ના હિન્દુ નીકળ્યાં ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.
અમૃત ઘાયલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2024

નિર્મિશાંજલિ :૦૩: મલે નીં મલે – નિર્મિશ ઠાકર

નડીની રેલમાં ટરટું નગર મલે નીં મલે,
ફરી આ ડ્રસ્ય સ્મૃતિપટ ઉપર મલે નીં મલે.

અરે કાડવ ઠહે ટો ઉગહે એમાં બી કમર,
પછી આ માટીની ભીની અસર મલે નીં મલે.

પરિચિટોને ડઘાઈને જોઈ લેવા ડેવ,
એ કરડાં ઠોબડાં, ટ્રાંસી નજર મલે નીં મલે.

બઢા ડૂબી ગીયાં રસ્ટાઓ, બારીઓ, ભીંટો,
ટમે બી ડૂબહો પછી આ ઘર મલે નીં મલે.

ઉટરહે પૂર, પછી ફાટવાનો પ્લેગ ટરટ,
પછી કોઈને કોઈની કબર મલે નીં મલે.

ટને બી લૈ ડૂબે – એવાની આંગરી નીં પકડ,
બચી જહે ટું, ભલે હમસફર મલે નીં મલે.

વટનમાં હું મલે કે માઠું ભરી ડેઉં ‘નિમ્મેસ’?
ટને કાદવ જે મયલો, ઉમ્રભર મલે નીં મલે.

– નિર્મિશ ઠાકર

દિવંગત કવિને શબ્દસુમન અર્પવાના ઉપક્રમમાં આજે ત્રીજું અને હાલ પૂરતું આખરી સુમન. હાસ્યવ્યંગ અને પ્રતિકાવ્યો બાબતે ગુજરાતી ભાષામાં એમનો જોટો જડે એમ નથી. ગુજરાતી કવિઓને ભાગ્યે જ નસીબ થાય એવા અદકેરા કદ-કાઠીના સ્વામી નિર્મિશભાઈના વ્યંગકાવ્યો જેટલા પોંખાવા જોઈએ એટલા પોંખાયાં નહીં. કદાચ એ કારણે જ કે ગુજરાતી સાહિત્યનો હાસ્ય સાથેનો સંબંધ સદાકાળ પાણીપાતળો જ રહ્યો છે. એમાંય પ્રતિકાવ્યો તરફ તો આપણું વલણ એને ઉતરતાં ગણીને હડે-હડે કરવા જેવું જ રહ્યું છે. પ્રતિકાવ્યનું સર્જન પોતે મૂળ રચનાની ઉત્તમતા અને પ્રસિદ્ધિનો સહૃદય સ્વીકાર છે. મૂળકાવ્ય અદભુત થયું છે એટલે જ એનું પ્રતિકાવ્ય રચાયું છે. મૂળ કાવ્યની મશ્કરી કરવાનો સર્જકનો હેતુ હોતો નથી એ આપણે સહુએ સમજવા જેવું છે. આદિલ મન્સૂરીની અમર ગઝલ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’નો હાથ ઝાલીને કવિએ આપણને પ્યૉર હુરટી બોલીમાં ઉમદા પ્રતિકાવ્ય આપ્યું છે, એનો આનંદ લઈએ.

Comments (8)

નિર્મિશાંજલિ :૦૨: ત્રણ ટ્રાયોલેટ – નિર્મિશ ઠાકર

૧. ઇતિહાસને પાને

કેદ જેવું થઈ જશે ઇતિહાસને પાને ચડી
નામ મારું થઈ જતું યશવંત, ભૂંસી નાંખજે
ભૂતકાળે હું ન જીવું, હોય ના મારી કડી
કેદ જેવું થઈ જશે ઇતિહાસને પાને ચડી
હું ભૂલાઉં એ જ સારું! કેમ હું આવું જડી?
હોય જો અનિવાર્યતા તો પૃષ્ઠ કોરું રાખજે
કેદ જેવું થઈ જશે ઇતિહાસને પાને ચડી
નામ મારું થઈ જતું યશવંત, ભૂંસી નાંખજે

૨. રૂપાળા સહારા

બધા હાલ પૂછી લીધા મેં તમારા
મને રાહમાં જ્યાં મળી ગઈ હવાઓ
મળ્યા કલ્પનાને રૂપાળા સહારા
બધા હાલ પૂછી લીધા મેં તમારા
હતા કાફલા મ્હેકના એકધારા
હતી દૃશ્યમાં રૂપની કેં સભાઓ
બધા હાલ પૂછી લીધા મેં તમારા
મને રાહમાં જ્યાં મળી ગઈ હવાઓ

૩. તેજરેખા

સૂર્યાસ્ત તો થઈ જશે, જળમાં છતાંયે
રોકાય છે મૃદુલ બે ક્ષણ તેજરેખા.
સૌંદર્ય શું હૃદયમોહક એ વિદાયે
સૂર્યાસ્ત તો થઈ જશે, જળમાં છતાંયે
મૃત્યુ પછી ઘડીક હોઈશ હુંય પાસે,
અશ્રુ મહીં પ્રિય જરીક જ દૈશ દેખા
સૂર્યાસ્ત તો થઈ જશે, જળમાં છતાંયે
રોકાય છે મૃદુલ બે ક્ષણ તેજરેખા.

