તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.
મુસાફિર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2016

કબૂલાત – કુસુમાગ્રજ (અનુ.: સુરેશ દલાલ)

હું છું
શબ્દલંપટ –
શબ્દની વારાંગના
ઝરૂખામાં ઊભી રહીને
ઇશારા કરે છે મને,
કોઈ પણ દાહક રસાયણમાં
પીગળી જય છે મારો બધોયે પ્રતિકાર
અને હું જાઉં છું
તે બહિષ્કૃત દરવાજા તોડીને
સીધો અંદર
અર્થનો હિસાબ કર્યા વિના.

– કુસુમાગ્રજ
(અનુ.: સુરેશ દલાલ)

વારાંગનાને ત્યાં જનાર વિષયલંપટ વ્યક્તિ પણ સમાજના બંધનો અને તિરસ્કારથી અભિગત હોય છે. એટલે બહિષ્કૃત દરવાજાની પેલે પાર જતાં પહેલાં એ એકવાર વિચર તો કરવાનો જ. પણ બારીમાંથી વેશ્યા દ્વારા કરાતો ઇશારો સંકોચના રહ્યાસહ્યા દરવાજા તોડાવી નાંખે છે. સહજસામાજિક આ ચિત્રની સમાંતરે જ કવિ કવિની માનસિક્તાનું રેખાંકન કરે છે. શબ્દ કવિને હંમેશા લલચાવે છે. કવિતાનું આમંત્રણ ભલભલા વિશ્વામિત્રનું તપોભંગ કરી દે છે. શબ્દ એના નવતર આકાર સાથે કવિની સામે આવી ઊભે છે ત્યારે કોઈ બંધન, મર્યાદા કવિને રોકી શકતી નથી. આ એ સંવનન છે જ્યાં અર્થનો હિસાબ જ શક્ય નથી. “અર્થ”ના બંને અર્થ અહીં ધ્યાનમાં લેવાના છે – ‘નાણું’ અને ‘મતલબ’. કેમકે કવિતામાં પણ અર્થ કરતાં અનુભૂતિનું જ મહત્ત્વ છે.

Comments (9)

What will you do, God, when I die? – Rainer Maria Rilke

What will you do, God, when I die?
When I, your pitcher, broken, lie?
When I, your drink, go stale or dry?
I am your garb, the trade you ply,
you lose your meaning, losing me.

Homeless without me, you will be
robbed of your welcome, warm and sweet.
I am your sandals: your tired feet
will wander bare for want of me.

Your mighty cloak will fall away.
Your glance that on my cheek was laid
and pillowed warm, will seek, dismayed,
the comforts that I offered once —
to lie, as sunset colors fade
in the cold lap of alien stones.

What will you do, God? I am afraid.

— Rainer Maria Rilke

શું કરશે તું, પ્રભુ ! મારા મૃત્યુ બાદ ?
તારી સુરાહી સમાન હું જ્યારે ભાંગીને વેરાયેલો હોઈશ ?
મારારૂપી તારી મદિરા જ્યારે વાસી-બેસ્વાદ થઈ જશે ?
હું તારું રોજીંદુ પહેરણ છું,
મને ગુમાવતાં તું તારો અર્થ ગુમાવી બેસે છે.

મારા વગરનો બેઘર તું ગુમાવી બેસશે
મધુરું ઉમળકાભેર સ્વાગત
પગરખાં છું હું તારા, મારા વિના
કલાન્ત નગ્ન ચરણો તારા ભટકતા રહેશે.

ભવ્ય ડગલો ઉતરી જશે તારો,
કરુણાસભર દ્રષ્ટિપાત તારો કે જે મારા ગાલ પર
રમતો રહેતો, તે શોધતો ફરશે એ ઉષ્મા
જે તેને નિત્ય હું ધરતો-
તે દ્રષ્ટિપાત, સૂર્યાસ્તની અદભૂત રંગસભા બરખાસ્ત થતાં,
અફળાતો રહેશે કાળમીંઢ ખડકોના ઉષ્માહીન ખોળામાં.

શું કરીશ તું, પ્રભુ ? ચિંતિત છું હું…..

