એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.
હેમેન શાહ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સંદીપ ભાટિયા

સંદીપ ભાટિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૨ : વાચકોની કલમે… : ૦૨

રવીન્દ્ર પારેખ લખે છે-

‘ન કહેવાયેલી પીડા ભાગ્યે જ હોય છે.’

આ કોઈ અંગ્રેજી ચિંતકનું વિધાન હતું. વર્ષો પર એ લાઇબ્રેરીમાં વાંચેલું. સુખ સંતાડી શકાય, પણ પીડા વાચાળ છે, તે અપ્રગટ ભાગ્યે જ રહે છે. સુખ, ઐશ્વર્ય સાધનોથી પ્રગટ થાય છે. તો, પીડા પણ ઠાવકી ક્યાં છે? કોઈ અંગત દેખાય છે તો એ આંખોને આંસુ કરી મૂકે છે. વિધાન, વિધિનું વિધાન થયું. વાંચ્યા પછી થયું કે ન કહેવાયેલી પીડા કહી શકું તો, હું મને પણ કહી શકું.

– ને એમ હું લખતો થયો…

ભાવિન ગોપાણી લખે છે –

“એ જ ભિખારીને આજે સ્હેજ હસતો જોઇને,
આપ ખિસ્સામાંથી સિક્કો કાઢતા અટકી ગયા !”
કવિ – ભાવેશ ભટ્ટ

માત્ર બે જ પંક્તિમાં ગઝલનો એક શેર સમગ્ર ઘટના, ચિત્ર, પરિસ્થિતિ કે સમગ્ર મનોસ્થિતિનું સચોટ વિવરણ કે દ્રશ્ય ઊભું કરી જવાની ક્ષમતા ધરાવે છે એનો આ ઉત્તમ દાખલો છે.

આપણને કોઈને તકલીફમાં મદદરૂપ થવું તો ગમે છે પરંતુ કોઈનું દુ:ખ જો કોઈ અન્ય કારણસર પણ સ્હેજ ઓછું કે દૂર થતું હોય તો આપણે એમાં પણ આપણી ઈર્ષ્યા કે અહંકાર કે પછી ધારણાઓના બિનજરૂરી ઘોડાઓ દોડાવી કોઈના માટે પૂર્વગ્રહ કે અનુમાન બાંધી લેવાની આપણી આદતોના કારણોસર આપણે આપણા કર્તવ્યથી પાછા હટી જઈએ છે….. અહીં વાત માત્ર ભિખારી કે સિક્કાની નથી આપણી આસપાસ ઘણાં લોકો ઘણાં જીવો જેમને આપણાથી કંઈક પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે બધાને આપણે આપણી આ માનસિકતાના કારણોસર અન્યાય કરતા હોઈએ છીએ

કવિનો આ શેર આપણને અંદરથી જગાડવા સક્ષમ છે. આ શેર વાંચ્યા પછી મને મારી આસપાસના એવા ઘણાં લોકો યાદ આવ્યાં જેમની સાથે હું ક્યારેક આ રીતે જ વર્ત્યો છું અથવા એ લોકો મારી સાથે આ રીતે વર્ત્યા છે.. આ શેર સાંભળ્યો ત્યારે હું કવિતા નહોતો લખતો, માત્ર ભાવક હતો અને આ શેરની ગૂંથણીએ મને કવિતા કેવી રીતે રચવી જોઈએ? અને કેવી રીતે રચી શકાય? તેનું માર્ગદર્શન પુરું પાડ્યું છે

મેહુલ જયાણી લખે છે –

થોડા વર્ષો પૂર્વે મારા પેકેઝિંગના ધંધાનાં કરઝમાં હું ડૂબી ગયો હતો. એ કરઝમાંથી મુક્ત થવા જીવનનને ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન્હતો. એજ સમય દરમ્યાન હતાશામાં ગરકાવ થયો અને ફેસબુક પર નેગેટિવ પોસ્ટ મુકવાનું શરૂ કર્યું કારણ એટલું જ કે ફેસબુક સિવાય હું કોઈને મારી વ્યથા કહી શકું એમ નહોતો. એ વાંચીને મુંબઈના એક કવિયત્રી રીટા શાહે મને મેસેજ કર્યો કે દિકરા કેમ આચાનકથી નેગેટિવ પોસ્ટ મુકવા લાગ્યો છે, કોઈ મુશેકલીમાં છો.? એના વળતા જવાબમાં વિસ્તારથી ન કહી શકતા એટલું જ બોલ્યો કે હા મારે મરી જવું છે. ત્યારે રીટા શાહે કહેલું કે જ્યારે પરિસ્થિતિ વળાંક લે ત્યારે ‘કોઈ એક ખૂણો પકડીને રડી લેવાનું, કા પછી દુનિયા સામે લડી લેવું’ અને મેં ખૂણો પકડીને રડવાનું શરૂ કર્યું પણ કરઝ ઓછું ના થયું ઉલટાનું રડી રડીને શરીરની ઉર્જા બળી ગઇ. છેલ્લે એવો વિચાર કર્યો કે આમેય મરવું જ છે તો એક ચાન્સ દુનિયા સામે લડી લેવનો તો છે જ અને હું લડ્યો પણ એક પંક્તિના સહારે અને એ પંક્તિ હતી.

આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.
(અનિલ ચાવડા)

આ શેર મળ્યો એનાથી એટલી સમજ પડી કે ના તો હું કોઈ સાત આસમાને પહોંચી ગયો છું, ના હું મુકેશ અંબાણી જેટલી ઊંચાઈનો અમીર બની ગયો છું, ના તો હું સાવ રોડ પર આવી ગયેલા કોઈ ફકીર જેવો થઈ ચૂકયો છું. હું તો ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચુક્યો છું એવું તો બિલકુલ નથી.

મયુર કોલડિયા લખે છે –

કવિતાના એક શબ્દે મને જીપીએસસીની તૈયારી કરાવડાવી છે
જયારે હું કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો ત્યારે ત્યાંનું વાતાવરણ અને મશીનરી કરતા કોઈ બીજા વાતાવરણમાં જવાની ઈચ્છા હતી. . બીજી બાજુ એકેડેમિક્સ અને સાહિત્ય તરફનું ખેચાણ. કંપનીની નોકરીમાંથી નીકળવું એમ નક્કી કર્યું પણ કામ અઘરું હતું. લેક્ચરર માટેની જીપીએસસીનું ફોર્મ ભર્યું પણ 12 થી 14 કલાકની નોકરી પછી તેની તૈયારી કરવી વધારે અઘરું હતું. ત્યારે કવિ ‘કાગ’ની આ પંક્તિઓ સતત ધક્કો મારતી રહી.

વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી..

મારી સાથે જોઈન થયેલા કેટલાંક engineersને કંપનીએ કાઢ્યા ત્યારે નોકરીની વનરાઈઓ સળગતી લાગી ત્યારે ઘણા લોકો હતા જે ઉડી જવા માંગતા હતા. આ સમય દરમિયાન ઉપરની પંક્તિઓ સતત મનમાં ઘૂંટાતી રહી. ખાસ કરીને છેલ્લો શબ્દ ‘પાખ્યુંવાળા’ મને સતત રંજાડવાનું અને ઢંઢોળવાનું કામ કરતો રહ્યો. પાંખો હોય તો ઉડી જાવ એવી તાકીદ કરતો હતો. એ શબ્દ હંમેશા પ્રશ્નાતો કે શું મારી પાસે પાંખ એટલે કે ઉડવાની ક્ષમતા છે?

પછી તો તૈયારી કરી, GPSC exam અને ઇન્ટર્વ્યૂ થયા અને ગમતી જગ્યા સાથે જોડાયો. (જો કે ગીતમાં કવિ છેલ્લે ભેળાં મરશું, ભેળાં બળીશુંની ભાવના તરફ લઇ જાય છે પણ મારે ઉડ્ડયન ભરવું થયું)

પરબતકુમાર નાયી લખે છે-

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
(અમૃત ઘાયલ)

ગુજરાતી ગઝલના શિરમોર શાયર આદરણીય ઘાયલ સાહેબના આ ગઝલ હું પી. ટી.સી. કોલેજમાં (પાલનપુર) હતો ત્યારે વાંચવામાં આવેલ. એ સમયગાળો મારા જીવન માટે કઠિન હતો, એકદમ ગરીબ કુટુંબમાંથી, ગામડેથી કોલેજ કરવા આવેલો, પિતાજી ગામડે મજૂરી કરતા હતા, એકાદ વખત તો અભ્યાસ પડતો મૂકવાનું વિચારેલું, પછી કોલેજ સાથે વેકેશનમાં ટ્યુશન શરૂ કરેલું, મેં મનોમન નક્કી કરેલું કે પીટીસી પૂર્ણ કરી શિક્ષક જરૂર બનીશ અને એ સ્વપ્ન પૂર્ણ થયું, મારા ગામમાં પ્રથમ શિક્ષક બનવાનું ગૌરવ મેળવ્યું.

