વાયુ આવે ને તરત કંપી જતી,
આ ધજા તો સાવ સંસારી હતી !
ચિનુ મોદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દાન વાઘેલા

દાન વાઘેલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ઘણું કહેશે - દાન વાઘેલા
ઝીલનારો જોઈએ -દાન વાઘેલા
વીર મેઘમાયાએ ગાવા ધારેલું એક ગીત - દાન વાઘેલાવીર મેઘમાયાએ ગાવા ધારેલું એક ગીત – દાન વાઘેલા

જીવતર જીવ્યાં તાણેવાણે !
સાળ વચાળે શ્વાસ ગૂંથતા, હરદમ હરિનાં ગાણે !
.                                         જીવતર જીવ્યાં તાણેવાણે !…

.                   ફળફળતાં જળમાં ઝબકોળી
.                                     કરમ-જુવારની કાંજી !
.                   સૂતરને તરણીથી જ તાણી
.                                    અંજળ નીરખ્યાં આંજી !
ખપાટ ખસતી જાય ખટાખટ, ખરાં ખોળિયાં ટાણે !
કરમ-ધરમનાં લેખાં-જોખાં, ગૂંજે પાણે – પાણે !
.                                             જીવતર જીવ્યાં તાણેવાણે…

.                   અરધાં બાહર અરધાં ભોં-માં
.                                       રહ્યાં ચોફાળ સાંધી !
.                   હૃદય-રાશનો રંગ ચડાવ્યો
.                                           રાખી મુઠ્ઠી બાંધી !
નિગમ-સારમાં નીતિ જીતી, મૂલ ન થાયે નાણે !
જોગી, યોગી, ધીર, વીર મેઘમાયો મસ્તી માણે !
.                                            સાળ વચાળે શ્વાસ ગૂંથતા…
.                                            જીવતર જીવ્યાં…

– દાન વાઘેલા

પાટણ-નરેશ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં સતી જસમા ઓડણના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. જ્યોતિષીઓએ જણાવ્યું કે કોઈ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ આપવામાં આવે તો જ તળાવમાં બારેમાસ પાણી રહેશે. ધોળકા પાસેના એક ગામમાં માયા નામના વણકર યુવાન બત્રીસ લક્ષણો હતો. પાટણના નાગરિકોની હાજરીમાં વીર મેઘમાયાએ સ્વેચ્છાએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું.

વીર મેઘમાયાએ સ્વ-બલિદાન આપતાં પૂર્વે શું કહેવા ધાર્યું હશે એનું આ ગીત… વણાટક્રિયાના તળપદા શબ્દો અને વર્ણાનુપ્રાસના કારણે ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે.

 

Comments (4)

ઘણું કહેશે – દાન વાઘેલા

અહમ્ ત્યાગી જુઓ તો આંખનું દર્પણ ઘણું કહેશે,
વિકલ્પોમાં સજી રાખેલ સૌ વળગણ ઘણું કહેશે.

પ્રણયની વાત છેડી છે, કથાનો ક્યાં સમય પણ છે !
નદી યમુના, વૃંદાવન, વાંસળી ને ધણ ઘણું કહેશે.

હવે મીરાં અને મેવાડ અળગા થાય તોયે શું !
તૂટેલા તાર, મંજીરા, ધધખતું રણ ઘણું કહેશે.

અમે તો આજ કોલાહલ વચાળે મૌન થૈ બેઠા,
અખંડાનંદ જેવા ધ્યાનનું સગપણ ઘણું કહેશે.

સભામાં શાંતિ પ્રસરી ગૈ ચબરખી દાનની મળતા,
અલૌકિક સૂર, શબ્દો, અર્થ ને રણઝણ ઘણું કહેશે.

– દાન વાઘેલા

ઓછામાં ઘણું કહેતી મજાની ગઝલ… મીરાં-મેવાડ અને અખંડાનંદ જેવું ધ્યાનવાળા શેર જરા વધુ ગમી ગયા.

Comments (11)

ઝીલનારો જોઈએ -દાન વાઘેલા

કોક તો પડકારનારો જોઈએ;
મોતને પણ મારનારો જોઈએ !

એ હિમાલયમાં રહે કે હાથમાં;
ભાગ્યને સમજાવનારો જોઈએ !

કાળજું કોરી અને રાખી શકું,
શબ્દ પણ કોરો કુંવારો જોઈએ !

સાવ કોરો પત્ર હું કયાં મોકલું ?
મોકલું તો વાંચનારો જોઈએ !

‘દાન’ તારી વાતમાં છે વીજળી;
મેઘ જેવો ઝીલનારો જોઈએ !

Comments (3)