આ વાત મને બહુ જ ગમી. અત્યંત હિંમતપૂર્વક કવિએ ઈશ્વરના અસ્તિત્વ અંગે મૂળભૂત પ્રશ્ન ઊભો કર્યો છે. શું ઈશ્વર માનવમનના એક ભ્રામક સર્જનથી વિશેષ કંઈ જ નથી ? ઉત્તર દરેકનો પોતીકો હોઈ શકે. અંગત રીતે હું તો દ્રઢપણે માનું છું કે માનવ ઈશ્વરનું સંતાન નથી, ઈશ્વર માનવનું સંતાન છે.I think, therefore I am. – Rene Descartes

Comments (4)

ભીતરથી ભાવમય – સંજુ વાળા

ભવરણ તરી જે જાય તે ભીતરથી ભાવમય
બસ દૂરથી નિહાળી રહે નિજનો ક્ષય વિલય

જે ઓળખી જશે તે સદાકાળ હો અજય
રમવું દે સાથ તો રમે વક્તા અને વિષય

ભ્રમણા નથી રહી કે નથી ભાન પણ રહ્યું
કચડાય રોજ પગ તળે નિયતિ,નવા નિશ્ચય

દેખાઉં હેમખેમ એ બાહિક સ્વભાવ છે
અંદર ઉઠી રહ્યા છે કૈં આંસુભીના પ્રલય

સિગ્નલ ખુલ્યું હો એમ ખૂલે છે ભવિષ્ય પણ
ત્યારે જ આંબી જાય છે પૂરૂં થયેલ વય

ટ્રાફિકમાં ગૂંચવાય ગયો હે મહારથી !
સક્ષમ છે પાર કરવા તું વર્તુળ ‘ને વલય

દુર્ભાગ્ય આપણા કે સ્વીકારી શક્યા નહીં
નહિતર તો હાથવેંતમાં કાયમ રહે છે જય

– સંજુ વાળા

પ્રત્યેક શેરમાં ઊંડાણ છે – માત્ર એક ઉદાહરણ જોઈએ – ત્રીજો શેર – પ્રત્યેક વ્યક્તિ ઘણાબધા ‘હું – I ‘ નો બનેલો હોય છે. વ્યવહારમાં જ્યારે આપણે આપણી જાત માટે ‘ હું ‘ પ્રયોજતા હોઈએ છીએ ત્યારે તે એક ભ્રમણા હોય છે કે આપણે એક unified વ્યક્તિ છીએ. આપણી અંદર અસંખ્ય ભિન્ન ‘હું’ વસે છે અને સમયે સમયે વિભિન્ન ‘હું’ સપાટી ઉપર આવતા હોય છે. આ સંદર્ભ સાથે આ શેરનો આસ્વાદ કરવા વિનંતી….

Comments (1)

ગઝલ – ઉર્વીશ વસાવડા

image

ભીતરે બાળક રહી વરસાદનું સ્વાગત કર્યું,
નાવ કાગળની લઈ વરસાદનું સ્વાગત કર્યું.

આ ધરા માફક મહેકતાં છો મને ના આવડે,
તરબતર ભીના થઈ વરસાદનું સ્વાગત કર્યું.

પ્હાડની સંવેદનાઓ આ ક્ષણે સમજાય છે,
કૈંક ઝરણાંએ વહી વરસાદનું સ્વાગત કર્યું.

વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી,
સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું.

માત્ર આ આકાશને પોષાય એવું આ રીતે,
એમ ધરતીએ કહી વરસાદનું સ્વાગત કર્યું.

– ઉર્વીશ વસાવડા

આમ તો હજી ચોમાસું પડું-પડું કરતુંક હાથતાળી જ દઈ રહ્યું છે પણ તબીબ-કવિમિત્ર ઉર્વીશ વસાવડા એમનો નવતર ગઝલસંગ્રહ “ઝાકળના સૂરજ” લઈ ઉપસ્થિત થયા છે ત્યારે મન દઈને ન આવેલા વરસાદની સાથોસાથ એમના આ સંગ્રહનું આપણે મન દઈને સ્વાગત કરીએ.