હરીશ જસદણવાલા લખે છે-

“સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
(અકબરઅલી જસદણવાલા)

લોકપ્રિય શાયર અકબર અલી જસદણવાલાનો આ અમર શેર માણસને આત્મનિરીક્ષણ કરવાનું અને સુખદ જીવન જીવવાનું બળ પુરુ પાડે છે. શેર વાંચીને મને આશાવાદી જીવનની પ્રેરણા મળી છે. આ શેર મને ખૂબ ગમે છે.

ક્રિષ્ણા હિતેન આશર લખે છે-

કવિશ્રી સંદીપ ભાટીયાની કવિતા.. “માણસ જેવો માણસ પળમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી…” કોરોનામાં મારા વ્હાલા મોટા ભાભી શ્રીજીચરણ પામ્યાં ત્યારે આ કવિતાની એક એક પંક્તિ પર હું ખૂબ રડેલી. એની દીકરીને પણ મે સજળ આંખે સંભળાવેલી આ કવિતા. પણ એ કવિતા સધિયારો આપવામાં નિમિત્ત બની કે મનની વાત શબ્દો દ્વારા પ્રગટ થયેલી એટલે કે આંસુ દ્વારા દર્દને વહાવવા માં સહારો બની એટલે… ખબર નથી કેમ..પણ ખૂબ ગમેલી એ કવિતા. રચયિતા શ્રી સંદીપભાઈને પણ ધન્યવાદ સાથે ખૂબ આભાર માન્યો આવી સરસ , સંવેદનશીલ કવિતાનું સર્જન કરવા બદલ

બારીન દીક્ષિત અમદાવાદથી લખે છે-

તારું કશું ના હોય તો છોડી ને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

આ પંક્તિઓ મને ખુબ ગમે છે. મને જ્યારે જ્યારે એમ લાગે કે કોઇ એક વસ્તુ મને ગમતી -નથી મળતી ત્યારે ત્યારે મારી જાત માટે આ પંક્તિ યાદ કરું છું. મારા હાર્ટ ના ઓપેરેશન વખતે પણ આ પંક્તિઓ ના સહારે જલ્દી રિકવર થયો હતો એમ લાગે.

વિભા કિકાણી લખે છે –

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
હરવખત શું માત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબની આ ગઝલ ખરેખર મારા માટે પ્રેરણાપુંજ બની છે. આવનારી ખુશીની વાત કરવાની સાથે શરૂ થતી ગઝલ… મળ્યું છે એને સવાયું કરીને કાલને સોગાત કરવાની વાત સાથે જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ભાવકના હૃદયને હળવુફૂલ બનાવી જાય છે. દુઃખ સામે લડવાનું તો સૌ કહે પણ, દુઃખને હરાવવાની વાત તો કવિ જ કરી શકે.
આ ગઝલ સાથે મારે ગાઢ નાતો બંધાઈ ગયો છે. આઘાત અને દુઃખની ભીંસ વચ્ચે જીવન દુષ્કર લાગતું હતું ત્યારે વર્ગમાં ગઝલના પહેલા શેરનો ભાવાનુવાદ કરતાં હું રડી પડી હતી. જો કે બીજી જ ક્ષણે હું સ્વસ્થ થઈ ગઈ હતી કારણ કે બીજા શેરમાં કહેલી વાત મારે મારા વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવી હતી. એક દસકાથી મને જિંદગી જીવવાની હિંમત આપનાર કવિતા અને કવિ બંનેની હું ઋણી છું.

જ્યોતિ ત્રિવેદી લખે છે-

એક બારણું બંધ થયું તો રંજ શું એનો
દ્વાર બીજું ઉઘાડવાનું જરા શ્રદ્ધા રાખો
જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો
(રિષભ મહેતા)

તારીખ 19/10/22 થી અમે અમારી વહાલી બહેનને શોધી રહ્યા છીએ. આજ સુધી કોઈ પણ ખબર પડી નથી. ડભોઈ સુખધામ આશ્રમમાં ભજન દ્વારા ઈશ્વરની પ્રતીતિ કરાવતી આ રચના અમને ભજનસ્વરૂપે સાંભળવા મળી. આ રચનાએ અમોને ખૂબ માનસિક બળ આપી અમારી શ્રદ્ધા ને ફરી એકવાર અડગ કરીને અમોને નવેસરથી જીવન જીવવાનું ઔષધ પૂરું પાડયું છે.