– નિર્મિશ ઠાકર

ગુજરાતી ભાષામાં ટ્રાયોલેટ લાવવાનું અને આખેઆખો સંગ્રહ આપવાનું શ્રેય કવિશ્રી નિર્મિશ ઠાકરને જાય છે. ગુજરાતી સાહિત્ય આ પ્રયાસ બદલ પણ એમને સદાકાળ યાદ રાખશે. ટ્રાયોલેટ વિશે સમજૂતિ આપતા કવિ કહે છે: “કાવ્યસ્વરૂપ ટ્રાયોલેટ એની વિશિષ્ટ પ્રાસરચનાને કારણે ધ્યાનાકર્ષક બને છે. એમાં કુલ આઠ પંક્તિઓ હોય છે. એની મુખ્ય એટલે કે પ્રથમ પંક્તિ કાવ્યમાં ત્રણ વાર આવે છે, એટલે કદાચ ‘ટ્રાયોલેટ’ નામ પડ્યું હોઈ શકે. એની પ્રથમ પંક્તિ ચોથા અને સાતમા સ્થાને પુનરાવર્તિત થાય છે, એ જ રીતે બીજી પંક્તિ આઠમા સ્થાને ફરીથી આવે છે. ટ્રાયોલેટની વિશિષ્ટ પ્રાસરચના આ રીતે મૂકી શકાય- 1. cat 2. dog 3. bat 4. cat 5. fat 6. hog 7. cat 8. dog.”

Comments (2)

નિર્મિશાંજલિ :૦૧: પુત્રને પહેલીવાર શાળાએ મૂકતી વેળા – નિર્મિશ ઠાકર

(મંદાક્રાન્તા-સૉનેટ)

ના દીવાલો, છત પણ નહીં, ઊડતું જાય આગે,
પાંખોને જે ‘બસ ચલ!’ કહે, આભલું એટલે શું?
શું છે ફૂલો? મઘમઘ થતા વાયરા એટલે શું?
ઊનો ઊનો રવિ અડકતાં ધુમ્મસો કે ભાગે?
ખીણો ભાળી તરત પડતું મેલતી ને ઝિલાતી
મેદાનોમાં, ઝલમલ નદી ખ્વાબ-શી કેમ લાગે?
– પૂછે નાનું વિહગ, કલશોરે સરી વૃક્ષ જાગે,
હું ભાળું આ અચરજભરી વારતાને વિલાતી!
છોડાવી મેં મૃદુલ કરથી આંગળી સખ્ત ઝાંપે,
જ્યાં પ્રશ્નોના નહિ, કદી નહિ, ઉત્તરો હોય સાચા!
જ્યાં ભૂંસાતી ક્ષણ ક્ષણ મહીં વિસ્મયોની જ ભાષા!
દેતો સાદો હજીય મુજને અંશ મારો જ, કાંપે.
ભીનાં પેલાં સગપણ લઉં આંખથી સહેજ લ્હોઈ,
ખોયા એણે કલરવ હવે, વૃક્ષતા મેંય ખોઈ!

– નિર્મિશ ઠાકર

(જન્મ: ૧૮ માર્ચ, ૧૯૬૦- નિધન: ૧૪ જાન્યુઆરી, ૨૦૨૪)
લયસ્તરો તરફથી કવિને ત્રણ દિવસની નિવાપાંજલિ….

હાસ્યવ્યંગના કાવ્યો, પ્રતિકાવ્યો, કેરિકેચર કાર્ટૂન્સ તથા ગનપટ હુરટીના કારણે બહુખ્યાત થયેલ નિર્મિશ ઠાકરે આપણને નોંધપાત્ર માત્રામાં ગંભીર અને ઉમદા કવિતાઓ પણ આપી છે. ફ્રેંચ કાવ્ય ટ્રાયોલેટને ગુજરાતીમાં આણનાર પણ તેઓ જ. સ્નેહરશ્મિએ જેમ હાઇકુ સંગ્રહ આપ્યા, એમ નિર્મિશભાઈએ આપણને ટ્રાયોલેટ સંગ્રહ પણ આપ્યો છે. આજે રજૂ કરીએ મંદાક્રાંતા છંદમાં લખેલ એક સૉનેટ. છંદના ચુસ્ત આગ્રહીઓ કદાચ એકાદ-બે યતિભંગ બદલ નાકનું ટેરવુંય ચડાવે અને શુદ્ધ ભાષાપ્રેમીઓને ‘ધુમ્મસો કે ભાગે’ જેવી એકાદી વાક્યરચના કદાચ કઠેય ખરી. પણ આપણે તો ભાવ પકડીએ.