Comments (9)

ગઝલ – હિમલ પંડ્યા ‘પાર્થ

બે ઘડીની આ રમતને શું કરું?
શ્વાસ સાથેની મમતને શું કરું?

આખરે તો હારવાનું છે પછી,
મોત સામેની લડતને શું કરું?

આંખથી એ તો સરી જાશે કદી,
આંસુઓ કેરી બચતને શું કરું?

પાછું વાળી જોઉં તોયે વ્યર્થ છે,
હું ગયેલા એ વખતને શું કરું?

બેઉ પક્ષેથી એ નભવી જોઈએ!
પ્રેમની પહેલી શરતને શું કરું?

લાગણી આપો જરા તો ઠીક છે,
આ ઉપેક્ષાઓ સતતને શું કરું?

‘પાર્થ’ જેને શોધતાં થાકે ચરણ,
સ્વપ્નમાંના એ જગતને શું કરું?

– હિમલ પંડ્યા ‘પાર્થ

કેવી સ-રસ ગઝલ… એક-એક શેર પાણીદાર !

નાની ઉંમરે મૃત્યુને સન્મુખ આવી ઊભેલું જોનાર અને સદનસીબે જીવતદાન પામનાર આ યુવા કવિની ગઝલોમાં મૃત્યુનો સંસ્પર્શ સતત વર્તાતો જોવા મળે છે…

Comments (7)

ગઝલ – ભાવિન ગોપાણી

image

દુનિયાભરની અટકળ આવે,
જ્યારે કોરો કાગળ આવે.

ખેડો તદ્દન નવી સફર તો,
રસ્તો પાછળ પાછળ આવે.

પ્રેમ કર્યો પણ રડ્યા નથી જે,
થાય ઊભા ને આગળ આવે.

એક સ્મરણ મેં પાછું કાઢ્યું,
હું ઇચ્છું છું પુષ્કળ આવે.

થોડા ચ્હેરા એવા મોકલ,
સૌની આંખોમાં બળ આવે.

તું મારામાં કેમ ન આવે ?
જો પથ્થર પર કૂંપળ આવે.

– ભાવિન ગોપાણી

‘ઉંબરો’ વટાવો અને ‘ઓરડો’માં પ્રવેશો. ભાવિન ગોપાણી એમના બીજા ગઝલસંગ્રહ વડે એમના ગઝલઘરમાં આપણને આમંત્રે છે. સંગ્રહમાંથી એક સંઘેડાઉતાર રચના આપ સહુ માટે.

બીજા સંગ્રહ માટે કવિને લયસ્તરો તરફથી શુભકામનાઓ….

Comments (16)

અવળી શિખામણો – મુકેશ જોશી

અઢળક સૂરજ અમે ડૂબાડ્યા, તું પણ નવા ડૂબાડ
માણસાઇ ચૂલામાં છે તું અગ્નિ નવો લગાડ

પ્રેકટીકલ બનવાથી ખીલે અમનચેનના સુખ
ગામ ભાડમાં જાય છો ને કૂવે ભરતું દુ:ખ
ટાલ હોય તો કેવી રીતે વાંકો કરશે વાળ
ઠંડા પીણા પીને કહેવું ક્યાં છે અહી દુકાળ

ફાઇવસ્ટાર આકાશ તમારા છતની નીચે બીવે
જીણાં જીવડાં ખાઇ છોને ગરીબ બાળક જીવે
ફર્નીચરની સાથ કરો સહુ રુમનુ વેવિશાળ
સાંભળવા ના જાવું છોને ચીસો પાડતી ડાળ

પાણી પાસે કરાવતો રહે પરપોટાની વેઠ
તો જ તારી કીર્તિ જાશે સ્વર્ગલોકની ઠેઠ
પ્રોફેશનલ ના બની શક્યો તો કિસ્મત ગબડી જાશે
ઇમોશનલ ના રહી શકયો તો જીવ જ ફાડી ખાશે

બધા લાગણીવેડા ફરતે કર બુધિધની વાડ
તારી ખીણો સંતાડી તું ખોદ બીજાના પહાડ

– મુકેશ જોશી

કવિતાના શીર્ષકથી જ આખી કવિતા સમજાઈ જાય છે….