વિપુલ જોશી લખે છે –

જે કાજે ઊતર્યા નીચે, તે હેતુને ફળાવવા,
પ્રભુ ! જગાડતો રે’જે, હૈયે મને ઉગાડવા.
(શ્રી મોટા)

મનુષ્ય જન્મનો હેતુ એક વાર ખબર પડી જાય પછી જે હેતુ માટે દેહ ધારણ કર્યો છે એ આધિભૌતિક, આધિદૈવીક અને આધ્યાત્મિક માર્ગમાં પ્રભુ ચલાવજે અમને. શ્રીમોટાની આ રચના મારા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવી ગઇ છે.

શ્રીદેવી શાહ લખે છે-

પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી,
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું પાત્ર જોયું નથી.

પૂ. કવિ શ્રી “સાંઈ” મકરંદ દવે ની આ કવિતા મન અને આત્માને ઝંકૃત કરી ગઈ… જાણે આઝાન અને આરતીના પવિત્ર સ્વરોથી આર્દ્ર હ્રદયથી પરમને પોકારતું હૃદય….અને હાથોહાથ ઉત્તરની ચિઠ્ઠી આપવા આવેલો પ્રેમી ઇશ્વર.. થોડા દુન્યવી ભારથી થાકી જતા….તું બહુ દૂર છે, તું ક્યાંય જડતો નથી કે મારી નજરે ચડતો નથી એવી ફરિયાદો કરતા.. અજંપાથી વ્યાકુળ થતા મારા મનને બે વરદ હસ્ત જેવા શબ્દોથી જાણે આશીર્વાદના અજવાળા કરી દીધા…. હું મને મારામાં જ જડી ગઈ….મારા આતમના બીજને પ્રેમની ભૂમિમાં રોપ્યું…. મારા અહમ્ અને અભિમાનને આંસુના અષાઢમાં ઓગાળી અને આહા.. નિર્મળ, સ્વચ્છ શ્રાવણી પૂનમનું અજવાળું જાણે ચોમેર અનુભવ્યું…. ભીતરના ભેરૂ ને મળવાનો આનંદ અને અંદર નું અજવાળું આપનાર સંત કવિના શબ્દોને સાષ્ટાંગ પ્રણામ…..

Comments (9)

અત્તરની શીશીમાં મોહ્યા- સંદીપ ભાટિયા

સખી! અત્તરની શીશીમાં મોહ્યા,
દૂરની સુગંધો પર માંડીને મીટ, અમે આંગણના મોગરાને ખોયા…

વાયરા પલાણ્યા, વંટોળિયાઓ બાંધ્યા પણ ઓળખ્યા ન પોતાના શ્વાસને,
એટલું ન સમજ્યા કે થાતું શું હોય છે, ઝાકળ બંધાય ત્યારે ઘાસને,
મલકયાનો હોઠવગો ભૂલી મલક, અમે નકશાના ગામ કાજે રોયા…
સખી! અત્તરની શીશીમાં મોહ્યા.

આપણે પણછ થકી છૂટેલા તીર નથી, જેને ના હોય પાછું વળવું,
કેડીથી અણજાણ્યા પાગલ પતંગિયાનું, સાવ છે સહજ ભૂલા પડવું,
ઝાઝા ન દૂર હવે રાખો સખી! કે અમે ધબકારા છાતીવછોયા…
સખી! અત્તરની શીશીમાં મોહ્યા.

– સંદીપ ભાટિયા

આપણા બધામાં એક કસ્તૂરીમૃગ જીવે છે. પંડમાં હોય એને ઓળખી ન શકીએ અને વને-વન શોધતા ફરીએ. મનુષ્ય સ્વભાવની બીજી પણ એક ખાસિયત છે કે લાડુ હંમેશા પારકે ભાણે જ મોટો લાગે. આંગણામાં મોગરો મઘમઘ કરતો હોય એનો આનંદ લેવાના બદલે આપણે ક્યાં તો બીજાના બગીચામાંથી આવતી સુગંધોની કામના કરીએ છીએ અથવા તો કૃત્રિમતાની પૂજા કરીએ રાખીએ છીએ. આખુંયે ગીત સુવાંગ સુંદર છે. એની મહેંકને ધીમે ધીમે માણીએ. મિલિન્દ ગઢવીએ આ ગીત સાથે પૉસ્ટ કરેલ ચાર વાક્યોની કમેન્ટ પણ મમળાવવા જેવી છે:

‘Realization is sad. Realization is painful. Realization is heart breaking.
But at the same time, realization is a blessing.’