વૃક્ષ પર મજાનું જીવન ગાળતું એક નાનું પંખી એના કલરવ ખોવાને આરે આવ્યું છે. કારણ? પિતાજી એને શાળામાં દાખલ કરવા લઈ જાય છે. બાપને ખબર છે કે સ્કૂલ એટલે અચરજભરી વાર્તાનું વિલયસ્થાન. સ્કૂલ એટલે એવી જગ્યા જ્યાં કોઈ પ્રશ્નોના સાચા ઉત્તર નહીં મળે, કદી નહીં મળે અને જ્યાં વિસ્મયની ભાષા ક્ષણેક્ષણે ભૂંસાતી રહેવાની છે. પણ સમાજવ્યવસ્થા સામે બાંય ચડાવવાની હિંમત ન હોવાથી ભીની આંખે બાપ ખુદ સંતાનને શાળાએ મૂકવા જાય છે.

Comments (4)

મૃત્યુ આજે મારી સન્મુખ છે – અજ્ઞાત (ઇજિપ્ત) (અનુ.: વિવેક મનહર ટેલર)

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જે રીતે બિમાર માણસ સાજો થાય,
જે રીતે લાંબી પથારી બાદ બહાર જવા મળે.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જાણે કે હીરાબોળની સુગંધ,
જાણે કે હવાદાર દિવસે સઢ નીચે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ કે કમળની સુગંધ,
જેમ કે નશાના કિનારે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જાણે કે એક બહુખેડી કેડી,
એમ જાણે કે યુદ્ધથી ઘર પરત ફરતો માણસ.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ આકાશ અનભ્ર થાય,
જેમ કે જ્યારે એક માણસને ખબર પડે કે એણે શું અવગણ્યું હતું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જેમ વરસોવરસ કેદમાં સબડ્યા પછી
ઘર જોવા તરસતો માણસ.

– અજ્ઞાત (ઇજિપ્શન)
અંગ્રેજી અનુ.: મિરિઅમ લિચથાઇમ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

આજે એક એવી કવિતાની વાત કરવી છે જેની અને આપની વચ્ચે એક તરફ ચાર હજાર વરસનું અંતર છે અને બીજી તરફ ચાર હજાર કિલોમીટરનું… ઇજિપ્તના કોઈ ખૂણામાં વસતા કોઈક માણસે ૪૦૦૦ વર્ષ પહેલાં લખેલી આ કવિતા આજે પણ એવી તરોતાજા લાગે છે, જાણે આજે સવારે જ ન લખાઈ હોય! ચાર હજાર વર્ષ પહેલાંની આ રચના આડકતરી રીતે આપણને એ પણ સમજાવે છે કે મનુષ્યનો સ્વભાવ શરૂથી જ ચિંતનાત્મક રહ્યો છે. જીવન અને મૃત્યુ વિશે મનુષ્ય અનાદિકાળથી વિચારતો આવ્યો છે.

રચનાનો વિશદ આસ્વાદ આપ અહીં માણી શકશો.

Death is before me today

Death is before me today
Like a sick man’s recovery,
Like going outdoors after confinement.

Death is before me today
Like the fragrance of myrrh,
Like sitting under sail on breeze day.

Death is before me today
Like the fragrance of lotus.
Like sitting on the shore of drunkenness.

Death is before me today
Like a well-trodden way,
Like a man’s coming home from warfare.

Death is before me today
Like the clearing of the sky.
As when a man discovers what he ignored.

Death is before me today
Like a man’s longing to see his home
When he has spent many years in captivity.

– Miriam Lichtheim
(Translation from Egyptian to English)

Comments

ગોઝારી વાવ – મનીષા જોષી

હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘ૨માં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે
અને હું એના મૃતદેહ ૫૨થી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.

રોજ રાત્રે યમરાજ આવે છે
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે,
પણ હું એને રજા નથી આપતી.