Comments (5)

તારે ખાતર – રાબિયા

‘ઓ મારા પ્રભુ,
જો હું તને નરકની બીકે ભજતી હોઉં
તો મને નરકમાં બાળી મૂકજે,
જો હું તને સ્વર્ગની આશાએ ભજતી હોઉં
તો મને એમાંથી બાકાત રાખજે,
પણ જો હું તારે ખાતર જ તને ભજતી હોઉં
તો
તારૂ અનંત સૌંદર્ય મારાથી છુપાવીશ નહીં.’

– રાબિયા [ આઠમી સદીની અરબસ્તાની સૂફી સંત ]

એક વાર મિર્ઝા ગાલિબએ શુક્રવારની નમાઝથી પાછા ફરતા બિરાદરોને જોઇને કટાક્ષ કરેલો – ‘ હો ચુકી અલ્લાહ સે સૌદેબાઝી !!! ‘

Comments (8)

સતત – હર્ષ બ્રહ્મભટ્ટ

યાદનાં પગલાં સતત,
છેતરે મન હર વખત.

છે નવું આરંભમાં,
અંતમાં એ પૂર્વવત્.

જાઉં ક્યાં ફરિયાદ લઈ ?
છે મને મારી અછત.

શ્વાસ પુષ્કળ કિંમતી,
પણ હવા આપી મફત.

એક મિસરો તું બને,
એક મિસરો આ જગત.

કોણ આ વચ્ચે ઊભું ?
હું જ સત ને હું અસત.

– હર્ષ બ્રહ્મભટ્ટ

ટૂંકી બહેરમાં સરસ કામ.

Comments (10)

પી જવાનું હોય છે – વેણીભાઈ પુરોહિત

જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી,
ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી.

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.

જોઈ લેવું આપણે, જોનારને પણ છૂટ છે,
આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી.

ભાનભૂલી વેદનાઓને વલૂરી નાખવી,
જ્વાલા ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી.

જામમાં રેડાય તેને પી જવાનું હોય છે,
ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી.

કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું,
થોડુંક રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી.

ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન,
જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી.

એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ,
ફૂંક સૂરીલી અને બંસી બસૂરી રાખવી.

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી

– વેણીભાઈ પુરોહિત

કબરમાંથી મડદાંને બેઠી કરી દે એવી ખુમારીવાળી ગઝલ. થોડી અદાઓ ફાંકડી અને બાજ-બુલબુલવાળા બે શેર તો કોલેજકાળમાં અમે જ્યાં ને ત્યાં ફટકારતા.

આ ગઝલ 2007માં ટહુકો ડૉટ કોમ પર વાંચી હતી ત્યારે હે પ્રતિભાવ મેં આપ્યો હતો એ આજે કવિમિત્ર નિનાદ અધ્યારુએ શોધી કાઢીને મને મોકલ્યો, જે અહીં ઉમેરવાની લાલચ જતી નથી કરી શકતો: “આ ગઝલના બે શેર જ મને ખબર હતા અને એ બંને મારા ઓલટાઈમ ફેવરીટ રહ્યા છે. મુક્તકની જેમ હું એ બે શેર સાથે જ લલકારતો રહું છું અને જ્યારે અંદરથી ઢીલાશ અનુભવું છું ત્યારે મોટેથી અંદર જ લલકારું છું અને પુનર્ચેતના પામું છું. વાત ઈશ્કની છે પણ ગઝલનો અંદાજ-એ-બયાઁ એટલો પ્રબળ છે કે મડદામાં જાન લાવી દે. પણ એ બીજો બીજો શેર ક્યાં ગયો?

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”

***

* ફિતૂરી – બળવાખોરી
* ઘૂરી = આવેશ, ઊભરો, જુસ્સો

Comments (11)

ગઝલ – નિનાદ અધ્યારુ

અમથી-અમથી ફાળ પડે છે,
વિચારું ત્યાં ડાળ પડે છે !

વિક્રમ જેવું જીવું કિન્તુ,
ખભ્ભે રોજ વેતાળ પડે છે !

આંખો સામે જોયા ના કર,
આંખો બહુ ખર્ચાળ પડે છે !

