દે માછલિયું મારી મારી.
ખારવણ ખારી ખારી.

હાથના હલ્લેસાથી જીવતર હંકારે ને આંખ્યુંમાં દરિયાને પાળે;
ખારવાની ફૂગ્ગીનો કેફ બધો ઉતારે એક જ તે તસતસતી ગાળે;
ખારવણ ઘૂઘવાતું સપનું ને ખારવાની નજરું પર બાઝેલી છારી છારી.
ખારવણ ખારી ખારી.

-વિમલ અગ્રાવત

વિમલ અગ્રાવત કોઈ મહેફિલમાં હાજર હોય અને શ્રોતાગણ ‘ખારવણ’ની ડિમાન્ડ ન કરે એવું બને જ નહીં એટલી લોકપ્રિય આ રચના થઈ છે.

મહાભારતની મત્સ્યગંધા ઘ્રાણેન્દ્રિયને ઉત્તેજતી, પણ આ ગીતની નાયિકા ખારવણ સીધી સ્વાદેન્દ્રિય પર જ હલ્લો કરે છે. ભલે ને માથા પરની ટોકરીમાં બૂમલાંનો ભાર કેમ ન હોય, ખારવણના પગ જમીનને અડતા નથી. ખારવણ જાણે કે દરિયાનો જ એક હિસ્સો છે પણ ખરાબાની જમીન જેવા છીછરા ખારવાને બટકા-કટકામાં તે શાનો કંઈ રસ હોય? ભલે મોતીના બદલે માછલી કેમ ન મળે, ખારવણની આંખોમાં દરિયા ભરીને સપનાં ઉછરી રહ્યાં છે ને સપનાંની આડે આવતા દારૂના કેફને ગાળ ભાંડીને ઉતારી નાંખવાની એનામાં તાકાત છે. કાશ ! ખારવો આ ખારી ખારી ખારવણના જિંદગીના નશાને જોઈ-ચાખી-માણી શક્યો હોત!

ડો. ફિરદૌસ દેખૈયાના સ્વરાંકન, સ્વર તથા સંગીતમાં આ ગીત આપ અહીં માણી શક્શો.

બાંસિયું = ટોપલો, તગારુ.
ફૂગ્ગી = દારૂની કોથળી
ભાઠોડું = ખરાબાની જમીન; છીછરૂં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન; છીછરા પાણીવાળી જગ્યા.
શીનો = શાનો, શેનો

Comments (11)

ધોધમાર વરસાદ પડે છે – વિમલ અગ્રાવત

તગતગતી તલવાર્યું તડફડ આમતેમ વીંઝાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે;
ઢાલ ફગાવી, બખ્તર તોડી, લોક વીંધાતા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહરાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઝરણા હફડક નદી બની ને દરિયામાં ડોકાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

તદ્દારે તદ્દારે તાનિ દિર દિર તનનન છાંટેછાંટો ગાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે,
ઘેઘેતિટ્ તા-ગી તિટ્ તકતિટ્ પવન તાલમાં વાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

જળનું ઘોડાપૂર અમારી આંખ્યુંમાં રૂંધાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
સેંથો, ચૂંનડી, કંગન, કાજળ લથબથ પલળી જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

હું દરિયેદરિયા ઝંખુ ને તું ટીપે ટીપે ન્હાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે;
હું પગથી માથાલગ ભીંજુ, તું કોરેકોરો હાય –
અરે ! ભરચક ચોમાસાં જાય ને મારું અંગ સકળ અકળાય રે
– નફ્ફટ ધોધમાર વરસાદ પડે છે !

– વિમલ અગ્રાવત

વરસાદના ગીતોની તો આખી ફોજ વાંચી હોય તોય આ ગીત તમને ભીંજવ્યા વગર છોડે એવું નથી. મોટેથી લયબદ્ધ રીતે વાંચો, બીજી વાર વાંચો, અને પછી જ સમજવાની મગજમારી કરો.

Comments (7)