– મનીષા જોષી

એકદમ સરળ અને સહજસાધ્ય ભાષામાં કવયિત્રીએ નારીવેદનાની પરાકાષ્ઠા અભૂતપૂર્વ રીતે આલેખી છે. કવિતા સ્ત્રી સર્જકે લખી છે, એટલે નારીવેદના શબ્દ વાપર્યો નથી, પણ પુરુષોના શબ્દકોશમાં આ પ્રકારની લાગણી ભાગ્યે જ છપાયેલી જોવા મળતી હોવાથી એ સમાસ સહેતુક પ્રયોજ્યો છે. બે જણ અલગ થઈ ગયા છે અને બંને પોતપોતાના ઘરમાં જીવે છે. પુરુષ એના ઘરમાં સુખેથી જીવે છે એ વાતને સુખેથી શબ્દને મૂલ વાક્યથી અલગ તારવીને સર્જકે સાયાસ અધોરેખિત કર્યો છે. પણ હવે એ પુરુષ નાયિકા માટે મૃત્યુ પામ્યો છે અને નાયિકા રોજેરોજ આ પુરુષના અલગ-અલગ પ્રકારના મૃત્યુની અને એ મૃત્યુ પરત્વેની પોતાની લાગણીશૂન્યતાની કલ્પનાઓ કરતી રહે છે. પુરુષ છેડો ફાડી લે પછી એ ‘સુખેથી’ રહેવા માંડે છે, પણ સ્ત્રી છેડો ફાડીનેય છેડો ફાડી શકતી નથી. પુરુષના નિતનવીન મૃત્યુઓની રોજેરોજ કલ્પના કરવી પડે છે, કારણ એ પુરુષને અને એના અત્યાચારોને આ જનમમાં કદાચ એક પળ માટેય ભૂલી શકે એમ નથી. કવિતાના ઉત્તરાર્ધમાં સાવિત્રીનું પ્રતિક પ્રયોજીને સર્જકે ઉમદા કવિતા સિદ્ધ કરી બતાવી છે. સાવિત્રી યમરાજ પાસેથી સત્યવાનને પરત લઈ આવી હતી, એથી બિલકુલ વિપરીત આધુનિક યુગની આ સાવિત્રી યમરાજને પુરુષને લઈ જવાની રજા આપતી નથી. યમરાજ પણ પુરુષ જ છે અને એમના માટે ‘કરગરવું’ ક્રિયાપદ વાપરીને કવયિત્રીએ કવિતાને વધુ ધાર કાઢી છે. પુરુષનું મૃત્યુ હકીકતમાં થઈ જાય તો રોજેરોજ એના મૃત્યુની કલ્પના કરવાથી બદલો લીધો હોવાનો જે સંતોષ મળે છે એનુંય મૃત્યુ ન થઈ જાય?

Comments (18)

નાનકડા કાચબાની કથની – મકરન્દ દવે

ચાલ તારી ચાલજે તું,
ચાલ તારી ચાલજે તું
ચાલ તારી—
કેટલું માએ કહ્યું’તું? હાય, સારી
વાત કાં ભૂલી ગયો? આજે સવારે
જયાં નદીમાંથી જરા કરવા ચડી આવ્યો કિનારે
દૂર સસલું કૂદતું, જોઈ જરા
ઠેકવાનું મન થયુ, ઠેકી લીધું થોડું, ત્વરા
આવી ગઈ પગમાં, જરા ઊંચે નિહાળી
જોઉં તો બગલું ઊડે! કેવુ ઊડે! જાગી સફાળી
પાંખ મારે અંગ ત્યાં તો મા તણી
આવી શિખામણ યાદ, મારાં ઘર ભણી
પગલાં પડે ત્યાં પાંખ ફૂટે
પાંખ ફૂટે ત્યાં વળી પગમાં પડેલ કમાન છૂટે.
આ બપેાર થવા આવ્યો અને
કૂદકો મારું, પડું ઊંધો, તરફડું, ચીસ નાખું, રેતમાં સળગું
શેને હવે વળગું?
કોઈ આવી ઊંચકી લો; ઊંચકો કોઈ મને!

– મકરન્દ દવે

બાળકાવ્ય ગણી શકાય એવા સરળ નાનકડા કાવ્યમાં સંદેશો તો સ્ફટિક-સ્પષ્ટ જ છે, પણ રજૂઆતની શૈલી વધુ હૃદયંગમ થઈ છે. પહેલી નજરે અછાંદસ ભાસતી આ રચના હકીકતમાં છાંદસ કવિતા છે. કવિએ ખંડ હરિગીત (ગાલગાગા ગાલગાગા) પ્રયોજ્યો છે. ગઝલપ્રેમીઓ રમલ છંદ મુજબ પણ એનું પઠન કરી શકે. મોટેથી લયબદ્ધ પઠન કરશો તો વધુ મજા આવશે.

Comments

કુંજડી સૂતી – વિનોદ જોશી

કુંજડી સૂતી સોનાની ડોક પાથરી
રેશમી ટહુકાની ઓઢી રજાઈ.

માથે ઝળૂંબે એક ઝાડવું
ઝાડ એક વડલાનું ઝાડ,
અડધો ઓછાયો એના ઓરતા
અડધામાં આંસુની વાડ;

પાંદડું પડખું ફરે ને હલે ડાળખી
ડાળખીના અણસારે ઝૂલે વડવાઈ.

કાચી સોડમ કૂણો વાયરો
વાયરામાં તરતી મધરાત,
ઓચિંતાં ફૂલ એકસામટાં
ફાટફાટ મહેકયાં રળિયાત;

આભનો તાકો તૂટયો ને ખર્યું માવઠું
માવઠામાં ધોધમાર વરસી શરણાઈ.