ત્યાં પણ ઘોડાપૂર જોયાં જ્યાં-
પાણી પહેલા પાળ પડે છે.

એણે ના પાડી તો શું છે ?
દિલના ક્યાં દુકાળ પડે છે !

ખોટું બોલો, સરઘસ કાઢે,
સાચું બોલો, ગાળ પડે છે !

પ્રેમ કરો તો જાણો સાહેબ,
દિલમાં કેવી જાળ પડે છે !

મૂઠ્ઠીભર સુખ માંડ છૂપાવું,
ત્યાં દુનિયાની લાળ પડે છે.

પ્રેમમાં સૌ કોઈ પડતુ કિન્તુ,
સૌ પહેલા શરમાળ પડે છે !

‘નિનાદ’ મારી વ્હાલી જગ્યા :
એની જ્યાં પરસાળ પડે છે !

– નિનાદ અધ્યારુ

પાણીદાર ગઝલ… લગભગ બધા જ શેર સંતર્પક.

Comments (12)

અર્થો જુદા હતા – શ્યામ સાધુ

દુ:ખની દીવાલે મોર સમયના મૂંગા હતા;
લાગે છે એટલે જ આ આંસુ ઊનાં હતાં !

હોવાનો અર્થ આ રીતે અહીંયાં જટિલ છે,
છે દ્વાર ક્યાં ? છતાંય કહે છે : ખૂલાં હતાં !

પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.

કૃપા કરીને ખુશબો અલગ તારવો નહીં,
ફૂલોની વચ્ચે થાકીને રંગો સૂતા હતા !

દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !

– શ્યામ સાધુ

કોમળ શબ્દો….સુંદર ગૂંથણી….મનનીય અર્થ….

Comments (5)

આપણી આ વાર્તા – સંજુ વાળા

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

બે બત્તા બે નો જો સરવાળો પાંચ
પાંચ સાચા કે સાચું ગણિત
એવું કોઇ પૂછે તો થઇ જાતા
આપણામાં બેઠેલા ઇશ્વર ભયભીત

કોઇ સાવ ઘગઘગતો લાવા કહેવાય
તો કોઇ નર્યા હોય શકે સંત

જાહેર પોતાનો પડછાયો પાડવાની
ફરમાવી સખ્ખત મનાઈ
એટલે તો સૂરજને છત્રીમાં છાવરીને
વિહરવા ને નીકળે છે સાંઈ

છત્રી તો એવું આકાશ જેના આ સળમાંથી
યાતનાઓ ખૂલે અનંત

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

-સંજુ વાળા

અસ્તિત્વની વાત છે. મર્યાદિત ઇન્દ્રિયજ્ઞાન દ્વારા ઇન્દ્રિયાતીતને સમજવાની મથામણ કરતા પામર જીવની વાત છે….છત્રી સૂર્યના પ્રખર તાપથી કદાચ બચાવે છે પરંતુ તે સત્ય [ સૂર્ય ] અને વ્યક્તિ વચ્ચે એક આડશ ઊભી કરી દે છે જેમાંથી પારાવાર યાતના જન્મે છે. ઈશ્વરની એક માનવસર્જિત પરિકલ્પના સાથે જયારે વ્યવહારિક જીવનના અવલોકનોનો તાળો ન મળે ત્યારે તે પરિકલ્પના ભયભીત થઇ ઉઠે છે અને પારાવાર મૂંઝવણો-દ્વંદ્વો ઉદ્ભવે છે.

Comments (9)

ગઝલ – ભાવિન ગોપાણી

image

પાથરે છે યાદ, ચ્હેરા ચીતરીને
ઘરની ભીંતો પરથી ચૂનો પણ ખરીને.

કહી ગયો અંધાર આ શું કરગરીને ?
સૌ દીવા પાછા ફર્યા જાતે ઠરીને.

આપ જે માણી રહ્યા છો નાચ જેવું,
કોઈનું એ જીવવું છે થરથરીને.

વૃક્ષ જેવા વૃક્ષથી નારાજ થઈને,
રોડ પર આવી ગયાં ફૂલો ખરીને.

ઓળખું ક્યાંથી એ પડછાયાને મારા !
જે મળ્યો કાયમ મને ઊંધો ફરીને.

