ત્રિપદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 2, 2009 at 11:30 pm by ધવલ · Filed under ત્રિપદી, મૂકેશ જોશી
એક જાદૂગર કશું તો આંખમાં આંજી ગયો
પાસનું પણ ના કદી જોઈ શકું હું દિવસે
આગિયાની રોશનીમાં ઉપનિષદ વાંચી ગયો
*
ક્યા કવિના શબ્દોથી ભીંજાતી’તી
મને ડાયરી વિના પઠન પણ ન ફાવે
કોયલ ત્યાં તો મોંઢે ગીતો ગાતી’તી
*
બાળ-શિક્ષણના પ્રથમ શ્વાસે જ લ્યો હાંફી જતા
હાથ બદલાવ્યા છતાંયે માંડ દફતર ઊંચકે
મમ્મી જેવી મમ્મીના પણ હાથ બે થાકી જતા
*
સાથ રહીશું મંત્ર ભણવાના નથી
ઊજવે છે મધુરજની છતાં
પંખીઓ ક્યારેય પરણવાનાં નથી
- મૂકેશ જોષી
ત્રણ લીટીમાં એક ફોટોગ્રાફની જેમ, જીંદગીના એક નાના ટુકડાને હંમેશ માટે કેદ કરી લેતી તાજગી અને ચમત્કૃતિ સભર ત્રિપદીઓ.
Permalink
September 14, 2008 at 9:03 pm by ધવલ · Filed under ત્રિપદી, હેમેન શાહ
લખાવટ સુઘડ ને લચકદાર છે,
સુમન પ્રકૃતિના લલિત અક્ષરો,
ભ્રમર જાણે ખસતા અનુસ્વાર છે !
*
ભ્રમર ને પતંગાઓ મોડા પડ્યા,
ખતમ રાતભરમાં જ થઈ ગઈ મહેક,
હવાના ફૂલો પર દરોડા પડ્યા !
*
ચમનમાં છે મેળાવડાની ઝલક
ચમેલી, જૂઈ, કેતકી, ગુલછડી,
હલો ! આપનું નામ શું ? શું અટક ?
- હેમેન શાહ
ત્રિપદીઓ એટલી તાજી હવાની લહેરખી. વાંચો અને ચહેરા પર સ્મિત આવી જાય એટલું જ શું ઘણું નથી ?
Permalink
April 13, 2007 at 1:02 pm by ધવલ · Filed under ત્રિપદી, હેમેન શાહ
વૃક્ષ ચાલ્યું સ્કંધ પર ચકલી લઈ,
પ્હાડ પણ દોડ્યા ઝરણ પડતાં મૂકી !
કોણ આવ્યું મ્હેક આછકલી લઈ ?
દાવ એક જ છે તો ખેલી નાખીએ,
પ્રુથ્વીના ગોળાનો એક છેડો લઈ
ભેદ ઈશ્વરનો ઉકેલી નાખીએ.
સારા-નરસાના કશા પરદા નથી,
વિશ્વનું પ્રતિબિંબ પરપોટો ઝીલે,
સાફદિલ તત્વોને આવરદા નથી.
- હેમેન શાહ
ત્રિપદીઓ ધીમે ધીમે મારો ગમતો કાવ્યપ્રકાર થતી જાય છે ! વઘારે કવિઓ ત્રિપદીઓ લખે એવી મારી આશા છે. ત્રિપદીઓમાં કલ્પનોની તાજગીની જે પરંપરા છે એ મને સૌથી વધુ ગમે છે. આ ત્રણમાંથી એકેય ત્રિપદી સમજાવવાની જરૂર જ નથી. એતો અત્તરની નાની શીશીઓ જેવી છે… ખુલતાં જ જન્નત !