Comments (6)

યાદગાર મુક્તકો : ૦૬ : બકુલેશ દેસાઈ, ભગવતીકુમાર શર્મા, શોભિત દેસાઈ, સંદીપ ભાટિયા

રેત છું પણ શીશીમાં ખરતો નથી,
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી;
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી.

– ભગવતીકુમાર શર્મા

ખાલીપણાનું એટલે કે શૂન્યતાનું એટલે કે એકલતાનું એટલે કે ન-હોવાપણાનું આ મુક્તક છે.  રેતીનું એક જ કામ તે ખરવું – પણ તે એ કરતો નથી. એકલતાને પોતાની મનગમતી ચીજોથી આસાનીથી ભરી દઈ શકાય – પણ એ ભરતો નથી. પડછાયો તો માત્ર અનુસરવાનું જ કામ કરી શકે – પણ પડછાયાના ઘાથી એ પણ બચી શકતો નથી. ને સૌથી મોટો અફસોસ – આ બધી રિક્તતા વચ્ચે પણ એ મરતો નથી. મરણ તો બહુ સહેલો જવાબ છે, અને સાહેબ, અમારો દાખલો તો એનાથી બહુ વધારે અઘરો છે!

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું,
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું;
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.

-બકુલેશ દેસાઈ

ન લખી શકવાની અવસ્થા પર લખાયેલું બેનમૂન મુક્તક. અનુભૂતિનો વરસાદ પણ છતાં કવિ છે કોરા ને કોરા. શાહીની તો રીતસર હેલી છતાં કવિને પોતાનો અવાજ મળતો નથી. પોતાનો અહમ જ પોતાના અસ્તિત્વને ડૂબાડવા બેઠો હોય તો પછી સર્જનની હોડી તરાવવાનો ફાયદો પણ શું છે?

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.

– શોભિત દેસાઈ

મૃત્યુ જેવા વિષય પર પતંગિયાની પાંખ જેવું નાજુક મુક્તક. મૃત્યુ એટલે ‘વિસ્મરણમાં ઝૂલવું’ અને ‘હોવાની કેદનું ખૂલવું’ – આનાથી વધારે સુંદર વ્યાખ્યા કઇ હોય શકે ?

શ્વસ અનંતોમાં
ઊડ પતંગોમાં
પોઢ ગઝલોમાં
ઊઠ અભંગોમાં

– સંદીપ ભાટિયા

અને છેલ્લે મારું અતિપ્રિય મુકતક. જીવનને સરળ કરી દેવાની અકસીર જડીબુટ્ટી. આંઠ શબ્દોમાં જાણે આખો પ્રસન્ન-ઉપનિષદ. આને સમજાવવાની ગુસ્તાખી કરું તો સમૂળગો પાપમાં જ પડું ને?

Comments (6)

અંતર – સંદીપ ભાટિયા

મારા ઘરથી
તારા ઘર સુધીના
રસ્તા કરતાં
તારા ઘરથી
મારા ઘર સુધીનો
રસ્તો
કેમ
વધુ લાંબો હોય છે
હંમેશા ?

– સંદીપ ભાટિયા

સુન્દરમ્ દોઢ લીટીમાં પ્રેમનો ઉપનિષદ લખી ગયા… સંદીપ ભાટિયા એક લીટીમાં એક અધ્યાય લઈને આવ્યા છે… અછાંદસની ચાલ મુજબ નવ પંક્તિમાં વહેંચાઈ ગયેલું આ કાવ્ય હકીકતમાં તો એક વાક્ય જ છે માત્ર…

સંજોગોવશાત્ આજે કવિમિત્રનો જન્મદિવસ પણ છે… કવિશ્રીને વર્ષગાંઠની અઢળક મબલખ વધાઈ….

 

Comments (12)

શ્વસ અનંતોમાં – સંદીપ ભાટિયા

શ્વસ અનંતોમાં
ઊડ પતંગોમાં
પોઢ ગઝલોમાં
ઊઠ અભંગોમાં

– સંદીપ ભાટિયા

ગઈકાલે તુકારામની વાત નીકળી એના પરથી આ અભંગોને સાંકળી લેતું મુક્તક યાદ આવી ગયુ. મુક્તક નાનકડું છે, પણ છે ખરું મોતી.

Comments (6)

સંભવે – સંદીપ ભાટિયા

બે’કત્રણ જીવ્યાની ક્ષણમાં કેટલા વ્રણ સંભવે ?
આંખ સામે ભીંત જેવા કેટલા જણ સંભવે ?