દૂરનું રણ જોઈને જો ખુશ થયા તો,
આંગણે આવી જશે એ વિસ્તરીને.

– ભાવિન ગોપાણી

ઉંબરા પર પગ મૂકતાં જ ઓરડો કેવો હશે એનો ક્યાસ આવી જાય છે એમ જ ભાવિન ગોપાણીના ‘ઉંબરો’ સંગ્રહમાંની આ ગઝલના ઉંબરે – પહેલા શેર આગળ ઊભતાં જ આખી ગઝલનો અંદાજ આવી જાય છે. ભીંત પરથી અનિયમિત આકારમાં ચૂનો ખરે અને એમાં કોઈનો ચહેરો યાદ બનીને પથરાતા હોય એ એક કલ્પન જ આખી ગઝલની રેખાકૃતિ ચીતરી આપે છે. આંધારાની વિનંતીને માન આપીને જાતે ઠરી જતા દીવા પણ દાદ માંગી લે છે. સમય સાથે ખરી જતાં ફૂલોની હકીકતને નારાજગી સાથે સાંકળી લેવાનું કમાલ ચિત્ર દોર્યા બાદ કવિ ખરી કમાલ તો ‘રોડ પર આવી જવું’ રુઢિપ્રયોગને બેવડા અર્થમાં જે રીતે પ્રયોજે છે એમાં કરે છે…

કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘ઉંબરો’નું લયસ્તરોના ઉંબરે સહૃદય સ્વાગત છે….

Comments (13)

થયો જ નહીં – ભરત વિંઝુડા

image

રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !

બાકી રાખી દીધું વરસવાનું,
એણે ને હું ભીનો થયો જ નહીં !

એક પથ્થરને મેં તરાસ્યો બહુ,
પણ કદી એ હીરો થયો જ નહીં !

કાગડા હોય છે બધે કાળાં,
કંઈ અનુભવ બીજો થયો જ નહીં !

માત્ર મારા જ માપમાં છું હું,
સહેજ ઊંચો, નીચો થયો જ નહીં !

ક્યાંક આગળ હતો હું રસ્તા પર,
એથી એનો પીછો થયો જ નહીં !

સૂર્ય કિરણોની જેમ ચાલું છું,
કોઈ રસ્તો સીધો થયો જ નહીં !

– ભરત વિંઝુડા

લયસ્તરોના આંગણે કવિમિત્ર શ્રી ભરત વિંઝુડા એમનો સાતમો ગઝલ સંગ્રહ “તો અને તો જ” લઈને આવ્યા છે… કવિ અને સંગ્રહ – બંનેનું દબદબાભેર સ્વાગત… સંગ્રહમાંથી એક ગઝલ પ્રસ્તુત કરીએ…

Comments (17)

ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?!

અધખૂલી આ કમળકળીમાં આંસુ ઝીલી લેજો;
લિપિબદ્ધ એ વિઅરહવ્યથાઓ જઈ શ્યામને દેજો !
ઉદ્ધવ ! એને કહેજો : પૂનમને અજવાળે વાંચે;
તો ય કદાચિત દાઝી જાશે આંખ, અક્ષરી આંચે !

ઊનાં ધગધગતા નિશ્વાસો નથી આપતાં સાથે !
જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !

લો, આ મોરમુકુટ, વાંસળી, વૈજ્યંતીની માળા;
કદમ્બની આ ડાળ, વસન રાધાનાં અતિ રૂપાળાં !
સ્મૃતિચિહ્ન સઘળાં એકાંતે જ્યારે શ્યામ નીરખશે;
ત્યારે વ્રજને સંભારીને ધ્રૂસકે ધ્રૂસકે રડશે !

કહેજો કે આ યમુના તટની ધૂળ ચઢાવે માથે !

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?!

– વીરુ પુરોહિત

અતિથિ દેવો ભવના આપણા સંસ્કાર વારસાને ગોપીઓ કેવી ચતુરાઈપૂર્વક પ્રયોજે છે તે જુઓ. કૃષ્ણનો સંદેશો લઈને મથુરા આવેલ ઉદ્ધવને અતિથિ ખાલી હાથે પાછો ન જઈ શકે એ સંસ્કાર આગળ કરીને ગોપીઓ પોતાને સહુને સાથે લઈ જવાની સોગઠી ફેંકે છે એ વાત રજૂ કરીને કવિ કેવું મજાનું ગીત આપણને આપે છે !