– વિનોદ જોશી

વસંતપંચમી અને વેલેન્ટાઇન પર્વના પ્રેમભર્યાં વધામણાં…

રેશમી ટહુકાની સોનેરી રજાઈ જેવું જ સુંવાળું ગીત. ગીતના કેન્દ્રસ્થાને કુંજડી છે, પણ એને નાયિકાનું પ્રતીક પણ લેખી શકાય. જાત પાથરી દઈશ… હૈયું પાથરી દીધું વિ. રુઢિપ્રયોગો તો આપણે વ્યવહારમાં સાંભળતા આવ્યા છીએ પણ અહીં ડોક પાથરવાની વાત છે. સોનાની ડોક પાથરવાની વાત છે. વાત તો પ્રાણ પાથરવાની જ છે પણ એક તો પક્ષીના પ્રતીકના નિમિત્તે ડોક વધુ સુસંગત લાગે છે અને બીજું, વાત પ્રતીક્ષાની હોવાથી પણ એ વધુ તર્કસંગત લાગે છે. વડના ઝાડની નીચે કુંજડી કુંજના વિરહમાં સૂતી હોય એ દૃશ્ય કવિએ અદભુત ઉપસાવ્યું છે. તડકો હોય ત્યારે છાંયો પડે અને છાંયડો એટલે ઠંડક. પણ અહીં ઝાડનો ઓછાયો અડધો કુંજડીના અરમાનોથી તો અડધો એના આંસુઓથી રચાયો હોવાથી આ છાંયો તડકાથી પણ વધારે દાહક લાગે છે. ગીતકાવ્ય ઊર્મિપ્રવણ કાવ્યપ્રકાર છે અને અહીં સ્ત્રૈણભાવ કેન્દ્રમાં હોવાથી પ્રતીક પણ જેટલા નજાકતભર્યા હોય એટલું ગીત વધુ હૃદ્ય બને. પાંદડું પડખું ફરે એ કલ્પન જ કેટલું ઋજુ છે! પવનથી પાંદડું હલે એમાં કવિને એનું પડખું ફરતું દેખાય છે અને એટલા સળવળાટ માત્રથી ડાળખી હલે છે ને એના અણસારે વડવાઈ ઝૂલે છે… આખી પ્રક્રિયાના એકડા કવિએ ઊંધેથી ઘૂંટ્યા હોવાથી અનુભૂતિ વધુ હૃદયંગમ બને છે. કાચા-કૂણા સંયોગશૃંગારથી છલકાતી પ્રકૃતિથી પુરુષ ક્યાં સુધી અળગો રહી શકે આખરે? વણમોસમે પણ છાતી ફાડીને વરસવા મજબૂર કરી દે એ જ પ્રેમની સાચી તાકાત.

Comments (2)

કવિનું મૃત્યુ – હસમુખ પાઠક

ચોકની વચ્ચે પડેલા
એક ઉંદરના મરેલા
દેહ પર તીણા ઉઝરડા ન્હોરના
થીજી રહ્યા આજ ઠંડા પહોરના.
જોઉં છું હું, જોઉં છું હું.
જોઉં છું – જોતો નથી.
મારી નજર તો સાવ ખાલી,
આંખ જાણે કાચનો કટકો,
અને હું કાળજે કંપું નહીં
ને આ હૃદયમાં ક્યાંય ના ખટકો!
હવે તો બસ કરું.
જંપું અહીં.