હાથ તો ડૂંડા સમા થઈ જાય ઊંચા પણ પછી
બંધ મુઠ્ઠીને કણસલે કેટલા કણ સંભવે ?

પગરવોની શક્યતા ડમરી બની ઊડ્યા કરે
પાંપણોના પાદરે ભીનાશનું ધણ સંભવે.

– સંદીપ ભાટિયા

આ લઘુ-ગઝલમાં દરેક શેર નાની વાર્તા સમો થયો છે. પહેલા શેર પરથી તો કેટલી ય કથાઓ આંખો સામે તરવરી જાય છે.

Comments (9)

મા – સંદીપ ભાટિયા

sandip bhatia- Maa2
(ખાસ ‘લયસ્તરો’ માટે સંદીપ ભાટિયાનું એક સુંદર ગીત એમના પોતાના અક્ષરોમાં)

*

મારી નીંદરમાં વ્યાપ્યા અંધારાં
મા મારી પાંપણની બારસાખે ટાંગી દે
વારતામાં ટમટમતા તારા

આયખાના બંધબંધ ઓરડામાં
મા મને એકલું જાવાને લાગે બીક
આંગળી ઝાલીને તારાં હાલરડાં ચાલતાં’તાં
ત્યાં લગી લાગતું’તું ઠીક

મેળાની ભીડ મહીં ખોવાયા મા
હવે મારાં સૌ સપનાં નોંધારાં

લખભૂંસ છેકછાક એટલી કરી
કે નથી ઊકલતો એક મને અક્ષર
પાસે બેસાડી તું એકડો ઘૂંટાવે
એ આપ ફરી સોનાનો અવસર

ઝાઝેરું જાણવાની કેડીઓમાં
મા હવે અટવાઈ ઊભા વણઝારા

-સંદીપ ભાટિયા

અંધારું એટલે કાળાશનું હોવું નહીં, અંધારું એટલે સૂરજનું ન હોવું તે. અંધારું એટલે પ્રકાશની ગેરહાજરી. અંધારું એટલે જીવનના ધનમૂલક પરિબળોની બાદબાકી. ઊંઘમાં વ્યાપ્યા અંધારાં કહીને કવિ કેવો મજાનો કાકુ સિદ્ધ કરે છે! ઊંઘવા મથતા પણ ઊંઘી ન શકતા બાળકની નીંદરમાં વ્યાપેલ આ અંધારું -ઊંઘ નામના પ્રકાશની ગેરહાજરી- તો હવે મા મજેદાર વાર્તાઓના ટમટમતા તારાઓ પાંપણની બારસાખે બાંધે તો જ દૂર થવાનું છે… એક બાળકના મા સાથેના સંબંધની સુંદર પરિભાષા વ્યક્ત કરતું આજે બાળક બનીને માણીએ…

સંદીપ ભાટિયાની એક અદભુત ગઝલ -કાચનદીને પેલે કાંઠે- આપે વાંચી છે? અહીં ક્લિક્ કરો.

Comments (15)

કાચનદીને પેલે કાંઠે – સંદીપ ભાટિયા

કાચનદીને  પેલે  કાંઠે  શબ્દ  ઉભો   અજવાળા  લઈને
થરથરતા  હિમયુગોને  છેડે  સપનાઓ  હુંફાળા  લઈને

કાચનદીને  પેલે  કાંઠે  કોઈ  આપણી   રાહ   જુએ  છે
ચાલ આંખમાં ભીનાશ લઈને
છાતીમાં ગરમાળા લઈને

કાચનદીને  પેલે   કાંઠે   નામ   ધૂંધળું   ચહેરા  ઝાંખા
આ  કાંઠે  ચૂપચાપ  ઉભો છું
શ્વાસોની જપમાળા લઈને

કાચનદીને  પેલે  કાંઠે  કોની  પહેલી  તરસ  પહોંચશે
જલપરીઓની રાણી  ઉભી  હાથોમાં  વરમાળા  લઈને

કાચનદીને  પેલે  કાંઠે  ગણિત  બધાંયે  સાવ નકામા
તરી ગયા એ શૂન્ય ઉંચકી ડૂબી ગયા સરવાળા લઈને

કાચનદીને  પેલે  કાંઠે   પાગલ   પંખી   માળો  બાંધે
ડાહ્યા  લોકો  ભેટ  આપવા  આવે   કૂંચીતાળા  લઈને

