જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા
‘સૈફ’ પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રતિલાલ બી. સોલંકી

રતિલાલ બી. સોલંકી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અજવાળાનું - રતિલાલ બી. સોલંકી
આપણે - રતિલાલ બી. સોલંકીઅજવાળાનું – રતિલાલ બી. સોલંકી

કાયમ હો કે વચગાળાનું,
વળગણ સૌને અજવાળાનું.

સંબંધોને અંકગણિત બસ,
માફક આવે સરવાળાનું.

લગભગ ચોરી એ જ કરે છે,
કામ કરે જે રખવાળાનું.

શત્રુની તાકાત નથી આ,
કાવતરું છે ઘરવાળાનું.

સોળ અહીં ને આંસુ ત્યાં છે,
કેવું બંધન વરમાળાનું !

ભર બપોરે ટાઢક-ટાઢક,
શમણું આવ્યું ગરમાળાનું.

– રતિલાલ બી. સોલંકી

કયા શે’ર વિશે લખવું એની મૂંઝવણ થઈ આવે એવા બળુકા એકેક શે’ર… સૌને અજવાળાનું જ વળગણ હોવાની કેવી સાચુકલી વાત !

Comments (3)

આપણે – રતિલાલ બી. સોલંકી

 લાશ ખુદની ઉંચકીને ચાલનારા આપણે,
તે છતાં ખોટા ભરમમાં રાચનારા આપણે.

કોણ કોનું સુખ દેખી થાય છે રાજી અહીં,
રામને વનવાસ આપી કાઢનારા આપણે.

જો કલા-કારીગરીની થાય છે કેવી કદર !
જીવતે જીવ એક કડિયો ગાડનારા આપણે.

સંત જેવો એ હતો, શયતાન ક્યાંથી થઈ ગયો ?
હાથમાં ચાકુ-છરી પકડાવનારા આપણે.

ને પટાવી-ફોસલાવી ટોચ પર મૂકી દીધો,
સ્થિર થાશે એટલામાં પાડનારા આપણે.

પીઠબળ એનું હતું તો થઈ શક્યા પગભર તમે,
પીઠ પાછળ કારમો ઘા મારનારા આપણે.

– રતિલાલ બી. સોલંકી

‘આપણા’પણાંને છડેચોક નગ્ન કરતી ધારદાર ગઝલ… વાંચતાવેંત સોંસરવી ઉતરી ગઈ !  ‘આપણે’ વિશે આટલું જાણ્યા પછી આ ગઝલ વિશે આપણે કંઈ બોલવાનું રહે ખરું?

Comments (14)