– હસમુખ પાઠક

સારી કવિતા એ જે ઓછામાં ઓછા શબ્દોમાં પોતાની વાત ધારદાર રીતે રજૂ કરે અને જેમાંથી એકેય શબ્દ આમતેમ કે વધઘટ ન શકાય. આ રચના જુઓ. ‘કવિનું મૃત્યુ’ શીર્ષક ઘણું કહી જાય છે અને ગાડીના સીટ-બેલ્ટની જેમ આપણને કવિતાની બમ્પી-રાઇડ માટે તૈયાર પણ કરે છે. વહેલી સવારની ઠંડકમાં એક ઉંદર કોઈક સાથેની ઝપાઝપી બાદ મરણ પામ્યો હશે તે ચોકમાં એનું શબ હજીય પડી રહ્યું છે. કોઈએ એ શબ હટાવવાની તસ્દી લીધી નથી. કવિ પણ ઠંડા પહોરે ઘટેલી આ ઘટનાને ઠંડા કલેજે જોઈ રહ્યા છે. ‘જોઉં છું હું’ની ત્રિરુક્તિ ઘટનાને ‘કેવળ’ સાક્ષીભાવે જોવાની ક્રિયાને દૃઢીભૂત-અધોરેખિત કરે છે, પણ ત્રીજીવાર ‘જોઉં છું’ની વાત કરતી વખતે કવિએ હોંશિયારીપૂર્વક ‘હું’ને તિલાંજલિ આપી દીધી છે એ જોયું? બનેલી બીના વિશે કશું જ કર્યા વિના કેવળ મૂક દર્શક બનીને જોયા કરવાની ક્રિયા એ હદે લંબાય છે કે કર્તાનો લોપ થઈ જાય છે. અને પછી તો આ નપુંસક જોવું પણ લોપ પામે છે, જ્યારે કવિ કહે છે – ‘જોતો નથી.’ સામે પડેલ ઉંદરનો મૃતદેહ સામે જ મંડાયેલ હોવા છતાં નજર સાવ ખાલી થઈ જાય છે. હૃદયમાં કોઈ કંપ કે ખટકો સુદ્ધાં અનુભવાતો નથી. કવિ જ્યાં બસ કરું કહીને જંપવાની વાત કરે છે, ત્યાંથી આપણો અજંપો ન પ્રારંભાય તો સમજવું કે આ મૃત્યુ એ કેવળ કવિનું મૃત્યુ નથી, આપણે પણ મરી જ ચૂક્યા છીએ. હૈયું ફાટી પડવું જોઈએ એવી અનેક (દુર્)ઘટનાઓ આજે સરાજાહેર થતી રહે છે, પણ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકો સક્રિય બનીને દુર્ઘટના નિવારવામાં મદદરૂપ થવાના સ્થાને રીલ ઉતારીને ફોરવર્ડ કરવામાં મચ્યા રહે છે… આ મૃત્યુ હકીકતમાં કવિનું નહીં, આખેઆખા સમાજનું મૃત્યુ છે.

આ રચના અછાંદસ નથી, હરિગીતમાં લખાયેલ છે. એનું મોટેથી પઠન કરશો તો વધુ મજા આવશે.

Comments (5)

(વિસામો આપવામાં) – લિપિ ઓઝા

દયાને આવકારો આપવામાં,
ગુમાવ્યું ઘર વિસામો આપવામાં.

પછી જો હાલ સામો એ પૂછે તો?
હતું જોખમ દિલાસો આપવામાં.

કદી લાગે છે કે મરવુંય પડશે,
‘જીવું છું’નો પુરાવો આપવામાં.

પછીથી આંખ આરોપીની વાંચી,
ઉતાવળ થઈ ચુકાદો આપવામાં.

મળ્યો સંતોષ જનસેવા કર્યાનો,
વિનામૂલ્યે તમાશો આપવામાં.

હલેસા એની પાસે રાખશે બસ,
નથી વાંધો તરાપો આપવામાં.

– લિપિ ઓઝા

સંઘેડાઉતાર રચના. દરેક શેર મનનીય.

Comments (4)

આંખો ભરાઈ જાશે – ‘અગન’ રાજ્યગુરુ

કોને ખબર છે ક્યારે તારી જુદાઈ જાશે,
લાગે છે વૃક્ષનાં સૌ પર્ણો ગણાઈ જાશે.

એવા વિચારે મારા છે શ્વાસ શ્વાસ રણઝણ,
એ આવશે ને પળમાં સઘળે છવાઈ જાશે.

એની નજર પડે આ સંયમ ઉપર તો સારું,
ઝાઝું હસાવશે તો શાયદ રડાઈ જાશે.

છે ભાગ્ય પર ભરોસો કે ચાલવા જશું તો,
રસ્તા વચાળે ઊંચી ભીંતો ચણાઈ જશે.

તો પણ મને છે આશા કાગળની નાવ પાસે,
જાણું છું મેઘ વધતાં હમણાં તણાઈ જશે.

તારા વિરહની પીડા એવી હદે વધી છે,
કે બોલવા જશું તો ગઝલો ગવાઈ જાશે.

મારા જીવન વિશે કૈં પૂછો નહીં તો સારું,
બાકી ‘અગન’ તમારી આંખો ભરાઈ જાશે.

– ‘અગન’ રાજ્યગુરુ

લયસ્તરો પર કવિના બીજા સંગ્રહ ‘તમારી રાહમાં’નું સહૃદય સ્વાગત. સંગ્રહમાંથી એક સરસ મજાની ગઝલ આજે આપ સહુ મિત્રો માટે…

‘(S)he loves me, (s)he loves me not’ કહીને ફૂલની પાંખડીઓ એક પછી એક તોડતાં જઈ પ્રિયજનની પ્રતીક્ષા કરતા પ્રેમીઓનો આપણને અનુભવ છે, પણ કવિતાની ખરી મજા ત્યારે છે જ્યારે આ નાનકડી ચેષ્ટા અતિશયોક્તિ અલંકાર બનીને વૃક્ષના તમામ પર્ણો ગણી લેવા સુધી વિસ્તરે. આખેઆખી ગઝલ જ સ-રસ થઈ છે, પણ લગભગ બધા જ શેર સહજ-સાધ્ય હોવાથી ગઝલને એના ભાવકોની મહેફિલમાં એમ જ રમતી મૂકવામાં વધુ મજા છે…