સંદીપ ભાટિયા
pencamerabrush@rediffmail.com

પેનકેમેરાબ્રશ જેવા ઈ-મેઈલ આઈડીથી પોતાનું ત્રેવડું વ્યક્તિત્વ છતું કરતા સંદીપ ભાટિયાને આપણે માણસના ધુમાડા કરનાર ગીતકાર તરીકે ઓળખીએ છીએ. અહીં એ કાચનદીની વાત લઈને આવ્યા છે. કાચનદી શબ્દ જ ગઝલમાં પ્રવાસ આદરતા પહેલાં આપણને અટકવાની ફરજ પાડે છે. કાચની બનેલી આ કઈ નદી છે એનો ખુલાસો કરવા જેટલા મુખર કવિ બનતા નથી. નદીની આ વિભાવના વાચકે પોતે જ સ્થાપિત કરવાની રહે છે.

છ શેરની આ ગઝલ આખી વાંચીએ ત્યારે આ કાચનદી એટલે આ વિશ્વ એવી વિભાવના સૌથી વધુ ઉજાગર બને છે. અને કાચ શબ્દ પ્રતીક બને છે વિશ્વની ભંગુરતાનું. કદાચ બરડતા અને જડતાનું પણ.

શબ્દ હંમેશા અજવાળાનું પ્રતીક ગણાયો છે. સાચો શબ્દ જ મૌનના અંધારામાં યુગોથી થીજી ગયેલા અસ્તિત્વને હૂંફાળા સપનાંની ઉષ્મા આપી અજવાળી-પીગાળી શકે છે. આ ક્ષણભંગુર નદીના પેલે કાંઠે કોઈ આપણી શાશ્વત પ્રતીક્ષામાં છે પણ એ પ્રતીક્ષા કોરી નથી, વાંઝણી નથી. ત્યાં આપણું કોરાપણું પણ કોઈ ખપનું નથી. એ પ્રતીક્ષાનો કાચ તોડવો-પીગળાવવો હોય તો આંખોમાં સંવેદનાની ભીનાશ અને છાતીમાં ગરમાળાની ઉષ્ણ શીતળતા હોવી અનિવાર્ય છે. ગરમાળો જ કેમ? કોઈ અન્ય વૃક્ષ કેમ નહીં? કવિ શું માત્ર કાફિયા મેળવવા માટે જ ગરમાળાનો પ્રયોગ કરે છે? કે કવિને છાતીમાં શ્વાસની આવન-જાવન, હૃદયના ધબકારા અને રુધિરના પરિભ્રમણની ગરમી પણ અહીં અભિપ્રેત છે? ગરમાળો જ એક એવું વૃક્ષ છે જેનું નામસ્મરણ માત્ર બળબળતા ઉનાળા અને આંખોને ટાઢક આપતા પીળચટ્ટા ફૂલોના સહૃદય વિરોધાભાસને તાદૃશ કરી શકે છે.

બટકણી આ કાચનદીની બાકીની વાતો ભાવકો પર છોડીએ?

Comments (24)

નદીના પાણીમાં ઊભેલા વૃક્ષના ઠૂંઠાનો ફોટોગ્રાફ જોતાં – સંદીપ ભાટિયા

લીલાશના વણજારા રે
અમે બહુ દોડીને ઊભા
તરસમાં પગ બોળીને ઊભા

કૂંપળના, કલરવના, ફોરમના જે છૂટ્યાં ગામ રહ્યાં એ ઝાંખાઝાંખા દૂર
હૂંફને કાંઠે હજી તો નાખ્યા ડેરા ત્યાં તો કોઈ નથીનાં ઊમટ્યાં ઝળઝળ પૂર.

રાવટી રગદોળીને ઊભા
અમે બહુ દોડીને ઊભા

થડ ઉપર ચડતી કીડીના પગરવનો રોમાંચ અમે તો પોઠ ભરીને લાવ્યા’તા
દાણા લઈને ઊડતી આવે માળામાં એ સાંજ અમે તો પોઠ ભરીને લાવ્યા’તા