Permalink
February 23, 2007 at 9:28 pm by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ત્રિપદી
દીકરીએ પ્હેરતાં પ્હેરી લીધાં
મારાં ચંપલ, માપ ખોટું નીકળ્યું
એનું પગલું, સ્હેજ મોટું નીકળ્યું
નાનીમાંથી મોટી સંખ્યા બાદ કર
જા, થઈ જા એની ઉંમરનો ફરી
જાદુમંતર જાત પર એકાદ, કર
નાની સરખી યુક્તિ અજમાવી લીધી
આ જુઓને, એણે શીર્ષાસન કર્યું
રમતાં રમતાં સૃષ્ટિ સુલટાવી લીધી
‘લાવો, ઓળી આપું?’ કહીને દીકરી
કોરા કેશે કાંસકીને ફેરવે
ગૂંચ ઉકેલે, ટચૂકડે ટેરવે
- ઉદયન ઠક્કર
થોડા વખત પર ત્રિપદીનો પ્રકાર મૂકેશ જોષીની કલમે માણ્યો હતો. એ જ પ્રકાર આજે ઉદયન ઠક્કરની કલમે માણો. ફરક એટલો કે આ ત્રિપદી-ગુચ્છ એક જ વિષય પર છે. વિષય પણ સરસ છે અને કલ્પનોની તાજગી અને કુમાશ તો ઊડીને આંખે વળગે છે. દીકરી વાળ ઓળવાની કોશિષ કરતા કરતા તમારા માથામાં એની નાનકડી આંગળીઓ પ્રેમથી ફેરવે એ તદ્દન નાજુક ક્ષણને કવિએ અહીં આબાદ પકડી પાડી છે !
Permalink
February 13, 2007 at 9:34 pm by ધવલ · Filed under ત્રિપદી, મૂકેશ જોશી
પ્રેમ કરશો તો તમોને મોક્ષ મળશે
પાટિયાં દુકાન પર ચીતરાયેલાં છે
લાગણી પણ અહીં ઝેરોક્ષ મળશે
જિંદગીનો અર્થ એથી તો કશો ના નીકળે
ઉષ્ણ જળમાંથી બરફ કરવા યુવાની વાપરો
ને, બરફ જેવો બુઢાપો ટીપે ટીપે પીગળે
ઝાડ નામની ઑફીસ ઉપર પવન-કાયદા જોયા છે ?
લીલમ્ -લીલા કામ કરે પણ અંતે મળતો જાકારો
ઘણાં પાંદડાં રાજીનામું લખતાં લખતાં રોયાં છે.
સૂઈ જતાં પહેલાં સમયસર ખાઈ લે છે
તૃણ, ઝાકળનો સમય પણ સાચવે છે
ઊંઘમાં ને ઊંઘમાં એ નાહી લે છે !
જળ ઉપર અક્ષર બતાવે તો ખરો
આગમાં કે શ્વાસમાં એ હોય પણ
તું પવનનું ઘર બતાવે તો ખરો
- મુકેશ જોષી
ત્રિપદી તદ્દન નવો કાવ્ય પ્રકાર છે. પહેલી અને ત્રીજી પંક્તિમાં કાફિયા-રદીફ મેળવીને ત્રિપદી રચાય છે. આ પહેલા ઉદયન ઠક્કરની ત્રિપદીઓ જોઈ છે. આ નવા કાવ્ય પ્રકારમાં તાજા કલ્પનો અને ચમત્કૃતિ-સભર રચનાઓ જોવા મળે છે. મને તો આ પ્રકાર ખૂબ ગમે છે. હાઈકુ કરતા અહીં વધારે મોકળાશ છે અને ઉપરાંત છંદનું બંધારણ પણ સચવાય છે એટલે કૃતિ વધારે મજાની બને છે.
આવો જ પ્રયોગ ગુલઝારે હિન્દીમાં કર્યો છે – એને એ ત્રિવેણી કહે છે. એમણે તો ત્રિવેણીઓનો આખો સંગ્રહ પ્રગટ કર્યો છે. જોકે ગુલઝારની ત્રિવેણી આ ત્રિપદીથી થોડી અલગ પડે છે. ગુલઝારની ત્રિવેણી શું છે જાણવા અને થોડી ત્રિવેણીઓ માંણવા માટે હિન્દી બ્લોગર ફરસતિયાસાહેબનો આ પોસ્ટ જોશો.
Permalink