Comments (4)

હીંચકો, કૉફી અને હું – તુષાર શુક્લ

નવરાશ જ નવરાશ છે.
કૉફી સંગે ઝૂલવું, જમવું, ઝોકું ખાઈ લેવું,
પુનઃ કૉફી સંગે ઝૂલવું.
આખા ઘરમાં આ ગેલેરી ગમતો પ્રદેશ છે.
આમ ઘરમાં ને આમ બ્હાર.
ઓરડામાં જ રહેવાના સમયનું આકાશ સાથે અનુસંધાન રચે છે ગેલેરી.
ગમે છે મને અહીં.

અત્યારે તો બપોર છે.
પણ તડકે સારું લાગે છે.
વિચાર કરું છું કે
ગ્રીષ્મના આવા મધ્યાહ્ને આમ બેસાય કે?
કમાલ છે ને!
હું,
ઝૂલો,
ગેલેરી,
ઘડિયાળમાં સમય પણ એ જ,
ને આ સૂરજ મહાશય પણ એ જ હશે;
માત્ર કેલેન્ડરમાં મહિનો જૂદો,
ઋતુ જૂદી.
ને કેવું બધું બદલાઇ જાય છે!
હશે,
હાલ તો બેસાય છે તો બેસવું
તડકાનો નાનેરો ટુકડો ચગળું બેઠા બેઠા
કૉફી આવે ત્યાં સુધી.

– તુષાર શુક્લ

જરૂરી નથી કે અઘરા અઘરા શબ્દો અને વજનદાર પ્રતીકો વાપરીએ તો જ સારી કવિતા બને. સારી કવિતા તો ફકત લખાય છે દિલની જુબાનમાં. શહેરોએ વિકાસની કાતર વડે મનુષ્યોને પ્રકૃતિ સાથે જોડતી નાળ કાપી નાંખી છે. સિમેન્ટ-કૉંક્રિટના જંગલોની વચ્ચે ગેલેરી જ એક એવી ચીજ છે, જે કંઈક અંશે તો કંઈક અંશે પણ પ્રકૃતિ સાથે આપણું પુનઃસંધાન કરી આપે છે… જો કે જેમની અંદર થોડી સંવેદના બચી ગઈ છે, એવા લોકોના ઘરમાં જ ગેલેરી કપડાં સૂકવવા સિવાયના કામમાં પણ વપરાય છે. મકાનની ગેલેરીમાં મૂકેલા હીંચકા પર બેસીને એક કપ કૉફીની પ્રતીક્ષા શું કહી રહી છે એ સાંભળવા જેવું છે…. ગેલેરીમાં હીંચકે બેસી ઝૂલવું, કૉફી પીવું અને ઝોકું સુદ્ધાં ખાઈ લેવું કથકની મનગમતી પ્રવૃત્તિ છે, કારણ કે ગેલેરી જ આકાશ સાથેનું અને એ મિષે કુદરત સાથે તાદાત્મ્ય સાધવામાં નિમિત્ત બને છે. પણ કથકના વિચાર કેવળ હીંચકો, કૉફીઅને જાત પૂરતા સીમિત ન રહેતા ઋતુચક્ર સુધી પણ વિસ્તરે છે. બની શકે કે શિયાળાની બપોરે જે ગેલેરીમાં બેસી શકાય છે, એ જ ગેલેરીમાં ભરઉનાળે ન પણ બેસાય. બનવાજોગ છે, પણ ખરી કવિતા અત્યારે જે ક્ષણ સાંપડી છે એને પૂર્ણપણે જીવી લેવામાં છે. Carpe Diem નો નાદ સંભળાય છે?!

Comments (4)

ઘર : ૦૨ : નવું – હસમુખ મઢીવાળા

(શિખરિણી)

નવા બંધાવેલા ઘર મહીં અમે દાખલ થયાં
અમોને લાગ્યું કે ત્યજી દઈ અમે એક તટને
બીજે કાંઠે પહોંચ્યા કઠિન પટને પાર કરીને
પરંતુ જૂનાનાં સ્મરણ પણ ક્યાં વિસ્તૃત થતાં?
હતો મોટો વાડો, રમણીય વળી આંગણ હતું,
ફુલોના ગુચ્છાથી મઘમઘ થતો બાગ પણ ત્યાં
હતો, ને બંધાઈ કંઈ વરસની ગાઢ પ્રીતથી
પુરાણા બંધોની હૂંફ તણીય ત્યાં સંગત હતી,
હવે છોડી આવ્યા જનકતણું એ ગ્રામીણ ઘર
અને આવી પહોંચ્યા નગરભૂમિના ભવ્ય ઘરમાં,
થવા માંડ્યું તેમાં સ્થગિત બધું પાછું પ્રવહિત,
નવી દષ્ટિ લાધી, નવીન વળી દશ્યો પ્રકટતાં.
અને લાગે છે કે જલકણી મટી વાદળ થયાં
નવા બંધાયેલા ઘર મહીં અમે દાખલ થયા.