Comments (6)

અધીરો છે ઈશ્વર – અનિલ ચાવડા

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?

નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું,
અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે.

કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક,
ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે.

સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક,
ફક્ત ખાબોચિયાં છે આ બધાં તો ખારવા માટે.

કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ,
બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે.

– અનિલ ચાવડા

દરેક શેર એક કહાની છે….

Comments (13)

ફરી પાછું વૃક્ષ – સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

જૂના સમયના એ તપખીરિયા થડને
હવે તો ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી
ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી લીધું હતું.
ઉતાવળે જમવા બેસવાનું ટેબલ અને ખુરશીઓ, હમણાંનાં સંબંધીઓને
અને ઉપરીઓને કાગળ લખવાનું મેજ, રોજ સાવ તાજા સમાચારો
સંભળાવતા રેડિયોને મૂકવાનું સ્ટૅન્ડ – કૈં કેટલાયે કામની વસ્તુઓ
બનાવી લીધી હતી
જૂના સમયના એ તપખીરિયા થડમાંથી.

કંઈ કોઈ ઝંઝાવાત નહોતો થયો. ના કોઈ વીજકડાકા.
યાદે નથી આવતું કેવું હતું એ વૃક્ષ, – વૃક્ષ?!
રમૂજ થાય ને માનીયે ના શકાય આજે તો મારાથી
કે આ ટેબલ, ખુરશીઓ, મેજ સ્ટૅન્ડ, બૂક શેલ્ફ, અભેરાઈઓ આ બધું
વળી જૂના સમયનું વૃક્ષ હતું! મારાથી તો આજે
કદાચ માનીયે ના શકાય ને હસવું આવે.
ક્યારેક જોકે થાક્યા આવી, બરાબર જમી, હિતેચ્છુની ભેટ રૂપે આવતા
જનકલ્યાણનો નવો અંક વાંચતાં વાંચતાં ક્યારેક, જોકે, જાણે કે
ભ્રમણા થાય
કે
આ બારણા કનેની ખુરશીના હાથામાંથી જાંબલી રંગનું ફૂલ ખીલ્યું,
કે આ ભાષણોની નોંધના કાગળોથી છવાયલા મેજના ખાનામાં
ખાટા સવાદનું મીઠું ફળ ઝૂલ્યું,
કે આ જનકલ્યાણ અને અખંડ આનંદની ફાઈલોવાળા શેલ્ફ પરથી
અચાનક એક રાતું પંખી ઊડ્યું ને લીલી કૂંપળ ફૂટી,
કે આ રોજ પહેરવાનાં કપડાં ગડી કરીને મૂકવા બનાવેલા ખાનામાં
અણધારી વસંતનો માદક સુગંધી રસ ઝર્યો.
ને પછી વળી જરા હસવું આવે, અને રમૂજ થાય, ને યાદ આવે
કે જૂના સમયના એ તપખીરિયા થડને
હવે તો ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી
ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી લીધું છે.

– સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

બારીક ઈશારો છે – બ્રહ્માંડમાં મૂળતત્વ એક જ છે તે શક્તિ [ energy ] અને દ્રશ્ય તમામ matter એનું જ સ્વરૂપ છે. જે આજે વૃક્ષ છે, તે કાલે ફર્નીચરનું લાકડું છે, તે જ કાલે બળતણનું લાકડું છે, તે જ અગ્નિ છે, તે જ શક્તિ છે, પ્રકાશ છે, કિરણ છે, ધુમ્રસેર છે……સમયાવકાશે તે એક સમગ્ર વર્તુળ ફરીને ફરી વૃક્ષ બને છે અને આ ચક્ર નિરંતર ચાલતું રહે છે. Nietzsche જેને ‘ eternal recurrence ‘ કહે છે તે આ વર્તુળ. જયારે આ વાત એકદમ દિલથી સમજાય, આત્મસાત થાય, માંહ્યલે વણાઈ જાય ત્યારે કોઈ attachments ટકતા નથી. Desire નું છદ્મસ્વરૂપ ત્યારે સમજાય છે. ચૂલાના અગ્નિમાં સૂર્ય અને સૂર્યમાં ચૂલાનો અગ્નિ દ્રષ્ટિગોચર થાય છે…..