ગઠરિયા સૌ છોડીને ઊભા
અમે બહુ દોડીને ઊભા

-સંદીપ ભાટિયા

કવિતા ક્યાં-ક્યાંથી જન્મ લેતી હોય છે ! આ ગીતનું લાંબુલચ્ચ શીર્ષક વાંચતાં જ આંખ સામે હાથમાં ફોટોગ્રાફ લઈ બેઠેલા કવિનું દૃશ્ય જાણે ખડું થઈ જાય છે. કવિ સંવેદનાનો દ્યોતક છે. અને સંવેદન કઈ ઘડીએ કઈ જગ્યાએ અને કયા પ્રસંગે જેમ સમુદ્રમાં ચંદ્ર તેમ લોહીમાં ખળભળાટ મચાવી દે, કંઈ કહેવાય નહીં. શીર્ષક વાંચીને પછી કવિતામાં પ્રવેશીએ તો કવિએ જે-જે કલ્પનો પ્રયોજ્યા છે તે બધા જ એક પછી એક આંખ સામે ખડા થતા જાય છે અને ગીત પૂરું થતાં સુધીમાં તો જો તમે સારા ચિત્રકાર હો તો કવિએ જે ફોટોગ્રાફ જોઈને આ ગીત લખ્યું હશે એ ફોટોગ્રાફનું હૂબહૂ ચિત્રણ કરી શકો એવું રમણીય વર્ણન અહીં કરાયું છે.

Comments (3)

(એક પછી એક ખૂલે) – સંદીપ ભાટિયા

નાળિયેરીના પાનની નીચે સાંજબદામી સૂરજ ઝૂલે,
દૂરથી પવન જેમ ઊછળતી આવતી તને જોઈને
મારા વગડાઉ ફૂલ જેમ રૂંવાડા એક પછી એક ખૂલે.

મન જાણે છે કેટલી થઈ આવશે ને
ના આવશે વચ્ચે ઘુઘવાટાની ખેપ,
આભમાં ચોમેર દરિયે ચોમેર દવ ને
તારું દૂરથી દેખાઈ જાવું ચંદન લેપ.

સઢ ફુલાવી આવતી તને જોઈ ખારવો દરિયાકાંઠે
દરિયાથી થઈ સાવ અજાણ્યો ડૂબવું ભૂલે તરવું ભૂલે

ગણ્યાં પંખી પરપોટા ને ગણી સૂનમૂન છીપ
ને ગણ્યા રેતના બધાય કણ,
ઢળતી સાંજે વાટ જોવામાં પગથી માથા લગ બધેબધ
નેજવું થ્યો એક જણ.

પાંખ પ્રસારી ઊડતી તને જોઈ પારધી પોતે જ પંખી થાય
ને રીસનાં તીરને કામઠાં ભૂલે.

– સંદીપ ભાટિયા

ગીત થોડું અટપટું છે. પણ બે-ત્રણ વાર વાંચો તો તમને ખ્યાલ આવે કે કવિએ અર્થની કેવી સરસ ગૂંથણી કરી છે. વગડાઉ ફૂલની જેમ રૂંવાડા એક પછી એક ખૂલવાની તો કલ્પના જ કેટલી રોમાંચક છે ! એટલી જ તાજી વાત કવિએ નેજવું થ્યો એક જણમાં પણ કરી છે. આગળ મૂકેલું, આપણા શ્રેષ્ઠ પ્રેમગીતોમાંથી એક એવું, ભીંજાવું ચડ્યું ટલ્લે પણ સાથે જોશો. કવિએ ગીતને કોઈ નામ નથી આપ્યું, એટલે મેં પસંદ કરેલું નામ અહીં કૌંસમાં મૂકેલ છે.

Comments (5)

ગીત – સંદીપ ભાટિયા

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.  

વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.

હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.

-સંદીપ ભાટિયા  

1-5-1959 ના રોજ જન્મ. મુંબઈના નિવાસી. કવિતા સાથે વાર્તા અને નિબંધ પણ લખે છે અને કળાત્મક મુખપૃષ્ઠો પણ કરે છે. કાવ્યસંગ્રહ હજી પ્રકાશિત નથી થયો.

Comments (25)

ભીંજાવું ચડ્યું ટલ્લે – સંદીપ ભાટિયા

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે 

છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયા ને તોયે કોરા રહ્યાનૂં શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું
વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર સૂકવવા મળતા જો હોત તો
કલરવનો ડાકિયો દેખાયો હોત કાશ મારુંયે સરનામું ગોતતો
વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,
ગુંજે ભરો કે ભરો ગલ્લે

હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.

– સંદીપ ભાટિયા

જોતા જ ગમી જાય એવા આ ગીતમાં પ્રેમની વાત ભીંજાવાના રુપકથી કરી છે. હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે એ વાત આમ તો પ્રેમ ન મળવાની વાત છે, છતા ય અહીં એ જરા પણ કડવાશ કે ડંખ વિના આવે છે. કલરવનો ડાકિયો અને વાછટનો વેપાર એવા પ્રયોગો પરાણે મીઠા લાગે એવા છે.

Comments (16)