– હસમુખ મઢીવાળા

‘ઘર’ સોનેટદ્વયમાંથી ગઈકાલે આપણે ‘જૂનું’ ઘર જોયું. આજે જોઈએ ‘નવું’ ઘર. ગામના જૂના અને શહેરના નવા ઘર વચ્ચેનો કઠિન પટ પાર કરીને કવિ જાણે કે એક તટ પરથી બીજા તટે પહોંચ્યા. શરીર તો નવા ઘરમાં પ્રવેશી રહ્યું છે પણ જૂના ઘરનાં સ્મરણો વિગત થતાં નથી. જે હોય તે, મૂળને વળગીને બેસી રહે એ વૃક્ષ વિકાસ ન પામી શકે. વિકસવા માટે મૂળ તો છોડવાં જ પડે. સમય સાથે નવું ઘર થાળે પડવા માંડે છે. સ્થગિત જિંદગી ફરી પ્રવાહી સમી વહેવા માંડી. અને નૂતન જીવનદૃષ્ટિ પણ લાધે છે. જળબુંદ મટીને જાણે કે વાદળમાં નવા ઘરમાં આવેલ પરિવાર પરિવર્તિત થયેલ અનુભવાય છે. મતલબ, ખાસો વિકાસ થયો છે. ગઈકાલના ‘સૅન્ડવિચ’ સૉનેટની જેમ જ આ સૉનેટમાં પણ પહેલી અને આખરી પંક્તિ કવિએ એકસમાન રાખી છે. ઘર વિશેનું આ સૉનેટ વાંચીએ ત્યારે બાલમુકુન્દ દવેનું અમર સૉનેટ ‘જૂનું ઘર ખાલી કરતાં’ પણ યાદ આવ્યા વિના નહીં રહે.

Comments (4)

ઘર : ૦૧ : જૂનું – હસમુખ મઢીવાળા

(શિખરિણી)

ગમે તેવું તોયે ઘર જનકનું સ્વર્ગ સરખું
અહીં આ ખૂણામાં જનમ મુજ મીઠી હૂંફ ભરી
થયો બાની કૂખે, અહીં જ કર્યું પહેલું બચબચ,
બિછાનુંયે ભીનું અહીં જ કર્યું’તું, ને ઘુંટણીયું
ભર્યું’તું ને માંડ્યાં ડગ પણ અહીંથી જ પ્રથમ;
અને શાળામાં જૈ જીવન તણી બારાખડીય તે
અહીંથી ઘૂંટી’તી, અહીં જ રહી મેં મુક્ત મનથી
રચ્યું’તું ભેરુનું દળ પણ હૂંફાળું, અહીંથી જ
પળ્યો’તો વિશ્વાસે સડક પર, ને હિમ્મત ધરી
દીધું’તું મેં સ્થાપી લઘુક પણ સામ્રાજ્ય અદકું,
હવે શ્વાસે શ્વાસે શ્વસી રહું છું મારું જ ઘર, ને
શ્વસું તેમાં પાછો ગત સમય કેરો પરિમલ,
અને સિદ્ધિઓ સૌ સ્મરી સ્મરી હું આકંઠ હરખું
ગમે તેવું તોયે જનકઘર વૈકુંઠ સરખું.

– હસમુખ મઢીવાળા

પિતાનું ઘર ગમે તેવું હોય, એ સ્વર્ગ સમાન જ હોવાનું. ‘ગમે તેવું’ને બંને અર્થમાં લઈ શકાય, ખરું ને? જે ઘર હવે ‘જૂનું’ થઈ ચૂક્યું છે એ ઘરમાં પોતાના જન્મ અને પ્રથમ ધાવણથી લઈને જીવનની બારાખડી શીખવા, મિત્રમંડળ બનાવીને દુનિયાદારીમાં પ્રવેશવા સુધીની તમામ વાતોનું કવિ અત્રે સ્મરણ કરે છે. કવિએ જણાવ્યું નથી, પણ આજે કદાચ માતા-પિતા હયાત નથી એટલે ગત સમયની સુવાસ અને સૌ સિદ્ધિઓને સ્મરી-સ્મરીને કવિ આકંઠ હરખે છે. સૉનેટની પ્રથમ અને છેલ્લી પંક્તિઓ લગભગ એકસરખી હોવાથી કવિ આ પ્રકારને એપોતાની રચનાઓને ‘સૅન્ડવિચ સૉનેટ’ તરીકે ઓળખાવતા હતા. આવતીકાલે આ સૉનેટદ્વયમાંનું બીજું સૉનેટ માણીશું.

Comments (4)