Comments (2)

ગઝલ – યામિની વ્યાસ

જાદુ શું કીધો ગરમાળે !
ટહુકા બેઠા ડાળે ડાળે.

ક્ષણ ક્ષણનું આ વસ્ત્ર સમયનું,
વણતું કોઈ કબીરની સાળે.

વીત્યાં વર્ષો જાણે ઝૂલે,
કરોળિયાના જાળે જાળે.

પાંદડીઓ ઝાકળ પીવાને
સૂરજના કિરણોને ગાળે.

બાળક રડતું ‘મા.. મા..’ બોલ્યું,
મેં જોયું હૈયાની ફાળે.

આવ ગઝલ, તારું સ્વાગત છે,
કોઈ તને મળવાનું ટાળે ?

– યામિની વ્યાસ

નખશિખ સંતર્પક રચના.

Comments (23)

થાય છે – રાજુ રબારી

પંખીઓના રોજ મેળા થાય છે,
એટલે તો સાંજવેળા થાય છે.

એટલે વરસી પડે છે વાદળાં,
આભમાં પાણીય ભેળાં થાય છે.

સંતુલન કેવું હશે ઈશ્વર તણું,
સાપની સાથે જ શેળા થાય છે !

પારખાં ત્યારે જ મિત્રોના થશે,
કોઈની વેળા કવેળા થાય છે.

– રાજુ રબારી

વાતો તો એની એ જ છે પણ જે વાત ધ્યાન ખેંચે છે એ છે કવિનો નોખો અંદાજ-એ-બયાઁ. છેલ્લા શેરમાં કવિએ જે રીતે “વેળા કવેળા” શબ્દપ્રયોગ કર્યો છે એ સાચે જ કાબિલ-એ-દાદ છે…

Comments (11)

ચલાવું છું – સુનીલ શાહ

image

એમ પીડાને હું હરાવું છું,
તું વધારે છે, હું વધાવું છું.

એ જ જખ્મો છે, એ જ નક્શો છે,
ભાત નોખી હું ક્યાં બતાવું છું ?

કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.

તું હશે સારથિ જગતનો પણ
મારા ઘરને તો હું ચલાવું છું…!

છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
જાતને રોજ હું ઉઠાવું છું.

– સુનીલ શાહ

કવિની કમાલ સમજવા આખી ગઝલ કે આખા સંગ્રહમાંથી પસાર થવાની જરૂર જ નથી. ફક્ત મત્લાનો શેર જ જુઓ. પીડાની ઉપર વિજય મેળવવાની ચાવી એટલે જીવતાં શીખવાની કળા. સામું પાત્ર કે દુનિયા કે ઈશ્વર સાક્ષાત ભલેને પીડાને વધારતા હોય, પણ જે ઘડીએ આપણે એને વધાવી લેતાં શીખી જઈએ એ ઘડી પીડાને પરાસ્ત કરવાની ઘડી છે. પણ કવિની ખરી કમાલ તો અહીંથી જ આગળ વધે છે. ‘વધારે’ અને ‘વધાવું’ – બે શબ્દોમાં ફક્ત છેલ્લા એક જ અક્ષરને બદલી નાંખીને કવિ જે રીતે બે અલગ જ અર્થ સાવ સાંકડી જગ્યામાં ઊભા કરી શક્યા છે એમાં જ ખરી કવિતા અને કવિની કમાલ નજરે ચડે છે.

સુરતના કવિમિત્ર શ્રી સુનીલ શાહ પોતાના પ્રથમ ગઝલસંગ્રહ “પાંખોની દોસ્તી” લઈને લયસ્તરોના આંગણે આવ્યા છે ત્યારે એમનું સહૃદય સ્વાગત અને કોટિ કોટિ શુભકામનાઓ…

Comments (17)